પ્રારંભ - 60 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 60

પ્રારંભ પ્રકરણ 60

કેતન અને જાનકી આજે દર્શન કરવા માટે નીકળ્યાં હતાં. સાથે સિદ્ધાર્થ અને રેવતી પણ હતાં. સિદ્ધિવિનાયકનાં દર્શન કરીને કેતન લોકો બાબુલનાથ આવ્યા હતા અને ત્યાં એમણે ત્યાંના પૂજારી વ્યાસજી દ્વારા લઘુરુદ્ર કરાવ્યો હતો.

રુદ્રાભિષેક પછી વ્યાસજીએ કેતન લોકોને પોતાના ઘરે પ્રસાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો.

જમીને ઉભા થયા પછી વ્યાસજીએ કેતન લોકોને બે કલાક આરામ કરવાનું કહ્યું.

"સિદ્ધાર્થભાઈ બાજુમાં રૂમ ખાલી છે. થોડો આરામ કરી લો. બે પલંગ તો છે જ. બે ગાદલાં નીચે પથરાવી દઈએ. " વ્યાસજી બોલ્યા.

" અરે પણ અંકલ આટલી બધી તકલીફ શું કામ લો છો ? અમારે મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જવું છે તો અમે હવે નીકળી જઈએ." સિદ્ધાર્થ બોલ્યો.

" મહાલક્ષ્મી મંદિર તો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ જ છે. ખરા બપોરે જવું એના કરતાં બે ત્રણ કલાક આરામ કરી લો. જરા પણ સંકોચ ન રાખશો. " વ્યાસજી બોલ્યા.

ભારે જમણ જમવાથી આંખોમાં ઘેન પણ ચડ્યું હતું. અંકલ આટલો બધો આગ્રહ રાખે છે તો પછી બે કલાક સૂવામાં કોઈ વાંધો નથી. સિદ્ધાર્થે કેતન સામે જોયું.

" ઠીક છે ભાઈ અંકલ આટલો આગ્રહ રાખે છે તો થોડો આરામ કરી લઈએ. આમ પણ મંદિરે જવાની એવી તો કોઈ ઉતાવળ છે જ નહીં ! " કેતન બોલ્યો.

" હું પણ એ જ કહું છું. ચા પાણી પીને ચાર વાગ્યા પછી નીકળજો. " વ્યાસજી બોલ્યા.

" ઠીક છે અંકલ અમે બે અઢી કલાક આરામ કરી લઈએ. સાડા ત્રણ ચાર વાગે અમે નીકળી જઈશું. " કેતન બોલ્યો.

પાંચ જ મિનિટમાં બે ગાદલાં બાજુના રૂમમાં જમીન ઉપર પથરાઈ ગયાં એટલે સૂવા માટે બધા અંદર ગયા. લેડીઝ નીચે સૂઈ ગઈ.

સૂતાં પહેલાં કેતન મંદિરની બહાર જઈને મનસુખ માલવિયાને મળી આવ્યો. કારણ કે એ બિચારો બહાર ભૂખ્યો બેસી રહ્યો હતો.

" મનસુખભાઈ હજુ બે કલાક જેટલો સમય લાગશે તો તમે નજીકમાં કોઈ રેસ્ટોરન્ટ હોય તો જમી આવો. મને યાદ છે ત્યાં સુધી તમે ચોપાટી તરફ બહાર નીકળશો તો મરીન લાઈન્સ તરફ ક્રીમ સેન્ટર કરીને એક સારી જગ્યા છે ત્યાં તમને સારું જમવાનું મળશે." કેતન બોલ્યો અને મનસુખભાઈના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ આપી.

" ભલે શેઠ." મનસુખભાઈ બોલ્યા અને એ નીચે ઉતરી ગયા.

વ્યાસજી આટલી બધી સરભરા કેમ કરે છે એ કેતનને સમજાતું ન હતું. અનેક યજમાનો રુદ્રાભિષેક અને શિવ પૂજન કરાવતા જ હોય ! તો બધાંને થોડા જમાડતા હશે ? અને જમવાનું તો બરાબર પરંતુ બપોરે સૂવા માટે પણ રૂમમાં વ્યવસ્થા કરી આપી. માત્ર પપ્પાના ફોનથી કોઈ આટલી બધી સરભરા ન કરે !

કેતને સૂતાં સૂતાં જ એના પપ્પા જગદીશભાઈને ફોન કર્યો.

"પપ્પા કેતન બોલું. બાબુલનાથથી. " કેતને કહ્યું.

" હા બોલ કેતન." જગદીશભાઈ બોલ્યા.

"તમે આજે સવારે વ્યાસ અંકલને ફોન કરેલો એ તો મને ખ્યાલ છે. મારે માત્ર એટલું જ જાણવું છે કે તમારો અને વ્યાસ અંકલનો પરિચય કેટલો ? કારણ કે મને યાદ નથી કે તમે ક્યારે પણ સુરતથી મુંબઈ બાબુલનાથનાં દર્શન કરવા માટે આવ્યા હો. તો પછી વ્યાસ અંકલે અમારી આટલી બધી સરભરા કેમ કરી ? પૂજા તો કરાવી જ પરંતુ અમને બધાને જમાડ્યા અને સૂવાની વ્યવસ્થા પણ કરી આપી" કેતન બોલ્યો.

"તારી વાત એકદમ સાચી છે. આમ જોઈએ તો મારો એમની સાથે વ્યક્તિગત કોઈ પરિચય નથી. પરંતુ ડાયમંડ માર્કેટમાં દલાલીનું કામ કરતા જયંતને તો તું ઓળખે જ છે. એ જયંત શિવજીનો પરમ ભક્ત છે અને એને બાબુલનાથ માં ખૂબ જ શ્રદ્ધા છે. ગમે તેવું કામ હોય તો પણ એ છોડીને વર્ષોથી દર મહિનાની વદી ચૌદશે બાબુલનાથનાં દર્શન કરવા જાય છે અને રુદ્રી પણ કરાવે છે. વ્યાસજી જયંતને ખુબ સારી રીતે ઓળખે છે." જગદીશભાઈ બોલી રહ્યા હતા.

" એકવાર વ્યાસજી પૈસાની મોટી તકલીફમાં આવી ગયા હતા ત્યારે જયંતે મને વાત કરેલી એટલે મેં જયંત સાથે બે લાખ રૂપિયા મુંબઈ મોકલાવેલા. એટલે વ્યાસજી મને નામથી સારી રીતે ઓળખે છે. આજે સવારે મેં વાત કરી કે મારા બે દીકરા ખાસ બાબુલનાથનાં દર્શન કરવા પહેલીવાર આવે છે તો જરા વ્યવસ્થિત પૂજા કરાવજો. એટલે એમણે તમારી આટલી સરભરા કરી હોય એ શક્ય છે ! " જગદીશભાઈ બોલ્યા.

" હવે મને મારો જવાબ મળી ગયો. કારણ કે મને ખૂબ જ આશ્ચર્ય થયું. " કેતન બોલ્યો.

"કોઈને કરેલી મદદ ક્યારેક તો કામ આવતી જ હોય છે બેટા. ચાલો આનંદ થયો. " જગદીશભાઈ બોલ્યા અને ફોન કટ કર્યો.

સાડા ત્રણ વાગ્યે બધા ઉઠી ગયા. ના પાડી છતાં પણ વ્યાસજીનાં પત્નીએ બધા માટે ચા બનાવી. ચા પાણી પી ફરી બાબુલનાથનાં ભાવથી દર્શન કરી કેતન લોકો નીચે ઉતરી ગયા અને મનસુખભાઈને ગાડી ચોપાટી તરફ લેવાનું કહ્યું.

સાંજ પડવા આવી હતી અને શિયાળામાં રાત જલ્દી પડી જતી હતી એટલે એકાદ કલાક ચોપાટીમાં ફરવાનો કેતને નિર્ણય લીધો. ધંધામાં વ્યસ્ત થઈ ગયા પછી વારંવાર ચોપાટી ફરવા આવી શકાય તેમ ન હતું અને મહાલક્ષ્મી મંદિર તો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું જ રહેતું હતું !

દરિયા કિનારે લટાર મારવાની બધાંને બહુ જ મજા આવી. છેલ્લે છેલ્લે બધાંએ આઇસ્ક્રીમ પણ ખાઈ લીધો.

એ પછી ત્યાંથી બધા મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા માટે ગયા. મહાલક્ષ્મી મંદિરમાં જઈને કેતન જાનકીએ માતાજીને ફૂલહાર અર્પણ કર્યાં. શ્રીફળ અને ચુંદડી પણ અર્પણ કર્યાં.

સાંજના છ વાગે કેતન લોકો પાર્લા જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે સાડા સાત વાગી ગયા હતા.

ઘરે પહોંચીને રેવતી અને જાનકીએ ભેગા મળીને ફટાફટ ભાખરી શાક બનાવી દીધાં.

રાત્રે જમતી વખતે કેતન ઉપર દેસાઈ સાહેબનો ફોન આવ્યો.

" કેતનકુમાર તમને વાંધો ના હોય તો આવતીકાલે દિવસ સારો છે તો અમે આવીને જાનકીને તેડી જઈએ. લગન પછી પગફેરો કરવો પડે એટલે તમને ફોન કર્યો. " દેસાઈ સાહેબ બોલ્યા.

"અરે પપ્પા એમાં મને શું વાંધો હોય ? રિવાજ હોય એ પ્રમાણે તો કરવું જ પડે ને ! કેટલા વાગે આવશો ? તો હું એ પ્રમાણે હાજર રહું. " કેતને પૂછ્યું.

" સાંજે ચાર વાગ્યા આસપાસ આવી જઈશું. " દેસાઈ સાહેબ બોલ્યા.

" ઠીક છે. જાનકીને પણ કહી દઉં છું." કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

" પપ્પાનો ફોન હતો. આવતીકાલે સાંજે મમ્મી પપ્પા તને તેડવા માટે આવશે. પગફેરા નું કંઈક કહેતા હતા." કેતને જાનકીની સામે જોઈને કહ્યું.

" હા લગન પછી સાસરે ગયેલી દીકરીને પહેલીવાર પિયરવાળા તેડવા આવે એને પગફેરો કહેવાય." સિદ્ધાર્થ બોલ્યો.

બીજા દિવસે સાંજે ચાર વાગે દેસાઈ સાહેબ અને કીર્તિબેન સિદ્ધાર્થના ઘરે આવી ગયાં. ચા પાણી પીધા પછી સાસુ સસરા અને જાનકીને કેતન ચિત્તરંજન રોડ ઉપર આવેલા અથર્વ લક્ષ્મીના પોતાના નવા ફ્લેટ ઉપર લઈ ગયો. ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ ત્યાં ચાલુ હતું.

" આ બે સામ સામેના ફ્લેટ મેં અને ભાઈએ લીધા છે. બંને ફ્લેટ સાત સાત કરોડમાં પડ્યા. અત્યારે અહીં ભાવ આસમાને ચાલે છે." કેતને ફ્લેટ બતાવતાં કહ્યું.

"ફ્લેટ ઘણો વિશાળ છે અને લોકેશન પણ સારું છે. એરિયા પણ સારો છે. પાર્લા આમ પણ ગુજરાતીઓનું જ છે." દેસાઈ સાહેબ બોલ્યા.

" અહીંથી સ્ટેશન પણ ખૂબ જ નજીક છે અને થોડાક જ અંતરે પાર્લેશ્વર મહાદેવનું મંદિર પણ છે. " કેતન બોલ્યો.

" બસ હવે અહીં વહેલા વહેલા રહેવા આવી જાઓ અને સુખી થાઓ એ જ અમારા આશીર્વાદ છે. " દેસાઈ સાહેબ બોલ્યા.

એ પછી સાંજે રેવતીએ મહેમાનો માટે દાળ-ભાત શાક અને કંસાર બનાવ્યો. જમીને બધાંએ જાનકીને વિદાય આપી. કેતન ત્રણેને પાર્લા સ્ટેશન સુધી મૂકી આવ્યો કારણકે લાંબુ અંતર હતું એટલે દેસાઈ સાહેબ અને કિર્તીબેન ટ્રેનમાં જ આવ્યાં હતાં. કેતને ફર્સ્ટ ક્લાસની ત્રણ ટિકિટો લઈ આપી.

કેતનની વિદાય લેતી વખતે પ્લેટફોર્મ ઉપર જાનકીની આંખમાં પાણી આવી ગયાં.

" તમારા વગર હવે મને ખૂબ જ સુનું લાગશે. ઘરે જવાનું જરા પણ મન થતું નથી. હવે વહેલી તકે મને પાછા તેડી જજો." જાનકી બોલી. બંને જણાં મમ્મી પપ્પાથી દૂર ઊભાં રહી વાતો કરતાં હતાં.

એટલામાં જ ટ્રેઈન આવી ગઈ એટલે ત્રણેય જણાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડી ગયાં. રાતનો ટાઈમ હતો એટલે ફર્સ્ટ ક્લાસમાં પણ ભીડ ઘણી હતી.

કેતન અને સિદ્ધાર્થ લગભગ એક મહિના પછી વસંત પંચમીના દિવસે નવા ફ્લેટમાં રહેવા આવી ગયા. જાનકી માટુંગામાં અઠવાડિયું રહીને તરત જ પાછી આવી ગઈ હતી !

બંને ફ્લેટમાં હવન સાથે વાસ્તુ પૂજન કરાવ્યું. આ પ્રસંગે મમ્મી પપ્પા અને શિવાનીએ પણ હાજરી આપી. તો શિરીષભાઈ દેસાઈ અને કીર્તિબેન પણ પ્રસંગમાં હાજર રહ્યાં હતાં.

ઇન્ટિરિયર ડિઝાઇનરે બંને ફ્લેટ ખૂબ જ સુંદર સજાવ્યા હતા. ફર્નિચર પણ લેટેસ્ટ ડિઝાઇનનું બનાવ્યું હતું. ડ્રોઈંગ રૂમમાં મોંઘી કારપેટ બિછાવી હતી. દરેક બેડરૂમમાં ડબલ બેડની વ્યવસ્થા કરી હતી. બંને ફલેટના દરેક બેડરૂમમાં એ.સી ફિટ કરાવી દીધાં હતાં. બંને ફ્લેટમાં ૬૫" નું લેટેસ્ટ સોની ટીવી, ફ્રીઝ અને વોશિંગ મશીન લઈ લીધાં હતાં.

નવા ફ્લેટમાં રહેવા આવી ગયા પછી પણ સિદ્ધાર્થે ગુજરાત સોસાયટીનો ભાડાનો ફ્લેટ ખાલી કર્યો ન હતો. કારણ કે એ જયેશ ઝવેરી માટે રિઝર્વ રાખ્યો હતો.

શિવાનીની પરીક્ષા પતી જાય એટલે જગદીશભાઈએ પણ કાયમ માટે મુંબઈ સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. એમણે આ વાત વાસ્તુ વખતે સિદ્ધાર્થ અને કેતનને પણ કરી હતી.

એપ્રિલ મહિનો પતી ગયો એટલે જગદીશભાઈએ સારો દિવસ જોઈ કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનું નક્કી કરી દીધું અને કેતન સિદ્ધાર્થને જાણ કરી.

"સિદ્ધાર્થ.... શિવાનીની પરીક્ષા પતી ગઈ છે એટલે અમે અખાત્રીજના દિવસે જ મુંબઈ શિફ્ટ થવાનું વિચારીએ છીએ. અઠવાડિયાનો સમય છે એટલે અમે અહીં બધું સંકેલવાનું ચાલુ કરી દીધું છે. કેતનને તું કહી દેજે. " જગદીશભાઈ બોલ્યા.

"ભલે પપ્પા... હું રાત્રે ઘરે પહોંચીશ એટલે કેતનને વાત કરી દઈશ." સિદ્ધાર્થ બોલ્યો.

સિદ્ધાર્થે રાત્રે જમતી વખતે કેતનને પપ્પાના ફોનની વાત કરી દીધી.

"મમ્મી પપ્પા ભલે મારા ઘરે જ રહેતા ત્રણ બેડરૂમ છે. હું છું ત્યાં સુધી તારે એમને ચિંતા કરવાની જરૂર નથી. તારું મન હોય તો વચ્ચે થોડા દિવસ તારા ત્યાં પણ રહેશે. " સિદ્ધાર્થ બોલ્યો.

"મમ્મી પપ્પા આમ તો નાના દીકરાના ત્યાં જ રહેતાં હોય છે છતાં વાંધો નહીં. બાજુ બાજુમાં જ ઘર છે એટલે તમારા ત્યાં રહે કે મારા ત્યાં. એમની જ્યાં ઈચ્છા હોય ત્યાં રહે. " કેતન હસીને બોલ્યો.

એ વાતને અઠવાડિયું વીતી ગયું અને વૈશાખ મહિનો શરૂ પણ થઈ ગયો.

"પપ્પા હું કાલે તમને લેવા માટે આવું છું. તમારે સુરતથી એક પણ વસ્તુ લાવવાની જરૂર નથી. તમારાં મમ્મીનાં અને શિવાનીનાં જે પણ પહેરવાનાં કપડાં હોય એ જ તમે બેગમાં મૂકી દેજો. જ્વેલરી વગેરે તો બેંકના લોકરમાં છે એટલે એની કોઈ ચિંતા નથી. " અખાત્રીજના બે દિવસ પહેલાં કેતને ફોન કર્યો.

"ભલે એનો વાંધો નહીં પરંતુ રસોઈયા મહારાજની ઈચ્છા છે કે એ પણ અમારી સાથે મુંબઈ આવે. એને આપણી માયા બંધાઈ ગઈ છે. એ આપણને છોડવા માગતો નથી. આપણે એવું કરીએ કે રસોઈ કોઈપણ એક જ ઘરે બને અને આપણે બધાં સુરતની જેમ સાથે જ જમી શકીએ. એ રીતે સંયુક્ત કુટુંબની ભાવના પણ જળવાઈ રહેશે. " જગદીશભાઈ બોલ્યા.

" વાહ પપ્પા, આ તો તમે બહુ સરસ વાત કરી. અને મહારાજને રહેવાનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ત્રણ ત્રણ બેડરૂમ છે. એક બેડરૂમ એમને આપી દઈશું. " કેતન બોલ્યો.

" હા બેટા વર્ષોથી આપણી સાથે જોડાયેલો છે. રસોઈ પણ ખૂબ સારી બનાવે છે. રેવતી અને જાનકીને પણ આરામ મળશે. ગમે તેમ તોય બ્રાહ્મણ છે ! " જગદીશભાઈ બોલ્યા.

" હા પપ્પા. અમે અહીં એક બાઈ તો રાખી જ લીધી છે. સવારે વહેલી આવી જાય છે અને બંને ઘરે કચરા પોતાં વાસણ કપડાં બધું કામ કરીને દોઢ વાગે ઘરે જાય છે. સાંજે ૮ વાગે આવીને રાત્રે વાસણ માંજીને ૯:૩૦ પછી ઘરે જાય છે. એના ઘરે એની એક મોટી દીકરી છે એટલે એને એના ઘરે રસોઈ કરવાની કોઈ ચિંતા નથી." કેતન બોલ્યો.

" મુંબઈમાં આ એક મોટામાં મોટી સગવડ છે. પૈસા ખર્ચો એટલે બધી જ વ્યવસ્થા થઈ જાય. ફૂલ ટાઈમ કામ કરનારા પણ તમને મળી જાય ." જગદીશભાઈ બોલ્યા.

બીજના દિવસે બપોરે જમીને કેતન મનસુખ માલવિયાને લઈને સુરત જવા નીકળી ગયો. સાંજે છ વાગે સુરત પહોંચી ગયો.

" મનસુખભાઈ આપણે કાલે સવારે સાત વાગે અહીંથી નીકળવાનું છે અને મારે આજે ક્યાંય જવાનું નથી એટલે તમે આજની રાત તમારા દીકરાના ત્યાં રોકાઈ જાઓ. સવારે વહેલા પાછા આવી જજો. એ બહાને દીકરાને મળી લેવાશે. " સુરત ઘરે પહોંચીને કેતન બોલ્યો.

મમ્મી પપ્પાએ જરૂરી વસ્તુઓ લઈને બે બેગો તૈયાર કરી દીધી હતી. એમના મહારાજે પણ પોતાની એક નાનકડી બેગ તૈયાર કરી દીધી હતી. શિવાનીએ ભણવા માટેનાં ત્રણ ચાર જરૂરી પુસ્તકો પોતાની કોલેજ બેગમાં મૂકી દીધાં હતાં.

રાત્રે આઠ વાગે બધાએ જમી લીધું એટલે કામવાળી બાઈ વાસણ માંજવા આવી. જયાબેને એનો બધો હિસાબ કરી દીધો.

જયાબેન રાત્રે આડોશ પાડોશમાં બધાંને મળી આવ્યા. ઘરનું ધ્યાન રાખવાનું પણ પાડોશીઓને કીધું.

કેતન વહેલી સવારે સાડા ચાર વાગે ઉઠી ગયો. આજે એને ધ્યાન કરવાનું મન થયું. હમણાં હમણાંથી રેગ્યુલર ધ્યાન થતું ન હતું. કેતન હાથ મ્હોં ધોઈ ઊંડા ધ્યાનમાં બેસી ગયો.

આજે કેતનના ધ્યાનમાં ચેતન સ્વામી સામેથી આવી ગયા અને કેતન સાથે માનસિક સંવાદ સાધ્યો.

" આજે તને ધ્યાનમાં બેસવાની પ્રેરણા મેં જ આપી છે. હવે મારી વાત સાંભળ. જેમ તારો જામનગર સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો એમ આજે સુરત સાથેનો ઋણાનુબંધ પણ પૂરો થઈ રહ્યો છે. હવે મુંબઈમાં તારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે. આપણા મહાન ગુરુજીએ તારા માટે જે પણ વિચારેલું છે એનો અમલ હવે ધીમે ધીમે શરૂ થશે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" હવે પછી તારા જીવનમાં જે જે ઘટનાઓ બને એના ઉપર તું નજર રાખતો રહેજે. કેટલાક અનુભવો સ્વપ્નમાં પણ થશે. એ ઘટનાઓ અને એ અનુભવોથી તને સ્પષ્ટ સમજાઈ જશે કે હવે પછી તારે શું કરવાનું છે ! તારા ભાવિ માર્ગ માટે કેટલીક નવી વ્યક્તિઓ તારી સાથે જોડાશે. તારી બધી સિદ્ધિઓ હવે પછી કામ આવવાની છે. " કહીને ચેતન સ્વામી કેતનને બોલવાનો અવસર આપ્યા વગર જ એકદમ અદ્રશ્ય થઈ ગયા.

કેતન એકદમ જ જાગી ગયો. એને સ્વામીજીના બધા જ શબ્દો યાદ હતા. સ્વામીજીએ આજે કેમ આવી વાત કરી ? શું ફરી પાછો મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ થશે ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)