Just a minute books and stories free download online pdf in Gujarati

જસ્ટ એક મિનિટ

પુસ્તકનું નામ:- જસ્ટ એક મિનિટ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'જસ્ટ એક મિનિટ' પુસ્તકના લેખક રાજુ અંધારિયા મૂળ ભાવનગરના વતની, એક મોટિવેશનલ સ્પીકર તથા લાઇફ કોચ છે. પોતાના અનુભવસભર અને વ્યવહારિક સેશનો દ્વારા તેમણે ભાવનગર ઉપરાંત અમદાવાદ, સુરત, વાપી, દમણ, મુંબઈ, રાજકોટ, જામનગર, અમરેલી,  મહુવા તેમજ બીજા સંખ્યાબંધ નાના-મોટા કેન્દ્રોમાં હજારો લોકોને સફળતાના શિલ્પી બનવાવી પ્રેરણા પૂરી પાડી છે. જુદી જુદી કંપનીઓ, સેન્ટર ફોર એન્ત્રપ્રિનિયોરશીપ, કોલેજીસ, શાળાઓ વગેરે સ્થળોએ તેમણે મોટિવેશનલ ટ્રેનિંગ આપી ભાગ લેનારાઓને વિઝન પૂરું પાડ્યું છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજના દરેક વર્ગના લોકો વગેરે માટે સામાજિક કાર્યો તેઓ ૧૯૮૩થી સમર્પણ પૂર્વક કરી રહ્યા છે. વિદેશ અભ્યાસ અને ઇમિગ્રેશન અંગે માર્ગદર્શન અને પ્રોસેસનું કામ કરતી ભાવનગરની PASS (Professional Academy for Success Skills) સંસ્થા સાથે સંકળાયેલા રાજુ અંધારિયા આ પુસ્તકમાં પ્રેકટિકલ અને ઉત્સાહવર્ધક ચર્ચા દ્વારા વાચકોને તેમની પસંદગીના સુખ અને સફળતા મેળવવા માટેનો રસ્તો કંડારી આપે છે.

સદા અગ્રેસર સાપ્તાહિક 'ચિત્રલેખા'માં 'જસ્ટ એક મિનિટ' અને ભાસ્કર ગ્રુપના દૈનિક'સૌરાષ્ટ્ર સમાચાર'માં 'ખુદી કો કર બુલંદ' જેવી સેલ્ફ ડેવલપમેન્ટ માટેની તેમની કટાર નિયમિત પ્રગટ થાય છે. 'જસ્ટ એક મિનિટ' ના ભાગ ૧ થી ૭ પ્રકાશિત થયા છે જેમાં ભાગ ૧ થી ૫ 'જસ્ટ એક મિનિટ',  ભાગ ૬ 'આશાનો ઉજાસ' તથા ભાગ ૭ 'મનસરોવરના મોતી' એ નામથી પબ્લિશ થયા છે. આ ઉપરાંત'સપનાની સિદ્ધિના શિખરે', 'સફળ નિર્ણય કેમ કરશો?', 'સફળતાનો સૂર્યોદય તમારી જિંદગીમાં', 'સફળ લીડરશીપ કેમ ખીલવશો?', 'સાત સોપાન સુખ અને સફળતાના', સફળ વ્યક્તિ વિશેષોની સિદ્ધિનો એક્સ રે', 'સફળતાના સપના કેમ સાકાર કરશો?', 'સફળતાના સપના - સપનાની સફળતા', 'ઝળહળતી કારકિર્દીનું ઘડતર કેમ કરશો?', 'અર્ધજાગ્રત મન: અલ્લાદીનનો જાદુઈ ચિરાગ', 'બાળકનો સર્વાંગી વિકાસ કેમ કરશો?' 'સફળ કોમ્યુનિકેશન કેમ કરશો?' વગેરે ૩૮ જેટલા પુસ્તકોનું લેખનશ્રેય આ લેખકના ફાળે જાય છે.

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : જસ્ટ એક મિનિટ

લેખક : રાજુ અંધારિયા

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 250 ₹.

પૃષ્ઠ સંખ્યા : 176

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તક 'જસ્ટ એક મિનિટ'નું  મુખપૃષ્ઠ પ્લેન બ્લેક છે. એક છોડ માત્ર મુખપૃષ્ઠ પર આવૃત્ત છે. એ કાળા ધબ્બ અંધકારમાં આશાના કિરણ સમું ઉગેલું દેખાય છે. બેક કવરપેજ પર વાચકોના સુંદર, ટૂંકા પ્રતિભાવો અંકિત કરવામાં આવ્યા છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

પુસ્તક પરિચય:-

'1 page one motivation story it's like a madicines for happy life.' માત્ર આ એક ઉક્તિ જ આ પુસ્તક માટે ઘણું કહી જાય છે. 'યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં' કે 'મેરા જીવન કોરા કાગઝ' જેવા ગીતો જ તમને બહુ ગમે છે? તો તમે ભયંકર નિરાશાના ભવંડરમાં છો અને આ પુસ્તક તમારા માટે જ લખાયું છે. લેખકે આ પુસ્તકમાં માનવીને જીવન વિષયક યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એક ડગલું, બીજું ડગલું એમ દરેક ડગલે જીવનમાં આગળ વધવા માટે ગુણો વિકસાવવા જરૂરી છે. જીવનમાં આપણને પાછા પાડતી બાબતોને નજીવી સમજવી અને જીવનમાં હાર માનીને બેસી રહેવાને બદલે આગળ વધવું, યોગ્ય સિદ્ધિઓ કઈ રીતે હાંસલ કરવી તે અંગે આ પુસ્તકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હતાશામાંથી બહાર આવવું અને ધારેલા લક્ષ્ય તરફ આગળ વધવું એ અહીં સમજાવવામાં આવ્યું છે. જીવનમાં આવતા ઉતાર-ચઢાવથી હારીને બેસવાને બદલે યોગ્ય સિદ્ધિ હાંસલ ન થાય ત્યાં સુધી હાર ન માનવી, ઝૂઝતા રહેવું, આગળ વધતા રહેવું એવો સંદેશ અહીં દરેક કથામાંથી પ્રાપ્ત થાય છે.

શીર્ષક:-

આ પુસ્તકનું શીર્ષક 'જસ્ટ એક મિનિટ' વાંચી આપણને એમ થાય કે આ એક મિનિટમાં શું ઉકાળી લેવાના છીએ? પણ પુસ્તકની પહેલી વાર્તા વાંચો ત્યાં જ આ ભ્રમ ભાંગી જાય. પુસ્તકનું શીર્ષક આપણને કહે છે કે મનુષ્યના જીવનમાં એક મિનિટ કેટલી કીંમતી હોય છે. એક જ મિનિટથી મનુષ્યનું જીવન બદલતું પણ જોવા મળે છે. આમાં લખેલી વાર્તાઓ વાંચતા તો એક મિનિટ જ થાય અને એ એક મિનિટ જીવનને મૃત્યુની દિશામાંથી જીવન તરફ દોરી જનાર નીકળે, એમ પણ બને.

પાત્રરચના:-

આમ તો આ પુસ્તકના દરેક પાત્રો જીવંત લાગે છે પણ નિર્જીવ પાત્રો પણ સવિશેષ સંદેશ લઈને આવે છે. પતંગિયું, લખોટી, રેતી, કાચની બરણી, મા-દીકરી, સસરા અને પુત્રવધૂ વગેરે જેવા ઉદાહરણો દ્વારા લેખકે જીવનમૂલ્યો સમજાવ્યા છે. વાર્તાના અંતે આવતો લેખકનો નિષ્કર્ષ 'બીટવીન ધ લાઇન્સ'ને મજેદાર રીતે રજૂ કરે છે, પાત્રોને ઉઘાડે છે, એમને વાર્તાની બહાર પણ કંઈક કહેવાની તક આપે છે. કેટલીક વાર્તાઓ તો જાણે આપણી જ હોય, આપણા માટે જ લખાઈ હોય, તેના પાત્રો જાણે આપણે ખુદ જ હોઈએ એવી અનુભૂતિ પણ થયા વિના રહેતી નથી.

સંવાદો/વર્ણન:-

"મમ્મી, લે‌ આ સફરજન ખા. આ સફરજન વધારે મીઠું છે."

"હવે હિસાબ બરાબર થયો. આખરે તું જેમ એક ધંધાદારી વ્યક્તિ છે તેમ હું પણ ધંધાદારી છું.'

- જેવા આ પુસ્તકના સંવાદો આખી વાર્તાના હાર્દ બની રહે છે. પેલું કહે ને ક્લાઇમેક્સ પછી એક એક ડાયલોગ ફરી યાદ કરવા પડે, અદલ એવું જ.

એક વાર આ પુસ્તક લઈને બેસો એટલે એક જ બેઠકે વાંચી જવાનું મન થાય એવું છે અને આરામથી બે'ક કલાકમાં વાંચી શકાય એમ છે, પણ એ વાંચીને પ્રગટતા વિચારો કેટલાય દિવસો સુધી ચાલશે, એ નક્કી.

લેખનશૈલી:-  

‘જસ્ટ એક મિનિટ’ પુસ્તકની લેખનશૈલી સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે, વાચકને રસ પડે તેવી છે. વાચક પહેલેથી અંત સુધી જોડાયેલો, જકડાયેલો રહે એવી છે. આ કથાઓ તમારી વિચારગતિને ને વિચારધારાને પણ બદલી શકે છે. તે ખૂબ સરળ, લાગણીસભર અને જીવનમૂલ્યોથી ભરપૂર છે. આ કથાઓ આપણામાં શ્રદ્ધા, માંગલ્ય અને આનંદ સીંચીને શાતા આપે છે.

વિશેષ મૂલ્યાંકન:-

આ પુસ્તકમાં માનવ જીવનમાં આવતી મુશ્કેલીઓનો  સામનો કઈ રીતે કરવો તે કહેવાયું છે. પતંગિયાના નાના બચ્ચાને ઉડવામાં પડતી તકલીફ જોઈ કોઈ એને મદદરૂપ થવા એનો કોશેટો કાપી આપે તો પતંગિયાનું શું થાય? એ વાંચી તમને તમારા જીવનમાં આવા સીડીરૂપ બનવા જતાં ખીણરૂપ બની જતા અવસરો ચોક્કસ યાદ આવશે. રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા ભિખારીને એક વાક્યમાં અપાતો જીવનપરિવર્તક બોધ એને બિઝનેસમેન બનાવે છે. આ પુસ્તકમાં છે 'રંકમાંથી રાજા સુધીની સફર'. ચીનના એક રાજા કૂવો ખોદતાં, મહેનત કરતા માણસને રાજાથીયે મહાન માણસનું બિરુદ આપે એટલી હકારાત્મકતા અહીં દૃષ્ટિગોચર થાય છે. પાણીથી છલોછલ ગ્લાસ ભરીને સ્કૂલના ચક્કર લગાવતા વિદ્યાર્થીને અત્યાર સુધી દેખાતા શાળાના દોષો અચાનક દેખાતા બંધ થઈ ગયા. કારણકે તેનું ધ્યાન હવે ગ્લાસમાંથી પાણી ઢોળાય નહીં એના પર કેન્દ્રિત હતું. આવી તો કેટલીય દીર્ઘદૃષ્ટિ યુક્ત વાતો  આ પુસ્તકમાં નિહિત છે. આ પુસ્તક વાંચતા વાંચતા કદાચ તમને 'યે કહાં આ ગયે હમ..' જેવી અનુભૂતિ પણ થાય. અહીં કંઈ જ કૉફી બ્લેક નથી, બધું શોર્ટ એન્ડ સ્વીટ છે.

મુખવાસ:- નેગેટિવીટીથી કંટાળેલાઓને પોઝિટિવીટીનો બુસ્ટર ડોઝ એટલે 'જસ્ટ એક મિનિટ'.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED