ક્લિક Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્લિક



વર્ષનાં અંતે આવતો દિવાળીનો તહેવાર નાનાં વર્ગની માંડી માલેતુજારો સહિત સૌના જીવનમાં એક ખુશીની લહેર લઇને આવે છે.

જેમ જેમ દિવાળી નજીક આવતી જાય તેમ બજારોમાં રોનક દેખાવા માંડે. બહારની રોનક સાથે ઘરમાં રોનક લાવવા માટે તો ઘરમાં સફાઈ અભિયાન જ શરૂ થઈ જાય!!

રાજકોટનાં એક સામાન્ય એરિયામાં રહેતા ધ્રુપેશનાં ઘરમાં પણ કંઈક એવો જ માહોલ હતો.

" સાંજે કેટલાં વાગ્યે આવશો? " કામ પર જતાં ધ્રુપેશને રોકતાં ગરિમાએ પૂછ્યું.

"કેમ કાંઈ કામ છે?" ધ્રુપેશે સામો સવાલ કર્યો.

"કામ હોય તો જ પૂછ્યું હોયને." ગરિમાનાં શબ્દોમાં તોછડાઈ હતી.

"કામ હોય તે બોલને." ધ્રુપેશના શબ્દોમાં પણ ગુસ્સો ભળ્યો.

" સાંજે વહેલાં આવી જાઓ તો ઘરમાં નાં જોઈતી વસ્તુ ભંગારમાં જવા દેવી છે. " થોડી નરમાશથી બોલી.

"એ તું તારી રીતે જવા દેજેને. એમાં મારી શું જરૂર છે." ધ્રુપેશને કામે જવાનું મોડુ થતું હતું. એટલે તે ટિફિન બેગ લઈ બહાર નીકળતો હતો, ત્યાં તેને ટોકતા ગરિમા બોલી, "હું તો જવા દઈશ પછી કહેતા નહીં કે મને પૂછ્યા વિના તે કેમ પહેલી વસ્તુ જવા દીધી."

ગરિમાનાં શબ્દો ધ્રુપેશના કાનમાં ધગધગતાં સીસાની માફક રેડાયા. ધ્રુપેશના પગ થંભી ગયા. ટિફિન બેગ નીચે પછાડતા બોલ્યો, "એટલે તારો કહેવાનો શું મતલબ છે? " ધ્રુપેશનાં અવાજમાં ગુસ્સો ભળ્યો, " તને એમ લાગે છે કે હું ઝઘડો કરવાં માટે કહું છું. તને જેમ ઠીક લાગે તેમ કર." ગરિમા ધ્રુપેશના ગુસ્સાથી ટેવાયેલી હતી. જાણે કશું સંભળાયું નાં હોય તેમ તે ટીવીની આજુબાજુમાં સફાઈ કરવા લાગી. આખાયે ઘરમાં શાંતિ પ્રસરી ગઈ. ધ્રુપેશનો ગુસ્સો થોડો શાંત થયો એટલે તે બહાર જવા પગ ઉપાડ્યા, પરંતુ હજુ ઘર બહાર નીકળે ત્યાં ફરી ગરિમાનો અવાજ સંભળાયો.

"પેલાં જુના રેડિયાનું શું કરવાનું છે. તે પણ..."

રેડિયો શબ્દ સાંભળતા જ ધ્રુપેશનાં પગ થંભી ગયા. તેણે ગરિમા સામું જોઈને કહ્યું, "તે ક્યાં તને નડે છે. માળીયામાં પડ્યો છે, તો ત્યાંજ રહેવા દે."

"કેટલા વરસ તેને સાચવીને રાખશો? "ગરિમાએ છણકો કરતા કહ્યું,"હવે તો સુમધુર સંગીતના બદલે ગળું બેસી ગયા જેવો બેસુરો રાગ નીકળે છે."

" એ તો અંદર ધૂળ જામી ગઈ હોવાને લીધે એવું લાગે છે. બાકી આજની તારીખમાં પણ આજના રેડિયાની તુલના તેની સાથે નાં થઈ શકે એવો કિંમતી છે. "

"કિંમતી...!" મોં મચકોડતાં ગરિમા મનમાં બબડી. "વેંચવા જઈએ તો પાવલીએ કોઈ નાં આપે!"

" તને ખબર છે, એ મારાં બાપુજીની છેલ્લી નિશાની છે. બાપુજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતાનાં જિવની જેમ સાચવતાં. એક પળ માટે પણ તેણે પોતાનાથી અલગ નથી કર્યો."

" તો સાથે કેમ નાં લેતા ગયા." ગરિમાનો મનમાં બબડાટ હજુ ચાલું જ હતો.

બાપુજીનું સ્મરણ થતા ધ્રુપેશની આંખમાં આંસુ તગતગવા લાગ્યા. તેને આંખ સામેનું દ્રશ્ય ઝાંખું દેખાવા લાગ્યું. ધ્રુપેશ જિંદગીનાં અઢાર -વીસ વરસ પાછળ પહોંચી ગયો.

એકદિવસ સાંજે વાળુંપાણી કરી મોહનલાલ ફળીયામાં ખાટલામાં લંબાયા હતાં. ખિસ્સામાંથી બીડી કાઢી સળગાવી અને તકિયાની બાજુમાં રાખેલો રેડિયો શરું કર્યો. રેડિયાનો અવાજ સાંભળી બાળક ધ્રુપેશ ઘરમાંથી બહાર દોડતો આવી પિતાની બાજુમાં બેઠો. રેડિયામાં વાગતી કાનજી ભૂટા બારોટની 'જીથરો ભાભો' વાર્તા કુતુંહલ પૂર્વક સાંભળવાં લાગ્યો. વાર્તા પુરી થઈ એટલે મોહનબાપાએ રેડિયો બંધ કરી બીડી સળગાવી.

ધ્રુપેશ સમજણો થયો ત્યારથી જોતો કે બાપા રોજ સવારે ઉઠી સ્નાનદિક કાર્યો પતાવ્યા પછી કામે બેસે. રેડિયો સાફ કરે. પછી રેડિયો ચાલુ કરે. સુમધુર ગીતો સાંભળતા સાંભળતા કામ કરે. બપોરે જમી ઘડીક ફળિયામાં લીમડાનાં ઝાડ નીચે આરામ કરે. અઢી વાગે એટલે ફરી સિલાઈ કામ કરવાં બેસે એટલે ફરી રેડિયો ચાલુ કરે.સાંજે જમ્યા બાદ બાપા રેડિયો પર વાર્તા સાંભળે. વાર્તા પૂરી થાય એટલે બીડી પી અને સુઈ જાય. આ તેમનો રોજનો નિત્યક્રમ. ગમે તેવું કામ હોય પણ સમય કાઢી રોજ રેડિયાને સાફ કરવાનું ક્યારેય નાં ભૂલે.

" બાપુજી, આ રેડિયો તમે આટલો સાચવો છો કેમ? " એકદિવસ સવારમાં મોહનબાપાને રેડિયાની સફાઈ કરતા જોઈને ધ્રુપેશે બાળસહજ પ્રશ્ન કર્યો એટલે મોહનબાપા સહેજ હસતાં બોલ્યાં, "એ તને નહીં સમજાય દીકરાં!"

"પણ કહો તો ખરાં બાપુજી." ધ્રુપેશ આજીજી કરવાં લાગ્યો.

"દીકરાં, જયારે કોઈ પાંહે રેડિયો નહોતો તે વખતે મેં રાત દિવસ મહેનત કરી બચાવેલ ફદિયામાંથી લીધેલો. ત્યારે આખુંય ગામ ચાર આંખે જોવા લાગેલું. ત્યારે હંધાયને એ વાતની નવાઈ લાગેલી કે આ અવાજ આવે કઈ રીતે...!? ક્યારેક કોઈ બોલે તો વળી કોઈ ગાઇ પણ ખરાં...!!" કહેતા મોહનબાપા હસવા લાગ્યા.

" આ રેડિયો વાગે ત્યારે એમ લાગે કે જાણે કોઈ આપડી હારે હોય. એય સવારે પાંચ વાગે એટલે દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, હેમુ ગઢવીનાં કંઠેથી સુમધુર ભજન સાંભળવા મળે. સાંજે ગામનો ચોરો, કાનજી ભૂટા બારોટની વાર્તા સાંભળવાનીય એવી મજા પડે. રેડિયો તો હવે આ પંડ્ય હારે જોડાઈ ગયો છે. " કહેતા જેમ બાપ દીકરાં માથે વ્હાલથી હાથ ફેરવે તેમ મોહનબાપાએ રેડિયા પર વ્હાલથી હાથ ફેરવ્યો.

મોહનબાપા જિંદગીનાં છેલ્લા દિવસોમાં પણ રેડિયાનું ખૂબ જ ધ્યાન રાખતા. બાપાના નિધનનાં બીજા દિવસે બા પણ પરલોક સીધાવ્યા. જોઈતી વસ્તુ ગામડેથી લઈ આવ્યાને બાકીનું ત્યાંને ત્યાં જ રાખી દીધું. સાથે લાવેલ વસ્તુમાં રેડિયો પણ હતો..!

ગરિમાની ઉધરસે ધ્રુપેશને વર્તમાનમાં લાવી દીધો.

"તે બાપુજીની જીવથી વ્હાલી નિશાની છે." ધ્રુપેશના અવાજમાં આદેશ ભળ્યો, " રેડિયો ઘરમાં જ રહેશે. "

"તેને શું અજાયબી બનાવી રાખશો."ગરિમા પણ ગુસ્સે થઈ ગઈ હતી. તે એકદમ ધ્રુજતા સ્વરે આગળ બોલી, " નિશાની... નિશાની.... આવી નિશાનીઓ સાચવવા બેસીએ તો ઘર જ ભંગારનો ડેલો બની જાય. બાપુજી ગુજરી ગયા તેને બે વરસ થઈ ગયા. તે જિવની જેમ સાથે રાખતા તો પોતાની સાથે કેમ લેતા ન ગયા. " અત્યાર સુધી ગળામાં અટવાઈ ગયેલા શબ્દો બાણની માફક મોઢામાંથી છૂટી રહ્યા હતાં.

"ગરિમા..." ધ્રુપેશનો અવાજ ગુસ્સાને કારણે ધ્રુજતો હતો. " હવે એક શબ્દ આગળ બોલી છેને તો... "

"તો શું? શું કરશો? બોલો...."


ગરિમા સાથેના આ ઝઘડાનો કોઈ અંત આવવાનો હતો નહીં તે વાત ધ્રુપેશ બરાબર જાણતો હતો. ધ્રુપેશ કંઈપણ બોલ્યાં વિના જ ઘરની બહાર નીકળી ગયો.

*******

"કેમ આજે કઈ ચિંતામાં છો કે શું? હર્ષદે ઉદાસ થઈ બેઠેલાં ધ્રુપેશને પૂછ્યું.

" કઈ નહીં."

"કંઈક તો વાત છે. શું ભાભી સાથે ઝઘડો થયો?"

"હા." ધ્રુપેશે એકાક્ષરી જવાબ આપ્યો.

"શું થયું તે આ તારા દોસ્તને નહીં કહે? મનમાં જે હોય તે કહી દે, ભાર હળવો થઈ જશે. બની શકે તો કોઈ ઉકેલ પણ જણાવીશ."

ધ્રુપેશે સવારની ઘટનાં અતથી ઇતિ સુધી જણાવી.બાજુમાં પડેલ પાણીની બોટલમાંથી બે ઘૂંટડા પાણી પીધું.જરા ભાર હળવો થયો હોય તેવો અહેસાસ થયો.

" ભાભીની વાત તો સાચી છે. " થોડીવાર વિચાર કર્યા બાદ હર્ષદ બોલ્યો.

ધ્રુપેશે તેની સામું જોઈ પૂછ્યું, " એટલે તું કહેવા શું માંગે છે."

"એ જ કે તેની દ્રષ્ટિથી જોવા જઈએ તો તેની વાત સાચી છે. રહી વાત નિશાની તો તું શું તેનો ઉપયોગ કરે છે? નાં. તો તેને કોઈ શોખીન વ્યક્તિને આપી દે. તારા હદયમાં તારા બાપુજી પ્રત્યેનો જે પ્રેમ છે. આદર છે. યાદો છે તેનાથી મોટી કોઈ નિશાની નથી. તું સાચવી સાચવી કેટલા સમય રાખીશ. એકાદ બે કે પાંચ વર્ષ. પછી? માટે તું વહેંચી નાખ." હર્ષદે ધ્રુપેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હર્ષદની વાતથી ફેર પડ્યો હોય તેમ ધ્રુપેશના ચહેરા પરથી ઉદાસી દૂર થઈ.

" વહેંચવા માટે? "

" olx. હા તેની પર મૂકી દે. કોઈ જુના રેડિયાનો શોખીન તો હોવાનો.

"ઠીક છે." ધ્રુપેશે પોતાનો મોબાઈલ આપ્યો એટલે હર્ષદે તેને olx પર વહેંચવાની વિગતો સમજાવી. ધ્રુપેશ હજુ મૂંઝવણ અનુભવી રહ્યો હોય તેવું તેનાં ચહેરા પરથી લાગતું હતું. એટલે હર્ષદે બધી વિગતો ભરી દીધી. ખાલી ફોટો જ મુકવાનો બાકી રાખ્યો.

"થેન્ક્યુ દોસ્ત. તે તો મારી ચિંતા જ હળવી કરી દીધી."

જવાબમાં હર્ષદે માત્ર સ્મિત જ કર્યું.

********

આ વાતને બે ચાર દિવસ વીતી ચૂક્યા હતાં. ધ્રુપેશ પોતાનાં કામ પર જઈ રહ્યો હતો, ત્યાં પાછળથી હર્ષદનો અવાજ સંભળાયો. એટલે ધ્રુપેશે બાઈક એક સાઈડમાં ઉભું રાખ્યું. બન્ને બાજુમાં ચાની કેબીન પર જઈ ચાનો ઓર્ડર કર્યો.

બહાર બાંકડા પર બેઠા. ધ્રુપેશના ચહેરા પરની ગમગીની જોઈને હર્ષદથી નાં રહેવાયું એટલે પૂછ્યું, "કેમ, આજે ફરી..." વાત અધૂરી છોડી દીધી.

"નાં એવી કોઈ વાત નથી."

"તો શું વાત છે? " ચાની ચુસ્કી લેતા હર્ષદે પૂછ્યું.

"વાત જરા એમ છે કે... " ધ્રુપેશ હજુ વાત કરતા સંકોચાતો હતો. હર્ષદે તેનાં ખભા પર હાથ મૂકી જે વાત હોય તે કહેવા આંખથી જ ઈશારો કર્યો.

" વાત જરા એમ છે કે... " થોડીવાર અટકી ચાનો ખાલી કપ ટેબલ પર મૂકી આગળ બોલ્યો, " મેં વીસ હજાર રૂપિયા ગુમાવ્યા. "

હર્ષદને તેની વાતમાં કંઈ ગતાગમ નાં પડી.

" તું જરા પણ સંકોચ રાખ્યા વિના જે વાત હોય તે વિસ્તારપૂર્વક જણાવ. "

ધ્રુપેશે ધીમે ધીમે વાત કરવાની શરૂઆત કરી.

તે દિવસે ધ્રુપેશ સાંજે ઘરે ગયો ત્યારે ગરિમા સોફા પર બેઠી હતી. તેનાં ચહેરા પરથી હજુ લાગતું હતું કે તેનો ગુસ્સો હજુ ઉતર્યો નથી. ટિફિન ટિપોઈ પર મૂકી ધ્રુપેશ તેની બાજુમાં બેઠો. કાન પકડી હળવેથી ધ્રુપેશ "સોરી " બોલ્યો. એકદમ ચમકી ગરિમાએ તેની સામું જોયું. જાણે હજુ ભાવ ખાઈ રહી હોય તેમ અવળું ફરી ગઈ એટલે ધ્રુપેશે ફરી દિલથી માફી માંગી. સામે ગરિમાએ પણ વધારે પડતું બોલી ગઈ તેમ જણાવી માફી માંગી.

" તમે ફટાફટ ફ્રેશ થઈ જાવ ત્યાં સુધીમાં ગરમાગરમ રોટલી કરી નાખું. " કહેતા તે રસોડામાં ગઈ.

ફ્રેશ થઈ જમી પરવારીને ધ્રુપેશ સોફા પર ગોઠવાયો. ટીવી ચાલુ કરી ચેનલ બદલવા લાગ્યો. અચાનક મોબાઈલમાં રિંગ વાગી. રિમોટ સાઈડમાં મૂકી જોયું તો અજાણ્યો કોલ હતો. ટીવી મ્યુટ કરી કોલ ઉપાડ્યો.

"હાલો..કોણ? " કોલ ઉપાડતા જ ધ્રુપેશ બોલ્યો.

"હેલ્લો, રેડિયો વાલે બોલ રહે હૈ?"

તે હિન્દીભાષી હોવાથી ધ્રુપેશે પણ હિન્દીમાં જ વાત આગળ વધારી. "હા, બોલીયે."

"હમે આપકાં રેડિયો બહુત પસંદ આયા. હમારે બાબુજીકો જબ ઈસ રેડિયો કે બારે મેં બતાયા તો વો ભી બહુત ખુશ હુએ."

"આપકે બાપુજી ભી રેડિયો કે શોખીન હૈ ?" સામેવાળાનાં બાપુજી પણ રેડિયોના શોખીન છે તે વાત જાણી ધ્રુપેશ એકદમ ખુશ થઈ ગયો.

" હા. ઇસલિયે મેં ખરીદના ચાહતા હું. એ નમ્બર આપકાં વ્હોટ્સએપ નંબર ભી હૈ? "

" હા. "

"મેં અભી આપકો એક મેસેજ ભેજ રહા હું. એક સ્કેન કોડ દીખેગા,બસ ક્લિક કીજીએ. રૂપિયે સીધે આપકે ખાતે મેં આ જાયેંગે."

ધ્રુપેશ એકદમ ખુશ થઈ ગયો હતો. તે સામેવાળાનું નામ, ગામ બધું પૂછવાનું ભૂલી ગયો હતો. વ્હોટ્સએપ ખોલ્યું તો પહેલી જ ચેટ હતી. તેમાં સ્કેન પર ક્લિક કર્યું. એક મેસેજ ટોન વાગી. ફરીવાર સામેવાળાએ ક્ન્ફોર્મ માટે જણાવી એક સ્કેનર મોકલ્યું. તેનાં પર ક્લિક કરતાં ફરી મેસેજટોન વાગી. થોડીવારમાં ફરી એક સાથે બે -ત્રણ મેસેજ ટોન વાગી.

ધ્રુપેશે વ્હોટ્સએપ બંધ કરી ઇનબૉક્સ ખોલ્યું. મેસેજ જોઈને તેનું મગજ ચકરાઈ ગયું. તેણે બીજા મેસેજ જોયા. મેસેજ રૂપિયા વીસ હજાર ડેબિટ થયાંનાં હતાં. ધ્રુપેશને શું કરવું અને શું નાં કરવું તે કાંઈ સમજાઈ રહ્યું નહોતું. ઘડીભર પછી જે નંબર પરથી કોલ આવેલો તેમાં કોલ કર્યો તો નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર દેખાડી રહ્યું હતું. બે -ત્રણ વાર ટ્રાય કરી પણ કેસેટ એક જ વાગતી હતી.

થોડીવાર સુધી બન્ને ચૂપચાપ બેસી રહ્યાં.

" તારી સાથે ફ્રોડ થયો છે. " હર્ષદ ચુપ્પી તોડતા બોલ્યો.

ધ્રુપેશ તેની સામું જોઈ પૂછ્યું, " ફ્રોડ? હવે? "

"થવાનું હતું તે થઈ ગયું, પણ એક વાત હંમેશા યાદ રાખવાની કે કોઈ અજાણ્યો કોલ આવે તો પહેલા તેની વાત સાંભળવાની. જો લાગે કે કોઈ લાલચ આપે કે તેની મીઠી મીઠી વાતોમાં ફસાવે છે તો તરત જ ફોન કટ કરી દેવાનો. "

હર્ષદની વાતમાં સમજાવટનો સૂર ભળ્યો. " પેલી મુદ્દાની વાત કે સ્કેનથી રૂપિયા ઉપડે, આવે નહીં. બીજી વાત હિન્દીમાં વાત કરે છે મતલબ બહાર થી યાને બીજા કોઈ રાજ્ય કે અજાણ્યા વિસ્તારમાંથી કોલ આવ્યો હોય. આવો કોઈ કોલ લાગે તો પહેલા ઉપાડવો નહીં. રિંગ પુરી થાય એટલે ટ્રુ કોલરમાં ચેક કરવાનું અને જણાય કે કોલ કરનાર કોઈ બહારનું જ છે તો તાત્કાલિક બ્લોક કરી દેવાનો. બીજું એ પણ કે ક્યારેય આવું થાય તો ચોવીસ કલાકમાં સાઇબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરવાનો. "

" હવે થાય પણ શું? દિવાળીએ ધન આવવાને બદલે ગયુ. " એકદમ નિરાશ થઈને ધ્રુપેશ બોલ્યો.

" હું તારું દુઃખ સમજી શકું છું. મિડલ ક્લાસ માટે વીસ હજાર મોટી રકમ કહેવાય. રાત દિવસની અથાગ મહેનત કરી પાઇ પાઇ કરી ભેગી કરેલ બચતમાંથી થોડુંઘણું પણ આમ ગુમાવી બેસીએ ત્યારે દુઃખ થાય તે સ્વભાવિક તો છે, પણ એક વાત યાદ રાખજે આ ઠોકર તને જિંદગીભર માટે એક શીખ આપી ગઈ. "

" તારી વાત સાચી છે. ખરેખર હવે મને એમ થાય છે કે, " મેં ક્લિક નાં કર્યું હોત તો...!?


*********

*સમાપ્ત*