Mischief books and stories free download online pdf in Gujarati

ટીળખ

"ચરર ચરર મારું ચકડોળ ચાલે... ચકકડ ધૂમ ચક્કડ ધૂમ તાલે.. આજે રોકડાને ઉધાર કાલે..."

મારી સેટ કરેલી આ રિંગટોન વાગતી, ડિસ્પ્લે પર કોઈક અજાણ્યો નંબર જોઈ હું ફોન ઉપાડતો અને સામે છેડેથી રોકડાની ઓફર થતી.

"ગુજરાતની રાજધાનીનું નામ શું છે? અમદાવાદ માટે એક દબાવો, રાજકોટ માટે બે દબાવો, ગાંધીનગર માટે ત્રણ દબાવો અને સુરત માટે ચાર દબાવો. સાચો જવાબ આપો અને જીતો રૂપિયા દસ લાખ સુધીના રોકડ ઇનામો સાથે અનેક ગિફ્ટ વાઉચરનો ખજાનો."

કોઈકના હાથમાં કુબેર ખજાનો લાગી ગયો હશે અને કાળાના ધોળા નહી થતાં હોય તે હવે લૂંટાવી દેવાનું વિચારી હાટડી માંડીને બેઠો હશે એવા વિચારે એક બે વાર ટ્રાય પણ મારી જોઈ પણ એ બંને વખતે પાંચ પાંચના ગુણાંકમાં પચ્ચીસ ત્રીસનો તોડ થઈ ગયો અને ફોનમાંથી આવતો એ કોઈક સોહામણી સન્નારીનો મધુરવ અચાનક જ શાંત પડી ગયો. લોભિયાનો માલ ધુતારા ખાય એ ઉકિતનું સ્મરણ થયું અને હું છોભીલો પડી ગયો.

જતે દિવસે તો મારી પજવણી ઓર વધી, અજાણ્યા લાગતા જુદા જુદા નંબર પરથી કોલ આવે, રીંગ વાગે, ચકડોળ ચાલે ને મગજનો પારો ઉછાળે. હદ તો ત્યારે થઈ જ્યારે ઘરેથી શ્રીમતીજીને જરૂર જણાય તો જ ફોન કરજે એવું કહીને નીકળ્યા બાદ ઓફિસની અગત્યની મીટીંગમાં બેઠો હતો ત્યાં ચકડોળ ચાલુ થઈ. મને લાગ્યું ઘરે કંઇક અગત્યનું કામ હશે, ઉતાવળે ફોન ખિસ્સામાંથી કાઢવા જતાં કાગને બેસવું અને ડાળનું પડવું ઉકિતએ પણ પોતાની સાર્થકતા સાબિત કરી અને સ્વતઃ ઉચ્ચધ્વનિ પર મુકાયેલું એ મૂર્ખ યંત્ર મોટા અવાજે બોલી ઊઠ્યું;

"ક્રિકેટ ક્ષેત્રમાં કોણ એક ખેલાડી છે? અમિતાભ..."

મે ઉતાવળે ફોન કાપ્યો ત્યારે અધિકારી સાહેબ રક્તાક્ષે મારા તરફ જોઈ રહ્યા હતા.

શર્મસાર એવા મે નતમસ્તકે સોરી સર એવા ટૂંકા શબ્દો સાથે અણધારી આપતીનું નિવારણ કર્યું.

પણ, હદ વટી તો ત્યારે ગઈ જ્યારે એક દિવસ રાત્રે પોણા ત્રણે ચકડોળ અચાનક ફરવા લાગી. હું અને શ્રીમતીજી બન્ને પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા, નિંદ્રા સાથેના અનેક વિચારોના વમળોમાં ઘેરાયેલા મે, લગભગ દોડીને ટેબલ પર ચાર્જિંગ મા રાખેલો ફોન ઉપાડ્યો ત્યારે ફરી ચાલુ થયું;

"હવાઈ મુસાફરી માટેનું સાધન કયુ છે?"
ગિન્નાયેલા મે, તરત જ ફોન કાપી નાખ્યો પણ પથારીમાં બેઠેલા શ્રીમતીજીએ એ મધુર અવાજ સાંભળ્યો અને મારી સામે શંકાશીલ દૃષ્ટિ કરી પૂછ્યું;

"કોણ હતી એ હરામખોર અત્યારે?"

વેધક એવા એ પ્રશ્ને મારું વિચ્છેદ કરી નાખ્યું. તૂટેલા ભાંગેલા જેવું અનુભવતા મે પ્રત્યુતર આપ્યો. એ તો કંપની વાળા પાછળ પડી ગયા છે.

"જ્યાં ત્યાં મોઢા મારીએ અને જેને તેને મોઢા દેતા ફરીએ તો લાગી જાય વાંહે."

"અરે ફોન કંપની વાળા, સ્કીમ વાળા, ઈનામ જીતો વાળા શું તું પણ!"

"હા હા ખબર પડે છે મને બધી! અર્ધી રાતે એ બધાય સ્કીમ વાળા અને ઈનામ વાળા તમારા માટે નવરા જ હોય!"

બોલતાંની સાથે હુહ કરીને શ્રીમતીજી રજાઈ પર સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપીને પડખું ફરી સૂઈ ગયા. એ રાત્રે ઠંડી થોડી આકરી લાગી, પથારીમાં ટૂંટિયું વળી, ધ્રુજતા ધ્રુજતા જ વિચાર્યું. ધ્રુજુ છું એવો જ ધ્રુજવિશ, ભાંગી નાખીશ, ભુક્કા કાઢી નાખીશ. જીતો ઈનામ વાળીની તો હવે ઐસી કી તૈસી. પથારીમાં પડ્યા પડ્યા જ પ્લાન, સ્ક્રિપ્ટ ઘડી નાખ્યા અને સવારે થોડો વહેલો ઓફિસે જવા નીકળી ગયો.

એક સુમસાન રસ્તા પર બાઇક રોકી, કસ્ટમર કેરમાં ફોન લગાવ્યો. ફલાણા માટે હેશ દબાવો, ઢીંકણા માટે મંજીરા વગાડો જેવા અનેક નાના નાના ટાસ્ક, અનેકવાર કર્યાં પછી મુશ્કેલીથી ફોન લાગ્યો અને સામેથી અવાજ આવ્યો.

"નમસ્કાર હું કોડાફોન કસ્ટમર કેરમાંથી ચિરાગ આપની શું સહાયતા કરી શકું?"

"મારે તમારી સેલ્યુલર સેવા આપતી કંપની ઉપર દાવો કરવો છે. હું કોર્ટમાં જાવ એ પહેલાં મારે તમારી કંપનીને જાણ કરવી છે કે તમે મને કેટલું અને કેવી રીતે નુકશાન પહોંચાડ્યું છે. મને જણાવો હું મને થયેલા નુકશાનની વિગત કેવી રીતે અને કોની પાસે નોંધાવી શકું"
એકદમ ગુસ્સા સાથે મે જણાવ્યું અને ચિરાગ બિચારો ગભરાઈ ગયો.

"ઓકે સર લાઈન પર રહેજો હું તમારો કોલ અમારા પ્રતિનિધિ અધિકારીને કનેક્ટ કરી આપુ છું."
થોડીવાર સંગીતમય ટ્યુન વાગ્યા બાદ એક મધુર અવાજ આવ્યો.

"નમસ્કાર, હું કોડાફોન કંપનીમાંથી પ્રતિનિધિ કસ્ટમર કેર ઓફિસર અવંતિકા, આપની શું સહાયતા કરી શકું?"

"મારે તમારી કંપની પર મને થયેલ નુકશાન અને તેના વળતર બદલનો દાવો કરવો છે. આપ મને થયેલા નુકશાનની વિગત અને વળતર રકમની નોંધણી કરો."

"જી સર. શું તલકિફ થઈ આપને અમારા તરફથી પૂરી પાડવામાં આવતી સેવામાં કોઈ ક્ષતિ કે વિક્ષેપ?"

"શું તકલીફ થઈ શું? મારી બૈરી ભાગી ગઈ. મને છોડીને માવતરે જતી રહી."

"જી માફી ચાહું છું સર, એ તો તમારી વ્યક્તિગત તકલીફ છે એમાં અમારી કંપની દોષી ન હોય શકે."

"શું વ્યક્તિગત તકલીફ? અરે.. તમારી કંપનીને લીધે જ એ માવતરે ભાગી ગઈ."

"સોરી સર!.."

"શું સોરી? તમારી કંપનીના મન પડે ત્યારે ફોન આવ્યા કરે. જુદી જુદી સ્કીમ અને ખેલો ઈન્ડિયા જીતો ઈન્ડિયા.. એ પણ પાછા અજાણ્યા અજાણ્યા નંબર પરથી અને ટાણે કટાણે ગમે ત્યારે અર્ધી રાત્રે પણ તમારી કંપનીના ફોન આવે!"

"સર તમે ડુ નોટ ડિસ્ટર્બ સેવા ચાલુ કરી લેશો એટલે.."

"અરે તેલ લેવા ગઈ તમારી ડુ નોટ ડિસ્ટર્બ સેવા. કસ્ટમર હું છું. પૈસા હું ચૂકવું છું. તમારું કામ છે મને સારી સેવા આપવાનું. હું ડુ નોટ ડિસ્ટર્બ સેવા ચાલુ ન કરાવું તો તમારે મને મારું લગ્ન જીવન તૂટી ન જાય ત્યાં સુધી ડિસ્ટર્બ કરવાનો? આવી કેવી સેવા? કાલે રાત્રે તમારી કંપનીનો અર્ધી રાત્રે ફોન આવ્યો."

"સર એક સેકંડ લાઈન પર રહેજો હું ચેક કરી લઉં છું."

થોડીવારે ફરી આવીને કહ્યું.

"હા સર ગઈ રાત્રે તમને બે વાગ્યે ને પિસ્તાળીસ મિનિટે ફોન આવેલો છે."

"હા એ જ ફોન. એ જ ફોને મારું જીવન બરબાદ કર્યું. રાત્રે મારી બૈરીને લાગ્યું કે કોઈક લફરા નો ફોન છે, રાત્રે અમારે બહુ મોટી માથાકૂટ થઈ ગઈ અને સવારે એ પોટલાં લઈને એને માવતર ઉપાડી ગઈ. એક તો આઠે મને રિજેક્ટ કર્યાં પછી મુશ્કેલીથી મેળ પડ્યો હતો. બાપાએ ખુશ થઈને મને ખીલે બાંધવા માટે પાંચ લાખનો ધુમાડો કર્યો હતો. બાપાના એ બધા પૈસા પાણીમાં ગયા. મને રૂપિયા આઠ લાખનું નુકશાન થયું. નુકશાનની એ રકમ નોંધો અને મને પહોંચતી કરો અન્યથા હું કાયદાકીય રસ્તો અપનાવીશ."

" સર એ તો ન થઈ શકે. એ માટે તો તમારે કોર્ટમાં જ જવું પડે, આપ ઈચ્છો તો હું તમને આવતા ફોન કોલ બંધ કરી શકું."

"ઠીક છે મને આવતા ફોન કોલ પહેલાં બંધ કરો."

"સર તમારી ડુ નોટ ડિસ્ટર્બ સેવા એક્ટિવ કરી દેવામાં આવી છે હવે તમને અમારી કંપની તરફથી કોઈ કોલ આવશે નહિ"

"હવે નુકશાનીના વળતર માટે કોર્ટમાં જવાનું રહેશે ને?"

"જી સર હવે આપને ભવિષ્યમાં કોઈ કોલ આવશે નહિ પરંતુ હાલ આપને પડેલી મુશ્કેલી માટે આપ ઈચ્છો તો કાયદાકીય રસ્તે જઈ શકો છો."

"તમે ખાતરી આપતા હોય કે હવે કોઈ ફોન નહી આવે તો કોર્ટ કબાડા નથી કરવા."

જી સર, હવે આપ ઈચ્છશો તો પણ આપની કોઈ વેલ્યું એડેડ સેવા જ્યાં સુધી આપ અમારા કસ્ટમર કેર માં ફોન નહી કરો ત્યાં સુધી શરૂ કરવામાં નહી આવે."

"જી થેંક યુ, હવે આપણે કેસ નથી કરવો"

ઓકે સર, શું હું આપની અન્ય કોઈ સેવા કરી શકું?"

"બહુ વિનમ્ર તમે લોકો! બૈરીને પાછી તેડવા જવી છે, સાળાઓની બીક લાગે છે. તમારા સ્ટાફના થોડાક હટ્ટાકટ્ટા ગ્રાહક સુરક્ષા અધિકારીને મારી સુરક્ષામાં મોકલશો?"

હાસ્ય સાથે જવાબ આપ્યો.

"સર એવું ન બને."

"ભલે વાંધો નહિ હું એકલો જઈ આવીશ સાસરિયાં વાળા મોકલશે નહી અને મને ભાઠા પડશે તો રકમ વધારીને દાવો જ કરીશ."

ફરી હસતા હસતા,
"શું હું આપની અન્ય કોઈ સહાયતા કરી શકું?"

"ના થેન્ક યુ."
"ઓકે સર આપનો દિવસ શુભ રહે કોડાફોનમાં કોલ કરવા બદલ આભાર"

એ પછી આજ દિવસ સુધી કોઈ સ્કીમ કે ખેલો ઇન્ડિયાનો ફોન આવ્યો નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED