Dashavatar - 75 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 75

          એ રાત્રે પદ્માને ફરી એ સપનું આવ્યું. એ માટીથી બનેલા એક મોટા ઘર પાસે ઊભી હતી. એ ઘર એની ઝૂંપડી જેવું જ હતું પણ માટીનું હતું અને ઘર નીચેની જમીન અસ્થિર હતી. એ જે જમીન પર ઊભી હતી એ ધ્રૂજતી હતી.  ભૂકંપ - એની મા બૂમો પાડતી હતી – ભૂકંપ.

          શેરીઓમાં લોકો જીવ બચાવવા આમતેમ દોડતા હતા. સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકો બધા જીવ બચાવવા દોડતા હતા. એની મા પાગલની જેમ રાડો પાડતી હતી, “આપણે એની સામે બળવો ન કરવો જોઈએ." 

          એકાએક બીજો અવાજ પદ્માના કાને પડ્યો, “કારુ ભગવાન આપણાથી રુઠ્યો છે.” એ અવાજ કોનો હતો એ એને ખબર નહોતી.

          "કારુનો પ્રકોપ...." કોઈ એકે કહ્યું.  

          “પ્રલય...” બીજા કોઈએ બૂમ પાડી.

          અને પછી પદ્માએ એ જોયું. સમુદ્ર એમની તરફ આગળ વધી રહ્યો હતો. એ ઝૂંપડીઓને જડમૂળથી ઉખાડીને આગળ વધતો હતો. ઝૂંપડીઓ આગળ લગાવેલા ફાનસના થાંભલાને તોડતો હતો અને રહેણાંક વિસ્તારને સાફ કરીને મેદાન બનાવી રહ્યો હતો. સમુદ્રનું પાણી એટલું ઝડપથી આગળ વધતું હતું કે એ પાણીનો કોઈ વિશાળકાય રાક્ષસ દીવાલની દક્ષીણના દરેકને ભરખી જવા આગળ વધતો હોય એવો ભાસ થતો હતો.

          એ ગભરાઈ ગઈ હતી. એ દોડવા માંગતી હતી પણ કોઈ કારણસર એ દોડી નહોતી શકતી. એ જાણતી હતી કે પાણી એને મારી નાખશે. જેમ પાણીએ બધી ઝૂંપડીઓ અને અંદરના લોકોને મારી નાખ્યા એમ એને પણ મારી નાંખશે અને છતાં એ એમને એમ ઊભી રહી. એ ન દોડી કારણ કે એની મા ત્યાં હતી. એની મા રડતી હતી અને બૂમો પાડતી હતી, "આપણે કારુની વિરુદ્ધ ન જવું જોઈએ, એણે આપણને સજા કરવા પ્રલય મોકલ્યો છે."

          એ એની મા પાસે દોડી ગઈ. એ પાણીના માર્ગમાં ઊભી હતી. એ એની નજીક પહોંચી ત્યારે પણ એ પાગલની જેમ બૂમો પાડતી હતી.

          "પ્રલય પાછો આવ્યો." એણે પદ્માની આંખોમાં જોઈને કહ્યું. એની આંખો પ્રલયના આતંકથી પહોળી થઈ ગઈ હતી, એનું મોં ખુલ્લું હતું અને બંને બાજુ એના હાથ લંબાવેલા હતા. એ પદ્માને ભેટવાની રાહ જોઈ રહી હોય એમ ઊભી હતી. પદ્મા એને ભેટી. માએ એના શરીરની આસપાસ એના હાથ વીંટાળ્યા. પદ્માએ એની આંખોમાં પાણી આરપાર આવતા પાણી તરફ જોયું. એ જાણતી હતી કે બંને થોડીવારમાં મરવાના છે.

          એકાએક એ જાગી ગઈ. ના, કોઈએ એને જગાડી હતી. એ જબકીને જાગી. એની આંખો ખુલી ત્યારે વહેલી સવાર હતી. એ જે ઇમારતમાં સુતા હતા એનો દરવાજો ખુલવાના આવજે એને જગાડી હતી. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે એ માંડમાંડ એની કોણીઓના સહારે જરાક બેઠી થઈ શકી.

          એણે આંખો ચોળી અને દરવાજા સામે નજર કરી. દસ કરતાં પણ વધુ લોકો હાથમાં વિવિધ હથિયારો - છરી, તલવાર, કુહાડી અને લાકડી સાથે અંદર આવ્યા. એમણે શૂન્ય, નિર્ભય, કે વેપારી કોઈનો પરિધાન પહેર્યો નહોતો.

          "સુપ્રભાત." એ અજાણ્યા લોકોમાંથી એક માણસ આગળ આવ્યો અને ઊંચા અવાજે કહ્યું. એની બાજુના અડધી બાયના પહેરણવાળા માણસે પાછળનો દરવાજો બંધ કરી દીધો હતો. એણે ખૂણામાંથી એક ખુરશી ખેંચી જે ગઈકાલે રાતે અંધારાને કારણે પદ્માએ જોઈ નહોતી. એ માણસે ખુરશી ગોઠવી એટલે સુપ્રભાત કહેનારો માણસ ખુરશી પર ગોઠવાયો. એ માણસ વિચિત્ર હતો. એણે બેઠક લીધી અને પદ્મા તરફ જોયું. એની આંખો ગૃહમાં ઊંઘતા શૂન્યો પર હતી.

          "ઉઠો અને મારા પ્રશ્નનો જવાબ આપવા તૈયાર થાઓ." પદ્માએ એની તરફ જોયું એ સાથે જ એ માણસે કહ્યું. એણે વિચિત્ર સ્મિત વેર્યું. એની નજર હવે પદ્મા પર સ્થિર થઈ હતી.

          એ સમજી ગઈ કે એ સત્તાધારી માણસ છે. એ ઉંઘ બહાર આવી ગઈ હતી છતાં ગઈ રાતનું સ્વપ્ન વાદળની જેમ એના મન પર છવાયેલું હતું.

          "શું?" પદ્માએ પૂછ્યું કારણ કે એ માણસે શું કહ્યું એ એને સમજાયું નહોતું. એણે આંખો બંધ કરી અને આંખોમાંથી સપનાની રહી સહી અસર દૂર થઈ. એણે એ માણસને બરાબર જોયો. એ ઊંચો હતો. એના કપડાં અલગ હતા. એ માણસે પહેરણ નહોતું પહેર્યું. પદ્માને ખબર નહોતી કે એ શું છે પણ એનું પહેરણ બટન વગરનું હતું છતાં એ દેવતાઓનો ઝભ્ભો પણ નહોતો એ નક્કી હતું. એ તેના શરીર પર ચપોચપ બેસતું હતું. એની સ્નાયુબદ્ધ છાતી વિશાળ હતી. એના ગળામાં એક લાંબું કાળું મફલર હતું. પદ્માએ યાદ કરવા કોશિશ કરી કે એણે આવો કોઈ માણસ આ પહેલા જોયો છે કે કેમ પણ એના જીવનમાં એવો ચહેરો જોયો હોય એવું કશું યાદ નહોતું.

          એ માણસ ઊભો થયો, નજીક આવ્યો અને પદ્માને લાત મારીને પૂછ્યું, "શું તું નેતા છે?"

          “ના.” એ એને કોઈ વિગત આપવા માંગતી નહોતી. કમ-સે-કમ એ માણસ કોણ છે એ જાણ્યાં પહેલા એ કોઈ જવાબ આપવા માંગતી નહોતી.

          "તો પછી તમારો નેતા કોણ છે?"

          "અમારો કોઈ નેતા નથી." પદ્માએ કહ્યું અને ફરીથી એણે એને લાત મારી. એનો મજબૂત પગ એના પડખામાં અથડાયો. એના શરીરમાં પીડા થઈ અને મોંમાંથી રાડ નીકળી ગઈ.

          "તું એમ કહેવા માંગે છે કે કોઈ નેતા કે આગેવાની વિના તમે આ શહેર સુધી પહોચી ગયા?" પદ્માએ એની આંખોમાં રોષ જોયો, "મને મૂર્ખ સમજવાની ભૂલ કરી તો મરવાનો વારો આવશે, છોકરી." એણે છરી કાઢી અને પદ્માના ગળા પર મુકી.

          "તમારામાંથી કેટલા લોકો શહેરમાં પ્રવેશ્યા છે?" આ પ્રશ્ન સાંભળી એની આંખો સામે એ બધા કેનાલમાં કુધા એ દૃશ્ય તાજું થયુ.

          "શું વિચારી રહી છો, છોકરી?" એણે ગુસ્સાથી કહ્યું, "મને કહે કે તમારામાંથી કેટલા શહેરમાં પ્રવેશ્યા છે અને તમારો ઈરાદો શું છે?"

          પદ્માએ જવાબ ન આપ્યો. માત્ર એની તરફ તાકી રહી. એનો ચહેરો એકદમ અલગ હતો. નિર્ભય અને વેપારીઓ કરતા પણ અલગ. એ દેવતા નહોતો.

          છેલ્લો વિકલ્પ લોક પ્રજા હતો.

          "શું તમે લોક છો?" પદ્માએ પૂછ્યું.

          જવાબના બદલે એના જડબા પર મુક્કો અથડાયો પછી શબ્દો સાંભળ્યા, "જો હું તારી જગ્યાએ હોઉં તો સામે પ્રશ્ન કરવાની ભૂલ ક્યારેય ન કરું."

          "મને ડર છે કે મારી પાસે બીજા વિકલ્પ નથી." એ એના જડબા ઉપર હાથ ફેરવતી બોલી, "જો હું તમને સાચું કહીશ તો તમે મને મારી નાખશો."

          "કેમ?" એના ચહેરા પર આશ્ચર્યના ભાવ દેખાયા. 

          પદ્માએ પોતાના લોકો તરફ જોયું. એ ઘૂંટણ પર હતા. શું થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરતા હતા. સરોજા એનાથી કેટલાક ડગલાં દૂર હતી. એ ધ્રૂજતી હતી.

          "મારી સામે જો, છોકરી," એણે કહ્યું, "જો તું જૂઠું બોલીશ તો કોઈ ફાયદો નહીં થાય.”

          પદ્માએ માથું હલાવ્યું.

          "હવે મને સાચું કહે." એણે પૂછ્યું, "મને કહે કે તમારામાંથી કેટલા શહેરમાં પ્રવેશ્યા છે?"

          પદ્મા ઘૂંટણ પર બેઠી હતી. એક અજાણ્યા માણસે એની ગરદન પર છરી મૂકેલી હતી, "મને ખબર નથી." એ બોલી, "અમને ખબર નથી."

          "શું તારી ઈચ્છા મરવાની છે?" વિચિત્ર માણસનો ચહેરો બદલાયો.

          "મને મોતની પરવા નથી." એણે છેલ્લા દિવસને યાદ કરીને હિંમતભેર કહ્યું, "મેં એને ખૂબ નજીકથી જોયું છે."

          "ઓહ!" એ વિચિત્ર માણસ હસ્યો, "બહાદુરી, પણ મારા પર વિશ્વાસ કર, આ વખતે મૃત્યુ ખાલી હાથે નહીં જાય." એ એના ઉપર ઝૂક્યો, "હવે મને સાચું કહે."

          "જ્યાં સુધી મને ખબર ન પડે કે કોણ મારી પૂછપરછ કરી રહ્યું છે ત્યાં સુધી હું કોઈ જવાબ નહીં આપું." પદ્માએ ધાર્યું હતું એના કરતાં પોતે વધારે બહાદુર હતી, "તમને નથી લાગતું કે જો આપણે એકબીજાને જાણી લઈએ તો વાતચીત કરવી સરળ રહેશે?"

          એની બાજુમાં ઊભેલા માણસે પગ ઊંચો કર્યો પણ સવાલો કરતા માણસે એને અટકાવ્યો.

          "તો તું નેતા છો?" એણે કહ્યું, "શું હું સાચો છું?"

          પદ્માએ માથું હલાવ્યું, આજુબાજુ જોયું. એની આસપાસના શૂન્યોએ એને એમના નેતા તરીકે પસંદ કરી હતી અને એટલે જ એ બોલતી હતી ત્યાં સુધી કોઈ બોલ્યું નહોતું.

          "તો શું તમે કોણ છો અને પરવાનગી વિના અમારા શહેરમાં કેમ પ્રવેશ્યા છો એ જાણ્યાં પહેલા મારે તમને જણાવવું જોઈએ કે હું કોણ છું?" એના અવાજમાં ગુસ્સો વધી રહ્યો હતો, "શું તને લાગે છે કે હું એમ કરીશ?"

          "આપણે એક સરળ રસ્તો અપનાવીએ?" પદ્માએ કહ્યું પણ એ માણસે એને વચ્ચે અટકાવી કહ્યું, “મેં હજુ બોલવાનું પૂરું નથી કર્યું."

          "ઠીક છે." પદ્માએ માથું હલાવ્યું.

          “હું આ શહેરનો માલિક છું અને મારા લોકો મને એમનો નેતા માને છે. એમને દરેક મુશ્કેલીથી દૂર રાખવા એ મારી ફરજ છે. તમે અચાનક આવી ગયા છો અને અમને ખબર નથી કે તમે કોણ છો અને તમારો ઈરાદો શું છે." એણે બધા શૂન્યો તરફ નજર કરી, "તમને શું લાગે છે કે જો તમે તમારું મોં નહીં ખોલો તો તમે કેટલો સમય જીવી શકશો?"

          "તમારી વાત પૂરી થઈ?" એ અટકી ગયો એટલે પદ્માએ પૂછ્યું.

          એણે માથું હલાવ્યું.

          "અમે તમને બધું કહીશું પછી તમે અમને મારી નાખશો નહીં એની શું ખાતરી?" એણે પૂછ્યું, "તમે મારી પાસેથી તમને જાણ્યાં વગર વિશ્વાસ કરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો?"

          બોલ્યા પછી પદ્માને ભાન થયું કે પોતે ઘણી હિંમત બતાવી છે અને ઘણું બોલી ગઈ છે. ભારે શ્વાસ સાથે એની છાતી ધબકતી હતી. એ એક જ શ્વાસમાં ઘણું બધું બોલી ગઈ હતી. એની સામેનો માણસ વિચિત્ર હતો. એની આંખો શિકારી જેવી હતી અને એમાં કોઈ શંકા નહોતી કે એ એક ખતરનાક માણસ હતો.

          પદ્માએ હળવા શ્વાસ લેવા માટે પોતાની જાતને દબાણ કર્યું અને એની તરફ જોયું, "છેલ્લા દિવસ સુધી અમે 230 લોકો હતા પરંતુ હવે અમે 36 છીએ. એ પણ જો અમે સૂતા હતા ત્યારે કોઈ ન મર્યું હોય તો." એની આંખો ભીની થઈ ગઈ, "અમે અમારી આંખો સામે અમારા માતા-પિતાને મરતા જોયા છે અને..." એનો અવાજ લાગણીમાં ગૂંગળાયો, "અમે કોઈના પર વિશ્વાસ કરવાની સ્થિતિમાં નથી." એ બોલી અને જવાબની રાહ જોઈ રહી. બધી અજાણી આંખો પણ એને જોઈ રહી હતી.

          એક પળ મૌનમાં પસાર થઈ પછી એ માણસ બોલ્યો, "તમારી સાથે જે ભયાનક ઘટનાઓ બની એ વિશે સાંભળીને મને દુખ થયું." એણે એના માણસો તરફ જોયું અને પછી પદ્મા તરફ જોયું, “પરંતુ હું અહીં છું તેથી મારા લોકો સાથે આવી ભયાનક ઘટનાઓ ન ઘટે. અમને બધું સાચું કહે. જો તમે અમારા માટે જોખમી ન હોવ તો અમે તમને મદદ કરીશું.”

          પદ્માએ ધીમેથી માથું હલાવ્યું. એ આંસુ ન રોકી શકી, "અમે દીવાલની દક્ષીણના છીએ." એ બોલી, “અમે કેનાલ પાસે એક ઇમારતમાં કામ કરી રહ્યા હતા અને એ પછી નિર્ભયની ટુકડી આવી અને અમને મારવાનું શરૂ કર્યું. અમારા માતા-પિતા લડ્યા પરંતુ એમણે એમને મારી નાખ્યા.” એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આસપાસના કેટલાક શૂન્યોને પણ રડતા લાગ્યા, "અમારા માતા-પિતાએ અમને બચાવવા માટે એમના જીવનું બલિદાન આપ્યું. જ્યાં સુધી અમે કેનાલ પર પહોંચ્યા અને પાણીમાં કૂદી ગયા ત્યાં સુધી એમણે નિર્ભય સામે મુકાબલો કર્યો."

          "શું તમારી સાથે નિર્ભય નહોતા?" એ માણસે પૂછ્યું. “શું કોઈ નિર્ભય તમારી તરફેણમાં નહોતો?”

          "અમારી પાસે હતો."

          "એણે તમને મદદ ન કરી?"

          "એણે પરોક્ષ મદદ કરી. એણે અમને સવારે ચેતવણી આપી હતી અને અમને ભાગી જવા માટે કહ્યું હતું પરંતુ જે ક્ષણે અમે વસ્તુઓ ભેગી કરી અને ભાગી જવાની તૈયારીમાં હતા ત્યારે બીજી ટુકડીએ હુમલો કર્યો."

          "શું તમે જાણો છો કે એમણે શા માટે હુમલો કર્યો?"

          "દીવાલની દક્ષીણમાં બળવો થયો છે એટલે. એ સજા તરીકે અમારા મૃતદેહોને આગગાડીમાં મોકલવા માંગે છે."

          "કારુ આપણને આ શૂન્યોના બદલામાં મોટું ઇનામ આપશે." કોઈ બોલ્યું. 

          પદ્માએ સાંભળ્યું અને એનું હૃદય એક ધબકારો ચુકી ગયું. 

          "ના, આપણે આ શુન્યોને દેવતાઓને હવાલે કરીશું અને એ આપણને કંઈક જાદુ આપશે." બીજો બોલ્યો..

          "જો આપણે એમને શોધી રહેલા સૈનિકોને આપીએ તો શું?" ત્રીજો એક એમના નેતા પાસે આવ્યો, "શું એ આપણને ઇનામ તરીકે અનેક હથિયાર નહીં આપે?"

          એમની દરેક ટિપ્પણી સાથે પદ્માના ધબકારા વધી રહ્યા હતા.

          "તમે લોકો તમારી રીત ભૂલી ગયા છો?" એમના નેતાએ એના માણસોને દૂર ધકેલી દીધા, "શું તમે ભૂલી જાઓ છો કે હું ભૂપતિ છું અને હું જ આ શહેરનો નેતા છું?"

          "હા હું જાણું છું." ભૂપતિએ જે માણસને ધક્કો માર્યો હતો એ માણસે પોતાની જાતને સ્થિર કરતા કહ્યું, "પણ આપણે દરેક નિર્ણય મત ગણીને લઈએ છીએ."

          "નીન, તું તારી મર્યાદા પાર કરી રહ્યો છે." ભૂપતિએ કહ્યું. પદ્માને લાગ્યું કે ભૂપતિએ એના માણસો પાસેથી આવા પ્રશ્નોની અપેક્ષા નહોતી કરી. "નિર્ણય મારો હશે."

          "મત..." નીને કહ્યું.

          "મત નિર્ણય લેશે." બીજાએ પણ કહ્યું અને પછી બાકીના લોકો એની પાછળ બૂમો પાડવા લાગ્યા.  ફક્ત બે જ લોકો કંઈ ન બોલ્યા - એક કિશોરવયનો છોકરો અને એક છોકરી જે ઉંમરમાં પદ્મા કરતા નાની દેખાતી હતી.

          "તો તમે એમને કારુને સોંપવા માંગો છો?" ભૂપતિએ એના માણસો તરફ જોયું, “શું તમે પાગલ છો? એકવાર આપણે એમને સોંપીશું આપણે પણ એમની નજરમાં આવી જઈશું.  કદાચ એ આપણને પણ શંકાની નજરથી જોશે.”

          "જો એ આપણા પર શંકા ન કરે તો આ શહેરમાં કોઈ સમસ્યા નહીં હોય." નીને કહ્યું, “કારુ આ શહેર પર મહેરબાન હશે તો અહીં જીવન સ્વર્ગ બની જશે.”

          એના અવાજને અનુસરીને બાકીના પણ બૂમો પાડવા લાગ્યા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED