પ્રિયજન - પુસ્તક સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિયજન - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- પ્રિયજન

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'પ્રિયજન' પુસ્તકના લેખક વીનેશ દિનકરરાય અંતાણીનો જન્મ 27 જૂન 1946ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. કર્યું. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. તેમણે કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી કરી. 1970 થી 1975 સુધી ભુજમાં અધ્યાપન કર્યું. ત્યારબાદ વીસેક વર્ષ આકાશવાણીમાં ભુજ, અમદાવાદ, વડોદરા, મુંબઈ તથા ચંડીગઢ કેન્દ્રો પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવથી માંડીને સ્ટેશન-ડિરેક્ટર સુધીની કામગીરી કરી. 1995માં આકાશવાણીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ, 1995થી 1998 સુધી ‘ઇન્ડિયા ટુડે’(ગુજરાતી)ના સંપાદક તરીકે કામગીરી બજાવી. સર્જક તરીકે તેમણે આધુનિકતા તથા પરંપરાના સંસ્કાર ઝીલ્યા છે.

તેમણે નગરવાસી (૧૯૭૪), એકાંતદ્વીપ (૧૯૭૫), પલાશવન (૧૯૭૯), પ્રિયજન (૧૯૮૦), આસોપાલવ (અને ચોથા માળે પીપળો) ‍(૧૯૮૦), અનુરવ (૧૯૮૩), બીજું કોઈ નથી (૧૯૮૩), સૂરજની પાર દરિયો (૧૯૮૪), જીવણલાલ કથામાળા (૧૯૮૬), ફાંસ (૧૯૮૭), કાફલો (૧૯૮૮), સર્પદંશ (૧૯૮૯), નર્વંશ (૧૯૯૦), પાતાળગઢ (૧૯૯૨), લુપ્તનદી (૧૯૯૩), અહીં સુધીનું આકાશ, ધુંધભરી ખીણ (૧૯૯૬), ધાડ (૨૦૦૩), અંતર્ગત (૨૦૦૨), સરોવર (અને ફાર્મ હાઉસ) અને અમે અજાણ્યા (૨૦૦૬), તથા મારી સુલભા જેવી નવલકથાઓ લખી છે. તેમના પુસ્તક ધુંધભરી ખીણમાં પંજાબમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રહેતા લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની નવલકથાઓનું હિન્દીમાં નગરવાસી, કાફિલા અને ધુંધભરી વાદી અને ઓડિયામાં ધૂમરાભા ઉપાટ્યકા તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે. હોલારવ (૧૯૮૩), રાંઝણવું (૧૯૮૯), અહીં કોઈ રહેતું નથી, પાછા વળવું અને તને ખબર નથી, નીરુ (૨૦૦૮) એ તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. પોતપોતાનો વરસાદ (૧૯૯૨), ત્યાં મારૂં ઘર હતું (૨૦૦૪), આત્મની નદીના કાંઠે અને ધુમાડાની જેમ તેમના નિબંધોનો સંગ્રહ છે. ડૂબકી શ્રેણી હેઠળના તેમના નિબંધોમાં ડૂબકી, મરજીવા, કોઈક સ્મિત, સુગંધ અને સ્મૃતિ, સાત સેકન્ડનું અજવાળું, સોનેરી બંડનો સમાવેશ થાય છે. ગુજરાતી નવલિકાચાયન: (૧૯૯૪-૯૫) - ટૂંકી વાર્તાઓ, ૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ) અને ગામવાતો (મણિલાલ એચ. પટેલના નિબંધો) તેમના સંપાદનો છે. તેમની કૃતિઓને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઇનામો મળ્યા છે.

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : પ્રિયજન

લેખક : વીનેશ અંતાણી

પ્રકાશક : આર.આર.શેઠની કંપની, અમદાવાદ

કિંમત : 160 ₹.

પૃષ્ઠ સંખ્યા : 148

 

બાહ્ય મૂલ્યાંકન:-

'એક ચહેરે પે કંઈ ચહેરે લગા લેતે હૈ લોગ' ની જેમ પુસ્તકના મુખપૃષ્ઠ ચહેરા પર ચહેરા ઉપસાવેલા દેખાય છે, જે નાયિકાની મન:સ્થિતિ સૂચવે છે અને પ્રસ્તુત કથા વિશે વાચકને સૂચિત કરે છે. બેક કવર પર વાર્તાના સારાંશ રૂપ વાર્તાનો જ એક પેરા મૂકવામાં આવ્યો છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

પુસ્તક પરિચય:-

કિશોરાવસ્થામાં પ્રેમ કરતા નિકેત અને ચારુ. કોઈ કારણસર બંનેએ અલગ થવાનું વિચાર્યું અને વર્ષો પછી બંને એ જ ગામમાં,એ જ દરિયાકિનારે, એ જ ઘરમાં મળી ગયા. બંનેને એકબીજાના જીવન વિશે કંઈ ખબર નથી. બંને ચારેક દિવસ સાથે જ રહે છે એ દરમિયાન બંનેના જીવનની વાતો ખુલતી જાય છે. બંને સુખી જ છે. બંનેના પાર્ટનર પ્રેમાળ અને સમજુ, છતાં કંઈ ખૂટ્યું છે જીવનમાં. બંને ઘણી વાતો કરે છે. અનેક દોર બંધાય ને સંધાય છે. આખી વાત એવી છે કે જ્યાં કોઈ દોષી નથી, સંજોગો પણ નહિ.

‘પ્રિયજન’માં લગ્નસંબંધથી નહિ જોડાયેલાં પ્રેમીઓ નિકેત અને ચારુ પ્રૌઢ વયે અનાયાસ મળી જાય છે અને ભૂતકાળના પ્રણયસંબંધને મૂલવે છે. લેખકની મોટાભાગની નવલકથાઓમાં સ્ત્રી-પુરુષના સંબંધને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવા, સમજવા, તાગવાનો ઉપક્રમ રહ્યો છે. ‘પ્રિયજન’ એક અદ્ભુત પ્રણયકથા છે. સામાન્યતઃ પ્રેમકથાઓમાં પ્રેમને મળતી પીડા કે વેદનાની કથા હોય છે પણ પ્રિયજન પોતાની સંપૂર્ણતા, પોતાના સંતુષ્ટ અભિગમનાં લીધે એક ઐતિહાસિક નવલકથા બની જાય છે. અહીં કોઈ રિબાતું નથી. આ એક એવી વિશેષ કથા છે જે સંપૂર્ણતામાંથી જન્મ લે છે. વિનેશ અંતાણીએ ‘પ્રિયજન’માં માનવીના એ અભિગમને પ્રસ્તુત કર્યો છે કે સંઘર્ષ માત્ર અપૂર્ણતા કે અસંતોષમાં જ નથી, ક્યારેક બે પૂર્ણતા વચ્ચે પણ સંઘર્ષ નો ઝબકારો થતો રહે છે.

પ્રથમ દૃશ્ય જ સંપૂર્ણ કથાને રૂપાત્મક ઉઘાડ આપે છે.

“ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી.

એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી દેખાતું દરિયાનું દૃશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણમાં વાવેલું સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે. દરિયાના અને મનના તે વિભાગ પડી શકે? ચારુએ વિચાર્યું.”

આગળ શું થયું એ જાણવા તો તમારે આ નવલકથા વાંચવી જ પડે.

 

શીર્ષક:-

પ્રિય વ્યક્તિઓ વચ્ચે રહેતા છતાં પ્રિયને શોધતા બે પ્રેમીઓની કથા હોવાથી શીર્ષક 'પ્રિયજન' યોગ્ય જ‌ જણાય‌ છે.

 

પાત્રરચના:-

લેખકની રચનાઓમાં મોટાભાગનાં પાત્રો લગભગ એક જ સ્તરના હોય છે; બુદ્ધિ અને સંવેદનના સંઘર્ષ થકી સમજ પ્રગટાવવા તેઓ મથતા હોય છે. અહીં ચારુ, દિવાકર, નિકેત, ઉમા જેવા જીવંત પાત્રો છે તો આખી વાર્તાનો સાક્ષી બનતો દરિયો એક પ્રાકૃતિક પાત્રની ભૂમિકા ભજવે છે.

 

સંવાદો/વર્ણન:-

પ્રકૃતિ તથા પરિવેશનાં વર્ણનો દ્વારા પાત્રોના ભીતરને દૃશ્યાત્મક રીતે ઉઘાડતા જવાનો કસબ લેખક પાસે છે. જેમ-જેમ કથા આગળ વધે છે, અનેક પ્રશ્નો ઉકેલાતા જાય છે તથા નવા પ્રશ્નો ઉદભવતા રહે છે. અંત તરફ પ્રયાણ કરતા કેટલાક સંવાદો ચારુ અને નિકેતની અપેક્ષાની સાથે-સાથે વાચકને પણ સંતોષ આપે છે.

 

ચારુ : “તને કશું જ નહીં થાય. ને મરવું હોય તો ઉમાના ખોળામાં મરજે. મારી પાસે તો ખાવું જ પડશે."

નિકેત : “તું કોની વાત કરે છે, ચારુ? ખવરાવે છે મને ધમકાવે છે  દીવાકરને?”

ચારુ  : “જિંદગી આખી દિવાકર સાથે જીવી તો પણ અંદર નિકેત પણ જીવ્યો. અત્યારે નિકેત સામે બેઠો છે તો અંદર દિવાકર પણ સતત જીવાય છે.”

નિકેત: “એવું જ કંઈક. જ્યારે જ્યારે તું મને યાદ આવી છે ત્યારે કોઇપણ જાતના મહોરા કે આવરણ વિના મેં એ ક્ષણને ભરપૂર રીતે સંવેદી છે-એ વાતની કબૂલાત કરું છું.”

નવલકથાનું અંતિમ દૃશ્ય પણ પ્રતિકાત્મક છે. ચારુને મળવા એનો પુત્ર આવવાનો છે ત્યારે નિકેતની હાજરી કોઈ ગેરસમજ ઉભી ન કરે એટલે એ ત્યાંથી વિદાય લેવાનો નિર્ણય લે છે. જે ટ્રેનથી પુત્ર આવશે એ જ ટ્રેનથી નિકેતને જવાનું છે. એક સુખનું આગમન અને એકની વિદાય. ચારુનું અંતિમ વાક્ય તમામ અપેક્ષાઓ પૂરી કરે છે.

“તું જાય છે ને, નિકેત, એટલે અંદર એવું લાગે છે કે જાણે દીવાકર આજે બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે.”

 

લેખનશૈલી:-

સહજ કલ્પનો, પ્રતીકો ઉપસાવતી શૈલી તથા ઘૂંટાઈને પ્રગટ થતાં સંવેદનોથી તેમની નવલકથાઓ સઘન બની છે. આકાશવાણીના અનુભવને કારણે કથાનાં સંકલન-સંયોજનમાં રેડિયો-નાટકની ટૅકનિક તેમને ખપ લાગે છે. વળી શબ્દ દ્વારા, નાદ દ્વારા દૃશ્યો ઉપસાવવાની કળા પણ તેમને સહજસિદ્ધ છે. શ્રી વિનેશ અંતાણી સંવેદનાઓના લેખક છે. એમની કલમમાંથી ઉતરેલી સંવેદનાઓ હૃદયને માત્ર સ્પર્શતી જ નથી, પરંતુ હૃદયમાં વસી જાય છે. વાચક દીર્ઘકાલ સુધી  એ સંવેદનાઓથી પ્રભાવિત રહે છે. 'પ્રિયજન'ની શૈલી સરળ, રસાળ અને ભાવવાહી છે, જે વાચકને અંત સુધી જકડી રાખે છે અને વર્ષો સુધી વાચક 'પ્રિયજન'ને ભૂલી શકતો નથી.

 

વિશેષ મૂલ્યાંકન:-

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક વિશેષ વિક્રમ, એક જ અઠવાડિયામાં લખાયેલી તથા બીજા જ વર્ષે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત બે નવલકથાઓમાંની એક નવલકથા એટલે ‘પ્રિયજન’. શ્રી વિનેશ અંતાણી કહે છે કે, “સર્જકની દરેક કૃતિ પોતાની આગવી નિયતિ લઈને જન્મે છે.” 1980 થી 2020 સુધી આ પુસ્તક 18 વખત પુનર્મુદ્રિત થયું છે. લેખક પોતે પ્રસ્તાવનામાં કહે છે એવું ન બને કે લગ્નજીવનમાં ન પરિણમી શક્યો હોય તેવો પ્રણય પણ વ્યક્તિના જીવનનું પ્રારંભિક અવલંબન બને? પ્રણય વિચ્છેદ પછી પણ વ્યક્તિના જીવનમાં જે બીજા પાત્રો આવે તેમની પાસેથી પણ ઉત્કટ પ્રેમ અને સમજણ મળે. પૂર્વરાગની વિફળતા, સભર દામ્પત્યજીવનમાં વિઘાતક અસર ન કરે, પણ દામ્પત્યજીવનની સફળતા માટે જરૂરી એવી સમજણ જગાવવામાં અને પ્રણયને દૃઢ કરવામાં ઉપકારક બની શકે. પ્રણયના બંને અનુભવો સમાંતર વહીને જીવનને ભરપૂર બનાવી ન શકે.? આ જ સંભાવના આ કથામાં બખૂબી વણાઈ છે.

 

મુખવાસ:-

'પ્રિયજન' એટલે પતિ-પત્ની અને પ્રેમી-પ્રેમિકા વચ્ચે જીવાઈ ગયેલા સફળ પ્રેમ વચ્ચે જન્મતા સંઘર્ષની કથા.