La Pascualita books and stories free download online pdf in Gujarati

લા પાસ્કલિટા

માનવીય લાગણીઓ ખૂબ જ તીવ્ર હોય છે. દુનિયાના કોઈપણ દેશના કોઈ પણ ખૂણે જઈને કોઈક ચોક્કસ પ્રકારની માનવીય લાગણીની તીવ્રતા માપવામાં આવે તો તે સમાન જ મળે. જેવી આપણા દેશમાં હોય એવી જ અન્ય દેશોમાં હોય! સમાજમાં નિરંતર ઘટિત કોઈક સુખદ કે દુઃખદ ઘટના સાથે આવી તીવ્ર માનવીય લાગણીઓ જોડાઈ જાય ત્યારે એક કથાબીજનું આરોપણ થાય, ધીમે ધીમે એ કથાબીજને પોષણ મળે અને પછી ક્યારે એ નાનકડું બીજ, વટવૃક્ષનો આકાર લઈ લેય, ખબર પણ ન પડે! આવા જ એક બનાવને લોકવાયકા, લોકમાન્યતા, લોકચર્ચા કે લોકકથાના સ્વરૂપે નિહાળીએ.

હાલ પણ મેક્સિકોના ચિહુઆહુઆની કોઈ એક ગલીમાં અડીખમ ઊભેલો, મારીઓ ગોંઝલઝેઝની માલિકી ધરાવતો, વેડિંગ ડ્રેસનો નાનકડો, સુંદર એવો એ લા પોપ્યુલર નામનો સ્ટોર, ૧૯૩૦ના સમયગાળાની આસપાસ એક સ્ત્રી કે જેનું નામ, પાસ્કુલા એસ્પરઝા પેરાલ્સ ડી પરેઝ હતું, તેની માલિકીનો હતો. આ સ્ત્રી મિસિસ પાસ્કુલા એસ્પરઝા, પોતાના સ્ટોરનું ખૂબ જ સારી રીતે સંચાલન કરતા હતા. સ્ટોરમાં ની દરેક વસ્તુને સાફસુથરી રાખતા, ગ્રાહકોને એક મીઠડાં સ્મિત સાથે આવકાર આપતા અને પોતાના ગ્રાહકો સાથે સૌહાર્દ પૂર્ણ વ્યવહાર કરતા. મિસિસ પાસ્કુલા એસ્પરઝાને એક યુવાન વયની સુંદર એવી દીકરી પણ હતી જેનું નામ કદાચ! ચોનીટા હતું. લોકો જાણતા હતા કે મિસિસ પાસ્કુલા એસ્પરઝાને પોતાના બિઝનેસ થી પણ વધુ કંઈ વહાલું હોય તો એ એકમાત્ર ચોનીટા જ હતી.

આ સ્ટોર એ અરસામાં થોડો સમય બંધ રહ્યો, સ્ટોર બંધ રહેવાનું કારણ લોકો જાણતા હતા, ચોનીટાના લગ્ન હતા એટલે દેખીતી રીતે સ્ટોર બંધ રહેવાનો હતો, પણ સ્ટોર જ્યારે નિર્ધારિત સમય કરતાં વધુ સમય બંધ રહ્યો ત્યારે લોકોમાં થોડી જિજ્ઞાસા જાગી અને અંદરોઅંદર વાતો થવા લાગી. શહેરના મોટાભાગના લોકોને ત્યારે એવી વાત જાણવા મળી કે મિસિસ એસ્પરઝાની દીકરી ચોનીટાને લગ્નના દિવસે જ ઝેરી કરોળિયો કરડતા તે મરી ગઈ હતી અને એ પછીથી મિસિસ એસ્પરઝા પણ ક્યાંક ગાયબ હતા.

ઘણા દિવસો બાદ, ૨૫ માર્ચ ૧૯૩૦ના દિવસે એ સ્ટોર ખુલ્યો. ચોનીટા ગુજરી ગઈ એ વાત સાચી હતી. કેટલાક લોકો મિસિસ એસ્પરઝાને સાંત્વના આપવા આવતા હતા. મિસિસ એસ્પરઝા તેઓને ભાવાવેશમાં કહેતા હતા કે ચોનીટા હમેંશા તેમની સાથે જ રહેશે એ ક્યાંય નથી ગઈ. એ જ સમયે સ્ટોરમાં એક નવું કુતુહલ પણ ઊભું થયું હતું. સ્ટોરની કાચની પ્રદર્શન બારીમાં એક નવું જ પૂતળું (mannequin) ઊભું કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર એવું એ પૂતળું લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતું હતું, તેના વાળ અને આંખો અસલી જેવા લાગતા હતા. તેના પગ અને હાથની નશો ફૂલેલી હતી, હાથની હથેળી પરની રેખા અને નખના જીવાળા ઉપરાંત ચહેરા પરના હાવભાવ પરથી એ કોઈક જીવંત મૂર્તિ જેવી દેખાતી હતી. જ્યારે લોકોએ એ પૂતળાં વિશે મિસિસ એસ્પરઝાને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે એ પૂતળું તેમણે ફ્રાન્સથી ખાસ બનાવડાવ્યું છે અને આજે ૨૫મી માર્ચ ધાર્મિક રીતે પુનર્જન્મનો દિવસ હોવાથી તેને આજે જ પ્રદર્શન બારી પાસે ચોનીટા એવા નામકારણ સાથે સ્થાપિત કર્યું છે.

આ વાત શહેરના લોકોના જાણવામાં આવી પછી એક નવી જ કથાએ જન્મ લીધો. મિસિસ એસ્પરઝાની પુત્રી ચોનીટા, તેના લગ્નના દિવસે જ ઝેરી કરોળિયાના કરડવાથી મરી ગઈ, પુત્રીના મૃત્યુથી ભાંગી પડેલા મિસિસ એસ્પરઝાએ પુત્રીના મૃતદેહની અંતિમવિધિ ન કરતા તેને ફ્રાન્સ લઈ જઈને તેમાં ઉચ્ચ પ્રકારના રસાયણો ભરી મમ્મી બનાવ્યું અને પોતાની પુત્રીને હમેંશા સાથે રાખવાની ભાવના સાથે તેમણે એ મમ્મીને પોતાના સ્ટોરની એક કાચની બારીમાં રાખ્યું!

સમય જતાં લા ચોનીટા નામનું એ પૂતળું લા પાસ્કલિટાના નામથી લોકજિહ્વા પર આરૂઢ થયું અને એ પછી પણ એ મૂળ લોકચર્ચામાં નવા નવા અનેક તત્વો ઉમેરતા ગયા જેમ કે કોઈક એક ડ્રાઇવર, એ સ્ટોર પાસે રાત્રે થોડીવાર રોકાયો ત્યારે તેમણે સ્ટોરની બારીમાંથી કોઈકને અંદર ચંદ્રના પ્રકાશમાં નાચતી જોઈ હતી અને સવારે જ્યારે તે સ્ટોરમાં પૂછવા ગયો ત્યારે પાસ્કલિટા ના પૂતળાને જોઈ દંગ રહી ગયો અને બોલી ઉઠ્યો 'આ જ તો હતી એ!'
એક ફ્રેન્ચ જાદુગર એ સ્ટોર પાસેથી પસાર થયો, ત્યારે તે
પાસ્કલિટાને સાચી સ્ત્રી સમજી બેઠો પણ જ્યારે તેને ખબર પડી કે તે એક મમ્મી છે ત્યારે તે ત્યાંથી જતો રહ્યો, પછી એક રાત્રે પાછો આવ્યો અને પોતાના મંત્રો વડે પાસ્કલિટાને સજીવન કરી, તેને ઘોડા પર બેસાડી ફરવા લઈ ગયો. ઘણા લોકોએ તો એ ફ્રેન્ચ જાદુગર અને પાસ્કલિટાને શહેરને ભાગોળે ફરતા જોયા હોવાનો દાવો પણ કર્યો.

કોઈક પ્રેમી જોડાનું એ સ્ટોર પાસે બ્રેકઅપ થતાં પ્રેમીએ પ્રેમિકાને ગોળી મારી અને મૃત્યુના મુખમાં તરફડતી એ પ્રેમિકાએ જ્યારે પાસ્કલિટાના પૂતળાં સામે જોઈ જીવનની પ્રાર્થના કરી, ત્યારે પાસ્કલિટાના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળ્યું અને એ પ્રેમિકા બચી ગઈ.

કોઈક કહેતું પાસ્કલિટા સામે જોઇને સ્મિત વેરે તો એ શુભ ગણાય, કોઈ કહેતું એમણે પહેરેલો વેડિંગ ડ્રેસ પહેરી જે લગ્ન કરે એનું દામ્પત્ય જીવન સફળ નીવડે. આવું તો કંઇક કેટલુંય.

ઘણા સંશોધકો પણ પાસ્કલિટાના કથાતત્વને પડકાર ફેંકતા હોય તેમ મેદાને પડ્યા, હુંકાર ભરી તેઓ બરાડી ઉઠ્યા કે આ કથાતત્વને અમે પોકળ સાબિત કરી તેના અસ્તિત્વને મિટાવી દઈશું પણ આવી કથા થોડા કોઈ લેખકો કે માનવો લખે છે! આવી કથાઓ તો સમય બનાવે છે. એ તો સમય પાસેથી જ અમરત્વના આશીર્વાદ લઈને અવતરેલી હોય છે. એમણે તો નિરંતર ચર્ચાતી રહેવા માટે જ આકાર લીધો હોય છે. વળી એમને તીવ્ર એવી માનવીય લાગણીઓનું પ્રાબલ્ય પણ પ્રાપ્ત થયેલું હોય છે. એનું અસ્તિત્વ થોડું ભૂંસાય! આવી કથાઓ તો સંશોધકોને પણ કહી દે કે અજમાવી જો તારા સંશોધન ક્ષેત્રના તમામ બૌધિક હથિયારો, મારા અસ્તિત્વને તસુ માત્ર પણ હલાવી શકે તો હું લોકવાર્તા નહી!
આજે પણ ઘણા ખરા સામાજિક તખ્તો(social media) પર જ્યારે પણ એનું મન થાય ત્યારે લા પોપ્યુલરના કાચના પાંજરામાં પુરાયેલી એ પાસ્કલિટા આંખ પટપટાવવી, મોઢું હલાવવું કે કોઈ સામે પ્રેમથી જોઈ લેવું - એવું એકાદ અળવીતરું છમકલું કરીને મિસિસ એસ્પરઝાની દીકરી હું ચોનીટા, હજી આ ધરતી પર વિચરું છું. હું અમર છું. એવી સાબિતી આપીને ફરી એ પાંજરામાં મૂકમૂર્તિ બનીને પાછી પુરાઈ જાય છે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED