વસુધા
પ્રકરણ-8
પુરષોત્તમભાઇએ વસુધાને પૂછયું વસુધા તેં ડેરીનો હિસાબ જોઇ લીધો ? ગાયનું અને ભેંશનું બન્નેનાં દૂધનો હિસાબ ચોપડીમાં લખાવી લાવ્યો છું આપણે બે મહીનાથી ઉપાડ નથી કર્યો. બધુ જમા કરાવ્યું છે. એટલે આ વખતે બધો હિસાબ જોઇને પૈસા લઇ લઇશું.
વસુધાએ કહ્યું હાં પાપા મેં જોઇ લીધો છે અને દુષ્યંતને સરવાળો ચેક કરવા આપી છે. બેઉ જણાં સરવાળો કરી જોઇએ તો કોઇ ભૂલ થઇ હોય તો ખબર પડે. ત્યાં દુષ્યંતે કહ્યું મેં જોઇ લીધું છે બધુ બરોબર છે. પાપા બે મહિનાનાં થઇને 21,000/- લેવાનાં નીકળે છે ફેટ પ્રમાણે એ લોકો જે વધારો આપે એ અલગ.
વસુધાએ કહ્યું આપશેજ સ્તો. દર વખતે મળે છે. આ વખતે મારી લાલીનું દૂધ પણ ઘણું ભરાવ્યું છે. બોનસનાં રૂપિયા એ વધારો અલગ મળશે.
ત્યાં દિવાળીબેને કહ્યું પુરુષોત્તમ એ ગુણવંતભાઇ એમની ખેતરની ચારો ફરતે કાંટાની તાર બંધાવી ફેન્સીંગ કરાવી લીધી સહકારી મંડળી અને ખેડૂતો માટે સરકારે સ્કીમ કાઢી છે એમાં સબસીડી અને લોન પણ આપે છે. મેં ગુણવંતભાઇનાં મોઢે સાંભળેલુ.
પુરષોત્તમભાઇએ કહ્યું હાં મને ખબર છે મારે પણ વાત થઇ છે હું સરપંચ જોડેથી જાણી લઇશ પછી આપણે પણ કરાવી લઇશું હવે વસુધાનો પ્રસંગ સામે આવશે એટલે એની પણ વ્યવસ્થા રાખવી પડશે ને એનાં કપડાં ઘરેણાં કરીયાવર અને પ્રસંગનો ખર્ચ મારે મારી વસુધાને ધામધૂમથી પરણાવવી છે આપણાં ઘરનો પહેલો પ્રસંગ છે. આખી નાતને જમાડવી છે.
દિવાળીબેન કહે હાં સાચી વાત છે જો પુરષોત્તમ મને ખબર છે તું ખૂબ આયોજન વાળો છે એટલે તેં બચત કરીજ હશે પણ મારી પાસે પણ બચાવેલાં પૈસા છે પચાસ હજાર જેવાં હું કાઢીને આપીશ આ વસુધા મારી દિકરીજ છે ને. મારે એક માણસને ખર્ચ કેટલો મારે દૂધનાં પૈસામાં ઘણી બચત થાય છે.
પુરષોત્તમભાઇએ કહ્યું બેન તારાં પૈસાની જરૂર નહીં પડે મેં ઘણી બચત કરી છે. છોકરીની ઊંમર વધે એમ વધુ બચત કરવીજ પડે. હું અને પાર્વતી ખેતી અને દૂધની આવકમાંથી ઘણી બચત કરીએ છીએ આપણી વસુધા છઠ્ઠા ધોરણમાં આવી ત્યારથીજ કસર કરીને બધાં પૈસા જમા કરેલાં છે. જણસ માટે ઘરમાં સોનું છેજ. એટલે થોડુંજ ખરીદવું પડશે. બધાં પૈસા પોસ્ટમાં મૂકેલા છે અને અમુક રકમ ડેરીમાં જમા છે આ વરસે ખેતીમાં પણ સારી આવક થઇ છે. એટલે કોઇ ચિંતા નથી. મહાદેવની કૃપાથી ઘર ભર્યુ ભર્યુ છે બસ મારી વસુધા સાસરે જઇને ખૂબ સુખી થાય એને કોઇ અગવડ ક્યારેયનાં આવે એમ બોલતાં બોલતાં લાગણીવશ થઇ ગયાં ગળે ડૂમો બાઝી ગયો.
પુરષોત્તમભાઇને ઢીલાં થતાં જોઇ સાંભળીને પાર્વતીબેનનાં આંખોમાં આંસુ આવી ગયાં એમણે ગેસ પર મૂકેલું રાંધણ જોઇ ગેસ બંધ કરીને બહાર આવી ગયાં. ક્યારની વાતો સાંભળતી વસુધા પાપા પાસે દોડી આવી અને એમને વળગી પડી એનાંથી ધ્રુસ્કુ નંખાઇ ગયું એણે ક્હ્યું પાપા... પાપા.. એ આગળ બોલી ના શકી.
દિવાલીબહેને પણ આંસુ લૂછતાં કહ્યું ભગવાન સહુ સારાં વાનાં કરશે મારી વસુધાને જીવનમાં ક્યારેય દુઃખ નહીં પડવા દે આમ ભાઇ તું રડીશ નહીં આ છોકરી ઢીલી થઇ ગઇ આજે તો પુરણપોરી ખાવાની છે સારાં સમાચાર સાથે સારાં દિવસોજ આવશે.
દુષ્યંત માં ને વળગીને બેસી ગયેલો એ બધી વાતો સાંભળી રહેલો અને વસુધા જવાની પરણીને એ સાંભળ્યું ત્યારથી ઢીલો થઇ ગયેલો.
પાર્વતીબહેને કહ્યું ચાલો હવે બધાં અહીં આવી જાવ બેટા વસુધા આસન પાથર તારાં ફોઇને અને પાપાને પીરસી આપ. બધાં શાંતિથી ભરપેટ જમી લો.
બધાં વસુધાએ આસન પાથર્યા ત્યાં જમવા આવી ગયાં. પુરષોત્તમભાઇએ કહ્યું પાર્વતી મારે ફોન લેવો છે હું ફોર્મ ભરીને પૈસા ભરી આવીશ હવે તો ફોન જલ્દી મળી જાય છે. વસુધાનાં લગ્ન પહેલાં ફોન આવી જાય તો ઘણાં કામ સરળ થઇ જાય. વસુધાનાં સાસરે તો ફોન છે. ગુણવંતભાઇએ મને નંબર પણ આપ્યો છે કહે એવું કંઇ હોય તો ડેરીએથી ફોન કરજો.
દિવાળીબેને હસતાં હસતાં કહ્યું લો હવે વસુધાનું સાસરુ બોલાવવા માંડ્યું અને કહ્યું હાં ફોન લઇ લે એ ખૂબ સારી સગવડ થઇ જશે. કેટલાં રૂબરૂ જવાનાં ધક્કા બચી જાય. અને ભાનુબહેન કહેતાં હતાં કે એમની દિકરી સરલાને ઘરે પણ ફોન છે ફોનથીજ આ સંબંધનાં સમાચાર આપવાનાં હતાં.
પુરષોત્તમભાઇ કહે હું કાલેજ ફોન નોંધાવી પૈસા ભરી આવીશ. આમ પણ ડેરીમાંથી કાલે પૈસા મળી જવાનાં 1000/- રૂ. ભરીને નોંધાય છે પછી બે મહિને બીલ આવે. દુષ્યંતે કહ્યું અરે વાહ પાપા તો તો કેટલું સારુ આપણે વસુધા સાથે ફોન પર પણ વાત થશે.
વસુધાએ કહ્યું એય પહેલાં જમી લે હજી હું ત્યાં ગઇ નથી હમણાં તારી સામેજ છું તમેય પાપા જમતાં જમતાં વાતો ના કરો ચાલો બધાં પહેલાં જમી લો.
**************
અવંતિકા જેમ જેમ વસુમા આગળ વાંચી રહી હતી એમ એમ એને મજા આવી રહી હતી. એણે વિચાર્યુ કેટલું સંસ્કારી કુટુંબ છે બધાં સાથે બેસીને જમે છે અને દિકરીનાં લગ્નની વાતો કરતાં એ જ્યારે ત્યારે વિદાય લેવાની એ વિચારી આંખો ભીની થાય છે.
વસુધા કેટલી સમજદાર છે નાનપણથી આટલુ કોઇ સમજદાર અને લાગણીશીલ હોય ? એમાંય લાડુ પોતે ખાઇ વ્હાલી ગાયને પણ ખવરાવે છે. પાપાની આંખમાં આંસુ આવતાં એમને જઇને વળગી પડે છે. કુટુંબનાં બધાં ભેગાં થઇને દૂધની આવકનો હિસાબ કરે છે.
દીકરીનો બાપ એનાં બાળપણથી કિશોરી થતાંજ એનાં વિવાહ લગ્ન માટે બચત કરવાની ચાલુ કરી દે છે. દીર્ધદ્રષ્ટિ માણસો જીવનમાં કદી દુઃખી નથી થતાં. આમ વિચારતાં અવંતિકાને પોતાની કિશોરવસ્થા અને એનાં મા-બાપ યાદ આવી જાય છે. માં બાપ બન્યાં પછી કેટલી જવાબદારી હોય છે. છોકરાઓને ભણતર, કેળવણી, સંસ્કાર સીંચવા પડે છે એમનાં પ્રસંગો ઉકેલવા બચત કરવી પડે છે. એ લોકોનો કેટલો અથાગ પરિશ્રમ અને પરીપકવતા જોવા મળે છે. મારી માં અને પાપા પણ... એમ વિચારતાં...
અવંતિકાની આંખો નમ થઇ જાય છે. એણે વિચાર્યું મેં પણ માં-પાપા સાથે ઘણાં સમયતી વાત નથી કરી હું આજેજ વાત કરી લઊં ત્યાંજ મોક્ષ ઘરમાં પ્રવેશ કરે છે. એણે આવીને પૂછ્યું મારી અવી કેમ આમ ઢીલી થઇ છે. શું થયું ? તું વાંચે છે એ વસુમા નોવેલમાં એવું શું આવ્યું એમ પૂછતાં અવંતીકાનાં ગળામાં હાથ પરોવી કપાળે ચૂમી ભરી લે છે. શું થયું અવી ?
અવંતિકાએ કહ્યું વસુધાનાં લગ્ન લેવાનાં એનો બધો ઉલ્લેખ છે કુટુંબીજનો ભેંગા થઇને વાતો કરે છે દીકરી વિદાયની વાત આવતાં બાપનાં આંખમાં આંસુ આવે છે. એ જોઇને દીકરી બાપને વળગીને રડી ઉઠે છે અને એ સાથે ઘરનાં બધાં...
મોક્ષે કહ્યું ઓહો એમ વાત છે તો મારી અવીને પણ એ દિવસો યાદ આવ્યાં છે સમજી ગયો ચાલ હુંજ ફોન લગાવું છું તારાં મંમી પાપા સાથે વાત કરી લઇએ. એમ કહી મોક્ષે ફોન લગાવ્યો...
*************
પીતાંબરે કહ્યું પાપા મારાં લગ્નની વાતો કરી તમે પણ લગ્ન વખતે મને નવી બાઇક અપાવો આ બાઇક જૂની થઇ ગઇ છે લગ્ન સમયે મારો વટ પડવો જોઇએ. એક નવી બાઇક આવી છે બજારમાં સ્પોર્ટસ લૂકની પેલાં મારાં મિત્ર પ્રથમેશે નોંધાવી છે પાપા મારે પણ એવી બાઇક લેવી છે.
ગુણવંતભાઇએ કહ્યું દીકરા તું તો લગ્ને લગ્ને કુંવારો છે. આ બાઇકમાં શું ખામી છે ? આટલી સરસ તો ચાલે છે. ખોટાં ખર્ચનાં કરાવીશ.
ભાનુબહેને કહ્યું હવે અપાવોને એને એમાં શું ? લગ્ન વખતે એને હોશં થાય ને ? આપણે ક્યાં બે ચાર છોકરાં છે એકનો એક તો છે એને જે જોઇએ એ અપાવો.
પીતાંબર ઉઠીને માંને વળગી ગયો માં થેંક્યુ એમ ખુશ થતો પાછો બહાર જવા નીકળી ગયો.
ગુણવંતભાઇએ કહ્યું તું ખરી છે આમને આમ તું એને ફટવે છે બાઇક છે તો ખરી હજી માંડ ત્રણ વર્ષ થયાં છે.. ઠીક છે હું તપાસ કરીશ યોગ્ય સમયે અપાવીશ. પણ સાથે સાથે એને સલાહ પણ આપતી રહેજે એમ કહી બહાર નીકળ્યાં.
આગળ આવતા અંકે - પ્રકરણ-9