પ્રારંભ પ્રકરણ 74
કેતન અસલમ શેખને મળવા માટે રાજકોટ આવ્યો હતો અને એક રાત રોકાયો પણ હતો. બીજા દિવસે એ મુંબઈ પાછા જવાનો વિચાર કરતો હતો ત્યાં અચાનક એને અંતઃ પ્રેરણા થઈ અને એ જામનગર આવ્યો.
જામનગર આવીને સૌથી પહેલાં તો એ ધરમશી અંકલના આગ્રહથી એમના ઘરે જમવા ગયો અને ત્યાંથી પોતાના જમનાસાગર બંગ્લોઝની સાઇટ જોવા ગયો. પોતાની સ્કીમનું ડેવલપમેન્ટ જોઈને એને સંતોષ થયો. એ પછી એની ઈચ્છા પટેલ કોલોની જવાની થઈ એટલે ઈકબાલને એણે ગાડી પટેલ કોલોની લઈ લેવાની સૂચના આપી.
પટેલ કોલોની સાથે માયાવી જગતમાં એની ખૂબ જ લેણાદેણી હતી. આ જ કોલોનીમાં એને નીતા મિસ્ત્રી મળી હતી તો આ જ બંગલામાં રહીને એણે મોટી કોર્પોરેટ હોસ્પિટલ ઊભી કરી હતી. સ્વપ્ન જગતમાં આ બંગલો એને ખૂબ જ ફળ્યો હતો એટલે આ બંગલા તરફ એક પ્રકારની મમતા હતી.
માયાવી જગતની છાપ એના મગજ ઉપર એટલી બધી ઘેરી હતી કે વાસ્તવિક જગતમાં પણ એ જ્યારે જામનગર રહેવા માટે આવ્યો ત્યારે ૨૦ લાખનો આ બંગલો ૩૫ લાખ રૂપિયામાં એણે ખરીદ કર્યો હતો અને લગભગ છ મહિના જેટલો સમય આ બંગલામાં એણે ગાળ્યો હતો.
એટલે આજે જ્યારે એ જામનગર આવ્યો ત્યારે આ બંગલાની એક ઝલક જોવાની ઈચ્છાને એ રોકી શક્યો નહીં !
પટેલ કોલોની શેરી નંબર ૪ આવી ગઈ એટલે ઈકબાલે ગાડીને અંદર લીધી. થોડાક જ અંતરે કેતનનો એ બંગલો આવી ગયો. કેતને ઈકબાલને ગાડી સાઈડમાં દબાવીને ઉભી રાખવાનું કહ્યું.
કેતન નીચે ઉતરી ગયો. એની ઈચ્છા પોતાના બંગલામાં પ્રવેશ કરવાની હતી પરંતુ એણે જોયું કે એના બંગલાથી ત્રીજો બંગલો જે મનાલીનો હતો ત્યાં માણસોની ભીડ જામી હતી. નક્કી કંઈક તો બન્યું છે.
એ ઝડપથી ચાલતો ચાલતો મનાલીના બંગલા તરફ ગયો. ત્યાં ભેગા થયેલા પાડોશીઓ કેતનને ઓળખી ગયા કારણ કે કેતન અહીં પાંચ છ મહિના જેટલું રહ્યો હતો.
એણે હાથના ઇશારાથી એક પાડોશીને પૂછ્યું કે શું થયું છે ? ત્યાં તો એક ડોક્ટરને બંગલાની બહાર નીકળતા જોયા.
એણે ડોક્ટર સાથે જ સીધી વાત કરી. ડોક્ટરે કહ્યું કે " મનોજભાઈને માસીવ હાર્ટ એટેક આવ્યો હતો. હી ઇઝ નો મોર. સોરી. "
કેતન તરતજ બંગલાની અંદર ગયો. મનાલી ચોધાર આંસુએ રડી રહી હતી અને મંજુલાબેન પણ કલ્પાંત કરી રહ્યા હતા. પલંગ ઉપર મનોજભાઈનું શબ પડ્યું હતું.
"તમે લોકો રડો નહીં. મને એક કોશિશ કરવા દો. ઈશ્વરની કૃપા હશે તો મનોજભાઈ બચી જશે. " કેતન બોલ્યો.
પરંતુ ત્યાં ઉભેલા કોઈને પણ કેતનની વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં. કારણ કે ડોક્ટરે પણ કહી દીધું હતું કે હવે આ ડેડબોડી છે. મનાલીને પણ એમ જ થયું કે અચાનક આવેલા કેતન સર માત્ર આશ્વાસન આપવા માટે જ આવું કહી રહ્યા છે. જો કે આવા પ્રસંગે કેતન સરને હાજર જોઈને મનાલીને ખૂબ જ સારું લાગ્યું.
કેતન મનોજભાઈની પાસે ગયો અને એમના માથે હાથ મૂક્યો. મનમાં તે સંજીવની વિદ્યાનો મંત્ર બોલી રહ્યો હતો. ત્રણેક મિનિટ પછી એણે મનાલીને વાડકીમાં થોડુંક પાણી લાવવાનું કહ્યું. મનાલી તરત જ પાણી લઈ આવી અને કેતનના હાથમાં વાડકી આપી.
કેતને પાણી ઉપર પોતાની નજર સ્થિર કરી અને ફરી મનમાં મંત્ર બોલવા લાગ્યો. લોકો કુતૂહલથી આ બધું જોઈ રહ્યા હતા. કોઈ કોઈ તો મૂછમાં હસી પણ રહ્યા હતા. એણે બે મિનિટ પછી થોડા પાણીનો છંટકાવ મનોજભાઈ ના ચહેરા ઉપર કર્યો. થોડુંક પાણી માથા ઉપર, આંખો ઉપર અને હાર્ટ ઉપર પણ લગાવ્યું.
" મનોજભાઈ... તમે પાછા આવી જાઓ. તમારા શરીરમાં પ્રવેશ કરો. તમારા પરિવારને હજુ તમારી જરૂર છે. તમે હવે એકદમ તંદુરસ્ત છો. મનોજભાઈ.... તમારા શ્વાસ ફરી ચાલુ થઈ રહ્યા છે. તમારા હૃદયના ધબકારા પણ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યા છે. " કેતન બે મિનિટ સુધી સતત આ રીતે મનોજભાઈના આત્માને ફોકસ કરીને બોલતો રહ્યો.
થોડી જ વારમાં મનોજભાઈના શ્વાસોશ્વાસ ધીમે ધીમે ચાલુ થયા અને હૃદયના ધબકારા પણ ચાલુ થઈ ગયા. કેતને એમના હાથની નાડી જોઈ તો ધબકારા ચાલુ હતા. એને મનમાં સંતોષ થયો. એ પછી બે મિનિટમાં જ મનોજભાઈએ આંખો ખોલી દીધી અને બધાની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.
આખા બંગલામાં સન્નાટો છવાઈ ગયો અને પછી અંદરો અંદર ગણગણાટ પણ ચાલુ થઈ ગયો. આવું તો કઈ રીતે બને ? મરેલો માણસ જીવતો થાય ખરો ? આ એક જબરદસ્ત ચમત્કાર હતો. ડોક્ટરે પોતે પણ મનોજભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ કેતનભાઇએ એમને જીવતા કરી દીધા હતા !!
મનાલી રડતી રડતી પપ્પાને વળગી પડી. મંજુલાબેન પણ મનોજભાઈને ભાનમાં આવતા જોઈને થોડાં સ્વસ્થ થયાં.
" સર તમે આજે આવ્યા ન હોત તો મારા પપ્પા તો અમને છોડીને ચાલ્યા જ ગયા હતા ! તમે એમને બચાવવા જ જાણે મુંબઈથી આવ્યા હોય એવું મને તો લાગે છે. તમે એમને કઈ રીતે જીવતા કર્યા એ તો હજુ પણ મારી સમજની બહાર છે પણ તમારો આ ઉપકાર જિંદગીભર હું ભૂલીશ નહીં. તમે તો આજે દેવદૂત બનીને અમારા ઘરે આવ્યા. બબ્બે વાર તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. ગયા જનમની કોઈક તો લેણાદેણી છે સર" મનાલી બોલી.
"મનાલીની વાત સાચી છે કેતનભાઇ. તમે આ બધું કઈ રીતે કર્યું એ અમે પણ સમજી શકતા નથી ! આવો ચમત્કાર તો અમે કદી જોયો જ નથી." એક પડોશી બોલ્યા. બીજા પણ લોકો કેતનનું અભિવાદન કરવા લાગ્યા.
" એમનું આયુષ્ય હજુ બાકી હશે એટલે હું નિમિત્ત બન્યો. હું આજે બપોરે જ જામનગર આવ્યો છું અને અહીં તો તમને લોકોને મળવા જ આવ્યો હતો. મનોજભાઈને એટેક આવ્યો એની મને તો કંઈ ખબર જ ન હતી. " કેતન બોલ્યો.
" હા પણ ભગવાને જ તમને મોકલ્યા કેતનભાઈ. મારાથી ભૂતકાળમાં તમને કંઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો." મંજુલાબેન બોલ્યાં.
" તમે તો વડીલ છો માસી તમારે માફી માગવાની ના હોય. અને મનોજભાઈ તમે હવે વાતચીત કરી શકો છો. તમે એકદમ નોર્મલ છો. " કેતન બોલ્યો.
"પપ્પા...તમને એટેક આવ્યો હતો અને તમારા શ્વાસ બંધ થઈ ગયા હતા. ડોક્ટરે પણ તમને મૃત જાહેર કર્યા હતા પણ અચાનક આ કેતન સર આવ્યા અને એમણે તમારા માથા ઉપર હાથ ફેરવીને તમને એકદમ જીવતા કરી દીધા. તમને બચાવવા માટે જ જાણે એ આવ્યા હતા. " મનાલી બોલી.
" ખૂબ ખૂબ આભાર કેતનભાઈ તમારો. મને તો કંઈ ખબર જ નથી કે મને શું થયું હતું. કદી પણ અનુભવ્યો ન હોય એવો ભયંકર દુખાવો છાતીમાં ઉપડ્યો હતો. હૃદય આખું પીડાથી વલોવાઈ જતું હતું. મારો ડાબો ખભો પણ ભયંકર વેદના અનુભવતો હતો એ પછી મારો જીવ ઊંડો ઉતરતો ગયો. પછીની મને કંઈ જ ખબર નથી." મનોજભાઈ કેતન સામે હાથ જોડીને બોલ્યા.
" ભૂલી જાવ એ બધું. તમારી ઘાત જતી રહી છે. અને તમે લોકો પણ પોતપોતાના ઘરે જઈ શકો છો. મનોજભાઈ એકદમ નોર્મલ છે. એમનું હાર્ટ પણ નોર્મલ થઈ ગયું છે. " કેતન પડોશીઓને સંબોધીને બોલ્યો.
સૌ પાડોશી ધીમે ધીમે વિખરાઈ ગયા અને પોતપોતાના ઘરે જતા રહ્યા. મનાલી મુગ્ધ નજરે કેતન સામે જોઈ રહી હતી. હીરો જેવો આ માણસ પોતાના નસીબમાંથી ચાલ્યો ગયો અને બીજે પરણી પણ ગયો.
"સર બપોરના અઢી વાગ્યા છે. જો તમે જમ્યા ન હો તો તમારે શું જમવાની ઈચ્છા છે એ કહો એટલે હું ફટાફટ બનાવી દઉં. કારણ કે સવારથી જ પપ્પાની તબિયત લથડી હતી એટલે અમે આજે ચા પણ પીધી નથી. " મનાલી બોલી.
"હું તો જમીને સીધો અહીં આવું છું. અત્યારે તો પાણી પીવાની પણ ઈચ્છા નથી છતાં પાણી પી લઉં છું. તમે લોકો ચા બનાવી દો અને મનોજભાઈને પણ આપો. હું હજુ બેઠો છું." કેતન બોલ્યો.
મનાલીએ સરસ ચા બનાવી દીધી અને બધાને આપી.
" કેતનભાઇ જેમજેમ તમારા વિશે જાણીએ છીએ તેમ તેમ તમારા વિશે અહોભાવ પેદા થાય છે. તમારી આ ઉંમરે તમારી પાસે આટલી બધી સિદ્ધિ કેવી રીતે આવી ? મૃત પામેલી વ્યક્તિને જીવંત કરવી એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. " મનોજભાઈ બોલ્યા.
" આ બધી મારા દિવ્ય ગુરુજીની કૃપા છે અને કેટલીક શક્તિઓ મારી ગાયત્રી સાધનાના કારણે વિકાસ પામી છે. મારા જીવનમાં તમારો આ બીજો કેસ છે. પાર્લામાં પણ આત્મહત્યા કરેલી એક વ્યક્તિને જીવંત કરી હતી." કેતન બોલ્યો.
" સિદ્ધ યોગીઓ સિવાય આ કામ કોઈ જ કરી ના શકે. આ ખરેખર ઈશ્વરનું વરદાન છે. ભગવાન તમને સો વરસના કરે. હવે તમે આવ્યા જ છો તો રાત રોકાઈ જાઓ. સાંજે જમવાનું બનાવીએ. સવારે નીકળી જજો. મનાલીને પણ સારું લાગશે." મનોજભાઈ બોલ્યા.
" વડીલ તમારી વાત સાચી છે પરંતુ રાજકોટથી મારા મિત્રની ગાડી લઈને હું આવ્યો છું. ડ્રાઇવર પણ એનો છે. મારે એને પૂછવું પડે. ડ્રાઇવરને સૂવાની પણ ક્યાંક વ્યવસ્થા કરવી પડે. " કેતન બોલ્યો.
" તો તમે મિત્ર સાથે એકવાર વાત તો કરી લો. હું નથી માનતો કે એ તમને ના પાડે. " મનોજભાઈ બોલ્યા.
" ઠીક છે હું પૂછી લઉં છું. " કેતન બોલ્યો અને એણે અસલમને ફોન લગાવ્યો.
"અસલમ હું કેતન બોલું છું. મારે આજની રાત જામનગર રોકાવાની ઈચ્છા છે જો તને વાંધો ન હોય તો. ફોન એટલા માટે કર્યો કે ઈકબાલ મારી સાથે છે. એટલે તારે કદાચ એની જરૂર પડતી હોય તો મારે નીકળી જવું પડે." કેતન બોલ્યો.
" કેતન તારે મારી પરમિશન લેવાની હોય જ નહીં. ગાડી પણ તારી છે અને ડ્રાઇવર પણ તારો જ છે. તું જરા પણ ચિંતા કરીશ નહીં. જ્યારે આવવું હોય ત્યારે આવજે અને ઈકબાલને હું ફોન કરી દઉં છું. જામનગરમાં મારો જે એજન્ટ બુટલેગર છે એના ત્યાં એ જતો રહેશે. એના જમવાની અને રાત્રે સૂવાની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે. તારે એના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું જે ટાઈમ એને આપીશ એ ટાઈમ પ્રમાણે એ સવારે હાજર થઈ જશે. " અસલમ બોલ્યો.
અસલમના જવાબથી કેતનને ખૂબ જ રાહત થઈ ગઈ. ઈકબાલના જમવાની અને સૂવાની વ્યવસ્થા થઈ ગઈ એ બહુ મોટું કામ થઈ ગયું.
હજુ બપોરના ત્રણ વાગ્યા હતા ઈકબાલ સાંજ સુધી ગાડીમાં અને ગાડીમાં જ બેસી રહે એ યોગ્ય ન હતું એટલે થોડીવાર પછી કેતન ઈકબાલ પાસે ગયો.
" ઈકબાલ અસલમકે સાથ મેરી બાત હો ગઈ હૈ. હમેં આજ રાત જામનગર મેં રુકના હૈ. તુમ અપના મોબાઈલ નંબર મુજે દે દો ઔર તુમકો જહાં જાના હૈ તુમ જાઓ. મુઝે કહી જાના હોગા તો મેં તુમકો ફોન કર દુંગા." કેતન બોલ્યો.
"ભાઈજાનકા ફોન આ ગયા હૈ. આપ બિલકુલ ચિંતા મત કરો. જામનગર તો મેરા બાર બાર આના હોતા હૈ. આપ મુઝે ફોન કર દેના. " કહીને ઈકબાલે પોતાનો મોબાઈલ નંબર કેતનને આપી દીધો.
"મુંબઈ ગયા પછી કેવુંક ડેવલપમેન્ટ છે કેતનભાઇ ? " કેતન ઘરમાં આવીને બેઠો કે તરત મનોજભાઈએ પૂછ્યું.
" ડેવલપમેન્ટ તો સારું છે. ૬૦૦૦ વારનો પ્લૉટ ગોરેગાંવમાં લીધો છે. મમ્મી પપ્પા પણ હવે તો અમારી સાથે મુંબઈ આવી ગયા છે. " કેતન બોલ્યો.
કેતન અને મનોજભાઈ વાતો કરતા હતા ત્યાં જ મનાલી આવી.
" વાતો પછી કરજો. પહેલાં મને એ કહો કે સાંજે તમારા માટે શું રસોઈ બનાવું ? તમને જે ભાવતું હોય એ ડીશ હું બનાવીશ. " મનાલીએ કેતનને પૂછ્યું.
" અરે પણ હજુ તો સવા ત્રણ વાગ્યા છે. અત્યારથી રસોઈની શું ચિંતા ? " મનોજભાઈ બોલ્યા.
" પપ્પા મારે બધી તૈયારી કરવી પડે. કોઈ વસ્તુ બહારથી લાવવાની હોય તો લેવા જવું પડે. " મનાલી બોલી.
" અરે પણ આ બધી કડાકૂટ શા માટે કરે છે મનાલી ? સાંજે તમને બધાને હું ગ્રાન્ડ ચેતનામાં લઈ જાઉં અથવા તો પંજાબી રેસ્ટોરન્ટમાં જઈએ." કેતન બોલ્યો.
" હોટલમાં તો તમે ઘણીવાર જમતા જ હશો. હા તમારે મારા હાથની ડીશ ના ખાવી હોય તો તમારી મરજી. " મનાલી બનાવટી મ્હોં ચડાવીને બોલી.
" અરે એમાં ખોટું લગાડવાની કોઈ જરૂર નથી. સારું એક કામ કર. તું હૈદરાબાદી બિરયાની બનાવી દે. હવે સાંજનો ટાઈમ છે એટલે ભારે જમણ જમવું નથી. " કેતન બોલ્યો.
" તમે તો એને ભાવતી આઈટમની જ વાત કરી. મનાલી ખરેખર હૈદરાબાદી બિરયાની બહુ સરસ બનાવે છે. " મનોજભાઈ બોલ્યા.
" જોયું ને પપ્પા... અમારી બંનેની પસંદગી પણ એક જ છે ! " કહીને મનાલી કિચનમાં ગઈ.
બિરયાની માટે કેટલીક વસ્તુઓ બહારથી લાવવાની હતી એનું એણે એક લિસ્ટ બનાવ્યું અને થોડીવારમાં આવું છું કહીને એ બહાર નીકળી ગઈ.
ઘરમાં બેસી રહીને ટાઇમપાસ કરવો ખૂબ જ મુશ્કેલ હતું. વાતો કરી કરીને પણ કેટલી કરવી ?
" મનોજભાઈ આપણે બહાર એક ચક્કર મારી આવીએ. ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે. અને તમે હવે એકદમ નોર્મલ છો. તમને ચાલવાથી પણ કોઈ તકલીફ નહીં પડે. " કેતન બોલ્યો.
" તમારી વાત સાચી છે. મારામાં એક ગજબની સ્ફૂર્તિ અને તરવરાટ હું અનુભવું છું. તમે મને બેઠો કર્યા પછી આંતરિક ઊર્જા પણ વધી ગઈ છે. હાર્ટની નબળાઈ તો બિલકુલ ચાલી જ ગઈ છે. તમારે જ્યાં જવું હોય ત્યાં આપણે જઈએ. મારી ગાડી છે જ. " મનોજભાઈ બોલ્યા.
"બીજે તો ક્યાંય જવાની ઈચ્છા નથી. આપણે ગાર્ડનમાં જઈને બેસીએ તો સમય પણ પસાર થઈ જશે. " કેતન બોલ્યો.
" હા તો ભલે. આપણે ગાર્ડનમાં જઈએ. પણ હજુ એકાદ કલાક આપણે રાહ જોઈએ. સાડાચાર પાંચ વાગે નીકળીએ તો વાતાવરણમાં પણ ઠંડક હશે. " મનોજભાઈ બોલ્યા.
" ઠીક છે એક કલાક પસાર કરવામાં વાંધો નહીં આવે. " કેતન બોલ્યો.
કેતનની દરેક ગતિવિધિ ઉપર ચેતન સ્વામીની સતત નજર હતી. કેતનના ભવિષ્યના ઘડતર માટે અત્યારે એની સિદ્ધિઓનો ચકાસણીનો પિરિયડ ચાલતો હતો. ગુરુજી પોતે જ કેતન માટે એની સિદ્ધિનો ઉપયોગ કરવાની તક ઉભી કરતા હતા અને એને જે તે સ્થળે મોકલતા હતા.
જીતુનો ફોન આવવો અને કેતનનું જેતપુર જવું.... ઝકીનના આત્માની સદગતિ કરાવવા માટે રાજકોટ જવું..... મૃત્યુ પામેલા મનોજભાઈને જીવંત કરવા માટે અચાનક જામનગર આવવું .... એ બધું ચેતન સ્વામીની યોજનાનો જ એક ભાગ હતો ! જો કે કેતનને આ બધી વાતનો કોઈ અણસાર ન હતો. એ તો એની સામે જે પણ પરીક્ષા આવે એમાં પાસ થતો હતો.
પોતાની સિદ્ધિથી મનોજભાઈને તો એણે જીવંત કરી દીધા પરંતુ બીજી એક ઘટના એની રાહ જોતી હતી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)