પ્રારંભ પ્રકરણ-13
કેતન સાથેની વાતચીત અસલમની દિશા અને દશા બદલી નાખનારી હતી. કેતન સાથે વાતચીત કર્યા પછી અસલમ એકદમ ઉત્સાહમાં આવી ગયો. બે કરોડ કોઈ નાની રકમ ન હતી. હજુ ગઈકાલે જ એના મામુજાન કરીમખાન સાથે એની વાતચીત થઈ હતી.
કરીમખાન રાજકોટનો એક જાણીતો બુટલેગર હતો અને લગભગ અડધા રાજકોટ ઉપર ઇંગ્લીશ દારૂનો એનો ધંધો હતો. ઈંગ્લીશ દારૂના ધંધામાં રાજકોટ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. દક્ષિણ અને પૂર્વ રાજકોટ પર વખતસિંહ ઝાલાનો કબજો હતો. ઉત્તર પશ્ચિમ ભાગ આખો કરીમખાનના તાબામાં હતો.
આ ધંધામાં મૂડીની બહુ જરૂર પડતી હતી. નવા નવા એરીયા કવર કરવા હોય અને દારૂની હેરફેર માટે નવા ટ્રક વસાવવા હોય તો હાથમાં પૈસા જોઈએ. એની નજર જામનગરથી શરૂ કરી છેક ઓખા બંદર સુધી ધંધાનો વિસ્તાર કરવાની હતી પરંતુ પૈસાના કારણે એ પાછો પડતો હતો.
૬૫ વર્ષની ઉંમરે પહોંચી ગયેલો કરીમખાન અચાનક આવેલા હાર્ટ એટેકથી ખૂબ જ મૂંઝાઈ ગયો. પોતાને કોઈ સંતાન ન હતું. નજીકના સગામાં એની બહેનનો દીકરો અસલમ હતો. આટલો બધો કારોબાર વિસ્તરેલો હતો અને એનો કોઈ વારસદાર ના હોય તો હરીફો બધું હડપ કરી જાય. એટલે જ કરીમખાને અસલમને તાત્કાલિક રાજકોટ બોલાવ્યો હતો.
" દેખ અસલમ, મેરા તો અબ બુલાવા આ ગયા હૈ. શરીર કા કોઈ ભરોસા નહીં. ઇતના બડા કારોબાર જમાકે રખ્ખા હૈ. લેકિન મુજે કુછ હો ગયા તો સારા કારોબાર તીતર બીતર હો જાયેગા. કઈ લોગોં કી નજર મેરે ઇસ કારોબાર પર હૈ. મૈંને ઇસીલિયે તુઝે બુલાયા હૈ. મેરે બાદ મેરા કોઈ વારિસ યહાં નહીં હૈ. તેરે સિવા મેરા અપના હૈ ભી કૌન ? " કરીમખાન અસલમને સમજાવી રહ્યો હતો.
" અગર તુ યે ધંધા સમ્હાલતા હૈ તો મેરી સારી ચિંતા ખતમ હો જાયેગી. યે બંગલા ભી તેરા. ધંધા ભી તેરા. મેરે સારે આદમી ભી તેરે હાથ નીચે કામ કરેંગે. અગર તુ હાં કહે તો મેરે સારે કોન્ટેક્ટ તુઝે દે દું ઔર પુરા નેટવર્ક ભી સમજા દું" કરીમખાન બોલ્યો.
" મામુજાન મૈ ભી યહી સોચ રહા હું કી રાજકોટ મેં આકર કોઈ નયા ધંધા શુરુ કરું. સુરત મેં બાઈક કા છોટા સા શો રૂમ હૈ લેકિન દાલચાવલ નિકલતે હૈ. કુછ બડા કરનેકા મૈ ભી સોચ રહા હું. મેરા એક જીગરી દોસ્ત મુજે પૈસો કી બડી હેલ્પ કરને ભી તૈયાર હૈ. લેકિન ઈસ ઇંગ્લિશ દારૂ કા ધંધા કરના મેરે બસ કી બાત નહીં." અસલમ બોલ્યો.
" ઇસકી તુ ફિકર મત કર અસલમ. મેં તુઝે ઐસી ટ્રેનિંગ દુંગા કી ઇસ ધંધે કા તુ બાદશાહ બન જાયેગા. ધંધા મેરા જમાયા હુઆ હૈ. બસ તુ ઇસકો સમ્હાલ લે. ઈસ સે બઢીયા ઔર કોઈ ધંધા હૈ હી નહીં ! તેરા દોસ્ત કિતની હેલ્પ કર સકતા હૈ ? " કરીમખાને પૂછ્યું.
" વો તો કલ ભાઈસે બાત કરને કે બાદ હી બતા પાઉંગા. " અસલમ બોલ્યો.
અને આજે કેતન સાથે જે વાતચીત થઈ એ સાંભળીને અસલમ એકદમ ખુશ થઈ ગયો. એ તરત જ મામુજાન પાસે દોડ્યો.
" મામુજાન કામ હો ગયા. મેરે દોસ્ત સે મેરી બાત હો ગઈ. વો મેરા દોસ્ત નહીં બડે ભાઈ જૈસા હૈ. વો મુજે પૈસા દે રહા હૈ. " અસલમ ઉત્સાહથી બોલ્યો.
" ચલો અલ્લાહ મહેરબાન હૈ. કિતની હેલ્પ કરેગા તેરા દોસ્ત ?" મામુજાન બોલ્યા.
" મામુજાન ઈસ ધંધેકો બડા કરને કે લિયે કિતને પૈસોં કી જરૂરત હોગી ?"
" જીતના ડાલો ઉતના કમ હૈ. પૈસા હી પૈસે કો ખીંચતા હૈ. ફિર ભી અગર ૫૦ લાખ તક મિલ જાતા હૈ તો બઢિયા કામ હો જાયેગા. " કરીમખાન બોલ્યા.
" પૂરે દો કરોડ મુજે પરસો મિલ જાયેંગે મામુ " અસલમ બોલ્યો એટલે કરીમખાન એની સામે બસ જોઈ જ રહ્યો !!
" ક્યા બોલા તુ ? તેરા દોસ્ત દો કરોડ દે રહા હૈ ?" મામુજાન માની જ નહોતા શકતા કે કોઈ આટલી રકમ આપે !!
" હા મામુજાન .. એક કરોડ કા ચેક મિલેગા એક કરોડ કેશ ! મુજે પરસો જામનગર લેને જાના પડેગા" અસલમ બોલ્યો.
" અરે અસલમ તબ તો તુ ઈસ ધંધે કા અભી સે હી બાદશાહ બન ગયા !! બાદશાહ નહીં અબ તું ' ભાઈ ' બન ગયા. એક સે બઢકર એક લડકોં કી પૂરી ફૌઝ મૈ તેરે આગે પીછે લગા દુંગા. એક એક લડકા બાઉન્સર હોગા. બસ દેખતા જા." મામુજાન બોલ્યા.
કરીમખાને બે હાથની તાળી પાડી ને તરત જ પોતાના બોડીગાર્ડ ઈકબાલને બોલાવ્યો.
" અરે ઇકબાલ... રશીદખાનકો ફોન લગા. બોલ ભાઈને અર્જન્ટ બુલાયા હૈ." કરીમખાને હુકમ કર્યો.
લગભગ વીસેક મિનિટમાં જ ૬૦ વર્ષની આસપાસનો દેખાતો ૬ ફૂટ ઊંચો એક ખૂનખાર માણસ કરીમખાનની સામે આવીને ઊભો રહ્યો. ચહેરો એકદમ કરડાકી ભર્યો. આટલી ઉંમરે પણ શરીરની સ્ફૂર્તિ દીપડા જેવી . શિકારી આંખોમાં વાઘ જેવી કાતિલતા !!
" સુનો રશીદખાન યે મેરા ભાનજા હૈ. અસલમ શેખ નામ હૈ ઉસકા. મેરી તબિયત કા અબ કોઈ ઠીકાના નહીં હૈ . વો અબ મેરા વારિસ બન રહા હૈ. મેરે બાદ યે તુમહારા બોસ હોગા. ઉસકો આજ સે સબ શિખાના ચાલુ કર દો. હમારે સારે કે સારે ઠીકાને, હમારે સારે ટ્રક, કિતના માલ કહાંસે આતા હૈ, કિતના માલ જાતા હૈ . પુરા કા પુરા ધંધા ઉસ કો સમજા દો. હમારે સારે એરિયામેં ઉસકા નામ ભી પહુંચા દો." કરીમખાન બોલ્યો.
" હુકુમ " રશીદખાન મસ્તક ઝુકાવીને બોલ્યો.
" અસલમ તુમ ઈસકે સાથ જાઓ. યે મેરા બરસોં પુરાના શાગિર્દ હૈ. યે જબ તક તેરે સાથ હૈ તુઝે કભી કોઈ છૂ ભી નહીં સકતા. વો અપની જાન પર ખેલેગા " કરીમખાન બોલ્યો.
અને આ રીતે અસલમ શેખ માટે બુટલેગર તેમ જ ભાઈની ભૂમિકા તૈયાર થઈ ગઈ. અસલમની નિયતિ એના માટે માર્ગ ખોલતી ગઈ.
કેતનની સૂચના પછી સિદ્ધાર્થે સુરતની રૂ વાળા ટેકરા ઉપરની આંગડિયાની એક જાણીતી પેઢીમાં જઈને એક કરોડ રૂપિયા ટેલીફોન ટ્રાન્સફરથી જામનગર ટ્રાન્સફર કર્યા.
ત્રીજા દિવસે સવારે અસલમ એની ગાડી લઈને કેતને આપેલા એડ્રેસ ઉપર રૂબરૂ જ આવી ગયો.
કેતને એને બે કરોડ રૂપિયાનો હવાલો સોંપી દીધો. ૫૦ લાખના બે બોક્સ અને એક ચેક હાથમાં લઈને અસલમ ખૂબ જ ખુશ થઈ ગયો. અસલમના ભાવિ નું નિર્માણ કેતનના હાથે થઈ રહ્યું હતું.
" કેતન તારા આ ઉપકાર માટે મારી પાસે કોઇ શબ્દો જ નથી. તને કદાચ ખ્યાલ નથી કે તેં મને કેટલી મોટી મદદ કરી છે !! ઇન્શાલ્લાહ એક દિવસ આનો બદલો હું ચોક્કસ વાળીશ. " અસલમ લાગણીથી બોલ્યો.
" ભૂલી જવાનું. મેં તને ગઈ કાલે કહ્યું ને કે ગયા જનમની કોઈ લેણ દેણ હશે. અને મારે તારી પાસેથી કંઈ જોઈતું પણ નથી. બસ આપણો એક બીજા પ્રત્યેનો પ્રેમ આવો ને આવો જ રહે. " કેતન બોલ્યો.
" એ તારી ખાનદાની છે કેતન પણ હું આજનો દિવસ ક્યારે પણ નહીં ભૂલું. તારા માટે મારો જાન કુરબાન કરતાં પણ અચકાઈશ નહીં. " અસલમ બોલ્યો.
કેતને એને સાથે જમવાનો આગ્રહ કર્યો પરંતુ " ફરી ક્યારેક " કહીને અસલમ રાજકોટ જવા નીકળી ગયો.
કેતને અસલમને બે કરોડ રૂપિયા જેટલી જંગી રકમ આપી. આ પૈસાથી હવે માત્ર રાજકોટના બદલે વાયા જામનગર છેક ઓખા મંડળ સુધી અસલમના ધંધાનો વિકાસ થવાનો હતો. આમ જોવા જઈએ તો જાણે-અજાણે કેતન અસલમનો પણ બોસ બની ગયો હતો.
જો કે બે કરોડ આપીને કેતન થોડોક બેચેન જરૂર થઈ ગયો. બેચેન એટલા માટે થઈ ગયો કે એ જે ધંધામાં મદદ કરી રહ્યો હતો એ કોઈ ઈમાનદારીનો સારો પ્રમાણિક ધંધો ન હતો ! એ આવા ધંધાને પ્રોત્સાહન આપીને કોઈ નવું પાપ તો નહોતો કરી રહ્યો ને ? નવું કર્મ બંધન તો નહોતો બાંધી રહ્યો ને ?
એના આ વિચારો લાંબો સમય ચાલ્યા હોત પરંતુ થોડીવારમાં જ જયેશનો ફોન આવી ગયો. ખાસ ઓર્ડરથી મંગાવેલી સિયાઝ ગાડી મારુતિના શો રૂમમાં આવી ગઈ હતી.
સવારે લગભગ ૧૧:૧૫ વાગ્યે કેતન અને જયેશ શોરૂમમાં સાથે જ ગયા અને ચેક આપીને ગાડીની ડિલિવરી લઈ લીધી.
ગાડી જાતે ચલાવીને કેતન ઘરે લઈ આવ્યો. બંગલાની બહાર સફેદ રંગની સિઆઝ ગાડી જોઈને કેતનને ભૂતકાળ યાદ આવી ગયો. આ જ ગાડી લઈને કેતન દોઢ વર્ષ સુધી જામનગરમાં ફર્યો હતો. પટેલ કોલોનીનો બંગલો પણ આવી ગયો અને ગાડી પણ આવી ગઈ ! તમામ સંકલ્પો સિદ્ધ થઈ રહ્યા હતા.
કેતને જામનગરના બધા જ રસ્તા જોયેલા હતા એટલે સાંજે શિવાનીને લઈને લાખોટા તળાવ સુધી એક ચક્કર માર્યું અને એને હેવમોરનો આઈસ્ક્રીમ પણ ખવડાવ્યો.
" ભાઈ તમે તો પહેલી વાર જ જામનગર આવ્યા છો છતાં વર્ષોથી અહીં રહેતા હો એ રીતે ગાડી કઈ રીતે ચલાવી શકો છો ? રસ્તામાં પણ કોઈને કંઈ પૂછતા નથી. " શિવાની બોલી.
" તને સાવ સાચી વાત કહું ? મને મારો ગયો જનમ યાદ આવી ગયો છે અને ગયા જનમમાં હું જામનગરમાં હતો એટલે આખેઆખું જામનગર મને યાદ છે એટલે તો હું અહીં સેટલ થઈ રહ્યો છું. આ વાત તારા મનમાં જ રાખજે કોઈને કહેતી નહીં. " કેતને ફરી વાર્તા કરી.
" શું ભાઈ તમે પણ !! એવું તે કંઈ હોતું હશે !! તમે મારી ખરી ફિરકી ઉતારો છો !! હું હવે નાની કીકલી નથી. " શિવાની મોઢું ચડાવીને બોલી.
" મજાક કરું છું. થોડા વર્ષો પહેલાં આ જયેશના ઘરે જ આવી ગયો છું એટલે મને લગભગ બધા રસ્તા યાદ છે. " કેતન બોલ્યો. જો કે શિવાનીને આ જવાબથી પણ કોઈ સંતોષ થયો નહીં છતાં એણે વધુ વિચારવાનું માંડી વાળ્યું.
એ રાત્રે વહેલા સૂઈને કેતન સવારે પાંચ વાગે ઉભો થઇ ગયો અને ધ્યાનમાં બેસી ગયો. ગઈકાલથી એનું મન એક અજંપામાં હતું. બે કરોડ અસલમને દારૂના ધંધા માટે આપીને એ થોડો વિચારમાં પડી ગયો હતો. આજે ધ્યાનમાં બેસીને પ્રાર્થના કરવાની અને કંઈક જવાબ મેળવવાની એની ઈચ્છા હતી !!
અખિલેશ સ્વામી એના સ્પિરિચ્યુઅલ ગાઈડ એટલે કે માર્ગદર્શક હતા. અને એમણે વચન આપ્યું હતું કે એ એની પ્રાર્થના સાંભળશે પણ ખરા અને જવાબ આપશે પણ ખરા. એટલે એણે આજે ધ્યાનમાં અખિલેશ સ્વામી તરફ ફોકસ કર્યું. એમને વારંવાર પ્રાર્થના કરી. અંતરના ઊંડાણમાં જઈ ને એમને યાદ કર્યા. થોડીવારમાં માનસચક્ષુ આગળ અખિલેશ સ્વામી પ્રગટ થયા.
" સ્વામીજી નમસ્કાર... મને આજે એક વાતનો જવાબ જોઈએ છે. ગુરુજીની માયાજાળ વખતે મારો મિત્ર અસલમ શેખ એક બુટલેગર અને ગુંડો હતો. મેં એ જ માયાજગતને યાદ રાખીને અસલમને બુટલેગર બનવા માટે બે કરોડ રૂપિયાની મદદ કરી છે."
" સ્વામીજી શું આ ગેરકાનૂની ધંધામાં મદદ કરીને હું પાપનો ભાગીદાર બન્યો છું ? મારુ આ કર્મ મારા માટે પાપ કર્મ બનશે ? હું એક ખોટા કર્મ માટે એને મદદ કરી રહ્યો છું. આ બાબતમાં સાચું શું છે મને માર્ગદર્શન આપો. પૈસા તો અપાઇ ગયા છે. મારે આપતાં પહેલાં આપને પૂછવાની જરૂર હતી. " કેતન વ્યથિત હૃદયથી સ્વામીજીને પૂછી રહ્યો હતો.
" જો બેટા મેં તને પહેલાં પણ કહેલું છે કે સૂક્ષ્મ સ્વરૂપે આટલો સમય ગાળ્યા પછી તારામાં ' સંકલ્પ સિધ્ધિ ' સિદ્ધ થઈ ગઈ છે એટલે કે તને વરદાન પ્રાપ્ત થયું છે. મતલબ કે તું જે વિચારે છે એ સિદ્ધ થાય છે. એ વિચાર સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. એટલે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તારે જ વિચારવાનું છે. હવે રહી વાત અસલમને મદદ કરવાની" સ્વામીજીએ કહ્યું.
" તેં જ્યારે સુરતમાં રહીને અસલમને મદદ કરવાની વાત કરી ત્યારે એને બુટલેગર બનવા માટે તેં કરોડ બે કરોડ આપવાની વાત નહોતી કરી પરંતુ રાજકોટમાં જઈને કોઈ મોટો બિઝનેસ કરવાની સલાહ આપી હતી. અને તારી ઈચ્છા એવી હતી કે તું જામનગર રહે અને એ રાજકોટમાં સેટ થાય." સ્વામીજી બોલતા હતા.
" આ જન્મમાં બુટલેગર બનવાની નિયતિ એની પોતાની જ છે અને ગુરુજી પણ આ વાત જાણતા જ હતા એટલે એમણે માયાજાળ વખતે અસલમને બુટલેગર સ્વરૂપે જ તને બતાવ્યો અને તારું પ્રાયશ્ચિત પૂર્ણ કરવામાં એ નિમિત્ત પણ બન્યો !! એટલે તારા પૈસા લીધા પછી એ કોઈ પણ ધંધો કરે તો એમાં તું પાપનો ભાગીદાર નથી બનતો. " સ્વામીજી બોલી રહ્યા હતા.
" જગતમાં બનતા બધા જ કાયદા સાપેક્ષ છે. અને એ પૃથ્વી પૂરતા મર્યાદિત છે. જ્યાં દારૂ પીવાની મનાઇ છે ત્યાં એ રાજકીય ગુનો બને છે. જ્યાં મનાઈ નથી ત્યાં એ માત્ર બીઝનેસ બને છે. વિદેશોમાં આ કર્મ પાપકર્મ ગણાતું નથી. દેવલોકમાં પણ સુરાપાન મદ્યપાન કે મદિરાપાન થતું જ હોય છે. એટલે શબ્દોની આ માયાજાળમાં પડવાની તારે જરૂર નથી." અખિલેશ સ્વામી બોલતા હતા.
" તારું કામ માત્ર એને આર્થિક મદદ કરવાનું છે અને તેં કરી છે. પછી એ ગમે તે કરે તો એ એનું કર્મબંધન છે. એટલે તારે પાપ-પુણ્યના હિસાબ કરવાની જરૂર નથી. તારી સાથે સૂક્ષ્મ રીતે ચેતન સ્વામી જોડાયેલા જ છે. મારી પણ તારા ઉપર નજર છે જ અને ગુરુજીના તને આશીર્વાદ પણ છે એટલે કંઈ પણ ખરેખર ખોટું થતું હશે તો તું આપોઆપ અટકી જઈશ. " સ્વામીજી બોલી રહ્યા હતા.
" તારા આ જન્મની યાત્રામાં જે જે જરૂરી છે એ એની રીતે આકાર લેતું જશે અને જે જરૂરી નથી એ આપોઆપ છૂટી જશે. નિયતિમાં જે જે ઘટનાઓ લખેલી છે તે ઘટનાઓ આપોઆપ આકાર લેતી હોય છે. તું સાક્ષી ભાવે એને માત્ર જોયા કર."
આટલું કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા. માથા ઉપરથી મોટો ભાર ઊતરી ગયો હોય એમ ધ્યાન પછી કેતન એકદમ રિલેક્સ થઇ ગયો.
પરંતુ કેતનને એ વખતે ખબર નહોતી કે અસલમને કરેલી આ મદદ ભવિષ્યમાં કેટલી કામમાં આવવાની હતી !! હા ચેતન સ્વામીજી એ જરૂર જાણતા હતા !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)