Kalmsh - 9 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 9

વિવાન હતપ્રભ હતો પોતાની આત્મકથા વાંચીને. એવું લાગતું હતું કે લખનાર અન્ય કોઈ નહીં પણ એ પોતે જ હતો. મૂળ નામ નિશિકાંત નામ જાણનાર હતી ગણતરીની વ્યક્તિઓ. માસ્તરસાહેબનું કુટુંબ, ગામલોકો, પ્રોફેસર સાહેબ, ઇરા તેની માતા સુમન.

માસ્તરસાહેબના કુટુંબ સાથે તો સંબંધ દિવાળીના દિવસોમાં ફોનથી આશીર્વાદ માટે થતા એક ફોન જેટલો રહ્યો હતો. ગામ તો ક્યાંય પાછળ છૂટી ગયું હતું. બાકી રહી તે ઇરા, એ એની દુનિયામાં વ્યસ્ત હતી. આટલા આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સિવાય વિવાન અને નિશિકાંત વચ્ચેનો સંબંધ કોઈ જાણતું નહોતું.
આમાંથી કોને કસૂરવાર ઠેરવવા?

આત્મકથા પ્રગટ થયા પછી બે દિવસ તો ફોન, ઇમેઇલ અને સંદેશના જવાબ આપવામાં નીકળ્યા હતા. પુસ્તકને વિવાનના વાચકોએ પ્રેમપૂર્વક વધાવી લીધું હતું એ વાત વિવાનને ભારે અસમંજસમાં મૂકી દેતી હતી. જે પુસ્તક પોતે નથી લખ્યું તે માટેની શુભેચ્છા સ્વીકારતાં ભારે મૂંઝવણ થઇ રહી હતી. પ્રકાશક રાજેન ગોસ્વામી સાથે અછડતી વાત થઇ હતી પણ એ પછી પણ કોઈ સ્પષ્ટતા થઇ ન શકી હતી. રાજેનનું કહેવું હતું કે આ પુસ્તક વિવાને પોતે જ તો છાપવા મોકલ્યું હતું. આખી વાત એક કોયડા જેવી હતી.

હા, એ વાત હતી કે રાજેને પોતે આત્મકથા લખવી એવો અનુરોધ કર્યો હતો અને પોતે એ માટે હામી પણ ભરી હતી.
એ માટે ન તો સમય નક્કી થયો હતો ન તો કોઈ કોન્ટ્રેક્ટની ફોર્માલિટી થઇ હતી.
વિવાન માટે આ બધું સ્વાભાવિક હતું. રાજેન હવે માત્ર પબ્લિશર ન રહેતા મિત્ર પણ હતો અને બંને વચ્ચે બિઝનેસ કરતા મિત્રતા વધુ ગહેરી હતી. એટલે પોતે આત્મકથા લખશે એવી વાત તો થઇ હતી પણ સમય જ ક્યાં મળ્યો હતો ?ને ત્યાં આમ અચાનક એક આત્મકથાનું આવી ચડવું ?

અલબત્ત, એક વાત તો હતી કે જેને પણ આત્મકથા લખી હતી તેને વિવાનની શૈલીની આબેહૂબ કોપી કરી હતી. પોતાની આત્મકથા લખાઈ હતી આબેહૂબ પોતાની શૈલીમાં. વિવાન આગળ વાંચવાની લાલચ ટાળી ન શક્યો.

જિંદગીનો પ્રવાહ અચાનક જ આબાદપણે પલટાઈ ચુક્યો હતો. નામમાં આટલી તાકાત હોય તેનો પરચો મળવો શરુ થઇ ગયો હતો. પ્રોફેસરનું અંકશાસ્ત્ર ખરેખર પરિણામ આપી રહ્યું હતું જેની વિવાનને કલ્પના સુધ્ધાં કરી નહોતી. નિશિકાંતમાંથી વિવાન નામ મળતાં જ જાણે વર્ષોથી લાગેલું ગ્રહણ છૂમંતર થઇ ગયું હતું. નિશિકાંત નામ સાથે ન જાણે કેવું ગ્રહણ લાગેલું રહેતું તે વિવાન નામ રાખવા સાથે જ અદ્રશ્ય થઇ ગયું હતું.

વિવાને પોતે ધાર્યું પણ નહોતું એ રીતે લેખક તરીકેની કારકિર્દી પહેલે પ્રયાસે જ જામી રહી હતી. સચિન તેંડુલકર , સ્વામી વિવેકાનંદ અને મહારાણા પ્રતાપ .. ક્લાસિક સિરીઝના પ્રથમ ત્રણ પુસ્તકોને અસાધારણ પ્રતિભાવ મળ્યો હતો. પબ્લિશર ત્રિપાઠીએ આવું પરિણામ કલ્પ્યું સુધ્ધાં નહોતું. એમણે સફળતા મળશે તેવી અપેક્ષા જરૂર રાખી હતી પણ એ સફળતા આવી જ્વલંત હશે તે વિચાર્યું નહોતું. ત્રિપાઠીએ વિવાનની સલાહ માનીને આ ક્લાસિક્સને માત્ર અંગ્રેજી અને હિન્દી પૂરતું સીમિત ન રાખતાં લગભગ તમામ ભારતીય ભાષાઓમાં પ્રગટ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે એ માટેની તૈયારી આદરી દીધી હતી.

વિવાન નામ પૂર્ણપણે ફળ્યું હતું એ તો હકીકત હતી. વિવાને સૌથી પહેલું કામ કોર્ટમાં જઈ એફિડેવિટ કરાવીને વિવાન શ્રીવાસ્તવ નામને કાયદેસર અપનાવવાનું કર્યું હતું. અંકશાસ્ત્રનો આવો પ્રભાવ હોય એ માનવા હવે તે મજબૂર બન્યો હતો. ત્રિપાઠીએ સામેથી બોલાવીને વિવાનના હાથમાં ચેક થમાવ્યો હતો. વિવાને જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ પોતાના નામે લખાયેલી જોઈ હતી. જે જોઈને વિવાનની વાચા હરાઈ ગઈ હતી.
એક લાખ રૂપિયા પહેલે જ પ્રયાસે ? આ ત્રણે મહાનુભાવની ત્રિપુટી તો ભારે ફળી હતી. પ્રોફેસર તરફથી મળતા પચીસ હજાર અને ટ્યુશનની રકમ. વિવાન માની શકતો ન હતો કે ખરેખર આ પોતે કમાયેલી રકમ છે.
પ્રોફેસર શ્રીવાસ્તવે બેંકમાં ખાતું તો પહેલા જ ખોલાવી આપ્યું હતું. પણ , એમાં આટલી રકમ કદીય જમા થઇ નહોતી. વિના કોઈ કારણ વિવાનના ચહેરા પર એક સંતોષનું સ્મિત વારંવાર તરી આવતું રહ્યું.

બે ચાર દિવસ તો એવા નશામાં વીત્ય. પહેલે જ મહિને લોનનો હપ્તો પણ ચૂકવાઈ ગયો હતો અને તે ઉપરાંત બીજા બે મહિનાના હપ્તા ચૂકવાય એટલી રકમ ખાતામાં હતી.

એક બપોરે વિવાન પ્રોફેસરને માટે કાપેલા કટિંગ્સ ફાઈલ કરી રહ્યો હતો ને ઇરા સ્ટડી રૂમમાં પ્રવેશી, જાણે કોઈ પહેલા વરસાદની રીમઝીમ. એને છાંટેલા પરફ્યુમની હળવી લહેરખી વાતાવરણને ઘેરી વળી.

વિવાનની પીઠ પાછળ ઉભી હતી પણ એની સુગંધ હાજરીની ચાડી ખાતી હતી.
પિન્ક કલરના ટીશર્ટ સાથે વ્હાઇટ શોર્ટ્સ , ખુલ્લાં અસ્તવ્યસ્ત વાળ અને ચહેરા પર ખીલી રહેલું ગુલાબનું નૂર.

'નિશિકાંત , અરે સોરી સોરી , વિવાન, હું તમને ડિસ્ટર્બ તો નથી કરતી ને ? ઇરાએ પૂછવા માટે પૂછ્યું તો ખરું પણ દેખીતી વાત હતી કે એ વિવાનના કામમાં ખલેલ જ પાડી રહી હતી.

'ના ના , બોલો , કંઈ ખાસ કામ હતું ?' વિવાને વિવેક કર્યો.

હા, ખાસ કામ તો ખરું જ ને , હું તમને યાદ કરાવવા આવી છું કે મામાજીએ કહ્યું કે આ મહિને તો તમને જેકપોટ લાગ્યો છે , તો પાર્ટી તો બનતી હૈ. ' ઇરાને કોઈની પણ સાથે વાત શરુ કરતાં કોઈ ક્ષોભ ન થતો હતો. ને ઇરાની હાજરીમાં વિવાન મૂંગોમંતર થઇ જતો.

'શ્યોર, પાર્ટીમાં કોફી ? બનાવી લાઉ અત્યારે? ' વિવાન થોથવાયો. આ પહેલા કોઈ યુવતી સાથે વાત કરવાનો પ્રસંગ જ ઉભો થયો નહોતો.

'અરે !! વિવાન ....' ઇરા હસી પડી. એનો અર્થ શું ઘટાવવો વિવાનને સમજ ન પડી.
'મને કોફી નહીં આઈસ્ક્રીમની ટ્રીટ જોઈએ છે. ક્યારે આપશો ? ઇરા સામેથી આમંત્રણ માંગી રહી હતી.

વિવાન અવઢવમાં મુકાયો. ઇરાને શું જવાબ આપવો?
એ સમજતો હતો ઈરાના ભાવને પણ , એ નથી સમજતો એ જ વાત ચલાવવી બહેતર હતી, બંને માટે.

દિવસ વીતતા જતા હતા ને વિવાનની સફળતા વધતી જતી હતી. પ્રોફેસર શ્રીવાસ્તવ ખુશ હતા. ત્રિપાઠી ખુશ હતા, અને ઇરાને જોઈને લાગતું કે એ પણ વિવાનની પ્રગતિથી ખુશ હતી. નારાજ હતી તો એ સુમન , ઈરાની માતા. એને મનમાં શંકા ઘર કરી ગઈ હતી કે ઇરાના મનમાં વિવાન ઘર કરી રહ્યો છે. એટલે વિવાનનું અહીં પ્રોફેસર ત્યાં રહેવું યોગ્ય નહોતું.

'ભાઈ , આ છોકરો કેટલો સમય અહીં રહેવાનો છે ? એકવાર સુમને પ્રોફેસરને પૂછી જ લીધું હતું.

'કેમ એવું પૂછવું પડ્યું ? શું વાંધો છે ? પ્રોફેસરને સુમનનો પ્રશ્ન સમજાયો નહીં.

'હવે તો એ સારું કમાય છે , એ પોતાનું ઘર લઇ શકે છે ને , એક રૂમ કિચન ભાડે તો મળી જાય ને.'

'સુમન, એ છોકરો મહેનતુ છે. ચારિત્ર્યવાન છે. સૌથી મોટી વાત એ છે કે એ મારી હાથલાકડી છે. એના આવવાથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. તું ને ઇરા હમણાં અહીં છો. ઇરાનો બે વર્ષનો કોર્સ હમણાં પલકવારમાં પૂરો થઇ જશે ને એ યુએસ ભણવા જતી રહેશે. ફરી હું એકલો થઇ જઈશ.તો ભલે ને એ અહીં રહેતો. એનું સાથે હોવું મને સારું લાગે છે.' ભાઈની વાત સાંભળીને સુમન વધુ દલીલ ન કરી શકી પણ એનું ધ્યાન ઇરાની બદલાતી વર્તણુક તરફ હતું.

જયારે પ્રોફેસર બહાર ગયા હોય ત્યારે સ્ટડીમાં કામ કરી રહેલા વિવાન સાથે વાત કરવા ઈરાનું પહોંચી જવું સુમનના ધ્યાન બહાર નહોતું. લાડકોડમાં ઉછેરેલી ઇરા માનું કહ્યું સાંભળતી ક્યાં હતી ?

જિંદગીની રફ્તાર તેજ થઇ રહી હતી.
વિવાન પુસ્તકમાં વધુ સમય ફાળવતો રહ્યો. હવે ટ્યુશન કરવાની જરૂર રહી નહોતી. ત્રણ મહિના પછી વિવાન પોતાની કમાઈનું સેકન્ડહેન્ડ ટુ વ્હીલર ખરીદી શક્યો હતો.

'એક પાર્ટી તો પેન્ડિંગ હતી હવે બીજી પાર્ટી ... ' ઇરા સંવાદ કરવાની એક તક ન છોડતી.

હવે વિવાન પણ થોડો ખુલ્યો હતો. એ પણ સામે જવાબ આપતો, વાતચીત કરતો. એથી વિશેષ વિચારવાનું એના માટે શક્ય નહોતું.એક ગરીબ વ્યક્તિએ સ્વપ્ન પણ પોતાની હેસિયત પ્રમાણે જોવા રહ્યા કારણકે સપના તૂટવાનો અવાજ નથી આવતો પણ એની કરચ કેટલી વેધક હોય એ તો વિચારવાનું જ રહ્યું ને!!

ઇરા પાસે પાર્ટી માંગવા સિવાય હવે કોઈ વાતચીતનો ટોપિક બચ્યો નહોતો એટલે એણે શરૂઆત કરવા માંડી પોતાના અભ્યાસની. વિવાન વાત કરતો પોતાના પુસ્તક વિષે. ધાર્મિક આધ્યાત્મિક વાતોના સંદર્ભ વિષે. બંને વચ્ચે એક સાયુજ્ય વિકસી રહ્યું હતું. એક તંદુરસ્ત મૈત્રી, જેની સાથે વિકસી રહ્યું હતું અદમ્ય આકર્ષણ.

'એક સમય એવો આવશે વિવાન જયારે ઇન્ફેર્મેશન ટેક્નોલોજી એવી હાવી થઇ જશે કે માણસ એનો ગુલામ થઇ જશે. એટલું જ નહીં ઓક્સિજન વિના જેમ જીવી નથી શકાતું તેમ ટેક્નોલોજી માનવીને પરવશ બનાવી દેશે. એ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હું એમાં માસ્ટર કરવા ચાહું છું.' ઇરા આકાશમાં તાકતી હોય તેમ કહેતી રહેતી.

વિવાન સમજી શકતો ઈરાની આંખોમાં અંજાયેલા સ્વપ્નને. વિવાન ક્યારેય ઈરાની જેમ મુક્ત મને પોતાના સ્વપ્નો ચર્ચી નહોતો શકતો પણ એના સ્વપ્ન કોઈ કમ થોડા હતા?

માત્ર ભારતના જ નહીં વિદેશમાં પણ એક લેખક તરીકે નામ કમાવવાનું સ્વપ્ન ત્રિપાઠીની ક્લાસિક સિરીઝથી અંજાઈ ગયું હતું. જે રીતે ત્રિપાઠી વાત કરતા તેના પરથી સમજાતું હતું કે પોતાનામાં એણે પણ ભવિષ્ય જોયું હતું. જો આ જ રફ્તારે જિંદગી ચાલતી રહી તો મહિને ચુકવતા હપ્તા ચૂકવી દઈ કરીને લોનની જંજાળમાંથી મુક્તિ લેવી એ સહુ પહેલું સ્વપ્ન હતું.
એ પછી હતું પોતાનું ઘર, ક્યાં સુધી પ્રોફેસરના ઘરે બોજ થઈને રહેવું ?

જો કે એ વિચાર ઈરાનો ચહેરો સામે તરવરતાં મોળો પડી જતો હતો. જો પોતે ઘર લઈને જુદો રહેવા જતો રહે તો ઇરાનો ચહેરો જોવાના કલાકો પણ સીમિત થઇ જવાના...

***********

દિવસ રોજની જેમ જ ઉગ્યો હતો. વિવાન તૈયાર થઈને લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો હતો.
સવારના સાડા બાર સુધી વિવાન પોતાનું કામ કરતો. પ્રોફેસર મોર્નિંગ કોલેજમાં ક્લાસ લઈને એક વાગ્યે આવતાં, જમીને એક કલાક આરામ કરતા અને બરાબર ત્રણને ટકોરે સ્ટડીમાં એન્ટ્રી મારતાં હતા. તે દરમિયાન વિવાન એમના જરૂરી કટીંગ્ઝ, ડોક્યુમેન્ટ્સ , ફાઈલ અને અન્ય રેફરન્સ મટીરીયલ તૈયાર રાખતો હતો.

ત્રણ વાગી ગયા પણ પ્રોફેસર ન આવ્યા. વિવાનને જરા નવાઈ લાગી. પ્રોફેસર સમયના પાબંદ હતા. એમના આવવા સાથે ઘડિયાળનો સમય સેટ કરવો પડતો એટલા પાબંદ.

ન તો જાણ કરી હતી કે એ મોડા આવશે કોલેજથી તો પોતાના રોજિંદા સમયે આવી ગયા હતા. જમીને આરામ કરવા પોતાના રૂમમાં ગયા હતા.
ક્યાંક એમની તબિયત તો ન બગડી હોય ? વિવાનને કોણ જાણે કેમ પણ એવો બેહૂદો વિચાર આવી ગયો.

વિવાન પ્રોફેસરના રૂમ પાસે ગયો. બારણું ફક્ત આડું કર્યું હતું। ધીરે પગલે વિવાન અંદર પ્રવેશ્યો. લાગતું હતું કે પ્રોફેસર ભરઊંઘમાં હતા.

'સર, ....' વિવાને હળવેકથી પ્રોફેસરને ઉઠાડવા પ્રયત્ન કર્યો.

વિવાનને ખ્યાલ હતો કે પ્રોફેસર કાગનિંદર ધરાવે છે. નાનો સરખો અવાજ પણ એમની ઊંઘમાં ખલેલ પાડવા પૂરતો હતો.
છતાં , વિવાનના સાદથી ન તો પ્રોફેસર ઉઠ્યા , ન તો પાંપણ ફરકી. જાણે ઊંડી નિંદ્રામાં ન પડ્યા હોય !
પહેલીવાર વિવાનને ખરાબ વિચાર આવી ગયો: સરને કંઈ થઇ ગયું લાગે છે.

વિવાને પાસે જઈને પ્રોફેસરનો હાથ સ્પર્શ્યો. ત્યારે પ્રોફેસર આંખ ખોલવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગ્યું પણ હલનચલન ન વર્તાયું , એટલે એને ફાળ પડી.
એ ઝડપથી બહાર આવ્યો. ઇરાનો રૂમ ઉપલે માળે હતો.

'ઇરા, ઇરા ... ' વિવાને બૂમ મારી. ઇરાને બદલે સુમન બહાર આવી.
'શું માંડ્યું છે ?' સુમનના અવાજમાં ચીડ હતી.

' આંટી , સરની તબિયત બરાબર નથી લાગતી, નીચે આવો.'

એ સાંભળીને ઇરા પણ બહાર આવી. ઇરા ને સુમન નીચે આવ્યા અને વિવાન ફેમિલી ડોક્ટર વર્માજીને ફોન કરવા રોકાયો.
થોડીવારમાં ડોક્ટર વર્મા આવી પહોંચ્યા।
પ્રોફેસર શ્રીવાસ્તવ હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા. શ્યુગર પણ રહેતી હતી.
ડોક્ટર વર્માએ આવીને પહેલું કામ બ્લડ પ્રેશર માપવાનું કર્યું.
તેમની શંકા સાચી હતી. બ્લડ પ્રેશર વધી ગયું હતું.

'હમણાં ને હમણાં એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે' વર્માનો ચહેરો ગંભીર હતો.: બ્લડ પ્રેશર શૂટ અપ થઇ ગયું છે.

તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલા પ્રોફેસરને સમયસર સારવાર મળી ગઈ એટલે કલાકમાં હોશમાં આવી ગયા .

'ભાઈ , શું થઇ ગયું ?' આકળવિકળ થઇ ગયેલી સુમન ધસી ગઈ.

'માજી, એમને આરામ કરવા દો , અત્યારે સવાલો કરીને મૂંઝવશો નહીં' ડોકટરે સલાહ આપીને સુમનને અટકાવી.

સૌથી સારું કામ કર્યું તમે, ડોકટરે વિવાન સામે જોઈને કહ્યું. એકદમ રાઈટ સમયે તમે અહીં લઇ આવ્યા.જો મોડું થતે તો પેશન્ટ કોમામાં સરકી જાત.
બેડ પાસે ઉભેલા વિવાનની હથેળી પ્રોફેસરે પકડી લીધી. તેમની આંખોમાં એક સંતોષની લાગણી સાથે કૃતજ્ઞતાનો ભાવ અંજાયો હતો.: તું લઇ આવ્યો મને ? તને ખ્યાલ આવી ગયો ? કઈ રીતે ?

'સર, તમે રોજ પ્રેશરની દવા લો છો એ તો મને ખબર છે. અને એવું પણ ન બને કે તમે તમારા સમયે સ્ટડીમાં ન આવો. બસ, એટલે ..... વિવાન આગળ બોલી ન શક્યો. એ શું બોલે ? પ્રોફેસરને કંઈ થઇ જાય તો ? એ લાગણીએ જ એને હચમચાવી દીધો હતો.

પ્રોફેસરની તબિયત તો સુધારા પર હતી પણ હોસ્પિટલમાં દાખલ થયા પછી ઓબ્ઝર્વેશનમાં તથા તમામ ટેસ્ટ્સ કરાવવા , આરામ કરવા થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું જરૂરી હતું.
વિવાન તમામ કામ છોડીને રાતદિવસ પ્રોફેસર સાથે રહ્યો હતો.
ઇરા સવાર સાંજ ટિફિન લઈને આવતી હતી.
જ્યાં સુધી પ્રોફેસર ઘરે ન આવે ત્યાં સુધી તે પોતે અહીં જ રહેશે તેમ વિવાન જણાવી ચુક્યો હતો.
સુમન મનમાં ધૂંધવાતી રહેતી પણ દીકરી ક્યાં સાંભળે તેવી હતી.
પ્રોફેસર , વિવાન અને ઇરા ત્રણેની ગપ્પાગોષ્ટિ કલાકો સુધી ચાલતી. ક્યારેક સાહિત્ય પર, ક્યારેક ઉપનિષદ પર, ક્યારેક આવનારી નવી કમ્પ્યુટર ક્રાંતિ પર, વિષયોની કોઈ કમી નહોતી.
ન વિવાન ને ખબર પડી ન ઇરા ને , કે મનના તાર ગૂંથતા જતા હતા.
બંનેના દિલમાં કોઈક કૂંપળ પાંગરી રહી હતી.


ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED