જ્યારે અયોધ્યામાં ઈશ્વાકુ વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા, તે સમયની આ વાત છે. આસપાસના જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા. ભીલોના મુખીયાને એક પુત્રી હતી, જેનું નામ શ્રમણા હતું. પણ લોકો તેને શબરીના નામથી ઓળખતા. શબરીને નાનપણથી જ જંગલનાં પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો.
રાજા દશરથને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ. શબરીના પિતા પણ શબરી સાથે આ રાજકુમારોનાં જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે શબરીએ પ્રથમ વાર રામને જોયેલા. અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી ઉઠ્યું.
શબરીના પિતાએ અન્ય એક ભીલ રાજકુમાર સાથે શબરીના લગ્ન કરવાનું નક્કી કરેલ. લગ્ન પહેલા પિતાએ એક રીત/રસમ મુજબ બલિ માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી રાખ્યા. શબરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઇ. અને રાત્રે તેણે આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘર છોડીને ચાલી નીકળી.
ચાલતા ચાલતા તે પંપાસરોવર કિનારે, માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ. પણ પોતે ભીલ છે એટલે ઋષિ પોતાને શિષ્યા તરીકે સ્વીકારશે કે કેમ ? પોતાને સેવાને લાયક ગણાશે કે કેમ ? એ સવાલ થયો. આથી તેણે આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝુંપડી બનાવીને ભજન-ભક્તિમાં મસ્ત થઈને રહેવા લાગી.
પણ તેને લાગ્યું કે ગુરુ કૃપા અનિવાર્ય છે. આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરાવી તે તેણે શોધી કાઢ્યું. રોજ વહેલી સવારે માતંગ ઋષિ પમ્પા સરોવરમાં ન્હાવા માટે જંગલના રસ્તે જતા, આથી શબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાંટા કાંકરા ન વાગે. અને વહેલી સવારે બળતણ, ફળ,ફૂલ, કંદમૂળ વીણીને આશ્રમ બહાર છુપી રીતે મૂકી આવતી. આ રીતે તેણે અપ્રત્યક્ષ સેવા કરવાની શરૂઆત કરી.
માતંગ ઋષિને ખુબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે ? આથી તેણે બે-ચાર શિષ્યોને આખી રાત પહેરો ભરવા કહ્યું.
બીજા દિવસે વ્હેલી સવારે શબરી બળતણ, ફળ-ફૂલ-કંદમૂળ મુકવા આવી કે શિષ્યોએ તેને પકડી લીધી અને ગુરુજી સમક્ષ હાજર કરતા કહ્યું “ ગુરુજી આજે અમે એ વ્યક્તિને પકડી લીધી જે રોજ બધી વસ્તુઓ મૂકી જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે. આ જ ભીલડી રોજ આ કામ કરે છે”
આ સંભાળીને માતંગ ઋષિએ શબરીને પૂછ્યું “બાઈ, તું કોણ છે ? અને રોજે રોજ આ વસ્તુઓ શા માટે મૂકી જાય છે? અને પમ્પા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે ?”
ડરેલી શબરીએ કંપતા સ્વરે પ્રણામ કરતા કહ્યું “ હે પ્રભો, મારું નામ શબરી છે. હું ભીલ સમુદાયની છું. અહી જંગલમાં એક ઝુંપડી બાંધીને રહું છું. આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું. પણ કહેવાતા નીચા કુળના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી, આથી આ રીતે છુપી રીતિ આપની સેવા કરીને તૃપ્ત થાવ છું. પણ મને માફ કરશો, હું આપની સેવાને લાયાક નથી”
શબરીના આ શબ્દો સાંભળી માતંગ ઋષિ ગદગદ થઇ ગયા. તેણે શબરીમાં રહેલા આત્મ તત્વને ઓળખી લીધું. અને શિષ્યોને કહ્યું “અરે રે, આ તો મહાભાગ્યશાળી છે, આને આશ્રમની એક ઝુંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરો”
ત્યારથી શબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિ ભાવમાં તપસ્વિની જેવું જીવન જીવવા લાગી. પણ શબરી જેવી ભીલ સ્ત્રીનું આ રીતે આશ્રમ માં રહેવું અન્ય કેટલાય ઋષિઓને નાં ગમ્યું, આથી તેઓએ માતંગ ઋષિને ફરિયાદ કરી. પણ માતંગ ઋષીએ તેના પર ધ્યાન જ નાં આપ્યું. માતંગ ઋષિ માટે જાતી કરતા ભક્તિનું મહત્વ વધારે હતું. આથી અન્ય ઋષીઓ માતંગ ઋષિઓનો આશ્રમ છોડીને પમ્પા સરોવર આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા.
એક વાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કારી, આથી શબરીએ દુઃખી થતા પોતાને પણ સાથે લઈ જવા કહ્યું. પણ ઋષીએ કહ્યું “ બેટા, તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે. તારું ભાગ્ય હજુ પલાટાવાનું છે. સાક્ષાત નારાયણ, ભગવાન શ્રીરામ આ રસ્તે ચાલીને તારી ઝુંપડીએ આવશે. જો જે એ ક્ષણ ન ગુમાવીશ, તેનો આતિથ્ય સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે”
બસ એ દિવસથી શબરીએ ભગવાન રામની પ્રતીક્ષામાં જ હર ક્ષણ વિતાવવાનું શરુ કર્યું. બસ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહિ. રોજ સવારે ઉઠીને રામ માટે ફળ, ફૂલ, કંદમૂળ લઈને રાખતી. આજે રામ આવશે, કાલે રામ આવશે એ પ્રતીક્ષામાં દિવસો વિતાવવા લાગી. સવારે વિચારે કે આજે સાંજે રામ જુરુર આવશે, અને સાંજ થઇ જાય તો વિચારે કે કાલ સવારે રામ આવશે. દિવસે દિવસે શબરીની રામ દર્શનની લાલસા પ્રબળ થતી ગઈ. કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના પગની આહટ સંભળાય કે તરત ઝુંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને ?? અહાહા, કેવો ઇન્તઝાર....કેવું ધૈર્ય.....
આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા-કંકર નાં લાગે એટલે રોજ ઈ રસ્તો વાળીને રાખતી. ઝુંપડી રોજ સજાવીને રાખતી. ફૂલોની માળા ગુંથી રાખતી. હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર જ રહેતી. ક્યારેક ઝાડને તો ક્યારે પશુ પક્ષીને પૂછતી કે “રામ સાંજે આવશે કે સવારે ?” અખંડ ધીરજ સાથે રામની પ્રતીક્ષાએ ભક્તિની પરાકાષ્ઠા હતી. એ જ સાધના હતી. અખંડ રામમય.
રામ જયારે પમ્પા સરોવર નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેણે પૂછ્યું કે “ શબરી ક્યા છે ?એની ઝુંપડી ક્યા છે ? " ત્યારે ઋષિઓને ખૂબ આશ્ચર્ય થયેલ, તેઓને એમ હતું કે શ્રીરામ પોતાને ત્યાં પધારશે પણ એવી ધારણા ન હતી કે રામ ભીલડી શબરીના ખબર પૂછશે. જ્યારે શ્રી રામેં તે ઋષિઓને સૌ શબરીની ઝુંપડી વિષે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું.
શબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી, ત્યારે જ એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું “માં, ધનુષ્યધારી બે યુવાનો તમારા વિષે પૂછતા અહી આવી રહ્યા છે”
“અરે આ તો મારા રામ જ હોય” એમ કહી શબરી આનંદમાં પ્રેમમાં નાચવા લાગી. રામ-લક્ષ્મણને પોતાની ઝુંપડી પાસે જોઇને શબરી પોતાની તમામ સુધબુધ ભૂલી ગઈ. હજુ એ સચ્ચિદાનંદ અવસ્થામાં જ હતી. એને જોઇને ભગવાન ખુબ આનંદિત થયા. લક્ષ્મણજી હસતા હસતા કહ્યું “ શબરી, આમ નાચતી જ રહીશ ? શ્રીરામને ઝુંપડીમાં લઇ તેને બેસાડીને તેનો આતિથ્ય સત્કાર નહિ કરે ?
ત્યારે છેક શબરી સચેત થઇ. અને ભગવાનને પોતાની ઝુંપડી પર લઇ ગઈ અને રામનાં પગમાં ઝુકી ગઈ, આંખો માંથી દડ દડ આંસુઓ વહેવા લાગ્યા. ઘણું બોલવું હતું પણ ખાસ કઈ બોલી નાં શકાયું, ગળું પ્રેમથી રૂંધાઇ ગયું ને એટલું જ બોલી શકી “હે નાથ, તમે આવી ગયા, મારી પ્રતીક્ષાનો અંત આવ્યો, મારા પર અનુગ્રહ કર્યો”
પછી શબરી ભગવાનને કહે છે “ પ્રભુ તમારા માટે ફળ, ફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે. એનો સ્વીકાર કરો”
ભગવને ઈશારામાં માથું હકારમાં હલાવ્યું. પછી શબરીએ બોરની ટોપલી ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી, ત્યાં જ થયું કે “ અરેરે, જો આ બોર તુરા હશે તો ? ભગવાનને તો મીઠા બોર જ આપાય, એટલે એક એક બોર ચાખતી જાય છે ને મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે”
લક્ષ્મણજી આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા. તેણે શ્રીરામને કહ્યું કે “પ્રભુ, શબરી તો તમને હેઠાં ( ચાખેલા ) બોર ખવડાવે છે “
ત્યારે રામ કહે છે “ લક્ષમણ આ હેઠાં બોર ખાવા જ હું આવ્યો છું. આ તો પ્રેમથી નીતરતા વર્ષોના ઇન્તઝારમાં પાકેલા રસામૃત બોર છે. શબરીના આ એક એક બોર પર એને હું એક એક લોક આપી દઉં”
પછી રામ અને શબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવધાભક્તિનું જ્ઞાન આપે છે. અને અંતે કહે છે “ શબરી તું કૈક માંગ”
ત્યારે શબરી કહે છે “ પ્રભુ, આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઇ ગયો. હવે બીજું કઈ માંગવાનું રહેતું નથી. હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે.”
ભગવાને કહ્યું “તથાસ્તુ”
અને પછી શબરીએ પોતાનો પાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માંગી. અને ભગવાન તથા બધા ઋષિઓ સામે જ શબરીએ યોગબળે સ્થૂળ દેહ છોડી દીધો.
ધન્ય છે શબરી, ધન્ય છે તેની રામ માટેની ઝંખના અને પ્રતીક્ષા.
અસ્તુ.
~ વિવેક ટાંક
रामा रामा, रटते रटते, बीती रे उमरिया
रघुकुल नंदन, कब आओगे, भिलनी की डगरिया