by the sea books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે

પુસ્તકનું નામ:- સમુદ્રાન્તિકે

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. તેમનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમની પ્રથમ નવલકથા 'અગ્નિકન્યા' ૧૯૮૮માં પ્રકાશિત થઈ હતી, જે મહાભારત પર આધારિત હતી. 'ખોવાયેલું નગર' તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું. ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. તેમને તેમની નવલકથાઓ 'સમુદ્રાન્તિકે' અને 'તત્ત્વમસિ' માટે ખ્યાતિ મળી. તેમની અન્ય નવલકથાઓ 'અતરાપી', 'કર્ણલોક', 'અકૂપાર', 'લવલી પાન હાઉસ', 'તિમિરપંથી' અને 'ન ઈતિ' છે. 'ગાય તેના ગીત' અને 'શ્રુનવંતુ' તેમનો કવિતા સંગ્રહ છે. તેમના પુસ્તક 'તત્વમસિ' પરથી ગુજરાતી ચલચિત્ર રેવા ૨૦૧૮માં રજૂ થયું હતું.

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : સમુદ્રાન્તિકે 

લેખક : ધ્રુવ ભટ્ટ 

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ 

કિંમત : 150 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 147

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. "દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો" એ ગીતની જેમ‌ દોસ્ત જેવા દરિયાના મોજાં પુસ્તકના કવરપેજ પર પણ ઉછળી આવે છે. ત્યાં ઉભેલા દરિયાઈ પથ્થર ગમે તેવા તોફાનમાં પણ સ્થિરતા ને અડગતા સૂચવે છે. બેક કવરપેજ પર દૂધરાજ પક્ષીનું ચિત્ર અને પક્ષીવિદ નૂરભાઈની પંક્તિઓ છે જે ધ્રુવ ભટ્ટના લખાણ સાથે સોનામાં સુગંધ ભેળવે છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

પુસ્તક પરિચય:-

પુસ્તક હાથમાં લેતા વેંત ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે. મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધું વાચક પર જ છોડી દે છે. અહીં નાયકને કોઈ નામ આપવામાં આવ્યું નથી એટલે મહદંશે આ આત્મકથાનક વધુ પ્રતીત થાય. નાયક કુદરતના ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે. પ્રકૃતિથી વિમુખ થયેલાં, ચેતનહીન અને જડ જીવનની પ્રકૃતિ તરફની, ચેતના તરફની ગતિ આ કથાનું મુખ્ય વિષયવસ્તુ બનીને તરી આવે છે. આ પુસ્તકનું એક ગીત 'ઓચિંતું કોઈ મને રસ્તે મળે..' નવી જ જીવનદિશા તરફ દોરી જાય છે.

શીર્ષક:-

અહીં શીર્ષક જ કથાસૂચક છે, મુખર છે. સમુદ્રના અંતે, સમુદ્રને પેલે પાર, સમંદરના તટે જેવા અનેક અર્થો ધરાવતી કથા એટલે સમુદ્રાન્તિકે. સમુદ્રથી શરૂ થયેલી આ કથા ભવસાગર પણ પાર ઉતરી જઈએ એટલું ઊંડું સમજાવી જાય છે. જ્યારે નાયક દરિયાના પથ્થર હાથમાં લઈને બોલે છે, "તેરી યા મેરી કીમત ઈસસે જ્યાદા નહીં હૈ." એ વાક્ય 'સમુદ્રાન્તિકે'ની ગાઢ અને ગૂઢ સમજ આપી‌ જાય છે. સામાન્ય માનવોથી કંઈક જુદી દરિયાની કે દરિયાઈ માનવોની સૃષ્ટિ એટલે સમુદ્રાન્તિકે.

પાત્રરચના:-

'યે રાતે, યે મોસમ, નદી કા કિનારા, યે ચંચલ હવા' ગીતની જેમ મોટા ભાગના કુદરતી તત્વો એ આ કથાની પાત્રસૃષ્ટિ છે. સામાન્ય રીતે પાત્રો થકી વાર્તા કહેવાઈ હોય છે અને વાર્તા દરમિયાન પાત્રો વિકાસ પામતાં હોય છે. પણ આ પુસ્તકમાં તેનાથી ઊલટું છે. અહીં વાર્તા થકી પાત્રો કહેવાયાં છે અને પાત્રાલેખન દરમિયાન વાર્તા વિકાસ પામે છે. ઉમા ગોરાણી, ઈસ્માઈલ, વાલબાઈ, જાનકી, સબૂર, પગી સરવણ, અવલ, કેશો ભગત, નૂરભાઈ, બંગાળી બાબા, શામજી મુખી, વિષ્નો, ક્રિષ્નો ટંડેલ, બેલી, દયારામ, વિદેશી સાધ્વી, ગોપા આતા જેવા ગ્રામ્ય પાત્રો તથા પરાશર, ડોકટર નિખિલ, સૌમિલ અને દરિયાની જાત્રાએ આવેલા પ્રવાસી જેવા ઘણા શહેરી પાત્રો વગેરે ઘણા પાત્રો કથામાં આવતાં રહે છે અને તેમનાં થકી કથાનક વિકાસ પામે છે. અમુક પાત્રો અતિ લાઘવમાં રજૂ થયાં છે છતાં બધાં જ આપણને સ્પર્શી જાય તેવા છે કારણ કે તે પાત્રો 'નરો વા કુંજરો વા'ની સ્થિતિ વાળા નથી પણ ધ્રુવ ભટ્ટે જોયેલાં, અનુભવેલા પાત્રો છે. એ જ કારણે આ બધાં પાત્રો વાસ્તવિક અને પોતીકા લાગે છે. સૌથી રસપ્રદ પાત્રાલેખન થયું છે અવલનું, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં થાય કારણ કે એ જ પાત્ર આ ‘લખાણ’ને આછી-પાતળી કથા પૂરી પાડે છે. અવલનું પાત્ર આ કથા સૂત્રને જાણે એક તાંતણે બાંધી રાખે છે. અન્ય બધાં પાત્રો તો આવતાં-જતાં રહે છે પણ અવલ દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક સંકળાયેલી લાગે છે.

સંવાદો/વર્ણન:-

ઘણા સંવાદો ખૂબ જ સ્પર્શી જાય એવા છે. જેમ કેઃ "આ ડોલ લઉં? તે લૈ લે ને. આંય તને કોઈ ના નો પાડે.", “દરિયો ડોલમાં નો સામે બાઈ, ને ડોલમાં તો ઘેર ક્યાં નો’તુ નવાતુ?”, "દરિયાની મરજી ઉપરવટ હોડી હંકારી દે ઈ ખારવો જલમવો બાકી છે.", “નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે. એક ઉપરવાળો ને બીજો દરિયો.”, “આ દુનિયા માથે આદમીનો કેર ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.”, “એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતાં. ઈનું એંઠું ખાવાની તમારી તિયારી હોય તો ખવરાવજો." જેવા સંવાદો સ્વાભાવિક લાગે છે કારણ કે ધ્રુવ ભટ્ટને તે જીવનમાંથી મળેલા છે. મને ખૂબ ગમતું એક વાક્ય એટલે ''એક પરિંદુ ઊડે ને આખો મલક જીવતો થઈ જાય, ઈ કાંય ઓછો જાદુ છે?'' વર્ણનમાં તો સમગ્ર કથામાં દરિયો જ મુખ્ય છે.

લેખનશૈલી:- 

પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિથી આ નવલકથા આલેખાયેલી છે. પ્રકૃતિ અને માનવ વચ્ચેની વાત અહીં કેન્દ્રસ્થાને છે. પ્રકૃતિ છે તો માણસ છે એ વાત અહીં ઘૂંટાઈ છે. બહારથી આવેલા અધિકારી અને પાત્રો વચ્ચેની આ દુનિયા છે. સરળ, સહજ અને રસાળ વાર્તા આકાર લે છે. વાર્તામાં વળાંક આવે કે છુપાવીને કશું કહેવાય એવું કંઈ જ નથી. જે છે એ સીધું જ આપી દીધું છે, છતાંવાચક પહેલેથી અંત સુધી જોડાયેલો, જકડાયેલો રહે છે. આ બાબતને 'સમુદ્રાન્તિકે'ની મયાર્દા પણ ગણી શકાય.

વિશેષ મૂલ્યાંકન:-

જો તમને ટ્વીસ્ટ ગમે છે, જો તમને રોમાન્સ કે થ્રિલ ગમે‌ છે તો આ નવલકથા તમારા કામની નથી. પણ જો તમને દરિયો ગમે છે, દરિયાઈ જીવસૃષ્ટિને, દરિયાઈ વસ્તીને જાણવાની તમને તલબ છે તો આ કથા તમને અનહદ ગમશે. સમગ્ર કથા દરમિયાન નાયકના મનમાં પોતાના કહેવાતા સભ્ય જીવન, શહેરી જીવન અને આ ખારાપાટમાં જીવાતા પ્રાકૃતિક જીવન વચ્ચે સરખામણી થતી રહે છે. લેખક અને તેમના મિત્રોએ ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી દર વર્ષે ૧ મેથી ૮ મે સુધી કરેલા પગપાળા પ્રવાસ ના આધારે આ કથાનું નિર્માણ થયું છે. ગૂગલ પર ધ્રુવદાદાનો ઇન્ટરવ્યૂ વાંચેલો. તેમણે કહ્યું હતું કે કોઈ વાચકે 'સમુદ્રાન્તિકે' વાંચ્યા પછી તેમને કહ્યું હતું "સમુદ્રાન્તિકે વાંચ્યા પછી મને જીવવા માટે નવું બળ મળ્યું."

એક વખત ભૂકંપ પછીના સમયમાં ધ્રુવદાદાને રોયલ્ટીનો ચેક મળ્યો. મોટી રકમ જોઈ તેમને થયું કે કંઈ ભૂલ નથી થતી ને! તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ એક ભાઈએ સમુદ્રાન્તિકેની એક સાથે 7000 નકલ ખરીદી ભૂકંપ પીડિતોમાં વહેંચાવી, જેથી લોકોને આ મુશ્કેલીનો સામનો કરવાનું જીવનબળ મળી રહે. બસ, આ જ છે આ પુસ્તકની વિશેષતા. 'સમુદ્રાન્તિકે' આટલા ગુણોથી સભર હોય અને માતૃભારતી પર વાંચન માટે નિઃશુલ્ક ઉપલબ્ધ હોય તો 'ઔર પઢને કો ક્યા ચાહિયે?'

મુખવાસ:- 'સમુદ્રાન્તિકે' એટલે સમુદ્રની સૃષ્ટિ દ્વારા સમુદ્રની જેમ થતું મનનું મંથન. સમુદ્રીય જડ પદાર્થોની ચેતનવંતી કથા એટલે 'સમુદ્રાન્તિકે'.

બીજા રસપ્રદ વિકલ્પો