પ્રારંભ - 61 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 61

પ્રારંભ પ્રકરણ 61

કેતન મમ્મી પપ્પાને લઈને ઘરે પાર્લા પહોંચ્યો ત્યારે ટ્રાફિકના કારણે સાંજના ૭ વાગી ગયા હતા. સિદ્ધાર્થ પણ ઓફિસેથી ઘરે આવી ગયો હતો.

સિદ્ધાર્થે મમ્મી પપ્પાની બેગો પોતાના ફ્લેટમાં મૂકાવી. સિદ્ધાર્થ રેવતી અને જાનકીએ મમ્મી પપ્પાનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું.

" મમ્મી પપ્પા તમારા બંને માટે મારા ફ્લેટમાં જ બેડરૂમ તૈયાર કરી દીધો છે અને તમારે અહીંયા જ રહેવાનું છે. મારે કેતન સાથે પણ વાતચીત થઈ ગઈ છે. " સિદ્ધાર્થ બોલ્યો.

"અરે ગાંડા અમે તારા ઘરે રહીયે કે કેતનના ઘરે રહીયે... ઘર તો એક જ છે ને ! અમારા મનથી તો બંને દીકરા સરખા. અને હવે તો મહારાજને પણ લઈને આવ્યો છું એટલે રસોઈ પણ કોઈ એક જ ઘરે થવાની છે. આપણે બધાંએ સાથે મળીને સુરતની જેમ એક જ ઘરે જમવાનું છે. સંયુક્ત કુટુંબની પરંપરા આપણે જાળવવાની છે." જગદીશભાઈ બોલ્યા.

"મને કોઈ જ વાંધો નથી પપ્પા. તમે ભાઈના ઘરે રહો કે મારા ઘરે રહો. અમારા બંને ભાઈઓ વચ્ચે કોઈ જ ભેદભાવ કે અંતર નથી. તમને જ્યાં ઈચ્છા હોય ત્યાં રહી શકો છો. ઘર બાજુમાં જ છે એટલે હું તો એમ જ માનું છું કે આપણે એક જ વિશાળ બંગલામાં સાથે જ રહીએ છીએ." કેતન બોલ્યો.

"હું તો કેતનભાઇના ફ્લેટમાં જ રહીશ. મને આમ પણ જાનકીભાભી સાથે વધુ ફાવે છે. " શિવાની બોલી.

"કેમ નણંદબાને અમારી સાથે નથી ફાવતું હવે ? જાનકી આવી ગઈ એટલે હવે જાનકીના ગુણગાન ગાવાના ? " રેવતી બોલી.

"અરે ના ના... એવું જરાય નથી ભાભી. તમારી સાથે ઓછું ફાવે છે એવું કહેવાનો મારો જરા પણ મતલબ નથી. લગ્ન થયાં નહોતાં ત્યારે પણ જાનકીભાભી સાથે વર્ષોથી બહેનપણી જેવો મારો સંબંધ છે." શિવાની બોલી.

" હા, એ વાત તો શિવાનીબેનની બિલકુલ સાચી છે ભાભી. કેતન અમેરિકા હતા ત્યારે પણ શિવાનીબેનનો ફોન મારી ઉપર ઘણીવાર આવતો. " જાનકીએ શિવાનીનો બચાવ કર્યો.

"અરે હું તો તમારી સાથે મજાક કરું છું શિવાનીબેન. જાનકી પણ મારી નાની બહેન જેવી જ છે. તમને જ્યાં ફાવે ત્યાં રહી શકો છો. " રેવતી બોલી.

જગદીશભાઈ અને જયાબેનના આવી ગયા પછી ઘર ભર્યું ભર્યું બની ગયું. બંને ફ્લેટો અલગ હોવા છતાં પણ જાણે એવું જ લાગતું હતું કે બધા એક જ મોટા ફ્લેટમાં ભેગા જ રહેતા હોય !

" મહારાજ હવે તમે રસોડું સંભાળી લો. કઈ વસ્તુ ક્યાં પડી છે એ બધું રેવતીને પૂછીને જાણી લો. અને મને એક સરસ ચા બનાવીને આપો. " જયાબેન બોલ્યાં.

" સિદ્ધાર્થ તું મહારાજને રહેવા માટે એક બેડરૂમ આપી દે. રસોડું અહીં જ રાખવાનું છે એટલે એ આ ફ્લેટમાં રહે એ વધારે સારું રહેશે. વહેલા ઊઠીને રસોડું સંભાળી શકે. " જગદીશભાઈ બોલ્યા.

" મહારાજનો બેડરૂમ તૈયાર જ છે પપ્પા. મારા બેડરૂમની બાજુનો નાનો બેડરૂમ મહારાજ માટે છે." સિદ્ધાર્થ બોલ્યો.

" ઠીક છે. શિવાની તો કેતનના ફ્લેટમાં સૂવાની છે એટલે વાંધો નહીં આવે. " જગદીશભાઈ બોલ્યા.

" એટલા માટે જ મેં જાનકીભાભીના ફ્લેટમાં સૂવાની વાત કરી. હું અહીં સૂઈ જાઉં તો મહારાજ બિચારા ક્યાં સૂવે ? " શિવાની બોલી.

"વાહ ! શું સ્માર્ટ જવાબ આપ્યો છે !" કેતન બોલ્યો અને બધા હસી પડ્યા.

એ પછી શિવાની જાનકીને લઈને એના ફ્લેટમાં ગઈ અને ત્રણે ત્રણ બેડરૂમ જોઈ પોતાનો બેડરૂમ નક્કી કરી દીધો.

" ભાભી હું તો આ બેડરૂમમાં જ રહીશ. આ બેડરૂમમાં હવા ઉજાસ સરસ છે. " શિવાની બોલી.

" તમે જે નક્કી કરો એ તમારો બેડરૂમ. તમારો પૂરો હક છે આ ઘરમાં. દરેક બેડરૂમમાં એ.સી ફીટ કરાવેલું જ છે. બેડરૂમમાં વોર્ડરોબ છે એટલે કપડાંની અને પુસ્તકોની બધી જ ગોઠવણી તમે કરી શકશો. એક ટેબલ ખુરસી પણ તમારા ભાઈએ ખાસ તમારા ભણવા માટે તૈયાર કરાવેલાં છે. એ પણ આ રૂમમાં લાવી દઈએ." જાનકી બોલી.

" ભાઈ મારું પહેલેથી જ બધું ધ્યાન રાખે છે. કેતનભાઇએ હંમેશાં મારી નાનામાં નાની જરૂરિયાતોને પૂરી કરી છે. " શિવાની બોલી.

મહારાજે કિચનમાં બધી જ વસ્તુ જાતે શોધી લીધી અને ફટાફટ રસોઈ બનાવી દીધી. મહારાજના આવવાથી રેવતી અને જાનકીને ઘણી રાહત થઈ ગઈ.

જમ્યા પછી મોડી રાત સુધી બધાંએ ભેગા થઈને વાતો કરી. સંયુક્ત કુટુંબનો આ જ તો આનંદ છે !!

કેતન રાબેતા મુજબ સવારે વહેલો ઉઠી ગયો. માળા વગેરે પતાવી ત્યાં સવારના ૬:૪૫ વાગી ગયા. એણે દરવાજો ખોલીને જોયું તો ભાઈના ઘરનો દરવાજો પણ ખુલ્લો જ હતો. મમ્મી અને રેવતી જાગી ગયાં હતાં. મહારાજ કિચનમાં નાસ્તો બનાવી રહ્યા હતા.

"તારે ચા પીવાની ઈચ્છા હોય તો મહારાજને કહી દઉં તારા જેટલી બનાવી દે. બધાની રાહ જોઈશ તો સાડા સાત વાગે ચા મળશે." કેતનને જોઈને જયાબેન બોલ્યાં.

" હું એમના માટે ચા બનાવી દઉં છું મમ્મી." અચાનક જાનકી દરવાજામાં આવીને બોલી.

" ના ના જાનકી. બધાં સાથે જ પીશું. મારે ચાની એવી કોઈ ઉતાવળ નથી. " કેતન બોલ્યો.

જયાબેને બેડરૂમમાં જઈ જગદીશ ભાઈને ઉઠાડી દીધા.

બધાંએ બ્રશ વગેરે પતાવી દીધુ અને ૭:૩૦ વાગે સિદ્ધાર્થના ડાઇનિંગ ટેબલ ઉપર ભેગાં થયાં. શિવાની હજુ સૂતી જ હતી.

" શિવાનીબેન હજુ સૂતાં છે મમ્મી." જાનકી બોલી.

"એને સૂવા દો. આમ પણ વેકેશન ચાલે છે. વહેલી ઉઠાડીને શું કામ છે ?" જયાબેન બોલ્યાં.

સવારે ૧૦ વાગે કેતન ના મિત્ર રવિ ભાટિયાનો કેતન ઉપર ફોન આવ્યો.

" કેતન રવિ બોલું. હનીમૂન મૂડમાંથી બહાર આવ્યો હોય તો એક વાત કરવી હતી. " રવિ હસીને બોલ્યો.

"અરે બોલને. તારા માટે હનીમૂન મૂડને બાજુમાં મૂકી દઉં. તને હોટલનું બધું પેમેન્ટ તો મળી ગયું ને ? " કેતને પણ હસીને જવાબ આપ્યો.

" તારા કામમાં કહેવાનું હોય જ નહીં. અને ના મળ્યું હોય તો હું તને એના માટે કદી ફોન ના કરું. ગમે ત્યારે હિસાબ સમજી લેવાય. મારે તારું બીજું એક કામ હતું. " રવિ બોલ્યો.

" સેવામાં હાજર છું. બોલ. " કેતન બોલ્યો.

" ગઈકાલે જ નેહા ભગતનો મારા ઉપર ફોન આવેલો. મેં તને એના કેન્સર વિશે વાત કરેલી. પરંતુ એણે તો મને કહ્યું કે તેં એક જ મહિનામાં એનું છેલ્લા સ્ટેજનું કેન્સર મટાડી દીધું. તું તો યાર છૂપો રુસ્તમ નીકળ્યો. આ તો એક ચમત્કાર જ કહેવાય. તારામાં આ બધી શક્તિ ક્યાંથી આવી ?" રવિ બોલ્યો.

" મારા ગુરુજીની કૃપા છે. મારામાં એવી કોઈ શક્તિ નથી. એનો રોગ મટવાનો હશે અને હું જઈ ચડ્યો એટલે નિમિત્તે બન્યો ! " કેતન બોલ્યો. એ પોતાની શક્તિઓનો કોઈ પ્રચાર કરવા માગતો ન હતો.

" તું મારાથી છુપાવે છે. મને નેહાએ માંડી ને બધી જ વાત કરી છે. મારે તારું એક કામ હતું. " રવિ બોલ્યો.

" બોલ. થઈ શકે એમ હશે તો ચોક્કસ કરીશ." કેતન બોલ્યો.

"મારા સ્ટાફમાં એક છોકરો છે. એનું નામ નંદુ છે. મા બાપનો એકનો એક કમાઉ દીકરો છે. છેલ્લા પાંચ છ મહિનાથી એ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છે. એને જાતજાતના ભય લાગે છે. એના ચહેરા ઉપર પણ ભય છવાયેલો હોય છે. એની મા કહેતી હતી કે રાત્રે પણ એ ઊંઘમાંથી જાગીને ઊભો થઈ જાય છે. ડોક્ટરની દવાઓથી પણ કોઈ ફરક પડતો નથી. ઉપરથી એ દવાઓના કારણે એ ઘેનમાં જ રહ્યા કરે છે. તું એકવાર એને જોઈ લે તો તારી મહેરબાની. ખૂબ સારો છોકરો છે. " રવિ ભાટીયા બોલ્યો.

" આજે એ છોકરો તારી હોટલ ઉપર છે ? " કેતને પૂછ્યું.

" ના. આવી હાલતમાં એ કેવી રીતે નોકરી કરી શકે ? હમણાં તો મેં એને ચાલુ પગારે રજા આપી છે. અંધેરી ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર એક ચાલમાં રહે છે. મેં ઘર જોયેલું છે. એકવાર હું જાતે એને ઘરે મૂકવા ગયો હતો." રવિ બોલ્યો.

" તો એક કામ કરીએ. પાર્લાથી મને અંધેરી વધારે નજીક પડશે. અત્યારે ૧૦ વાગ્યા છે. ૧૧:૩૦ વાગે આપણે ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર મળીએ." કેતન બોલ્યો.

" ઠીક છે. તો હું તને લોકેશન શેર કરું છું. તું ૧૧:૩૦ વાગે પહોંચી જજે. હું નંદુને પણ ફોન કરી દઉં છું. " રવિ બોલ્યો.

થોડીવારમાં કેતનના વોટ્સએપ ઉપર રવિએ મોકલેલું લોકેશન આવી ગયું. કેતને ફોન કરીને મનસુખ માલવિયાને બોલાવી લીધો.

બરાબર ૧૧ વાગ્યે કેતન જાનકીને કહીને ઘરેથી નીકળી ગયો અને ૨૫ મિનિટમાં ઓલ્ડ નાગરદાસ રોડના લોકેશન ઉપર પહોંચી ગયો.

ગાડી સાઈડમાં પાર્ક કરી. થોડીવારમાં જ રવિની ગાડી પણ આવી પહોંચી. બંને જણા ગાડીમાંથી ઉતરીને ચાલતા ચાલતા નંદુ જ્યાં રહેતો હતો એ ચાલમાં પહોંચી ગયા અને બીજા માળે નંદુના રૂમ ઉપર પણ પહોંચી ગયા.

રવિએ નંદુને ફોન કરીને કહ્યું હતું એટલે નંદુ અને એની મા એમની રાહ જ જોતાં હતાં. નંદુ કેતનને પગે લાગ્યો અને ખુરશીમાં બેસવાનું કહ્યું. ખુરશી એક જ હતી એટલે રવિ ત્યાં પાથરેલા એક પલંગના છેડે બેઠો.

નંદુ ૨૪ વર્ષનો છોકરો હતો. કેતને જોયું કે અત્યારે પણ એનો ચહેરો ભયભીત લાગતો હતો. કેતન એની સામે પાંચ મિનિટ સુધી જોઈ રહ્યો. નંદુની મા કંઈ બોલવા જતી હતી પરંતુ રવિએ રોકી લીધી.

કેતન નંદુની સામે હોઠ ફડફડાવીને કોઈ મંત્ર બોલી રહ્યો હતો પરંતુ બીજા કોઈને તે સંભળાતો ન હતો.

થોડીવાર પછી કેતન ઉભો થયો અને નંદુના માથે હાથ મૂક્યો. થોડીવારમાં જ નંદુ નો ચહેરો એકદમ નોર્મલ થઈ ગયો. જાણે કે નંદુ બદલાઈ ગયો.

" નંદુ હવે એકદમ નોર્મલ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. છ મહિના પહેલા નંદુ મિત્રો સાથે ખંડાલા ફરવા ગયો હતો ત્યાંથી એક પ્રેતાત્મા એની સાથે આવ્યો હતો. હવે એ પાછો ફરીને નહીં આવે. " કેતન બોલ્યો.

રવિ ભાટીયા અને નંદુ ની મા બંને કેતનની સામે અહોભાવથી જોઈ જ રહ્યાં.

"હું એક મંત્ર નંદુને લખી આપું છું એ મંત્રની રોજ એક માળા કરવી. જેથી ક્યારેય પણ આવું કોઈ તત્ત્વ એની પાસે નહીં આવી શકે. મને એક કાગળ આપો. " કેતન બોલ્યો.

હવે તો નંદુ એકદમ નોર્મલ હતો. પોતે જ ઊભા થઈને પોતાની ડાયરી કેતનને આપી. કેતને ડાયરીમાં પોતાની પેનથી હનુમાનજીનો એક નાનકડો મંત્ર લખી આપ્યો.

ડાયરી નંદુના હાથમાં આપ્યા પછી કેતન પોતે બધું જ ભૂલી ગયો કે એણે કયો મંત્ર લખી આપ્યો હતો ! એણે નંદુની સામે જોયું ત્યાંથી શરૂ કરીને મંત્ર લખી આપ્યો ત્યાં સુધી એ બીજી જ અવસ્થામાં હતો !! બધું જ જાણે કે યંત્રવત્ બની ગયું હતું !

નંદુએ મંત્ર વાંચી લીધો અને ડાયરી મૂકી દીધી પછી નીચા નમીને કેતનને પ્રણામ કર્યા.

" સર તમે તો આજે મારા માટે ભગવાન જેવા છો. મને ખબર નહીં શું થઈ ગયું હતું. છ મહિનાથી દવાઓ ખાઈ ખાઈને હું કંટાળી ગયો છું. આખો દિવસ ઘેનમાં જ પડ્યો રહેતો હતો. " નંદુ બોલ્યો.

"ચિંતા નહીં કર. એ બધું ભૂતકાળ થઈ ગયું છે. હવે તું એકદમ નોર્મલ છે. દિલ દઈને કાલથી નોકરીએ ચડી જા." કેતન સ્માઈલ કરીને બોલ્યો.

" સાહેબ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારા દીકરાની જિંદગી તમે બચાવી દીધી. અને રવિ શેઠ તમે આ સાહેબને મારે ત્યાં લઈ આવ્યા એ તમારી નંદુ તરફની લાગણી બતાવે છે. " નંદુની માએ બંનેને સંબોધીને આભાર વ્યક્ત કર્યો.

" હવે સાહેબ તમારા માટે ચા બનાવું કે ઠંડુ મંગાવું ? હવે તો નંદુ પોતે જ બહાર જઈને લઈ આવશે." નંદુની મા કેતનની સામે જોઈને બોલી.

" ના માસી અમે લોકો રજા લઈએ. મારું તો જમવાનું પણ બાકી છે. આ તો રવિનો મારી ઉપર ફોન આવ્યો એટલે હું તરત ઘરેથી નીકળી ગયો. હજુ મારે પાર્લા પહોંચવાનું છે. " કહીને કેતન ઊભો થયો.

" સર મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે અડધી રાત્રે પણ મને ફોન કરી શકો છો. " નંદુ બોલ્યો.

" કેતન તારી પાસે ગજબની શક્તિઓ છે યાર ! તને પોતાને જ ખ્યાલ નથી કે તું શું શું કરી શકે છે ? ઈશ્વરે તને પૈસા તો ઘણા આપ્યા છે. તારી આ બધી શક્તિઓને છુપાવવાને બદલે તું માનવ સેવા કરીશ તો પણ તને ઘણી દુવાઓ મળશે. તારે આ દિશામાં વિચારવું જોઈએ." રવિ માળાનાં પગથિયાં ઉતરતાં બોલ્યો.

" મને પોતાને જ ખબર નથી કે મારી પાસે કઈ કઈ શક્તિઓ છે. મારા થકી જે જે ચમત્કારો થાય છે અને લોકોની તકલીફો દૂર થાય છે એ જાણીને મને આનંદ ચોક્કસ થાય છે પરંતુ મારી પોતાની શક્તિઓથી હું અજાણ છું." કેતન બોલ્યો.

"તારે એના પ્રયોગો કરવા જોઈએ અને તારી શક્તિઓને જાણવી જોઈએ. જેથી માનવ જાત માટે તું આ જન્મમાં કંઈક કરી શકે. મારી પાસે બીજા પણ બે કેસ છે. એ અલગ ટાઈપના છે છતાં હું એમાં પણ તારી મદદ લેવા માગું છું. કદાચ આ બે કેસ દ્વારા તારી શક્તિઓને તું સારી રીતે જાણી શકીશ." રવિ બોલ્યો.

વાતો કરતા કરતા બંને મિત્રો પોતાની ગાડીઓ પાસે આવી ગયા.

" હું તને એક બે દિવસમાં ફોન કરીશ." રવિ બોલ્યો અને પોતાની ગાડીમાં બેઠો. કેતન પણ થોડો આગળ ચાલીને પોતાની ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં પહોંચી ગયો.

અને બે દિવસ પછી રવિ ભાટિયાનો કેતન ઉપર ફોન આવી ગયો.

"કેતન તારી પાસે ટાઈમ હોય ત્યારે આપણે વલસાડ જઈ આવીએ. હું તારી કોઈ પરીક્ષા નથી કરતો પરંતુ તારી શક્તિઓને જાણવા માગું છું. તું સમાજ માટે ઘણું કરી શકે છે. " રવિ બોલ્યો.

" હું તો અત્યારે ફ્રી જ છું. તું જ્યારે કહે ત્યારે જઈએ. " કેતન બોલ્યો.

" તો પછી કાલે સવારે આઠ વાગે નીકળી જઈએ. ઠંડા પહોરે સારું રહેશે. " રવિ બોલ્યો.

" ઠીક છે તો પછી દહીંસર ટોલ નાકા પાસે મળીએ. તારી ગાડી ત્યાં આજુબાજુ ક્યાંક પાર્ક કરી દેજે અને મારી ગાડીમાં આવી જજે. બે ગાડીઓ લેવાની કોઈ જરૂર નથી " કેતન બોલ્યો.

" તો પછી એક કામ કરીએ. હું ઠાકુર મોલના પાર્કિંગમાં જ ગાડી પાર્ક કરી દઈશ. તું સીધો ઠાકુર મોલ જ આવી જજે. " રવિ બોલ્યો.

" હા તો પછી એમ જ કરીએ." કહીને કેતને ફોન કટ કર્યો.

એ પછી કેતને મનસુખ માલવિયાને સવારે ૭:૩૦ વાગે આવી જવા માટે ફોન કરી દીધો.

બીજા દિવસે વહેલી સવારે આઠ વાગે ચા પાણી નાસ્તો કરીને કેતન ગાડી લઈને વલસાડ જવા માટે નીકળી ગયો.

કેતને રસ્તામાં પોતાના ગુરુજીને મનોમન પ્રાર્થના કરી કે - ' મારી પાસે કઈ સિદ્ધિઓ છે એની મને પૂરેપૂરી જાણ નથી પરંતુ માનવસેવામાં મારી સિદ્ધિઓનો સદુપયોગ થાય એટલી મારા ઉપર કૃપા કરજો. '
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)