સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક - એક દિવસીય પિકનિક સ્થળ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક - એક દિવસીય પિકનિક સ્થળ

ગઈકાલે સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કની મુલાકાત લીધી. ગાંધીનગરથી 18 કિમી અને અમદાવાદ શીલજ ક્રોસિંગ એસ.પી. રીંગ રોડથી 55 કિમી છે, સવા કલાક જેવો સમય લાગે છે.
ત્યાં સવારે 11 થી પાર્ક શરૂ થાય છે અને બપોરે દોઢ થી બે બંધ રહી સાંજે 4.30 સુધી ચાલુ રહે છે. પાર્કમાં કાર માટે વિશાળ પાર્કિંગ છે. ટિકિટ વ્યક્તિદીઠ સાઈટ પર 500 બતાવે છે પણ રવિવાર અને રજાના દિવસે 800, અન્ય દિવસે 700 રૂ. છે.
પાર્કમાં વોટર રાઇડ્સ માટે લેડીઝે કોઈ અલગ ડ્રેસ પહેરવો જરૂરી નથી, માત્ર નાયલોન બેઝ હોય તો રાઇડ માં અવરોધ રૂપ ન બને એટલે સારો રહે
કોટન હોય તો ફસાઈને ફાટી ન જાય. પુરુષો માટે સામાન્ય સ્વિમિંગ ચડ્ડી પુરતી છે. ત્યાં થી પણ ભાડે મળે અને ઘેરથી લઈ પણ જવાય.
ચેંજીંગ રૂમ અને લેડીઝ, જેન્ટ્સના અલગ લોકર રૂમ છે. બુટ વગેરે ત્યાં વોટર એરિયા નજીક બાંકડાઓ નીચે પણ રાખી શકો છો.
રાઈડ્સ માં પાણીનો ફ્લો જે તે રાઈડની જરૂરિયાત મુજબ વહેતો જ રહે છે. નાનાં બાળકો માટે ચારેક ફૂટ ઊંચી સીધી તેમ જ વળાંકો વાળી લપસણીઓ છે
મોટાંઓ માટે અલગ અલગ રાઇડસ છે. એક માં તમે ચાર માળના મકાન જેટલા ઊંચે જઈ ગોળ ટ્યુબમાં થઈ વળાંકોમાં થતા નીચે જાઓ, જેમ નીચે જાઓ તેમ ઝડપ વધે અને છેલ્લે જોરથી ચાર પાંચ ફૂટ ઊંડા પાણીમાં ખાબકો અને ઊભા થઈ જાઓ.
બીજી એક રાઈડમાં મોટી, પહોળી અને વચ્ચે વચ્ચે પગથિયાં જેવા વળાંકદાર સ્ટેપ્સ સાથેની લપસણી પર બેસી પાણીના પ્રવાહ સાથે જ વહેવા લાગો. એક એક સ્ટેપ પર આપોઆપ કુદો અને સ્પીડ વધી જાય. એવાં ચારેક સ્ટેપ્સ સાથે પાણીમાં બમ્પ રાઈડ લેવાની.
એક ત્રિરંગાના રંગોની ઊંચી લપસણીમાં બેસી જાઓ કે પાછળથી પ્રવાહ શરૂ થાય અને પાણી સાથે તમે વહેવા લાગો. વચ્ચે વળાંકો પર તમારું શરીર પણ આમ થી તેમ ડાબે જમણે ભટકાતું નીચે આવે.
એક રેગ્યુલેટેડ રાઈડ માં ચાર વ્યક્તિઓ એક બલૂન માં વચ્ચે મોટાં કાણામાં પગ રાખી કે તેની નજીક પલાંઠી મારી ચાર ખાડાઓ માં નિતંબો રાખી બેસે, બે હાથે દરેક સ્લોટ સાથે આપેલ હેન્ડલ પકડી રાખે. પાણી વહેવું શરૂ થતાં કર્મચારી બલૂન પરથી પગ હટાવી લે એટલે તરાપા જેવું હવા ભરેલું બલૂન વેગથી આમ તેમ અફળાતું નીચે તરફ ગતિ કરે અને સ્ટેપ્સ આવે ત્યારે જોરદાર ઉછળી ડાબે અને જમણે મોટા ઝુલાઓ ની જેમ જાય. એ રોમાંચક રાઈડ હતી.
એવી જ ચાર લોકોની રાઈડ એક ટનલ એટલે કે વળાંકો વાળી ટ્યુબમાંથી પસાર થાય અને તમે સાવ ઝાંખા પ્રકાશમાં એ ટ્યુબમાં વેગથી ગતિ કરતા હો, છેલ્લે ચાર પાંચ ફૂટ ઊંડા પાણીમાં વેગથી ખાબકો. મને વિચાર આવ્યો કે કદાચ મરી જઈએ પછી જીવ ઝડપથી આવી કોઈ અંધારી ટનલમાં આમ જ અથડાતો કુટાતો ગતિ કરતો નવી યોનિ માં ખાબકતો હશે!
આ બધી રાઈડ પાછળથી પાણીનો રેગ્યુલેટેડ ફલો અને સ્લાઇડ બેઝડ હોઈ તેમાં તમારે કોણીથી હાથ વાળી ક્રોસ માં સામસામા ખભે મૂકી, ડોક ઊંચું જોતા હો તેમ કરી સૂઈ જવાનું હોય છે. તો જ તમે તમારાં શરીરને આમ તેમ ડાબે જમણે ફંગોળાતું, નીચે વેગથી ગતિ કરતું અનુભવી શકો. બેસીને કરવામાં શરીર પોતે બ્રેક નું કામ કરે છે. તમે બે બાજુ પટ્ટીઓ પકડી થોભી શકો છો પણ ઝડપ આવતી નથી અને નિતંબ પાસે છોલાઈ જવાની, ચડ્ડી ફાટી જવાની કે હાથ કોણી પાસે ઇજા પામવાની શક્યતા રહે. એટલે બે હાથો કોણીથી વાળી સામસામેના ખભે મૂકવા ભૂલવા નહીં.
એક મિરેકલ ટનલ માં ઉપર નીચે મોટા તીક્ષ્ણ દાંત વાળા રાક્ષસ નાં મોં માં જવાનું. ગુફામાં પાણીના ધીમા ધોધ કહેતાં ધારાઓ પડતી હોય અને છત પર સાચાં ચામાચિડીયાં લટકતાં હોય, તેની વાસ પણ હોય.
એક ખૂબ ઉપરથી પડતા ધોધ નીચે લોકો ઊભા રહે. ધારાઓ ની જાડાઈ અને વેગ ને કારણે પીઠ પર માર સરખો વાગે. માલિશ થઈ જાય. પણ ક્યારેય તે સામેથી, છાતી પર ઝીલવી નહીં.
એક ટાઈગર નું સ્ટેચ્યુ રાખેલી જંગલ જેવી રાઇડ માં પાણીના સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ન્હાવાનું હોય છે પણ પથ્થરો ઉપર પગ મૂકી ચડાય તેવા હોઈ કોઈ છોકરો છેક એ વાઘ સુધી પહોંચી ગયો. સરદારજી ચોકીદાર તરત સીટી મારતો આવ્યો. કહે કે નીચે ખાબકશો તો સિમેન્ટ નું તળિયું છે, પગના નળાનાં હાડકાં નો ચૂરો થઈ જશે.
એક ખૂબ ઊંચે બકેટ રાખેલી છે તેની નીચે ઉભવાનું. થોડી થોડી વારે બકેટ પાણીથી ભરાઇ તમારી ઉપર ફોર્સ સાથે પાણી ઢોળે.
બે રાઇડ કદાચ કલોઝિંગ ટાઇમ આસપાસ જ ચાલે છે, જે ચૂકવા જેવી નથી. એક છે સ્નો ફોલ. ઉપર એક જગ્યાએથી બરફના કરા વેગથી વરસાદ રૂપે તમારી પર પડે. એ ઠંડા કરા ઝીલતાં માથું અને પીઠ વીસેક સેકંડમાં એવાં ઠરી જાય કે તરત દૂર જતા રહો. રોમાંચ અનુભવવા ફરી ત્યાં જાઓ. યુવાનો તો બરફના ગોળા હાથમાં મૂઠી ભરી ઉપાડતા હતા. અમે પણ બે ગોળાઓમાંથી નાનો એવો સ્નો મેન બનાવ્યો.
બીજી લાસ્ટ રાઇડ સમુદ્ર માં મોજાં ના અનુભવની છે. કૃત્રિમ રીતે દરિયાનાં મોજાં ઉત્પન્ન કરી ભરતી ઓટ એવી બનાવે જાણે ચોરવાડનો દરિયો! યુવતીઓ without exception, તેમના પુરુષ સાથીઓની કમરે લટકી ગયેલી, બે હાથ તેના ગળે પરોવીને! સમજી શકો છો એ મઝા!
અમે તો દરિયામાં નહાતાં હોઈએ એમ ભરતી ધક્કો મારે અને મોજાં પાછાં જાય એટલે સરકીએ એમ સમુદ્રસ્નાનનો આનંદ માણ્યો. એ રાઇડ 4.30 પછી શરૂ થાય તે દરમ્યાન તેઓ બધી રાઇડ સમેટી લે છે. પાંચ વાગે એટલે સાયરન વાગે, આજનો દિવસ હવે બધું બંધ.
અમે દોઢ આસપાસ જ પહોંચેલ એટલે સીધા કેન્ટીનમાં ગયેલ. ત્યાં ખાવાનું, લોકર ભાડું વગેરે માટે એક બ્લ્યુ બેન્ડ આપી ડિપોઝિટ લઈ લે જે તમારે નીકળતા પહેલાં ખાવાનું બિલ અને લોકર ભાડું ચૂકવી દો એટલે બાકીના પાછા મળે. કેન્ટિનમાં 220 રૂ.માં પંજાબી ફૂલ થાળી મળતી હતી, ઉત્તપમ, ઢોસા વગેરે 110 રૂ. આસપાસ હતાં. ચાયનીઝ, સેન્ડવીચ, પાઉં ભાજી એમ બધું હતું અને ક્વોલિટી સારી હતી. સાંજે સમુદ્ર રાઈડ પછી ત્યાં ચા પીધી જે 20 રૂ. માં એલચી વાળી ને સારી હતી. એમ જ કોફી.
ઘેરથી સાથે સાવ નાનાં બાળકો હોય તો કોરો નાસ્તો જેમ કે બિસ્કીટ કે વેફર ની ના પાડતા નથી તે સિવાય ઘેરથી લાવેલ નાસ્તો પ્રતિબંધિત છે.
પાણી સારું એવું કલોરીનેટેડ અને સ્વચ્છ હતું. મેઇન્ટનન્સ સારું હતું.
સમય હોય તો બાજુમાં જ અમરનાથની પ્રતિકૃતિ વાળું ટેકરી પર શિવ મંદિર છે ત્યાં અચૂક જવું. અમારે અમદાવાદ ટ્રાફિક શરૂ થાય તે પહેલાં પહોંચવું હતું એટલે 5.15 આસપાસ નીકળી 6.30 ના બોપલ આવી ગયેલા.
વન ડે કે હાફ ડે પિકનિક માટે સારું સ્થળ. મને તો રોમાંચક અનુભવો થયા એટલે ગમ્યું.