વસુધા - વસુમાં - પ્રકરણ-99 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-99

આછા અજવાળામાં વાન વાસદનાં આરે ઉભી હતી ત્યાંથી કોતરમાં જવાતુ અને નદી તરફ પણ જવાતું. વાનનો દરવાજો બંધ હતો. બહારથી વાનનો દરવાજો ખખડાવ્યો અને હવાલદારે દરવાજો ખોલીને પોલીસ પટેલને કહ્યું “ગામનાં માણસો છે 4-5 જણાં આવ્યાં છે”. પોલીસ પટેલે કહ્યું “હું આવું છું બહાર..”

પોલીસ પટેલ બહાર આવીને બોલ્યાં “કરસન તમે લોકો આવી ગયાં ?” પછી વસુધાની સામે જોઇને કહ્યું “દીકરી તું આવી અવસ્થામાં આવાં સમયે અહીં આવી ? આ લોકોને આકરી સજા કરાવીશ ચિંતા ના કર પણ તારી ઇચ્છા પુરી કરાવીશ.”

“આ મગનો બધુંજ બકી ગયો છે કબૂલી લીધું છે આપણે અત્યારે આછા અજવાળેજ મગનો લઇ જાય ત્યાં જવાનું છે. કાળીયો અને પકલો, રમલો ક્યાં છે એ જગયા બતાવવા તૈયાર થયો છે મેં એને છોડી મૂકવાનું આશ્વાસન આપ્યું એટલે તૈયાર થઇ ગયો છે.”

વસુધાનો ચહેરો સખ્ત થઇ ગયો એનાં હાથની મુઠ્ઠીઓ વળી ગઇ એણે કહ્યું “પટેલ સાહેબ તમે મારાં પિતા જેવા છો. તમારી છોકરી જેવી છું. તમારી દીકરી સાથે આવું થયું હોય તો શું કરો ?” પોલીસ પટેલે કહ્યું “દીકરીજ છું તું મારી... આટલાં ગામનાં કામ કરનારી સુધારા લાવી ભલુ કરનારી નારી છે નારાયણી છે હું તારી બધીજ મદદ કરીશ ચાલ હું એ નરાધન પાસે લઇ જઊં તારાં હવાલે કરીશ પછી તારાં એનાં જે હાલહવાલ કરવા હોય કરજે.. કાયદાકીય બધુ હું સંભાળી લઇશ ચલ દીકરા...”

પોલીસ પટેલે હવાલદારને બૂમ પાડીને કહ્યું “પેલાં મગનાને મોઢે ડૂચો મારીને ઉતારો નીચે એજ આપણને લઇ જશે એ નરાધમો પાસે.”

પટેલ સાહેબે કહ્યું “બધાં હળવેથી ટોર્ચનાં આશરે ચાલજો કોઇ અવાજ ના થાય એની કાળજી રાખજો. આ કાળીયાનીજ ડાંગ છે એ વસુધા તું રાખ અને ધારીયું રામુ તારી પાસે રાખ અમારી પાસે શસ્ત્રો છેજ.”

“અહીં થી અંદર કોતરમાં દોઢથી બે કિમી અંદર જવાનું છે. ઝાડીઓમાંથી પસાર થવાનું છે એ લોકોને ઊંઘતા ઝડપવાના છે. મગનાનાં કહેવા પ્રમાણે એ લુખ્ખાઓ ખૂબ થાકી દેશી દારૂ ચઢાવી ભર પેટ જમીને સૂતા છે એમને ઊંઘતા ઝડપાશે પણ એ કાળીઓ કૂતરાં જેવો છે એને ગંધ ના આવવી જોઇએ ચાલો અંદર જવા લાગીએ.”

હવાલાદારની સાથે પોલીસ પટેલ, કરસન અને વસુધા, રાજલ અને રાજલનાં સાથમાં ઘોડીનાં સહારે મયંક બધાં અંદર તરફ જવા લાગ્યાં. ઝાડીઓ અને કાંટાથી સાચવતાં બધાં સાચવીને ચાલી રહ્યાં હતાં. લગભગ 1 કિમી અંદર ગયાં પછી મગનાંએ પોલીસ પટેલને હાથનો ઇશારો કરી સાવચેત રહેવા કહ્યું હવે થોડેકજ આગળ છે.

ત્યાં રાજલનાં પગ પાસેથી નોળીયો દોડી ગયો એ ચીસ પાડવા ગઇ ત્યાં મયંકે એનાં મોઢા પર હાથ દીધો. રાજલે આંખથી કંઇક મયંકને કહેવા પ્રયત્ન કર્યો પણ આછા અજવાળે કહી ના શકી.

મગનાએ પોતાનો હાથ આડો કર્યો અને પોલીસ પટેલને હાથ લાંબો કરીને દૂર ઝાડીની ઓથે સૂતેલાં કાળીયો, રમણો અને પકલો બતાવ્યા અને એ પાછળ તરફ જતો રહ્યો.

પોલીસ પટેલે બધાને અહીં ઉભા રહેવા ઇશારો કર્યો. પોતે, હવાલદાર, બીજા બે સિપાહી અને કરસનને કહ્યું “તમે મારી સાથે ચાલો... બીલકુલ અવાજ ના થાય એમ આગળ વધો.”

પાંચે જણાં ધીમે ધીમે આગળ વધી રહેલાં મયંક રાજલ, મગનો, વસુધા બધાં તયાંજ ઉભા રહી ગયાં. વસુધાનાં ક્રોધનો પાર નહોતો એનાં શ્વાસ જોર જોરથી ચાલી રહેલાં. રાજલે એનો હાથ દાબીને શાંત રહેવા જણાવ્યું.

પોલીસ પટેલ ઘસઘસાટ નસ્કોરાં બોલાવી સૂઇ રહેલાં કાળીયા પાસે પહોચી ગયાં. હવાલદાર પકલા પાસે બે હવાલદાર રમણાની બાજુમાં ઉભા રહી ગયાં. કરસન એ લોકોની પાછળ ઉભો રહી ગયો. પોલીસ પટેલ કાળીયા તરફ નીચે નમ્યાં અને કાળીયાની આંખો ખૂલી ગઇ કાળીયો કંઇ બોલે પહેલાં પોલીસ પટેલે એનું મોઢું દાબી એનાં ઉપરજ બેસી ગયાં. હવાલદારે પકલાને પકડ્યો એ હજી નશામાં હતો. રમણો ઉભો થઇ છટકવા જાય એ પહેલાં બંન્ને હવાલદારે પકડી લીધો.

પોલીસ પટેલનાં સખ્ત મજબૂત હાથ કાળીયો છોડાવી ના શક્યો. એની આંખો ફાટીને ફાટી રહી ગઇ એ ઊં ઊં કરી ઊંહકારા કરતાં પગ પછાડી રહેલો પણ છટકી ના શક્યો. પોલીસ પટેલે સિપાહીને કહ્યું “આનાં હાથ બાંધો” અને સિપાહીઓએ કાળીયાનાં હાથ બાંધી દીધાં પટેલે કહ્યું “પગ પણ બાંધો સાલો સુવ્વર છટકવો ના જોઇએ કાળા કામ કરીને કોતરમાં છૂપાયો છે.”

કાળીયાનાં હાથ પગ બંધાયા પછી પટેલે એનું મોં છોડ્યું કાળીયો હવે સીંયાવીંયા થઇ ગયો એણે કહ્યું “સાહેબ માફ કરો ભૂલ થઇ ગઇ હું તમારે પગે પડું છું માફ કરો.”

ત્યાં સુધી પકલા અને રમણાને પણ બાંધી દીધાં હતાં. હવે સવાર થઇ ગઇ હતી અજવાળું થઇ રહ્યું હતું. પોલીસ પટેલે જમીન પર રેંગરતાં પ્રાણીની જેમ કાળીયાને રેંગરતો કર્યો એને ચારેબાજુથી લાકડીઓનો મારો ચલાવ્યાં એનો રહ્યો સહ્યો નશો ઉતરી ગયો.

ત્યાં દૂર ઉભેલાં વસુધા -રાજલ - મયંક કરસનની નજીક ઉભાં રહ્યાં હવે કાળીયાને બધી સમજ પડી ગઇ એણે જોયું માત્ર પોલીસજ નથી વસુધાને બધાં હાજર થયાં છે.

કાળીઓ બધી વાત સમજી ગયો એણે પોલીસ પટેલને પછી વસુધા તરફ હાથ લાંબાં કરી “માફ કરો માફ કરો ભૂલ થઇ ગઇ તું તો મારી બેન જેવી છે.” એમ બબડવા માંડ્યો.

વસુધા હવે કાળીયાની નજીક આવી ગઇ એણે ત્રાડ પાડીને કહ્યું “હવે બહેન દેખાય છે મારાંમાં સાલા નીચ... મારી ઇજ્જત લૂંટવી હતી હું તારી બહેન નહીં હું દુર્ગા છું, હું મહાકાળી છું તારો નાશ કરવાજ આવી છું સાલા પિશાચ” એમ કહી એની જ ડાંગ ઉપાડી....



વધુ આવતા અંકે - પ્રકરણ-100