Kalmsh - 13 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 13

શનિવારનો દિવસ હતો. ન્યુયોર્કની ભીડમાં ધમધમતાં રસ્તાઓ શાંત અજગરની જેમ પડ્યા હતા. એક તો વિક એન્ડ અને બાકી હોય તેમ ચાર દિવસ ભારે હિમવર્ષા થવાની આગાહી. વાતાવરણમાં ખાસ કોઈ ચહેલપહેલ નહોતી. ઇરાએ બારી બહાર નજર નાખી. તૂટીને હિમવર્ષા થઇ રહી હતી, જાણે આગાહીને શબ્દશ: સાચી ઠેરવવી હોય તેમ.

નાનાં , આરામદાયક અપાર્ટમેન્ટમાં ફાયર પ્લેસની જલતી જ્વાળાની હૂંફમાં કોફીના ઘૂંટ ભરી રહેલી ઇરાનું મન ભારે વ્યાકુળ હતું . વ્યાકુળતાનું કારણ હતી તેના ખોળામાં પડેલી કલર્સ ઓફ લાઈફ. વિવાનની ઓટોબાયોગ્રાફી.

થોડા દિવસ પૂર્વે વિવાનની ઑટો બાયોગ્રાફીના ન્યુઝ ઇન્ડિયન ચેનલ અને ઇન્ડિયન પેપર્સમાં વાંચ્યા હતા. એ પછી ન્યુયોર્ક ટાઇમ્સએ પણ સન્ડે સપ્લીમેન્ટમાં કલર્સ ઓફ લાઈફના રિવ્યુને સ્થાન આપ્યું હતું.
વિવાન હવે ઇન્ટરનેશનલ ક્લાસનો લેખક બની ચૂક્યો હતો. તેના આવતા દરેકે દરેક નવા પુસ્તક વિષે ઇરા ખબર જ રાખતી એમ નહીં, એ પુસ્તક ખરીદી અક્ષરોક્ષર વાંચી જતી.
દરેક પુસ્તક ઈરાને માટે એક સંતોષ અને ગર્વની લાગણી લઈને આવતું.
પોતે વિવાનને આ સ્થાને જ તો જોવા માંગતી હતી ને .

પણ, આ વખતે પ્રગટ થયેલા કલર્સ ઓફ લાઈફ પુસ્તકે એના મનમાં ઉદ્વેગ ભરી દીધો હતો. મા હંમેશા વિવાનને શકની લાગણીથી જોયા કરતી હતી પણ મામાનો અભિપ્રાય કેટલો ઊંચો હતો વિવાન માટે. અને પોતે?
પોતે વિવાનને કેટલો સજ્જન માન્યો હતો,અને પોતે એના મને શું હતી ? એક પાત્ર ? જિંદગીમાં એક નગણ્ય કહી શકાય એવો માઈલસ્ટોન?

ના, એ શક્ય નથી. મનના ઊંડાણમાંથી એક અવાજ ઉઠ્યો.

કેમ ? કેમ એ શક્ય નથી ? જો એમ ન હોત તો શું પોતાની પરવાનગી વિના સાચા નામ સાથે આમ કોઈ જાહેરમાં વાત પ્રગટ કરી દે ? બસ આ વાત પર ઈરાના ઉશ્કેરાટનો પાર નહોતો.

વિવાનને એક સજ્જન માન્યો હતો. માન્યું કે પોતે એના પર વારી ગઈ હતી અને વિવાન પણ નખશિખ જેન્ટલમેન હોય તેમ એણે ક્યારેય આગળ વધવાની કોશિશ કરી નહોતી. એ ધારતે તો ઘણું બધું કરી શક્યો હોતે ને પોતે માની મરજીની પરવા કર્યા વિના એની પાછળ દોરવાતે પણ ખરી.
પણ, વિવાને ક્યારેય કોઈ મર્યાદા ઓળંગવી જરૂરી માની નહોતી. બલ્કે વિવાનને તો એ લાગણીને પિછાણવી જ ન હોય તેમ નિસ્પૃહ રહ્યો હતો ને..
કદાચ પોતે વિવાન પાછળ દિવાની થઇ હતી. હવે લાગે છે કે વિવાનને આ સંબંધ આવકાર્ય જ નહોતો.

શું વિવાનને ખરેખર કોઈ લાગણી નહીં થઇ હોય ? આ પ્રશ્ન તો ઈરાને અમેરિકા ભણવા આવી હતી ત્યારથી થતો હતો. જયારે પોતે અમેરિકા ભણવા જાય છે તેમ કહ્યું હતું ત્યારે પણ ધાર્યું હતું કે વિવાન કોઈક તો અણસાર આપશે પણ. નહીં, પોતાનું મન આપે તો એનું નામ વિવાન નહીં. એણે તો મૂંગે મોઢે સાંભળ્યા કર્યું હતું અને બાકી હોય તેમ શુભકામના પણ આપી હતી. એનો અર્થ એ જ થયો કે વિવાનને તો પોતાના માટે કોઈ લાગણી જ નહોતી.

તો એ જ વિવાન પોતાના પુસ્તકમાં મારા તરફની લાગણી કઈ રીતે દર્શાવી શકે ?
અને તે પણ આમ ? આમ છડેચોક જાહેરમાં પોતાના નામ ઓળખ સાથે લખી શકે?

ઇરા વધુ વિચારતી રહી તેમ એને વિવાન પર રોષ ચઢતો રહ્યો.
આ વાત તો વિવાન સાથે કરવી જ રહી.

'ઇરા , હજી જાગે છે ? કોફી જોઈએ છે ? હું મારી બનાવી રહી છું..' પાછળથી થયેલા પ્રશ્ને ઈરાને ખલેલ પાડી.

'ના, નીના , થેન્ક્સ , પણ તું શું કરે છે ? હજી જાગે છે ? ઇરાએ પોતાની પાર્ટનર નીનાને પૂછ્યું.

'કેમ મન્ડે પર આપણે પીસીએસને એક ક્વોટ આપવો પડશે ને , હું એની પર કામ કરી રહી છું. આજે રાત્રે આખી રાત બેસવું પડે તો પણ એ પૂરું કરીને જ રહીશ. એક વાર હું બનાવી લઉં પછી તું પણ જોઈ લે , પણ તું કેમ જાગે છે? શું વિચારી રહી છે ?

'નીના , હું કંઈ નથી વિચારી રહી. બુક વાંચતી હતી ' ઇરાએ સ્વાભાવિકતાથી કહ્યું.

'બુક વાંચી રહી છે કે વાંચીને વિચારી રહી છે ?'નીના કોફી પાઉડર સ્ટર કરતા બોલી.

ઇરાએ એ વાતનો જવાબ ન આપવો હોય તેમ વાત ઉડાવવા બે હાથ ઊંચા કરી આળસ મરડી. ગની બેગમાં કલાકો સુધી બેસી રહેવાથી અકડાઇ ગયેલા પગ સ્ટ્રેચ કર્યા.

ના પાડી હતી તો પણ નીનાએ ઇરા માટે કોફી બનાવી લાવી હતી. એ કોફી ભરેલો મગ ઈરાના હાથમાં થમાવી ફરી સ્ટડીરૂમમાં ઘૂસી ગઈ.
ઇરાએ ગરમગરમ કોફીની ચૂસ્કી લીધી ને મગજ ફ્રેશ થઇ ગયું. નીના હતી ઈરાની પાર્ટનર. છેલ્લાં બે વર્ષથી બંને માત્ર બિઝનેસ પાર્ટનર જ નહીં પણ એકોમોડેશન પાર્ટનર પણ હતા.

ઇરાને યુ એસ આવ્યે સાત વર્ષ થઇ ચુક્યા હતા. પહેલા ત્રણ વર્ષ તો ભણવામાં ગયા. બીજા બે વર્ષ ઇન્ટર્નશિપરૂપે નોકરીમાં ગયા. આ વર્ષો દરમિયાન ઇરા ભૂલી ગઈ હતી પોતાની જાતને , માને અને વિવાનને. ભૂલી ગઈ કારણકે બધું ભૂલી જવું હતું, કામમાં એટલું ડૂબી જવું હતું કે કશું યાદ જ ન આવે.

શરૂઆતમાં તો મા રહેવા આવતી પણ ચાર સ્ટુડન્ટ સાથે શેર થતા રૂમમાં માને ફાવતું નહીં. આમ પણ માને અમેરિકા રાશ આવતું નહીં. પછી તો વચ્ચે વચ્ચે મા ફોન કરતી એટલું જ.
માએ પૂનાનું ઘર છોડી મથુરામાં આવેલા એક આશ્રમના કોમ્પ્લેક્સમાં ઘર માંડી દીધું હતું. કદાચ એને ખાતરી થઇ ગઈ હતી કે ઇરા ક્યારેય ઇન્ડિયા પાછી આવવાની નથી, ને પોતે ક્યારેય અમેરિકા વસી શકવાની નથી.

વિવાન તો સાવ ભૂલી જ ગયો હતો. પહેલાં ક્યારેક ક્યારેક ઈમેલ આવતાં , ધીરે ધીરે એ એક વ્યવહાર બની ગયા હોય તેમ ટૂંકાને ટૂંકા થતાં ચાલ્યા.
ઇરા પાસે પણ ક્યાં સમય હતો?
પહેલા તો ભણવામાં સમય ગયો અને પછી નોકરીમાં.

નેટવર્ક સિક્યોરિટીનો બેઝિક કોર્સ કર્યા પછી નસીબજોગે એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. નવા નિશાળિયા તરીકે ઇરાએ આંખ કાન ખુલ્લા રાખીને જે મળ્યું ગ્રહણ કરવા માંડ્યું હતું.
હવે જિંદગીમાં એક ઉદ્દેશ સાફ હતો: ઇન્ડિયા પાછા ન ફરવાનો...
વિવાન હવે જિંદગીનું એક ભુલાઈ ગયેલું પાનું બની રહ્યો હતો. ઈરાને વિશ્વાસ થતો ચાલ્યો હતો કે વિવાનને ખરેખર તેનામાં ક્યારેય રસ હતો જ નહી.
પોતાની કાચી વય કહો કે નાદાનિયત કે એ ધારી બેઠી કે વિવાન પણ તેને ચાહે છે.

ઇરાએ ઉભા થઈને થોડાં આંટા માર્યા. કલાકથી એકસરખી પોઝિશનમાં બેસી રહેવાથી જકડાઈ ગયેલા શરીરને જરા સારું લાગ્યું.
એને ઠરી રહેલી કોફીનો એક ઘૂંટ લીધો.
નીના કોફી અવ્વલ બનાવતી. એની રસોઈની જેમ જ.
ઇરાના ચહેરા પર થોડી મુસ્કાન આવી ગઈ. કદાચ મા હવે ન્યુ યોર્ક આવે તો એ પણ આંગળા ચાટતાં રહી જાય એવી રસોઈ નીના બનાવતી હતી.
આંટા મારવાની સાથે ઈરાનું મન પહોંચી ગયું બે વર્ષ પૂર્વે થયેલી નીના સાથેની ઓળખાણમાં.

ઈન્ડિયાથી આવી ત્યારે પહેલા તો યુનિવર્સિટીના કેમ્પસમાં જ રહેવાની સગવડ કરી હતી. પણ, જોગાનુજોગે પહેલે જ મહિને કોલેજમાં ઈન્ડિયાથી આવેલી ત્રણ છોકરીઓ મળી ગઈ હતી.

નીના હતી મુંબઈથી , તાન્યા હતી બેંગ્લોરથી અને બરખા દિલ્હીથી. જોવાની ખૂબી તો એ હતી કે એ લોકો પણ નેટવર્ક સિક્યોરિટીનો કોર્સ કરવા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.
એક મહિનામાં જ એ ત્રણ સારી દોસ્ત બની ગઈ હતી. ખબર પડી કે એ લોકો પણ અકોમોડેશન શોધે છે એટલે ઇરાએ પણ સાથે જોડાઈ જવાનું નક્કી કર્યું હતું.

એ માટે મા સાથે પૂના વાત કર્યા પછી નિર્ણય લીધો હતો. એ ત્રણ વર્ષ તો પછી ક્યારે વીત્યા ખબર જ ન પડી. ચારે સખીઓ એકમેકને માટે સર્જાઈ હોય તેવા સખીપણાં બંધાઈ ગયા હતા.

એ વર્ષો તો પાણીની જેમ વહી ગયા. કદાચ નીના , તાન્યા ને બરખાને કારણે જ વિવાનની યાદ ઝાંખી થતી ગઈ હતી. છતાં કોઈક ભીની સાંજે વિવાન યાદ આવી જતો. કહેવાય છે પહેલો પ્રેમ ક્યારેય વિસરાતો નથી. એવું જ કશુંક ઇરા સાથે થઇ રહ્યું હતું. એ પછી એક દિવસ આવી ગયો જયારે ચાર રૂમ પાર્ટનરે છૂટાં પાડવાનું હતું.

બરખા દિલ્હીના ચુસ્ત પંજાબી કુટુંબમાંથી આવતી હતી. એ ભણતી હતી તે દરમિયાન જ તેના માબાપે અમેરિકાવાસી મૂરતિયો શોધી કાઢ્યો હતો એટલે એ તો પરણીને ત્યાં જ સેટલ થઇ રહી હતી. તાન્યા તો પાછી બેંગ્લોર જઈ રહી હતી. એના પિતા ઇચ્છતા હતા કે ઇન્ડિયા આવીને કોઈક સ્ટાર્ટઅપ વિષે વિચારે. બાકી રહી નીના અને ઇરા.
નીના એકદમ મધ્યમવર્ગમાંથી આવતી હતી. પિતા કોઈ બેંકમાં ક્લર્ક હતા. મા પ્રાઈમરી શાળાની ટીચર. મધ્યમવર્ગીય આ કુટુંબે સપનાં ખૂબ મોટા જોયા હતા. જેમાં સૌથી મોટું સપનું હતું નીનાનું અમેરિકા જઈને ભણવું. જે માટે એના પિતાએ મોટી લોન લીધી હતી.

નીના પાસે એક જ ઉપાય હતો યેનકેન પ્રકારે નોકરી મેળવી અમેરિકામાં સ્થાયી થવાની કોશિશ કરવી. સારી નોકરી મળે ને થોડાં પૈસા બચાવાય તો ઘરે મોકલી શકાય અને લોન ચુકવવામાં પિતાને મદદ કરી શકાય. એટલે સવાર પડે એ નોકરીની શોધમાં જાહેરખબરો જોતી રહેતી.

ઇરાને ઇન્ડિયા ઉડીને જવાની પ્રબળ ઈચ્છા તો થઇ આવતી. પણ , ઇન્ડિયામાં ક્યાં કોઈ ભવિષ્ય હતું એને માટે?
મા તો મથુરામાં સ્થાયી થઇ હતી અને પૂનામાં પોતાની કારકિર્દી માટે જોઈએ એવો અવકાશ નહોતો. નીનાને જોઈને જ વિચાર આવ્યો હતો યુએસમાં જ સેટલ થવાનો. આમ પણ ઇન્ડિયામાં કોણ રાહ જોવા બેઠું હતું ?

અને એક દિવસ કુદરતી રીતે બંને છોકરીઓના નસીબ જોર કરતા હશે કે બંને ને એકસાથે એક નેટવર્ક સિક્યોરિટી કંપનીમાં જ જોબ મળી ગઈ હતી.

મધ્યમ કદની એ કંપનીમાં માંડ દસ કર્મચારી કામ કરતા હતા. પણ, એનો કર્તાહર્તા એવો ઇન્ડિયન માલિક આલોક ગુપ્તા પાકો મારવાડી હતો.
શરૂઆત તો ઠીકઠાક કહી શકાય તેવા પગારે કરવી પડી હતી પણ નહિવત સમયમાં બંને છોકરીઓએ પોતાના કૌશલ્યનો કરતબ દેખાડી દીધો હતો.
છ જ મહિનામાં કંપની ડાયનેમિક પોઝિશનમાં આવી ચૂકી હતી.

ઓફિસ હતી ન્યુ યોર્કમાં અને કોલેજ સમયે લીધેલું અકોમોડેશન ન્યુ જર્સીમાં, વળી તાન્યા ને બરખાની વિદાયથી ભાડાની રકમ પણ વધી ગઈ હતી. એટલે નિર્ણય લેવાયો કે ન્યુ યોર્કમાં જ સસ્તાં વિસ્તારમાં અપાર્ટમેન્ટ ભાડે કેમ ન લેવું ?
બસ, પછી પૂછવાનું શું હતું ?

સોમથી શુક્ર બંને સહેલીઓ તોડી નાખે તેવી મહેનત કરતી અને શનિ રવિ પોતાના શોખ પૂરા કરતી.

દિવસો વીતતા જતા હતા એમ બંને સખીઓનો આત્મવિશ્વાસ વધતો જતો હતો.
ઈરાને તો ઘરે નાણાં મોકલવાની જવાબદારી નહોતી પણ નીના એક આદર્શ દીકરી હતી. એ આવકનો મોટાભાગનો હિસ્સો પોતાના માબાપને મોકલી દેતી. કરકસરથી રહેતી અને છતાં એના ચહેરા પર ન ક્યારે રંજ ઝળકતો ન કોઈ ઉદાસી.

'ઇરા, શું વિચાર્યા કરે છે ? ' ઈરાની વિચારયાત્રામાં ખલેલ પાડી નીનાએ.
'બસ, એમ જ , કંઈ નહીં' ઇરાએ કાઉચ પર લંબાવ્યું.
'ના , કઈંક વાત તો છે. મેં તને ક્યારેય આ સ્ટેટ ઓફ માઈન્ડમાં જોઈ નથી.'
'ના હવે , જસ્ટ જૂની વાતો યાદ કરતી હતી. આપણી જોબના દિવસો .... ' ઇરાએ ખભા ઉલાળી વાત બદલવાનો પ્રયાસ કર્યો.

'હા, એ વાત તો સાચી પણ તને લાગે છે કે એ જોબ છોડીને આપણે ભૂલ કરી ?' નીના પાસે આવીને બેસી ગઈ.

'એ ભૂલ તો નહોતી જ ને , એ મારવાડીનો બચ્ચો આપણે લીધે આટલું કામકાજ વધારી શક્યો છતાં આપણી કોઈ કદર જ ન કરી તો પછી શું? વહેલો કે મોડો એ નિર્ણય લેવો જ પડતે ને'

'હા, પણ મારે લીધે તારે પણ એ નિર્ણય લેવો પડ્યો. મારા જેવી જરૂર તારે તો નહોતી ને !!' નીના જરા નિશ્વાસ નાખીને બોલી ; અને પછી થયું શું ? આજે જે ઇનસિક્યોરિટી જોવી પડે છે એ જોબના સમયે તો નહોતી ને ..'

ઇરા સમજી રહી હતી. નીનાનો ઈશારો અનિયમિત આવક સામે હતો.

થયું હતું એમ કે બે વર્ષ પછી પણ સેલેરીમાં કોઈ વધારો નહોતો થયો કે ન કોઈ આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું.
એ સમયે નીનાને ભારે સમસ્યાઓ આવી ગઈ હતી. એની મધરને એપેન્ડિક્સનું ઓપરેશન આવી પડ્યું હતું ને ફાધરને ચિંતાથી હાઈ બ્લડ પ્રેશર.
એ વખતે લાગ્યું હતું કે જે કામ તેઓ કંપની માટે કરે છે તેવું કામ પોતે જ ફ્રીલાન્સીંગ કરીને કરે તો ચારગણું તો સહેજે કમાઈ લે.

બસ, એ દિવસે નોકરીને અલવિદા કહીને બંને એ પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
તેમનું કામ હતું કન્સલ્ટિંગનું. ફ્રી લાન્સ ધોરણે કન્સલ્ટન્ટ બનવાનું કામ અઘરું હતું પણ એમાં એક અનીતિનું કામ નીનાએ સૂચવ્યું હતું.
ગુપ્તાની કંપનીના જ ક્લાયન્ટને તોડ્યા હતા. નાની પ્રાઇવેટ કંપનીઓ, ઈ કોમ કંપનીઓ દ્વારા નહિવત સમયમાં સારું કામ મળતું થઇ ગયું હતું પણ ક્યારેક કોઈકવાર થોડું ઓછું કામ પણ રહેતું ત્યારે નીના નાસીપાસ થઇ જતી.

'નીના, આપણે જે પણ કરીયે છીએ એમાં આગળ જ રહ્યા છીએને , હા, કોઈકવાર કોઈ ફેઝ મંદ હોય પણ ગુપ્તાની કંપની કરતા તો બહેતર જ છીએ ને !!' ઇરા નીનાને સાંત્વન આપતાં બોલી.

'તો પછી તું આટલી ચિંતામાં કેમ છે ? 'નીનાએ ઈરાના ખભે હાથ મૂક્યો.

'ઓહો નીના . મને બિઝનેસની કોઈ ચિંતા નથી , મારા ધ્યાનમાં હજી એક ઇન્શ્યોરન્સ કંપની ને ત્રણ પ્રાઇવેટ સોફ્ટવેર કંપની છે. તું એ ચિંતા તો જવા જ દે. હું આજે કોઈક બીજા જ કારણથી અપસેટ છું. '
ઈરાને કહેવું તો નહોતું પણ ન છૂટકે કહેવું પડ્યું.

'ઇરા , વૉટ્સ ધ મેટર ? એવું શું છે કે તું આજે આટલી ગૂંચવાઈ રહી છે ને હું જાણતી નથી? આવું તો કદાચ સૌ પ્રથમવાર બની રહ્યું છે. નીનાના ચહેરો ગંભીર થઇ ગયો.

'નીના , હું કહીશ સમય આવવા પર. અત્યારે તો મને લાગે છે કે મારે ઇન્ડિયા જવું પડશે ...' ઇરાએ વાત ટૂંકાવવી હોય તેમ એ ઉભી થઇ ગઈ. ' લેટ્સ કોલ ઈટ અ ડે .....ગુડ નાઈટ ..'
નીના જઈ રહેલી ઈરાની પીઠ તાકતી રહી ગઈ. એને ઈરાનું આ સ્વરૂપ પહેલા ક્યારેય જોયું નહોતું.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED