પર્ણ વિહોણા વૃક્ષો Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પર્ણ વિહોણા વૃક્ષો


હું મંદિરે જઈ ઘરમાં દાખલ થયો કે તરત ફોનની રિંગ વાગી. મારાં પહેલાં બિઝનેસનાં મિત્ર સુમનલાલનો ફોન હતો. વખત જતાં બિઝનેસ બદલાયાં પણ મિત્રતા અકબંધ રહી. એ આજે મારી સાથે આખો દિવસ રહેવા માંગે છે એમ જણાવ્યું. મેં તરત વધાવી લીધું અને રસોઈવાળા બેનને બે માણસનું જમવાનું બનાવવાનું કહ્યું અને મેં છાપું ખોલી પૂર્તિ વાંચવી શરૂ કરી કેમકે મુખ્ય સમાચારો તો ગરમ ચા સાથે જ માણી લેતો હોઉં છું. એમાં મારી ગમતી કોલમો ન વાંચું ત્યાં સુધી જમવા ઉભો ન થાઉં. મારે એક ફાયદો એ છે કે, "ચલો,જમી લો.." કહેવાવાળું પણ કોઈ નથી! વળી,આજે સુમનલાલ આવે તો મારું વાંચવું અટવાઈ જશે એમ લાગ્યું એટલે એકી શ્વાસે વાંચી લીધું. માણવા માટે કાલે ફરી વાંચી લઈશ.

ડૉરબેલ વાગ્યો, હું પેપર વાળી ઉભો થયો મારી ધારણા મુજબ સુમનલાલ જ આવ્યા હતાં. જોતાં જ અમે એકબીજાને ઉમળકાભેર ભેટી પડ્યાં. થોડી આમતેમની ઔપચારિક વાતો કરી અમે જમવાનું પતાવ્યું અને બેઠકરૂમમાં સામસામે ગોઠવાયેલા સોફે આડા પડ્યાં. સુમનલાલ થોડાં ઉદાસીન લાગતાં હતા. મેં ખોંખારો ખાતા પૂછ્યું, "કેમ છે બાળ બચ્ચાં? કોઈ સમાચાર?" આટલું પૂછતાં જ સુમનલાલ વરસી પડ્યાં," તમે એ લોકોની વાત જ ન પૂછો, ઈન્ડિયન રહ્યા જ નથી એ તો પાક્કા કેનેડિયન બની ગયાં છે. ફોન આવે ખરાં પણ બધું જ ફોર્મલ ફોર્મલ લાગે, વાતમાં લાગણીનો રણકાર જ નથી અનુભવાતો. સાચું કહું તો મારાં પૌત્રોનું મોઢું જોવા અને એમની કાલી પ્રેમાળ વાતો સાંભળવા જ હું વીડિયો કોલ્સ કરતો હોઉં છું." મેં કહ્યું, "એ લોકો તમને બોલાવે છે તો ત્યાં જતું રહેવાય, બાળકો સાથે ગમશે અને એકલાં રહેવા કરતાં ત્યાં મન લાગશે. બાળકો સાથે જીદ ન કરાય." "વાત ફક્ત જીદની નથી માણેકલાલ, પણ અહીં લોહીનું પાણી કરી સેટ કરેલો બિઝનેસ છોડી જવાનું મન નથી અને એટલું સહેલું પણ નથી. મેં કેટલું સમજાવ્યું કે અહીં મહેનત કરો તો કરોડોમાં રમશો પણ નહિ કેનેડાનું ભૂત વળગ્યું હતું. ભલે ત્યારે એ લોકો ખુશ તો આપણે ખુશ એમ જીવી લઉં છું. " એક લાંબા નિઃશ્વાસ સાથે સુમનલાલે વાત જાણે વાળી લીધી. પછી પૂછ્યું, "કેમ ચાલે છે તમારો બિઝનેસ અને જીવન બન્ને? " મેં જવાબ આપ્યો, "બિઝનેસ તો ધીમે રહી સમેટી લેવો છે. મારે છે કોણ? હું એક્લો....મારે ફક્કડરામ, તમારી ભાભીની યાદો અને મારાં ન્યૂઝ પેપર વાંચવાનો શોખ કહો કે ક્રેઝ કહો એ મારું ઓક્સિજન. જીવનનો ભરોસો નહિ તો પણ જીવું ત્યાં સુધીનું અને કદાચ ત્યાર પછીનું પણ ભેગું થઈ ગયું છે." ત્યાં મંગુ પાણી લઈને આવ્યો, એ મારો વર્ષો જૂનો સેવાદાર. મેં એને ઉદ્દેશીને કહ્યું, " મારાં પછી ઘણું ખરું આને નામે કર્યું છે. તો પણ સુમનલાલ મારી વાત જુદી મારે તો આગળ પાછળ કોઈ છે જ નહિ, મન ફાવે એમ કરી શકું. હા, શીલાનાં અવસાન બાદ મારું મન ક્યાંય વળ્યું નહિ કે બીજાં લગ્ન ન કર્યા અને આવુ જીવન પસંદ કરીને મારી ઈચ્છાએ જીવું છું. " સુમનલાલ હસતાં હસતાં બોલ્યાં, "આમ તમે થોડાં વધુ નસીબદાર લેખાઓ કે મરજીનાં પણ માલિક છો અને આ મંગુ સિવાય કોઈની આશા પણ ન રહે." "એ સાચું કોઈ હોય એની આશા રહે અને આશા હોય,અપેક્ષા હોય તો દુઃખી થવાય." મેં કહ્યું. એ બોલ્યા, "સાવ સાચી વાત કરી તમે, આ પરદેશ ગયેલાં દીકરાઓ માટે મને સતત ચિંતા રહે કે અમારી વચ્ચે અઠવાડિયે બે વખત ફરજિયાતપણે થતાં વીડિયો કોલ્સ સિવાય કોઈ વધારાની વાતો નથી હોતી તો લાગણીઓ કેમની સચવાશે? ક્યારેક મને જરૂર પડશે તો આવીને ઉભા રહી શકશે ખરાં? આવા તો કંઈક વિચારો મને ઘેરી વળતાં હોય છે. એમનાં બાળકોને મોટાં કરવા-સાચવવા મીના પણ ત્યાં ગઈ છે એટલે સાવ એકલો થઈ ગયો હોઉં એમ લાગે છે." મેં સાંત્વન આપતા કહ્યું, " ભાભી તો બેએક વર્ષમાં આવી જ જશે અને તમે બહુ નેગેટિવ ન વિચારો, આવાં વિચારો વધુ તકલીફ આપે છે. કહેવાય છે ને વાસ્તવિકતા કરતાં કલ્પનાનું દુઃખ વધુ હોય છે માટે પ્લીઝ વધુ વિચારીને દુઃખ નહિ નોતરતા." "હમ્મ વાત તો તમારી સાચી..ખેર,છોડો એ બધું તો ચાલ્યાં જ કરશે." આમ, વાતો કરતાં થોડી બિઝનેસની વાતો થઈ અને સાંજે ચા પી ને છૂટાં પડયાં. જતી વખતે સુમનલાલે પોતાની કારમાંથી મારે માટે લાવેલું વૉલ પેઇન્ટિંગ બહાર કાઢ્યું. મેં આભારવશ થઈ સ્વીકાર્યું.

ફરી…"મેં ઔર મેરી તન્હાઈ"...પેપર ખોલ્યું, ટીવી ઓન કર્યું. કંઈક અજબ સંવેદના અનુભવતો હોઉં ત્યારે હું આમ કરું કદાચ, ટીવી અને ન્યૂઝ પેપર બન્ને ભેગા થઈ મને એ સંવેદનોથી મુક્તિ અપાવી શકવા સમર્થ સાબિત થઈ શકે! સાથે વિચારતો હતો, "સુમનલાલની આટલી સંપત્તિ વટ વૃક્ષની જેમ વિસ્તરેલી શાખ પણ…પણ..એમનું જીવન તો પણ એકાકી,પત્ની પણ દીકરાંઓ સાથે કેનેડા! ઘેઘૂર વડલો પણ મુખ્ય ડાળ કયાં? પર્ણો અને ફળો કયાં? સૌ સૌની રીતે અને સુમનલાલ અટૂલું વૃક્ષ!" ત્યાં જ સોફા પર પડેલી સુમનલાલની ગિફ્ટ જોઈ મંગુ કહે, "સાહેબ, આ ખોલીને જોઈએ?" મારા હકારમાં ડોકું હલાવવાની જ રાહ જોતો હોય એમ એણે ગિફ્ટનું રેપર ફટાફટ ખોલી નાખ્યું, જોયું તો અંદર બાખૂબી દોરાયેલાં, ચિત્રકારની કળાનો સુંદર પરિચય આપતાં સંધ્યાનો કેસરિયો સૂરજ, ઊંચા ઘેરાં પર્વતો અને બે તદ્દન પર્ણ વિહોણાં વૃક્ષો હતાં! હું ફક્ત ફિક્કું હસ્યો અને એ જ મારાં પેપરની પૂર્તિમાં "વેદના-સંવેદના" કોલમ વાંચવા માંડ્યો.


કુંતલ ભટ્ટ.

સુરત.