પ્રારંભ - 12 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રારંભ - 12

પ્રારંભ પ્રકરણ 12

જામનગરની ભૂમિનો જ એ પ્રતાપ હતો કે આજે પહેલા જ દિવસે આટલું સરસ ધ્યાન કેતનને લાગી ગયું. એટલું જ નહીં પરંતુ એને અખિલેશ સ્વામીનાં પહેલીવાર દર્શન પણ થયાં જે એના સ્પિરિચ્યુઅલ ગાઈડ હતા !

કેતન જાણતો હતો કે પૃથ્વી ઉપર દરેક મનુષ્યના કોઈને કોઈ સ્પિરિચ્યુઅલ ગાઈડ હોય છે જે અંતઃપ્રેરણા દ્વારા કે સ્વપ્ન દ્વારા અવારનવાર માર્ગદર્શન આપતા હોય છે. આ ગાઈડ કેટલાય જન્મોથી જે તે આત્માની સાથે જોડાયેલા હોય છે. સામાન્ય રીતે તો આ ગાઈડ કોઈ પવિત્ર આત્મા જ હોય છે. પરંતુ વ્યક્તિની જો આધ્યાત્મિક ઉન્નતિ થાય તો કોઈ ઉચ્ચ આત્મા ગાઇડનું સ્થાન લઈ લેતા હોય છે.

ધ્યાનમાંથી જાગ્યા પછી કેતન ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. ચેતન સ્વામીએ એને જોઈ લીધો હતો એ એના માટે આનંદના સમાચાર હતા. અખિલેશ સ્વામીએ એને કહ્યું હતું કે ધ્યાનમાં એ તેમનો સંપર્ક કરી શકે છે. કેતન માટે આ પણ એક ખુશીની વાત હતી.

નાહી ધોઈને કેતન ફ્રેશ થઈ ગયો અને શિવાની સાથે ચા પીવા માટે જોડાઈ ગયો.

" ભાઈ નાસ્તો કરવો હોય તો તમારા માટે પુરી કે થેપલાં લઈ આવું ? કારણ કે મારે તો જોઇશે જ." શિવાની બોલી.

" તું તારે નાસ્તો કરી લે શિવાની. મને બહુ આદત નથી. " કેતને કહ્યું.

લગભગ ૮ વાગે ચા-નાસ્તો પતાવીને શિવાની કિચનમાં કપ-રકાબી ધોઈ રહી હતી ત્યાં જ મનાલી ઘરકામ કરવા માટે શાંતાબેનને લઈને કેતનના ઘરે આવી.

" સર વેલકમ ટુ જામનગર. આ માસી તમારા ઘરે બધું કામકાજ કરશે. તમારે જે પણ કામ કરાવવું હોય એ એમને સમજાવી દો. એમનું નામ શાંતાબેન છે. કાલે જયેશભાઈ આવીને અમને કહી ગયા હતા. " મનાલીએ કેતનને કહ્યું.

કેતને જોયું કે બહેન બહુ વ્યવસ્થિત અને ઠરેલ દેખાતાં હતાં. અને ઉંમર પણ ૫૦ ની ઉપર લાગતી હતી.

" જુઓ માસી અત્યારે તો અમે ભાઈ બહેન બે જણાં છીએ. તમારે સવારે કચરા પોતાં કરી જવાનાં અને બે ટાઈમ વાસણ ધોવા આવી જવાનું. સાફ સફાઈ માટે સવારે આઠ વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવો. બપોરે એક વાગે અને રાત્રે આઠ વાગે વાસણ તૈયાર હશે. તમારી અનુકૂળતાએ આવીને કરી જાઓ. મારા તરફથી સમયનું કોઇ જ બંધન નથી. પૈસા તમને બીજેથી જે પણ મળતા હોય એનાથી ડબલ હું આપીશ. ઘરની ચોખ્ખાઈ મને બહુ ગમે છે. " કેતન બોલ્યો.

" એમાં તમારે કંઈ કહેવું નહીં પડે શેઠ. રાત્રે જતી વખતે પણ કચરો વાળી દઈશ. મારે ડબલ નથી જોઈતા. તમારે જે આપવું હોય તે આપજો. " માસી બોલ્યાં. સૌરાષ્ટ્રની આ પ્રમાણિકતા હતી.

" કામની તમે કોઈ ચિંતા ન કરો સર. શાંતામાસી નું કામ અપટુડેટ છે. વર્ષોથી અમારા ઘરે કામ કરે છે. માસી તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપે." મનાલીએ કહ્યું.

" તેં સર્ટિફિકેટ આપી દીધું એટલે મારે કંઇ કહેવાનું જ નથી. થેન્ક્યુ " કેતને હસીને કહ્યું.

" આ મારી બેન શિવાની. વેકેશન છે એટલે મારી સાથે આવી છે રસોઈ કરવા માટે. રસોઈ કરવાવાળાં બેનની તપાસ કરવાનું મેં તને કહેલું જ છે. એ ધ્યાન રાખજે. " કેતન બોલ્યો.

" કેમ છો શિવાનીબેન ? તમને મળીને આનંદ થયો. કેતન સરને હું ઓળખું છું. એક વાર ટ્રેનમાં અમે સુરત સુધી સાથે હતાં. એમણે જ મને કહેલું કે હું તમારી પડોશમાં રહેવા આવવાનો છું. હું અહીં બાજુમાં જ ત્રીજા બંગલામાં રહું છું." મનાલી હસીને બોલી.

" વાઉ.. તો તમે ભાઈ ને ઓળખો છો એમને ? સરસ. તમારી કંપનીમાં મને પણ મજા આવશે. " શિવાની બોલી.

" સર હવે તમે કામની ચિંતા નહીં કરો. માસી તો અત્યારથી જ એમનું કામ ચાલુ કરી દેશે. પરંતુ તમારે લોકાએ મારી સાથે મારા ઘરે આવવાનું છે. હું તમને અત્યારે ચા પીવા બોલાવવા આવી છું. " મનાલી બોલી.

" અરે મનાલી હું ભાગી જવાનો નથી. કાયમ અહીંયા જ રહેવાનો છું. તારી ચા પીવા ક્યારેક ચોક્કસ આવીશું. અમે હમણાં જ ચા પીધી. " કેતન બોલ્યો.

" હું કંઈ જ સાંભળવાની નથી. મેં ચા ઓલરેડી મૂકી દીધી છે. ગરમ નાસ્તો પણ મંગાવી દીધો છે. " મનાલી બોલી.

હવે કેતનને કંઇ બોલવા જેવું રહ્યું નહીં. શિવાનીને સાથે લઈને કેતન મનાલીના ઘરે ગયો.

" આવો આવો કેતનભાઇ. અમારી મનાલી તમારા વખાણ કરતાં થાકતી નથી. " મનોજભાઈએ દરવાજામાં જ કેતનનું સ્વાગત કર્યું.

" આવો... બેસો. " મનોજભાઈએ કેતનને સોફા તરફ ઈશારો કર્યો.

કેતન અને શિવાની સોફા ઉપર બેઠાં કે તરત મનાલીએ એમની આગળ ટેબલ ગોઠવી દીધું. ખરેખર ચા તૈયાર હતી. થોડીવારમાં જ મનાલી ટ્રે માં બે કપ ચા લઈને આવી.

પાછળ ને પાછળ મંજુલાબેન બે ડીશમાં ગરમાગરમ ફાફડા અને તળેલાં મરચાં લઈને આવ્યાં અને ટેબલ ઉપર નાસ્તો ગોઠવી દીધો.

" સૌથી પહેલાં અમારા જામનગરના ગાંઠિયા ચાખો. અમારી શેરીમાં જ બને છે. કાઠિયાવાડમાં મહેમાનોનું સ્વાગત ગાંઠિયા ફાફડાથી જ થાય છે." મનોજભાઈ બોલ્યા.

આ પહેલાં પણ આ જ ઘરમાં ગરમાગરમ ગાંઠિયા જશુભાઈ મિસ્ત્રીએ એની આગળ મૂકેલા અને લગભગ આ જ પ્રકારના શબ્દો એ બોલેલા. કેતનને બધું યાદ આવી ગયું.

" સાહેબ તમે પણ આમાં ભાગ પડાવો. કારણકે અત્યારમાં અમારી તાકાત નથી આટલો બધો નાસ્તો કરવાની. શિવાની એ પણ ઘરે નાસ્તો કરી લીધો છે." કેતન બોલ્યો.

" અરે ખવાઈ જશે કેતનભાઇ. યંગ મેન છો. " મનોજભાઈએ આગ્રહ કર્યો.

" નહીં ખવાય અંકલ. મનાલી... તું બીજી એક પ્લેટ લઇ આવ. અને તું પણ અમારી સાથે બેસી જા. આટલા ગાંઠીયામાંથી ત્રણ ભાગ આરામથી થશે. " કેતન બોલ્યો

વધારે આગ્રહ કરવો યોગ્ય નથી એમ સમજી મનાલી કિચનમાંથી બીજી એક ડીશ લઈ આવી અને ફાફડાના ત્રણ ભાગ કર્યા.

" ભાઈ મનાલી કહેતી હતી કે તમારે ડાયમંડનો બિઝનેસ છે !!" મંજુલાબેન બોલ્યાં.

" મમ્મી હું નહીં જયેશભાઈ કાલે કહેતા હતા. તું પણ શું મારું નામ લે છે ?" મનાલી બોલી.

" એમનો જે પણ બિઝનેસ હોય તે. તારે એ જાણવાની ક્યાં જરૂર છે ? " મનોજભાઇને આ સવાલ ગમ્યો નહીં એટલે સહેજ ઊંચા અવાજે બોલ્યા.

" હું તો ખાલી અમસ્તાં પૂછું છું. " મંજુલાબેન થોડાં છોભીલાં પડી ગયાં.

" કઈ વાંધો નહીં માસી. એ બિઝનેસ પપ્પાનો છે. " કેતન બોલ્યો અને એણે ચા પીવામાં ધ્યાન આપ્યું.

" જે દિવસથી મનાલી સુરતથી આવી છે ત્યારથી તમારી જ વાતો કરે છે. " ફરી મનોજભાઈ બોલ્યા.

" એ પહેલીવાર સુરત આવતી હતી એટલે માનવતાની દ્રષ્ટિએ મેં થોડી હેલ્પ કરેલી. " કેતન બોલ્યો.

" એ જ તો તમારી ખાનદાની છે ને ! બાકી આ દુનિયામાં ક્યાં કોઈને કોઈની પડી હોય છે ? " મનોજભાઈ બોલ્યા.

" તમે બહેનને લઈને આવ્યા છો તે તમારાં લગ્ન નથી થયાં ? " ફરી પાછી મંજુલાબેને પંચાત ચાલુ કરી.

" ના માસી. બે વર્ષ તો હું અમેરિકા હતો. અને અમારા સુધરેલા લેઉવા પટેલ સમાજમાં હવે પરણવાની એટલી ઉતાવળ નથી હોતી. હવે છોકરીઓ જોવાનું ચાલુ કરવાનું છે. " કેતન બોલ્યો.

" તમે તો તમારા સમાજમાં જ લગ્ન કરવાના ને ? " ફરી મંજુલાબેન બોલ્યાં.

" આજકાલ હવે સમાજનો કોઈ આગ્રહ રાખતું નથી. મોટાભાગે તો સમાજમાં થતાં હોય છે છતાં સમાજની બહાર કોઈ કરે તો બધા સ્વીકારી લે છે. મારું ફેમિલી ઘણું ફોરવર્ડ છે. " કેતને કહ્યું.

" હા સાચી વાત છે. અમારે પણ અમારી મનાલી માટે જોવાનું ચાલુ જ છે. નસીબમાં જ્યાં લખ્યું હોય ત્યાં થાય. " મંજુલાબેને વાત પૂરી કરી.

" ચાલો અંકલ અમે રજા લઈએ. માસી તમે રસોઇ કરવાવાળાં બેનનું જરા ધ્યાન રાખજો. અત્યારે તો શિવાની છે એટલે વાંધો નથી. " કેતને કહ્યું.

" હા મનાલીએ મને વાત કરી જ છે. અહીં કોઈના પણ ઘરે બહારથી રસોઈ કરવા માટે કોઈ આવતું નથી. બધાં જાતે જ કરે છે. એટલે પૂછવું પણ કોને ? છતાં તપાસ ચાલુ કરી છે. " મંજુલાબેન બોલ્યાં.

એ પછી કેતન અને શિવાની બહાર નીકળ્યાં અને પોતાના ઘરે ગયાં.

કેતન ગયા પછી મંજુલાબેને પતિ સાથે વાત શરૂ કરી.

" છોકરો તો એકદમ હીરો છે. આટલો પૈસાદાર છે છતાં વાતચીત કેટલી સરસ રીતે કરે છે ? કોઇ જાતનું અભિમાન નહીં. હજુ તો છોકરીઓ જોવાનું ચાલુ કરવાના છે. મનાલી માટે દાણો નાખી જુઓ ને ! બહુ બહુ તો ના પાડશે. વાત કરવામાં શું વાંધો ? " મંજુલાબેન બોલ્યાં.

" એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. હજુ ગઈ કાલે તો અહીં રહેવા આવ્યા છે અને આપણે વાત કરીએ તો એ પણ શું વિચારે !! દરેક વસ્તુનો એક સમય હોય છે. " મનોજભાઈ બોલ્યા.

મનાલી કિચનમાં રસોઈ બનાવતાં બનાવતાં આ બધી વાતચીત સાંભળતી હતી. મમ્મી પપ્પાની આ ચર્ચા એને પણ ગમી હતી પરંતુ એ જાણતી હતી કે કેતન સર કોઈને પસંદ કરી ચુક્યા છે. એટલે એ પાછી થોડી અપસેટ થઈ ગઈ.

ઘરે જઈને શિવાનીએ કુકરમાં તુવરની દાળ ગેસ ઉપર મૂકી દીધી. ત્રણ-ચાર શાક મનસુખ અંકલ લઈ આવ્યા હતા. ગવાર બટેટાનું શાક કરવાનું શિવાનીએ નક્કી કર્યું અને એણે શાક સમારવાનું ચાલુ કર્યું.

શાંતાબેને ઘર આખું ઝાપટીને કચરો વાળી દીધો હતો અને અત્યારે પોતું કરી રહ્યાં હતાં. કેતને એમના હાથમાં ૪૦૦૦ મૂકી દીધા.

" લ્યો માસી... આ એક મહિનાનું એડવાન્સ. દર મહિને તમને ૪૦૦૦ મળી જશે. " કેતન બોલ્યો

" અરે સાહેબ આટલા બધા ના હોય !" શાંતાબેન બોલ્યાં. એમને તો માન્યામાં જ નહોતું આવતું કે ૨૦૦૦ ના બદલે સીધા ૪૦૦૦ કેતન શેઠ આપશે.

" તમે રાખો માસી. ભવિષ્યમાં પણ તમારે કોઈ તકલીફ હોય તો વિના સંકોચે માંગી લેજો. " કેતને કહ્યું.

કેતનનું ઉદાર દિલ જોઈને શાંતાબેન તો આશ્ચર્ય પામી ગયાં. મારે હવે આ ઘરને મારુ પોતાનું ઘર સમજીને દિલ દઈને કામ કરવું પડશે.

શાંતાબેન કામ પતાવીને ગયાં પછી કેતન ન્યૂઝ પેપર વાંચવા બેસી ગયો અને શિવાની રસોડામાં વ્યસ્ત થઈ ગઈ.

સવારે લગભગ દસ વાગ્યે અસલમનો ફોન કેતન ઉપર આવ્યો.

" કેતન અસલમ બોલું. "

" હા બોલ અસલમ. શું અપડેટ છે તારા તરફથી ? " કેતને પૂછ્યું.

" રાજકોટ મામુજાન ને મળવા આવ્યો છું. એમની તબિયત સારી રહેતી નથી. અઠવાડિયા પહેલાં એટેક આવેલો એટલે આજે ખબર કાઢવા આવ્યો છું." અસલમ બોલ્યો.

" હું જામનગર શિફ્ટ થઈ ગયો છું. બંગલો પણ ખરીદી લીધો છે. વેકેશન છે એટલે મારી બેન શિવાની પણ અત્યારે મારી સાથે આવી છે. " કેતન બોલ્યો.

" અચ્છા કેતન બૂરા મત માનના. તું મને ખરેખર કેટલી મદદ કરવા માગે છે ધંધા માટે ? રકમની મને ખબર પડે તો હું એ રીતે મારુ આગળનું પ્લાનિંગ કરું. મારે મામુજાન સાથે ચર્ચા થઈ છે. એટલે જ મેં અત્યારે ફોન કર્યો. " અસલમ બોલ્યો.

" જો અસલમ તું મારો જીગરજાન દોસ્ત છે. પૈસા વચ્ચે આવતા જ નથી. મારો નેચર પણ તું જાણે છે. તારે જે પણ પ્લાનિંગ કરવું હોય તે કરી શકે છે. તને તમામ રકમ મળી જશે. વ્હાઈટના જોઈતા હોય તો ચેકથી અને રોકડા જોઈતા હોય તો આંગડિયા થી. અને હું આ પૈસા તને વ્યાજે નથી આપતો. તું જિંદગીમાં સુખી થતો હોય તો મારી આ એક મદદ છે. અને તું કયો ધંધો કરવા માગે છે એ પણ હું તને પૂછીશ નહીં. નેકી કર ઔર કુએ મેં ડાલ.. એ મારો સિદ્ધાંત છે." કેતન લાગણીથી બોલ્યો.

કેતનની આ લાગણી અસલમના હૃદયને સ્પર્શી ગઈ. કેતન ખરેખર દિલથી મદદ કરવા માગતો હતો એ એને સમજાઈ ગયું.

" ઠીક છે મારા પ્લાનિંગ માટે મને.... દોઢ બે કરોડની જરૂર છે. એટલા થઈ શકશે ? " અસલમ સંકોચાઈને બોલ્યો.

" ડન. બે કરોડ મળી જશે. બોલ કેવી રીતે તારે જોઈએ છે ? " કેતને પૂછ્યું.

" બધા વ્હાઇટ તો ના લઈ શકું. એક કામ કર. એક કરોડનો ચેક આપી દે અને એક કરોડ રોકડા. " અસલમ બોલ્યો.

" સારું. ચેક તો કુરિયરથી મોકલી શકાય પરંતુ કેશ માટે તું જાતે જામનગર આવી જાય તો વધારે સારું. આટલી મોટી રકમ છે એટલે કોઈ જોખમ ના લેવાય. રોકડા માટે સિદ્ધાર્થભાઈને વાત કરું છું એટલે સુરતથી એક ખોખાનું આંગડીયું મારા ઉપર આવી જશે." કેતન બોલ્યો.

" ટેલીફોન ટ્રાન્સફરથી પૈસા કાલે ને કાલે જામનગર આવી જશે. પૈસા આવે એટલે હું તને ફોન કરી દઈશ. તું ગમે ત્યારે ઘરે આવીને લઈ જઈ શકે છે. ચેક પણ એ વખતે જ આપી દઈશ. સુરતમાં આંગડિયા તો બધા અમારા જાણીતા જ છે. અમારો રોજનો વ્યવહાર હોય છે. " કેતન બોલ્યો.

કેતનની વાત સાંભળીને અસલમ અવાક થઈ ગયો. બે કરોડ જેટલી રકમ અને એ પણ માત્ર બે જ દિવસમાં મળવાની હતી ! અસલમ એ માની જ શકતો ન હતો કે કોઈ મિત્ર આટલી મોટી મદદ ફોન ઉપર માત્ર બે મિનિટમાં કરી દે !!

" હેલો...અસલમ તું સાંભળે છે ? ચૂપ કેમ થઈ ગયો ? " અસલમ તરફથી કોઈ જવાબ ના આવ્યો એટલે કેતને પૂછ્યું.

" કેતન તને હું શું કહું ? મને મારા કાન ઉપર જ વિશ્વાસ નથી આવતો. તારા દિલની આ મહાનતાને સલામ કરવાનું મન થાય છે. હું ખૂબ જ નસીબદાર છું કે મને તારા જેવો મિત્ર મળ્યો છે !!! " કહેતાં કહેતાં અસલમની આંખમાં પાણી આવી ગયાં.

" મિત્રતામાં કોઈ હિસાબ કિતાબ કરવાના ના હોય. પાછલા જનમનો કોઈ ઋણાનુબંધ હશે અસલમ !! બેસ્ટ ઑફ લક " અને કેતને ફોન કટ કર્યો.

કેતન મનમાં સમજી જ ગયો હતો કે મામુજાનનો રાજકોટનો ઇંગ્લીશ દારૂનો ધંધો અસલમને વારસામાં મળવાનો છે અને અસલમ ફરી પાછો "ભાઈ" બની જવાનો છે. ગુરુજીએ રચેલી માયાજાળ કદી પણ ખોટી ના હોય ! એટલા માટે તો કેતને સીધી એક બે કરોડની ઓફર કરી હતી અને અસલમને જીતી લીધો હતો. કેતને બહુ ઊંચી રમત રમી હતી.

કેતન પાસે લગભગ ૨૦૦ કરોડ રૂપિયા હતા અને પ્લસ પોઇન્ટ એક જ હતો કે હવે કોઈ પ્રાયશ્ચિત કરવાનું ન હતું. !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Patel

Bharat Patel 5 કલાક પહેલા

Sangita Doshi

Sangita Doshi 2 અઠવાડિયા પહેલા

Nita Patel

Nita Patel 3 અઠવાડિયા પહેલા

Riddhi Shah

Riddhi Shah 4 અઠવાડિયા પહેલા

Pravin shah

Pravin shah 1 માસ પહેલા