Jai Ho! - Book review books and stories free download online pdf in Gujarati

જય હો! - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- જય હો!

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'જય હો!' પુસ્તકના લેખક જય વસાવડાનો જન્મ ૬/૧૦/૧૯૭૩ના રોજ થયો હતો. તેમનું વતન ગોંડલ છે. તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા હતા. તેમણે એકેડેમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરેલ છે. તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો - અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮ થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવૃત્તિ અને અનોખી, આરપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે. તેમના પુસ્તકોમાં યુવા હવા, માહિતી અને મનોરંજન, સાહિત્ય અને સિનેમા, આહ હિન્દુસ્તાન - ઓહ હિન્દુસ્તાન, પ્રીત કિયે સુખ હોય, સાયન્સ સમંદર, નોલેજ નગરિયા, જી. કે. જંગલ, જય હો, JSK – જય શ્રી કૃષ્ણ, Life@Kite, વેકેશન સ્ટેશન, મમ્મી પપ્પા વગેરેનો સમાવેશ થાય છે. તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને 'JSK - જય શ્રી કૃષ્ણ'ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી. આવા બહુચર્ચિત કટારલેખક જય વસાવડા પ્રસ્તુત પુસ્તકના રચયિતા છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : જય હો!

લેખક : જય વસાવડા

પ્રકાશક : રિમઝિમ ક્રિએશન

કિંમત : 350 ₹.

પૃષ્ઠ સંખ્યા : 244

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર જયભાઈનો ખમીરવંતો ચહેરો, સિંહની મુખાકૃતિ અને હાથની મુઠ્ઠી દૃશ્યમાન થાય છે. જે જયભાઈ જેવી સાહસિકતા, સિંહ જેવી વીરતા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં જેવા ધ્યેયવાક્ય તરફ વાચકને ઈંગિત કરે છે. બેક કવર પર મધદરિયે કૂદકા મારતા ચાર યુવાનો અને હર્ષ બ્રહ્મભટ્ટની સુંદર કવિતા "અમે રાખમાંથીયે બેઠા થવાના" મૂકવામાં આવી છે જે વાચકોમાં જોશ ભરી  તેમને આ પુસ્તક વાંચવા કે ખરીદવા મજબૂર કરવા માટે પૂરતું છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. ગુજરાતી પુસ્તકોમાં ભાગ્યે જ વપરાતો ૧૦૦ જીએસએમનો કાગળ છે. હાઇ કોન્ટ્રાસ્ટ વાળું વધુ શાહી વાપરતું પ્રિન્ટિંગ છે. શબ્દ અને પેરેગ્રાફની વચ્ચે ઉદારતાથી આંખ ઠારે તેટલી જગ્યા છે. નોર્મલ પેજ સાઇઝથી દોઢી સાઇઝના પાના છે. પુસ્તકનું કદ તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય એવું છે. દરેક લેખમાં લેખ વિષયક સુભાષિતો, કવિતાઓ, કાવ્યપંક્તિઓ અને ચિત્રો મૂકી પુસ્તકને દળદાર અને મજેદાર બનાવવામાં આવ્યું છે.

પુસ્તક પરિચય:-

જિંદગીના ઝંઝાવાતો સામે સ્મિત અને ઝખ્મોનું સ્વાગત કરતા શીખવાડતું, મસ્તક ટટ્ટાર કરતું પુસ્તક એટલે જય હો! પહેલા પાને ઝવેરચંદ મેઘાણીની કવિતા 'આગે કદમ'થી થતો આરંભ અને છેલ્લા પાને કલાપીની 'અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ'થી થતો અંત - આ બંને બાબતો જાણે પુસ્તકનો સારાંશ કહી જાય છે, લેખકની પુસ્તક માટેની મહેનત દર્શાવી જાય છે. સાહસ અને શૌર્ય, તક અને તૈયારી અને જીગર અને જિંદગી - આ ત્રણ વિભાગો અંતર્ગત કુલ પચાસ લેખોને અહીં સમાવવામાં આવ્યા છે. જય વસાવડા, મોરારિબાપુ,  સચિન તેંડુલકર અને એવા કેટલાયે નિષ્ફળતામાંથી સફળતાની કેડી કંડારનાર લોકોની જીવની લેખકે અહીં બુસ્ટરડોઝ તરીકે વર્ણવી છે. ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષના ગાળામાં જ આ પુસ્તકની ૨૧૦૦૦ કૉપી વેચાઈ ચૂકી છે અને આઠ વખત પુસ્તકનું પુન: મુદ્રણ થઈ ચૂક્યું છે.

 

દરેક લેખના અંતે આવતો 'પાવર પંચ' ફરીફરીને લેખ વાંચવા પ્રેરે છે. માણો કેટલાક પાવર પંચ:

'જિંદગી તમને જો રડવાના સો કારણ આપે તો એને બતાવી દો કે તમારી પાસે હસવાના હજાર કારણ છે.'

'કાં કશુંક કરી બતાવવા માટે જીવી જવાનું હોય છે, કાં કશું કર્યા વિના મરી જવું પડે છે.'

'કિસ્મતની બાબતમાં જે ખરાબ છે, એ જ સૌથી સારું પણ છે. એ સતત બદલાય છે.'

અને છેલ્લે એક ફની પાવર પંચ

'જીન તૂફાનો મેં લોગોં કે આશિયાને ઉડ જાતે હૈ

ઉન તૂફાનો મેં હમ અપને ચડ્ડી બનિયાન સુખાતે હૈ.'

 

શીર્ષક:-

જય વસાવડાનું પુસ્તક છે એટલે 'જય હો!' શીર્ષક ઉચિત લાગે પણ અહીં 'જય હો!' ને વિષયવસ્તુ સાથે પણ એટલી જ નિસ્બત છે. દરેક વિભાગના દરેક લેખ સુસ્તી ઉડાડી દે તેવા, નવી ઉર્જા ભરી દે તેવા છે એટલે 'જય હો!' શીર્ષક સર્વથા ઉચિત છે. જીવનમાં જયકારાનો નાદ ભરતું પુસ્તક એટલે 'જય હો!'.

 

પાત્રરચના:-

અહીં નવલકથા કે નવલિકાની જેમ પાત્રો હોવા સંભવ નથી. પણ અહીં અપાયેલા લેખોમાં જીવંત પાત્ર તરીકે સચિન તેંડુલકર, મોરારિબાપુ, સ્પાઇડરમેન, જહોન્સન, બરાક ઓબામા, સ્ટીવ જોબ્સ વગેરેનો સમાવેશ થાય છે. તેમના જીવનની અહીં વર્ણવેલી ઘટનાઓ ચોક્કસપણે લોકો માટે સમસ્યા નિવારક બની શકે એવી છે. કેન્સર પેશન્ટ લિસાની ખુમારી તો જિંદાદિલીનું ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય એમ છે.

 

સંવાદો/વર્ણન:-

લેખકે લેખ દરમિયાન લખેલા કેટલાક સંવાદો જીવનભર માટે મંત્રરૂપ બની રહે એવા‌ છે. માણો:

"આફ્ટર ઓલ ટુમોરો ઇઝ ધ અનધર ડે."

"ક્યારેક કશુંક મેળવવા માટે કશુંક ખૂબ કીમતી ગુમાવવું પડે છે."

"બે પ્રકારની દુર્ઘટનાઓ જીવનમાં સર્જાય છે, આપણને મળતા દુઃખો અને બીજાઓને મળતા સુખો."

"માણસને આખી દુનિયા મળે પણ આત્મા ગુમાવી બેસે એ કેવું?"

"ડોન્ટ ક્રાય, જસ્ટ ટ્રાય"

હોટ કરિયર મેનેજમેન્ટના  કૂલ ફન્ડાઝ આપતા લેખક કહે છે: જગત સાથે પછી પહેલા જાત સાથે સ્પર્ધા, સાધન મેળવો સંબંધ કેળવો, આજનો નહિ આવતીકાલનો અંદાજ, અભિગમ જાણતા નહીં અભિગમ બદલતા શીખો, આંકડા નહીં આયોજન - માહિતી નહીં સર્જન વગેરે. પુસ્તક વાંચ્યા બાદ લાંબા સમય સુધી આ બધું ભૂલાય એમ નથી.

 

લેખનશૈલી:-

કટાર લેખક જય વસાવડાની કલમે લખાયેલ હોવાથી વાક્યરચના કે લેખનશૈલી વાંચતાવેંત વિચારતા કરી મૂકે એવી છે. કેટલીક પંચીન્ગ લાઈન જનસામાન્યને એક વાર વાંચીને મગજમાં ન ઉતરે એમ પણ બને. એટલે જ‌ તો આ પુસ્તક ફરી ફરી વાંચવા જેવું છે એમ કહેવાયું છે. દરેક લેખ સહજ, સરળ, રસાળ ભાષામાં લખાયા છે, જે વાચકને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે.

વિશેષ મૂલ્યાંકન:-

'મેરા જીવન કિસી કામ ન આયા જૈસે સૂખે પેડ કી છાયા' - આ ગીત જેવી જો તમારી વિચારસરણી થઈ ગઈ હોય તો આજે જ ખરીદો 'જય હો!' અને એકબેઠકે વાંચી જાઓ. તમારામાં જીવન જીવવાનો નવો જોમ-જુસ્સો‌ પ્રગટશે એ નક્કી. આ પુસ્તક એ કોઈ સૂફિયાણી સલાહોનો સંગ્રહ નથી પણ જીવાતા જીવનમાંથી જાત અનુભવે જડેલી સચ્ચાઈનું શેરિંગ છે. આ પુસ્તક દીકરીને હોસ્પિટલમાં ઇન્ક્યુબેટરમાં જોઈ ભાંગી પડેલા માબાપનો એક સધિયારો બન્યું છે. કોઈનો જીવ બચાવ્યો છે તો કોઈનું ડિપ્રેશન દૂર કર્યુ છે. લેખક લખે છે તેમ આ પુસ્તક થકી ૬૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરવાનું માંડી વાળેલ છે. આ પુસ્તકના કેટલાક લેખોના શીર્ષક જ એવા છે કે સંપૂર્ણ લેખ વાંચવા મજબૂર કરી દે. જેમ કે, 'પગમાં પડી રહેશો તો કોઈ નહીં પૂછે અહીં સૌ કાપે છે ઉડતા પતંગને', 'ફેઈલ્યોરના ફાયદા: નિષ્ફળતા એ સફળતાની બુનિયાદ છે.', 'જીનિયસ બ્રેઇન: કબ‌ ઔર કૈસે?', 'વ્હેર ઇઝ ધ હીરો?' વગેરે.. ક્યાંક ક્યાંક ખુમારી, આત્મશ્રધ્ધા કે ઈમાનદારીનો સુપર ડોઝ સમાજના નીતિ નિયમો સાથે સુસંગત નથી લાગતો એટલે ઓવરડોઝમાં પરિણમે છે, (જેમકે પ્રાથમિક શિક્ષણ સુધી શાળાએ જ ન જવું વગેરે)  એટલી આ પુસ્તકની મર્યાદા ગણી શકાય.

મુખવાસ:-

'જય હો!' એટલે શ્વાસમાં સાહસ, હૈયામાં હિંમત, આત્મવિશ્વાસનું ચાર્જર, વીરતાનું બખ્તર, બહાદુરીનું બેંક બેલેન્સ, અભયનું ઇંજેક્શન!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED