નંદશંકર મહેતા સ્મરણ અંજલિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નંદશંકર મહેતા સ્મરણ અંજલિ

નંદશંકર મહેતા

સુરતના જાણીતા સાહિત્યકારો માં ૩ નન્ના નર્મદ, નવલશંકર અને નંદલાલ પૈકીના એક નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓએ ગુજરાતી ભાષામાં પ્રથમ નવલકથા લખી હતી. ઐતિહાસિક વાર્તા સ્વરૂપે તેમની નવલકથા કરણ ઘેલો માટે તેઓ પ્રખ્યાત છે. આ નવલકથા ગુજરાતી વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (૧૨૯૭-૧૩૦૪)નું જીવન ચરિત્ર ધરાવે છે. જેઓની અલ્લાઉદ્દીન ખીલ્જીની તુર્કીશ સેના સામે ૧૨૯૮ માં હાર થઇ હતી. ૨૦૧૫ માં કરણઘેલાનું અંગ્રેજીમાં અનુવાદ થયું છે.

નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ. ૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો.જે સહુથી નાની ઉમરે આ ખિતાબ મેળવનાર નંદલાલ મહેતા પ્રથમ વ્યક્તિ હતા. તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજીક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી. ડો. સુમંત મહેતા તેમના પૌત્ર હતા.સુરત અને અંકલેશ્વરની કયાપલટ તેમણે કરી હતી. તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

 

૧૮૬૩માં તેમણે કરણઘેલો લખવાની શરૂઆત કરી હતી અને ૧૮૬૬ માં પૂર્ણ કરી. જે ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાની, (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫) વાર્તા વર્ણવે છે. ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજીની સેના સામે કરણ વાઘેલાનો પરાજય થયો હતો. આ નવલકથા શૈક્ષણિક હેતુ માટે લખવામાં આવી હતી. આ કથા વિવિધ ઐતિહાસિક સ્રોતો પર આધારિત હતી, પરંતુ અમુક ઘટનાના નિરૂપણમાં લેખકે સ્વતંત્રતા લીધી હતી. આ નવલકથા સામાજિક તેમજ ધાર્મિક મુદ્દાઓ આવરી લે છે.ટૂંકમાં આ નવલકથા વિષે જોઈએ તો...

રજપૂત રાજા કરણ વાઘેલા તત્સમયે ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણ પર રાજ્ય કરતો હતો. તેનો મુખ્યમંત્રી માધવ રાજકારભાર ચલાવવામાં તેને સહાયભૂત હતો. એક દિવસ રાજા અને માધવની પત્ની રૂપસુંદરીનો (સૌ સંસ્કારી સ્ત્રીઓ જેમ જ રૂપસુંદરી પણ એકાંતમાં રહેતી) ભેટો થયો અને વાતચીત થઈ.રાજા તેની પાછળ ઘેલો થઈ ગયો અને તેને મેળવવાની કામના કરવા લાગ્યો. તેની પાછળ તે એટલો તે બહેકી ગયો કે તમામ શિષ્ટાચાર અને ઔચિત્યને નેવે મુકવા તે તૈયાર હતો. તેણે અમુક બહાને મુખ્ય પ્રધાન માધવને દૂર મોકલી દીધો અને રૂપસુંદરીનું અપહરણ કર્યું. ભાભીનું રક્ષણ કરવાના વેર પણ નિષ્ફળ પ્રયત્ન કરતા કરતા જતા રાજાના માણસો દ્વારા માધવના ભાઈની હત્યા કરવામાં આવી. તે જ દિવસે તેની માધવના ભાઈની પત્ની પોતાના વીર પતિના મૃત્યુ બાદ સતી થઈ. પોતાના શીલના રક્ષણ માટે રૂપસુંદરીએ રાજા પહોંચે તે પહેલાં જ આત્મહત્યા દ્વારા પ્રાણ તાગ્યો. આમ રૂપસુંદરી પોતાના અખંડ શીલ સાથે મૃત્યુ પામી અને રાજાને નાલેશી સિવાય કાંઈ ન મળ્યું.આમ કરતાં તેણે માધવના સ્વરૂપમાં નવો શત્રુ ઊભો કર્યો. માધવ તેના પરિવારના નિકંદનમાંથી ભાગી નીકળ્યો. તેણે અણહિલવાડ પાટણ છોડ્યું અને તે સીધો દિલ્હી ગયો. તે પ્રવાસ દરમ્યાન તે પ્રવાસમાં તેને માઉન્ટ આબુ ના રહસ્યમય અનુભવ સહિત ઘણાં અન્ય સાહસિક અનુભવો થયા. માધવ આખરે દિલ્હી પહોંચ્યો અને તેણે મુસ્લિમ સુલતાન અલાઉદ્દીન ખીલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે પ્રેર્યો. આ માટે તેણે સુલતાનને બનતી મદદ અને અઢળક લૂંટની ખાત્રી આપી. માધવની સહાયતાથી દિલ્હીના સુલતાને ગુજરાત ઉપર આક્રમણ કર્યું, પાટણનો નાશ કર્યો અને રાજ્યના ખજાનાઓમાં લૂંટ ચલાવી. આ હુમલાના પ્રત્યુત્તરમાં રાજા કરણ વાઘેલા બહાદુરીથી લડ્યો, પણ છેવટે માત્ર રાજ્ય જ નહી પણ પોતાની પત્ની કૌલારાણીને પણ ગુમાવી બેઠો.

તેની હાર પછી કરણ ઘેલો પોતાના કુટુંબ અને અનુચરોને લઈ દક્ષિણ ગુજરાતમાં આવેલા બાગલણ ગયો. જ્યાં તેણે તેના જુના મિત્ર, દેવગઢના મરાઠા રાજા રામદેવ પાસે આશ્રય માંગ્યો. કરણની કુંવારી બાળક પુત્રી દેવળ તેની સાથે હતી. યુદ્ધની ધૂળ શાંત થાય અને શાંતિવાર્તા શરૂ થાય તે પહેલાં જ કરણને એક અન્ય મુસીબતનો સામનો કરવો પડ્યો. દ્વેષી ખીલજીએ પોતાના પુત્ર અને વારસ ખેઝ્ર ખાન માટે દેવળનો હાથ માંગ્યો. કરણને આ પ્રસ્તાવ માન્ય ન હતો અને તેણે ખીલજીની માંગણી નકારી, તે સાથે જ બીજા યુદ્ધના બીજ રોપાયા. બીજા યુદ્ધની તૈયારી સાથે જ કરણને તેની પુત્રીની અને તેના ભવિષ્યની ખૂબ ચિંતા થવા લાગી. આથી તેણે પોતાની પુત્રી દેવળનો હાથ તેના આશ્રય દાતા તથા મિત્રના પુત્ર, સંકલદેવને આપવાનો નિર્ણય કર્યો. ખીલજી સાથેના બીજા યુદ્ધની થોડાં સમય પહેલાં જ તે બંનેનું વેવિશાળ થયું. છેવટે યુદ્ધ થયું, કરણ તેમાં હાર્યો અને પુત્રીને પણ ગુમાવી. યુદ્ધમાં લડતાં લડતાં જ કરણ શહીદ થયો અને પુત્રીના પતન અને મુસલમાન આક્રમણકારી દ્વારા માતૃભૂમિના નિકંદનના સાક્ષી થવામાંથી બચી ગયો તેટલો તે નસીબવંત નીવડ્યો.

તેની હારથી ગુજરાતમાં રાજપૂત (હિંદુ) શાસનનો અંત આવ્યો.જે વર્ણવતા છેલ્લા હપ્તામાં સહુથી છેલ્લે લેખક કહે છે: સિદ્ધરાજ,વનરાજ,કુમારપાળ જેવા શૂરા અને નામાંકિત રાજાની ગાદીએ બેઠેલા છેલ્લા ગુર્જર રાજા કર્ણદેવ માર્યો. ઓ વાંચનારા,આ કરણના શબ પર જરા બે આંસુ સારી લેજો.. ગુજરાત રંડાયું ! એના મોત પછી ગુર્જર પારકા મલેચ્છના હાથમાં ગયું.

આ નવલકથામાં એક લલિત છંદમાં કવિતા લખાઈ છે: "કરણ રાજ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને શીદને રહ્યો; કરમ ફૂટિયું, પ્રાણ જાય રે; સુખ સદા ગયું, હાય હાયરે". આ કવિતાને સંગીતબદ્ધ કરવામાં આવી હતી અને તે ખૂબ લોકપ્રિય થઈ હતી. આ નવલકથાના ૧૮૬૮ના પ્રકાશનના બે વર્ષ બાદ મુંબઈના પારસી થિયેટર ઓફ બોમ્બેએ તે પરથી નાટક રજૂ કર્યું : ગુજરાતનો છેલ્લો રાજા કરણ ઘેલો. આ નવલકથાનો મરાઠી અનુવાદ મરાઠી સામાયિક વિવિધ જણાંન વિસ્તારમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થયો હતો.૧૯૨૪માં શ્રીનાથ પાટણકર દ્વારા બનાવાયેલ મૂંગી ફિલ્મ કરણ ઘેલો પણ આ નવલકથા પર આધારિત હતી. ૨૦૧૫માં તુલસી વત્સલ અને અબાન મુખર્જી દ્વારા આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો અને પેંગ્વીન બુક્સ ઇન્ડિયાના વાઇકિંગ પ્રકાશન વિભાગ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું.

આ વાર્તા ગુજરાતી જનમાનસ પર ટકી રહી છે. તેને ગુજરાતી ભાષાની કાલ્પનિક ઐતિહાસિક નવકકથાની આધારશિલા માનવામાં છે. આ પુસ્તકને ગુજરાતી માધ્યમની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે શીખવાડવામાં આવતું હતું. આ વિષયને આધારે ચંદ્રવદન મહેતાએ સમ્ધ્યાકાળ નામનું નાટક લખ્યું. આ વિષયને આધારે મહાગુજરાત આંદોલન સમયે બે નવલકથાઓ રચવામાં આવી હતી: કનૈયાલાલ મુનશી લિખિત ભગ્નપાદુકા (૧૯૫૫) અને ધૂમકેતુ રચિત રાય કરણ ઘેલો (૧૯૬૦). ગુજરાતની પ્રાદેશિક ઓળખના મૂળ શોધવા માટે વિદ્વાનો આ નવલકથાનો અભ્યાસ કરે છે.

૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. ૧૭ જુલાઇ ૧૯૦૫ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું.

ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર અને સાહિત્ય જગતના પ્રેરણા મૂર્તિ એવા નંદલાલ મહેતાને જન્મદિને સ્મરણ અંજલિ.