અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૪) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૪)

ગતાંકથી....



ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે ગુસ્સાથી મયંક નું માથું ફરવા લાગ્યું તેના મગજની નસો ખેંચાવા લાગી અને તેમના સ્નાયુઓ તંગ બન્યા તે આજુબાજુના સંજોગો ને સ્થળ ભૂલી ગયો અને બરાડા પાડી બોલી ઉઠ્યો : " કહીશ ,કહીશ જ,એકવાર નહીં સો વાર કહીશ .પીળો કીડો છે તું ! ,ચીની પીડો ! કીડો ....કીડો કીડો... તું..."
તેનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ ચાંઉ ચાંઉએ કૂદકો મારી બે હાથે તેનું ગળું પકડ્યું. ડાબા હાથે તેની કમરમાંથી છરો કાઢી અને જોરથી મયંકની છાતીમાં ભોંકી દીધો.

હવે આગળ....

આ તરફ ...

ઇન્સ્પેક્ટર પવનસિંહ અને તેના સાથીઓ ઘણીવાર સુધી સ્તબ્ધ બની વિચારતા રહ્યાં .પરંતુ સાહેબ ના અહીં હોવાના બીજા કોઈ જ પુરાવા મળ્યા નહીં.
એ દરમિયાન અચાનક જ મકાનના ફાટક પાસે કાર સ્ટાર્ટ થવાનો અવાજ થયો .પ્રશાંત અને પોલીસના માણસો દોડીને ત્યાં ગયા પરંતુ એ પહોંચી શક્યા નહીં ને તેની નજર સામે જ એક નાની કાર એકદમ પૂરપાટ સ્પીડથી મકાનની બહાર ચાલી ગઈ .
તેમાં કોણ ગયું ?
પ્રશાંત ને તો શંકા પડી કે કદાચ દિવાકરને આ બદમાશો કોઈ બીજા સ્થળે ઉઠાવીને લઈ ગયા. કદાચ શું નક્કી એમ જ બન્યું હોવું જોઈએ ! દિવાકરની સાથે પહેલી યુવતી પણ હોવી જોઈએ.
તે પોલીસની આ બેદરકારી જોઈ અધીરો બની ગયો. તેણે તિક્ષ્ણ અવાજે પવન સિંહને કહ્યું : "અહીં આવ્યા ત્યાર થી 'સાહેબ આવ્યા છે.' 'સાહેબ આવ્યા છે' કરી એમ હાથ પર હાથ રાખીને ઊભા છો. ક્યાં છે તમારા સાહેબ !? જો એ આવ્યા હોય તો કેમ દેખાતા નથી?સામે કેમ આવતા નથી ?"
તેના શબ્દો પુરા થયા ત્યાં તો એનો જવાબ જાણે સશરીરે હાજર થયો ન હોય તેમ એ ઘોર અંધકાર માંથી એક કદાવર બાંધાની આકૃતિ તેમની સમક્ષ હાજર થઈ.
એ મૂર્તિમંત આકૃતિ કોઈ સૌમ્ય ,કદાવર કોઈ ગૃહસ્થની હતી. તેની આંખો અને મુખ પર શાંત પ્રકાશ ઝળહળી રહ્યો હતો તેમની પ્રતિભા અને કુલીનતાની છાપ એમના ચહેરા પર સ્પષ્ટ જણાતી હતી.એનુ પ્રભાવી વ્યક્તિત્વ એના અંગે અંગમાંથી ટપકી રહ્યું હતું. કોઈક ભારે પદાર્થ તેઓ તેના ડાબા હાથે ઘસડીને લાવતા હતા.

તેણે પાસે આવીને કહ્યું : "પવનસિંહ ! તમે છો કે?"
પવનસિંહે વિનયથી કહ્યું : "જી સાહેબ ! હું જ છું ."

સહેજ કંટાળાજનક અવાજે તેણે કહ્યું : "પવનસિંહ, તમે તો જરાક બુદ્ધિ દોડાવી એકાદ માણસને ફાટક પાસે ગોઠવ્યો હોત તો તેઓ દિવાકરને લઈને આમ ભાગી શકત નહીં."
પ્રશાંત તરત જ ઉશ્કેરાયેલા રહેલા અવાજે બોલ્યો : "કેવળ દિવાકર જ નહીં પણ જે યુવતી ને બચાવવા તે અહીં આવ્યો હતો તેને પણ એ લોકો ઉપાડી ગયા છે. દિવાકર એક પ્રાઈવેટ ડિટેક્ટિવ છે અને મારો ખાસ ફ્રેન્ડ છે. મારું નામ પ્રશાંત છે આપ કોણ છો તે હું જાણતો નથી પરંતુ આટલું તો સ્પષ્ટ જણાવું છું કે પોલીસના માણસો તદ્દન નકામા છે !"

સાહેબ હસતા હસતા બોલ્યા : " મિસ્ટર પ્રશાંત તમે જે સાહસ બતાવ્યું છે તે પરથી તમે નક્કી આવા શબ્દો બોલી શકો છો પરંતુ તમે નકામા તેમના પર ગુસ્સે થતા નહીં. અમે પણ તમારી માફક દિવાકરની મદદે જ આવ્યા છીએ !"

"ત્યારે શું આ પોલીસ અધિકારી છો ?"

"કદાચ એમ હોય! મારું નામ મિસ્ટર રાજશેખર !"

તે ક્ષણે વીજળીનો કડાકો થયો હોત તો પણ પ્રશાંત એટલો ન ચમકત તેટલો તે આ શબ્દો સાંભળી ચમક્યો. પ્રખ્યાત પોલીસ અધિકારી મિસ્ટર રાજશેખર સાહેબનું નામ તેણે દિવાકરના મોઢે ઘણીવાર સાંભળ્યું હતું તેમના પ્રત્યે અહોભાવ ની લાગણી પ્રશાંત અગાઉથી જ સંઘરી બેઠો હતો એ જ મિસ્ટર રાજશેખર આજે તેમની સમક્ષ સાક્ષાત ઉભા છે !

પ્રશાંત એ તરત જ તેને સલામ કરી કહ્યું કે : "મારી ઉદ્ધતાઈ કે નાને મોઢે મોટા બોલ બોલવાનો અવિવેક માફ કરજો. મને આશા નહોતી કે આવા વખતે ,આ સ્થળે,આવી રીતે આપના દર્શન થશે !"
રાજશેખર સાહેબ બોલ્યા : " એ અંગ્રેજી વાક્ય તો યાદ છે ને, કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી અસંખ્ય ઘટનાઓ આ જગતમાં બન્યા જ કરે છે. તો પછી આ વસ્તુમાં તમે નવાઈ શાની લાગે છે ! હું તો ફોરેન હતો, પરંતુ મને કેટલીક એવી બાતમી મળી કે મારે પાછા ફરવું પડ્યું. આ રીતે હું અહીં પાછો ફરીશ એ વાતની કલ્પના કદાચ બદમાશો ના ખ્યાલમાં પણ નહીં હોય. ખરેખર, પરંતુ હવે મને લાગે છે કે મારું પાછું આવવું નિષ્ફળ જવાનું નથી. તમે બધા હવે અહીં જ ઉભા ન રહેતા મકાનમાં આવો. જરૂરી વાતચીત કરવાની છે ; અને શ્રીવાસ્તવ ,તું આ ચીની જનાવરને કબજે રાખ "

તેને પાછળથી હાથમાં હથકડી ને કમરે દોરડું બાંધેલા ચાંઉ ચાંઉને આગળ ઢસડી શ્રીવાસ્તવના હાથમાં સોંપ્યો. બધા આ ભેદી મકાન તરફ આગળ વધ્યા.

બધાની પાછળ અનિચ્છાપૂર્વક પ્રશાંત પણ મકાનમાં દાખલ થયો. તેમની તો એવી ઈચ્છા હતી કે હવે તે અહીંથી છૂટી બહાર જઈ દિવાકર ની શોધ કરવી. જેને ખાતર તે અહીં આવ્યો હતો. તેને છોડી દ તે શું પોલીસ તપાસણીના કામમાં જોડાશે ? પોલીસ દિવાકરની તપાસ ન કરે ને બીજી તપાસ ચાલુ રાખે એ તેને જરીક પણ ન ગમ્યું.
પરંતુ કરવું શું ?બદમાશો તો દિવાકરને કારમાં નાખી કોણ જાણે ક્યાં લઈ ગયા હશે ? તેની શોધ ક્યાં કરવી?

તેના અંતરનો બધો જ ગુસ્સો પેલા પીળા જનાવર ચાંઉ ચાંઉ ઉપર જઈ પડ્યો . શ્રીવાસ્તવ જેવો જ એને રૂમમાં લીધો કે તરત જ તે ઊંચા અવાજે બોલી ઉઠ્યો : "દિવાકરને એ લોકો ક્યાં લઈ ગયા છે તે વાત આ બદમાશ નક્કી જાણે જ છે ! એની પાસેથી બધી બાતમી આપણે મેળવવી જોઈએ."
મિસ્ટર રાજશેખર સાહેબે કહ્યું : "ઘણા ઘણા પ્રયત્નો તો કરી જોયા પરંતુ એ ચીના એ હજુ મોઢું ખોલ્યું નથી. તમે એકવાર ફરી પ્રયત્ન કરી જુઓ. નહીંતર પછી આપણો ઉપચાર શરૂ કરવો પડશે."

બધા ચાંઉ ચાંઉ પાસેથી બાતમી મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ ધાંધલ ચાલતી હતી ત્યાં જ મોકો જોઈ પ્રશાંત તે રૂમમાંથી અદ્રશ્ય થઈ ગયો .એ લોકો ભલે ચાંઉ ચાંઉ ને મનાવવાનો પ્રયત્ન કરે, પરંતુ તે દરમિયાન મારે દિવાકરની તપાસ કરવી જોઈએ એવો તેમને નિશ્ચય કર્યો હતો.
મકાનની પાછળ તપાસ કરતા એક નાનો દરવાજો પ્રશાંતની નજરે પડ્યો. એ બારણુ એટલે એક નાનું બાકોરું માત્ર જ હતું . જેમાં થી બહારની બાજુ કદાચ રસ્તો જતો હતો. થોડીવાર રાહ જોયા બાદ પ્રશાંત એ બાકોરાં થઈ અંદર ગયો . તેનું શરીર જવાબ આપી રહ્યું હતું અસહ્ય થાક વર્તાતો હતો. અણધારી આફત ને કંટાળાથી આખું શરીર ઝણઝણતું હતું .અંદર પ્રવેશ કરી જોયું તો સામે જ એક ખખડધજ લોખંડની સાંકડી ગોળાકાર સીડી ઉપર તરફ જતી દેખાય એ સીડી દ્વારા ઉપર જવા માટે તે સાવચેતીથી પગથિયાં ચડવા લાગ્યો.
પરંતુ સાવચેતી છતાં તેનો પગ લથડ્યો ,અને એક ક્ષણમાં તે નીચે પડ્યો. લોખંડની રેલિંગ તેના માથા પર લાગવાથી તેની આંખે અંધારા આવવા લાગ્યા‌
એ દરમિયાન ઉપરથી કોઈ નીચે આવતું હોય એવો અવાજ સંભળાયો. એક કરતાં વધારે માણસોનો પગરવ સાંભળતા તે એકદમ ઊઠી, ઉભો થઈ, અંધારામાં જઈ છુપાય ગયો.
થોડીવાર પછી એક બુરખાવાળો કાળા કપડાં પહેરેલો માણસ નીચે ઉતર્યો ;તેના હાથમાં પિસ્તોલ હતી તેની પાછળ જે ઊતરતો હતો તેણે ડ્રાઇવરનો યુનિફોર્મ પહેર્યો હતો .તેણે પોતાના બંને હાથમાં એક બેભાન છોકરી ઉપાડેલી હતી. એ છોકરી તે સોનાક્ષી હતી !
દેખાવ જોઈ પ્રશાંત ચમક્યો. નક્કી આ તે જ છોકરી છે કે જેના રક્ષણ માટે દિવાકરે બીડું ઝડપ્યું હતું .આ બદમાશ તેને ક્યાં લઈ જાય છે ?તેના ઉપર કૂદી પડી છોકરીને કબજે કરવાનું પ્રશાંતને પણ ઘણું મન થયું પરંતુ અત્યારે તે અશક્ત હતો. તેના હાથ પગમાં તાકાતનું નામ નહોતું ! તે ના છૂટકે મૂંગે મોઢે તે બધું જ અનિમેષ બસ નિહાળવા લાગ્યો.
શું પ્રશાંત એ છોકરીને બચાવવા આગળ આવશે?
શું એ લોકો છુપાયેલા પ્રશાંતને જોઈ જશે?
શું થશે આગળ એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ....