Dashavatar - 67 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 67

          પદ્મા અને બાકીના તાલીમીઓએ બસમાંથી ખોરાક એકઠો કર્યો, કેટલાક ફૂડ પેકેટ પ્લાસ્ટિકની થેલીઓમાં હતા અને કેટલાક કાગળની થેલીઓમાં. પદ્માએ એના થેલામાં બિસ્કિટ, બ્રેડ અને સૂકો ખોરાક ભર્યો. સરોજાએ પણ એ જ કર્યું. એ હજુ પણ રડતી હતી.

          થોડીવારમાં બસમાં ખોરાકનો જથ્થો પૂરો થઈ ગયો. બધા તાલીમીઓ ઇમારતમાં દોડી ગયા જ્યાં અનુભવી એમની રાહ જોતા હતા. એમણે જગપતિ અને એની ટૂકડીને ભોંયરામાં કેદ કરી હતી જેથી આવનારી ટૂકડી જગપતિ પર કોઈ શંકા ન કરે. જોકે એમ કરવું એ એમના પોતાના મુત્યુને આમંત્રણ આપવા બરાબર હતું એ શૂન્યો જાણતા હતા. જગપતિ અને બાગી નિર્ભય સિપાહીઓની મદદ વિના એમની પાસે પોતાના જીવનનું બલિદાન આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

          "આ નિર્ભય સિપાહીઓના મૃતદેહોનું શું?" અખિલ પાસે પહોંચતા જ પદ્માએ પૂછ્યું. એ નિર્ભય સિપાહીઓ કારુને વફાદાર હતા એટલે જગપતિ અને એની બાગી નિર્ભયની ટૂકડીએ પાટનગરથી હુમલાના સમાચાર આવ્યા એ જ પળે હુમલો કરી એમને પતાવી દીધા હતા. જગપતિ જેવા સેનાનાયક સામે એમાંથી કેટલાકને તો તલવાર કાઢવાનો પણ મોકો નહોતો મળ્યો.

          "આપણે એમને મારી નાખ્યા છે અને બાકીનાને કેદ કર્યા છે." એના ચહેરા પર સ્મિત હતું, “આ જ યોજના છે. જો મારી પાસે પણ વળાંકવાળી તલવાર છે."

          "કેમકે તમે પણ હવે નિર્ભય છો."

          "તાલીમીઓ ઇમારતની બહાર નીકળી જાઓ." અખિલ તાલીમીઓ તરફ ફર્યો, "પાછળના દરવાજાનો ઉપયોગ કરજો અને દીવાલને લપાઈને ચાલજો."

          બધાએ માથું હલાવ્યું.

          "તમે નથી આવતા?" સરોજાએ ફરી એકવાર પૂછ્યું. જોકે એ જવાબ જાણતી હતી.

          “હા, હું આવું છું પણ હમણાં નહીં. ટૂંક સમયમાં આવીશ.” એણે કહ્યું, "અમે બધા નિર્ભયને મારી નાખ્યા પછી તમને ભેગા થઈ જઈશું."

          પદ્મા મનોમન હસી : એના સિવાય આવું જૂઠ કોઈ ન બોલી શકે. એ જાણતી હતી કે એ અશક્ય છે છતાં એ ચાહતી હતી કે આ વખતે અખિલનું જૂઠ જુઠ્ઠું પડે. એણે સરોજાને પોતાને છેલ્લું આલિંગન આપ્યું.

          "તું એક સારી દીકરી છે." એણે સરોજાના કપાળ પર ચુંબન કરતા કહ્યું, "પદ્મા તને જે કરવાનું કહે એમ જ કરજે અને એની સાથે રહેજે, ઠીક છે?"

          સરોજાએ માથું હલાવ્યું અને એનો એક હાથ પદ્માના હાથમાં સરકાવી અખિલે પદ્મા તરફ નજર ફેરવી, "તું એને..."

          એકાએક મોટરોના એન્જિનનો ભારે આવાજ સંભળાયો અને અખિલના શબ્દો એના ગળામાં જ અટકી ગયા.

         "એ આવી પહોંચ્યા છે." કહેતી પદ્મા બારી તરફ દોડી.

         જગપતિએ એમને જે કહ્યું હતું બરાબર એ જ દૃશ્ય એમણે જોયું. જે જોવાની  એમણે અપેક્ષા નહોતી કરી એ દૃશ્ય એમની આંખો સામે હતું. નિર્ભય સિપાહીઓથી ભરેલી કાળી જીપ એમની તરફ આવતી હતી. મોટરો પર કાળા રંગના ચામડાના હુડ લાગેલા હતા અને હુડ પર વિશાળ કદના ઘુવડ ચીતરેલા હતા. તમામ જીપની આગળ ચાર મોટરસાઇકલો પર નિર્ભય સિપાહીઓ સવાર થયેલા હતા. હુમલાવર ટુકડી આવી પહોંચી હતી.

         પદ્મા દોડીને પાછી આવી. સરોજાનો હાથ પકડીને એ બોલી, "ચાલ, જઈએ."

         "ના." એના ગાલ પરથી આંસુ વહેતા હતા, "હું મારા પિતાને છોડી ન શકું."

         "સરોજા જા." અખિલે તલવાર કાઢી અને પદ્મા સામે જોયું, "હું તારા પિતાને સ્વર્ગમાં મળીશ ત્યારે એને કહીશ કે ત્રિલોક તારી દીકરી બહાદુર છે."

         "પિતાજી, આવું ન કરો." સરોજાએ વિનંતી કરી પણ અખિલે જવાબ ન આપ્યો. એ સમજી ગઈ કે હવે વાતોમાં સમય વેડફવાનો કોઈ અર્થ નથી. 

         "પદ્મા..." એણે કહ્યું, "જા બેટા, સરોજાને લઈ જા."

         પદ્માએ સરોજાને ખેંચીને પાછળના દરવાજા તરફ ભાગી જ્યાંથી બાકીના તાલીમીઓ ભાગતા હતા. દોડતા દોડતા એ અખિલને કહેતી હતી, “હું સરોજાનું રક્ષણ કરીશ. હું એની કાળજી રાખીશ. હું સરોજાને કંઈ નહીં થવા દઉં.” પણ બધા અનુભવીઓએ બૂમો પાડીને આગળના દરવાજા તરફ દોડવાનું શરૂ કર્યું એટલે એના શબ્દો અખિલ સુધી ન પહોંચ્યા.

         એમના શ્વાસ સામાન્ય કરતા બમણા ઝડપી હતા. એમની આસપાસ બાકીના તાલીમીઓ દોડતા હતા. કેટલાક હજુ રડતા હતા અને બાકીના ગુસ્સાથી બૂમો પાડતા હતા. ઘણાએ એક બીજાનો હાથ પકડી રાખ્યો હતો. ઘણાએ ખોરાકની થેલીઓ ખભે ભરાવી હતી અને હાથમાં હથિયારની જેમ ઉપયોગ કરવા માટે કામના ઓજારો રાખ્યા હતા.

         ઇમારતની અંદરના લોકોનું શું થશે? એ વિચાર એમને પાછા વળવા કહેતો હતો પણ એ આગળ વધતા રહ્યા કેમકે ઇમારતની અંદરના લોકોની આખરી ઇચ્છા એમને જીવતા રાખવાની હતી એટલે એમની આખરી ઇચ્છા પૂરી કરવા એમણે પોતાને બચાવવાનું નક્કી કર્યું હતું.

         “સરોજા...” પદ્માએ દોડતા કહ્યું, “દોડતી રહેજે. આપણે બચી નીકળીશું.”

         એની બરાબર બાજુમાં સરોજા પૂરી તાકાતથી દોડીતી હતી.

         "આપણે નહીં બચી શકીએ." એ હાંફતા અવાજે બોલી.

         "આપણે બચી જઈશું, તું ફક્ત મારી નજીક રહેજે."

         "હા."

         એ ઇમારતની બહાર નીકળી પાણીની કેનાલ તરફ દોડ્યા. એમની પાછળ આવતા અવાજ ભયંકર હતા - ધાતુ સાથે ધાતુ ટકરાવાના અવાજ. દર્દથી નીકળતી ચીસો અને નિર્ભય સિપાહીઓની ગર્જના.

         "એ આપણા લોકોને મારી રહ્યા છે." સરોજાએ બૂમ પાડી, "શું તું એ સાંભળી રહી છે?"

         "એ ન સાંભળ." પદ્માએ કહ્યું. એનું હૃદય ધબકતું હતું, પરસેવો એના કપડાં ભીંજવતો હતો, "એ આપણને બચાવવા માટે લડી રહ્યા છે. આપણે બચીને નીકળી જઈશું તો જ એમની કુરબાની સાર્થક બનશે."

         પદ્માને જે દીવાલ સવારે નજીક દેખાતી હતી એ હવે ખૂબ દૂર લાગતી હતી.  એ લોકો હજુ કેનાલથી દૂર હતા. પાછળ એકાએક શોર થયો. એણે પાછળ ફરીને જોયું તો એનું હૃદય થંભી ગયું.

         નિર્ભયની અડધી ટુકડી ઇમારતની આસપાસ અડધું ચક્કર લગાવી ઇમારતની પાછળ આવીને ઊભી હતી. એ બરાબર એમની પાછળ હતા. એ એમની યોજના સમજી ગયા હતા. અડધા નિર્ભય સિપાહીઓ ઇમારતની અંદર લડી રહ્યા હતા અને દસથી વધુ ઇમારતના પાછળના ભાગે તાલીમીઓને શોધવા આવ્યા હતા.

         દુશ્મનો એમના સુધી પહોંચી જવાના હતા - એમનાથી આગળ નીકળી જવાના હતા. એકાએક કાન ફાડી નાખે એવી ચીસ સંભળાઈ. એ ચીસ એક તાલીમી છોકરાની હતી. નિર્ભયનું તીર એની પીઠમાં ઉતરી ગયું હતું. એ હજી પણ એના પગ પર હતો પણ અસ્થિર હતો જાણે એના પગ પાણી પર હોય જમીન પર નહીં. એણે એક બે ડગલાં ભર્યા અને અંતે સમતોલન ગુમાવી રેતમાં ફસડાઈ પડ્યો.

         “દોડો.” પદ્માએ બૂમ પાડી, “ભાગો.”

         એ બૂમો સાંભળી બીજા કેટલાક તાલીમીઓ હોશમાં આવ્યા હોય એમ દોડો દોડોની બૂમો પાડતા ફરી પાણીની કેનાલ તરફ દોડવા લાગ્યા.

         "કેનાલની દીવાલ પર વેલા છે." પદ્માએ કોણ સાંભળે છે એ જોયા વિના બૂમ પાડી, "જો આપણે ત્યાં પહોંચી શકીએ તો આપણે દીવાલ પર ચડીને પાણીમાં કૂદી શકીએ."

          "પાણી આપણને મારી નાખશે." સરોજાએ બૂમ પાડી. એનો હાથ હજુ પણ પદ્માના હાથમાં હતો. એ બાજુબાજુમાં દોડતા હતા, "પાણી આપણને મારી નાખશે."

          "હું જાણું છું કે પાણીમાંથી કેવી રીતે બહાર નીકળવું." પદ્માએ ફરી બૂમ પાડી, “મારા પર વિશ્વાસ કરો, માછલી પકડવા માટે હું હજારો વખત કેનાલમાં કૂદી ચૂકી છું. હું જાણું છું કે પાણીમાંથી કેવી રીતે જીવતા નીકળવું.”

          "દોડો અને કેનાલની દીવાલ પર ચડી જાઓ." બધાએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને કેનાલ તરફ દોડતા રહ્યા. પદ્માએ ફરી પાછળ જોયું. એ હજી પણ દોડતી હતી. ડર સામે લડતી હતી કારણ કે જગપતિએ કહ્યું હતું કે ડર તમને ડરાવવા માટે નહીં પણ તમારી શક્તિઓને બહાર લાવવા માટે છે.

          તાલીમીઓ દોડી રહ્યા હતા – ના, બધા નહીં. કેટલાક ડરથી સુન્ન બની ગયા હતા. દસથી વધુ તાલીમીઓ એક જૂથમાં ઊભા રહી ગયા અને એમની તરફ આવતા લોહી તરસ્યા નિર્ભયના ટોળાને જોઈ રહ્યા હતા. એ ભયથી ધ્રૂજતા હતા.  એ રડતા હતા.  એ ત્યાં જ ઊભા રહી ગયા. પદ્મા સમજી ગઈ કે ભયે એમને અંદરથી ઝકડી લીધા છે.

          એ અટકી એટલે સરોજા પણ ઉભી રહી ગઈ.

          "એ લોકો શું કરે છે?" સરોજાએ ભયભીત તાલીમીઓ તરફ અને પછી પદ્મા તરફ જોયું, "એ શેની રાહ જોઈ રહ્યા છે?"

          "એ ભયભીત છે. શું કરવું એ એમની સમજ બહાર છે." પદ્માએ કહ્યું, "આપણે કંઈક કરવું પડશે નહિતર નિર્ભય સિપાહીઓ એમને મારી નાખશે."

          પદ્માએ એમની તરફ આગળ વધતી નિર્ભયની ટોળી તરફ નજર કરી.

          "દોડો." એણે કહ્યું પણ ભયથી સુન્ન થયેલા તાલીમીઓમાંથી કોઈએ એ ન સાંભળ્યું.

          "શું તું એમાંથી કોઈને ઓળખે છે?" એણે સરોજાને પૂછ્યું.

          "હા." સરોજાએ એમાંથી બે યુવાન તરફ ઈશારો કર્યો, "પેલો દન છે અને પેલો સાન છે."

          "અહીં જ રહેજે." પદ્માએ એનો હાથ છોડતાં કહ્યું, "હું આવું છું."

          સરોજાએ માથું હલાવ્યું.

          પદ્મા સ્તબ્ધ જૂથ તરફ દોડી અને એમની નજીક પહોંચતા એણે બે છોકરાઓને જમીન પર પડતા જોયા, એમની છાતીમાં ધાતુના તીર ઉતરી ગયા હતા.

          "દોડો, દન..." એણે કહ્યું, એ જાણતી નહોતી કે દન કોણ હતો કે સાન કોણ હતો પએટલું ણ એ જાણતી હતી કે જો એમાંથી એક બે દોડશે તો બાકીના ભાનમાં આવશે અને દોડવા લાગશે, "સાન, ભાગો."

          એને જવાબ આપવાને બદલે બે છોકરા દોડવા લાગ્યા અને બાકીના છોકરાઓએ પદ્માની અપેક્ષા મુજબ જ કર્યું. એણે નિર્ભય ટુકડી તરફ નજર કરી, વરુઓના ટોળાની જેમ એ એમની તરફ આગળ વધતી હતી. એમની નજર શિકાર પર હતી. પદ્માએ એમના જેવું ડરામણું ક્યારેય કશું જોયું નહોતું. એ બધા જૂની વાર્તાઓના રાક્ષસો જેવા લાગતા હતા. એ દોડતી સરોજા પાસે પહોંચી. ફરીથી એનો હાથ પકડ્યો અને બંને ભયભીત જૂથની પાછળ દોડ્યા.

          પદ્મા આગળ દોડતી હતી અને સરોજાને એની પાછળ ખેંચતી રહી. એકાએક એમણે આસપાસ દોડતા તાલીમીઓની પીઠમાં તીર ઉતારતા જોયા. પાછળનો અવાજ અચાનક વધી ગયો. કારણ જાણવા એણે પાછળ જોયું. એણે એના લોકોને પાછળના દરવાજેથી બહાર ધસી આવતા અને નિર્ભય પર તીર છોડતા જોયા. ત્યાં ફરી યુદ્ધ શરૂ થયું. શૂન્ય લોકો બે બાજુ લડતા હતા: ઇમારતની અંદર અને ઇમારતની બહાર. એમને બે મોરચા સંભાળવાના હતા પણ શૂન્યોએ આજે ધાર્યા કરતાં વધારે બહાદુરી બતાવી હતી. આજે તેઓ નિર્ભય સિપાહીઓ જેમ લડી રહ્યા હતા. કદાચ આજે એમની પાસે લડવા કારણ હતું કે પછી હવે કોઈ શૂન્ય શૂન્ય નહોતો રહ્યો. એ ફરી એકવાર માનવ બની ચુક્યા હતા અને માનવજાત અંતિમ પળ સુધી મુકાબલો કર્યા વિના હાર નથી માનતી એ વાતનો સાક્ષી તો ખુદ પ્રલય હતો.

          પદ્મા દોડતી રહી. એને કોઈ ચીસ સાંભળાતી ત્યારે એ પોતાની જાતને પાછળ જોવાની ના પાડતી. પસાર થતી દરેક પળ સાથે એમની પાછળની ચીસોની સંખ્યા વધી રહી હતી. પીડાની ચીસો, એના લોકોની ચીસો, હવાને વીંધી નાખતી ચીસો, એના કાનને સળગાવી દેતી ચીસો, અન્ય કોઈ પણ અવાજ કરતા તીવ્ર ચીસો, એમના દોડતા પગલાના અવાજને પણ અવરોધી નાખતી ચીસો. દરેક પગલા સાથે એ એક ચીસ સાંભળતી અને દરેક ચીસ સમયે એ પ્રલય પહેલાના દયાળુ દેવોને પ્રાર્થના કરતી કે એ ચીસ અખિલની ન હોય. જોકે પ્રલય પહેલાના દયાળુ દેવો પ્રલય પછી બહેરા બની ગયા હતા. ક્યારેય કોઈ પ્રાર્થના એમના કાન સુધી ન પહોંચતી એ પદ્મા સારી રીતે જાણતી હતી.

          પદ્મા ફક્ત એ માણસ વિશે વિચારતી હતી જેની સાથે એ લાગણીથી જોડાઈ ચુકી હતી. એવું નહોતું કે એના હ્રદયમાં બાકીના લોકો માટે લાગણી નહોતી પણ કોણ જાણે કેમ એના મનમાં અખિલના વિચાર વધુ હતા. વર્ષો પછી પિતાની ઠંડી છાય મેળવીને એક મહિના કરતા પણ ઓછા સમયમાં પિતાતુલ્ય એ માણસને ખોવાનો વારો આવે તો માણસ જરા સ્વાર્થી બની જાય એ સહજ હતું તેમ છતાં પદ્માને એ વિચિત્ર લાગતું હતું. એ પોતાના બધા લોકોને મદદ કરવા માંગતી હતી પણ એ જાણતી હતી કે માત્ર મદદના વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

          "આપણા લોકો મરી રહ્યા છે." સરોજાએ પાછળ જોયું અને બૂમ પાડી, "બે દેવતાઓ એમને જાદુથી મારી રહ્યા છે."

          દેવતા - પદ્માનું હૃદય એક ધબકારો ચુકી ગયું. જો દેવતા યુદ્ધમાં સામેલ હોય તો એના લોકો થોડી મિનિટોથી વધુ નહીં  ટકી શકે એ નક્કી. દેવતાઓ સામે કોઈ ન જીતી શકે - એમની પાસે દુશ્મન સામે લડવા માટે જાદુ હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED