Mahotu books and stories free download online pdf in Gujarati

મહોતું - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- મહોતું

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'મહોતું'ના લેખક રામ ભાવસંગભાઈ મોરીનો જન્મ ૦૨ ફેબ્રુઆરી ૧૯૯૩ના‌ રોજ થયો છે. તેમનું વતન ભાવનગર જિલ્લાનું મોટા સુરકા, સિહોર છે. તેમનો પરિવાર પાલીતાણા નજીકના ગામ લાખાવાડનો વતની છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ ટૂંકી વાર્તાલેખક, પટકથાલેખક અને કટારલેખક છે, જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે.

૨૦૧૬માં તેમનો વાર્તા સંગ્રહ 'મહોતું' પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો. તેમની ટૂંકી વાર્તાઓ સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓની આસપાસ કેન્દ્રિત છે. તેમનો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ, 'કોફી સ્ટોરીઝ' ડિસેમ્બર ૨૦૧૮માં બહાર પડ્યો. તેમનું ત્રીજું પુસ્તક 'કન્ફેશન બોક્સ' પત્ર વાર્તાઓનો સંગહ હતો જે ઑગસ્ટ ૨૦૨૦માં બહાર પડ્યો. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. મોન્ટુની બિટ્ટુ પછી, દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત, 'મારા પપ્પા સુપરહીરો' અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત 'એકવીસમું ટિફિન' તથા વિરલ શાહ દિગ્દર્શિત 'કચ્છ એક્સપ્રેસ' જેવી જમાવટ કરતી ફિલ્મોમાં તેમણે પટકથા ને સંવાદો લખ્યા છે. હજુ આ લખાય રહ્યું છે ત્યારે પણ કંઈક માર્ગમાણ છે પણ એના માટે તો એટલું જ કહી શકાય કે 'ખમકારે ખોડલ સ્હાય છે.'

તેમણે ૧૭ વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, એતદ, તથાપિ અને શબ્દસર જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેમણે પહેલા TV9 ગુજરાતી સાથે કામ કર્યુંઅને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મોસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કૉલમ "મુકામ વાર્તા" અને મુંબઇ સમાચારમાં "ધ કન્ફેશન બોક્ષ" લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન કોકટેલ જિંદગી અને #We, ફુલછાબમાં લવ યુ જિંદગી જેવી કટારો લખી છે. દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા તેમને ૨૦૧૬માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ૨૦૧૭માં, તેમની કૃતિ મહોતું માટે તેમણે ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મેળવ્યો. ૨૦૧૮માં, ભારતીય ભાષા પરિષદે તેમને યુવા પુરસ્કારથી નવાજ્યા. તે જ વર્ષે, તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (૨૦૧૭) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક મહોતું માટે વર્ષ ૨૦૧૬માં ત્રીજું ઇનામ મળ્યું હતું.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : મહોતું

લેખક : રામ મોરી

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની, અમદાવાદ

કિંમત : 140 ₹.

પૃષ્ઠ સંખ્યા : 144

 

બાહ્ય મૂલ્યાંકન:-

આથમતી સંધ્યાએ નદી કિનારે એકલી અટૂલી શાંત સ્થિર સ્ત્રીનું ચિત્ર મુખપૃષ્ઠ પર અંકિત છે, જે આ પુસ્તક સ્ત્રીકથા વિશેષ છે એવું વાચકને સૂચિત કરે છે. બૅક કવરપેજ પરનું દૃશ્ય - પાણી ભરવા નદીકિનારે આવેલી બે બહેનપણીઓ પોતપોતાની હૈયાવરાળ કાઢી છાનું છપનું મલકાઈ લે છે, ઘડીભર ખડખડાટ હસી લે છે, જે કથાસૂચક છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપનકથાઓ - એવી આ પુસ્તકની ટૅગલાઇન છે. માત્ર ૨૨ વર્ષની ઉંમરે, અત્યંત પ્રતિભાશાળી યુવાલેખક રામ મોરીએ લખેલી ૧૪ વાર્તાઓનો સંગ્રહ એટલે 'મહોતું'. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવી વાસ્તવિકતા સમાજની સામે દાંતિયા કરી ઉભી છે. એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી. એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં.. સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!

 

શીર્ષક:-

સ્ત્રીઓને રસોડામાં વપરાતાં મસોતાનું રૂપક આપવામાં આવ્યું છે. ઈલિયાસ શેખ આ શીર્ષક અંગે કહે છે કે મહોતું એ સ્ત્રીનું પ્રતીક છે. મહોતાનું સ્થાન જેમ રસોડામાં એમ સ્ત્રીનું સ્થાન પણ રસોડામાં. મહોતું જેમ ગરમ તપેલાઓને ઉઠાવે એમ સ્ત્રી તપેલા પુરૂષોને સહે. મહોતું ગમે‌ એટલું ધોવાય તોય મેલું, દાઝેલુ ને ચીંથરેહાલ જ હોય. સ્ત્રીને આ તમામ વાતો એટલી જ લાગુ પડે છે એટલે આ શીર્ષક યોગ્ય જ ઠરી આવે છે.

 

પાત્રરચના:-

'મહોતું' વાર્તાની કાંગસડી, ભાવુડી, હરસુડી હોય કે 'એકવીસમું ટિફિન' વાર્તાની નીતુ કે નીતુની મમ્મી દરેક પાત્ર પોતાનો મનોભાવ લઈને જબરું પ્રવેશે છે. 'બળતરા'ના કાળીબહેન, જશી, હંસાબા, 'ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ'ની કાવ્યા, મેડમ, 'નાથી'ની હર્ષા, નાથી વગેરે તમામ વાર્તાના સ્ત્રીપાત્રોને રામ મોરીએ બખૂબી ગૂંથ્યા છે. એવું લાગે જાણે રામ આ બધું જીવીને લખતા હોય.

 

સંવાદો/વર્ણન:-

કેટલાક સંવાદો ને કેટલીક લાઇન જીવનભર યાદ રહી‌ જાય એવા છે. માણો:-

"આ અજવાળા હવે મને દઝાડતા હતા."

"હું તો બાળોતિયાની બળેલ.. પિયરમાં પોરો નહીં ને સાસરે સુખ નહીં."

"બળેલાને બળતા હું વાર લાગે?"

"બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મેં મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા."

"ઝરમર વરસાદે ભીંજાયેલી મંજરી ધોધમાર વરસાદે પલળી ગઈ."

"હશે બાપા! અસતરી અવતાર.. બાંધી મૂઠી લાખની."

"દખ તો બેન કોને નથી પડતા, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ."

 

ગ્રામ્ય અને શહેરી બંને સંસ્કૃતિના તાદૃશ વર્ણનો અહીંની વાર્તાઓમાં પ્રાપ્ત થાય છે. ઘરમાં કે ઘરબહાર સ્ત્રીઓની માનસિકતા અને પરિસ્થિતિ બંનેના વર્ણનો રસપ્રદ છે.

 

લેખનશૈલી:-

ક્યાંક ગામઠી, ક્યાંક શહેરી પણ રસાળ, તરબોળ કરી દેતી રામ મોરીની લેખનશૈલી વાચકને પહેલી વાર્તા વાંચે તો છેલ્લી વાર્તા વાંચવા સુધી પુસ્તક મૂકી ન‌ શકવા મજબૂર કરી‌ દે છે. લેખકની‌ શૈલી‌ જનસામાન્યને અનુકૂળ આવે એવી છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

અહીંની વાર્તાઓમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે. 'ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ કયા, ઈક કટી પતંગ હૈ..' ગીત જેવી સ્ત્રી પાત્રોની સ્થિતિ એ આ પુસ્તકનું હાર્દ છે. રા મોરીની વાર્તા નાયિકા ગામમાં રહે છે, પણ વાતો દીપિકા અને ઐશની કરે છે, ટીવી પર સિરિયલો જોવે છે, ભણે છે, પોતાના માટે બોલી શકે છે, જાતીય સતામણી સામે ખુલી શકે છે, પોતાનામાં થતાં હોર્મોનલ ફેરફાર માટે ખુલીને બોલે છે. પણ હજી એ પૂરી સ્વતંત્ર થઈ નથી, એ બધા જ દબાવ, સદીઓ જૂની સમાજ રચના સામે જૂજે છે. અને એમ કરતાં, એ ક્યાંય ખોવાઈ જાય છે, પોતાના અસ્તિત્વના લીસોટા પણ છોડ્યા વગર. 'વાવ' - રૂંવાડા ઉભા કરી દે એવી વાર્તા ! કેવી વાક્યરચના ! કેવી થીમ ! કેવું કનક્લુઝન ! આ બધું તમારે મન ભરીને માણવું હોય, તમારા મનની વાતો આમાંની એકેય બહેનપણીને કહેવી હોય તો વાંચવું પડે 'મહોતું'..

 

મુખવાસ:-

કાંગસડીથી લઈ રાણી સુધીની સફરનો રસ્તો કંડારતું  મહોતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED