પ્રારંભ - 59 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 59

પ્રારંભ પ્રકરણ 59

જમ્યા પછી કેતન જાનકીએ હોટલના રૂમમાં જઈને થોડો આરામ કર્યો. ત્રણ વાગ્યે ઊઠીને રૂમ સર્વિસમાં કૉલ આપીને ચા મંગાવી. જો કે ઉકાળેલા ચાના ગરમ પાણીમાં દૂધ અને ખાંડ મિક્સ કરવાની આ ચા જાનકીને બહુ ભાવી નહીં. એ પછી કેતને હોટેલના રિસેપ્શનમાં જઈને ટુરિસ્ટ ટેક્ષીનું સેટિંગ કર્યું અને ૩:૪૫ વાગે દુબઈની સહેલગાહે બન્ને નીકળી પડ્યાં.

કેતને જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે દુબઈમાં જે રીતે એણે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને જે જે સ્થળો જોયાં હતાં એ બધું જ એને યાદ હતું. એટલે એણે આ વખતે પણ એ રીતે જ પોતાનો પ્રોગ્રામ બનાવ્યો.

સાંજે ટેક્ષીવાળો સૌથી પહેલાં પામ જુમેરાહ આઇલેન્ડ લઈ ગયો. બીચ ઉપર બંનેએ એક કલાક લટાર મારી. ત્યાંથી પાછા વળતાં એટલાન્ટિસની પણ વિઝીટ કરી.

દુબઈ મોલ ઉપર આવેલો ફાઉન્ટેન દુબઈનું મુખ્ય આકર્ષણ હતું. રાત્રિના ટાઈમે એનો નજારો ખૂબ જ સુંદર હતો એટલે કેતને ટેક્ષીવાળાને ૬ વાગે દુબઈ મોલ લઈ જવાનું કહ્યું. એકાદ કલાક મોલમાં ચક્કર મારીને ફાઉન્ટેન જોવા ગયાં. ખરેખર મનમોહક આ ફુવારો હતો !!

બાજુમાં જ દુબઈનો ખૂબ જ પ્રખ્યાત બુર્જ ખલીફા હતો પણ રાત પડી ગઈ હોવાથી એની મુલાકાત કાલ ઉપર રાખી.

ત્યાંથી એ લોકો જમવા માટે મેરિયોટ હોટલમાં ચોથા માળે આવેલી રંગ મહલ રેસ્ટોરન્ટમાં ગયા. અદભુત રેસ્ટોરન્ટ અને અદભુત વાનગીઓ !! આટલી સુંદર રેસ્ટોરન્ટ જાનકી પહેલીવાર જોઇ રહી હતી !! દુબઈ તો દુબઈ જ હતું. દરેક વાનગી ખૂબ જ ટેસ્ટી હતી અને સર્વિસ પણ લાજવાબ હતી.

હોટેલમાં પાછા ફર્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. આજે વેસ્ટર્ન આઉટફિટમાં જાનકી ખૂબ જ આકર્ષક લાગતી હતી. દુબઈની એ પહેલી હનીમૂન રાત કેતન અને જાનકીએ ઉન્માદની ઉર્મિઓ વચ્ચે વીતાવી.

બીજા દિવસે સવારે ૭ વાગે બન્ને જાગી ગયાં. ઇન્ડિયાના ટાઇમ પ્રમાણે તો ૮:૩૦ વાગ્યા હતા. બ્રશ કરીને બંને જણાં ફ્રેશ થઈ ગયાં. ચાના બદલે કૉફી અને બ્રેકફાસ્ટ ઇન્ટરકોમમાં ઓર્ડર આપીને રૂમમાં જ મંગાવી લીધાં.

આટલી સુંદર હોટલના વિશાળ બાથરૂમમાં ગરમ પાણીના ફુવારા નીચે સાથે બાથ લેવાની ઈચ્છા કેતને આજે પૂરી કરી !!

આજે બુર્જ ખલીફા જવાનો પ્લાન હતો. સવારે ૧૦ વાગ્યે હોટલનો ટેક્ષીવાળો આવી ગયો. ફરી ટેક્ષી દુબઈ મોલ પહોંચી ગઈ.

બુર્જ ખલીફા ૮૩૦ મીટરની ઊંચાઈ ધરાવતી દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. ૧૨૪ મા માળ સુધી લીફ્ટ જાય છે અને ત્યાં ગોળ ફરતી ગેલેરી છે. ત્યાંથી આખા દુબઈનાં દર્શન થાય છે. અફાટ દરિયો અને રણ બંને સાથે જોઈ શકાય છે. કેતન અને જાનકીએ અહીંયા એકબીજાના ફોટોગ્રાફ્સ લીધા અને દુબઈનું શૂટિંગ પણ કર્યું. અડધો કલાક પસાર કરીને બંને નીચે ઉતર્યાં.

એ પછી દુબઇ મોલમાં બન્ને જણાએ જરૂરી શોપિંગ પણ કર્યું. શિવાની અને રેવતીભાભી માટે પણ જાનકીએ થોડી ખરીદી કરી. મોલ એટલો બધો વિશાળ છે કે ચાલતાં ચાલતાં થાકી જવાય. બપોરે જમવાનું પણ મોલમાં આવેલા એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં કર્યું.

ત્યાંથી એ લોકો બીચ ઉપર ગયા અને યોટ માં બેસીને બે કલાક દરિયાની સફર કરી. દુબઈનું વિશાળ વ્હીલ પણ જોયું. ત્યાંથી એ લોકો મીના બજાર ગયા અને થોડીક જ્વેલરી કેતને જાનકીને ગિફ્ટ કરી. જાનકીએ પણ શિવાની માટે ઇયરીંગ્સ લીધાં.

સાંજનું બૂફે ડીનર એટલાન્ટિસમાં નક્કી કર્યું એટલે ટેક્ષી ત્યાં લઈ લીધી. અહીંયા ઘણી બધી વેરાઇટીઝનો એ લોકોએ આનંદ માણ્યો.

ત્રીજા દિવસે એ લોકોએ સેવન સ્ટાર બુર્જ અલ અરબ હોટેલ નું ચક્કર માર્યું. ત્યાંથી એ લોકો પ્રખ્યાત દુબઈ એક્વેરિયમમાં ગયાં. એ પતાવીને અમીરાત મોલમાં એક કલાકની લટાર મારી.આ મોલ ખરેખર સુંદર હતો.

એ પછી અબુધાબી જઈને ત્યાંનો એક રાઉન્ડ લીધો. બપોરનું લંચ અબુધાબીમાં ભાવના ડાઇનિંગ હોલમાં લઈ લીધું. અબુધાબી પણ એક સુંદર સીટી હતું.

પાછા ફરતાં દુબઈના શેખ જાયેદ રોડની ગગનચુંબી ઇમારતોનો પણ રોમાંચક અનુભવ જાનકીએ કર્યો. કેતન તો અમેરિકા રહેલો હતો એટલે એના માટે કંઈ નવું ન હતું.

સાંજનુ ડીનર દુબઈની પ્રખ્યાત અમૃતસર પંજાબી રેસ્ટોરન્ટમાં કર્યું. ડીનર પતાવીને રાત્રે ૯:૩૦ વાગે હોટલ ઉપર બંને જણાં પાછાં પણ આવી ગયાં. કેતન અને જાનકીએ ત્રણ દિવસમાં આખું દુબઈ જોઈ લીધું. રણમાં ઉભું કરેલું આ સુંદર શહેર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

આવતી કાલનું વહેલી સવારે સાડા છ વાગ્યાનું એર ઇન્ડિયાનું મુંબઈનું ફ્લાઇટ હતું. અને સવારે પાંચ વાગ્યે હોટલ છોડી દેવાની હતી. કેતને તમામ બિલનું પેમેન્ટ રાત્રે જ કરી દીધું જેથી સવારે સીધા નીકળી જવાય. ટેક્ષીવાળાને કહી રાખ્યું હતું એટલે એ કોઈ ચિંતા ન હતી.

દુબઈની એ છેલ્લી રાત કેતન અને જાનકીએ સાચા હનીમુન કપલની જેમ એન્જોય કરી. સવારે વહેલા ઉઠવાનું હતું એટલે ૦૪:૩૦ વાગ્યાનું એલાર્મ મુકીને બે વાગે સુઈ ગયાં.

ટેક્ષીવાળાને કહી રાખ્યું હતું એટલે સવારે ૪:૩૦ વાગે એનો ફોન પણ આવી ગયો.

" સરજી ગાડી તૈયાર હૈ " ટેક્સીવાળો સરદારજી બોલ્યો.

" બસ મૈં પાંચ બજે તક નીચે આ જાતા હું . " કહીને કેતને જાનકીને પણ ઉભી કરી દીધી. બંનેએ ફટાફટ બ્રશ વગેરે પતાવી દીધું અને ફ્રેશ થઈ ગયાં. આજે નાહવાનો ટાઈમ નહોતો.

એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે સાડા પાંચ વાગી ગયા હતા. બોર્ડિંગ પાસ લઈને કસ્ટમ ઇમિગ્રેશન વગેરે પતાવી દીધું અને મુંબઈ તરફની ડીપાર્ચર લોન્જમાં પહોંચી ગયાં. એરપોર્ટના સ્ટાફમાં ઘણા બધા ઇન્ડિયન દેખાતા હતા.

સમય થઈ ગયો એટલે પેસેન્જરોને અંદર જવાનું એનાઉન્સમેન્ટ થઈ ગયું. પ્લેન લાગી ગયું હતું. બે બેગો તો લગેજમાં આપી હતી. નાની હેંડબેગ જ સાથે રાખી હતી. લાઈનમાં આગળ વધીને બંને પ્લેનમાં ગોઠવાઈ ગયાં. પ્લેન ઉપડે તે પહેલાં કેતને મનસુખ માલવિયાને ફોન કરી દીધો કે ગાડી લઈને બપોરે ૧૨ વાગે એરપોર્ટ આવી જાય.

બરાબર ૬:૩૦ વાગે પ્લેન દુબઈની ધરતી ઉપરથી રવાના થયું. દૂર દૂરથી દુબઈનો પરિચય કરાવતો બુર્જ ખલીફા ક્યાંય સુધી જોઈ શકાતો હતો. કેતન અને જાનકીની હનીમુન યાત્રા પૂરી થઈ ગઈ હતી.

પ્લેન એના શીડ્યુલ પ્રમાણે સમયસર મુંબઈ પહોંચી ગયું. એરપોર્ટમાંથી બહાર આવતાં બીજો અડધો કલાક નીકળી ગયો. બાર વાગ્યે બહાર આવીને કેતને માલવિયાને ફોન કર્યો જેથી એ એરાઇવલ ગેટ ઉપર હાજર રહે.

કેતન લોકો ગેટમાંથી બહાર આવ્યા કે તરત જ માલવિયાએ બેગો મૂકેલી ટ્રોલી સંભાળી લીધી અને ધક્કો મારીને ગાડી સુધી લઈ ગયો. એ પછી બન્ને બેગો ડીકીમાં મૂકી દીધી.

ઘરે પહોંચ્યા ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. રેવતીને ખબર હતી એટલે રસોઈ પણ તૈયાર જ હતી છતાં બંનેને નાહવાનું હજી બાકી હતું.

" કેતન આપણે નાહવાનું કામ પહેલાં પતાવી લઈએ. .હું તમારાં કપડાં કાઢી આપું. " જાનકી બોલી અને બેગ ખોલીને ટુવાલ, અન્ડરવેર અને બનીયન બહાર કાઢ્યાં. સાથે બીજી બેગમાંથી પોતાનાં કપડાં પણ બહાર કાઢ્યાં.

" અરે તમે લોકો પહેલાં જમી લો. એક વાગી ગયો છે. તમે બંને નાહવાનું કરશો તો બે વાગી જશે. રસોઈ પણ ઠંડી પડી જશે. જમી કરીને શાંતિથી પછી નાહી લેજો ને ? " રેવતી બોલી.

"ભાભીની વાત સાચી છે જાનકી. પહેલાં આપણે પેટપૂજા પતાવી લઈએ. આમ પણ આટલું મોડું તો થયું જ છે. " કેતને રેવતીની વાતમાં સાથ આપ્યો.

" હમ્...પોતાને ભૂખ લાગી છે એટલે. કંઈ નહીં ચાલો પહેલાં જમી જ લઈએ. " કહીને જાનકી ભાભીને મદદ કરવા કિચનમાં ગઈ. કેતન હાથ મ્હોં ધોઈને જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો.

"જાનકી તમે પણ બેસી જાવ. મારે દાળ શાક માત્ર ગરમ જ કરવાનાં છે. પાંચ મિનિટમાં થઈ જશે." રેવતી બોલી.

રેવતીએ જમવામાં દાળ, ભાત, પૂરી ઊંધિયું અને જલેબીનો પ્રોગ્રામ બનાવ્યો હતો. જો કે ઊંધિયું અને જલેબી નજીકના ફરસાણવાળાની દુકાનેથી રેવતી લઈ આવી હતી.

"કમાલ છો ભાભી તમે તો ! તમે જાનકીના મનની વાત જાણી લીધી. દુબઈમાં એને ઊંઘીયું જલેબી બહુ જ યાદ આવ્યાં હતાં ! " કેતન બોલ્યો.

" તમે પણ શું કેતન !! અરે ભાભી એ તો દુબઈમાં એમણે પંજાબી ડીશનો ઓર્ડર આપ્યો અને મને કહ્યું કે તને ભાવે છે માટે મેં પંજાબી ડીશનો ઓર્ડર આપ્યો છે. જ્યારે હકીકતમાં મેં મેનુ જોયું હતું તો એમાં માત્ર પંજાબી ડીશ અને સી ફૂડની નોનવેજ વાનગીઓ જ હતી. એટલે મેં કહ્યું કે મને તો અત્યારે ઊંધિયું અને ગુજરાતી થાળી ખાવાનું મન છે. તો મારા માટે ઊંધિયાનો ઓર્ડર આપો ! " જાનકી બોલી અને બધાં હસી પડ્યાં.

જમીને પછી તરત જ કપડાં લઇ કેતન બાથરૂમમાં ગયો. વીસેક મિનિટમાં તો એ નાહીને બહાર પણ આવી ગયો. જાનકીએ પેન્ટ અને શર્ટ બાથરૂમની બહાર તૈયાર જ રાખ્યાં હતાં એ પહેરી લીધાં.

જાનકીને નાહતાં પૂરો અડધો કલાક થયો. એણે કેતનનાં ભીનાં અંડરવેર બનીયન તરત જ ધોઇ નાખ્યાં અને સૂકવી પણ નાખ્યાં.

ત્રણ વાગવા આવ્યા હતા અને રાત્રે પણ બરાબર ઊંઘ લીધી ન હતી એટલે પછી બંને જણાંએ સૂવાનું જ પસંદ કર્યું અને સાંજે છ વાગ્યા સુધી બંને સૂઈ રહ્યાં.

ઉઠીને સૌપ્રથમ બંનેએ ચા પી લીધી અને પછી બેગ ખોલીને જાનકીએ દુબઈમાં ખરીદ કરેલી બધી જ વસ્તુઓ પોતાની જેઠાણીને બતાવી.

" તમારી પસંદગી ખૂબ જ સરસ છે જાનકી. આ ઇયરિંગ્સ શિવાની બેનને પણ ગમશે ! મારા અને શિવાનીના ડ્રેસ પણ તમે સરસ પસંદ કર્યા છે. " રેવતી બોલી.

સાંજે ૭ વાગે સિદ્ધાર્થ ઘરે આવી ગયો એટલે દુબઈની બધી વાતો લગભગ કલાક સુધી ચાલી. એ પછી સુરત ફોન કરીને કેતને મમ્મી પપ્પા અને શિવાનીને પણ જાણ કરી.

મોડા જમ્યા હતા એટલે બહુ ભૂખ લાગી ન હતી છતાં બધાંની સાથે કેતન જાનકીએ પણ ૮ વાગે જમી લીધું.

" ભાઈ આવતીકાલે તમે રજા રાખી લેજો. કાલનો દિવસ દર્શનનો પ્રોગ્રામ ગોઠવવાની ઈચ્છા છે. સવારે ૮ વાગે જ આપણે નીકળી જઈશું. સૌ પહેલાં સિદ્ધિવિનાયક દર્શન કરી લઈશું. એ પછી ત્યાંથી બાબુલનાથ જઈશું. ત્યાં બની શકે તો પૂજા અને અભિષેક કરાવવાની ઈચ્છા છે. " કેતન કહી રહ્યો હતો.

"ત્યાંથી આપણે કોઈ સારા ડાઇનિંગ હોલમાં જમીને મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જઈશું. કારણ કે લગ્ન કર્યા પછી ભગવાનના આશીર્વાદ તો લેવા જ જોઈએ. અને ધંધામાં વ્યસ્ત થઈ ગયા પછી વારંવાર બધે જઈ શકાતું નથી. " કેતન બોલ્યો.

" ઠીક છે પણ જો બાબુલનાથમાં તારે અભિષેક કરાવવો હોય તો તું પપ્પાને વાત કરી લે. પપ્પા બાબુલનાથના પૂજારી વ્યાસજીને સવારે ફોન ઉપર વાત કરી લેશે. પપ્પાને અને એમને સારા સંબંધો છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" હા તો હું અત્યારે જ વાત કરી લઉં છું. " કેતન બોલ્યો અને એણે પપ્પાને ફોન કર્યો.

" પપ્પા કેતન બોલું. કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં બાબુલનાથનાં દર્શન કરવા જવાની અમારી ઈચ્છા છે. અને ત્યાં જો અભિષેક થઈ શકતો હોય તો સજોડે શિવજીની પૂજા અને અભિષેક પણ કરાવવાં છે. સિદ્ધાર્થભાઈ કહે છે કે તમારે વ્યાસજી જોડે ઓળખાણ છે એટલે તમને ફોન કર્યો." કેતન બોલ્યો.

"હા હા ચોક્કસ. હું સવારે વ્યાસજીને વાત કરી લઈશ. બાબુલનાથમાં કાલે રુદ્રાભિષેકની વ્યવસ્થા થઈ જશે. " જગદીશભાઈ બોલ્યા.

બીજા દિવસે સવારે નાહી ધોઈ ચા પાણી પીને આઠ વાગે તો બધા તૈયાર પણ થઈ ગયા. મનસુખ માલવિયાને ફોન કરી દીધો હતો એટલે એ પણ આવી ગયો.

બીએમડબલ્યુ ગાડી લઈને બધા એક જ ગાડીમાં નીકળી ગયા. સિદ્ધાર્થ આગળ બેઠો જ્યારે પાછળ કેતન જાનકી અને રેવતી બેઠાં.

સવારે ટ્રાફિક હતો એટલે દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચતાં ૧૦ વાગી ગયા. મંદિરે પહોંચીને કેતન અને જાનકીએ સજોડે ગણેશજીનાં ભાવથી દર્શન કર્યાં. જાસૂદના ફૂલનો સુંદર હાર તથા દુર્વા ચડાવ્યાં. મોદકનું નૈવેદ્ય પણ અર્પણ કર્યું. કેતને પોતાના લગ્નજીવનની સાથે સાથે પોતાના ભાવિ માટે પણ પ્રાર્થના કરી. સિદ્ધાર્થ અને રેવતીએ પણ ભાવથી દર્શન કર્યાં.

ત્યાંથી એ લોકો બાબુલનાથ ગયા. ઊંચી ટેકરી ઉપર આવેલું બાબુલનાથ મુંબઈનું એક પ્રસિદ્ધ તીર્થ હતું. અહીં શિવજી સાક્ષાત છે એવો કેતનને આંતરિક અનુભવ થયો. લિફ્ટ હતી છતાં પગથિયાં ચડીને કેતન લોકો મંદિરે પહોંચી ગયા અને કેતન વ્યાસજીને મળ્યો.

" હા તમારા પપ્પાનો ફોન સવારે ૭ વાગે જ આવી ગયો હતો. પૂજાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. કેતનભાઈ તમારે સ્નાન કરી લેવું પડશે. અહીં બાથરૂમની વ્યવસ્થા છે અને ગરમ પાણી પણ એમાં આવે છે. ટુવાલ અને સફેદ ધોતી પણ હું તમને આપી દઉં છું. સ્યૂટ પહેરીને રુદ્રાભિષેક નહીં થાય. તમારા ધર્મપત્નીને ન્હાવાની જરૂર નથી. એમના ઉપર હું ગંગાજળ છાંટી દઉં છું. " વ્યાસજી બોલ્યા.

એ પછી વ્યાસજી કેતનને બાથરૂમ પાસે લઈ ગયા. એના હાથમાં ટુવાલ અને ધોતી આપી દીધાં. કેતને પેન્ટમાંથી વોલેટ કાઢીને જાનકીને આપી દીધું અને બાથરૂમમાં ગયો.

કેતને દસ મિનિટમાં નાહી લીધું અને માત્ર ધોતી પહેરીને બહાર આવ્યો. બાકીનાં વસ્ત્રો એણે બાથરૂમમાં લટકાવી દીધેલાં.

વ્યાસજીએ જાનકીના શરીર ઉપર ગંગાજળ છાંટ્યું અને બંનેને અંદર ગર્ભગૃહમાં લઈ જઈ બે પાટલા ઉપર પૂર્વાભિમુખ બેસાડી દીધાં.

વ્યાસજીએ શાંતિ મંત્રો બોલીને નવયુગલ ઉપર પાણી છાંટી પૂજા શરૂ કરી. ષોડશોપચાર પૂજા કરાવીને રુદ્રાભિષેક ચાલુ કર્યો. વ્યાસજીનો આસિસ્ટન્ટ સતત દૂધ અને પાણીનો અભિષેક ચાલુ રાખતો હતો. પાંચમો અધ્યાય ચાલુ થયો ત્યારે દરેક મંત્રના અંતે શિવલિંગ ઉપર બિલિપત્ર અર્પણ કરવાની કેતનને સૂચના આપી. એ પછી બાકીના ત્રણ અધ્યાય પણ વ્યાસજીએ પૂરા કર્યા. એ પછી આરતી અને થાળ ધરાવવામાં આવ્યા.

પૂજા પતી ગયા પછી નવદંપત્તિએ બાબુલનાથની પ્રદક્ષિણા કરીને ભાવપૂર્વક પ્રાર્થના કરી અને પછી વ્યાસજીને પગે લાગ્યાં. એ પછી ભાઈ ભાભીને પણ પગે લાગ્યા.

પૂજા પતી ગયા પછી કેતને ફરી બાથરૂમમાં જઈને વસ્ત્રો બદલી નાખ્યાં અને બહાર આવ્યો.

કેતને વ્યાસજીના હાથમાં ૫૦૦૦ દક્ષિણા આપી. વ્યાસજીએ બંનેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

" તમારે કોઈએ અહીંથી જવાનું નથી. જગદીશભાઈનો ફોન હતો એટલે મારે તમને એમનેમ જવા દેવાય નહીં. પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે. અહીં મારા નિવાસસ્થાને જમીને જ જવાનું છે. પાંચેક મિનિટમાં જ અંદરથી આપણને બોલાવશે. " વ્યાસજી બોલ્યા.

અને ખરેખર થોડીવારમાં જ અંદરથી કોઈ બહેન બહાર આવ્યાં અને જમવા માટે અંદર આવી જવાનું કહ્યું.

જમીન ઉપર જ શેત્રંજી પાથરી હતી અને સામે ચાર થાળી પીરસેલી હતી. ભોજનમાં લાડુ દાળ ભાત રીંગણ બટાકાનું શાક અને મેથીના ગોટા હતા.

" અરે વ્યાસ અંકલ તમે તો અમારા માટે ઘણી તસ્દી લીધી. આટલું બધું બનાવવાની ક્યાં જરૂર હતી ? " સિદ્ધાર્થ બોલ્યો.

" શિવજીને થાળ ધરાવવાનો હતો સિદ્ધાર્થભાઈ ! લાડુ વગર તો ચાલે જ નહીં. અને પાંચ આઈટમ તો જોઈએ જ. હવે તમે જ બોલો !" કહીને વ્યાસજી હસી પડ્યા.

"વ્યાસ અંકલની વાત સાચી છે ભાઈ. શિવજીનો મંત્ર પણ પંચાક્ષરી છે અને બાબુલનાથમાં પણ પાંચ અક્ષર છે પછી એકલા લાડુ થોડા ધરાવાય !! " કેતન પણ હસીને બોલ્યો.

" જુઓ મારી વાત આ કેતનભાઈ સમજી ગયા ! " વ્યાસજી બોલ્યા અને બધા હસી પડ્યા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)