પ્રકાશનું આમ અચાનક ચાલી જવું નિશિકાંત પર અસર કરી ગયું હતું. એ વાત સાચી હતી કે પ્રકાશ ઘણી વાતોમાં નિશીકાંતથી કતરાતો રહેતો. ખાસ કરીને જયારે બે જણની સરખામણી થતી ત્યારે. એ માટે જવાબદાર હતા માસ્તરસાહેબ પોતે. નિશિકાંત માત્ર ભણવામાં જ નહીં બધી રીતે ખંતીલો હતો. આ વાત માટે થઈને પ્રકાશને વારંવાર શિખામણના બે શબ્દ સાંભળવા પડતા. જે વાત પ્રકાશને ભારે કઠતી હતી. પરંતુ, શહેરમાં આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. વારંવાર રોકટોક કરવા માસ્તરસાહેબ તો હાજર નહોતા. બે યુવાનો પોતાની રીતે ભણતા, કામ કરતા અને કમાતા હતા. છતાં, ટોકવા જેવી વાત એ હતી કે નિશિકાંત કમાણીનો થોડો હિસ્
સો માસ્તરસાહેબને ભૂલ્યા વિના મોકલતો. પ્રકાશ કુસંગમાં પડ્યો એ પહેલા નિશીકાંતને વાદે શરમના માર્યા, એમાં સરખામણી ન થાય એવા ડરથી થોડીઘણી રકમ મોકલતો રહેતો. માસ્તરસાહેબને થોડા સમયમાં સમજાયું હતું કે પ્રકાશને કાબૂમાં રાખવા માટે જો યોગ્ય પગલાં ન લેવાયા તો અવળાં પરિણામ આવી શકે છે. એ સમય પાકે તે પહેલા તો પરિણામ આવી ગયું હતું. પ્રકાશને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. માસ્તરસાહેબ એને પોતાની સાથે ખડકી લઇ ગયા હતા.
પ્રકાશ વિનાના દિવસો કપરાં વીતી રહ્યા હતા. સવારે કોલેજ, બપોરથી રાત સુધીને સમય પ્રોફેસરને ત્યાં વીતી જતો. નિશીકાંતને પહેલીવાર સમજાયો એકલા હોવાનો અર્થ.
એકાંત અને એકલા હોવાનો ફરક. પ્રકાશ હતો ત્યારે ઊંઘી જતા પૂર્વે થતી હતી તેવી વાતચીત પણ હવે કોઈ સાથે શક્ય નહોતી.
ત્રણ વર્ષ કપરા વીત્યા પણ નિશીકાંતના આનંદનો પાર ન રહ્યો જયારે પરિણામ આવ્યું.
નિશિકાંત ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઇ ચૂક્યો હતો.
પ્રોફેસરના આશીર્વાદ લઈને ગામ આવવા નીકળ્યો ત્યારે જ્યાં સો શબ્દની જરૂર હોય ત્યાં છ શબ્દ બોલનાર મિતભાષી પ્રોફેસર શ્રીવાસ્તવ પહેલીવાર ભાવુક થઇ ગયા હતા.
'નિશિકાંત, જલ્દી પાછો આવજે, તું ખડકી ભલે જાય , પણ એ તારી મંઝિલ નથી. એક નવી દિશા તારી રાહ જોઈ રહી છે. તારા આવવાની હું રાહ જોઇશ. '
નિશિકાંત એ સાંભળીને મૂંઝાયો હતો. પ્રોફેસર શ્રીવાસ્તવ કઈ મંઝિલની વાત કરી રહ્યા હતા. પોતે અત્યાર સુધી પ્રોફેસરના સહાયક બની રહ્યા સિવાય બીજું કોઈ કામ કર્યું નહોતું. માત્ર સ્નાતક હોવું કોઈ સારી નોકરીને કાબિલ બનાવતું નહોતું. સ્નાતક તો થઇ ગયો હતો પણ દિશાહીન હતો. હવે એક જ માર્ગ હતો ઓપન યુનિવર્સીટીમાંથી આગળ ભણી ડોક્ટરેટ થઇ કોઈ શાળા કે કોલેજમાં નોકરી લેવી।
જે પણ નિર્ણય થાય માસ્તરસાહેબનું માર્ગદર્શન જરૂરી હતું , આખરે આજનો દિવસ તેમના ઉપકારને આભારી હતો.
નિશિકાંત પૂરા પાંચ વર્ષે ગામ જઈ રહ્યો હતો. એને સહુ કોઈને યાદ રાખીને ભેટ લીધી હતી. માસ્તરસાહેબ માટે મોંઘી પેન, ઉમા તાઈ માટે સાડી, સુધા માટે ફ્રોક ,અને પ્રકાશ માટે પૈસા પૈસા બચાવીને ખરીદેલું સેકન્ડહેન્ડ લેપટોપ.
ખડકી જતી બસમાં નિશિકાંત ચઢ્યો ત્યારથી એના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા.
પ્રકાશ શું કરતો હશે ? સુધા પણ હવે એસએસસી પાસ થઇ ગઈ હશે. ઉમા તાઈનો રોષ હવે આદરમાં બદલાયો હશે?
બસની મુસાફરી દરમિયાન નિશિકાંતના મનમાં ન જાણે કેટકેટલા વિચારો આવીને ઉડી ગયા હતા. ન ચાહવા છતાં એક વિચાર આવતો રહેતો હતો. સરપંચ પાટીલને પાઠ ભણાવવાનો. પોતાના પિતાનું પચાવી પડેલું ઘર અને ખેતર કઈ રીતે હાંસલ કરી શકાય.
મનના વિચારોને કોઈ દિશા ન મળી ત્યારે એને એને માથું ટેકવી આંખો બંધ કરી દીધી. વિચારોનો ધોધ રોકવા માટે આંખો મીંચીને ઊંઘવાનો પ્રયત્ન કરવો એ જ એક ઉકેલ હતો.
સાત કલાકે બસ ખડકી પહોંચી ત્યારે બસ ડેપો જોઈને નિશિકાંતને નવાઈ લાગી. માત્ર પાંચ વર્ષમાં નાનું ધૂળિયું ગામ ઘણું બદલાઈ ચૂક્યું હતું. બસ ડેપો પણ ઘણો મોટો અને વ્યવસ્થિત થઇ ચૂક્યો હતો.
સામાનમાં રહેલી એક બેગ લઈને નિશિકાંત નીચે ઉતર્યો તે સાથે કેટલી બધી લાગણીઓ એને ઘેરી વળી.
ધીરે પગલે નિશિકાંત બસ ડેપોની બહાર નીકળ્યો.
પહેલા જ્યાં ઘોડાગાડી દોડતી હતી ત્યાં હવે ડીઝલ પર ચાલતી રીક્ષા આવી ચૂકી હતી.
રિક્ષામાં સવાર થઈને માસ્તરસાહેબના ઘરે આવી પહોંચેલા નિશિકાંતને ખરું આશ્ચર્ય તો હવે થવાનું હતું.
રીક્ષા માસ્તરસાહેબના ઘર પાસે આવીને ઉભી રહી , ઘરમાં ધામધૂમ થઇ રહી હતી. ઘરને જે રીતે શણગારાયું હતું એ જોતા તો લાગતું હતું કે કોઈ માંગલિક પ્રસંગ હોવો જોઈએ. નિશિકાંતે પોતાના આગમનની જાણ તો કરી નહોતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ સામે મળ્યા માસ્તરસાહેબ , તેમને ચરણસ્પર્શ પ્રણામ કરી નિશિકાંત બાજુએ ઉભો રહ્યો.
'નિશિકાંત , શું મોકા પર આવ્યો છે તું, સો વર્ષનો થજે' માસ્તરસાહેબના આશીર્વાદ મળી રહ્યા હતા ત્યારે જ ઉમા તાઈનો પ્રવેશ થયો ને પાછળ પાછળ સુધાનો.
જે સુધા માટે પોતે ફ્રોક લઈને આવ્યો હતો એ સુધા તો સાડી પહેરીને ફરતી હતી.
ઉમા તાઈએ પહેલીવાર સસ્મિત સ્વાગત કર્યું નિશીકાંતનું: સારા અવસરે આવ્યો નિશિકાંત, આજે સુધાની વાત નક્કી કરવા એના સાસરપક્ષના લોકો આવવાના છે.
પાછળ ઉભી રહેલી સુધાને શરમ આવતી હોય તેમ એ નીચે જોતી ઉભી રહી. ત્યાં તો પ્રકાશ આવતો દેખાયો.
'લે જો પ્રકાશ પણ આવી ગયો' માસ્તરસાહેબ બોલ્યા.
સાસરિયાને આવવાને હજી કલાકની વાર હતી એટલે ચા પીતાં પીતાં માસ્તરસાહેબ વાતે વળગ્યા હતા.
'તું નહીં માને પણ નિશિકાંત હું આ જ દિવસની પ્રતીક્ષા કરતો રહ્યો હતો, ઈશ્વરને એક જ પ્રાર્થના કરતો હતો કે ત્રણે છોકરાંઓની જિંદગી સુધરી જાય. અને પ્રભુએ એ દિવસ બતાડ્યો..'
નિશિકાંત એક પળમાં સમજી ગયો કે માસ્તરસાહેબ શું કહેવા માંગે છે.
પોતે સ્નાતક થઇ ગયો અને કામધંધે લાગશે. સુધા પરણીને પોતાના ઘર સંસારમાં લિપ્ત થઇ જશે . બાકી રહ્યો પ્રકાશ. એના ચહેરા પરથી લાગતું હતું કે વ્યસન તો નહીં કરતો હોય પણ છતાં એ શું કરતો હતો એની જાણ નિશીકાંતને નહોતી. ત્યાં જ માસ્તરસાહેબે તેની કુતુહલતા પર પૂર્ણવિરામ મૂકતા હોય તેમ કહ્યું: પ્રકાશની જ ચિંતા હતી પણ હવે એ પણ નથી. નિશિકાંત તને ખબર છે પ્રકાશે ગામમાં કમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યા છે ?
શું ? નિશીકાંતને એક સુખદ આશ્ચર્ય થયું.
'હા, તમે બંને શીખી રહ્યા હતા ને , તે પ્રકાશે અહીં શીખવવાનું શરુ કર્યું , એ માટે બેન્કમાંથી લોન લઇ, જગ્યા ભાડે લીધીને ત્રણ કમ્પ્યુટર વસાવ્યા છે.'
માસ્તરસાહેબના ચહેરા પર પહેલીવાર સંતોષની આભા છવાઈ રહી હતી એટલીવારમાં બહાર કારનો હોર્ન સંભળાયો.
'કહું છું સાંભળો છો ?' ઉમા તાઈ ઝડપભેર આવ્યા : એ લોકો આવી ગયા છે. તેમને સત્કારવા બહાર તો જાવ.
એ સાંભળતા જ માસ્તરસાહેબ , નિશિકાંત અને પ્રકાશ મહેમાનોને સત્કારવા બહાર પહોંચી ગયા.
'આવો આવો વેવાઈ , રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડીને ?' માસ્તરસાહેબે શિષ્ટતા દર્શાવી.
મહેમાનો અંદર આવીને ગોઠવાયા .
છોકરા છોકરીએ એકમેકને પસંદ તો આગલી મિટિંગમાં જ કરી લીધા હતા. હવે જે વાત હતી તે માત્ર વ્યવહારની હતી.
સુધા માટે આવેલો મૂરતિયો મુંબઈમાં નોકરી કરતો હતો એ પણ પાછી સરકારી.
ચાપાણીનો દોર ચાલતો હતો ત્યારે વેવાઈએ લાગલી જ વાત ઉઠાવી.
'આ બધું તો સમજ્યા પણ મૂળ વાત આપણે સ્પષ્ટ કરી લઈએ તો કેમ ?' વેવાઈએ વાત છેડી.
અમારો શિરીષ મુંબઈમાં નોકરી કરે છે. પગાર સારો છે અને અમે તો અહીં રહેવાના છીએ. મુંબઈમાં તો વર વહુ એકલા જ રહેશે'
માસ્તરસાહેબ વેવાઈનો ઈશારો ન સમજ્યા પણ નિશીકાંતને એક ક્ષણમાં ખ્યાલ આવી ગયો કે હવે પછી વેવાઈ શું વાત કરવા માંગે છે.
'મુંબઈમાં સરકારી નોકરી છે એટલે રહેવા મકાન તો મળે પણ ક્યારે તે કંઈ કહેવાય નહીં. અત્યારે તો શિરીષ એના બીજા ઓફિસના કર્મચારી સાથે એક રૂમમાં રહે છે. પણ લગ્ન પછી તો એ શક્ય નથી , તો પછી લગ્ન પછી તમારી દીકરી રહેશે ક્યાં ? વેવાઈએ સિફતપૂર્વક પોતાની દહેજની માંગણી મૂકી દીધી હતી.
માસ્તરસાહેબનો ચહેરો તો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો હતો.
આખા ગામમાં સુધા માટે ભણેલો સંસ્કારી સરકારી નોકરી કરતો છોકરો મળવાની વાત તો પ્રસરી ચૂકી હતો. જો આ સંબંધ ન થાય તો ?
નિશીકાંતએ જોયું કે માસ્તરસાહેબના હાથમાં રહેલો ચાનો કપ ધ્રુજી રહ્યો હતો.
પ્રકાશ પણ નીચું મોઢું કરીને બેઠો હતો. ઉમા તાઈ રસોડાના બારણે ઉભા ઉભા બધો ખેલ નિહાળી રહ્યા હતા એને માથે ઓઢેલું પલ્લું જોરથી ખેંચી ડોકું હલાવી માસ્તરસાહેબનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો.
સૌથી દયનીય હાલતમાં હતી સુધા. જે મહેમાનોની વચ્ચે બેઠી હતી નીચી આંખો ઢાળીને, ન એ કંઈ બોલી શકતી હતી ન તો વિરોધ દર્શાવી શકતી હતી.
વેવાઈની વાત સાંભળીને વાતાવરણમાં સોપો પડી ગયો.આખરે માસ્તરસાહેબે જ મૌન તોડવું પડ્યું: વેવાઈ, મુંબઈમાં ઘર લેવું એ તો આકાશના તારા તોડવા જેવું કામ છે. પણ આશરે કેટલીક જોગવાઈ અમારે કરવાની રહેશે ?
માસ્તરસાહેબે કહેતા તો કહી દીધું પણ એમની નજર પ્રકાશ સામે સ્થિર થઇ. પ્રકાશના ચહેરા પર નારાજગી ચોખ્ખી છલકાતી હતી : એક તરફ બેન્કના હપ્તા ચાલુ છે ત્યાં આ નવી ઉપાધિ ?
માસ્તરસાહેબનું મોઢું પડી ગયું. એમને લાચાર નજરે નિશિકાંત સામે જોયું.
નિશિકાંતની નજરે કોઈ હૈયાધારણ આપી હોય તેમ માસ્તરસાહેબે સામે બેઠેલા વેવાઈને પૂછ્યું : અમારે ભાગે કેટલા આવે ?
'આપણે બંને ભેગા થઈને પ્રયત્ન કરીયે તો પણ દસ લાખ તો ખરાં જ, બાકીની લોન શિરીષ લઇ લેશે.
માસ્તરસાહેબ તો દસ લાખનો આંકડો સાંભળીને ઠંડા પડી ગયા . લાગ્યું કે સુધાનો આ રિશ્તો તૂટ્યો જ સમજો.
બે ઘડી મૌન છવાઈ રહ્યું.
શિરીષ તો પિતા સામે કશું બોલવા અસમર્થ હોય તેમ નીચું મોઢું કરીને બેઠો રહ્યો।
આખરે વાતચીતનો દોર નિશીકાંતે હાથમાં લેવો પડ્યો : ઠીક છે વડીલ, એ જોગવાઈ કરીશું પણ થોડો સમય આપો.
નિશિકાંતના આ વિધાન સહુ કોઈને ચોંકાવી ગયું. નિશિકાંત વારાફરતી દરેકના ચહેરા જોઈ રહ્યો હતો.
માસ્તરસાહેબની આંખોમાં હળવી ભીનાશ હતી. ઉમાતાઈએ પણ પોતાના છેડાથી આંખો લૂછી. સૌથી મોટી રાહત સુધાના ચહેરા પર દેખાતી હતી. એ છોકરી મનોમન શિરીષને વરી ચૂકી હતી. જે ડરી ગઈ હતી આ વાતથી. એને હતું કે હવે આ સગપણ થઇ રહ્યું.
વેવાઈ તો નિશિકાંતની વાતથી ગેલમાં આવી ગયા હતા. એમને ધાર્યું હતું કે કામ સરળ નથી ,જો દસ લાખ માટે માસ્તર તૈયાર ન થાય તો સગપણ તોડવું જ રહ્યું પણ એ માટે શિરીષ આડો ફાટ્યો હતો. ,અલબત્ત હવે તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું એટલે સહુ કોઈ ખુશ હતા.
આટલી મોટી રકમની ગોઠવણ માટે થોડો સમય માંગ્યો હતો નિશીકાંતે.
વેવાઈએ વિદાય લીધી પછી ઘરમાં એકજૂટ થયેલા પરિવાર જેવું વાતાવરણ નિર્માણ થઇ રહ્યું.
પહેલીવાર ઉમા તાઈને નિશિકાંત પર વ્હાલ ઉભરાયું : દીકરા, હું તને સમજી ન શકી.. ભારે કંઠે ઉમા એટલું જ બોલી શકી.
સુધા તો નિશીકાંતના પગમાં જઈ પડી : ભાઈ , મારે માટે આટલું કારજ ઉઠાવીશ ?
અત્યારે સુધી ચૂપ રહેલા માસ્તરસાહેબ બોલ્યા વિના ન રહી શક્યા : નિશિકાંત , દીકરા , આટલી રકમ લાવીશ ક્યાંથી ?
નિશીકાંતના મગજમાં ગણતરી હતી પોતાના ખેતર અને ઘરની કિંમત, ભેગી થઈને દસ લાખ તો થતી જ હશે.
એ જ વાત એને ઘરમાં કરી.
જે ઉમા માસ્તરસાહેબને સરપંચ પાટીલ સાથે નિશિકાંતના ઘર ખેતરની વાત કરવા અટકાવી રહી હતી તે જ ઉમા હવે સરપંચ સામે પડવું જ એવો મત ધરાવતી થઇ હતી.
***************
સવારના ખડકીથી બસ લઈને માસ્તરસાહેબ ને નિશિકાંતને સરપંચ પાટીલને ત્યાં પહોંચ્યા ત્યારે એ ઓશરીમાં બેઠો બેઠો હુક્કો પી રહ્યો હતો. ; આવો આવો માસ્તરસાહેબ , ઓહોહો વર્ષો પછી ગામમાં દર્શન દીધાને કાંઈ ? બોલો , સવાર સવારમાં કેમ આવવું થયું ?
નિશીકાંતને ખ્યાલ આવી ગયો કે પાટીલે એને ઓળખ્યો જ નથી.
માના મોતના બનાવને આઠ વર્ષ વીતી ગયા હતા. તે વખતે ચૌદ વર્ષનો છોકરો હવે બાવીસ વર્ષનો નવયુવાન હતો. પાટીલ કઇ રીતે ઓળખે ?
'પાટીલ, આને ઓળખ્યો? 'માસ્તરસાહેબે નિશિકાંત સામે ઈશારો કર્યો.
છતાંય પાટીલની આંખમાં કોઈ ઓળખાણ જાગી નહીં.
'આ છે નિશિકાંત , પ્રગતિ ને કેશવનો દીકરો' માસ્તરસાહેબ બોલીને ચૂપ રહ્યા. પાટિલના મોઢા પર ફરી જતા ભાવ જોવા.
જેમ ધાર્યું હતું એમ જ થયું, પાટીલના ચહેરો સખ્ત થઇ ગયો.
'અહીં શું કામ આવ્યો છે ?'
'પાટીલ, હવે તો એની જમીન પછી આપી દો ' માસ્તરસાહેબ ગળું ખોંખારતા બોલ્યા.
' માસ્તર , તારી અક્કલ ઠેકાણે છે કે ? ' પાટીલ પોતાની જાત પર ઉતરી આવ્યો. : કઈ જમીન ? કયું ઘર ? તને ખબર છે કે કેશવે પોતે એ ખેતર અને ઘર ગીરવે મૂક્યા હતા મારી પાસે ?
નિશિકાંત વચ્ચે બોલવા ગયો ત્યાં જ સરપંચે એને ચૂપ કરી દીધો: હું પોલીસને બોલાવી કેસ ખોલાવી શકું છું. મેં પોલીસને કહ્યું હતું કે મને ઇજા તારી માએ નહીં તે પહોંચાડી હતી. મારી જ દયાથી તું આટલો વખત છુટ્ટો ફરી શક્યો સમજ્યો ? અને માસ્તર , તું પણ સાંભળી લે , જો બીજીવાર આ છોકરાનો વકીલ થઈને આવ્યો તો તારું ખડકીમાં રહેવું ભારે કરી મુકીશ , યાદ છે ને જયારે મુંબઈમાં બબાલ થઇ હતી ત્યારે મેં તને બચાવેલો? આ ગામની શાળામાં મેં તને ગોઠવેલો , એ બધા ઉપકાર ભૂલી ગયો ?
નિશિકાંત અને માસ્તરસાહેબ બંને અવાક રહી ગયા. નિશિકાંતને મનમાં આશંકા તો હતી જ કે આવું જ કંઈ થશે.
બસમાં ખડકી જતાં વખતે માસ્તરસાહેબના ચહેરા પર કાળપ છવાઈ ગઈ હતી. મનમાં ડર હતો કે હવે તો સુધાનું સગપણ તૂટ્યું જ સમજો.
પણ, નિશીકાંતના મગજમાં બીજો એક પ્લાન ચાલી રહ્યો હતો। એ અત્યારથી માસ્તરસાહેબને કહેવો જરૂરી નહોતો.
માસ્તરસાહેબ , ઉમા તાઈ , પ્રકાશ , સુધા સહુએ આશા મૂકી દીધી હતી. વેવાઈને કહી તો દઈશું હતું કે જોગવાઈ થઇ જશે પણ હવે એ વાત અશક્ય લગતી હતી. હવે તો કોઈ ચમત્કાર જ સુધાની જિંદગી બચાવી શકે એમ હતો.
એક માત્ર નિશિકાંત હતો જેને મનમાં કોઈ કહી રહ્યું હતું કે જે કુટુંબે પોતાને અહીં સુધી લાવીને મૂક્યો તે કુટુંબ માટે પોતે કંઈ પણ કરી છૂટવું જ રહ્યું.
ખડકી પહોંચ્યા પછી નિશિકાંતે સહુથી પહેલું કામ બસ પકડીને શહેરમાં જવાનું કર્યું.
ક્રમશ: