શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અધ્યાય ત્રીજાના પાંચમા શ્લોક અનુસાર પૃથ્વી પર વસતાં જીવમાત્ર કર્મબંધનથી બંધાયેલ છે. કર્મપ્રધાન જીવ થકી માનવસર્જીત અનેક ઘટનાઓ ઉદભવે. તે ઘટના ઉદ્ભવી શા માટે તે જાણવા માટે જાણવું પડે ઘટના પાછળનું રીઝન યાને કારણ !!...
સવારથી માંડીને સાંજ સુધીમાં દુનિયાભરમાં કંઈકને કંઇક બનતું જ હોય છે જે આપણે જોઈએ છીએ ,સાંભળીએ છીએ. ઘટનાઓથી અજાણ હોઈએ એટલે મનમાં પ્રશ્નો થાય, ગડમથલની શરૂઆત થઇ જાય અને જુદા જુદા તર્કો લગાવીએ. તમામ પ્રશ્નો અને તર્કોમાંથી સાચું સાબિત તેની પાછળ છુપાયેલ કારણ જ કરી શકે.કારણકે કારણ વિનાનું કાંઈ નહી. કોઈ કઇંક કરે , નાં કરે , બોલે ,ના બોલે , કોઈ ઘટના બનવાં કે ના બનવા ..આવી અનેક બાબતો પાછળ કારણો છે.કારણ હોવું જોઈએ તે પણ આપણે માનીએ છીએ .એટલે કાર્યને કારણ સાથે સીધો સંબંધ છે !
કોઈ કાર્ય પહેલા કારણ હોય ? હા , કારણકે કાર્યના ઉદ્ભવ પાછળ કારણ મૂળભૂત પાયો છે. કારણ વિના કઈં થતું નથી. આદિમાનવમાંથી આધુનિક માનવી બનવા સુધીની સફરમાં માનવીએ સુખ –સુવિધા માટે ઘણા સંશોધનો કર્યા. આમાં કઇંક બનવા માટે કાર્ય પહેલા જ કારણ છે. એકવાત મુદ્દાની એ પણ છેકે ઘણીવાર કાર્ય પછી કારણો શોધીએ છીએ. તો ઘણીવાર સ્વાનુભવને કારણે કંઇક થવાનો અંદાજો પહેલા જ આવી જાય. કારણ ખબર પડી જાય.આ બધાં પરથી એ વાત પાક્કી કે કારણ તો છે જ ,કારણ વિનાનું કંઈપણ નહી!
કારણ છે તો તે જાણવું પણ જરૂરી છે. કોઈપણ ઘટના કે બાબતમાં આપણે થવા વિશે સંચિત જ્ઞાનનો ઉપયોગ કરી તર્ક લગાવીએ. અનેક તર્ક –વિતર્ક બાદ એક સાચું કારણ ન્યાયી ઠેરવે. કારણો કુદરતી ઘટનાનાં ખુલાસાને સમર્થન આપે છે. તો વ્યક્તિઓની ક્રિયાઓને સમજાવવા કારણ જરૂરી છે.કારણ એ સત્ય શોધવાનાં ઉદેશ્ય સાથે માહીતીઓમાંથી તારણો કાઢીને સભાનપણે તર્ક લાગું કરવાની ક્ષમતા છે.જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કેન્ટ પણ જણાવે છે કે ,”આપણું તમામ જ્ઞાન ઇન્દ્રિયોથી શરુ થાય છે ,પછી નીચેની સ્થિતિ સુધી આગળ વધે છે અને કારણ સાથે સમાપ્ત થાય છે. કારણ કરતા વધારે કંઇ નથી! ”
માનવજીવનમાં ઘણી એવી અણધારી ઘટનાઓ બને છે,જેનાથી પસ્તાવો થાય. કોઈ ચોક્કસ કારણ ખબર ના પડે,તો આનો જવાબ શ્રીમદ્ ભગવદ્ગીતાના સાતમાં અધ્યાયના સાતમાં શ્લોકમાં અને અધ્યાય ૯માં આઠમાં શ્લોકથી જણાવ્યાનું સાર “ મારા સિવાય બીજું કોઈ પરમ કારણ નથી ; કારણકે આખું જગત દોરામાં પરોવાયેલાં મોતીની માફક મારામાં ગૂંથાયેલું છે . દરેક પરિસ્થિતિનો આધાર અને અવિનાશી કારણ પણ હું જ છું.” કોઈ સાથે અચાનક સંબંધ બંધાય કે તૂટે તે ઈશ્વર ઈચ્છાનો જ એક ભાગ છે. કર્મોને આધીન છીએ અને કર્મો થકી ફળ મળે એ પણ સાચું છે. જૈન ધર્મમાં કારણ વિશે જણાવ્યાનુસાર “ કોઇપણ ઘટના ઘટિત થાય તેની પાછળ પાંચ કારણો છે. ૧) કાળ , ૨) સ્વભાવ ,૩) નિયતિ ,૪) પુરુષાર્થ અને ૫) કર્મ . કાર્યસિદ્ધિ અને સફળતાનો આધાર પણ આના પર જ છે.
ઘણી બાબતોમાં કારણ ન જાણવા પણ જરૂરી હોય છે. કારણકે ઘણા કારણ સુખદ અને દુઃખદ પણ હોય છે. કારણ જાણવાનો મુખ્ય ઉદેશ્ય તો મનની મુંઝવણમાંથી મુક્તિ અને ઘણા અંગત પ્રશ્નોનો ઉકેલ પણ મળી જાય. ઘણા એવા કારણો આપવા જરૂરી પણ નથી. અમૃત ઘાયલ કહે છે,
“ કાજળભર્યા નયનના કામણ મને ગમે છે
કારણ નહી આપું ,કારણ કે મને ગમે છે .”
ઘણી ગમતી વસ્તુના કારણો નથી હોતા. પ્રેમ કરવા માટે કે થઈ જવા પાછળ પણ કારણ નથી. કારણ છે તો એક કાર્યના ઘણા છે. જેમકે મૃત્યુ. કહેવાય મૃત્યુ થયું .પણ તેની પાછળ ઘણા કારણો છે. તે કોઈ કુદરતી કે આકસ્મિક કે પછી કોઈ ભયંકર બીમારીથી પણ હોય.કારણ પણ ઘણા કારણો હોય છે. એટલે કોઈ વ્યક્તિ એ આપેલ કારણ સાચું છે તે તરત માનવું પણ જોઈએ નહી, કારણકે સાચું કારણ ન જણાવવા પાછળ કોઈ છુપો ડર પણ હોય. હા તર્ક લગાવી જરૂર શકાય. જરૂરી હોય ત્યાં તર્ક લગાવો ,સાચું કારણ જાણો ,બાકી કોઈએ આ લેખ વિશે તર્ક લગાવાની જરૂર નથી. (હવે મારા ભાઈઓ તથા બહેનો મારે એનું પણ કારણ આપવાનું ?!)
સાગરમંથન :
માનો કે ના માનો ,કારણ છે .કારણકે કારણ પણ કારણ વિનાનું હોતું નથી!!...