Kalmsh - 1 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 1

વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને હજી કલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી.

અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા હતા , એનો નશો વિવાન જયારે પણ પોતાના પુસ્તકોને બુકસ્ટૉલમાં શોભતા જોઈ મન પર છવાઈ જતો હતો.

વિવાનની ઇન્ડિયન માયથોલોજી પર આધારિત નવલકથાઓ થોડા જ સમયમાં દેશ વિદેશમાં ભારે ચકચાર મચાવીને લોકપ્રિય થઇ ચૂકી હતી. વિવાને ગરમ કોફીની એક ચુસ્કી લીધી. હળવેકથી ઉભો થઇ બુક સ્ટોલ પાસે ગયો. સ્ટોલ પર હાજર વ્યક્તિ સાથે પોતાના પુસ્તકો કેવી રીતે ચપોચપ ઉપડે છે એ સાંભળવાનો નશો પણ રોકડો કરવો હતો.

બુક સ્ટોલ પર આવીને ઉભો રહ્યો છતાં સ્ટોલ પર હાજર યુવતીની આંખમાં ઓળખાણ ન જાગી એ જોઈને વિવાનને ઝટકો તો જરૂર લાગ્યો.
વિવાનનું નામ ભારતના નામાંકિત લેખકોમાં ગણાતું . એ જ્યાં જતો ત્યાં મોટેભાગે લોકો એને ઓળખી જતા. લોકપ્રિય થયા પછી કદાચ પહેલીવાર એવું બન્યું કે સ્ટોલ પર હાજર રહેલી છોકરી તેને ઓળખી ન શકી. યુવતી ઉંમરમાં નાની હતી. કોઈ કોલેજમાં ભણતી, કદાચ પાર્ટટાઈમ જોબ કરતી હોય તેવી.

વિવાને બેસ્ટ સેલર શ્રેણીમાં રહેલું પોતાનું એક પુસ્તક હાથમાં લઈ પાછું મૂકી દીધું.
'સર , એ લઇ જાવ. એકદમ હોટ સેલિંગ છે. વિવાન શ્રીવાસ્તવનું છેલ્લું પુસ્તક છે, સિક્રેટ ઓફ ત્રાવણકોર ટ્રેઝર . અત્યાર સુધીમાં પચાસ હાજર કોપી વેચાઈ ચુકી છે.' છોકરી ભોળાભાવે બોલતી રહી. કદાચ એને બૂકનું કવર વ્યવસ્થિતરીતે જોયું પણ નહીં હોય અન્યથા છપાયેલો વિવાનનો ફોટો તો જોયો હોત.

વિવાનના હોઠ થોડાં વંકાયાં, એક હળવું સ્મિત તરી આવ્યું : બિચારી છોકરી, એને ખબર નથી કે એ એ કોઈ વાચક સાથે નહીં બલ્કે પુસ્તકના લેખક સાથે જ વાત કરી રહી છે.

વિવાન કોઈ વાત કરે એ પહેલા જ એની નજર આગળ હરોળમાં મુકાયેલા અખબાર પર પડી. દેશના અગ્રણી દૈનિકોના ફ્રન્ટ પેજ પર પોતાની તસ્વીર?

ટી ટુ એટલે કે ત્રાવણકોર ટ્રેઝરનું પ્રમોશન તો પૂરું થઇ ચૂક્યું હતું. પબ્લિશર સાથે નવી કોઈ જાહેરખબર વિષે વાત પણ નહોતી થઇ તો પછી આ ? વિવાને અખબાર થપ્પીમાંથી બહાર ખેંચી કાઢ્યું .
જાહેરખબરવાળું પેપર હાથમાં લીધું ત્યારે અચાનક જ પેલી છોકરીને સમજાયું કે સામે ઉભી રહેલી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ ત્રાવણકોર ટ્રેઝરના લેખક એવા વિવાન શ્રીવાસ્તવ પોતે છે.
એના ચહેરા આશ્ચર્ય છવાયું અને અહોભાવથી એક સ્મિત તરી આવ્યું પણ હવે વિવાનનું ધ્યાન છોકરીના સ્મિત તરફ નહીં પણ અખબાર પર હતું.

પહેલે પાને જ પોતાના આકર્ષક ફોટોગ્રાફ સાથે ઉલ્લેખાયેલી વિગતો ઝાઝી નહોતી.
જાહેરખબરમાં લખાઈ હતી થોડી લાઈન.

આવો, એક સાંજ તમારા લેખક વિવાન શ્રીવાસ્તવને નામ.
તારીખ 21 જાન્યુઆરી, સાંજના 6.30 કલાકે, કિતાબખાના, ફોર્ટ .

અહીં સુધી તો બરાબર હતું પણ પછી લાલ રંગમાં છપાયેલું બોક્સ કહેતું હતું એક સરપ્રાઈઝ તમારી રાહ જુએ છે.
વિવાનનું મગજ ચકરાઈ રહ્યું હતું.

આ રાજેન ગોસ્વામી પણ ગજબ છે. પોતે આમ કહ્યા વિના પ્રોગ્રામ ફિક્સ કેવી રીતે કરી શકે? રાજેન ગોસ્વામી એટલે વાણી પ્રકાશનના પબ્લિશર, જે વિવાનના પુસ્તકો,વિડિઓ , સીડી પબ્લિશ કરનાર પબ્લિશીંગ હાઉસનો મલિક જેમની સાથે સંબંધો માત્ર ધંધાકીય ન રહેતા મિત્રતાના થઈ ગયા હતા.

અચાનક વિવાનને બત્તી થઇ. થોડા દિવસ પૂર્વે રાજેને ફોન કરીને પૂછ્યું હતું : જાન્યુઆરીમાં કોઈ ટ્રાવેલિંગ પ્લાન તો નથી ને?

'જાન્યુઆરીમાં કુંભમેળામાં જવા સિવાય કોઈ પ્લાન નથી '. સાથે સાથે પોતે જ કહેલું કે કુંભમેળામાંથી આવ્યા પછી તરત ને તરત તો કોઈ ખાસ પ્લાન નથી પણ શું વાત છે?
ત્યારે રાજેને આવો કોઈ ઉલ્લેખ તો કર્યો નહોતો.

વિવાને રાજેનને ફોન લગાવવા હાથમાં લીધો પછી ખ્યાલ આવ્યો કે હજી સવારના 7.30 થયા છે. ગોસ્વામીને આમ ઉઠાડી દેવો સારું નહીં. આમ પણ બોર્ડિંગ ટાઈમ થવા આવ્યો હતો. પ્રયાગરાજ પહોંચીને જ હવે જે વાત થાય તે.

વિવાન અખબાર ખરીદી સ્ટોલ પાસેથી ખસીને સીટ પાસે આવી ગયો. લગેજમાં એક કેબિન સાઈઝ બેગ સિવાય બીજો કોઈ સમાન તો હતો નહીં.
બોર્ડિંગની અનાઉન્સમેન્ટની શરૂઆત થઇ ચૂકી હતી. વિવાને એક હાથમાં બેગનું હેન્ડલ થામી અને બીજા હાથમાં જેકેટ લઇ એરોપ્લેન તરફ પ્રસ્થાન કર્યું.
વિચાર તો કર્યો હતો રાજેનને કોલ પ્રયાગરાજથી જ કરવો પરંતુ ફૂલ પેજ જાહેરખબર આંખો સામે રમી જતી હતી. આખરે દિલ પોતાનું જ ધાર્યું કરવાનું હતું.

વિવાને રાજેનને ફોન લગાવ્યો. મોબાઈલ બીઝી હતો એટલે લેન્ડ લાઈન પર ફોન કર્યા વિના છૂટકો નહોતો.
થોડી રિંગ વાગતી રહી અને ફોન રાજેને જ રિસીવ કર્યો.

'ગુડ મોર્નિંગ ગોસ્વામીજી, શું ચાલી રહી રહ્યું છે ? કઈ સરપ્રાઈઝ મને આપી રહ્યા છો ?' વિવાન જરા વ્યંગ સાથે બોલ્યો.

'.. મોર્નિંગ મોર્નિંગ વિવાન , તારા ફોનની જ રાહ જોઈ રહ્યો હતો. સરપ્રાઈઝ આપવામાં તો તું પણ ક્યાં કમ છો ? ગોસ્વામી થોડું હસીને બોલ્યો.
'પણ , આ તો પ્રોગ્રામ સુપરહિટ જવાનો એની મને ખાતરી જ છે। '

'પણ , પ્રોગ્રામ શું છે ? ટી ટુના રીલીઝને હજી ત્રણ મહિના જ થયા છે. નવી નોવેલને હજી વર્ષની વાર છે તો પછી ?......'

'અરે સર જી, સરપ્રાઈઝ શું માત્ર તમે જ આપી શકો ?' ગોસ્વામી જોરથી હસ્યો.
વિવાનની સમજ બહાર હતું કે રાજેન ગોસ્વામી શું વાત કરી રહ્યો હતો.

' અચ્છા , હમણાં તો પ્રયાગરાજ જાઉં છું પણ આવીને મળીશું' વિવાન પાસે વાત ટૂંકાવ્યા સિવાય છૂટકો નહોતો.

પેસેન્જરને લઈને જય રહેલી બસ ટર્મેક પર ઉભેલા એરક્રાફટ સુધી પહોંચી ચૂકી હતી. હવે પ્રયાગરાજ પહોંચ્યા પહેલા કોઈ વાત થવી મુશ્કેલ હતું.
ફ્લાઇટ બોર્ડ કરીને બે કલાકની ઊંઘ ખેંચી નાખવાનો વિવાનના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું.
મનમાં રહી રહીને ઉત્સુકતા જાગતી હતી : આ ગોસ્વામી કયા સરપ્રાઈઝની વાત કરવા માંગતો હશે ?
*******

ઇન્ડિગોની ફ્લાઈટે પ્રયાગરાજના એરપોર્ટ પર ઉતરાણ કર્યું ને તે સાથે જ વિવાનના મગજે વિચારો ખંખેરી નાખ્યા.
કુંભમેળામાં પાંચ દિવસનું રોકાણ ખરેખર તો ટૂંકું કહેવાય એવું હતું. સેક્રેટરી ઉદયે મોટાભાગની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી દીધી હતી.
પહેલા જ દિવસે જૂના અખાડાના મહામહંત નિર્ભયાનંદજી સાથે. આમ તો નિર્ભયાનંદજી સાથે તો જૂનો સંબંધ હતો. પણ, એ મુલાકાતને પણ છ વર્ષ થઇ ગયા હતા. શક્ય છે કે સ્વામીજીને પોતે યાદ જ ન હોય તો ?

પોતાના જેકેટના ફ્રન્ટ પોકેટમાં મૂકેલા ફોનની નોટ્સમાં વિવાને નજર નાખી લીધી.
કુંભમેળા દરમિયાન ચૌદ અખાડાના મહામહિમને મળવા માટે સમય મેળવવા ઉદયે કેટલી દોડધામ કરી હતી. પાંચ દિવસમાં સહુને મળવું કદાચ શક્ય ન પણ બને.
પોતાની નવી નોવેલનો થીમ તો જાહેર કરવા નહીં માંગતો હોય ને આ ગોસ્વામી ? વિવાનને મનમાં પ્રશ્ન થયો.

વિવાનની નવી નોવેલ હતી ભારતમાં રહેલા અખાડાના સાધુજીવન વિષે. જેને લગતી તલસ્પર્શી માહિતી અખાડાના મહંત સિવાય કોઈ આપી શકે એમ નહોતું.
દેશવ્યાપી આ સાધુઓને મળવું હોય તો તેનો એકમાત્ર પર્યાય હતો કુંભમેળામાં તેમનો સંપર્ક સાધવાનો.
જે કામ આ પાંચ દિવસ દરમિયાન પૂરું કરવાનું હતું. કામ ભગીરથ હતું અને એ સામે સમય અતિશય ઓછો.

******

મોબાઈલની રીંગથી વિવાનની આંખ ખુલી ગઈ.
સામે છેડે સેક્રેટરી ઉદય હતો. ગુડમોર્નિંગ સર, આજે અપોઈન્ટમેન્ટ સેટ છે. '
ઉદયે ચોકસાઈ કરાવવા ફોન કર્યો હતો.

વિવાન ઝડપભેર બેઠો થયો. સાઈડ ટેબલ પર પડેલ ટાઈમપીસ 8.15 નો સમય દર્શાવી રહ્યું હતું .
'થૅન્ક્સ ઉદય ' વિવાને ફોન રાખવાની સાથે જ બાથરૂમ તરફ પ્રયાણ કર્યું ત્યાં હાઉસ ફોનની રિંગ વાગી.
'સર, આપની ટેક્સી આવી ગઈ છે' સામે છેડે હોટેલનો રીસેપ્શનિસ્ટ હતો.

વીસ પચીસ મિનિટમાં તૈયાર થઈને ટેક્સીમાં સવાર થયેલા વિવાને મગજમાં દિવસ દરમ્યાન થનારી મુલાકાત પર નજર નાખી લીધી.

ત્રિવેણી સંગમ પર જામેલા કુંભમેળામાં વિવાન પહોંચ્યો ત્યારે સાધુઓની જમાવટ થઇ રહી હતી. નિર્ભયાનંદજીને મળવા માટે જૂના અખાડાના ઉભા કરાયેલા કામચલાઉ રાવટીઓના સમૂહને પાર કરી તેમના આવાસ સુધી પહોંચવામાં ધાર્યાં કરતાં વધુ સમય લાગી ગયો.
ઉભા કરાયેલા નિર્ભયાનંદના કામચલાઉ આવાસ પર મુલાકાતીઓનો ધસારો હતો.જેમાં મોટાભાગના સાધુઓ અને ઘણાં સંસારી શ્રદ્ધાળુઓનો સમાવેશ થતો હતો.
વિવાન એક તરફ મુકાયેલા સોફા પર બેઠો અને ત્યાં રહેલા એક સ્વયંસેવક સાથે પોતાનું કાર્ડ અંદર મોકલ્યું.

સાધુઓને સંસારીઓના સમયની કિંમત તો નહીં જ હોય. વિવાને મનોમન વિચાર્યું અને જરા આરામથી બેસવા પગ લાંબા પસાર્યા.
પણ નહિવત સમયમાં જ પેલો સ્વયંસેવક પાછો ફરતો દેખાયો .
વિવાન શ્રીવાસ્તવ તમે જ ? સ્વયંસેવક પૂછી રહ્યો : આપ મુલાકાત માટે અંદર આવી શકો છો.
વિવાનને સુખદ આશ્ચર્ય થયું. પણ એને ખબર નહોતી કે અંદર એક વધુ આશ્ચર્ય એની રાહ જોઈ રહ્યું હતું.

ખંડમાં પ્રવેશતાંવેંત તેનું સ્વાગત કર્યું આલ્હાદક સુગંધને.
કદાચ સ્વામીજીનો હવન પૂરો થયો હતો અને તેને કારણે હવામાં તરી રહી હતી એક અલૌકિક સુગંધ.
વિવાનને પ્રવેશતા જોઈ નિર્ભયાનંદજી ડાબો હાથ ઉપર કરી સસ્મિત આહવાન કર્યું.
ત્યાં સુધીમાં વિવાન લગભગ નજીક આવી ચૂક્યો હતો.
'આવ આવ વિવાન, આવ.' સ્વામી નિર્ભયાનંદજીએ આત્મીયતાથી આવકાર આપ્યો.
વિવાન અચંબામાં પડી ગયો. પોતાની એક મુલાકાત સ્વામીજીને યાદ હશે ?
તેમના આ વર્તનથી આજુબાજુ રહેલું ભાવિકોનું ટોળું પણ જરા ઓછપાઈને આગળ પાછળ થઇ ગયું.
'કેટલા વર્ષ થયા ? છ ? કે વધુ ?' નિર્ભયાનંદજીને આંખોમાં સ્મિત હતું.
;જી સ્વામીજી ,લગભગ છ ... , ગયા પૂર્ણકુંભમાં મળ્યા હતા ....., આપે બરાબર યાદ રાખ્યું ....' વિવાન નીચે બેસતાં બોલ્યો . અલબત્ત, નીચે બેસતી વખતે થઇ રહેલી તકલીફ સ્વામીજીની નજર બહાર ન રહી.
'અરે કોઈ કુર્સી લાઓ..' નિર્ભયાનંદજીએ બાજુમાં ઉભા રહેલા સેવકને કહ્યું .પછી વિવાન સામે જોયું અને ફરી ચિતપરિચિત સ્મિત રમી ગયું :

'વિવાન બાબુ, ઇતને સાલોં મેં સબ તરીકે સે તરક્કી કી હૈ ...'
સ્વામીજીનો ઈશારો વિવાનના વધી ગયેલા શરીર સામે હતો એ સમજતા વાર ન લાગી વિવાનને।.
પોતાને નીચે બેસતાં પડેલી તકલીફ સ્વામીજી બરાબર જાણી ગયા હતા.

વિવાનને પણ તાજી થઇ આવી છ વર્ષ પૂર્વેની સ્વામીજીની મુલાકાત. દુબળો પાતળો વિવાન. બધા ક્ષેત્રે કસોટી ચાલી રહી હતી. અને અચાનક જ ત્યારે અલ્હાબાદમાં ભરાયેલા કુંભમેળામાં જવાનું મન થઇ ગયેલું.
ત્યારે તો પોતે જિંદગીમાં શું કરવા માંગે છે તે પણ નક્કી નહોતો કરી શક્યો. ત્યારે આ જ નિર્ભયાનંદજીની મુલાકાત અકસ્માતે થઇ ગઈ હતી.
અને તે વખતે નિર્ભયાનંદજીએ કહેલું કે અત્યારે ભલે કરે છે આટલો સંઘર્ષ પણ નહિવત સમયમાં નસીબ ઝળકી જવાનું છે. ત્યારે તો વિવાનને એ વાત હસી કાઢવા જેવી લાગી હતી.

પણ આ સ્વામી નિર્ભયાનંદજીએ કહેલું કે ન તો તું વિદેશ જશે ન કોઈ વ્યાપાર કરશે , તું કશુંક એવું કરશે કે દુનિયાભરમાં તારું નામ ગાજશે. હા, નિયતિએ તારા લલાટે એવા જ કોઈ લેખ લખ્યા છે.

અને એવું જ તો થયું હતું. પોતે વિચારતો શું હતો અને થયું શું ?
લીજીયે શ્રીમાન , બિરાજીયે ... સેવક ખુરશી લઈને આવ્યો હતો.
વિવાનને ઉઠતા જરા પરિશ્રમ તો પડ્યો. નિયમિત જીમમાં જતાં હોવા છતાં લેખક તરીકેની બેઠાડું જિંદગીમાં વજન ગયું હતું,

'હાં તો કૈસે આના હુઆ ઇસ તરફ ? ' સ્વામી નિર્ભયાનંદજીએ પ્રશ્ન કર્યો.

'બસ, યું હી ' વિવાદને નમ્રતાથી હાથ જોડીને જવાબ આપ્યો.

સ્વામીજી એના જવાબની પોકળતા પકડી પાડી હોય તેમ મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા.
'બહુ પ્રગતિ કરી છે, ન્યુઝ તો મને મળતાં રહે છે.'

'આપની કૃપા છે સ્વામીજી' વિવાદને ફરી હાથ જોડ્યા.

'મને ખ્યાલ છે , બહુ સારું કામ કરી રહ્યો છે તું વિવાન ' સ્વામીજી ગંભીર થઈ ગયા: આ સમયમાં હિન્દુ સંસ્કૃતિને દેશ વિદેશ ફેલાવવાનું કામ બહુ મોટું છે ને જરૂરી પણ.'

'આ વખતે મારુ નવું પુસ્તક કુંભમેળા પર છે. ભારતના સહુ પહેલા સંદેશવ્યવહાર માધ્યમ પર. સાથે સાથે ભારતની સંસ્કૃતિના પાયા સમાન સાધુ સંપ્રદાય , અખાડા સમુદાય પર પણ છે. થયું આપના દર્શન પણ થઇ જશે અને મને મળી જશે જોઈતી માહિતી પણ.' વિવાન નિખાલસતા સાથે કહી દીધું.

સ્વામી નિર્ભયાનંદજીએ માથું ધુણાવ્યું ,જાણે મનોમન શાબાશી આપતા હોય તેમ : આ કામ ઉપાડ્યું છે એટલે શત પ્રતિશત સુવાંગ જ હોવાનું. હમણાં કોઈ વિદેશી લેખક આવીને મારી પાસે આ રજૂઆત કરતે તો શાયદ હું એક શબ્દ ન કહેત.

'પાંચ દિવસનું રોકાણ છે સ્વામીજી, આપનો સમય આપી શકો તો ..'

'સમય જ તો સર્વસ્વ છે વિવાન, પણ મારે તને આપવો જ રહ્યો. કારણ કે જે કામ અમને સોંપાયું છે એ જ કામ તું પણ કરી રહ્યો છે , ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર, બ્રહ્માંડ એનું સાક્ષી છે.'

સ્વામીજીએ પોતાના કાર્યકરને બોલાવી અગત્યની ન હોય તેવી તમામ મિટિંગ કેન્સલ કરાવી.
કુંભમેળાનો સમય છે એટલે આવનાર ભક્તોને નારાજ કરવા પણ સારું નહિ છતાં, પાંચ દિવસમાં હું ઈચ્છું છું કે તને જોઈએ એ માહિતી હું ઉપલબ્ધ કરાવી શકું.
સ્વામી નિર્ભયાનંદ અને વિવાન વચ્ચે વાતચીતનો દોર શરુ થઇ ચુક્યો હતો. જેનો નિચોડ એક પુસ્તક સ્વરૂપે દુનિયાને મળવાનો હતો.

પાંચ દિવસ તો આંખના પલકારાની જેમ વહી ગયા.
વિવાનનો મુંબઈ પરત જવાનો દિવસ પણ નજીક આવી ગયો હતો.
છેલ્લે દિવસે વિવાન જયારે રજા લેવા ગયો ત્યારે સ્વામીજી ભારે ગહન વિચારમાં હોય તેમ લાગ્યા.

'વિવાન, વર્ષોથી આગાહીઓ કરવાનું કે જ્યોતિષ જોવાનું તો છૂટી ગયું છે પણ એક વાત મારા મનમાં ઘૂમરાયા કરે છે , કહી દઈશ તો મને કદાચ શાંતિ અનુભવાશે.
'હું કઇં સમજ્યો નહીં ' વિવાન જરા અચકાઈને બોલ્યો.

'વાત એવી છે કે તું આવ્યો ત્યારથી મને કોઈક એવો આભાસ થાય છે કે તું કોઈક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બને એટલો સાવચેત રહેજે.

'મુશ્કેલીમાં ? ને હું ?' વિવાનને અચરજ થયું: એક લેખકને વળી કઈ મુશ્કેલી આવી શકે ? હવે તો નામ પણ એટલું પ્રસિદ્ધ થઇ ચૂક્યું હતું કે પબ્લિશર એડવાન્સ સાઈનિંગ અમાઉન્ટ આપતા થઇ ગયા છે. તો પછી ? સ્વામીજી કઈ મુસીબતની વાત કરી રહ્યા છે?

એ તો મને પણ નથી ખ્યાલ આવતો પણ સચેત રહેજે. સ્વામીજીના શબ્દો હોટેલમાંથી ચેકઆઉટ કરતા પણ મનમાં ગુંજી રહ્યા હતા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED