Dashavatar - 76 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 76

          ભૂપતિ હસી પડ્યો. પદ્મા જોઈ શકતી હતી કે એ હાસ્ય અંદરના ભયને છુપાવવા માટે હતું. એ બોલ્યો ત્યારે એના અવાજમાં ભયની અસર હતી, "મને આ નવા મિત્રોની પરવા નથી પણ એકવાર આપણે એમને કારુને સોંપી દઈએ તો પરિણામ માટે હું જવાબદાર નથી."

          નીને માથું હલાવ્યું. “અમે પરિણામ ભોગવવા તૈયાર છીએ.”

          બાકીનાએ પણ માથું હલાવ્યું.

          "એ આપણને કારુને સોંપી દેશે." સરોજા રડતાં રડતાં બોલી. પદ્માએ એની સામે જોયું, “આપણે એના પર વિશ્વાસ ન કરવો જોઈએ.”

          "ઠીક છે." પદ્મા બોલી, "ડરો નહી, કંઈ નહીં થાય."

          "ઘણું બધું થશે." ભૂપતિનો અવાજ સાંભળ્યો અને એનું માથું ભૂપતિ તરફ ફેરવાયું.

          "હવે અમને કહો કે તમે કોણ છો?" પદ્માએ પૂછ્યું.

          "અમે લોક છીએ. છેલ્લા પચાસ વર્ષથી આ શહેર અમારું છે." ભૂપતિએ કહ્યું, "તમેં અહીં આવીને ભૂલ કરી છે."

          થોડીવાર કોઈ કંઈ ન બોલ્યું પછી એણે એના માણસો તરફ જોયું અને બોલ્યો, "મિત્રો, તમને શું લાગે છે? મને કહો, શું શૂન્યોએ અહીં આવવું જોઈએ?"

          "જો પટાનગરના કેદી ન બનવા માંગતા હોય તો ન જ આવવું જોઈએ." નીને કહ્યું અને એ તમામ હસવા લાગ્યા.

          "મારા લોકો કહે છે કે લોક પ્રજા સારી છે." આશે કહ્યું, "પણ તમને જોયા પછી મને લાગે છે કે એ જુઠ છે."

          ભૂપતિની નજર એની તરફ મંડાઈ, "તેં લોક પ્રજા વિશે શું કહ્યું?"

          "લોક મક્કાર સિવાય બીજું કંઈ નથી." આશ જ્ઞાનીઓમાંથી એક હતો એટલે એ લોકોના હાથમાં હથિયાર હોવા છતાં પણ એ ડરતો નહોતો.

          ભૂપતિએ આખાય ગૃહમાં નજર દોડાવી અને એની નજીક ગયો. દરેક શૂન્યને જોતો એ દરવાજા પાસે જઈ ઊભો રહ્યો. “છોકરા, તું અહીં નવો છે. તારે ઘણું બધું શીખવાની જરૂર છે.” એણે પદમા તરફ જોયું, “માત્ર આ છોકરાંએ જ નહીં પણ તમારે બધાને ઘણું બધું શીખવાની જરૂર છે. તમારા લોકોને જાણવાની જરૂર છે કે દીવાલની ઉત્તરમાં કાયદા કેવી રીતે કામ કરે છે.” એ અટક્યો અને એના માણસો તરફ જોયું, "અહીં કાયદાઓ અમારી ઇચ્છા મુજબ કામ કરે છે."

          એના માણસો બૂમો પાડીને હસ્યા. બે યુવાન ન હસ્યા. એ ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા.

          ભૂપતિ આશ તરફ આગળ વધ્યો. એ પદ્માથી દસેક ફૂટ દૂર હતો. પદ્મા ભૂપતિની આંખોને અનુસરતી હતી. એ ગૃહમાં નજર દોડાવતો, કિશોરો પાસેથી પસાર થતો આશ તરફ જઈ રહ્યો હતો. એની આંખોમાં પદ્માએ કંઈક અગમ્ય જોયું. એને લાગ્યું કે એ જે કહે છે એનો કોઈ અર્થ નથી. ભૂપતિના શબ્દો અને એની આંખોના ભાવ એકબીજાથી તદ્દન વિરુદ્ધ હતા.

          એ આશ પાસે અટક્યો, "અમે ખરાબ નથી." એણે એની આંખોમાં જોયું, "પણ અમે તમને મદદ કરી શકીએ એમ નથી."

          "અમે તમને મદદ કરી શકીએ એમ નથી." એના બાકીના માણસો હસ્યા અને એ જ શબ્દો દોહરાવ્યા.

          “તમે લોકો વિચારવા કે સમજવાને કાબિલ જ ક્યાં છો?” આશે કહ્યું, “તમે કારુના કૂતરા જેવા છો. એના પ્રત્યે તમારી વાહિયાત વફાદારી બતાવો.”

          પદ્માએ એને ક્યારેય અપશબ્દો બોલતો સાંભળ્યો નહોતો. આશ એક નમ્ર યુવક હતો. એ ઇચ્છતી હતી કે એણે આવું ન કહ્યું હોત તો સારું. એ મૂર્ખ અને ઘમંડી હતો. એના એ શબ્દોની શું અસર થશે એની કલ્પના પણ એને નહોતી.

          "તારે મારા લોકોનું અપમાન ન કરવું જોઈએ." ભૂપતિએ આશ સામે થોડી મિનિટો સુધી જોયું અને કહ્યું, "મને કહે કે તેં મારા લોકોને કૂતરા તો નથી કહ્યા ને?"

          “હા, મેં કહ્યા છે.” એ મક્કમ હતો.

          "ના, આશ." પદ્માએ બૂમ પાડી, "મને ત્યાં જવા દો." એના ગળા પર છરી દબાવી ઊભા માણસ સામે કરગરતા એ બોલી.

          "એને અહીં આવવા દો." ભૂપતિએ હુકમ કર્યો.

          પેલા માણસે પોતાની છરી ખસેડી કે તરત જ પદ્મા આશ પાસે દોડી ગઈ.

          "એમની સાથે આ રીતે વાત ન કર."

          "હું એમ જ વાત કરીશ." એણે જવાબ આપ્યો.

          "તમે બધાએ મને તમારા નેતા તરીકે પસંદ નથી કરી?" પદ્માએ એના લોકો ઉપર નજર ફેરવી, "હવે કોઈ કશું જ નહીં બોલે."

          "અને એમને જે કરવું હોય એ કરવા દઈએ?" આશે ગુસ્સામાં પૂછ્યું.

          "કોઈને કંઈ નહીં થાય." પદ્માએ કહ્યું અને ગુપ્ત ઈશારો કર્યો. એ સમજી ગયો કે એના મનમાં કોઈ યોજના છે. એ શાંત થઈ ગયો.

          "હવે તારો વારો પૂરો થયો." ભૂપતિ પદ્મા તરફ ફર્યો, "હવે બોલાવાનો મારો વારો છે અને હું ઇચ્છું છું કે એ છોકરો માફી માંગે." એણે ફરી આશ તરફ નજર ફેરવી, "તારી પાસે હું દસ ગણું ત્યાં સુધીનો સમય છે."

          આશ હસ્યો.

          "એક...." ભૂપતિએ ગણતરી ચાલુ કરી, "બે..."

          "ત્રણ, ચાર, પાંચ..." આશે જ આગળ ગણતરી કરી.

          "એવું નાં કર આશ." પદ્મા એની બાજુમાં ઘૂંટણિયે પડી, "નહીં." એણે હથેળીઓથી એનું મોં ઢાંકી દીધું.

          “સાત...” ભૂપતિ ગણતો હતો, “આઠ....”

          "આશ." પદ્માએ કહ્યું, "હું મારો હાથ હટાવું છું પણ તું માફી માંગજે બીજું કંઈ બોલતો નહીં."

          આશે માથું હલાવ્યું અને પદ્માએ હાથ હટાવ્યો.

          "નવ." છેલ્લા નંબરે ભૂપતિનો અવાજ ભારે થયો, “દસ...”

          “મને માફ કરો.” આશે કહ્યું, “હું માફી માંગુ છું.”

          પદ્માએ રાહતનો શ્વાસ લીધો.

          "તું મોડો પડ્યો." ભૂપતિએ કહ્યું.

          "હું મોડો નથી પડ્યો." આશે કહ્યું, "તમે ગણતરી પૂરી નહોતી કરી."

          "ઠીક છે." ભૂપતિએ કહ્યું, "પરંતુ તારા શબ્દોમાં માફી માંગતો હોય એવો ભાવ નહોતો."

          "તમારે ભાવની જરૂર હતી?" આશે સ્મિત વેર્યું, "શું તમે ખરેખર માનો છો કે જ્યારે મેં કહ્યું ત્યારે મારો મતલબ માફી માંગવાનો હતો?" હવે એ પાગલની જેમ હસતો હતો.

          ના, ના, ના.... પદ્મા એને રોકવા ઇચ્છતી હતી પણ આશના શબ્દો નીકળી ચુક્યા હતા અને હવે એનું પરિણામ ભોગવ્યા સિવાય કોઈ છૂટકો નહોતો.

          "તારો અર્થ એ હોવો જોઈએ." ભૂપતિએ એને પેટમાં લાત ફટકારી. આશ ઘૂંટણ પર હતો. એ જમીન પર પડ્યો.

          પદ્માએ મુઠ્ઠી ભીંસી.

          આશ કણસતો હતો. ભૂપતિએ એને ફરી લાત મારી અને એ સાથે એના ફેફસામાંથી બધી હવા નીકળી ગઈ. ભૂપતિએ ત્રીજી લાત ફટકારી પણ પદ્મા વચ્ચે આવી, “આશ, ભાવ સાથે માફી માંગ."

          ભૂપતિ લાત મારવા જતો હતો પણ પદ્માએ હાથ જોડ્યા, "જરા રાહ જુઓ, એ ભાવ સાથે કહેશે."

          "ઠીક છે." ભૂપતિએ કહ્યું, "પણ તારી પાસે આખા દિવસનો સમય નથી."

          પદ્મા આશ તરફ ફરી. એ રડતો હતો, એનો ડાબો હાથ ફેફસાં પર દબાયેલો હતો.

          "ભાવ સાથે કહે નહિતર આ લોકો તને મારી નાંખશે."

          "હું માફી માંગુ છું" આશે કહ્યું. એ હજુ પણ જમીન પર બંને હાથે પડખું દબાવીને પડ્યો હતો, "મને માફ કરો." એણે એના શરીરમાં સળગતી પીડા વચ્ચે કહ્યું.

          ભૂપતિ હસ્યો, "હું સંતુષ્ટ છું...."

          ભૂપતિ એના શબ્દો પૂરા ન કરી શક્યો. આશ એકાએક ઉછળ્યો અને ભૂપતિના બંને પગ પર લાત મારી. ભૂપતિએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પટકાયો.

          ભૂપતિ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં આશ ભૂપતિ પર કૂદી પડ્યો. પદ્માએ ક્યારેય એક શૂન્ય પાસે આવી બહાદુરીની અપેક્ષા રાખી નહોતી. ત્યાં ઊભેલા કોઈને પણ એવી અપેક્ષા નહોતી. ભૂપતિ હજુ પણ આશ્ચર્યમાં હતો. આશ એની ઉપર હતો. એ ભૂપતિના ચહેરા પર મુક્કા મારતો હતો.

          "મારા માતા-પિતા મારી સાથે હતા." એ બોલ્યો અને ફરી એક મુક્કો માર્યો.

          "એમણે મારા માતા પિતાને મારી નાખ્યા. તેં કહ્યું કે અમારી સાથે જે બન્યું એના માટે તું દિલગીર છો તો મને લાગ્યું કે તું અમારા જેવો છે." એણે ફરી ભૂપતિને એક મુક્કો ફટકાર્યો.

          "પણ તમે વાહિયાત લોકો એમના જેવા છો જેમણે મારા માતાપિતાને મારી નાખ્યા." 

          ભૂપતિને જડબામાં સણકા ઉપડતા હતા. એ એટલો ડઘાઈ ગયો હતો કે કશું ન કરી શક્યો. પદ્માને આશ્ચર્ય થયું કે શા માટે એની ટુકડી એને મદદ નથી કરતી? કદાચ લોક પ્રજામાં લડાઈમાં નેતાને વિક્ષેપ ન કરવાની પરંપરા હશે.

          "તને લાગે છે કે મૃત્યુનો ડર મને માફી માંગવા મજબુર કરી શકે?" આશે ભૂપતિના શરીરને ફસાવવા માટે એની જાંઘો દબાવી, "કારુ પણ મને માફી માંગવા માટે મજબૂર ન કરી શકે." એણે ફરી મુક્કો ઝીંક્યો.

          "હું ફક્ત મારા માતા-પિતા માટે દિલગીર છું, ફક્ત મારા લોકો માટે. બીજા કોઈ માટે નહીં."

          "આશ..." પદ્મા બોલી, "એ લોકો તને મારી નાખશે."

          "ભલે." એણે મોટા અવાજે કહ્યું, “મારે મારા માતા-પિતા સાથે રહેવું છે. મારે મરવું છે. તું જાણે છે કે મારા માતા-પિતા વિના આ વાહિયાત દુનિયા અધુરી છે.”

          પદ્મા એને કહેવા માંગતી હતી કે મેં પણ પિતાને ગુમાવ્યા પછી આ દુનિયા અધુરી લાગે છે - એ કહેવા માંગતી હતી કે તું સાચો છે પણ એ બોલી નહીં.

          "આશ, ભગવાનના નામે તું જે કરી રહ્યો છે એ બંધ કર."

          એનું ધ્યાન પદ્મા તરફ હતું એ પળે ભૂપતિએ મોકાનો ફાયદો લઈને એને દૂર ધકેલી દીધો. આશને શરીર પરથી દૂર ફંગોળીને એ ઊભો થયો. આશ બેઠો થવા ગયો પણ પદ્માએ એને પકડી લીધો. એણે એને એના ઘૂંટણથી એને જમીન પર દબાવી દીધો.

          "તારી જાત પર કાબુ રાખ નહિતર તારા લીધે બધા મરશે." પદ્માએ કહ્યું અને ઉમેર્યું, "મારી પાસે ભાગી જવાની યોજના છે. શાંત રહે નહિતર આપણા માતાપિતાના બલિદાન નકામા જશે." પછી એ મોટેથી બોલી, "શાંત રહે નહિતર આપણા માતાપિતાએ જે કર્યું છે એના પર પાણી ફરી વળશે."

          એ ભૂપતિ સામે ફરી. એ કપડાથી એના ચહેરા પરથી લોહી લૂછતો હતો.

          “ભૂપતિ...” એણે પહેલીવાર એનું નામ ઉચ્ચાર્યું, “મારે તમને કંઈક કહેવું છે.”

          "મારે તારી વાત કેમ સાંભળવી જોઈએ?" એણે લોહી જમીન પર થૂંક્યું, "આ ક્ષણે હું તને કેમ ન મારી નાખું?"

          "કેમકે અમને મારવાથી તમારા લોકોનું કંઈ ભલું નહીં થાય." એણે આશની છાતી પર એક હાથ દબાવ્યો અને પછી બીજો હાથ ભૂપતિ તરફ લંબાવીને કહ્યું, "મારી પાસે કંઈક એવું છે જે કારુના પુરસ્કાર કરતાં વધુ મૂલ્યવાન છે."

          "કારુના ઈનામથી વધુ મુલ્યવાન કંઈ ન હોઈ શકે." ભૂપતિએ કહ્યું.

          પદ્માએ એના હૃદય અને અવાજને શાંત કરી કહ્યું, "શું તમે અવતાર વિશે સાંભળ્યું છે?"

          ભૂપતિના ચહેરાના ભાવ બદલાઈ ગયા. ગુસ્સાની જગ્યાએ ત્યાં કુતૂહલ દેખાયું.

          "શું તેં અવતાર કહ્યું?" ભૂપતિએ નવાઈથી પૂછ્યું. આસપાસના એના લોકો અને પછી શૂન્યો પર નજર ફેરવી ઉમેર્યું, "તેં હમણાં જે કહ્યું એમાં મને રસ છે." એ થોડીવાર કંઈક વિચારતો હોય એમ લાગ્યું પછી એણે પોતાનો વિચાર રજુ કર્યો, "તમે કોઈ સામાન્ય શૂન્યો નથી કે જે રસ્તો ભૂલીને મારા શહેરમાં આવી ચડ્યા હોય...”

          પદ્માને થયું એ સાચો છે.

          “તમે મારા લોકોને લુંટવા આવેલા કોઈ લુંટારા પણ નથી. અને જો તેં હમણાં કહ્યું એમ અવતાર વિશે તમને કંઈ પણ ખબર હોય તો તમે મારા માટે કામના છો." ભૂપતિએ કહ્યું, “મને કંઈક એવું કહો જેથી હું તમને જીવતા રાખવા મજબુર બની જાઉં.”

          પદ્મા ખુશ થઈ પણ એ ખુશી એના ચહેરા પર વ્યક્ત ન થવા દીધી. એ હમણાં તો એમને મારશે નહીં એટલો હવે એને વિશ્વાસ હતો.

          "અમે એવું ઘણું જાણીએ છીએ જે જાણવા લાયક છે." એણે કહ્યું, "અને એક નેતા તરીકે તમે આ બધું જાણવા માંગતા હશો એમાં મને કોઈ શક નથી."

          ભૂપતિએ એને જવાબ ન આપ્યો પણ એના માણસો તરફ જોયું, "તમે સાંભળ્યું આ છોકરીએ શું કહ્યું?" એના માણસોએ હકારમાં માથું હલાવ્યું ત્યાં સુધી એ કઈ ન બોલ્યો પછી ઉમર્યું, "આ શૂન્યો પર નજર રાખો, મારે જાણવું છે કે આ છોકરી શું જાણે છે." પછી એણે પદ્માને કહ્યું, "ચાલ બહાર જઈએ - તું અને હું, એકલા."

          પદ્માએ હકારમાં માથું હલાવ્યું અને આશને કહ્યું, "કોઈ મૂર્ખાઈ ન કરતો."

          "તું એની ચિંતા ન કર. મારા સિવાય એને મારવાનો કોઈને અધિકાર નથી."  ભૂપતિએ કહ્યું અને એના માણસો તરફ જોયું, “તમે સાંભળ્યું? આ શાપિત છોકરાને કોઈ અડશે નહીં. એ મારો શિકાર છે.”

          એના માણસોએ માથું હલાવી સહમતી દર્શાવી.

          "ચાલો જઈએ." એણે કહ્યું અને દરવાજા તરફ ચાલ્યો. પદ્માએ એક નજર ગૃહમાં કરી અને એની પાછળ જવા લાગી. એ ઈમારત બહાર નીકળી ત્યારે સૂરજ ખાસ્સો એવો ઉપર ચડી ગયો હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED