Kalmsh - 21 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 21

ઇરા મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી હતી વિવાનની વાતોને.
જાણે સામે એક ફિલ્મ ચાલી રહી હતી.
વિવાનની સહુથી પહેલી નવલકથા પ્રગટ થઇ હતી ન્યુ યોર્કમાં. સ્યુડોનેમ હતું જ્હોન બેરી.

'ઓહ , જ્હોન બેરી એટલે તું ??? 'ઇરા આશ્ચર્યથી જોઈ રહી.
'એ તો સુપરહિટ બુક હતી, ન્યુયોર્ક ટાઈમ્સના લિસ્ટિંગમાં ચાર વીક સતત ટોપ પર રહેલી. મેં વાંચી છે. તો તું જ્હોન બેરી ? ' ઈરાના હોઠ અચરજથી ખુલ્લાં રહી ગયા.

'જી, મેડમ આપની સામે ઉભો છે જ્હોન બેરી !!! ' વિવાન મંદ મંદ સ્મિત વેરતો રહ્યો.
'એટલે પછી એની કોઈ બીજી બુક આવી નહીં ?' ઇરાએ હેરતથી પૂછ્યું.

'ક્યાંથી આવે ? એ કિતાબે એટલી બધી પબ્લિસિટી મેળવી લીધી હતી કે વિશ્વભરના પબ્લિશર્સ ગોસ્વામી પાસે અનુવાદની પરવાનગી માંગતા આવ્યા હતા. વિશ્વની છ ભાષામાં અનુવાદ થયો. ટોટલ આવૃત્તિ ચાલીસ. અને હા, ઇરા, એ ભેદ પંદરમી આવૃત્તિ પછી સ્પેનિશ આવૃત્તિ વખતે ખોલી જ નાખ્યો હતો. એ માટે મેડ્રિડમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એ રિપોર્ટ ઘણાં ન્યુઝ સર્જ્યાં હતા. ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં જ્હોન બેરી સ્યુડોનેમ છે તે જાહેર થઇ ગયું હતું. એટલે હું કહું છું કે જીસસ ક્રાઈસ્ટનો મારા પર મોટો ઉપકાર છે. એક સ્ટુડિયો અપાર્ટમેન્ટમાંથી મને રાતોરાત અહીં પહોંચાડી દીધો .

'ઓહ એમ વાત છે ? મને નથી ખબર...!! એટલે હું તો અત્યાર સુધી સમજતી હતી કે એ જ્હોન બેરી નામનો લેખક એક જ પુસ્તક પછી ગુમનામીના અંધારામાં ગુમાઈ ગયો.

'એ પછી વર્ષના સરેરાશ બે થી ત્રણ પુસ્તકો આવતા રહ્યા છે. અલબત્ત, વિવાન શ્રીવાસ્તવના નામે, તે એમાંથી કેટલા વાંચ્યા છે ?' વિવાનની અધીરતા છતી થઇ ગઈ. '
કોઈ પણ લેખક ગમે એટલો લોકપ્રિય થાય પણ સામે મળેલી વ્યક્તિએ તેનું વર્ક ન વાંચ્યું હોય તો માયુસ તો જરૂર થાય એવી જ માનસિકતા વિવાનની પણ હતી.

'લગભગ તમામેતમામ પુસ્તકો વાંચ્યા છે .એટલું જ નહીં, એ માટે પબ્લિશ થતાં ન્યુઝ રિપોર્ટ માત્ર વાંચ્યા જ નથી જતનથી સાચવ્યા પણ છે. '

ઈરાની નિખાલસ કબૂલાત સાંભળીને વિવાનનો ચહેરો રતાશ પકડી રહ્યો.
અત્યાર સુધી લાખો ચાહકો ,પ્રશંસકોની વાત અલગ હતી. જયારે ઈરા આટલે દૂર બેઠી બેઠી પોતાની યાદ એકઠી કરી રહી હતી એ તો કોઈ અધિક આનંદની વાત જ હતીને !!

રાત વીતતી રહી હતી. ઇરા અને વિવાન કોઈ જૂદા જ વિશ્વમાં ગુમાઈ ચૂક્યા હતા. દરિયા પરથી વહીને આવતો સહેજ હૂંફાળો પવન હવે ઠંડો થઇ ચૂક્યો હતો એ સાબિતી હતી સવાર પાસે હોવાની.
એમની વાતો ખૂટી નહોતી રહી પણ હવે આંખોમાં હળવો ઉજાગરો ડોકાવા લાગ્યો હતો.

નિદ્રાદેવી પણ કમાલ છે. અમીર હોય કે ગરીબ , સુખી હોય કે દુઃખી કોઈ પણ સંજોગમાં , કોઈ પણ પરિસ્થિતિમાં એની કૃપા વહેલી કે મોડી થયા વિના થોડી રહે છે ?

'ઇરા , થોડી વાતો કાલ પર રાખીયે? કે આજે જ વાતોનો ખજાનો વહેંચી દેવો છે ? વિવાન આવી રહેલા બગાસાને ચપટી વગાડી ઉડાડતાં બોલ્યો.

ઈરાના ચહેરા પર સ્મિત આવી ગયું.શરીરનો થાક ચહેરા પર ડોકાઈ રહ્યો હતો. છતાં મન જાણે માનવા તૈયાર નહોતું.

'વી હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ ઇરા. જો તેં મને પ્રોમિસ કર્યું છે '

'યસ વિવાન , તારી વાત સાચી પણ એ વિષે ચર્ચા કાલે કરીશું ?' ઇરાએ સહેજ ઊંચા થઇ સ્વિન્ગ ચેરમાં બેસીને જ એક અંગડાઇ લીધી. વિવાન જોતો રહી ગયો ઈરાને. પહેલીવાર આટલી હિમ્મતથી ઇરા સાથે આંખમાં આંખ મેળવવાની હિંમત થઇ હતી. ઈરાને જોઈને વિવાનના ચહેરાના ભાવ બદલાયા. પહેલીવાર ઇરાને મનભરીને જોઈ રહ્યો. : ઇરા આટલી બધી સુંદર હતી ? કે પછી છેલ્લાં થોડા વર્ષોએ પોતાની કામગીરી કરી હતી ?

ઇરાએ પગની એક ઠેસથી સ્વિંગ ચેર અટકાવી અને ઉઠી. ; તારી વાત સાચી છે. કેટલા વાગ્યા હશે ?એણે રીસ્ટ વોચમાં નજર નાખી.

એ કંઈક બોલે એ પહેલા જ વિવાન બોલી ઉઠ્યો : ચાર વાગ્યા હશે.
વાત તો સાચી હતી. રિસ્ટવોચમાં ચાર વાગીને પાંચ મિનિટ થઇ રહી હતી. બ્રહ્મ મુર્હુતનો સમય.

'વિવાન, તે આટલું ચોક્કસ અનુમાન કઈ રીતે કર્યું ?' ઇરા જરા તાજ્જુબીથી બોલી.
જવાબમાં માત્ર સ્મિત વેરતો રહ્યો વિવાન.
'મેડમ આ મારા વર્કિંગ આર્સ છે , પોતાના લખવાના સમય વિષેની વાતો પર ચઢી ગયો હતો વિવાન.વધુ ત્રીસ મિનિટ સુધી વિવાન અને ઇરા વાત કરતાં રહ્યા.

' એક વધુ મુલાકાત માટે એક બ્રેક જરૂરી છે. ડોન્ટ યુ થિન્ક સો ?' વિવાને કહ્યું અને એ અને ઇરા ગેલેરી છોડીને અંદર પ્રવેશ્યા.

'આ છે તારો રૂમ , ગુડ નાઈટ ' વિવાને ગેસ્ટરૂમ તરફ આંગળી ચીંધી અને પોતે પોતાના બેડરૂમ તરફ આગળ વધી ગયો .


ઇરાએ રૂમમાં પ્રવેશી ડોર બંધ કર્યું.
ટેસ્ટફુલી સજાવેલ આ ગેસ્ટરૂમમાં કોણ રહેતું હશે ? એવો પ્રશ્ન મનમાં થયો. અલબત્ત, એક વાતની ખાતરી હતી કે વિવાનની જિંદગીમાં પોતાના સિવાય અન્ય કોઈ હજી ટકોરા મારી શક્યું નથી. એ ખ્યાલથી જ ચહેરો મરક મરક થઇ રહ્યો.કપડાં બદલીને ઇરાએ બેડમાં પડતું મૂક્યું. બાજુમાં રહેલા નાઈટલેમ્પને ઑફ કરતાં પહેલા એક નજર મોબાઈલ ફોનમાં નાખી. ન્યુ યોર્કથી નીનાના ચાર મિસ્ડ કોલ રજીસ્ટર હતા. પોતે વાતમાં એટલી મશગૂલ થઇ ગઈ હતી કે રિંગ જ ન સંભળાઈ ?

નીનાએ એક મેસેજ પણ મૂક્યો હતો. : ' વ્હેર આર યુ ? વ્હેન આર યુ કમિંગ બેક ?

નીના તો નીના જ છે. એટલી ભાવુક ને લાગણીશીલ . પોતાના બદલાઈ ગયેલા પ્લાનની એને ખબર નહોતી. નીનાને જાણ કરવી જોઈતી હતી જે બિલકુલ વિસરાઈ ગયું હતું.
ઇરાએ એક મેસેજ મૂકી દેવાનું યોગ્ય સમજ્યું.
પોતે ધાર્યા કરતાં વધુ રોકાઈ શકે છે એવો મેસેજ સેન્ડ કરી ઇરાએ લૅમ્પ સ્વીચ ઑફ કર્યો ને મોબાઈલમાં વોટ્સ એપ કોલની બઝર રણકી.
ઈરાનું અનુમાન સાચું હતું.સામે છેડે નીના જ હતી.

'વ્હેર આર યુ ઇરા? બે દિવસથી કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં !! આર યુ ઓ કે? સામેના છેડેથી નીનાનો અવાજ કાને પડ્યો. એના સ્વરમાં ચિંતા હતી.

'અરે યાર, કામમાં પડી ગઈ હતી. એટલે રહી ગયું.. ' ઇરાએ બગાસું ખાતાં કહ્યું.

' બધું બરાબર તો છે ને ? આંટી ઠીક છે? મને ચિંતા થઇ.'નીના સામે છેડેથી પૃચ્છા કરી રહી હતી.

'અરે બધું બરાબર છે. તું ચિંતા કેમ કરે છે ? ' ઈરાને હવે ઊંઘ ચઢી રહી હતી. પોપચાં પર જાણે સીસાની કણિકા ફેરવાઈ રહી હતી.

'તું ક્યારે આવે છે ? કાલે ? '
નીનાની કસમય પૂછપરછ ઈરાને અકળાવનારી લાગી


'નીના , અહીં અત્યારે સવારના સાડા ચાર વાગ્યા છે. પછી આરામથી ફોન કરું ? 'ઈરાના સ્વરમાં થાક અને કંટાળો વ્યક્ત થઇ રહ્યા હતા.

'મને એટલે ચિંતા થઇ કે ક્યાંક તું ફસાઈ તો નથી ગઈ ? હમણાં ઇન્ડિયન ચેનલ પર ન્યુઝ જોયા કે મથુરામાં કોમી રમખાણ ફાટી નીકળ્યા છે એટલે મને થયું કે પૂછી લઉં કે તમે તો સેફ છોને ?
નીનાએ કહ્યું ત્યારે ખબર પડી કે મથુરામાં કોઈ રમખાણ ફાટી નીકળ્યા છે. પોતે તો ઇન્ડિયા આવ્યા પછી કોઈ ન્યુઝ જોયા જ નહોતા ને !!

પણ આ બધી વાતો કરવાની ન તો ફુરસદ હતી ન તો મૂડ.
'નીના , વી આર સેફ , ડોન્ટ વરી એટ ઓલ. '

' .... ઓકકૅ પણ તું આવે છે ક્યારે ? ' નીના તો જાણે ફોન મૂકવા જ તૈયાર જ નહોતી।

આખરે કંટાળીને ઇરાએ કહેવું જ પડ્યું : નીના , કાલે વાત કરીયે પ્લીઝ?

ફોન મૂક્યા પછી ઇરા વિચારતી થઇ ગઈ. મથુરામાં રમખાણ ? મા તો બરાબર હશે ? નીનાને તો પોતે કહ્યું પણ નહીં કે એ મથુરામાં નહીં પણ મુંબઈમાં છે.
વધુ વિચારવા પર પ્રતિબંધ લગાવવો હોય તેમ નિદ્રાદેવીએ ઈરાની આંખો પર પીંછું ફેરવી દીધું.

*********************

સવારે ઈરાની આંખ ખુલી ત્યારે પણ ઘોર અંધારું હતું. પછી ખ્યાલ આવ્યો કે ઘટ્ટ કર્ટન્સની કમાલ હતી. બેડ પાસે પડેલાં સ્લીપર્સ પહેર્યા વિના ઇરાએ કર્ટન્સ ખોઈ નાખ્યા એ સાથે જ પ્રકાશના કિરણોમાં આંખ અંજાઈ ગઈ ત્યારે સમજાયું કે દિવસ ખાસ્સો ચઢી ગયો છે. રોજ વહેલી ઉઠીને કામે લાગતી ઇરા માટે અડધો દિવસ પતી ચૂક્યો હતો. રાતનો ઉજાગરાની અસર હોય તેમ માથું ભારે લાગી રહ્યું હતું. ઝડપથી તૈયાર થઈને બહાર આવી ત્યારે જોયું કે ડાઇનિંગ ટેબલ પર અખબાર લઈને વિવાન કોફીની ચૂસ્કી લઇ રહ્યો હતો.

'ગુડ મોર્નિંગ ઇરા' પોતાની તરફ આવી રહેલી ઈરાને જોઈને વિવાને અભિવાદન કર્યું.વિવાન પર તો જાણે રાતના ઉજાગરાની અસર જ ન હોય તેમ એ તો ફ્રેશ લાગતો હતો.

'મોર્નિંગ મોર્નિંગ ...' ઇરાએ ઓછપાઈને જવાબ આપ્યો। મહેમાન તરીકે રહેવાનો શિષ્ટાચાર પોતે સૌ કેમ વિસરી ગઈ.

બંને વચ્ચે ઔપચારિક વાતો થતી રહી. વિવાનને ઉજાગરા વેઠવાની ટેવ હોય એમ લાગી રહ્યું હતું.

'સોરી કાલે બહુ મોડું થઇ ગયું નહીં ?' ઈરાને શું બોલવું ન સમજાયું હોય તેમ વાતની શરૂઆત કરતા બોલી.

'સોરી ફોર વૉટ ઇરા? મેં તારો સમય લીધો એટલા માટે કે મેં મારો સમય આપ્યો એ માટે ? ' વિવાન હસીને બોલ્યો ત્યારે ઈરાને ખ્યાલ આવ્યો કે સાહજીકતાથી બોલી ગયેલા વિવાનની વાતમાં અભિમાન નહોતું પણ એ વાત તો સાચી હતી કે એનો સમય ભારે કિંમતી હતો એ અજાણતાં જ જતાવી ગયો.

'અને હા, તને ખબર છે કે નહીં કે આમ પણ લેખકો રાતના રાજા હોય છે.સવારના વાતાવરણમાં લખવાનું સૂઝે પણ નહીં ' વિવાને કિચનમાંથી આવેલા ફ્રેશ ટોસ્ટ પર બટર લગાવીને ઈરાની પ્લેટમાં મૂક્યો.

'વિવાન , મારી પાસે શબ્દો જ નથી કોઈ પણ વાત કરવા. આટલા વર્ષોના અંતરાલે આપણી વચ્ચે અંતર વધારી દીધું હોય તેવું સતત અનુભવાય છે. '

'સિલી યુ ...' વિવાને ટોસ્ટનું એક બાઈટ લેતા હસીને કહ્યું: કેટલા વર્ષો પછી આપણે મળ્યા ને માત્ર છ કલાકમાં તો વચ્ચે કોઈ દીવાલ પણ ન રહી. જે વાત હોઠ પર ક્યારેય ન આવી શકી એ વાત નહિવત સમયમાં આપણે એકમેક સાથે વહેંચી શક્યા એનું શું ?

એ વાત તો સાચી હતી. પૂનામાં લાંબા સમયના સહવાસ પછી જે વાત બંનેમાંથી કોઈ કબૂલી શક્યું નહોતું એ અંતરંગ લાગણીઓ વિના કોઈ ઝિઝક એકમેક સુધી પહોંચી ગઈ હતી.

' તો હવે ?' ઇરાએ વિવાનની આંખોમાં જોઈ પ્રશ્ન કર્યો. બંને ઉંમરના એ મુકામે હતા જ્યાં ટીનએજર્સ અનુભવે એવી અસમંજસ , દ્વિધા , શરમને સ્થાન નહોતું.

'હવે ? હવે હું કહીશ એ માનીશ ? વિવાને સામો પ્રશ્ન કર્યો.

જેના ઉત્તરમાં ઇરા ચૂપ રહી જેનો સીધો અર્થ હા થતો હતો.

'ઇરા, કેટલા વખતે આમ મળ્યા છીએ , અત્યારે મારી પાસે હાથ પર સમય પણ છે અને ન હોત તો પણ ચોરી લેતે. હું તને થોડા દિવસ વધુ રહી જવાનું કહી શકું ? એટલો હક છે મને ? વિવાને પોઇન્ટ બ્લેન્ક પૂછી લીધું.

ઇરા એની હિંમત જોતી રહી ગઈ. આ એ જ વિવાન હતો જે સીધી વાત કરવાનો અવસર રખેને ઉભો ન થાય તેની તકેદારી લેતો હતો અને આજે એક અસાધારણ વિશ્વાસથી બોલી રહ્યો છે. સમય માણસને બદલાતો નથી , માણસને બદલે છે તેના સંજોગો. એક સમયે પોતાની ચાહત દિલમાં ધરબીને બેસનાર વિવાન બદલાઈ ચૂક્યો હતો એની પાછળનું કારણ હતી તેની સફળતા।.

'શું વિચારે છે ઇરા? '

ઈરાની વિચારધારામાં ખલેલ પહોંચાડી વિવાને.

' વિચારતી હતી કે કરું શું ? મને મન થાય છે તારી પાસે અહીં રહી જવાનું અને સાથે સાથે વિચાર આવે છે કામનો. કાલે મારી ફ્રેન્ડનો કૉલ હતો રાત્રે. એ એકસરખું પૂછી રહી હતી કે હું ક્યારે રિટર્ન થાઉં છું, એનો અર્થ એ થયો કે કામમાં ક્યાંક અટકી હોવી જોઈએ, અન્યથા એ આટલું બધું ભાર દઈને ન પૂછે..' ઇરાએ પોતાને મૂંઝવતી વાત કહી દીધી અને અચાનક એને યાદ આવ્યું : અરે વિવાન , ન્યુઝ ચેક કર. કાલે નીના કહી રહી હતી કે મથુરામાં કોઈ તોફાન ફાટી નીકળ્યા છે ?

ઈરાની વાત સાંભળીને વિવાનના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા. : એવું હોય તો સવારના પેપરની હેડલાઈન બને , લેટ્સ ચેક ઓન ટીવી.

વિવાને ઉભા થઈને ટીવી ઓન કર્યું , કોઈ ચેનલ પર મથુરાના કોઈ સમાચાર નહોતા. હા, કંઈક નાનુંસરખું છમકલું થયું હતું જે 100 ન્યુઝમાં એક સેકન્ડ માટે આવી ગયું હતું.

'એ માટે નીનાએ સવારના પાંચ વાગ્યામાં ફોન કર્યો હતો. એટલી સેન્ટી છે ને આ નીના.
ઇરાએ પોતાની સાથે રહેતી નીનાની વાત કરવા માંડી. જેમાં વિવાનને કોઈ રસ પડ્યો નહીં.

' વિવાન, આપણે બે દિવસ માટે પૂના જઈ આવીયે તો કેમ ? ' ઇરાએ અચાનક જ પ્રશ્ન કર્યો.
'ઓફકોર્સ , વી કેન ....' વિવાનને ઈરાની વાત ગમી ગઈ હતી.

બીજા દિવસે સવારના પહોરમાં ઇરા અને વિવાન પૂના જવા નીકળી પડ્યા હતા.
વિવાન ડ્રાઇવિંગ સીટ પર હતો અને બાજુમાં હતી ઇરા.
જૂના દિવસો યાદ આવી રહ્યા હતા બંનેને , વિવાન તને યાદ છે આપણે તારું લેપટોપ લેવા માટે બાઈક પર આખું પૂના ઘૂમી વળ્યાં હતા.

' બિલકુલ યાદ છે , બંનેને ખબર હતી કે શું લેવાનું છે ક્યાંથી લેવાનું છે છતાં એની ચર્ચા માટે કેટલા કપ કોફી પીવાઈ ગઈ હતી તે યાદ છે ? વિવાને હસતાં હસતાં પૂછ્યું હતું.

એક્સપ્રેસ વે પર ભાગી રહેલી વિવાનની ઓડીએ માત્ર ત્રણ કલાકમાં પૂના પહોંચાડી દીધા હતા. ઈરાની ઈચ્છા હતી કે મામાજીનું ઘર જોઈ આવવું. જે હવે ભાડે આપી દીધું હતું. વિવાનને ભાડે રહી રહેલા ફેમિલીને મળવામાં થોડું અજુગતું લાગી રહ્યું હતું એટલે માત્ર બહારથી ઘર જોઈને સંતોષ માની લેવાનું નક્કી કર્યું હતું.

ઇરા ચારે બાજુ નજર ફેરવી રહી. માત્ર છ વર્ષ થયા હતા આ પૂના ને છોડે પણ લાગતું હતું કે જાણે છ દાયકા વીતી ગયા હતા. નવા રસ્તા, નવા મકાનો, નવા શોપિંગ મોલ્સ, આવી રહેલી મેટ્રોના કામકાજને કારણે આખા શહેરની સુરત બદલાઈ ચૂકી હતી.

બે કલાકમાં તો એ પ્રોગ્રામ પતી ગયો. એક સમયે જ્યાં હંમેશા કોફી પીવા જતા હતા તે કોફી હાઉસ હવે સામાન્ય ઉડીપી ન રહેતા એકદમ ચકમકવાળી મલ્ટી કુઝિન રેસ્ટોરન્ટમાં તબદીલ થઇ ગયું હતું. એમાં ફિલ્ટર કોફીને પણ ન્યાય અપાઈ ગયો , પ્રશ્ન થતો હતો હવે કરવું શું ?
વિચાર તો બે દિવસ રોકાણનો હતો પણ અડધા દિવસમાં જ કામ પતી ગયું હતું.

'લેટ્સ ગો બેક વિવાન' ઇરા પોતે જ બોલી હતી.

' કેમ તારે રહેવું હતું ને ?'

'ના વિવાન, મને તો એવું લાગે છે કે આ શહેર તો સાવ અજાણ્યું છે. હું ક્યારેય અહીં રહી હોઉં એવું પ્રતીત નથી થતું.'

'હું તને કહેવાનો હતો પણ મને થયું કે તું એ જાતે જુએ તો વધુ બહેતર રહેશે. વિવાન તરત જ બોલ્યો. એનું મન પણ રહેવાનું નહોતું.

'તો પછી નીકળીએ..
આ આકાશ તો જો કેવું ઘેરાયેલું છે' ! ઈરાના સ્વરમાં ચિંતા હતી.
આકાશમાં ઘેરાં કાળા વાદળાંઓએ જમાવટ કરી હતી. મેઘરાજા મન મૂકીને વરસવાના મૂડમાં હોય તેમ લાગી રહી હતું.

'ઓકે તો હમણાં જ નીકળીએ , ત્રણ કલાકમાં તો મુંબઈમાં હોઈશું.' વિવાન ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો અને ઇરા બાજુની સીટ પર.
સીટબેલ્ટ બાંધીને વિવાને કાર મારી મૂકી.
120ની સ્પીડ પર વિવાનની ઓડી પાણીભરેલા કાળાં વાદળ ચીરતી ભાગી રહી હતી મુંબઈ તરફ...

ક્રમશ:
--
Pinki Dalal


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED