Kalmsh - 7 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 7

પ્રકરણ 7
ખડકીથી પૂણે જતી બસમાં નિશીકાંતના મનમાં સતત એક જ વાત ઘૂમરાતી રહી કે દસ લાખ રૂપિયાની જોગવાઈ કરવી કઈ રીતે ?

પોતે ક્ષણભર પણ વિચાર કર્યા વિના માસ્તરસાહેબને ધરપત તો આપી દીધી પણ પોતે ક્યાંક વધુ પડતું તો નહીં કહી દીધું ? એ વાત કહી દેવા પૂર્વે વિચાર કરી લેવો જરૂરી હતો. દસ લાખ રૂપિયા એવી રકમ નહોતી કે દસ દિવસમાં તેની જોગવાઈ કરી શકાય.

વિચારનું વહેણ એવું તીવ્ર થતું ગયું કે નિશિકાંતની હથેળીમાં પરસેવો વળવા લાગ્યો. પોતે આપી દીધેલા વચન પર માસ્તરસાહેબ નચિંત થઇ ગયા પણ જો એ જોગવાઈ ન થઇ શકી તો ?

તો સુધાનું શું થશે ?

તો માસ્તરસાહેબની આબરૂનું શું થશે ?

જે વ્યક્તિએ પોતાને નવી જિંદગી આપી તે વ્યક્તિને મોઢું કઈ રીતે બતાવવું ? મગજે લોજીક વાપર્યું . પણ , હવે એ વિચારવાનો સમય વીતી ગયો હતો. હવે શું કરવું એ પ્રશ્ન મુખ્ય હતો. મનમાં વિચારોનો ઝંઝાવાત એટલો તીવ્ર થઇ ગયો કે નિશીકાંતને લાગ્યું કે માથું ફાટી જશે. બે હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધા પછી પણ કોઈ રાહત ન લાગી ત્યારે એણે આંખો મીંચી દીધી. હવે જે થશે એ જોયું જશે , પોતાની નિષ્ઠા સાચી હશે તો માર્ગ પણ આપોઆપ નીકળશે.

બસમાંથી ઉતર્યા પછી રીક્ષા રોકી ત્યારે ખ્યાલ આવ્યો કે હવે પોતાનું સરનામું હોસ્ટેલ નથી.
'બન્ડ ગાર્ડન લે લો ' રિક્ષામાં બેઠા પછી સુઝયું માત્ર પ્રોફેસરનું સરનામું. અભ્યાસ દરમિયાન હોસ્ટેલ , કોલેજ અને પ્રોફેસરનું ઘર આ ત્રણ જગ્યા સિવાય પોતાનું કહેવાય એવું એક પણ સ્થળ નહોતું.
થોડી જ મિનિટમાં રીક્ષા પ્રોફેસરના ઘર સામે આવીને ઉભી રહી.
વર્ષો સુધી કામ કર્યું હોવા છતાં નિશિકાંતે ઘર પહેલીવાર નિહાળી રહ્યો હોય તેમ એ ગેટ પકડીને ઉભો રહ્યો.
હકીકત તો એ હતી કે ઘરમાં જવા પગ ઉપાડતાં નહોતા.

અંદર જઈને પ્રોફેસરને શું કહેવું ? કે પોતાને દસ લાખ રૂપિયાની જરૂર છે ? ને એ સાંભળીને પ્રોફેસર દસ લાખ રૂપિયા જેવી રકમ કાઢીને આપી દેશે ? જેમ કે સો રૂપિયા આપતા હોય ?

'પાછો ફર નિશિકાંત , અહીંથી જ પાછો ફર ....' મનમાં કોઈ અવાજ ઉઠી રહ્યો હતો. અને સાથે એ જ મન કહી રહ્યું હતું કે હિંમત કર. બહુ બહુ તો પ્રોફેસર ના ભણી દેશે , એથી વિશેષ શું ?
પોતાની બીજી દલીલ અનુસરવી હોય તેમ એણે હિંમત કરી પગ પાડ્યા.

ડોરબેલ મારીને બારણું ખુલવાની રાહ જોતો ઉભો રહ્યો.
એક માળ ધરાવતો નાનો બંગલો પ્રોફેસરની ઇમેજ જેવો હતો. જેવા પ્રોફેસર તેવો જ બંગલો. પ્રોફેસર હંમેશ કામમાં ગળાડૂબ રહેતા , જેનું પ્રતિબિંબ હતું એમનું ઘર. ચારે તરફ પુસ્તકોના ઢગ , ન્યુઝ પેપરના કટિંગ્સ અને પિવાયેલી કોફીના કપ , અધખુલ્લી ફાઈલો પડી હોય તે દ્રશ્ય સામાન્ય હતું.
નિશિકાંતે પોતાની ગેરહાજરી દરમિયાનનું દ્રશ્ય કલ્પી રાખ્યું હતું. પોતાની ગેરહાજરીમાં તો ઘર વેરણછેરણ થઇ ગયું હશે.
એક ડોરબેલથી બારણું ન ઊઘડ્યું ત્યારે નિશીકાંતે ફરી ડોરબેલ મારી અને એક જ ક્ષણમાં બારણું ખુલ્યું.

સામે પ્રોફેસરની બદલે ઉભી હતી એક યુવતી.
ઉંમર હશે માંડ સત્તર અઢાર વર્ષની. એના અસ્તવ્યસ્ત વાળ અને કપડાં ગવાહી આપતા હતા કે એ સાફ સફાઈનું કામ કરી રહી હશે.
'બોલો , કોનું કામ છે ?' એણે પૂછ્યું નહોતું પણ એની બદામ જેવી મોટી આંખોમાં એ પ્રશ્ન વાંચતો હતો.

નિશિકાંતનું મન અસલામતીથી ઘેરાઈ રહ્યું.

ઓહ , મારી બદલે આ નવી આસિસ્ટન્ટ પ્રોફેસર સાહેબે રાખી લીધી લાગે છે. નિશિકાંતે વિચાર્યું. એવા સંજોગોમાં નોકરીએ રહેવાની, લોન માંગવાની, લોન ભરપાઈ કરી આપવાની વાતનો તો છેદ અહીંથી જ ઉડી જતો હતો.

'પ્રોફેસર સાહેબ ઘરે છે ?' અવાજમાં કંપન છુપાવવાનો પ્રયત્ન કરતા નિશીકાંતએ પૂછ્યું.

'ઇરા , કોણ છે ?' પાછળથી પ્રોફેસરનો સાદ સંભળાયો.

ઇરાએ માત્ર ભ્રુકુટિ ઊંચી કરી.

'મારુ નામ નિશિકાંત. પ્રોફેસર સાહેબને કહો મને મળવું છે'
ઇરા હજી એ સંદેશ પ્રોફેસર સુધી પહોંચાડે એ પહેલા જ પ્રોફેસર શ્રીવાસ્તવનો સાદ સંભળાયો: ઇરા, એને અંદર આવવા દે , એ નિશિકાંત છે'

ઇરાએ એક બાજુ હઠીને રસ્તો કરી આપ્યો અને નિશિકાંતે રાહતનો શ્વાસ લીધો.
પ્રોફેસર પોતાના સ્ટડી રૂમમાં બેઠા હતા, જે લિવિંગ રૂમના બારણાંને અડીને હતો. ત્યાં સુધીનો પેસેજ જે હંમેશ અસ્તવ્યસ્ત દેખાતો એ પણ એકદમ સુઘડ સાફ સુથરો હતો. સ્ટડીરૂમની અંદર પ્રવેશતા નિશિકાંત આભો થઇ ગયો. સૌથી વધુ અસ્તવ્યસ્ત સ્ટડીરૂમ પણ સાફ હતો.
એનો અર્થ એ કે આ છોકરી પોતાની જગ્યાએ આવી ચૂકી છે. નિશિકાંતના મનમાં ખાતરી થઇ ગઈ.

હા, તો નિશિકાંત તું ગયો શું ? આવ્યો શું ? ગામ ગયો ને પૂરું અઠવાડિયું પણ ન રોકાયો ? ' પ્રોફેસર એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે કાંઈ થયું જ નથી.

'જી સર, થયું એવું કે મારે તાત્કાલિક પાછા આવવું પડ્યું ' નિશિકાંતની આંગળીઓ જે રીતે અંગમરોડ કરી રહી હતી તેના પરથી પ્રોફેસર અનુમાન લગાવી શક્યા કે નિશિકાંત કોઈ સમસ્યામાં ઘેરાયો છે એટલી વાત તો નક્કી.

પ્રોફેસરે માથું ધુણાવી આવકાર આપતા સામે પડેલા સોફા પર બેસવા માટે ઈશારો પણ કર્યો.

નિશિકાંત પોતાનો ખલતો સંભળતો બેઠો એવો જ શરુ થઇ ગયો : સર, તમને એવું તો ન કહી શકું કે મને તમારી સાથે કામ કરવાની તક ફરી આપો, કારણ કે .....' નિશિકાંતની નજર બારણાં પર ગઈ. ત્યાં પેલી છોકરી નજરે ન ચઢી. કદાચ પાછી એના સ્વચ્છતા અભિયાનમાં જોતરાઈ ગઈ હશે..

'અરે નિશિકાંત, હવે ગામમાં જઈને શિક્ષક બનવું , ઓપન યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવો એ બધી તારી જ યોજના હતી. હવે શું થયું?, અઠવાડિયામાં જ વિચાર બદલાઈ ગયો ?'

'ના જી સર, વિચાર બદલવો પડ્યો, સંજોગો જ એવા ઉભા થયા. ' નિશિકાંતના સ્વરમાં નિરાશાનો સૂર પ્રગટ થતો હતો.

'શું થયું?'

'સર, હવે બોલવું વ્યર્થ છે , હવે આપે કોઈ મદદનીશ રાખી લીધી છે એટલે બોલવું નકામું છે , બાકી મારે કહેવાનું હતું કે મને ફરી તક આપો, નિશિકાંત એક જ શ્વાસમાં બધું બોલી ગયો. એ માટે કેટલી હિંમત એકઠી કરવી પડી હતી તે તો એનું મન જ જાણતું હતું.

નિશિકાંતની નિર્દોષતા પર પ્રોફેસરને હસવું આવી ગયું. એમણે ચિરૂટનો એક ઊંડો કશ લીધો. એમના ચહેરા પર એક હળવું સ્મિત તરી રહ્યું હતું. : 'નિશિકાંત .....તું બધું ધારી લે છે એ તારો પ્રોબ્લેમ છે. અરે ભાઈ, એ ઇરા છે , મારી મોટી બહેન સુમનની દીકરી. મારી બહેન અને એ અહીં આવ્યા છે. એ ભણવા આવી છે પણ ઘર અસ્ત વ્યસ્ત જોયું એટલે સાફસફાઈ પર મચી પડી છે.'

પ્રોફેસરના એક જ વાક્યે નિશિકાંતને ભારે ધરપત આપી ગયું. પોતે ધારી લીધેલી પરિસ્થિતિ સાવ જૂદી નીકળી એ વાત એના ચહેરા પર સ્મિત લઇ આવી.

'તો સર , હું કામ પર આવું ને ? પહેલાની જેમ ? ' નિશિકાંતે ઉત્સાહમાં પૂછી તો લીધું પણ પછી ખ્યાલ આવ્યો કે હવે તેની પાસે રહેવાની જગ્યા નથી અને હોસ્ટેલ માત્ર વિદ્યાર્થીઓ માટે હોય છે. : મને થોડા દિવસ જોઈશે,મારા રહેવાની જગ્યા શોધવા. હવે હોસ્ટેલમાં રહી શકું એમ નથી.

'અરે હા, એ વાત તો મારા મગજમાંથી નીકળી ગઈ. ' પ્રોફેસરે માથું ધુણાવ્યું. : એમ કર , જ્યાં સુધી તારી રહેવાની જોગવાઈ ન થાય ત્યાં સુધી તું આ સ્ટડી રૂમમાં રહી શકે છે, ઓકે ? હવે બધી સમસ્યા સોલ્વ?'

નિશિકાંત હકારમાં માથું તો ધુણાવ્યું સમસ્યા તો હવે થઇ હતી. : પોતાની બે સમસ્યાના તાત્કાલિક તોડ કાઢી આપનાર આ સજ્જન માણસને દસ લાખ રૂપિયાની વાત કરવી કઈ રીતે ?

પ્રોફેસર સમજી ચૂક્યા હતા કે નિશિકાંત હજી ક્યાંક ગૂંચવાઈ રહ્યો હતો. એમની બિલોરી કાચ જેવી નજર નિશિકાંતને આરપાર પારખી રહી હતી.
'મને લાગે છે તારી સમસ્યા આ બે કરતાં પણ વધુ છે, રાઈટ ?' પ્રોફેસરે નિશિકાંતનું મન વાંચી લીધું હોય તેમ બોલ્યા.
એ પ્રશ્નથી નિશીકાંતના દિલમાં હિંમતનો સંચાર થયો.હવે તો આર કે પાર , પૂછી જ લેવું જોઈએ.

'સર, મને જરૂર છે દસ લાખ રૂપિયાની. સમજ નથી પડતી ક્યાંથી ગોઠવણ કરું? '

'દસ લાખ રૂપિયા ? રાતોરાત એવી જરૂર શા માટે પડી.' ખુરશીમાં આરામથી બેઠેલા પ્રોફેસર ટટ્ટાર બેઠાં થઇ ગયા.

નિશિકાંત પાસે આખી વાત માંડીને કહેવા સિવાય કોઈ પર્યાય પણ નહોતો.
માસ્તરસાહેબની દીકરી સુધાના લગ્ન, સાસરિયાની માંગણી, નિશિકાંતની કુટુંબ પરત્વે કર્તવ્યનિષ્ઠા પ્રોફેસર સમજી શકતા હતા પણ વાત બે પાંચ હજારની નહીં પૂરા દસ લાખની હતી.

થોડી વાર સુધી વાતાવરણમાં શાંતિ છવાઈ રહી.
પછી પ્રોફેસરે જ વાત શરુ કરી.
'નિશિકાંત , હું તો તને દસ લાખ રૂપિયા આપી શકું એમ નથી. પણ હા, એક રસ્તો છે.'

નિશિકાંતના ચહેરા પર કુતુહલતા છવાઈ રહી.

' એક બેન્કનો મેનેજર મારો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે, હું તને તેની સાથે ઈન્ટ્રોડ્યુસ કરી શકું છું. પછી તું જાણે ને એ જાણે. બોલ વાત કરી જોઉં?'
'પણ સર મારી પાસે નોકરી પણ નથી. રહેવા ઘર પણ નથી તો મારી લોન પાસ કેવી રીતે થશે?' નિશીકાંતને સમજાતું નહોતું કે પોતાના જેવા માણસની લોન પાસ કઈ રીતે થઇ શકે ?

'એ આપણે એને મળીશું ત્યારે વાત કરી લઈશું પણ નિશિકાંત એક વાત યાદ રાખજે. તને લોન પણ મળે તો એ મારી શાખ પર મળશે. મને એ ખાતરી છે તું એ લોન આકાશ પાતાળ એક કરીને પણ ચૂકવશે. એમાં તારી નહીં મારી ઈજ્જત દાવ પર લાગી હશે.

************

બીજા દિવસે પ્રોફેસર નિશીકાંતને લઈને બેંકમાં પહોંચ્યા ત્યારે જાણ થવાથી મેનેજર સામેથી દોડતો આવ્યો અને બંનેને પોતાની કેબિનમાં દોરી ગયો.
'સર, કહો શું સેવા કરું તમારી ?' બેન્ક મેનેજર મંથન વાઘ પોતાના ગુરુને આવેલા જોઈ અડધો અડધો થઇ રહ્યો હતો.
આ જ શાખ હતી પ્રોફેસર શ્રીવાસ્તવ. જીવન દરમિયાન માન અને ઈજ્જત કમાવા ઉપરાંત જો કોઈ કામ કર્યા હોય તો તે હતા ગરીબ વિદ્યાર્થીઓની મદદ. મેનેજર એમનો જ એક વિદ્યાર્થી હતો જે પ્રોફેસરની મહેરબાનીથી હવે સારી પોઝિશન પર પહોંચ્યો હતો.
'મંથન' પ્રોફેસર તો એને પહેલે જ નામે બોલાવી રહ્યા હતા.: આ છે નિશિકાંત નાયક. મારો વિદ્યાર્થી, સહાયક .. એ અત્યારે ભીડમાં છે. એને જરૂર છે દસ લાખની. પર્સનલ લોન જોઈએ છે. એની પાસે ન તો ઘર છે, નોકરી મારે ત્યાં કરે છે. બોલ, કઈ રીતે થશે?

'અચ્છા, એમ વાત છે ?' મેનેજર મંથન જરા વિચારમાં પડ્યો. એ જોઈને પ્રોફેસર બોલ્યા : અને હા, જો કોઈ સમસ્યા હોય તો હું એનો ગેરેન્ટર થવા તૈયાર છું , પછી છે કોઈ પ્રોબ્લેમ?

;અરે સર, એવી કોઈ વાત નથી' મંથન જરા છોભીલો પડી ગયો.: સર, તમે જાણો છો ને આજકાલ લોન આપવી કેવું કપરું કામ થઇ ગયું છે, પણ એ તમારે ત્યાં જ કામ કરે છે અને તમે ગેરંટર હો તો પછી કોઈ સમસ્યા જ નથી.
ત્રીસ મિનિટથી ઓછા સમયમાં જરૂરી કાર્યવિધિ પતી ગઈ.

' તો હું આ શુભ સમાચાર માસ્તરસાહેબને આપી દઉં ?' નિશિકાંત નહીં ધારેલી વાતો આટલી સલૂકાઇથી પતી જવાથી બેહદ ખુશ હતો.

એને માસ્તરસાહેબને ફોન પર સમાચાર પણ આપી દીધા. વાત કરતી વખતે માસ્તરસાહેબના અવાજમાં રહેલી ભીનાશ છુપાઈ ન શકી. 'નિશિકાંત, તે તો એ કામ કર્યું જે કામ મારો સગો દીકરો ન કરી શક્યો '
ફોન મુખ્ય પછી પણ નિશિકાંતના કાનમાં માસ્તરસાહેબના એ જ શબ્દો ક્યાંય સુધી કાનમાં ગુંજતા રહ્યા.

નિશીકાંતને પહેલીવાર જિંદગીમાં એક આગવા સંતોષની લાગણી અનુભવાઈ. અત્યાર સુધી પોતે હંમેશા બધું લેતો જ આવ્યો હતો માસ્તરસાહેબના કુટુંબ પાસેથી. આજે પહેલીવાર પોતે ઘરનો ટેકો બની રહ્યો છે તે વાત એને મનોમન સ્પર્શી રહી હતી.

હવે એક નવી દુનિયામાં પ્રવેશ થઇ ચૂક્યો હતો. જવાબદારીની દુનિયા, કર્તવ્યનિષ્ઠાની દુનિયા.
હવે લીધેલી લોનનો હપ્તો દર મહિને ચૂકવવાનો હતો. પ્રોફેસરને ત્યાં નોકરી કરવાથી એ કરજ ઉતરવાનું નહોતું. નિશિકાંત એ માટે રાત દિવસ એક કરવા તૈયાર હતો.

ત્યારે પ્રોફેસર જ વ્હારે આવ્યા.
' નિશિકાંત , આખી જિંદગી મારો સહાયક જ બની રહેશે કે શું ? મહેનત ખૂબ છે પણ કરવી પડશે, મારે માટે રિસર્ચ કામ સંભાળવાની સાથે સાથે તું પોતે લખી શકે છે. મેં તારો લખેલો ડ્રાફ્ટ એકવાર વાંચ્યો છે. હા, એમાં હજી મહેનત કરવી પડશે પણ આજકાલ કિશોરાવસ્થામાં વાંચવાલાયક કશું લખાતું જ નથી. તું લખ. એમાં બે ચીજ થશે એક તો તારી શૈલી વિકસતી જશે અને બીજું નામ બનતું જશે.

નિશીકાંતની આંખોમાં આંસુ ધસી આવ્યા. શું લેણાદેણી હતી આ પ્રોફેસર સાથે ? શું લેણાદેણી હતી માસ્તરસાહેબ સાથે ?
જિંદગીએ એક હાથે બધું ઝૂંટવી લીધું હતું તો બીજે હાથે આપ્યું પણ હતું.

રાત્રે સ્ટડીરૂમમાં આડા પડેલા નિશિકાંતનું ગાળું સુકાઈ રહ્યું હતું
પાણી પીવા એ કિચન સુધી ગયો અને લિવિંગ રૂમમાં ચાલી રહેલી વાતચીત એને કાને પડી.

'પણ, ભાઈ આમ સાવ અજાણ્યા માણસ પર વિશ્વાસ મુકાય ? કાલે ઉઠીને ઉડન છૂ થઇ ગયો તો ?' નિશિકાંત સમજી શક્યો કે અવાજ પ્રોફેસરની બહેન સુમનનો હતો.

'સુમન, તું કદાચ નહીં માને પણ મને માણસ વાંચવાનું વરદાન છે , હજી સુધી મેં પારખેલો એક વિદ્યાર્થી ખોટો નથી નીકળ્યો, અને રહી આ છોકરાની વાત. એ ભારે હોનહાર છે. એક દિવસ એ વાત પૂરવાર થઈને રહેશે.
પાણી પીને નિશિકાંત ચોર પગલે સ્ટડીરૂમ ભેગો થઇ ગયો. એને પોતાની ડાયરીમાં આજના દિવસની ગતિવિધિ વણી લીધી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED