Prarambh - 71 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 71

પ્રારંભ પ્રકરણ 71

"તમારી દીકરી અત્યારે મુંબઈમાં છે. હિરોઈન બનવાની ઘેલછામાં એ ઘર છોડીને ભાગી ગઈ છે. એ એક વર્ષથી મુંબઈના એક છેલબટાઉ છોકરાના ચક્કરમાં હતી. ફેસબુકથી પરિચય થયો હતો. એ છોકરાએ જ એને મુંબઈ બોલાવીને અત્યારે ફસાવી છે." વિઠ્ઠલભાઈ જેવા ખુરશી ઉપર બેઠા કે તરત જ કેતને ધડાકો કર્યો.

વિઠ્ઠલભાઈ તો પોતાની લાડકી દીકરી વિશેની કેતનની આવી વાત સાંભળીને સડક જ થઈ ગયા ! આઘાતથી રડવા જેવા થઈ ગયા !!

"કેતનભાઇ તમારે જ અંજલિને બચાવી લેવાની છે. તમે આટલું બધું જોઈ શકો છો તો આપણે હવે મુંબઈ જઈને એને શોધી કાઢવાની છે. હવે જરા પણ મોડું કરવા જેવું નથી. " જીતુ બોલ્યો.

"તમે ચિંતા નહીં કરો. હું એની સુરક્ષા કરી દઉં છું. આપણે જવાની જરૂર જ નહીં પડે. એનો ફોટો હોય તો મને આપો. હું થોડી વાર ધ્યાનમાં બેસીને એને ત્યાંથી ઘરે લાવવાની કોશિશ કરું છું. " કેતન બોલ્યો.

વિઠ્ઠલભાઈએ પોતાના મોબાઈલમાં અંજલિનો ફોટો શોધીને કેતનને બતાવ્યો.

કેતન બે મિનિટ સુધી એ ફોટા સામે જોઈ રહ્યો. એ પછી એણે મોબાઈલ પાછો આપ્યો.

" હવે હું ધ્યાનમાં બેસું છું. તમે કોઈ મને ડિસ્ટર્બ ન કરશો અને એકદમ શાંતિ જાળવશો. " કેતન બોલ્યો અને ઊંડા ધ્યાનમાં સરકી ગયો.

પાંચેક મિનિટ ધ્યાનમાં બેઠા પછી કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો.

"તમે મને સમયસર બોલાવી લીધો જીતુભાઈ. જો બે દિવસ મોડું થયું હોત તો આ છોકરી વેચાઈ જવાની હતી અને એની જિંદગી પણ બરબાદ થઈ જવાની હતી. મેં જોયું કે એ બોરીવલી ઉતરીને નાલાસોપારા સુધી ગઈ છે. અત્યારે એ નાલાસોપારા ના કોઈ એરિયામાં છે. મેં એને ત્યાંથી ભગાડવા માટે વાઇબ્રેશન્સ મોકલ્યાં છે અને મારા દિવ્ય ગુરુજીને પ્રાર્થના પણ કરી છે. કોઈને કોઈ એને કાલે ભાગવામાં મદદ કરશે. આવતીકાલે સાંજ સુધીમાં એનો ફોન પણ આવવો જોઈએ. મેં અંજલિને પણ સૂચન કર્યું છે. " કેતન બોલ્યો.

"કેતનભાઇ તમે તો અમારા માટે ભગવાન જેવા છો. એક અઠવાડિયા થી અમે આટલી બધી કોશિશ કરતા હતા પણ દીકરીની કોઈ ભાળ મળતી જ નહોતી. તમે તો અહીં આવીને એનું આખું લોકેશન અમને બતાવી દીધું. " વિઠ્ઠલભાઈ ગળગળા થઈ ગયા.

" તમે ચિંતા ના કરો. તમારી દીકરી અત્યારે પણ એકદમ પવિત્ર જ છે. ઘરે આવે ત્યારે એને બહુ ઠપકો ન આપશો કારણ કે એણે બહુ જ સહન કર્યું છે. નાદાન ઉંમરમાં એ પ્રેમમાં પાગલ થઈ ગઈ અને ફસાઈ ગઈ. લોહીનો વેપાર કરતી ગેંગમાં એ ફસાઈ ગઈ છે. તમારા પૂણ્ય સારાં હશે એટલે તમારી દીકરી બચી જશે. " કેતન બોલ્યો.

" હવે તમે સાંજે જમવા અમારા ઘરે જ ચાલો. તમે અમારા મહેમાન છો. જીતુએ તમારાં બહુ જ વખાણ કર્યા હતા પણ ત્યારે મને ખબર નહોતી કે તમે આટલા બધા આગળ વધેલા છો. દીકરી આવી જાય ત્યાં સુધી તમે જેતપુર જ રોકાજો. તમને અહીં કોઈ જ તકલીફ નહીં પડે. " વિઠ્ઠલભાઈ બોલ્યા.

વિઠ્ઠલભાઈ અને જીતુની સાથે કેતન વિઠ્ઠલભાઈના ઘરે જમવા ગયો. એમની પત્નીને પણ કેતને આશ્વાસન આપ્યું અને ખાતરી આપી કે આવતીકાલે સાંજ સુધીમાં તમારી દીકરી નો ફોન આવી જશે.

જમ્યા પછી જીતુ કેતનને રાધિકા હોટલ ઉતારી ગયો. કેતન ચાવી લઈને પોતાના રૂમમાં ગયો.

બીજા દિવસે વહેલી સવારે ઊઠીને એ ધ્યાનમાં બેઠો અને ફરીથી અંજલી ઉપર ફોકસ કર્યું. આજે અંજલિને કોઈપણ હિસાબે છોડાવવી જરૂરી હતી. એને ત્યાંથી ભગાડવા માટે કોઈને કોઈ તૈયાર થઈ જાય એના માટે સ્ટ્રોંગ વાઇબ્રેશન્સ મોકલ્યાં અને ગુરુજીને પણ પ્રાર્થના કરી કે અંજલિ ત્યાંથી આજે નીકળી જાય.
-------------------------------------
અંજલિ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા પછી શાંતિથી એક બાંકડા ઉપર બેઠી. હવે એ બરાબરની મૂંઝાઈ ગઈ હતી. રોહિતે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો એનો એને બહુ જ મોટો આઘાત લાગ્યો હતો. હું એને આટલો બધો પ્રેમ કરતી હતી છતાં એ મને વેચવા નીકળ્યો. પોતે કેટલી મૂરખ અને ભોળી હતી !! રોહિતની બધી જ વાત સાચી માની લીધી.

હવે એને બધો ખ્યાલ આવતો ગયો. જે વ્યક્તિ શ્રીમંત હોય, બિઝનેસમેન હોય, પોતાનો આટલો મોટો વિશાળ ફ્લેટ હોય એ મને રહેવા માટે આવા ગંદા એરિયામાં લાવે ખરો ? શ્રીમંત હોય એ ૨૫૦૦૦ ની ચોરી કરે ખરો ? ઓરડી પણ કેટલી ગંદી હતી ? હવે એને સમજાયું કે એને ઓરડીમાં જે ખરાબ વાસ આવતી હતી તે પણ કદાચ દારૂની જ હતી !

પોતે આ ઉંમરે બહુ જ મોટી ભૂલ કરી દીધી હતી. હવે ઘરે કઈ રીતે જવું ? સાત દિવસ હું ક્યાં હતી એનો જવાબ શું આપવો ? હવે મારાં મા બાપ મને સ્વીકારશે ખરાં ? ઘરે ગયા વગર તો છૂટકો જ ન હતો કારણ કે ખિસ્સામાં માત્ર ૨૦૦૦ હતા.

એણે ઊભા થઈને સામેના બોર્ડ ઉપર રેલવેનું ટાઈમ ટેબલ વાંચ્યું. જેતલસર જવા માટે માત્ર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ હતી પરંતુ એનું તો લિસ્ટમાં નામ જ ન હતું. એણે ત્યાં ઉભેલા એક ટીટી સાથે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વિશે પૂછ્યું તો એણે કહ્યું કે એ તો બાંદ્રાથી ઉપડે છે અને પોણા બે વાગે ઉપડી ગઈ.

હવે ? રાજકોટ જતી કોઈ ટ્રેન જ પકડવી પડશે જેથી કમ સે કમ રાજકોટ તો પહોંચી જવાય પછી ત્યાંથી બસ પકડી લેવાશે.

ફરીથી એણે બોર્ડ ઉપર નજર દોડાવી. સૌરાષ્ટ્ર મેલ રાત્રે ૯ વાગે ઉપડતો હતો. બસ આ જ ટ્રેનની મારે ટિકિટ લેવી પડશે.

એ હૉલની બહાર નીકળીને ટિકિટ વિન્ડો ઉપર ગઈ અને રાજકોટની એક ટિકિટ લઈ લીધી. રિઝર્વેશન તો હવે શક્ય જ ન હતું એટલે જનરલ ડબ્બામાં જ બેસવાનું હતું. ત્રણ વાગી ગયા હતા. પાંચ છ કલાક પસાર કરવાના હતા પણ આ જગ્યા સુરક્ષિત હતી અને પેસેન્જર્સની આવન જાવન ના કારણે એકદમ લાઈવ હતી !

હવે એણે પોતાની પર્સમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. પોતાનું ઓરીજનલ સીમકાર્ડ એણે લગાવી દીધું. ફોન ચાલુ કરવાની એની હિંમત ના થઈ. ફોન ચાલુ કરું અને અચાનક ઘરેથી પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો શું કહેવું ?

ઘરે તો જવાનું જ છે. અત્યારે નહીં તો કાલે પપ્પાને સાચી વાત કહેવાની જ છે ! એ લોકો આટલા બધા ચિંતામાં હશે તો મારે ફોન કરવો જ જોઈએ. જે થવું હોય તે થાય. હવે ઘરે જ જવાનું છે ને !

એણે મોબાઈલ ચાલુ કર્યો. ઢગલાબંધ મિસ કોલ એણે જોયા. ઘરેથી પણ અત્યાર સુધીમાં ૫૦ ૬૦ કોલ આવી ગયા હતા.

એણે પપ્પાને ફોન લગાડ્યો. રીંગ વાગ્યા ભેગો જ પપ્પાએ ફોન ઉપાડ્યો.

" અરે અંજુ તું ક્યાં છે બેટા ? " પપ્પાએ વહાલથી પહેલો સવાલ પૂછ્યો.

" પપ્પા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો. હું એક ચક્કરમાં ફસાઈ ગઈ હતી. હવે ત્યાંથી નીકળી ગઈ છું અને રાજકોટ આવવા માટે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને એકલી બેઠી છું." કહેતાં કહેતાં અંજલિ રડી પડી.

" તું રડીશ નહી બેટા. અમે તને વઢીશું નહીં. તું જલ્દી ઘરે આવી જા. કઈ ટ્રેનમાં આવે છે ? " પપ્પાએ પૂછ્યું.

" રાત્રે ૯ વાગ્યાની સૌરાષ્ટ્ર મેલની ટિકિટ છે પપ્પા. રિઝર્વેશન નથી એટલે જનરલ ડબ્બામાં બેસીશ. રાજકોટ ઉતરીને બસમાં જેતપુર આવી જઈશ." થોડીવાર પછી આંખો લૂછીને અંજલિએ જવાબ આપ્યો.

" તારે બસમાં આવવાની જરૂર નથી બેટા. અમે ગાડી લઈને તને રાજકોટ સ્ટેશને લેવા આવીશું. તું જરાય ચિંતા કરીશ નહીં." વિઠ્ઠલભાઈ બોલ્યા.

કેતનભાઇની એકે એક વાત સાચી પડી. એમના કહ્યા પ્રમાણે ખરેખર અંજલિ ત્યાંથી નીકળી ગઈ અને બપોર પછી એનો ફોન પણ આવી ગયો.

વિઠ્ઠલભાઈએ તરત જ કેતનને ફોન લગાવ્યો. " કેતનભાઇ તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી સલામત રીતે ત્યાંથી ભાગી નીકળી છે અને અત્યારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર બેઠી છે. મારી ઉપર હમણાં જ એનો ફોન આવ્યો."

" તમારા ફોનની જ હું રાહ જોતો હતો. મને ખ્યાલ જ છે કે એ ત્યાંથી બપોરે ભાગી નીકળી છે. મારુ ફોકસ અંજલિ ઉપર જ હતું. હવે તમે કોઈપણ જાતની ચિંતા ના કરશો. એ સહી સલામત રીતે આવી જશે. " કેતન બોલ્યો.

" બસ તમારા આશીર્વાદ ફળે અને મને મારી દીકરી મળે. " વિઠ્ઠલભાઈ ભાવુક થઈને બોલ્યા. એમનું ચાલે તો એ ઉડીને મુંબઈ સેન્ટ્રલ પહોંચી જાય પણ એ શક્ય નહોતું. અંજલિ એમને બહુ જ વ્હાલી હતી.

સાંજે ૭ વાગે અંજલિને ભૂખ લાગી. સામે જ રેલવેની કેન્ટીન હતી અને ત્યાં જમવાનું પણ સારું મળતું હતું. અંજલિ કેન્ટીનમાં ગઈ અને ભરપેટ જમી લીધું.

રાત્રે ૮:૩૦ વાગે સૌરાષ્ટ્ર મેલ પ્લેટફોર્મ ઉપર મૂકાઈ ગયો. જનરલના ડબ્બામાં બેસવા માટે લાંબી લાઈન લાગી હતી અને પોલીસ પણ ડબ્બા પાસે ઊભી હતી. લેડીઝને સૌથી પહેલાં બેસવા દીધી એટલે અંજલિને વ્યવસ્થિત રીતે બારી પાસે સીટ મળી ગઈ.

બરાબર નવ વાગે ટ્રેઈન સમયસર ઉપડી. જનરલ ડબ્બામાં સૂવાની કોઈ વ્યવસ્થા ન હતી. બે સીટ વચ્ચે જે પણ જગ્યા હતી એમાં અત્યારથી જ બે જણા છાપું પાથરીને સૂઈ ગયા હતા. અંજલિને આખી રાત બેઠા બેઠા જ આરામ કરવાનો હતો. છતાં અંજલિ ખુશ હતી. એના મમ્મી પપ્પાએ એનો સ્વીકાર કર્યો હતો.

સવારે ૯:૩૦ વાગે રાજકોટ સ્ટેશન આવી ગયું. એના આશ્ચર્ય વચ્ચે એના પપ્પા અને જીતુભાઈ પ્લેટફોર્મ ઉપર જ જનરલ ડબ્બા પાસે ઉભા હતા.

જેવી અંજલિ નીચે ઉતરી કે તરત જ વિઠ્ઠલભાઈ એને ભેટી પડ્યા. અંજલિ પ્લેટફોર્મ ઉપર જ રડી પડી. લોકો પણ જોઈ રહ્યા.

બેગમાં કંઈ વજન ન હતું. જીતુએ બેગ ઊંચકી લીધી. બધાં સ્ટેશનની બહાર નીકળ્યાં અને ગાડી પાસે ગયાં. જીતુએ ગાડી જેતપુર જવા માટે ગોંડલ હાઇવે તરફ લીધી.

ટ્રેઈનમાં બરાબર ઊંઘ આવી નહોતી એટલે રાજકોટ ગયું કે તરત જ અંજલિની આંખ મળી ગઈ. એ ઢળી પડી. પપ્પાએ એને સૂવા દીધી અને પોતે ગાડી ઊભી રખાવીને આગલી સીટ ઉપર આવી ગયા.

છેક વીરપુર ગયું એ પછી અંજલિની આંખ ખુલી ગઈ. એ બેઠી થઈ ગઈ.

"પપ્પા સોરી... મને રાત્રે બરાબર ઊંઘ નહોતી આવી એટલે. " અંજલિ બોલી.

" હું સમજી શકું છું બેટા. જનરલના ડબ્બામાં સૂવા ના મળે. ઘરે જઈને પણ આરામ કરજે. તારે કોઈ ખુલાસા કરવાની જરૂર નથી. તું ઘરે આવી ગઈ એ જ અમારા માટે બસ છે. " પપ્પા બોલ્યા.

પપ્પાની આટલી બધી લાગણી જોઈને અંજલિની આંખો ભીની થઈ ગઈ. એણે વગર વિચાર્યે કેવું પગલું ભર્યું હતું ? આવાં પ્રેમાળ મા-બાપને તરછોડીને એ કાયમ માટે મુંબઈ જતી રહી હતી. ઘરમાંથી ૨૫૦૦૦ની ચોરી કરી હતી. પેલા મવાલી પાછળ પાગલ થઈ ગઈ હતી. એની સાથે શારીરિક સંબંધ બાંધવાની વાતો કરતી હતી. છી: !! એને પોતાની જાત તરફ નફરત થઈ ગઈ.

અંજલિ ઘરે આવી ગઈ એની ખબર આખા જેતપુરમાં પડી ગઈ. કારણ કે સાત દિવસથી આ વાત આ નાનકડા શહેરમાં ચકડોળે ચડી હતી.

# અંજલિને ફિલ્મોમાં કામ કરવું હતું એટલે એક જાહેરાત જોઈને પોતે કોઈને કહ્યા વગર ઓડિશન ટેસ્ટ આપવા મુંબઈ ગઈ હતી. ઓડિશન ચાર દિવસ સુધી ચાલ્યું એટલે એને ત્યાં રોકાવું પડ્યું. જે છોકરા છોકરીઓને ઓડિશનમાં બોલાવ્યા હતા એ લોકોના રહેવાની વ્યવસ્થા ત્યાં કરી હતી. અમે એને મુંબઈ એકલી જવા ના દઈએ એટલે એ અમને કહ્યા વગર જતી રહી હતી અને ફોન પણ બંધ રાખ્યો હતો.

કેતનની સલાહ મુજબ વિઠ્ઠલભાઈએ બધાને કહેવા માટે ઉપર મુજબનો જવાબ તૈયાર કર્યો હતો. જે કોઈ પણ પૂછે એને આ જ જવાબ આપવાનો હતો.

કેતને વિઠ્ઠલભાઈને એ પણ સલાહ આપી હતી કે અંજલિ ભૂલે ચૂકે પણ સ્કૂલમાં પોતાના ફ્રેન્ડ સર્કલમાં પોતાના પ્રેમ પ્રકરણની વાત ના કરે. જે વાત આપણે બહાર પાડી છે એ જ વાત બધાને કરે. નહીં તો ભવિષ્યમાં એના લગ્નમાં પ્રોબ્લેમ થશે.

અંજલિ ઘરે આવી ગઈ હતી એટલે વિઠ્ઠલભાઈએ બપોરે કેતનને ફરી ઘરે જમવા બોલાવ્યો.

"અંજલિ બેટા આ કેતન અંકલને પ્રણામ કર. એમના ચરણ સ્પર્શ કર. જો એ ના હોત તો તારી જિંદગી બરબાદ થઈ જવાની હતી. એમણે જ તને બચાવી છે. " જેવો કેતન સોફા ઉપર બેઠો કે તરત જ વિઠ્ઠલભાઈ બોલ્યા.

અંજલિએ નીચા નમીને કેતનના ચરણસ્પર્શ કર્યા. કેતને એના માથે હાથ મૂક્યો.

અંજલિને એ સમજાતું ન હતું કે આ અંકલે પોતાને કેવી રીતે બચાવી ? એને તો બાજુવાળાં અમ્માએ ભગાડી હતી.

કેતન પોતાને મળેલી સિદ્ધિથી અંજલિના મનના વિચારો જાણી ગયો. જે વાત કરવાની એની ઈચ્છા ન હતી એ વાત એને હવે અંજલિની શંકાને કારણે જાહેરમાં કહેવી પડી.

"તને એ વિચાર આવે છે ને કે તને તો કોઈ અમ્માએ આવીને ભાગી જવાનું કહ્યું હતું તો પછી કેતન અંકલે કેવી રીતે બચાવી ? બરાબર ? " કેતન બોલ્યો.

" હા અંકલ. " અંજલિ આશ્ચર્યથી બોલી.

" તો સાંભળ. એ અમ્મા દારૂ વેચવાનો ધંધો કરતી હતી. બરાબર ? " કેતન બોલ્યો.

" હા અંકલ " અંજલિ બોલી.

"એણે એની છોકરીને તને સ્ટેશને મૂકવા માટે મોકલી અને તને ૨૦૦૦ રૂપિયા પણ આપ્યા. બરાબર ? " કેતન એક પછી એક રાઝ ખોલતો ગયો. બધા આશ્ચર્યથી સાંભળતા હતા.

" જી અંકલ " અંજલિ બોલી. એ તો માની શકતી જ ન હતી કે અંકલ આ બધું કેવી રીતે જાણે છે !

" તું જ્યાં રહેતી હતી એ જ લાઈનમાં છેલ્લું ઘર અમ્માનું હતું એવું એણે તને કહેલું. બરાબર ? " કેતનને મજા આવતી હતી.

" હા અંકલ. રોહિતે મને જે રૂમમાં રાખેલી એ જ લાઈનમાં છેલ્લા મકાનમાં અમ્મા રહેતાં હતાં. " અંજલિ બોલી.

" ઓકે. તું છ દિવસથી ત્યાં રહેતી હતી. તેં એ અમ્માને કયારેય પણ જોયેલી ખરી ? " કેતને પૂછ્યું.

" એમને જોયાં હોય એવું તો યાદ નથી અંકલ " અંજલિ બોલી.

" તું જે વસ્તીમાં રહેતી હતી એ મવાલી વસ્તીમાં ના તો તેં અમ્માને જોઈ હતી કે ના અમ્માએ તને જોઈ હતી. અમ્મા નામની કોઈ બૂટલેગર ત્યાં છે જ નહી. તને ભગાડવા માટે મારા ગુરુજીએ જ આ અમ્માની આખી માયાજાળ ઉભી કરી હતી. તારી સાથે જે પણ થયું તે બધું માયાવી હતું એટલે કે એક ભ્રમ હતો. મેં ગુરુજીને તારા માટે બહુ જ પ્રાર્થના કરી હતી. " કેતને એવો ધડાકો કર્યો કે ત્યાં બેઠેલા બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.

અંજલિ તો સડક જ થઈ ગઈ. એના તો માનવામાં જ નહોતું આવતું કે અમ્મા નામની કોઈ બાઈ છે જ નહીં. અમ્મા એને મળી એ આખી એક ભ્રમણા હતી ! હકીકતમાં તો મને આ અંકલે જ બચાવી છે !!

" હજુ પણ તને વિશ્વાસ ના આવતો હોય તો તારી પર્સમાં ૫૦૦ રૂપિયાની જે ત્રણ નોટ બચી છે તેના નંબર તને કહી દઉં. કારણકે અમ્માએ આપેલી એ ચાર નોટો મારી જ છે અને એના નંબર પણ મેં મારા મોબાઈલમાં નોંધી રાખ્યા છે !! " કેતન બોલ્યો.

કેતનની વાતની ખાતરી કરવા માટે અંજલિએ પોતાની પર્સમાંથી બચેલી ૫૦૦ રૂપિયાની ત્રણ નોટ કાઢી. કેતન મોબાઇલમાં જોઈને એક પછી એક નંબર બોલતો ગયો અને અંજલિ આશ્ચર્યથી દરેક નોટ ચેક કરતી રહી અને પાગલ થઈ ગઈ ! એ જ નંબર !!

" તું ઘરે થી ૨૫ હજાર રૂપિયા લઈને ગઈ હતી એ તમામ પૈસા એ હરામીએ ચોરી લીધા હતા. તારી પાસે એક પણ રૂપિયો ન હતો એ પણ મને ખબર પડી ગઈ. તારે મુંબઈથી જેતપુર આવવા માટે પૈસાની જરૂર હતી. મેં ગુરુજીને પૈસા માટે પણ પ્રાર્થના કરી. " કેતન બોલી રહ્યો હતો. બધા એકચિત્તે સાંભળી રહ્યા હતા.

"ગુરુજીએ મને ધ્યાનમાં સૂચન કર્યું અને એક મંત્ર આપ્યો. એટલે કાલે બપોરે લગભગ બે વાગે ૨૦૦૦ રૂપિયા મેં વોલેટમાંથી બહાર કાઢ્યા અને તમામ નોટોના નંબર મોબાઈલમાં સેવ કરી લીધા. એ પછી એ ૨૦૦૦ મારા હાથમાં રાખી હું ધ્યાનમાં બેસી ગયો અને એ મંત્ર મનમાં બોલવા લાગ્યો. પૈસા થોડીવારમાં જ મારા હાથમાંથી અદ્રશ્ય થઈ ગયા. અને એ પૈસા અમ્મા દ્વારા તારા હાથમાં આવ્યા. યોગ શક્તિથી આ બધું જ શક્ય છે !! " કેતન હસીને બોલ્યો.

અંજલિ તો કેતનની વાતો સાંભળીને એટલી બધી આશ્ચર્યમાં પડી ગઈ કે એને પોતાના કાન ઉપર જ વિશ્વાસ નહોતો આવતો. ખરેખર આવું બની શકે ખરું ? અમ્માએ આપેલી નોટો કેતન અંકલે અહીંથી મોકલી હતી ? આ બધું સમજવા માટે એની ઉંમર જ નહોતી.

" બેટા કેતનભાઇએ જ તને એ નરકમાંથી છોડાવી છે. હવે તો તને વિશ્વાસ આવી ગયો ને ? એમના ૧૫૦૦ પાછા આપી દે. બાકીના ૫૦૦ હું આપી દઉં છું." વિઠ્ઠલભાઈ બોલ્યા.

" મારે એ પૈસા પાછા જોઈતા નથી અંકલ. એ ૧૫૦૦ કાયમ માટે સાચવી રાખજો. ભવિષ્યમાં અંજલિનું મન ચંચળ બને તો આ પૈસા એને ભૂતકાળની યાદ તાજી કરાવશે" કેતન બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED