Prarambh - 72 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 72

પ્રારંભ પ્રકરણ 72

કેતને જેતપુર આવીને પોતાની સિદ્ધિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને અંજલિ નામની ૧૪ વર્ષની કન્યાને નરકમાં જતી બચાવી હતી. અંજલિના પિતા વિઠ્ઠલભાઈ વેગડા કેતન ઉપર ખૂબ જ ખુશ હતા. એમણે પોતાની દીકરી માટે મુંબઈથી કેતનને બોલાવવા બદલ જીતુનો પણ આભાર માન્યો હતો.

જમી લીધા પછી કેતને વિઠ્ઠલભાઈની વિદાય માગી હતી. વિઠ્ઠલભાઈએ બે હાથ જોડી કેતનને બે લાખનું પેકેટ સ્વીકારવા કોશિશ કરી હતી પણ કેતને મક્કમ રહીને કંઈ પણ લેવાની ના પાડી હતી.

જતાં જતાં કેતને અંજલિને એનો મોબાઈલ નંબર તાત્કાલિક બદલી નાખવાની સલાહ આપી હતી. જેથી છંછેડાયેલો રોહિત કોઈપણ સંજોગોમાં એને ફોન કે મેસેજ ના કરી શકે.

" જીતુભાઈ તમારે મને રાજકોટ સુધી મૂકી જવો પડશે. " રાધિકા હોટલમાં બે કલાક આરામ કર્યા પછી કેતને જીતુને કહ્યું. કેતન આજે જવાનો હતો એટલે જીતુ કેતનની સાથે હોટલમાં જ રોકાયો હતો.

" ભલા માણસ તમારે મને આવું કહેવાનું હોય ખરું ? એ તો મારી ફરજમાં આવે છે ને ? તમે કહો એટલે આપણે નીકળીએ." જીતુ બોલ્યો.

" બસ હું તો તૈયાર જ છું. ચા અહીં પીવી છે કે પછી રસ્તામાં પેલી તમારી હોટલમાં ? " કેતન હસીને બોલ્યો.

" હા એની ચા સારી આવે છે. આપણે ત્યાં હોટલમાં જ પી લઈશું." જીતુ બોલ્યો અને બંને જણા રૂમને લોક કરીને નીચે ઉતર્યા. જીતુએ ચાવી રીસેપ્શન કાઉન્ટર ઉપર આપી અને રિસેપ્શનિસ્ટને બિલ કેટલુ થયું એ પૂછ્યું.

"તમારે કંઈ આપવાનું નથી જીતુભાઈ. હોટલનું બિલ વિઠ્ઠલકાકા આપવાના છે. એમનો ફોન હતો. " રિસેપ્શનિસ્ટ બોલ્યો. એ જીતુને ઓળખતો હતો.

" ઠીક છે. " કહીને જીતુ કેતન સાથે બહાર આવ્યો અને બંને જણા ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં ગયા. કેતન બેસી ગયો એટલે જીતુએ ગાડી સ્ટાર્ટ કરી.

" એક બે મિનિટ માટે તમને મારા ઘરે લઈ જાઉં છું. શિલ્પા તમને ખૂબ જ યાદ કરે છે. તમારા આશીર્વાદની એને જરૂર છે. ઘરેથી નીકળ્યો ત્યારે મને ખાસ આગ્રહ કર્યો હતો કે કેતનભાઇને ઘરે લઈ આવજો. " જીતુ બોલ્યો અને દસ પંદર મિનિટમાં જ જય શ્રી કૃષ્ણ સોસાયટી આવી ગઈ.

"શિલ્પા કેતનભાઇને લઈ આવ્યો છું. દરવાજો ખોલ. " જીતુએ ખુલ્લી બારીમાંથી શિલ્પાને બૂમ પાડી.

શિલ્પાએ દરવાજો ખોલ્યો. કેતનને જોઈને શિલ્પા ખૂબ જ ખુશ થઈ ગઈ અને બે હાથ જોડીને પ્રણામ કર્યા. એની ઈચ્છા તો નીચે નમીને કેતનના ચરણ સ્પર્શ કરવાની હતી પરંતુ પ્રેગ્નન્સીના કારણે નીચે નમી શકાય તેમ ન હતું.

" બસ તને આશીર્વાદ આપવા માટે જ ખાસ આવ્યા છે. બહુ મહાન વ્યક્તિ છે. આપણે હજુ એમને પૂરા ઓળખી શક્યા નથી. રાત્રે તને બધી વાત કરીશ. જલ્દી પાણી લઈ આવ અમારે નીકળવું છે. એમને છેક રાજકોટ જવું છે. " જીતુ બોલ્યો.

શિલ્પા કિચનમાં જઈને પાણીનો ગ્લાસ ભરીને આવી. કેતને ઉભા ઉભા જ પાણી પી લીધું.

" અમારું બાળક એકદમ તંદુરસ્ત જન્મે અને એનું જીવન પણ સુખી થાય એવા આશીર્વાદ શિલ્પાને આપો કેતનભાઇ. " જીતુ બોલ્યો.

આશીર્વાદ આપવામાં કેતનને હંમેશા સંકોચ થતો હતો. કારણકે એ પોતાની જાતને કોઈ સંત મહાત્મા માનતો ન હતો. છતાં કોઈને નારાજ પણ કરી શકતો ન હતો. એણે શિલ્પાના માથે હાથ મૂક્યો અને દિલથી આશીર્વાદ આપ્યા.

" બસ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે નીકળીએ. " જીતુ બોલ્યો અને એ આગળ થયો.

ગાડી એણે હાઇવે તરફ લીધી. પેલી કરસનભાઈની હોટલ આવી એટલે એણે ગાડીને સાઈડમાં ઉભી રાખી.

કેતનને ફરી રમૂજ કરવાનું મન થયું. ચા પીતાં પીતાં જ એણે હોટલના ગલ્લા ઉપર બેઠેલા કરસનભાઈની આંખોમાં જોઈને ત્રાટક કર્યું.

જેવો જીતુ એમને પૈસા આપવા માટે ગયો કે કરસનભાઈએ આજે પણ પૈસા લેવાની ના પાડી.

" અરે પણ કરસનભાઈ દરેક વખતે મફત ચા ના પીવાય. આજે તો લઈ લો. " જીતુ બોલ્યો.

" તમારી હારે મે'માન હોય એટલે પૈસા નોં લેવાય જીતુભાઈ."

હોટલવાળા કરસનભાઈએ પૈસા ધરાર ના લીધા.

" કેતનભાઇ મને તો લાગે છે કે આ તમારો જ જાદુ છે. બાકી કરસનભાઈ કોઈની શરમ ભરે એવા છે નહીં. " જીતુ બોલ્યો.

" ના ભાઈ ના મેં તો કંઈ જ કર્યું નથી. તમારા ને એમના સંબંધો સારા છે એટલે પૈસા લેતા નથી. " કેતન બોલ્યો.

કેતનભાઇ ભલે ગમે તે કહે પરંતુ એમનામાં જ એવું કંઈક છે જેના કારણે ભાભા ડાઇનિંગ હોલમાં પણ પૈસા ના લીધા અને આ કરસનભાઈ બીજી વાર પણ ચાના પૈસા લેતા નથી. - જીતુ મનમાં વિચારવા લાગ્યો.

ચા પીને જીતુએ ગાડીને વીરપુર તરફ લીધી કારણ કે કેતનભાઇની ઈચ્છા વીરપુર જલારામ બાપાનાં દર્શન કરવાની હતી.

" કેતનભાઇ ખોટું ન લાગે તો એક વાત પૂછું ? " ડ્રાઇવિંગ કરતાં કરતાં જીતુએ અચાનક પૂછ્યું.

" મને કોઈ વાતનું ખોટું લાગતું નથી તમારે જે પૂછવું હોય તે પૂછો. " કેતન હસીને બોલ્યો.

"તમે અંજલિને કહેતા હતા કે કોઈ અમ્મા એને ભગાડવા માટે આવી હતી. એનો દારૂનો અડ્ડો હતો. તો મને એ નથી સમજાતું કે તમે અંજલિને ભગાડવા માટે અહીંથી ધ્યાનમાં બેસીને વાઇબ્રેશન્સ મોકલ્યાં હતાં અને તમારા ગુરુજીને પ્રાર્થના કરી હતી તો પછી કોઈ અમ્માએ આવીને એને ભગાડી એ બધું તમે કેવી રીતે કહી શક્યા ? " જીતુએ કુતૂહલથી પૂછ્યું.

" અંજલિનો કેસ ખૂબ જ ગંભીર હતો. મારી શક્તિ મર્યાદાની બહારનો એ કેસ હતો. આખી ગેંગ એની પાછળ સક્રિય હતી. મેં ધ્યાનમાં એ પણ જોયેલું કે રોહિતે એક બીજા ગુંડાને પણ અંજલિનું ધ્યાન રાખવા માટે રોકેલો જેથી એ ભાગી ના જાય. મારા પોતાના આદેશથી કદાચ અંજલિ ઘરેથી નીકળી પણ જાય તો પણ વસ્તીની બહાર બાઈક ઉપર બેઠેલો પહેલવાન જેવો છોકરો એને પકડી લે અને રોહિતને બોલાવીને સોંપી દે." કેતન બોલતો હતો.

" મારે કોઈ પણ સંજોગોમાં અંજલિને ભગાડવી હતી. એટલે મેં ફરી ધ્યાનમાં બેસીને મારા દિવ્ય ગુરુજીને આ છોકરીની જિંદગી બચાવવા માટે દિલથી વારંવાર પ્રાર્થના કરી એટલે ગુરુજી તૈયાર થયા. એમણે મને બપોરે બે વાગ્યે ધ્યાનમાં બેસવાનું કહ્યું. હું બે વાગ્યે ઊંડા ધ્યાનમાં સરકી ગયો. " કેતન બોલતો હતો.

" થોડીવારમાં જ ગુરુજીએ રચેલી આખી માયાજાળ મારી નજર સામે દેખાવા લાગી અને એક અમ્માને અંજલિના ઘરે જતી મેં જોઈ. એટલું જ નહીં પણ અંજલિ અને એ અમ્મા વચ્ચે જે પણ સંવાદો થતા હતા એ પણ મને સ્પષ્ટ સંભળાતા હતા. એ દરમિયાન ગુરુજીએ મને આદેશ કર્યો કે એ છોકરીના બધા પૈસા ચોરાઈ ગયા છે એટલે તારે થોડા પૈસા એને આપવા પડશે. તું હજાર બે હજાર તારા હાથમાં રાખ. " કેતન બોલી રહ્યો હતો.

" એટલે મેં ૫૦૦ ની ચાર નોટો કાઢીને મારા હાથમાં રાખી અને ફરી ધ્યાનમાં બેસી ગયો. ગુરુજીએ મને એક મંત્ર બોલવાનો કહ્યો. એ મંત્ર મેં બોલવાનો ચાલુ કર્યો એ પછી થોડીવારમાં એ પૈસા અદ્રશ્ય થઈ ગયા. મેં ધ્યાનમાં જોયું કે અમ્માએ એ મારી ચાર નોટો અંજલિને આપી. એ પછી કોઈ છોકરી રીક્ષા બોલાવી લાવી અને અંજલિને સ્ટેશન સુધી મૂકી આવી. " કેતન બોલ્યો.

"તો પછી અંજલિની સતત ચોકી કરતો જે ટપોરી ગુંડો બહાર ઊભો રહ્યો હતો એને ખબર ના પડી કે અમ્માની છોકરી સાથે અંજલિ રીક્ષામાં બેસીને ભાગી ગઈ ? " જીતુ બોલ્યો.

" જીતુભાઈ મારા ગુરુજીનું કામ કાચું ના હોય. એ તો સર્વજ્ઞ છે. એ બધું જ જાણતા હોય. એ જ્યારે માયાજાળ રચતા હોય ત્યારે એમને ખ્યાલ જ હોય કે અંજલિનો કોઈ ચોકી પહેરો કરી રહ્યું છે. અંજલિ ત્યાંથી નીકળી ગઈ એ આખી એક માયાવી ઘટના હતી એટલે પેલા બાઈક ઉપર બેઠેલા છોકરાને કોઈ ખબર જ ના પડી. એની નજર સામેથી રીક્ષા નીકળી ગઈ. " કેતન બોલ્યો.

"વાહ સાહેબ વાહ માન ગયે ! ગજબની શક્તિઓ છે તમારી પાસે. મેં તમને જેતપુર બોલાવ્યા ત્યારે મને ખરેખર કલ્પના પણ નહોતી કે તમે એને આ રીતે પાછી લઈ આવશો. તમને બોલાવવા પાછળનો આશય એટલો જ હતો કે તમને ખબર પડી જાય કે અંજલિ ખરેખર ક્યાં છે. જેથી અમે લોકો એને લઈ આવીએ. " જીતુ નિખાલસતાથી બોલ્યો.

વાતો કરતાં કરતાં વીરપુર આવી ગયું. ગાડી મંદિરથી થોડેક દૂર ઊભી રાખીને બંને જણા ચાલતા ચાલતા દર્શન કરવા માટે ગયા. સાડા ચાર વાગી ગયા હતા એટલે મંદિર ખુલ્લું જ હતું. કેતનને આ જગ્યા એકદમ જાગૃત લાગી. એને તરત સેન્સ આવી જતી.

મંદિરમાં જઈને જલારામ બાપાની દિવ્ય મૂર્તિને ભાવથી એણે વંદન કર્યાં. એટલું જ નહીં સાષ્ટાંગ નમસ્કાર પણ કર્યા. જલારામ બાપાની દિવ્ય ચેતના અહીં પ્રત્યક્ષ હતી એનો એને અનુભવ થયો. પાંચ મિનિટ સુધી આંખો બંધ કરીને એ મૂર્તિની સામે ઊભો રહ્યો. કેતનના આખા શરીરમાં રોમાંચ પેદા થયો. એક દિવ્ય અનુભવ થયો.

એ પછી બંને જણા નીકળી ગયા. રસ્તામાં એણે અસલમ શેખને ફોન કરી દીધો.

"અસલમ હું કલાકમાં રાજકોટ પહોંચું છું. મેં પ્રોમિસ કર્યું હતું કે તને મળ્યા વગર નહીં જાઉં. જેતપુરથી આવી રહ્યો છું ગાડી કઈ તરફ લઉ ? " કેતન બોલ્યો.

" તેં જામનગરથી એકવાર મને એવું કહેલું કે તારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં દર્શન કરવા આવવું છે. પણ તારે રાજકોટ આવવાનું થયું નહીં અને તું મુંબઈ જતો રહ્યો. તો અત્યારે તું યાગ્નિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમમાં જ પહોંચી જા અને પહોંચીને મને ફોન કર. હું તને ત્યાં લેવા આવી જઈશ. " અસલમ બોલ્યો.

" હા આ તેં સરસ યાદ રાખ્યું. હું ત્યાં જ આવી જાઉં છું. ગુરુજીનાં દર્શન પણ થઈ જશે. " કેતન બોલ્યો.

કેતને જીતુને રાજકોટમાં યાગ્નિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ તરફ ગાડી લઈ લેવાની સૂચના આપી. જીતુએ આશ્રમ તો જોયો ન હતો પરંતુ એને યાજ્ઞિક રોડની ખબર હતી.

આશ્રમ પાસે ગાડી પાર્ક કરીને જીતુએ ગાડીમાંથી નીચે ઉતરી કેતનનો ખૂબ જ આભાર માન્યો અને રજા માગી.

"આટલે સુધી આવ્યા જ છો તો અહીં શ્રી ઠાકુરનાં દર્શન તો કરતા જાઓ ! ખૂબ જ ઊંચી ચેતના છે. મારી આ બધી સિદ્ધિઓ પાછળ આવી દિવ્ય ચેતનાઓના આશીર્વાદ છે. " કેતન બોલ્યો.

જીતુ ગાડી લૉક કરીને કેતનની સાથે મંદિરમાં ગયો. કેતને શ્રી ઠાકુરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને જીવનનો સાચો માર્ગ બતાવવા માટે ફરી પ્રાર્થના કરી. જીતુને પણ આ દિવ્ય મૂર્તિ એકદમ જીવંત લાગી. એણે પણ પોતાની પત્ની અને બાળક માટે પ્રાર્થના કરી.

રાજકોટમાં પ્રવેશતાંની સાથે જ કેતને અસલમને ફોન કરી દીધો હતો એટલે આ લોકો દર્શન કરીને આશ્રમમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં અસલમની ગાડી આવી ગઈ હતી.

કેતને એકબીજાની ઓળખાણ કરાવી. એ પછી જીતુ ફરી કેતનનો આભાર માનીને જેતપુર જવા માટે નીકળી ગયો.

કેતન અસલમની સાથે એની મર્સિડિઝ ગાડીમાં પાછલી સીટ ઉપર ગોઠવાઈ ગયો. ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી.

ગાડી કાલાવડ રોડ તરફ વળી અને આગળ જઈને એક સુંદર સોસાયટીમાં દાખલ થઈ. અસલમનો બંગલો ખૂબ જ ભવ્ય હતો.

" મારી આ નાનકડી કુટીરમાં તારું સ્વાગત છે કેતન. પહેલીવાર મારા ઘરે આવી રહ્યો છે તો મુંબઈ પાછા જવાની ઉતાવળ ના કરતો." અસલમ હસીને બોલ્યો.

આખો બંગલો મોગલાઇ સ્ટાઇલનો હતો. ઉપરના ભાગમાં રંગબેરંગી કાચની નાની નાની વિન્ડો હતી. અંદરના દરવાજા પણ ઉપરથી ગોળાકાર હતા. મુખ્ય ખંડમાં વચ્ચે મોટું ઝુમ્મર લટકતું હતું.

કેતન સોફા ઉપર બેઠો. થોડીવારમાં જ નોકર પાણીનો ગ્લાસ લઈને આવ્યો.

કેતને પાણીનો ગ્લાસ એની સામેના ટેબલ ઉપર મૂકવાનું કહ્યું. નોકર ગ્લાસ મૂકીને ચાલ્યો ગયો.

" ધંધો કેવોક ચાલે છે અસલમ ?" કેતન બોલ્યો.

"તારી મહેરબાનીથી ખૂબ જ સુખી છું. નેટવર્કનો પણ ખૂબ જ મોટો વિસ્તાર થઈ ગયો છે. અડધું રાજકોટ અને છેક ઓખામંડળ સુધીનો બધો જ વિસ્તાર મારા કબજામાં છે. બે નવી ટ્રક લીધી છે. પાકિસ્તાનથી, રાજસ્થાનથી અને મુંબઈથી માલ આવતો રહે છે. " અસલમ બોલ્યો.

"બસ તું સુખી એટલે હું સુખી. તારી પ્રગતિથી મને આનંદ થયો. તારા મામુ શું કરે છે ? " કેતન બોલ્યો.

" મામુ તો ઘણીવાર તને યાદ કરે છે. તારા આવવાની ખબર મેં મામુને કરી છે એટલે મામુ કાલે સવારે તને મળવા માટે આવશે. પહેલાં હું મામુની સાથે જ રૈયા રોડ વિસ્તારમાં રહેતો હતો પણ પછી આ નવો બંગલો ખરીદ્યો. " અસલમ બોલ્યો.

"મને અત્યારે અહીંના વાતવરણમાં થોડીક ઉદાસી દેખાય છે. નજીકના દિવસોમાં કોઈ દુર્ઘટના બની છે કે શું ?" કેતને અચાનક પૂછ્યું.

"હા ૧૦ દિવસ પહેલાં જ મામુની યુવાન દીકરી રેહાના વિધવા થઈ છે. એનો હસબન્ડ રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામ્યો છે. તાજી જ ઘટના છે એટલે ઘરમાં પણ શોકનું વાતાવરણ છે. મામુ પણ બહુ આઘાતમાં છે. ઝકીન અમારા ધંધામાં જ જોડાયેલો હતો અને લગભગ અહીં જ મારા ઘરે રહેતો હતો. ખૂબ જ વિશ્વાસુ હતો." અસલમ બોલ્યો. એને કેતનની વાતથી આશ્ચર્ય થયું.

" હમ્ .... ઝકીનની બાઈક રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ ગઈ ? " કેતને પૂછ્યું.

" અરે કેતન તું આ અકસ્માત વિશે આટલું બધું કઈ રીતે જાણે છે ? તેં કહ્યું એ પ્રમાણે જ અકસ્માત થયો હતો. " અસલમે આશ્ચર્યથી પૂછ્યું.

"બસ એમ જ. અંતઃસ્ફુરણા ! મને એવું દેખાયુ." કેતન બોલ્યો.

કેતને ભલે ગમે તેવો જવાબ આપ્યો પરંતુ અસલમ ખરેખર આશ્ચર્યમાં મૂકાઈ ગયો. અકસ્માત વિશે આટલું બધું કોઈ કેવી રીતે કહી શકે ? જરૂર કેતનમાં કોઈક તો શક્તિ હતી જ ! પરંતુ એણે આગળ વાત ના વધારી.

" હવે સાંજે જમવામાં શું બનાવવું છે ? તને જે ગમતી હોય તે આઈટમ બની જશે. મારા ઘરે જમવામાં તને કોઈ વાંધો હોય તો આપણે કોઈ હોટલમાં જઈએ. " અસલમ બોલ્યો.

" સામાન્ય દિવસોમાં તારા ઘરે જમવામાં મને કોઈ જ વાંધો નથી. પરંતુ ઘરમાં શોકનું વાતાવરણ છે અને સૂતક જેવું પણ છે એટલે આપણે બહાર જ જમીશું. પાણી પણ મેં એટલા માટે જ પીધું નથી. સાધના કરતો હોવાથી કેટલાક નિયમો મારે પાળવા પડે છે અસલમ. ખોટું ના લગાડતો. " કેતન બોલ્યો.

"ઠીક છે અત્યારે સાત વાગ્યા છે. જમવાને હજુ વાર છે બહારથી બજરંગના થોડા ગાંઠીયા મંગાવી દઉં. જોડે બિસ્લેરી બોટલ પણ મંગાવી દઉં છું. તને તો ખબર જ છે કે અમારા રાજકોટમાં મહેમાનોનું સ્વાગત ગાંઠિયાથી થાય છે, પાનપરાગથી નહીં . " અસલમ બોલ્યો અને બંને મિત્રો હસી પડ્યા.

અસલમે એના માણસને બજરંગના ગાંઠિયા લેવા માટે દોડાવ્યો. સાથે બે બિસ્લેરી બોટલ પણ મંગાવી.

ગાંઠિયાનો નાસ્તો પતાવીને બંને મિત્રો વાતે વળગ્યા. કોલેજના દિવસોને યાદ કર્યા. અસલમે કેતનને પોતાનો વિશાળ બંગલો ઉપર નીચે ફરીને બતાવ્યો.

રાત્રે ૯ વાગે અસલમ કેતનને ગ્રાન્ડ ઠાકરમાં જમવા માટે લઈ ગયો. જમીને રાત્રે ઘરે આવ્યા ત્યાં સુધીમાં સવા દસ વાગી ગયા હતા.

કેતનને સૂવા માટે અસલમે પહેલા માળે ગેસ્ટ માટે બનાવેલા બેડરૂમમાં વ્યવસ્થા કરી. બેડરૂમ ખરેખર ખૂબ જ સરસ હતો.

રાત્રે ૧૧ વાગે કેતન બેડરૂમમાં જઈને સૂઈ ગયો. અડધો કલાક થયો છતાં એને ઊંઘ આવતી ન હતી. કંઈક અજબ પ્રકારની બેચેની એને લાગી રહી હતી. એસી ૧૬ ઉપર હતું એટલે રૂમ એકદમ ઠંડોગાર થઈ ગયો હતો. એણે પાતળો કામળો ઓઢી લીધો. થોડીવાર પછી એને લાગ્યું કે ઓઢેલો કામળો કોઈ ખેંચી રહ્યું હતું. કોઈક તો એ રૂમમાં હતું જ.

કેતન નીડર હતો. એને કોઈનો ડર લાગતો ન હતો. આ રૂમમાં જે પણ કોઈ આત્મા હોય એનો સંપર્ક કરવા માટે એ બેઠો થઈ ગયો અને ધ્યાનમાં બેસી ગયો. આત્માનો સંપર્ક કરવા છેક થીટા લેવલ સુધી ઊંડો ઉતરી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED