Prarambh - 11 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 11

પ્રારંભ પ્રકરણ 11

કેતને જયેશ અને મનસુખને ઘરવખરી અને કરિયાણાનું લિસ્ટ બનાવી આપ્યું હતું. પરંતુ જ્યારે રાત્રે આઠ વાગે જયેશ અને માલવિયા માલ સામાન લઈને આવ્યા ત્યારે એ જોઈને કેતનને એના આ બે સાથીદારો માટે માન ઉપજ્યું. કેતને જે લિસ્ટ બનાવ્યું હતું એના કરતાં પણ બીજી ઘણી વસ્તુઓ ખરીદી હતી !!

નાની મોટી પ્લાસ્ટિકની બે ત્રણ ડોલ અને મગ, એક ડસ્ટબીન, સૂપડી, પોતું કરવા માટે બે ત્રણ ખાદીનાં પોતાં, ત્રણ નેપકીન, બે પગ લુછણીયાં, સાવરણી, કોથળો ભરીને નાનાં મોટાં વાસણો અને કપ-રકાબીનો સેટ વગેરે તમામ સામાન ખરીદી લીધો હતો. જયેશની પત્ની સાથે ગઈ હતી એનો જ આ પ્રતાપ હતો !!

" તમે લોકોએ બહુ મોટું કામ પતાવી દીધું. ભાભીને સાથે લઈ ગયા એ બહુ સારું કામ કર્યું. બસ હવે તમે લોકો નીકળો. કાલે સવારે હું ફોન કરું પછી મનસુખભાઈ તમે આવી જજો." કેતન બોલ્યો.

" હા પણ મનસુખભાઈ હમણાં થોડી વાર તમે અહીંયા જ બેસજો. હું જરા કામવાળી માટે પાડોશમાં એક બે ઘરે પૂછી લઉં." જયેશ બોલ્યો અને બહાર નીકળ્યો.

" મનસુખભાઈ તમે એક કામ કરો. આદુ ફુદીનો નાખીને સરસ મજાની બે કપ ચા બનાવી દો કારણકે તમે દૂધ વગેરે લાવી દીધું છે. મમ્મીએ ઘણો બધો નાસ્તો બનાવી આપ્યો છે તો આજે ચા સાથે પતાવી દઈએ. " કેતન બોલ્યો.

" હા ભાઈ બટેટાની સુકીભાજી પણ મેં આવીને તરત ફ્રીજ માં મૂકી દીધી છે એટલે બગડી નહીં હોય. અત્યારે કામમાં આવશે. " શિવાની બોલી.

" અરે વાહ એ કામ તેં સારું કર્યું. " કેતને શિવાની સામે જોઇને કહ્યું.

મનસુખભાઈએ સૌથી પહેલાં તો કોથળો ખોલીને તમામ વાસણો બહાર કાઢ્યાં અને કિચનની અભરાઈઓ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં.

એક તપેલીમાં એમણે ચા મૂકી અને બીજી તપેલીમાં કોથળીમાં વધેલું અડધું દૂધ ગરમ કરવા મુક્યું. દૂધની બીજી કોથળી ફ્રીજ માં મૂકી દીધી. ચા થાય ત્યાં સુધી તમામ અનાજ કરિયાણું વગેરે બરણીઓમાં ભરવાનું ચાલુ કર્યું.

" મનસુખ અંકલ ચા હું સંભાળી લઈશ તમે તમારું કામ શાંતિથી કરો ." કહીને શિવાની ગેસ પાસે જઈને ઉભી રહી.

વીસ પચીસ મિનિટમાં તમામ ચીજ વસ્તુઓ મનસુખે બરણીઓમાં ભરી દીધી. મનસુખે અત્યાર સુધીની એની જિંદગી પટાવાળા તરીકે જ પસાર કરેલી એટલે દરેક કામમાં એ બહુ જ હોશિયાર હતો. એની કોઠાસૂઝ પણ સરસ હતી.

આ બાજુ જયેશ ઝવેરી સૌથી પહેલાં મનોજભાઈ ભાયાણીના ઘરે ગયો. એમની સાથે જયેશના સારા સંબંધો હતા.

" કેમ છો માસી ? " ઘરમાં પ્રવેશ કરતા જ જયેશ બોલ્યો.

" અરે જયેશભાઈ તમે ? આવો આવો. તમે તો મકાન વેચીને જતા રહ્યા પછી જામનગરની માયા જ મૂકી દીધી. " મંજુલાબેન બોલ્યાં.

" અરે સાંભળો છો ? જયેશભાઈ ઝવેરી આવ્યા છે આપણા બાજુના બંગલામાં રહેતા હતા એ. " મંજુલાબેને મનોજભાઇને બૂમ પાડી. એ બેડરૂમમાં હતા.

મનોજભાઈ બેડરૂમમાંથી બહાર આવી ડ્રોઈંગ રૂમમાં બેઠા.

"આજે ઘણા સમય પછી જામનગરમાં ભૂલા પડ્યા જયેશભાઈ !!" મનોજભાઈ બોલ્યા.

" હા અંકલ. અમારા સાહેબ માટે કામવાળી શોધી રહ્યો છું. તમારાથી ત્રીજા બંગલામાં મારા શેઠ કેતનભાઇ સાવલિયા રહેવા આવ્યા છે. એમણે બંગલો ખરીદી લીધો છે અને હવે અહીં જ રહેશે. " જયેશ બોલ્યો.

મનોજભાઈને યાદ આવ્યું કે મનાલીએ આ કેતનભાઈની જ વાત કરી હતી જેમણે સુરતમાં મનાલીને હેલ્પ કરી હતી.

" એટલે કે એ રહેવા આવી ગયા ?" મનોજભાઈ બોલ્યા. એ દરમિયાન આ વાત સાંભળીને મનાલી પણ તરત રસોડામાંથી બહાર આવી.

" પપ્પા હું કહેતી હતી ને કે આપણી પડોશમાં જ એ રહેવા આવવાના છે !" મનાલી બોલી.

" તુ ઓળખે છે એમને મનાલી ? " જયેશે આશ્ચર્યથી પૂછ્યું.

" ના જયેશભાઈ. આ તો હું થોડા દિવસ પહેલાં સુરત ગઈ હતી ત્યારે ટ્રેનમાં એ મારી બાજુની સીટ ઉપર જ હતા. એટલે જસ્ટ રસ્તામાં ઓળખાણ થઈ હતી. હું પટેલ કોલોની માં રહું છું એ જાણીને એમણે કહેલું કે હું પણ ત્યાં રહેવા આવવાનો છું. " મનાલી બોલી. વધારે ખુલાસો કરવાની જરૂર ન હતી.

" આ કેતનભાઈ કોણ છે ? અને એ તમારા બૉસ છે ? " મનોજભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

" હા મનોજભાઇ. કેતનભાઇના પપ્પા અબજોપતિ છે. ૩૦૦ ૪૦૦ કરોડની પાર્ટી છે. સુરતમાં ડાયમંડના મોટા વેપારી છે. પરંતુ કેતનભાઈ ને જામનગરમાં રહીને કંઈક નવું કરવું છે. યુવાન લોહી છે. સુરતમાં અમે એક જ કોલેજમાં ભણેલા. " જયેશે પરિચય આપ્યો.

મનાલી તો આ પરિચય સાંભળીને આભી જ બની ગઈ ! આટલી મોટી અબજોપતિ વ્યક્તિને હું વળી બે લાખ રૂપિયા આપી રહી હતી કે તમે રાખો તમારે કામ આવશે !! આટલો બધો શ્રીમંત માણસ છે છતાં જરા પણ અભિમાન નહીં. મને સુરતમાં બધી મદદ કરી. છેક સુધી કંપની પણ આપી અને છતાં મનમાં કોઈ જ વિકાર નહીં.

" તમે કંઈક કામવાળીની વાત કરતા હતા. " મંજુલાબેન બોલ્યાં.

" હા માસી. એમને કાલ સવારથી જ કચરા-પોતાં વાસણ કરવા માટે કામવાળી જોઈએ છે. બીજે બધે મળે છે એના કરતાં ડબલ પગાર મળશે. તમારા ધ્યાનમાં કોઈ હોય તો સેટિંગ કરી આપો. " જયેશ બોલ્યો.

" હા તો આપણા ત્યાં આવે છે એ શાંતાબેનને જ કહી દે ને ? સવારે જઈ આવે. બધું કામ સમજી લે. પછી ટાઈમ એમની રીતે એડજસ્ટ કરી લેશે. " મનોજભાઈ બોલ્યા. જયેશની વાત સાંભળી એ કેતનથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

" એક વાત પૂછું જયેશભાઈ ?" મંજુલાબેન બોલ્યાં.

" આ કેતનભાઇએ જામનગર આવતાં પહેલાં જ આ બંગલો કેમ ખરીદી લીધો ? માની લો કે એમને અહીં ધંધો કરવો છે તો સૌથી પહેલાં તો માણસ મકાન ભાડે રાખે ને ? શહેરમાં ફાવ્યું ના ફાવ્યું ! એકદમ કોઈ ખરીદે ખરું ? તમે જ કહો. " મંજુલાબેનના મનમાં ફરી એનો એ સવાલ આવીને ઊભો રહ્યો.

" હા ખરીદે. તું અને હું ના ખરીદીએ. કેતનભાઇ ખરીદે. ૩૦૦ ૪૦૦ કરોડ કોને કહેવાય કંઈ ગતાગમ પડે છે ? અને તારે આ બધી શી પંચાત ? હશે કોઈ કારણ. આપણે શું ? અને જયેશભાઈને આજે પૂછ્યું એ પૂછ્યું. આ સવાલ કેતનભાઇને પૂછતી નહીં. " મનોજભાઈ બોલ્યા.

" ભલે તો હું જાઉં. સવારે શાંતાબેનને મોકલી આપજો. " કહીને જયેશ નીકળી ગયો.

" કેતનભાઇ કામવાળીનું નક્કી કરી દીધું છે. સવારે શાંતાબેન આવી જશે. તમે કામ બતાવી દેજો. કયું કયું કામ બંધાવવાનું છે. પગાર પણ નક્કી કરી દેજો. આમ તો એક કામના મહીનાના ૫૦૦ નો ભાવ અહીં ચાલે છે." જયેશ બોલ્યો.

" આ કામ તમે બહુ સરસ કર્યું જયેશભાઈ. કારણ કે શિવાની આ બધું ના કરી શકે. " કેતન બોલ્યો.

" મનોજભાઈના ઘરેથી જ કામવાળી નું સેટિંગ થઇ ગયું. એમની બેબી મનાલી તમને ઓળખે છે. એણે કહ્યું કે સુરત જતાં રસ્તામાં કેતનભાઈની ઓળખાણ થઈ હતી." જયેશ બોલ્યો.

" હા હા ટ્રેનમાં અમે સાથે જ હતાં. એ અહીં બાજુમાં જ રહે છે ? " કેતને જાણી જોઇને આ સવાલ કર્યો.

" હા ત્રીજો બંગલો એમનો. એના પપ્પા મનોજભાઈ સેન્ટ્રલ બેન્કમાંથી રિટાયર થયેલા છે અને વર્ષોથી અહીં રહે છે. માણસ વ્યવસ્થિત છે. " જયેશ બોલ્યો.

" ઠીક છે. તો તમે હવે નીકળો. અને મનસુખભાઈ તમે કાલે સવારે ૮ વાગે થોડા શાકભાજી ધાણાભાજી વગેરે આપી જજો ને ! કારણ કે કાલે સવારે શિવાની ઘરે જ રસોઈ બનાવવાની છે." કેતને કહ્યું.

" ભલે સાહેબ આપી જઈશ. "

એ લોકો ગયા પછી શિવાનીએ બોક્સ ખોલીને થેપલાં પુરી સુખડી મોહનથાળ અથાણું વગેરે બધું બહાર કાઢ્યું અને બે થાળીમાં પીરસ્યું. ચા તો તૈયાર થઈ જ ગઈ હતી. ફ્રીજમાંથી સુકીભાજી કાઢીને એક વાડકામાં ગરમ કરી.

" આ બધું ખાવાની પણ એક અલગ મજા છે શિવાની. ક્યાંક પિકનિકમાં ગયા હોઈએ એવો અનુભવ થાય છે. " કેતન જમતાં જમતાં બોલ્યો.

" હા ભાઈ એકદમ સાચી વાત. મને તો ખરેખર અત્યારે જમવાની બહુ જ મજા આવે છે." શિવાનીએ પણ ભાઈની વાતને સમર્થન આપ્યું.

જમી લીધા પછી શિવાનીએ તમામ વાસણ ધોઈ નાખ્યાં. રસોડું એકદમ સાફ કરી દીધું અને ઘરમાં કચરો પણ વાળી દીધો.

" શિવાની આ લોકો કુકર પણ લઈ આવ્યા છે એટલે સવારમાં કુકર ઉપર દાળ મૂકી દેજે અને તપેલીમાં ભાત. શાક તો જ્યારે મનસુખભાઈ આપી જાય ત્યારે થશે. " કેતન બોલ્યો.

" અરે ભાઈ તમે આ બધી ચિંતા શું કામ કરો છો ? એ બધું કામ મારું છે. હું મારી રીતે કરી દઈશ. જમવાનો ટાઈમ થશે એટલે તમને બોલાવી લઈશ." શિવાનીએ હસીને કહ્યું.

રાત્રે ૧૦ વાગે શિવાનીએ મમ્મીને ફોન લગાવ્યો અને લગભગ અડધા કલાક સુધી બધાં સાથે વાતો કરી. જામનગરનાં વખાણ પણ કર્યાં.

એ પછી બીજો ફોન એને જાનકીને પણ લગાવ્યો.

" જાનકી અમે લોકો જામનગર આવી ગયા છીએ અને સીટી બહુ જ સરસ છે. ભાઈએ તો અહીંયા બંગલો જ ખરીદી લીધો છે. બંગલો ખૂબ જ વિશાળ અને સરસ છે. ભાઈએ બંગલામાં બધી જ સગવડ પણ કરી દીધી છે. નવું ફર્નિચર, એસી, ટીવી, ફ્રીઝ અને વોશિંગમશીન બધું જ !! " શિવાની બોલી.

" શું વાત કરો છો તમે ? " જાનકી પણ આશ્ચર્યથી બોલી. શિવાની આમ તો જાનકી કરતાં નાની હતી પરંતુ કેતન સાથે જે રિલેશનશિપ હતી એના કારણે એ સંબંધોની ગરિમા સાચવતી હતી અને એને બહુવચનથી બોલાવતી હતી.

" હા જાનકી. અને ભાઈએ કરિયાણાનું અને ઘરવખરીનું જે લિસ્ટ જયેશભાઈ ને લખાવ્યું એ જોઈને તો તમને પણ આશ્ચર્ય થાય ! ભાઈ એક પણ વસ્તુ ભૂલ્યા નથી. રસોડાનો તમામ સામાન એમણે એવી રીતે લખાવ્યો જાણે કે વર્ષોથી એમને સંસારનો અનુભવ ના હોય !! " શિવાની બોલી.

" ચાલો આ તો બહુ જ સારી વાત છે ! જો આવા અનુભવી પતિ સાથે મારાં લગ્ન થશે તો મારે એટલી ચિંતા તો ઓછી !! " જાનકી હસીને બોલી.

શિવાની પણ હસી પડી અને "ગુડ નાઈટ" કહીને ફોન કટ કરી દીધો.

એ રાત્રે બંને ભાઈ-બહેન બેડરૂમમાં એ.સી. ચાલુ કરીને નવા પલંગમાં સુઈ ગયાં.

બીજા દિવસે સવારે કેતન રાબેતા મુજબ પાંચ વાગ્યે ઊઠી ગયો. એને કોઈ જ એલાર્મ મૂકવું પડતું ન હતું. આપોઆપ જ એની આંખ ખૂલી જતી હતી જાણે કે કોઈ એને જગાડી દેતું હતું !

આ એ જ મકાન હતું અને એ જ બેડરૂમ હતો જ્યાં બેસીને એ ધ્યાન કરતો હતો. ઘણું બધું રહસ્યમય એના જીવનમાં બની ગયું હતું.

ખૂબ સારી રીતે કેતનને આજે ધ્યાન લાગી ગયું. એ ધ્યાનમાં ઊંડો ઉતરતો ગયો, ઉતરતો ગયો અને ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં એનો સૂક્ષ્મ દેહ ઋષિકેશના ગંગા કિનારે પહોંચી ગયો.

એને એવો અનુભવ થયો કે જાણે એ ગંગા નદીમાં નાહીને બહાર આવ્યો છે. સામે કોઈ તપસ્વી સન્યાસી ઊભા છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે.

" નમો નારાયણ " એ કેતન સામે બે હાથ જોડીને બોલ્યા.

" નમો નારાયણ. આપ કોણ ?" કહીને કેતને પણ સામે બે હાથ જોડ્યા.

"તારો સ્પિરિચ્યુઅલ ગાઈડ સ્વામી અખિલેશ . છેલ્લા ચાર જન્મોથી તારી સાથે જ છું. મારું કાર્ય તને માર્ગદર્શન આપીને મુક્તિ તરફ, ઈશ્વર તરફ લઈ જવાનું છે. દરેક જીવની સાથે એનો એક ગાઈડ હોય છે. દરેક જીવના ગાઈડ અલગ અલગ હોય એ જરૂરી નથી. ઘણીવાર એક જ ગાઈડ ઘણા બધા આત્માઓનું ધ્યાન રાખતા હોય છે. " અખિલેશ સ્વામી બોલ્યા.

" તો અત્યાર સુધી આપે મને ક્યારેય દર્શન કેમ ના આપ્યાં ? " કેતન બોલ્યો.

" સમય પાક્યા વગર કોઈનાં પણ દર્શન થતાં નથી. અને તારા સમર્થ ગુરુએ સ્વામી ચેતનાનંદ જેવા મહાન સંતને તારી પાસે મોકલ્યા અને તારી પાસે પ્રાયશ્ચિત કરાવીને ગયા જન્મનું પાપ ધોઈ નાખ્યું. તારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એટલે તું મારાં દર્શન કરી શક્યો."

" ચેતન સ્વામીએ તો મને દર્શન આપવાની હવે ના પાડી છે. " કેતન બોલ્યો.

" ચેતન સ્વામીએ દર્શન આપવાની ના નથી પાડી. એ તો મહાન સંત છે. હંમેશા એમની કરુણા દૃષ્ટિ તારા ઉપર છે જ. પરંતુ તું જ્યારે સૂક્ષ્મ શરીરની અવસ્થામાં હતો ત્યારે સરળતાથી એમનાં દર્શન કરી શકતો હતો. હવે તું સ્થૂળ અવસ્થામાં છે એટલે સરળતાથી વારંવાર એમનાં દર્શન ના કરી શકે. " અખિલેશ સ્વામી બોલતા હતા.

" એ અવસ્થાની વેવલેન્થ અલગ હતી અને અત્યારની વેવલેન્થ અલગ છે. હમણાં જ તારા ચેતન સ્વામી હસતા હસતા તારી નજર સામેથી એમની કુટીર તરફ ગયા. એમનો સ્થૂળ દેહ અત્યારે પોંડીચેરી બાજુ ભ્રમણ કરી રહ્યો છે." સ્વામી બોલ્યા.

" એમણે મને અહીં જોઈને કંઈ કહ્યું ?" કેતને કુતૂહલથી પૂછ્યું.

" ના એ બસ હસતા હસતા ચાલ્યા ગયા. તારી સામે પ્રગટ થવાની સુચના એમણે જ મને આપી એટલે અત્યારે તું મને જોઈ શકે છે. " અખિલેશ સ્વામી બોલ્યા.

" જી મારા માટે કોઈ આજ્ઞા ? અને હું ચેતન સ્વામીને પ્રાર્થના કરું ત્યારે એ સાંભળશે ખરા ? " કેતને પૂછ્યું.

" ધ્યાનાવસ્થામાં કોઈને પણ સંબોધીને કરેલી બધી જ પ્રાર્થના યુનિવર્સમાં જે તે દિવ્ય આત્માને પહોંચે જ છે. અને બ્રાહ્મમુહૂર્તમાં કરેલી પ્રાર્થના તો અતિ વેગથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે." અખિલેશ સ્વામી બોલ્યા.

"બ્રાહ્મમુહૂર્તમાં મોટાભાગના લોકો નિદ્રાવસ્થામાં હોય છે એટલે એમના વિચારોનાં વાદળોનું આકાશમાં કોઈ નડતર હોતું નથી. જેમ જેમ લોકો જાગતા જાય તેમ યુનિવર્સમાં પણ કોલાહલ વધતો જાય છે. એટલે પ્રાર્થનાનાં મોજાં ધીમાં પડી જાય છે."

" સ્વામીજી તમે ઘણી સરસ માહિતી આપી. એટલા માટે જ બ્રાહ્મમુહૂર્તનું આટલું બધું મહત્વ છે. તમે કહ્યું એ પ્રમાણે ચેતન સ્વામી પણ મારી પ્રાર્થના સાંભળી શકે છે ? " કેતન બોલ્યો.

"હા સાંભળી શકે છે. હું પણ તારો માર્ગદર્શક છું તું મને સંબોધીને પણ પ્રાર્થના કરી શકે છે. માર્ગદર્શન માગી શકે છે. તારી પ્રાર્થના હું પણ ચેતન સ્વામીને અને તારા સમર્થ ગુરુને આરામથી પહોંચાડી શકું છું કારણ કે અમારી વેવલેન્થ એક જ છે. " સ્વામી બોલ્યા.

" આપશ્રી એ આજે મને ખાસ દર્શન આપ્યાં છે તો હવે મારા માટે શું આજ્ઞા છે ? " કેતન બોલ્યો.

" તારા માટે એક સંદેશ છે. તું સૂક્ષ્મ શરીરમાં આટલો સમય રહી આવ્યો એટલે તને સંકલ્પ સિધ્ધિ પ્રાપ્ત થઇ છે. તું કોઈ પણ બાબતનો સંકલ્પ કરીશ તો આખું યુનિવર્સ આખું બ્રહ્માંડ તને સાથ આપશે અને તારો સંકલ્પ પૂરો થશે. એટલે હંમેશા સારા કાર્ય માટે જ કોઈ સંકલ્પ કરજે. તુ તીવ્ર મનથી જે પણ વિચારીશ એ થતું જશે એટલે તારે સાવધાન રહેવાની જરૂર છે. બીજી એક સિદ્ધિ પણ તને પ્રાપ્ત થઇ છે જે હું તને સમય આવ્યે કહીશ. " સ્વામીજી બોલ્યા અને ગંગામાંથી હથેળીમાં થોડું ગંગાજલ લઈને કેતન ઉપર છાંટ્યું.

ઠંડા પાણીના આ છંટકાવથી કેતન એકદમ ઝબકીને જાગી ગયો તો સામે શિવાની ગ્લાસમાંથી એના ઉપર પાણી છાંટી રહી હતી !!

" ભાઈ ધ્યાનમાં આટલા બધા ખોવાઈ જવાનું ? ક્યારની તમને બૂમો પાડું છું ? ૬:૩૦ વાગ્યા. હું તો ડરી ગઈ કે ભાઈ કેમ બોલતા નથી !! છેવટે પાણી છાંટયું ત્યારે તમે ભાનમાં આવ્યા " શિવાની બોલી.

અખિલેશ સ્વામીએ મારા ઉપર ગંગાજલના છાંટા નાખ્યા એ સાચું કે શિવાનીએ મારી ઉપર પાણી છાંટ્યું એ સાચું ? -- આ કોયડાનો કેતન પાસે કોઈ જવાબ ન હતો !!
ક્રમશઃ.
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED