Pustak Pravas - 1 books and stories free download online pdf in Gujarati

પુસ્તક પ્રવાસ - 1

આ સીરીઝનાં દરેક ભાગમાં મેં વાંચેલા પુસ્તકોનો હું રીવ્યુ મૂકીશ. દરેક ભાગમાં ૫-૬ પુસ્તકોનો પરિચય આપવાનો પ્રયાસ કરીશ. કદાચ આ પુસ્તકો તમને પણ પસંદ આવે. પુસ્તકો માણસના મનના ઘરેણા સમાન છે. તો શરુ કરીએ આ પ્રથમ ભાગથી..........

 • “કૃષ્ણલીલા રહસ્ય” – સ્વામી સચ્ચિદાનંદ-
 • આ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદે તમામ લીલાનો હાર્દ સમજાવવાનો પ્રયાસ છે. આજ સુધી આપણે જે લીલાઓને માત્ર સ્ટોરી રૂપમાં જ કહેતા આવ્યા છીએ પણ તે દરેકની પાછળ કૈક અલગ જ રહસ્ય કે ઉદેશ છે જે આપણે જાણતા જ નથી. એટલે જ અર્થનો અનર્થ વર્ષોથી ચાલતો જ આવ્યો છે.

  એ પછી ગોપીઓના કપડાઓ લુંટવાની વાત હોય , ગોવર્ધનને ઉઠાવવાની વાત હોય, કે યમુનામાં કાલીનાગને નાથવાની વાત હોય, કે પછી શિશુપાલ વધની વાત હોય. આ દરેક માત્ર કહાની નથી, પણ ઊંડો રહસ્યમય અર્થ આપે છે.

  ઉદા. તરીકે કૃષ્ણ કાળીનાગને નાથે છે, એના પર નરસિંહ મહેતા એ તો “ નાગ દમન – જળ કમળ છાંડી જાને બાળા “ એવી કવિતા પણ લખી છે, એ આખી લીલા એ પ્રતીકાત્મક છે. એ કહાની દ્વારા કહેવાનો અર્થ કૈક ઊંડો છે. એ અર્થ સમજાવો ખાસ જરૂરી છે.

  આ બૂક દ્વારા તમને સમજાશે કે કૃષ્ણ શું કહેવા માંગે છે ? તેનું રહસ્ય શું છે ?? અને આપણે કૃષ્ણને માત્ર ચમત્કારિક બનાવી દીધા છે. પણ વાસ્તવિકતા કૈક અલગ જ છે. કૃષ્ણની લીલાનું મૂળ સ્વરૂપતો ફિલોસોફી જ છે. કૃષ્ણપ્રેમીઓ માટે વાંચવા લાયક આ બૂક છે .

 • કૃષ્ણ : મારી દ્રષ્ટીએ – ઓશો રજનીશ
 • કૃષ્ણને એના વાસ્તવિક રૂપમાં ફરી ઉભા કરવાનું કામ આચાર્ય રજનીશએ આ બુકમાં કર્યું છે. કૃષ્ણને માનતા એક એક માણસે આ પુસ્તક વાંચવું જોઈએ. તો જ વાસ્તવિક કૃષ્ણ સમજાશે.

  આપણે આજ સુધી એ સત્ય સુધી પહોચી જ નથી શક્યા. આપણે તો બસ કૃષ્ણના મંદિર બનાવી દીધા, એની પૂજા કરી નાખી પણ એના વિચાર અને સિધ્ધાંત સુધી તો ખરી રીતે પહોચી જ નાં શક્ય. તમારો સંપ્રદાય કદી તમને ખરા કૃષ્ણને ઓળખવા જ નહિ દે. એ તો એના વિચારો વાળો બંધક કૃષ્ણ છે. ને કૃષ્ણ કદી કોઈ સીમામાં બંધાઈ નાં શકે.

  આપણે કૃષ્ણને એક તરફી જ જોયા છે. પણ કૃષ્ણ મલ્ટીડાયમેન્શનમાં છે. કૃષ્ણ રોમાન્સ પણ કરે છે, યુદ્ધ પણ કરે છે, રાજનીતિ પણ કરે છે, અને ગીતા જેવી ઊંડી ફિલોસોફી પણ કહે છે. એક માણસ બધા ક્ષેત્રમાં માસ્ટર જેવું જ કૈક. એટલે જ લોકો પોતાના સ્વભાવ મુજબ કૃષ્ણના કોઈ એક રૂપને પકડી રાખે છે.

  એટલે જ તો સુરદાસના કૃષ્ણ અલગ ( બાળકૃષ્ણ ) , ગાંધીજીના કૃષ્ણ અલગ ( ગીતાના કૃષ્ણ ), મીરાં કે નરસિંહના કૃષ્ણ અલગ (પ્રેમ દિવાના કૃષ્ણ ). આવું કેમ ? એક એવો ઈશ્વર જે અલગ અલગ રૂપે પુજાય છે. આ માણસ સંસારના વૈભવને માણતો હોવા છતાં સત્યના છેલ્લા શિખર પર પણ પહોચી જાય છે.

  આવું કૃષ્ણે કઈ રીતે શક્ય બનાવ્યું હશે ?? શા માટે લોકોને કૃષ્ણ તરફ આકર્ષણ છે ?? એક માણસ તરીકે કૃષ્ણ કેવા હોઈ શકે ? એ રજનીશે સરસ રીતે સમજાવ્યું છે.

 • The Gospel of Sri RamaKrishna –
 • રામકૃષ્ણ પરમહંસ એ માણસ અદભુત છે. સ્વામી વિવેકાનંદ ને વાંચતા પહેલા રામકૃષ્ણને વાંચવા જોઈએ. તો જ વિવેકાનંદનો સાચો આનંદ-અર્થ સમજાશે. ગદાધર થી રામકૃષ્ણ સુધીની સમગ્ર યાત્રા તેના અનુભવથી ભરપૂર છે.

  આ માણસ માંથી શીખવા જેવું હોય તો તે છે.- કોઈ પણ કાર્યમાં પૂર્ણ સમર્પણ. Total Devotion.. વીસ વર્ષની જિંદગીમાં એણે અલગ અલગ ધર્મ-સંપ્રદાય પાળ્યા, સાકાર-નીરાકાર બંનેને માન્યા અને અનુભવ્યું કે દરેક રસ્તેથી ઈશ્વર સુધી જવાય છે. અંતે એક જ વાક્યમાં ૨૦ વર્ષના અનુભવનો સાર કહી દીધો કે “ જેમ પાણી ને તમે જળ, વોટર, નીર કાઈ પણ કહી લો પણ એ છે તો H2o જ ”.

  સ્વામી વિવેકાનંદ તર્કના, થીયરીના માણસ ને રામકૃષ્ણ સમર્પણ, અનુભવના માણસ. એક સાકારમાં માને અને એક નીરાકારમાં. એટલે જ વિવેકાનંદને રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકારતા વર્ષો લાગેલા. પહેલી વાર એવી બન્યું હશે કે કોઈ શિષ્યએ ગુરુની વર્ષો સુધી પરીક્ષા કરી હોય.

  પણ એવું તો શું હતું રામકૃષ્ણમાં કે એક ગામડાના ૪ ચોપડી ભણેલા આ માણસને બુદ્ધિશાળી વિવેકાનંદે ગુરુ બનાવ્યા?? એ માટે આ પુસ્તક વાંચવું જ જોઈએ.

 • કઠ ઉપનિષદ –
 • મૃત્યના દેવ યમ અને રાજા ઉદાલકનાં પુત્ર નચિકેતા નાં સંવાદ સાથે સંકળાયેલી આ કથા એક અદભુત ફિલોસોફી છે. કહાનીનાં માધ્યમથી મૃત્યના રહસ્યની વાત આ ઉપનિષદ કરે છે.

  રાજા ઉદાલક એક વિશ્વજીત યજ્ઞ કરાવે છે ત્યારે દુબળી ગાયોનું દાન કરે છે આથી તેનો પુત્ર નચિકેતા પિતાને રોકે છે. તેને સમજાવે છે કે આવી દૂધ દોહી લીધેલ નબળીગાયો દાનમાં આપવાથી શું થાય ? દાનતો શ્રેષ્ઠ વસ્તુઓનું કરાય. અંતે ક્રોધિત થયેલ પિતા નચિકેતાને જ મૃત્યુના દેવ- યમને દાનમાં આપે છે. નચિકેતા હસતા મુખે પિતાની વાત સ્વીકારે છે.

  પણ જયારે નચિકેતા યમ પાસે જાય છે તો યમ બહાર ગયા છે. અને ૩ દિવસ નચિકેતા યમલોકમાં તેની રાહ જુવે છે. આથી પાછા ફરેલ યમદેવ, નચિકેતા ને ૩ વરદાન માંગવાનું કહે છે. આ વરદાન પર જ આખી કહાની નો આધાર છે.

  છેલ્લા વરદાનમાં નચિકેતા યમદેવ ને મૃત્યુના રહસ્ય વિષે પૂછે છે. પણ યમ તેને આ વાતના બદલામાં જાત જાતના પ્રલાભનો આપે છે. પણ નચિકેતા એ બધાને અવગણી ને એક જ વાત કરે છે કે બસ મને તો મૃત્યુના રહસ્ય વિશે જ કહો. અને અંતે એક મહાન કહાની શરુ થાય છે. કારણ કે મૃત્ય વિશેની વાત, મૃત્યના દેવ સિવાય બીજું કોણ કહી શકે ??

  આ આખી કહાની પ્રતીકાત્મક ( Symbolic ) છે. પણ કહાનીનો પ્રવાહ ચોટદાર છે. ઇશા ઉપનિષદ બાદ ૧૦૮ ઉપનિષદ માંથી આ વાંચવા જેવો અદભુત ઉપનિષદ છે.

 • “સિદ્ધાર્થ” – હરમન હેસ ( અનુવાદ – દીપક સોલિયા )-
 • મૂળ રીતે આ જર્મન નવલકથા છે. પણ તેના નાયક સિધાર્થ દ્વારા લેખક પ્રત્યેક માણસને પોતાની કહાની સંભળાવા માંગે છે. માણસને અંતે જોઈએ શું? સુખ-સફળતા-સ્વસ્થતા- કે શાંતિ ??

  સિધાર્થ અને તેનો મિત્ર ઘર છોડીને સત્યની શોધમાં નીકળી પડે છે. પછી શું શું થાય છે ? શાશ્વત શું છે ? સત્ય શું છે ? તેની સઘળી શોધ ચાલે છે. તેનો મિત્ર તો ભગવાન બુદ્ધથી પ્રભાવિત થઈને બુદ્ધનો શિષ્ય બની જાય છે. પણ સિધાર્થને હજુ સંતોષ ન થતા તે બુદ્ધને છોડીને પોતાનો રસ્તો જાતે જ શોધે છે. તેમાં તે ભટકે છે, પીટાય છે. પણ સત્યતો હાથમાં આવે કે દૂર ભાગે છે. સત્ય નગ્ન છે એટલે સામે હોય તોપણ દેખાય નહિ. સિધાર્થની યાત્રા આપણી ખુદની યાત્રા છે.

  સુખ-દુખ, પાપ-પુણ્ય, સફળતા-નિષ્ફળતા વચ્ચે જિંદગી સતત ફંગોળાતી રહેવાની જ. આ બધા વચ્ચે માણસપોતાની શાંતિ અને સ્વસ્થતા લઇ રીતે જાળવી શકે ? આખરે જિંદગીનો મતલબ શું ? એ આ કહાની આધ્યાત્મિક રીતે સમજાવે છે.

 • 6. મહાભારત – ( ગુજરાતી અનુવાદ ) ( કમલા સુબ્રમણ્યમ )-
 • દુનિયાના કોઈ પણ માણસે એકવાર તો આ કથા વાંચવી જ જોઈએ. વેદવ્યાસ એ પોતાની તમામ કળા આ એક મહાકાવ્યમાં ખર્ચી નાખી હશે. યુગો સુધી આ કહાની અવિરત ચાલતી રહેશે. કારણ કે આ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. શ્લોકરૂપે તો ધાર્મિક પુસ્તક ભંડારમાં આ બૂક મળતી જ હોય છે અને ઘરમાં પણ મંદિરના ગોખલામાં ધૂળખાતી આ બૂક એમ જ પડી હોય છે.

  પણ કહાની સ્વરૂપે લખાયેલ મહાભારત વાંચવાની મજા જ કૈક ઔર છે. એ વાંચ્યા પછી જ તમે કોઈ ચર્ચામાં ઉતારશો તો તર્કનો આધાર બનશે મહાભારતની કહાની વિષે અહી લખવું શક્ય નથી. બસ એટલું જ કે એકવાર જરૂર વાંચવું.

  તર્ક-વિતર્ક, સત્ય-અસત્ય, વેર-ક્ષમા થી ભરપુર આ કહાની વિષે અંગ્રેજી લેખકો પાગલ થયા છે. મેક્સમૂલર જેવા માણસે તો મહાભારતમાં વર્ણિત સ્થળો શોધવા માટે ભારતમાં એક એક સ્થળની મુલાકાત પાગલની જેમ લીધી હતી. મહાભારત પછી ભગવદગીતા વાંચવી. તો એક સરસ લીંક જોડાઈ શકશે.

  લેખક વિષે –

  વિવેક ટાંક એ Upsc- Gpsc જેવી સિવિલ સર્વિસ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈતિહાસનાં લેકચરર છે. ઉપરાંત તે કવિ અને લેખક પણ છે. ગાંધીનગર ખાતે તેઓ ડેપ્યુટી સેક્શન અધિકારી તરીકે પણ જોડવા જઈ રહ્યા છે.

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED