Kalmsh - 10 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 10

પ્રોફેસર શ્રીવાસ્તવની તબિયત સુધારા પર હતી પણ એનો અર્થ એવો નહોતો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જાય. છેલ્લાં ત્રણ દિવસમાં વારંવાર પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હોવાથી ડોકટરની સલાહ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવે હોસ્પિટલમાં વધુ રહી તમામ ચેકઅપ કરાવવા રહ્યા.
ચેકઅપ થતાં રહેતા હતા પણ પરિણામ કોઈ આવી રહ્યું નહોતું.

આ દિવસો દરમિયાન હોસ્પિટલમાં રહેલા શ્રીવાસ્તવ સાથે વિવાન પડછાયાની જેમ રહ્યો હતો. પ્રોફેસર માટે રાતદિવસ મેલ નર્સ સાથે હોવા છતાં વિવાન સગા દીકરાની જેમ ખડેપગે ઉભો રહ્યો હતો.
સાથે ઇરા પણ હતી. ત્રણેની મંડળી હોસ્પિટલમાં જામતી ત્યારે ભુલાઈ જતું કે પ્રોફેસર બીમાર છે, એટલે હોસ્પિટલમાં છે.

રાત્રે વિવાન પ્રોફેસર સાથે રહેતો અને સવારે તૈયાર થવા ઘરે જતો. પાછો ફરતો ત્યારે તેના સેકન્ડહેન્ડ બાઈક પર ઇરા સવાર થઇ જતી.
'બાઈક લીધાની પાર્ટી નહોતી આપી હોત તો એક જ રાઇડમાં વાત પતી જાત. હવે જોયું , રોજ લિફ્ટ આપવી પડે છે.' ઇરા કોઈ પણ વાતમાં હળવાશ લઇ આવતી.

વિવાનના બાઈક પર ઇરા સવાર થઇ જતી અને બંનેને આંખથી ઓઝલ થતાં સુમન સમસમીને જોતી રહેતી.
ઇરા એકની એક દીકરી હતી. ભારે લાડકોડમાં ઉછરી હતી. એ પોતાની માની મનાને ઘોળીને પી જતી હતી. એ વાત જ સુમનને ભારે કઠતી હતી. આખરે ઇરા માટે આ છોકરો? લેખક ? કોઈ હિસાબે નહીં. સુમનને કોડ હતા ઈરાને કોઈ મોટાં ,ધનવાન ઘરમાં વરાવવાના. તેની બદલે આ તો સાવ વિપરીત થઇ રહ્યું હતું.

હોસ્પિટલમાં પંદર દિવસ થઇ ચૂક્યા હતા અને પ્રોફેસર હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. પંદર દિવસ હોસ્પિટલમાં રોકાણ કરીને પ્રોફેસર ઘરે આવ્યા ત્યારે સૌથી વધુ હાશ સુમનને થઇ હતી.

સુમન નાની ઉંમરમાં વિધવા થઇ હતી. ઈરાના પિતાની માંદગી એના મનમાં એવી ઘર કરી ગઈ હતી કે હોસ્પિટલના નામ સાથે જ એને પરસેવો વળી જતો. એક ફોબિયા થઇ ગયો હતો હોસ્પિટલના નામથી.એટલે એ પોતાના ભાઈની ખબર કાઢવા પણ હોસ્પિટલ ન છૂટકે જ જતી. એ ઘરમાં બેઠી બેઠી જાપ કરતી રહેતી.

એ સુમન માટે હવે ભારે કશમકશ ઉભી થઇ રહી હતી. બાઈક સવારીની મૈત્રીની વાત માત્ર ઘરથી હોસ્પિટલની નહોતી હવે એ દોસ્તી ઘરમાં પણ જામી હતી. એમાં પ્રોફેસર પોતે પણ જોડાતા.

સુમનને ભાઈની ચિંતા તો સાચુકલી હતી. ભાઈ હેમખેમ હોસ્પિટલથી ઘરે આવે તો માતા વૈષ્ણોદેવીની યાત્રા કરવી એવી એણે માનતા લીધી હતી.
'ભાઈ, મેં ધાર્યું હતું કે તમે હેમખેમ પાછા આવો તો મારે માતા વૈષ્ણોદેવી જવું. તો મારી ઈચ્છા છે હું ને ઇરા જઈ આવીએ.' એક દિવસ પ્રોફેસર આરામ કરી રહ્યા હતા ત્યારે સુમને વાત છેડી.

'અરે, હું એવો માંદો હતો કે આવી માનતા લેવી પડે ? ' પ્રોફેસરે પથારીમાં બેઠા થવાનો પ્રયાસ કરતાં કહ્યું.

'ભાઈ, જે દિવસે તમે બેહોશ હતા એ દિવસે મારું હૃદય ઘડીભર માટે બંધ થઇ ગયું હતું.' સુમનનો હાથ છાતી પર હતો. જૉકે તેની વાત ખોટી નહોતી. પ્રોફેસર સાથે ઇરા અને વિવાન ગપ્પાગોષ્ટિ કરતા રહેતા ત્યારે સુમન અખંડ દીવા સાથે મંત્રોચ્ચાર કરતી રહેતી હતી.

'ખુશીથી જઈ આવો પણ તમે માદીકરી એકલા જશો?' પ્રોફેસરના સ્વરમાં થોડી ચિંતા હતી.

આ વાતચીત ચાલી રહી હતી ને ઈરાનો પ્રવેશ થયો.

'ક્યાં જવાની વાત છે મોમ ?' વાવાઝોડાની જેમ ધસી આવેલી ઇરાએ પૂછ્યું .
'આપણે વૈષ્ણોદેવી જઈએ છીએ ,અઠવાડિયા માટે... ' સુમને ઈરાની સામે જોઈને કહ્યું।
'કેમ ?' ઇરાએ પૂછ્યું.
'તારા મામાજી માટે મેં માનતા રાખી હતી , કે એ સાજાસમા ઘરે આવશે તો મારે વૈષ્ણોદેવી દર્શને આવવું..' સુમન ઈરાને માથે હાથ ફેરવીને બોલી.

'આપણે નહીં મોમ, તમે જજો. હું નથી આવવાની... મારી એકઝામ પાસે છે.' ઇરાએ પહેલીવારમાં જ ઘસીને ના પાડી દીધી.

ઇરાનો સીધો નકાર સાંભળીને સુમન સમસમી ગઈ હતી પણ એ વિષે ભાઈની સામે દલીલ કરવાનો અર્થ નહોતો.

આખરે ઇરા મનનું ધાર્યું કરીને જ રહી. એ ધરાર પોતાની મા સાથે યાત્રાએ જવા તૈયાર ન થઇ.
સુમને માનતા માની હતી એટલે યાત્રાએ જવું જરૂરી હતી.

પ્રોફેસર સુમનના એકલા જવા માટે સહમત નહોતા.છેલ્લે નિર્ણય થયો કે આટલી કપરી યાત્રા એકલા કરી શકવા કરતાં કોઈ ટૂર લઇ લેવી બહેતર હતી.
ઇરા આટલી જ રાહ જોઈ રહી હતી, એણે તો અખબારમાં છપાતી જાહેરખબરમાંથી સુમન માટે અઢાર દિવસની કાશ્મીરની ટુર જ શોધી કાઢી જે વૈષ્ણોદેવી સાથે કાશ્મીરની પણ સહેલ કરાવતી હતી.
એક તરફ સુમનનો સમાન પેક થઇ રહ્યો હતો અને બીજી તરફ ઇરાનું મન જુદા જ પ્લાનિંગ કરી રહ્યું હતું.

*************

પ્રોફેસર શ્રીવાસ્તવે સંપૂર્ણ આરામ કરવાનો હતો એટલે તેમના કામમાંથી વિવાનને મુક્તિ મળી ગઈ હતી.
સવારે પોતાના લેખનકામમાં મગ્ન વિવાનનું દિલ ન જાણે કેમ પહેલાની જેમ લાગતું જ નહોતું.
એકાગ્રતા હાથતાળી દઈ જતી હતી. એમાં પણ ઇરા પોતાની મોર્નિંગ કોલેજ પતાવીને આવી જતી પછી તો વિવાન બેસતો હતો સ્ટડીમાં પણ એનું મન ન જાણે ક્યાંક ઘૂમતું હતું.

એક દિવસે ઇરા કોફીના બે મગ લઈને સ્ટડીમાં દાખલ થઇ , વિવાન પોતાના કામમાં મગ્ન હતો. ઇરાએ ગરમ ગરમ કોફીનો મગ વિવાનના ટેબલે પર મુક્યો. વિવાન પેન અને પેપર લઈને પોતાનું અધૂરું કામ પૂરું કરી રહ્યો હતો.

'શું કરો છો વિવાન ?' ઇરા વિવાનના ટેબલ પર જ હાથ ટેકવીને ઉભી રહી.

'મારું કામ, મારા પ્રકાશક ત્રિપાઠીના પ્રોજેક્ટ પર કામ કરું છું.. '

'કામ ? એટલે આ પેન ને પેપર પર ? ' ઈરાને આશ્ચર્ય થયું: 'વિવાન, આ જમાનામાં તમે પેન ને પેપર વાપરો છો ? ' ઈરાની તાજ્જુબીનો પાર નહોતો.

વિવાન એને શું કહે ? કે પોતે પોતાનું કમ્પ્યુટર પ્રકાશને આપી દીધું ?

'ઇરા, હું લેપટોપ પર લખતો હતો , પણ એ કોઈને મેં આપ્યું છે એટલે મારી પાસે અત્યારે પેપરને પેનથી કામ ચલાવ્યા વિના છૂટકો નથી. હા, હું નવું લેવાનો જ વિચાર કરી રહ્યો છું.' વિવાનને સાચી વાત કહી દીધી. અત્યારે સુધી લેપટોપ લેવાના પૈસા નહોતા એટલે એ યુઝડ લેપટોપ શોધી રહ્યો હતો પણ હવે પૈસાની સગવડ થઇ ચૂકી હતી પણ સમયના અભાવે નવા લેપટોપનું કામ ખોરંભે ચડ્યું હતું.

'ઓહ તો નેકી ને પૂછ પૂછ ? લેટ્સ ગો ' ઇરા એવી રીતે ઉભી થઇ ગઈ જાણે તે જ ઘડીએ શોપિંગ માટે નીકળવાનું હોય.

'ઇરા , ઇરા, ' વિવાને ઈરાને હાથ પકડીને બેસાડવા પ્રયત્ન કર્યો.
વિવાનને લાગ્યું કે જાણે કોઈ મીઠી ઝણઝણાટી તેના રોમ રોમમાં વ્યાપી ગઈ હતી.

ઈરાના ચહેરા પર એક પણ અજબ લાલી ધસી આવી હતી.
તે સમયે બંનેને સમજ ન પડી કે કરવું શું એટલે ઇરાએ બાજી સાંભળી લીધી.
'વિવાન, ચાલો તમારે માટે લેપટોપ ખરીદવા જઈએ.'

પછી તો મિશન લેપટોપ બહાર ફરવાનું એક બહાનું થઇ પડ્યું.
પહેલા કમ્પ્યુટર શોપમાં જઈને બે ચાર મોડેલ જોયા પછી તેના કૉન્ફિગરેશનની ચર્ચા માટે કોફી શોપમાં બે ત્રણ કલાક જવું અનિવાર્ય થઇ ગયું.
કોફીના કપમાં કશુંક ઉગતું અને આથમતું રહેતું.
પ્રોફેસર પૂછતાં ય ખરા કે તેમની મિશન કમ્પ્યુટરનો અંત પાસે છે કે હજી લાબું ચાલવાનું છે?

વાસ્તવિકતા એ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવ જોઈ શકતા હતા ઇરા અને વિવાન વચ્ચે વધતી જતી નજદીકીને.

સુમનનો વિરોધ પણ સમજી શકતા હતા પણ મનોમન એમને બંનેની વચ્ચે પાંગરી રહેલી પ્રણયની કૂંપળ ગમતી હતી. તેનું કારણ હતું. એક દિવસે વિવાન સામે એમને નિખાલસ કબૂલાત કરી દીધી હતી.

પ્રોફેસરને વિવાનમાં દેખાતો ત્રીસ વર્ષ પહેલાનો વિનાયક શ્રીવાસ્તવ જે પરિસ્થિતિના અભાવે પોતાના મનગમતા પાત્રને પામી ન શક્યો અને એ જ કારણ હતું આજન્મ અવિવાહિત રહેવાનું.

'વિવાન, મેં ભૂલ કરી તેવી તું ન દોહરાવીશ. સહુની જિંદગીમાં એ સમય એક જ વાર આવે છે. તને હું સલાહ તો નથી આપતો પણ જે વિચાર કરે બરાબર સમજીને કરજે.. ' પ્રોફેસરે ગર્ભિતરીતે પોતાની મંજૂરી દોહરાવી દીધી હતી. બેન સુમનને નારાજ કરવી નહોતી અને બે દિલ વચ્ચે પાંગરતા પ્રણયને આડા આવવું નહોતું, એટલે પ્રોફેસરે વચ્ચેનો રસ્તો અખત્યાર કર્યો હતો.

મિશન લેપટોપ તો પતી ગયું હતું હવે નવા લેપટોપની ફીચર્સની ચર્ચા ને આમ ડિજિટલ વર્લ્ડની ચર્ચાનો દોર ચાલતો હતો.લેપટોપ વિવાનનું હતું પણ ઓપરેટ ઇરા કરતી હતી. કેટલાય પ્રોગ્રામ અને સોફ્ટવેર ડાઉનલોડ કરી આપ્યા હતા.
હવે સ્ટડીરૂમ કે પછી પ્રોફેસર જાગતા હોય તો એમનો રૂમ કોફીહાઉસ બની જતો. ત્યાં કમ્પ્યુટરને લગતી ચર્ચાથી લઇ લોક પરલોકની પણ ચર્ચા થતી પણ વિવાન અને પ્રોફેસર બંનેને વધુ રસ પડતો ઈરાની વાતોમાં. જે આવતીકાલની ડિજિટલ દુનિયાની વાત કરતી રહેતી. પાંચ ફુટ એક ઇંચની હાઈટ ધરાવતી નાની દૂબળી પાતળી ઈરાનું મગજ એક પંટર જેવું હતું, ખાસ કરીને કમ્પ્યુટર સાયન્સમાં.
એક સાંજે ઇરાએ વાત છેડી હતી. અખબારમાં છપાયેલા ડિવોર્સ કેસની. પતિ પત્ની સુખી જીવન ગાળતાં હતા એમ લાગતું હતું પણ હકીકતમાં પતિના ગળાડૂબ કામથી ત્રાસી ગયેલી પત્નીને ઓનલાઇન કોઈક સાથે પ્રેમ થઇ ગયો હતો. પત્નીની બદલાયેલી વર્તણૂકની નોંધ પતિએ લીધી અને ઘરના કમ્પ્યુટરમાં સ્પાયવેર નાખી દીધો. ખબર પડી કે પત્ની તો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન પ્રેમી જોડે હતી. પતિને જાણ થતાં બે વર્ષ થઇ ગયા અને જો સ્પાયવેર ન નાખ્યો હોત તો કદાચ જાણ થતે પણ નહીં.

'પણ.... એ તો બંને એક જ કમ્પ્યુટર વાપરતા હતા એટલે એ શક્ય બન્યું ને !! 'વિવાને પૂછ્યું, ધારોકે બંનેના કમ્પ્યુટર જૂદા હોત તો ?

'તો પણ કોઈ મુશ્કેલ કામ હોતું નથી કારણ કે લોકોનો પ્રોબ્લેમ જ એ હોય છે કે પાસવર્ડ એકદમ સરળ રાખે છે. જેમ કે પોતાનું નામ જેમ કે ઇરા123 કે પછી પોતાની ગર્લફ્રેન્ડનું નામ કે પછી પોતાના દીકરા ,પૌત્ર કે પછી પાલતું કૂતરા બિલાડીના નામ , પોતાની જન્મતારીખ। આ બધા એકાઉન્ટને હેક કરવા બહુ સરળ રહે છે. બીજી વાત એ પણ ખરી કે મોટાભાગના લોકો કદીય પોતાના પાસવર્ડ ક્યારેય બદલાતાં નથી. એટલે એકવાર કમ્પ્યુટર હેક થઇ ગયું પછી એમાં સ્પાયવેર હેકરને સહેલાઈથી બેકડોર એક્સેસ આપી દે, પતિ ઓફિસમાં બેસીને પણ પત્નીની મુવમેન્ટ પર નજર રાખી શકે ને !! વિવાન તો આ બધી વાતો અખબારમાં વાંચતો એટલે સમજતો પણ પ્રોફેસર માટે આ વાતો ભારે અચરજનો વિષય હતો. એનું કારણ એ હતું કે એમની થીસીસ પણ વિવાન કમ્પ્યુટર પર કમ્પોઝ કરતો હતો.

'બાય ધ વે વિવાન , શું પાસવર્ડ રાખ્યો છે તારા લેપટોપ પર ? ' ઇરાએ અચાનક પૂછ્યું અને વિવાન ક્લીનબોલ્ડ થઇ ગયો. પાસવર્ડ એવી અંગત ચીજ હોય છે જે વ્યક્તિ પોતાના સિવાય કોઈને જાણ ન કરાય ને આ તો ઇરા પૂછી રહી હતી.
વિવાન જરા મૂંઝાયો.

ઇરા ખડખડાટ હસી પડી. હું એટલા માટે કહું છું કે ઓપરેટિંગ સિસ્ટમ પણ પાસવર્ડથી પ્રોટેક્ટેડ રાખવી જોઈએ જે તેં રાખી નથી. અને તું રાખશે તો હું એક કલાકમાં હેક કરી શકું છું।

એટલે ? વિવાનને પાસવર્ડ ખાનગી રાખવાની વાતથી તો પરિચિત હતો પણ ઈરાની આ વાત એને નવાઈ પમાડી ગઈ.

'કારણ છે ઇઝી પાસવર્ડ , જે તમારા કમ્પ્યુટરને ઇઝી એક્સેસ આપી શકે છે.

એકવાર જો તમારું કમ્પ્યુટર હેક થયું તો એના પરથી બેન્કિંગ ફ્રોડ પણ થઇ શકે અને આઇડેન્ટિટી થેફ્ટ પણ, સમજ્યા ?

વિવાન તો સમજ્યો પણ પ્રોફેસર પોતે તો કમ્પ્યુટરનો વપરાશ ખાસ કરતા નહોતા એટલે એમને ન સમજાયું.

'મામાજી , આઇડેન્ટિટી થેફ્ટ એટલે તમારા નામથી કોઈ ફોર્જરી કરી શકે. તમારા નામનું એકાઉન્ટ બનાવી બીજા સાથે વાત કરી શકે , બેન્કિંગ કરી શકે અને કોઈક ટેરરરીસ્ટ હોય તો તમારું નામ વાપરીને થ્રેટ ઇમેઇલ પણ મોકલી શકે જેને જો લોકેટ કરવામાં આવે તો આઈપી અડ્રેસ તમારું નીકળે. એટલે કે ત્રાસવાદીની ભાળ ન મળે અને તમે ફસાઈ જાવ. સ્કેમ કરી શકે. જેમાં આઈપી એડ્રેસ અહીંનું આવે અને સ્કેમ કરવાવાળો પતલી ગલીથી નીકળી જાય , પોલીસના હાથમાં ન આવે.
અને સૌથી મોટી વાત તમારો પર્સનલ ડેટા , તમારી તમામ પર્સનલ માહિતીઓ જે તમે કમ્પ્યુટરમાં સ્ટોર કરી હોય તે, તમારી ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી એટલે કે તમે જે આ થીસીસ કરી રહ્યા છો તે ચોરી કરી શકે એ તમને ખબર છે?

પ્રોફેસર એક સંતોષથી ઇરા સામે જોઈ રહ્યા . સુમને જિંદગીમાં ઘણાં દુઃખ જોયા હતા. પણ, આ છોકરી એનું ભવિષ્ય સુધારવાની હતી.
પ્રોફેસર ઈરાના ભાવિના , બહેનના ઉજળા દિવસોના સ્વપ્ન જોઈ રહ્યા હતા અને વિવાન ?

ન કોઈ પ્રેમની કબૂલાત, ન કોઈ તે અંગે વાતચીત છતાં કોઈક વણકહ્યો સંવાદ બે દિલ વચ્ચે થઇ ચૂક્યો હતો.
વિવાન કે ઇરા ને ખબર ક્યાં હતી કે આ દિવસો તેમની જિંદગીમાં યાદગાર બની રહેવાના હતા ?

*************

'ભાઈ, આ લો માતા વૈષ્ણોદેવીનો પ્રસાદ..' સુમને ઘરમાં પ્રવેશતાવેંત જૂદી રાખેલી પ્રસાદની થેલી લઈને પ્રોફેસરના રૂમમાં પ્રવેશ કર્યો.
પ્રોફેસર તે વખતે રોકિંગ ચેરમાં બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા.પ્રોફેસરે પ્રસાદ હાથમાં લીધો. આંખે લગાડી મોઢામાં મૂક્યો.

'જોયું , મને હતું જ કે હું જયારે પાછી જઈશ ત્યારે તમે મને સારાંનરવા જ જોવા મળશો અને જુઓ માતારાણીએ મારી આશા પૂરી કરી દીધી.

સુમન પોતાના રૂમમાં જવાને બદલે ભાઈ પાસે બેસીને અઢાર દિવસના અનુભવ કહેતી રહી. પોતાની ગેરહાજરીમાં શું શું બન્યું તેનો હિસાબ પણ લેતી રહી.

પ્રોફેસરે તો વિવાન અને ઇરા વચ્ચે આકાર લઇ રહેલા વ્યવહારની કોઈ વાત કરી નહોતી પણ સુમન આખરે એક સ્ત્રી હતી અને તે પણ જવાનીના ઉંબરે પગ મૂકનાર દીકરીની મા.
વિના કોઈ કહ્યે સાંભળે એને કોઈકરીતે અંદેશો આવી ગયો હતો કે વિવાન અને ઇરા વચ્ચે પોતાની ગેરહાજરીમાં કશુંક બન્યું છે. સુમને દીકરીની પણ ઉલટતપાસ લેવામાં કશું બાકી રાખ્યું ન હતું. ઇરાને આમ પણ કોઈ વાત છુપાવવાનો મકસદ હતો નહીં. એ તો નિર્ભીકપણે વિવાન સાથેની વાત ચર્ચતી રહી . જે સાંભળીને સુમનના મનમાં ધ્રાસ્કા પડતા જતા હતા.

પોતાની એકની એક દીકરી માટે કેટકેટલા સપના જોયા હતા. એ આમ સાવ સાધારણ લેખકને પરણી જાય ? એ શક્ય કઈ રીતે બને? હરગીઝ નહીં બને.

થોડા દિવસ પછી સુમને જ વાત કાઢી.
'ભાઈ , સાંભળ્યું છે કે આ વિવાન હવે ઘણો મોટો લેખક બની ગયો છે.'
'હા, સુમન, તે સાચું સાંભળ્યું છે.'
'તો પણ એને એમ નથી થતું કે હવે પોતાનું ઘર લઇ લેવું જોઈએ કે નહીં ? શું કહો છો ?'

'લેશે, સમય આવે એ પણ કરશે ' પ્રોફેસરને આ ચર્ચામાં ઉતરવું ન હોય એમ એમણે ટૂંકમાં જવાબ આપી વાત પતાવવી ચાહી.

'ભાઈ, સાચું કહું, મને હવે ચિંતા થાય છે. એ છોકરો તો સારો હશે પણ આપણી છોકરી જ એની આગળ પાછળ ફર્યા કરે છે તે મને નથી ગમતું।' સુમનના દિલની વાત હોઠ પર આવી ગઈ.

પ્રોફેસર જરા વિચારમાં પડ્યા. સુમનને બે વચ્ચે વિકસી રહેલી લાગણીની વાત કરવી કે પછી સમય ને સમયનું કામ કરવા દેવું રહ્યું.
'કેમ તમે કંઈ બોલતા નથી ભાઈ ? ' સુમને પ્રોફેસરના મૌનને પડકાર્યુ.

'સુમન , તારી વાત સાચી છે કે વિવાન હવે નામ દામ કમાય છે પણ એને જોઈને મને મારો ગયેલો સમય યાદ આવે છે. એ અહીં છે તે શું નડે છે ? પ્રોફેસરે મનની વાત કહી.

'ભાઈ , હવે તમે જ જો આવી વાત કરો તો મારે તો બોલવાનું કાંઈ રહ્યું જ નહીં ને?તમને તો તમારું કામ રોકાઈ જશે એવી જ ચિંતા હશે ને મનમાં ,પણ મારી જુવાન દીકરીના ભવિષ્યની તમને શું પડી હોય ?' સુમને નિસાસો નાખ્યો.' હું કહું છું આપણી છોકરી એની આગળ પાછળ ફરે છે એ મને ગમતી વાત નથી. છતાં તમને વાતની ગંભીરતા ન સમજાતી હોય તો મારે હવે વિચારી લેવું પડશે એમ જ ને ?'

પ્રોફેસર ચકિત રહી ગયા સુમનની વાતથી.
આ વાત નહોતી ગર્ભિત ધમકી હતી. જો વિવાન પોતાનું ઘર લઇ જૂદો ન જાય તો બેન ઇરાને લઈને જૂદી જવાનું મન બનાવી ચૂકી લાગે છે.

પ્રોફેસર અને સુમન વચ્ચે થઇ રહેલી વાતચીત ન ચાહતા પણ વિવાનને કાને પડી હતી. પ્રોફેસરનું કોઈક કામ લઈને પૂછવા આવતાં વિવાનને રૂમની બહાર હતો ત્યારે જ આ સંવાદ કાને પડ્યો અને તેના પગ થંભી ગયા હતા.

વિવાન ત્યાંથી પાછો તો ફરી ગયો પણ આ વાતચીત તેના મનને બેચેન કરવા પૂરતી હતી.
કદાચ પ્રોફેસર સાહેબ પોતાની અને બેન વચ્ચે પીસાતા હશે ?
પ્રોફેસર કદાચ પોતે પણ ચાહતા હોય કે તે હવે પોતાનું શોધી લે પણ ખુલીને પોતાના મનની વાત ન કહી શકતા હોય તેમ પણ બને ને ?

મધરાત થઇ પણ વિવાનની આંખોમાં ઊંઘ પધરામણી કરવાનું નામ લેતી નહોતી.
પોતાને માટે થતી પ્રોફેસરને સાંભળવા પડતા શબ્દો વિવાનને તીરની જેમ ભોંકાયા।
વિવાને મનોમન નિર્ણય કરી લીધો પ્રોફેસરનું ઘર છોડવાનો...

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED