પ્રારંભ પ્રકરણ 73
કેતન જેતપુરથી પાછા વળતી વખતે એક દિવસ માટે રાજકોટમાં અસલમ શેખના ત્યાં રોકાયો હતો. અસલમના મકાનમાં એક પ્રકારની ઉદાસીનો અનુભવ કેતનને થયો હતો. એણે આ બાબતે અસલમને પૂછ્યું હતું.
અસલમે જણાવ્યું હતું કે એના મામુ કરીમખાનની દીકરી રેહાના દસ દિવસ પહેલાં જ વિધવા થઈ હતી. એના વર ઝકીનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું એટલે ઘરમાં થોડું શોકનું વાતાવરણ હતું.
રાત્રે ૧૧ વાગ્યે કેતન અસલમના બંગલે એના બેડરૂમમાં સૂતો હતો ત્યારે એને કંઈક વિચિત્ર અનુભવ થયો હતો. એને ઊંઘ આવતી ન હતી અને જાણે આ બેડરૂમમાં કોઈની હાજરી હોય એવો આભાસ એને થતો હતો.
થોડીવાર પછી એણે ઓઢેલો કામળો કોઈ ખેંચતું હોય એવો અનુભવ થયો. કેતન તરત પથારીમાં બેઠો થઈ ગયો અને જે પણ આત્મા હોય એનો સંપર્ક કરવા માટે ઊંડા ધ્યાનમાં બેસી ગયો.
કોઈપણ આત્મા સાથે વાત કરવા માટે એક ફ્રિકવન્સી ડેવલપ કરવી પડતી હોય છે. કેતને તો સૂક્ષ્મ જગતનો આ પહેલાં પણ અનુભવ કર્યો હતો એટલે એને આ સિદ્ધિ મળેલી જ હતી. ઊંડા ધ્યાનમાં ગયા પછી એણે ઝકીનની હાજરીનો અનુભવ કર્યો.
ઝકીન સ્પષ્ટ દેખાતો ન હતો પરંતુ એ પ્રેત સ્વરૂપે હોવાથી કેતનને એનો સ્પષ્ટ આભાસ થતો હતો. કોઈક ધૂંધળી આકૃતિ ઊભી હોય તેવું લાગતું હતું.
" હુ ઝકીન છું. અકસ્માતમાં મારું મૃત્યુ થયું છે. મને શાંતિ નથી મારો આ સ્થિતિમાંથી મોક્ષ કરો. મારા આ સૂક્ષ્મ શરીર દ્વારા હું જોઈ શકું છું કે તમારો આત્મા ખૂબ જ પાવરફુલ છે. તમારા શરીરની આજુબાજુ મને પ્રકાશ દેખાય છે એટલે જ હું તમારી પાસે આવ્યો છું. તમારી નજીક આવવાથી મને શાંતિ મળે છે. હું તમને ઓળખતો નથી પરંતુ તમને જોયા ત્યારથી જ તમને મળવાની ઈચ્છા થઈ છે. " ઝકીન બોલ્યો.
" તમને શાંતિ કેમ નથી ? તમને શું તકલીફ થાય છે ? અકસ્માત પછી શરીરની વેદનાઓ તો મૃત્યુ સાથે જ સમાપ્ત થઈ જાય છે. તમે અત્યારે તો પીડામુક્ત છો. " કેતન બોલ્યો.
" મૃત્યુ પછી શરીરની પીડા તો શાંત થઈ જાય છે પરંતુ મન તો સાથે ને સાથે જ હોય છે. આખા જીવન દરમિયાન કરેલા કર્મો પીછો છોડતાં નથી. દુશ્મનો આ દુનિયામાં પણ હોય છે. અહીં પણ ભય ડર જેવા અનુભવો થાય છે. એવા એવા દુષ્ટ આત્માઓ મારી આજુબાજુ હોય છે અને હેરાન કરે છે કે મને શાંતિ મળતી નથી. મારે અહીંથી છૂટવું છે. " ઝકીન બોલ્યો.
"તમને હું કઈ રીતે છોડાવી શકું ? હું તો પૃથ્વીલોકમાં છું. તમારા લોકમાં નથી. અને તમને દુષ્ટ આત્માઓ શા માટે હેરાન કરે ?" કેતને કુતૂહલથી પૂછ્યું.
"કારણ કે મારું મૃત્યુ અકસ્માતથી થયું છે માટે. અકસ્માતથી મૃત્યુ થાય કે આત્મહત્યાથી મૃત્યુ થાય ત્યારે આત્માને જબરદસ્તીથી શરીર છોડી દેવું પડે છે એટલે એકદમ શરીરનો અને પરિવારનો મોહ છૂટતો નથી. આત્મા મૃત્યુ માટે તૈયાર હોતો નથી એટલે એ શરીર છોડ્યા પછી આગળ વધી શકતો નથી. અને નીચેના લોકમાં હલકા આત્માઓ એને ઘેરી લે છે. " ઝકીન બોલ્યો. એ પોતાની પરિસ્થિતિ કેતનને બરાબર સમજાવી શકતો ન હતો.
કેતને એને થોડીવાર રોકાઈ જવાનું કહ્યું અને એણે ચેતન સ્વામીનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો. ખૂબ જ પ્રાર્થના કર્યા પછી ચેતન સ્વામી એના ધ્યાનમાં પ્રગટ થયા.
" સ્વામીજી એક સમસ્યા માટે આપને તકલીફ આપું છું. હું અત્યારે જેના ઘરે ઉતર્યો છું તે મારા મિત્ર અસલમ શેખના મામુના જમાઈનું એકસીડન્ટમાં મૃત્યુ થયું છે અને એના આત્માને શાંતિ નથી. એ અત્યારે મારી સામે જ છે. એને કઈ રીતે મુક્તિ આપી શકાય અથવા આગળ ગતિ અપાવી શકાય ? " કેતન બોલ્યો.
" તારે વિગતવાર જણાવવાની જરૂર નથી. હું એને જોઈ શકું છું અને એણે તારો શા માટે સંપર્ક કર્યો એ પણ મને ખબર છે. દરેક વ્યક્તિના પોતાના કર્મોની ગતિ પ્રમાણે જ જે તે લોક પ્રાપ્ત થતો હોય છે. એટલે એને અહીંથી તો ઉર્ધ્વગતિ કરાવી દઉં છું. પરંતુ એ કયા લોકમાં રહેશે એ નિર્ણય હું ના લઈ શકું. છતાં એને નવા સ્થળે શાંતિ ચોક્કસ મળશે. " કહીને ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા.
કેતને ફરી ઝકીનના આત્મા સાથે સંપર્ક કરવા માટે કોશિશ કરી જેથી એને સ્વામીજીની વાત કહી શકાય. પરંતુ એના આશ્ચર્ય વચ્ચે હવે ઝકીન ત્યાં ન હતો. રૂમમાંથી બધી જ ઉદાસીનતા ચાલી ગઈ હતી. સ્વામીજીએ એના આત્માને અહીંથી લઈ જઈને તરત જ પોતાનું કાર્ય કરી દીધું હતું.
હવે કેતનને એક પ્રકારની શાંતિનો અનુભવ થયો. એક ઉમદા કાર્ય કરવાનો સુખદ અહેસાસ થયો એટલે ઊંઘ ક્યારે આવી ગઈ એ એને ખબર જ ના પડી.
એની આદત પ્રમાણે એ પાંચ વાગે ઉઠી ગયો. બ્રશ કરી હાથ પગ ધોઈ ધ્યાનમાં બેસી ગયો. અડધો કલાક ધ્યાન કરી એણે નાહી લીધું અને ગાયત્રીની ૧૧ માળા કરી.
સાત વાગી ગયા હતા એટલે એણે બેડરૂમનો દરવાજો અંદરથી ખોલી દીધો અને બહાર નજર કરી. પરંતુ બહાર ઘરમાં બધે શાંતિ હતી. કોઈ ઉઠ્યું હોય એવું લાગતું ન હતું.
કેતને નીચે જઈને સોફામાં બેસવાનું વિચાર્યું. એ સીડી ઉતરતો હતો ત્યાં જ અસલમના પાળેલા ડૉગીનો ભસવાનો અવાજ આવ્યો. કેતન પાછો વળી ગયો પરંતુ ડૉગીના અવાજથી નીચેના બેડરૂમમાં સૂતેલો અસલમ જાગી ગયો અને તરત જ રૂમમાંથી બહાર આવ્યો. એ સમજી ગયો કે કેતન ઉઠી ગયો છે.
એણે ડૉગીને બાંધી દીધો અને કેતનને નીચે આવી જવાનું કહ્યું. કેતન નીચે આવ્યો. અસલમે બંગલાનો મુખ્ય દરવાજો ખોલી દીધો અને બહાર પડેલું છાપુ કેતનને વાંચવા માટે આપ્યું અને પોતે વોશરૂમમાં ગયો.
કેતને પેપર વાંચ્યું ત્યાં સુધીમાં અડધા કલાકમાં અસલમ પણ ફ્રેશ થઈને બહાર આવી ગયો અને એના માણસને મોકલીને કેતન માટે બહારથી ચા અને ગાંઠીયા મંગાવ્યા. નજીકની એક લારીમાં સવારે ૭ વાગ્યાથી જ ગરમાગરમ ફાફડા બનતા હતા.
" મારે અત્યારે હવે બીજું કંઈ કામ નથી તો વિચારું છું કે બપોરના ફ્લાઈટમાં હું મુંબઈ જવા નીકળી જાઉં " કેતન ચા પીતાં પીતાં બોલ્યો.
" એટલી બધી ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે ? મામુ પણ ૯ ૧૦ વાગ્યે તને મળવા આવશે. અને હવે તું ક્યાં વારંવાર આવવાનો ? જવું જ હોય તો પછી સાંજના ૭ વાગ્યાના ફ્લાઈટમાં નીકળી જજે. બપોરે આપણે પંજાબી થાળી જમીશું. " અસલમ બોલ્યો.
"ઠીક છે તો પછી એમ જ કરીશ. તને મારી વાત ઉપર વિશ્વાસ આવતો હોય તો એક વાત કરું. ઝકીનના આત્માએ રાત્રે મારો સંપર્ક કરેલો. અકસ્માત મૃત્યુ થયેલું એટલે એની અવગતિ થયેલી. મેં એના આત્માને સદગતિ કરાવી દીધી છે. " કેતન બોલ્યો.
" ક્યાં બાત કરતા હૈ કેતન ? તું આ બધું જાણે છે ? " અસલમ આશ્ચર્યથી બોલ્યો.
" હું કોઈ જ જાણકાર નથી. મારી સાધનાના કારણે કેટલીક સિદ્ધિઓ મારામાં વિકસિત થઈ છે એટલે આ બધું હું જોઈ શકું છું. " કેતન બોલ્યો.
લગભગ સાડા નવ વાગે અસલમના મામુ કરીમખાન અસલમના ઘરે આવ્યા. લગભગ ૬૫ આસપાસની ઉંમર દેખાતી હતી. કેતન ત્યાં સોફા ઉપર જ બેઠેલો હતો.
" અસ્સલામ વાલેકુમ કેતનભાઈ " કરીમખાન બોલ્યા.
" વાલેકુમ અસ્સલામ મામુ ! બસ આપકા હી ઇન્તજાર કર રહા થા. મુજે રેહાનાકે બારે મેં અસલમને બતાયા. મેં આપકી પીડા સમજ સકતા હું. ઈસ ઉમ્રમેં ઇતના બડા સદમા લગના બહોત ભારી હોતા હૈ." કેતન બોલ્યો.
" ક્યા કર સકતે હૈ કેતનભાઈ ! મુજે એટેક આયા તો મેં બચ ગયા ઓર દામાદ ઇસ ઉમ્ર મેં ચલા ગયા. " મામુ બોલ્યા. એમની આંખો ભીની થઈ ગઈ.
થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં.
" ઔર સબ ખેરિયત કેતનભાઈ ? અસલમકે મુંહસે આપકા નામ તો બહોત સુના થા લેકિન મિલનેકા અવસર આજ હી મિલા ! આપને અસલમકો જો હેલ્પ કી હૈ, દુનિયામેં કોઈ નહીં કર સકતા કેતનભાઈ ! મેં સુબહ સુબહ જૂઠ નહી બોલતા. આપને ઉસકી લાઈફ બના દી." કરીમખાન બોલ્યા.
" અસલમ મેરે છોટે ભાઈ જેસા હૈ મામુ. બચપનસે હમ એક હી સ્કૂલ ઔર કોલેજમેં પઢતે આયે હૈં. " કેતન બોલ્યો.
" ઔર કોઈ કામ મેરે લાયક હો તો બતાના. મૈં તો આપકો સિર્ફ દેખને આયા થા. મૈં અબ નીકલતા હું. ઘર પર કુછ મહેમાન બેઠે હૈ. ખુદા હાફિઝ" કહીને મામુ તરત ઊભા થઈ ગયા.
" અસલમ આપણે જમવાનો પ્રોગ્રામ હમણાં રહેવા દઈએ. મારી ઈચ્છા એવી છે કે આટલે સુધી આવ્યો છું તો જામનગર એક આંટો મારી આવું. મારી એક સ્કીમ ત્યાં ચાલે છે તો જરા વિઝીટ કરી આવું. જો કે હું તો માત્ર ફાયનાન્સ પાર્ટનર છું. મને તારી ગાડી આપ. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. " મામુ ગયા કે તરત જ કેતન બોલ્યો. એને કોણ જાણે કેમ અચાનક જામનગર જવાની પ્રેરણા થઈ.
"તને ડ્રાઇવર સાથે જ ગાડી આપું છું. ઈકબાલ તારે જ્યાં જવું હશે ત્યાં લઈ જશે. હું તને લેવા આવ્યો હતો એ મર્સિડીઝ મેં હમણાં જ નવી લીધી છે. એ તું લઈ જા. " અસલમ બોલ્યો.
" ઠીક છે. જો વહેલો પાછો આવી જઈશ તો વળતી વખતે ગાડીમાંથી જ ફ્લાઇટની ટિકિટ લઈ લઈશ અને સીધો ૬ વાગે એરપોર્ટ જતો રહીશ. અને જો મોડું થશે તો અહીં તારા ઘરે પાછો આવીશ. " કેતન બોલ્યો.
" નો પ્રોબ્લેમ કેતન તારું જ ઘર છે. " કહીને અસલમે ઈકબાલને બોલાવ્યો.
" ઈકબાલ તુમ તો ઇનકો જાનતે હી હો. એક બાર ઉનકે ઘર હમ જામનગર ગયે થે. યે કેતનભાઈ મેરે ભાઈજાનસે ભી બઢકર હૈ. ઇનકો અભી જામનગર જાના હૈ ઔર શામકો વાપસ આના હૈ. મર્સિડીઝ નિકાલ." અસલમ બોલ્યો.
એ પછી દસ મિનિટમાં જ કેતન જામનગર જવા માટે નીકળી ગયો. એણે ગાડીમાંથી જ ધરમશી અંકલને ફોન કરી દીધો.
" અંકલ હું કેતન બોલું છું. હું રાજકોટ સુધી આવ્યો હતો તો અત્યારે તમને મળવા માટે જામનગર આવી રહ્યો છું લગભગ ૧૨ વાગ્યા આસપાસ આપણી સાઇટ ઉપર પહોંચી જઈશ. તમે ત્યાં જરા આવી જજો." કેતન બોલ્યો.
" અરે ચોક્કસ પધારો કેતનભાઇ... પણ સાઇટ ઉપર શું કામ ? ઘરે જ આવી જાઓ. જમવાનું આપણા ત્યાં જ રાખવાનું છે " ધરમશી અંકલ બોલ્યા.
" ઘરે તકલીફ આપવાની કોઈ જરૂર નથી અંકલ. હું ગ્રાન્ડ ચેતનામાં જમી લઈશ. " કેતન બોલ્યો.
" અરે ભલા માણસ મારુ ઘર ખુલ્લું હોય અને તમારે બહાર જમાતું હશે ? અને હજુ તો બે કલાક છે. રસોઈ થઈ જશે. તમે સીધા વ્રજભૂમિ આવી જાવ. " ધરમશી અંકલ બોલ્યા. કેતને પછી કોઈ આનાકાની ન કરી.
પોણા બાર વાગે કેતને જામનગરમાં પ્રવેશ કર્યો. ભૂતકાળની બધી જ યાદો તાજી થઈ ગઈ. એણે ઈકબાલને ગાડી વ્રજભૂમિ બંગલોઝ લેવાની સૂચના આપી અને રસ્તો પણ બતાવતો ગયો.
" ઈકબાલ મુઝે યહાં ખાના ખાને મેં શાયદ એક ઘંટા લગ સકતા હૈ. તુમ ભી કહીં રેસ્ટોરન્ટમેં જાકર ખાના ખા લો. ક્યોંકી બાદમેં તુમકો વક્ત નહીં મિલેગા." કેતન બોલ્યો અને એણે ઇકબાલને આપવા માટે ૫૦૦ ની નોટ બહાર કાઢી પણ ઈકબાલે લેવાની ના પાડી અને નીકળી ગયો.
" આવો કેતનભાઇ. તમે આવ્યા એ બહુ સારું લાગ્યું. આ રીતે વચ્ચે વચ્ચે આવતા જતા રહેવું જોઈએ. ઘરે બધાં કેમ છે ? " બંગલામાં પ્રવેશ કર્યા પછી ધરમશી અંકલ બોલ્યા.
" મમ્મી પપ્પા તો મુંબઈ શિફ્ટ થઈ ગયા છે. મેં અને સિદ્ધાર્થ ભાઈએ પાર્લામાં બાજુ બાજુમાં જ નવો ફ્લેટ લીધો છે. મમ્મી પપ્પા અત્યારે મોટાભાઈના ફ્લેટમાં રહે છે. " કેતન બોલ્યો.
" ચાલો આ બહુ સારા સમાચાર આપ્યા. હવે સુરતમાં એકલા રહીને પણ શું કરે ? તમે બંને ભાઈઓ પણ મુંબઈ શિફ્ટ થઈ ગયા. " ધરમશી અંકલ બોલ્યા.
"કેતનભાઇ તમે લોકો ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાઓ.... જમવાનું તૈયાર જ છે. " વિજયાબેન બોલ્યાં.
કેતન ઊભો થઈને વોશ બેસીન પાસે ગયો અને હાથ મ્હોં ધોઈ નાખ્યાં.
"કેમ નીતા દેખાતી નથી ? " નીતા ક્યાંય દેખાઈ નહીં એટલે કેતને જસ્ટ પૂછ્યું.
" આજે રવિવાર છે એટલે નીતા કોઈ કામથી એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. એ દોઢ વાગે આવશે. એ હમણાં દસ વાગે જ ગઈ છે. તમારો ફોન આવ્યો એના પહેલાં પહેલાં એ નીકળી ગઈ. નહીં તો રોકાઈ જાત " વિજયાબેન બોલ્યાં. કેતન કંઈ બોલ્યો નહીં.
હકીકતમાં કેતન ઘરે જમવા આવવાનો હતો એટલે નીતા જાણી જોઈને ઘરેથી સાડા અગિયાર વાગે નીકળી ગઈ હતી. એ કેતનને જોઈને ફરીથી ડિસ્ટર્બ થવા માગતી નહોતી. જૂની મુલાકાતને એ માંડ માંડ ભૂલી હતી !
જમવામાં આજે રસ, રોટલી, કારેલાં ડુંગળીનું શાક, ફજેતો અને ભાત હતા. લંગડા કેરીનો રસ હતો.
" માસી રસોઈ ખરેખર બહુ સારી બની છે. " જમતાં જમતાં કેતન બોલ્યો.
" રાજકોટ પાછા જવાની ઉતાવળ ના હોય તો એકાદ કલાક આરામ કરી લો." જમ્યા પછી ધરમશી અંકલ બોલ્યા.
" એકાદ કલાક તો નહીં પરંતુ અડધો કલાક ચોક્કસ આરામ કરી લઉં. " કેતન બોલ્યો એટલે ધરમશી અંકલ એને બેડરૂમમાં લઈ ગયા.
હજુ તો ૧૨:૩૦ વાગ્યા હતા અને ઈકબાલ આવ્યો ન હતો એટલા માટે જ કેતને આરામ કરવાની વાતને સ્વીકારી લીધી.
કેતને ૧:૧૫ નું એલાર્મ મોબાઇલમાં મૂકી દીધું અને સૂઇ ગયો. સવા વાગે ઊઠીને બાથરૂમમાં જઈ હાથ મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો.
બેડરૂમમાંથી બહાર આવ્યો તો ધરમશી અંકલ સોફા ઉપર જ આડા પડેલા હતા. અને વિજયાબેન જમતાં હતાં.
" અંકલ નીકળીશું આપણે ? " કેતન બોલ્યો એટલે અંકલ ઝડપથી ઊભા થઈ ગયા. એમણે પણ હાથ મ્હોં ધોઈ લીધાં અને તૈયાર થઈ ગયા.
" ચાલો" કહીને ધરમશી અંકલ બહાર નીકળ્યા એટલે કેતન પણ વિજયાબેનની રજા લઈને બહાર નીકળ્યો. ઈકબાલ આવી ગયો હતો.
"અંકલ કે પીછે પીછે એરપોર્ટ રોડ પે ગાડી લે લો. " કેતને ઈકબાલને સૂચના આપી.
સાઇટ ઉપર પહોંચ્યા પછી કેતને જોયું કે કામ ઝડપથી આગળ વધી રહ્યું હતું અને વીસેક બંગલા બની ચૂક્યા હતા. બાકીના દસેકનું કામ ચાલુ હતું. બધા બંગલામાં હજુ સિમેન્ટનું પ્લાસ્ટર બાકી હતું.
માયાવી અવસ્થામાં પોતે જ્યાં રહેતો હતો એ રોડ સાઇડ કોર્નરના બંગલામાં કેતન ગયો અને ભૂતકાળની તમામ સ્મૃતિઓ જાગૃત થઈ ગઈ. એક વર્ષ કરતાં વધારે સમય આ બંગલામાં એણે પરિવાર સાથે ગાળ્યો હતો. આ સ્કીમના તમામ બંગલાનો પ્લાન એણે એ જ રીતે બનાવ્યો હતો જે પ્લાન માયાવી અવસ્થામાં એના બંગલાનો હતો.
ધરમશી અંકલના કામથી એને સંતોષ થયો. ગણતરી પ્રમાણે જ સ્કીમ આગળ વધી રહી હતી. એણે અંકલને પૈસા માટે પૂછ્યું તો અંકલે ૩૫ લાખ જેવી રકમની જરૂરિયાત છે એવી વાત કરી. કેતને તરત જ ૪૦ લાખનો ચેક લખીને આપી દીધો.
એ પછી કેતન ધરમશી અંકલની વિદાય લઈને બહાર નીકળી ગયો અને ગાડીમાં બેઠો.
" અબ હમેં પટેલ કોલોની શેરી નંબર ૪ જાના હૈ. " કેતને ઈકબાલને સૂચના આપી.
ઈકબાલે ગાડીમાં ગૂગલ મેપમાં લોકેશન ટાઈપ કરીને ડાયરેક્શન સેટ કરી દીધું અને ગાડી સ્ટાર્ટ કરી.
કેતન જામનગર સુધી આવ્યો હતો એટલે એની ઈચ્છા પટેલ કોલોનીના જે બંગલામાં પોતે રહેતો હતો એ બંગલાનાં દર્શન કરવાની અને સાથે સાથે મનાલીને મળવાની પણ હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )