There is no show in love books and stories free download online pdf in Gujarati

પ્રેમમાં દેખાડો નથી હોતો

વાર્તા:- પ્રેમમાં દેખાડો નથી હોતો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





"મોહિત, આજે મારો પેલો નવો ડ્રેસ છે ને, જે તમે દિવાળી પર લાવ્યા હતા, એ મારે પહેરવો છે. અને હા, આજે મને પેલી તમારી ફેવરિટ હેર સ્ટાઈલ કરી આપજો. અને હા, આજે થોડો મેકઅપ પણ કરી આપજો." શ્વેતાને સાંભળીને મોહિત બોલ્યો, "હા જી. જો હુકમ આપનો. બીજું કંઈ? સાંજને માટે કંઈક ખાસ લાવવાનું છે?" શ્વેતાએ ના કહ્યું એટલે મોહિત પોતાનાં કામે લાગ્યો.


શ્વેતાને નવડાવી તૈયાર કરી. એણે જેવું કહ્યું હતું બરાબર એ જ રીતે એને તૈયાર કરી. આજે તો નાસ્તો પણ શ્વેતાની પસંદ મુજબનો જ બનાવ્યો હતો. આમ તો મોટા ભાગે મોહિત શ્વેતાને જે પસંદ હોય એવું જ કરતો. એ સતત ધ્યાન રાખતો કે કોઈ પણ બાબતનું શ્વેતાને ખોટું ન લાગી જાય અને એની આંખમાં આંસું ન આવે. એ પોતે એક મોટી કંપનીમાં ઉચ્ચ પગારે નોકરી કરતો હોવાં છતાં ઘરનાં તમામ કામ એ જાતે જ કરતો. કોઈ જ મદદનીશ રાખ્યા ન હતાં. એને કોઈનાં પર ભરોસો ન હતો.


હવે આટલું વાંચીને તમને બધાંને શ્વેતાની અદેખાઈ થઈ હશે ને? આટલો પ્રેમાળ અને આટલી બધી કાળજી લેનાર પતિ ધરાવતી સ્ત્રીથી સહજ ઈર્ષ્યા થઈ જ આવે. પણ થોભો! હકીકત જાણીને તમને શ્વેતાની અદેખાઈ નહીં દયા આવશે. પોતાનાં હનીમૂન માટે બંને જણાં માઉન્ટ આબુ ગયા હતાં, તે પણ લગ્નનાં છ મહિના પછી. પાછા ફરતી વખતે શ્વેતા ગર્ભવતી છે એવી એમને ખબર પડી. બંનેની ખુશીનો પાર ન્હોતો. ઘરે જઈને બધાંને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.


આવતાં હતાં ત્યારે રસ્તામાં એમની બસ એક જગ્યાએ નાસ્તા માટે ઊભી રહી. સૌ કોઈ નીચે ઊતર્યાં, મોહિત અને શ્વેતા પણ. સરસ મજાનો નાસ્તો કરી બધાં પાછા બસ તરફ જઈ રહ્યાં હતાં ને અચાનક શ્વેતાનો પગ લપસ્યો. એ પડી ગઈ અને બાજુમાં જ આવતી એક કાર એનાં બંને પગ પરથી ફરી વળી. ઓપરેશન કરવું પડ્યું. શ્વેતાનાં બંને પગ કાપવા પડ્યાં અને એનો ગર્ભપાત તો થઈ જ ગયો, પરંતુ એ હવે ફરીથી ક્યારેય મા બની શકે એમ ન્હોતી.


ઘરે જઈને જે સરપ્રાઈઝ એ લોકો બધાંને આપવા માંગતા હતાં એને બદલે બીજી જ આઘાતજનક સરપ્રાઈઝ એમણે આપવી પડી. પરંતુ મોહિત શ્વેતાને લઈને અલગ રહેવું જતો રહ્યો, કારણ કે એનાં ઘરનાં સૌ કોઈ એને બીજા લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. બસ, ત્યારથી લઈને આજે પાંચ વર્ષ થઈ ગયાં, બંનેનાં પ્રેમમાં કોઈ જ ઓટ આવી નથી. મોહિત બધું કરીને શ્વેતાને આપી દે. શ્વેતા ઘોડીની મદદથી ચાલતી હતી, પણ કામ કશું કરી શકે એમ ન હતી.


શ્વેતા અને મોહિત ડૉક્ટરનો અભિપ્રાય લઈ ચૂક્યાં છે અને ખૂબ જ ટૂંકા સમયમાં શ્વેતાને કૃત્રિમ પગ ફિટ કરવામાં આવશે. ફરીથી એ પહેલાંની જેમ જ ચાલી કે દોડી શકશે. આજનો દિવસ એ બંનેની લગ્નની વર્ષગાંઠ હોવાથી એણે મોહિતને પોતાને સુંદર રીતે તૈયાર કરવા જણાવ્યું હતું.


પ્રેમ આવો જ હોવો જોઈએ. પ્રેમનો દેખાડો ન હોય. લગ્નની વર્ષગાંઠ પર હોટલમાં જવું, મોંઘી મોંઘી ગિફ્ટ આપવી, કેન્ડલ લાઈટ ડિનર કરવું જરૂરી નથી. ઘરમાં પણ કેન્ડલ લાઈટ ડિનર કરી જ શકાય છે. જો એકબીજાને સમજી શકવા સક્ષમ હોય તો કોઈ દેખાડો કરવો પડતો નથી. ક્યારેક બહાર ન જવાય તો વાંધો નહીં. પ્રસંગને માણવાનો જ છે ને? ઘરમાં ય માણી શકાય. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, કાળજી અને વિશ્વાસ જ સૌથી મોટી ઉજવણી છે.


વાંચવા બદલ આભાર.

સ્નેહલ જાની.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED