Silence please books and stories free download online pdf in Gujarati

સાયલન્સ પ્લીઝ

પુસ્તકનું નામ:- સાયલન્સ પ્લીઝ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

ડૉ. આઈ. કે. વીજળીવાળા એ ગુજરાતી સાહિત્યના લેખકગણમાં ખૂબ પરિચિત અને પ્રસિદ્ધ નામ છે. વ્યવસાયે બાળ રોગ નિષ્ણાંત અને મૂળ ભાવનગરના વતની ડૉક્ટર યુનુસ કાસમભાઈ વીજળીવાળા, જેમને સૌ ડૉ.આઈ. કે. વીજળીવાળા તરીકે વધુ ઓળખે છે. જેમના પુસ્તકો વાંચીને તમારી આંખો ભીની થાય, સમાજસેવામાં પોતાનું જીવન આપનાર, લાખો ગુજરાતીઓની લાગણીનું સરનામું એટલે ડૉ. આઈ. કે. વીજળીવાળા. તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો મોતીચારો શ્રેણી અંતર્ગત મોતીચારો, અંતરનો ઉજાસ, અમૃતનો ઓડકાર, હૂંફાળા અવસર, મનનો માળો, પ્રેમનો પગરવ એમ કુલ છ પુસ્તકો સમાવિષ્ટ છે. સાયલન્સ પ્લીઝ શ્રેણી અંતર્ગત સાયલન્સ પ્લીઝ, કાળની કેડીએથી, સમયને સથવારે એમ કુલ ત્રણ પુસ્તકો મળે છે. બાળસાહિત્યમાં ઉંદરભાઈને આંખો આવી (બાળકાવ્યો), હીરાનો ખજાનો ( કિશોર સાહસકથા), Diamond of congo basin (કિશોર સાહસકથા) તથા બે સાહસકથાઓ સાથીદારની શોધમાં અને લોલટુનની ગુફાઓમાં પ્રાપ્ત થાય છે. બાળ આરોગ્ય વિષયક બે પુસ્તકો બાળકોના ચેપી રોગો અને બાળ આરોગ્ય શાસ્ત્ર પણ તેમણે લખેલા પુસ્તકોમાં જ આવે છે. તો અન્ય સાહિત્યમાં અજોડ તથા સાચું શું અને ખોટું શું? આ બે પુસ્તકોનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત અંતરિક્ષની સફરે, બર્મ્યુડા ટ્રાંયેગલ, શબ્દની સુગંધ, અગાર્થાની સફરે , ભોલુ, ઓક્સિજન, બિંબૂ મદનિયાના પરાક્રમો, ગુરૂ, વગેરે જેવા પુસ્તકોનું લેખનશ્રેય પણ આ લેખકના ફાળે જાય છે. તેમની નવલકથાઓ 'અખેનાતન', 'લકી' અને 'પ્રોજેક્ટ લાયન' ટૂંક સમયમાં જ ખૂબ લોકપ્રિય બની છે.

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : સાયલન્સ પ્લીઝ

લેખક : ડૉ. આઈ.કે. વીજળીવાળા

પ્રકાશક : ઈમેજ પ્રકાશન પ્રા. લિ. અમદાવાદ

કિંમત : 60 ₹.

પૃષ્ઠ સંખ્યા : 113

(હવે આ પુસ્તક આર.આર.શેઠ પ્રા. લિ. દ્વારા પુન: મુદ્રિત થયું હોવાથી ત્યાં પણ ઉપલબ્ધ છે.)

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક અને ઉત્સુકતા સર્જક છે. શાંત દરિયાકિનારો, દરિયાની રેત પર એકલું ઊભેલું શાંત સ્થિર વૃક્ષ, સ્વચ્છ વાદળાઓથી ખચખચિત ચોખ્ખું ચટ્ટ આકાશ 'સાયલન્સ પ્લીઝ!' શીર્ષકની યથાર્થતા સૂચવે છે. બેક કવરપેજ પર ડૉ. પ્રવીણભાઈ સી. શાહે સુંદર પ્રતિભાવ આપ્યો છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

પુસ્તક પરિચય:-

આ પુસ્તક 'સાયલન્સ પ્લીઝ!' સત્ય ઘટના પર આધારિત છે.આ પુસ્તકમાં લેખકે પોતાના અનુભવ આધારિત ઘટનાઓ પ્રસ્તુત કરી છે. કદાચ આ વાતો માણસની જિંદગીનુું એક સાવ સાદુું પ્રતિબિંબ કેવુું હોય એ વ્યકતકરવાનો આશય માત્ર છે. ડૉ. આઈ. કે. વીજળીવાળા દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'સાયલન્સ પ્લીઝ!' તેમના અભ્યાસકાળ અને કારકિર્દી દરમિયાન થયેલ અજબ-ગજબ અનુભવોનો એક સંગ્રહ છે. આ પુસ્તકમાં કુલ એકવીસ જેટલાં અનુભવો કહેવામાં આવ્યા છે. આ તમામ અનુભવ આપણા હૃદયને સ્પર્શી જાય તેવા છે. આ પુસ્તકમાં લખાઈ છે માણસના મનની વાત, એના વાણી, વર્તન, સંઘર્ષોની વાત, માનવજીવનનું પરમ લક્ષ્ય એ માનવતાની વાત.

શીર્ષક:-

આમ તો શાયરો કહે છે કે 'નામ મેં ક્યા રખા હૈ' પણ પુસ્તકની અડધી‌ કથા તો તેનું શીર્ષક જ કહી દેતું હોય છે. અહીં પુસ્તકના શીર્ષક 'સાયલન્સ પ્લીઝ!' વિશે કહીએ તો પુસ્તકના ઘણાં લેખો એટલે કે અનુભવો એવા છે જેમાં કદાચ માનવ કશું જ ના કરી શકે અને એવી પરિસ્થિતિમાં ફક્ત ચૂપચાપ ઊભા રહીને જોવાનું જ રહે. આવા અનુભવો માટે કુદરતે આપણા મોઢે મૂકેલી આંગળી અને કરેલો ઈશારો એટલે 'સાયલન્સ પ્લીઝ!' ક્યાંક કોઈ પરિસ્થિતિ જ એટલી નાજુક હોય કે પાંદડું હલવા જેટલો અવાજ પણ ઘટનાની દિશા બદલી શકે. ત્યારે અંતરમનમાં અનુભવાતું પિનડ્રોપ સાયલન્સ એટલે 'સાયલન્સ પ્લીઝ!'

પાત્રરચના:-

આમ તો આ પુસ્તકના દરેક પાત્રો જીવંત છે, લેખકે પોતે અનુભવેલા છે એટલે પાત્ર પસંદગી કે એના ચરિત્ર ચિત્રણ વિશે કોઈ શંકા જ ન હોય શકે, છતાં કેટલાક મનમાં પેસી ગયેલા પાત્ર વિશે વાત કરીએ તો પોતાના હક્કના હજારો રૂપિયા જતાં કરીને પણ થોડામાં સંતોષ માનતા નાયરની વાત ખરેખર એક વખત તો કોઈ પણ વ્યક્તિને વિચારતો કરી જ દે એવી છે. આવા તો કંઈ કેટલાય ખુમારીભર્યા પાત્રો આ અનુભવ કથાઓમાં સમાવિષ્ટ છે. બધા પાત્રો ફિલ્મના હીરોની જેમ અજરઅમર અને સુપરપાવરથી યુક્ત હોય એવું અહીં થતું નથી. અહીં કેટલીક કથાઓમાં નાયક નિષ્ફળ થતા પણ જોવા મળે છે. એટલે કે બધી જ વાતો સુખાંત નથી. કેટલીક હૃદયને હચમચાવી મૂકે એટલી હદે દુઃખાંત પણ છે. ન સ્વીકારી શકાય એવો અંત હોવા છતાં તે ઈશ્વરની અકળ હાજરીનો અગમ્ય અહેસાસ કરાવે છે. આ કથાઓના પાત્રો માનવીની શક્તિ મયાર્દાની સમજણ આપે છે અને સંઘર્ષો કે દુઃખો સામે લડવાનું જીવનબળ પૂરું પાડે છે.

સંવાદો/વર્ણન:-

પોતાના જીવનમાં થયેલા કડવા મીઠા અનુભવોનું અહીં કથા સ્વરૂપે રસપ્રચુર વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ અનુભવોમાં - ક્યાંક ચમત્કાર તો ક્યાંક આઘાત, ક્યાંક અઢળક પ્રેમ જે કદાચ સગી મા પણ પોતાના સંતાનને ના કરી શકે, તો વળી ક્યાંક સમય સામે વિજ્ઞાન પણ વિવશ છે એવું જોવા મળે છે. ક્યાંક ક્યાંક જોવા મળતા સંવાદો વાચકને એ અનુભવમાંથી પસાર કર્યા વિના રહેતા નથી. એક વાર આ પુસ્તક લઈને બેસો એટલે એક જ બેઠકે વાંચી જવાનું મન થાય એવું છે અને આરામથી બે'ક કલાકમાં વાંચી શકાય એમ છે, પણ એ વાંચીને પ્રગટતા વિચારો કેટલાય દિવસો સુધી ચાલશે, એ નક્કી.

લેખનશૈલી:-

‘સાયલન્સ પ્લીઝ!’ પુસ્તકની લેખનશૈલી સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે, વાચકને રસ પડે તેવી છે. વાચક પહેલેથી અંત સુધી જોડાયેલો, જકડાયેલો રહે એવી છે. આ અનુભવ કથાઓ તમારી વિચારગતિને ને વિચારધારાને પણ બદલી શકે છે. તે ખૂબ સરળ, લાગણીસભર અને જીવનમૂલ્યોથી ભરપૂર છે. આ કથાઓ આપણામાં શ્રદ્ધા, માંગલ્ય અને આનંદ સીંચીને શાતા આપે છે.

વિશેષ મૂલ્યાંકન:-

જો તમે પ્રેક્ટિકલ છો તો કદાચ તમને આ પુસ્તક નહીં ગમે પણ જો તમે સેન્સિટીવ છો કે સેન્ટિમેન્ટલ છો તો તમને આ પુસ્તક અંતરતમ ભીંજવી નાખશે. જો તમને બાળકો પસંદ હોય, તેમની સાથે સમય વિતાવવો ખૂબ પસંદ હોય તો તમારે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પણ જો તમે વધારે પડતા લાગણીશીલ છો તો કેટલાક અનુભવો તમને રડાવી શકે એવા કરુણ પ્રસંગો પણ આ પુસ્તકમાં છે. માત્ર થ્રિલર કે લવસ્ટોરી જ વાંચતા લોકો માટે આ પુસ્તક નથી, પણ જેઓ કશુંક નવું ટ્રાય કરવા ઇચ્છતા હોય તો તેમણે આ પુસ્તક વાંચી શકાય. લેખકના મતે ધન જરૂરિયાત પૂરી કરે છે, પણ શું ધન જ જીવન છે? ધન સિવાય પણ કેટલાક સંવેદનો, કેટલીક લાગણીઓ, કેટલોક સમય વધુ મૂલ્યવાન છે. ઈશ્વર હંમેશા આપણી કાળજી રાખે છે. આપણે ધન કરતા વધુ આપણી જવાબદારીઓ પ્રત્યે પ્રગાઢતા કેળવવી જોઈએ. હૃદયને શાતા આપે, વાંચતા વેંત હૃદયને ભાવ તરબોળ બનાવી દે, લાગણીઓ આડે આવતા બંધ ખોલી નાખે, ઈશ્વર પરની શ્રદ્ધા ડબલ કરી નાખે ને ક્યાંક ક્યાંક તો ઈશ્વર સ્પર્શની અનુભૂતિ પણ કરાવે એવા અદભૂત પ્રસંગો એ આ પુસ્તકની કમાલ છે.

મુખવાસ:- ડર, ઉચાટ, સંઘર્ષ, શ્રદ્ધા, પ્રેમ, ચમત્કાર, સમજણ, આઘાત વગેરેની સત્યઘટનાઓનું ગજબનું કોમ્બિનેશન એટલે 'સાયલન્સ પ્લીઝ!'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED