અધૂરી ઈચ્છા Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી ઈચ્છા

'અધૂરી ઈચ્છા'
(લઘુકથા)

‘સ્મિતા!...’ અશોક હજુ વાક્ય પૂરું કરે તે પહેલાં જ તેની પત્નીએ ચાનો કપ આપતા કહ્યું, ‘આ તમારી કડક મસાલેદાર ચા અને આજનું ન્યુઝપેપર.’ કહેતા ટીપોઈ પર પડેલા ન્યુઝપેપર તરફ આંગળી ચીંધી.

અશોક રોજના નિત્યક્રમ મુજબ ચા અને ન્યુઝપેપર લઇ બાલ્કનીમાં ગોઠવાયો. આજે રજા હોવાથી નિરાંતે ચાની મજા માણતાં માણતાં ન્યુઝપેપર વાંચી રહ્યો હતો. બાજુના ફલેટમાંથી ધીમે ધીમે ગીતના સુર રેલાવાના શરૂ થયા. તેના કાને ગીતના શબ્દો અથડાયા.

“મેરે સામને વાલી ખિડકી મેં, એક ચાંદ કા ટુકડા રહતા હૈ...
અફસોસ યે હૈ કે વો હમસે ઉખડા ઉખડા રહેતા હૈ... "

અશોક ગીતના શબ્દોમાં ખોવાઈ ગયો. બંધ આંખોની પાછળ એક ભૂતકાળનું દ્રશ્ય તરવરવા લાગ્યું.

દસેક વર્ષ પહેલા અશોકને બહારગામ પરીક્ષા આપવા જવાનું થયું. તે પરીક્ષાના થોડા દિવસ અગાઉ જ તે શહેરમાં રહેતા સંબંધીને ત્યાં પહોંચી ગયો. આખો દિવસ વાંચી મૂડ ફ્રેશ કરવા બહાર લટાર મારવા નીકળ્યો.

અશોકની શેરીના ખૂણે પહોંચતાં તેની નજર સામે દેખાતા ઘરની ખુલ્લી બારી તરફ ગઈ. વીસેક વર્ષની એક યુવતી બહારની તરફ જોઈ રહી હતી. અશોકે ચાલવાની ગતિ ઘટાડી. પવનની લહેરખીને કારણે તેનો ચહેરો વાળથી ઢંકાઈ ગયો. નાજુક આંગળીઓથી વાળને ચહેરા પરથી હટાવી સામેથી ચાલી આવતા અશોક તરફ જોયું. અશોક પણ તેને નિહાળી રહ્યો. તે યુવતીની ભાવશૂન્ય આંખોમાં કોઈની પ્રતીક્ષા ડોકાઈ રહી હતી. થોડીવારમાં તે યુવતી આમતેમ નજર ફેરવી અંદર ચાલી ગઈ.

અશોકની તે રાતે ઊંઘ ગાયબ થઇ ગઈ. તે નક્કી નહોતો કરી શકતો કે તે યુવતી તરફનું તેનું આકર્ષણ છે કે પછી પ્રેમ?!.. સુંવાળા ખ્યાલોને પંપાળી પાંપણો આંખ પર દબાવી દીધી.

બીજા દિવસની સવારથી વાંચવામાં મન ઓછું લાગવા માંડ્યું. તે ખૂબસુરત ચહેરો આંખોના દરેક પલકારે અશોકની અંતરચક્ષુમાં ડોકિયું કરવા લાગ્યો. તે યુવતીને મળવાની અને તેની સાથે વાત કરવાનું મનોમન નક્કી કરી રોજ સાંજ પડતા લટાર મારવા નીકળી જતો. તે યુવતી પણ ખુલ્લી બારીમાંથી દેખાતી, પણ ઘડીભર માટે. આમતેમ જોઇને ઘરમાં પાછી ચાલી જતી. તેના આવા વર્તનથી અશોક વ્યાકુળ બની જતો. નિરાશ થઇ પાછો ઘરે આવી જતો. મનમાં પડોસન મૂવીનું ખિડકી વાળું ગીત ગણગણતો.

પરીક્ષા પૂરી થઈ ગઈ અને અશોક પોતાનાં ઘરે આવી ગયો, અશોકની મનની મનમાં જ રહી ગઈ.

એકાદ વર્ષ પછી ફરી એ જ શહેરમાં જવાનું થયું. અશોકનું મન ખુશીથી ઉછળી પડ્યું અને અધૂરી ઈચ્છા પૂરી કરવા મન મક્કમ કરી લીધું. કહેવાય છે કે જિંદગીની દરેક સવાર એક અનોખા સસ્પેન્સ સાથે શરૂ થાય છે. ઘણીવાર આપણે ધાર્યું હોય તેનાથી ઉલટું જ થતું હોય છે.

અશોકને તે શહેરમાં પહોંચીને વાત જાણવા મળી કે, ‘તે યુવતીનો ભાઈ આર્મીમેન હતો. દર વર્ષે રક્ષાબંધન પર ઘરે આવવાની જીદ પૂરી કરવા તેણે તે સમયે થોડા દિવસ પહેલા જ પત્ર દ્રારા પોતાનાં આવવાની જાણ કરેલી અને વચન પણ આપેલું. યુવતી તેના ભાઈની પ્રતીક્ષામાં બારી બહાર વારેઘડીએ ડોકિયું કરતી રહેતી. આખરે તેની પ્રતીક્ષાનો અંત આવ્યો. ભાઈને જોઈ તેની આંખોમાં ખુશીનું ઘોડાપૂર ઉમટ્યું, જે ક્ષણિક જ રહ્યું. બહેને જયારે રાખડી બાંધવા હાથ લંબાવવા કહ્યું ત્યારે ભાઈની આંખોમાં પીડા વર્તાવા લાગી. પરિસ્થિતિને પામી ગયેલી બેન સમજી ગઈ.’

અશોક આગળ કશું સાંભળી શકે તેવી સ્થિતિમાં જ ના રહ્યો. અશોકની ફરી એ દિશામાં જવાની ઈચ્છા જ ના થઇ. તે સમજી ચૂકયો હતો કે, કદાચ બારી તો ખુલ્લી જોવા મળશે પણ... બસ તે સાંજે તેણે પોતાનાં શહેરમાં જવાની બસ પકડી નીકળી ગયો, ફરી એ જ અધુરી ઈચ્છા સાથે!!...

*સમાપ્ત*