પ્રારંભ - 9 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 9

પ્રારંભ પ્રકરણ 9

કેતન અને જાનકી સુરતની કોલેજમાં સાથે જ ભણેલાં. આખી કોલેજમાં કેતન માત્ર જાનકીને જ પસંદ કરતો હતો. કેતન અમેરિકા ગયો તે પહેલાં જાનકી સાથે એની ગાઢ મૈત્રી હતી અને બન્ને રિલેશનશિપમાં હતાં. કેતનના કોલેજના મિત્રો પણ એમ જ માનતા હતા કે કેતન જાનકી સાથે જ લગ્ન કરશે. જો કે બે વર્ષ માટે કેતનને અમેરિકા જવાનું થયું એટલે સંબંધોમાં બ્રેક આવી ગયો.

જાનકી કેતનના ઘરે પણ ઘણીવાર આવી ગયેલી અને શિવાની એને ખૂબ જ પસંદ કરતી હતી. માત્ર શિવાની જ શું કામ, ઘરના તમામ સભ્યોને જાનકી ગમતી હતી ! ઘરના તમામ સભ્યોની ઇચ્છા હતી કે કેતન જાનકી સાથે જ લગ્ન કરે. જાનકીએ બધાંનું દિલ જીતી લીધું હતું.

જાનકીના પિતા શિરીષભાઇ દેસાઇ સુરતની જ કોલેજમાં પ્રોફેસર હતા. એમનું મૂળ વતન મુંબઈ હતું એટલે રિટાયરમેન્ટ પછી ફેમિલી સાથે માટુંગા જતા રહ્યા હતા. જાનકી ખૂબ જ રૂપાળી હતી અને સંસ્કારી પણ હતી. એમની અનાવિલ જ્ઞાતિમાંથી પણ જાનકી માટે હવે માગાં શરૂ થઈ ગયાં હતાં. જાનકી એટલા માટે જ ચિંતાતુર હતી કે જલદીથી હવે કેતન નિર્ણય લઈ લે તો સારું !

અને કેતને ભલે નિર્ણય ના લીધો હોય પરંતુ કેતનના મનમાં તો જાનકી જ ફાઇનલ હતી ! કારણકે માયાવી અવસ્થામાં તો એણે જાનકી સાથે લગ્ન પણ કરી લીધાં હતાં. એટલે સવાલ હવે માત્ર સમયનો હતો !

કેતનની ઈચ્છા જામનગર શિફ્ટ થતાં પહેલાં એકવાર અસલમ શેખને મળવાની હતી. જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા તો એની જિંદગીમાં પાછા આવી ગયા હતા. આશિષ અંકલ પણ જામનગર જઈ રહ્યા હતા. હવે અસલમ જો એક વાર રાજકોટમાં સ્થાયી થઈ જાય તો એ જ પાછા દિવસો પુનર્જીવિત થઈ જાય !!

માયાવી દુનિયામાં તો અસલમ એક "ભાઈ " હતો. એક બુટલેગર હતો. પરંતુ મારે એને આવા કોઈ આડા રસ્તે વાળવો નથી. એને જે પણ બિઝનેસ કરવો હોય એ હું રાજકોટમાં સેટ કરી આપીશ. ગુરુજીએ મારી સુરક્ષા માટે માયાવી અવસ્થામાં અસલમની પસંદગી કરી હતી. એનો મતલબ કે એની સાથે મારા કોઈને કોઈ ઋણાનુબંધ તો છે જ. મારે એને સપોર્ટ આપવો જ પડે ! -- કેતન વિચારી રહ્યો.

" અસલમ હું કેતન બોલું. આજે મારી ઈચ્છા તને મળવાની છે. બોલ કેટલા વાગે ફાવશે ? " બીજા દિવસે સવારે કેતને અસલમને ફોન કર્યો.

" તને જ્યારે ફાવે ત્યારે કેતન. હું કંઈ એવો મોટો બિઝનેસમેન નથી કે મારે ડાયરી જોઈને એપોઈન્ટમેંટો ચેક કરવી પડે !! " અસલમ હસીને બોલ્યો.

" ઠીક છે તો આજે આપણે બપોરે સાથે જમીએ. તારા અડાજણ એરિયામાં ગોપી ડાઇનિંગ હોલ છે. હું ત્યાં ૧૨:૩૦ વાગે આવી જાઉં છું. " કેતન બોલ્યો.

" મંજૂર !! હું પણ હાજર થઈ જઈશ" અસલમ બોલ્યો.

બપોરે ૧૨:૩૦ વાગ્યે કેતન ગોપી ડાઇનિંગ હોલમાં પહોંચી ગયો. એના આશ્ચર્ય વચ્ચે અસલમ શેખ બ્લુ રંગની શેરવાનીમાં ત્યાં હાજર જ હતો. આ જ શેરવાની પહેલી વાર એ અસલમને રાજકોટમાં મળ્યો ત્યારે પહેરી હતી !!

" અસ્સલામ વાલેકુમ અસલમ " કેતને અભિવાદન કર્યું.

" વાલેકુમ સલામ કેતન " બોલીને અસલમ કેતનને ભેટી પડ્યો.

" ચાલો જમતાં જમતાં વાતો કરીશું. ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ. " કેતન બોલ્યો.

બંને જણા ડાઇનિંગ હોલમાં દાખલ થયા અને કોર્નરના એક ટેબલ ઉપર સામસામે બેઠક લીધી.

ટેબલ ઉપર ૪ થાળી ગોઠવેલી હતી. કેતને વેઇટરને બોલાવી ને ૨ થાળી ઉઠાવી લેવાનું કહ્યું જેથી બીજું કોઈ આ ટેબલ ઉપર ના આવે !

" તારું કેમનું ચાલે છે અસલમ ? તેં મને ફોન ઉપર વાત કરી હતી કે કોઈ બાઇકની એજન્સી તેં લીધી છે. " જમતાં જમતાં કેતને પૂછ્યું.

" હા સબ એજન્સી છે. કોઈ મોટો શો રૂમ નથી. બધો ખર્ચો કાઢતાં મહિને ૪૦ ૫૦ હજાર જેવું મળે. તહેવારો આવતા હોય ત્યારે વેચાણ વધે એટલે થોડી કમાણી વધી જાય " અસલમ બોલ્યો.

" હમ્.... એક કામ કર. આ એજન્સી કેન્સલ કરી દે. જે ચાર પાંચ બાઇક પડ્યાં હોય એ પાછાં આપી દે. અહીંનો બિઝનેસ વાઈન્ડ અપ કર. મારી સાથે જોડાઈ જા. હું આજે એટલા માટે તો ખાસ મળવા આવ્યો છું. " કેતન બોલ્યો.

" અરે પણ કેતન. ધંધો ધીમે ધીમે સેટ થઈ રહ્યો છે. અચાનક વાઈન્ડ અપ કરવાનો શું મતલબ ? અને મને તારા ડાયમંડના ધંધામાં કોઈ રસ ના પડે ! " અસલમ બોલ્યો.

" મેં તને ક્યાં કહ્યું કે ડાયમંડના ધંધામાં આવી જા ? ડાયમંડના ધંધાની વાત જ નથી. ધંધો તને જે ગમે તે તારે કરવાનો. મૂડીરોકાણ મારુ. હું જામનગર સેટ થઈ રહ્યો છું. તારે રાજકોટ સેટ થવાનું અને ત્યાં બિઝનેસ ઊભો કરવાનો. તારે જેટલા પૈસા જોઈએ એટલા હું તને આપીશ ! એક કરોડ... બે કરોડ.... બોલ હવે તારે કંઈ કહેવું છે ? " કેતન બોલ્યો.

અસલમ શેખના હાથમાં કોળિયો એમને એમ રહી ગયો ! કેતનની વાત સાંભળીને એ તો સ્તબ્ધ જ થઇ ગયો ! કેતન કરોડ બે કરોડ ની વાત કરતો હતો. અસલમ માની જ નહોતો શકતો કે કેતન આજે આટલી મોટી ઓફર લઈને સામે ચાલીને મળવા આવ્યો છે !!

" તું સાચું કહે છે કેતન ? જો મજાક કરતો હોય તો પ્લીઝ આટલી મોટી મજાક ના કરતો ! " અસલમ બોલ્યો.

" અસલમ મિયાં... મેં કભી ઐસી ઘટીયા મજાક નહીં કરતા... જો બોલતા હું વો કરતા હી હું. " કેતને હસીને કહ્યું.

" અરે ભાઈ મેરા તો પછીના છૂટ ગયા હૈ ખુશી કે મારે. અબ ના બોલને કા તો સવાલ હી પૈદા નહીં હોતા. " અસલમ બોલ્યો.

" યે હુઈ ના બાત ! હવે સાંભળ. મારે કોઈ ઉતાવળ નથી. એક મહિનાનો હું તને ટાઇમ આપુ છું તારો અહીંનો બિઝનેસ વાઈન્ડ અપ કરી દે. અને રાજકોટમાં કોઈ સારું મકાન શોધી લે. પૈસાની વ્યવસ્થા થઈ જશે. " કેતન બોલ્યો.

" રાજકોટમાં મકાન શોધવાની મને ચિંતા જ નથી. મારા મામુજાન રાજકોટમાં જ રહે છે. થોડા દિવસ તેમના ઘરે જ રહીશ. પછી એ મને મકાન શોધી આપે એટલે ફેમિલી શિફ્ટ કરી દઈશ. જો કે એમનો બિઝનેસ તો વિલાયતી દારૂનો છે અને એ ત્યાંના મોટા બુટલેગર છે. હું ત્યાં જઈશ તો એમને પણ સારું લાગશે." અસલમ બોલ્યો.

હવે ચમકી જવાનો વારો કેતનનો હતો !! અસલમના મામુજાન બુટલેગર છે !! માયાવી દુનિયામાં પણ એ બુટલેગર જ હતા અને એ ધંધો એમણે અસલમને સોંપેલો. અસલમના છેડા વળી પાછા બુટલેગર સાથે જ મળતા હતા. શું જબરદસ્ત માયાજાળ રચી હતી મારા ગુરુજી એ !!

" ચાલો તો હવે આ ડીલ ફાઇનલ ! આજનું આ લંચ તારા તરફથી !!" કેતન હસીને બોલ્યો.

" અરે કેતન...કેવી વાત કરે છે ? આમ પણ તું મને આજે પહેલીવાર મળવા આવ્યો છે એટલે લંચ તો મારા તરફથી જ હોય ને ભાઈ !" અસલમ બોલ્યો.

" મજાક કરું છું યાર. લંચ તારા તરફથી હોય કે મારા તરફથી.... કોઈ ફરક પડતો નથી." કેતન બોલ્યો.

" ચાલો હવે હું રજા લઉં. હું ચાર પાંચ દિવસમાં જ જામનગર જવા નીકળી જાઉં છું. એક મહિનામાં તું તારી રીતે રાજકોટ આવી જા. ધંધાનું જે પ્લાનિંગ કરવું હોય તે કરી લે. તારા મામાની સલાહ પણ લઇ લે. તું જ્યારે કહીશ ત્યારે તારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જશે. રોકડા જોઈતા હોય તો આંગડિયાથી હવાલો થઈ જશે. " કહીને કેતન ઉભો થઇ ગયો.

કેતને ના પાડી છતાં બિલ અસલમે જ ચૂકવી દીધું.

સોગઠાબાજીનાં તમામ સોગઠાં ફરી ગોઠવાઈ ગયાં હતાં. અસલમ શેખ, જયેશ ઝવેરી, મનસુખ માલવિયા, જામનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલ, નીતાના રોલમાં મનાલી, પ્રતાપભાઈ ની જગ્યાએ ધરમશીભાઈ !!

અને કેતન માટે મજાની વાત એ હતી કે એનું પ્રાયશ્ચિત ગુરુજીએ એને સૂક્ષ્મ જગતમાં લઇ જઇને કરાવી દીધું હતું એટલે ભલે એણે એના પપ્પાને કહ્યું હતું કે એ પ્રાયશ્ચિત કરવા જામનગર જઈ રહ્યો છે પરંતુ હકીકતમાં તો હવે કોઈ અભિશાપ હતો જ નહીં. અને પૂર્વજન્મના પાપનો ભાર પણ ન હતો !!

હવે કેતન માટે એના ભાગની તમામ સંપત્તિ માત્ર સત્કર્મો અને દાનમાં જ વાપરવી એવું કોઈ બંધન ન હતું. એ મુક્ત જીવ હતો ! એ પોતાના કરોડો રૂપિયાનો મન ફાવે એમ ઉપયોગ કરી શકે એમ હતો. છતાં કોઈ ખોટા કામમાં પૈસા ન વપરાય એનું ધ્યાન રાખવાનું હતું. - કેતન ભલે આવું બધું વિચારતો હોય પરંતુ કર્મનું બંધન ન હોવાથી એ ફરીથી માયાવન માં ખોવાઈ જવાનો છે એ એને ખબર નથી !!

બીજું કેતન દોઢ વર્ષ માટે જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે એ સૂક્ષ્મ શરીરમાં હોવાથી અવાર નવાર ચેતન સ્વામીનાં દર્શન કરી શકતો હતો. વાતચીત કરી શકતો હતો. ધ્યાનમાં ક્યારેક ઋષિકેશની કુટિરમાં પણ જઈ શકતો હતો. પરંતુ હવે એ ચેતન સ્વામીને ધ્યાનમાં જોઈ શકતો ન હતો એટલે પહેલાંની જેમ ગુરુજીનું માર્ગદર્શન એને મળવાનું ન હતું. હવે એની મંઝિલ એણે એની રીતે જ કાપવાની હતી !

જો કે ચેતન સ્વામીની આજ્ઞાથી એણે ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરી હતી. એનાથી એને ઘણો ફાયદો થયો હતો. અને એ જે ઈચ્છે તે પ્રમાણે ઘટનાઓ આકાર લેતી હતી. જે રીતે એના તમામ જૂના સાથીદારો ફરી પાછા એની સાથે જામનગરમાં જોડાઈ રહ્યા હતા એ એક ચમત્કાર જ હતો ! ગાયત્રી મંત્રથી એની તમામ ઈચ્છાઓ પૂરી થતી હતી.

એ દિવસે રાત્રે એણે બેડરૂમમાંથી જાનકીને ફોન જોડ્યો. જામનગર જવાનો પોતાનો નિર્ણય જાનકીને જણાવવો જરૂરી હતો.

" જાનકી કેતન બોલું. "

" શું વાત છે સાહેબ ! આજે તો તમે સરપ્રાઈઝ આપ્યું !! તમારો ફોન ના આવ્યો હોત તો કાલે હું તમને ફોન કરવાની જ હતી." જાનકી બોલી.

" તો તો મારાથી આજે ઉતાવળ થઇ ગઈ. કાલે તારા ફોનની રાહ જોઇશ. " કેતન હસીને બોલ્યો.

" શું તમે પણ કેતન !! ફોન કર્યો છે તો પછી વાત કરી જ લઈએ ને ?" જાનકી બોલી.

" ઓકે. હવે તું જ બોલ. કાલે મને કેમ ફોન કરવાની હતી ? " કેતને પૂછ્યું.

" આટલો મોટો તમે નિર્ણય લઈ લીધો છે અને હવે પાછા મને પૂછો છો કે કેમ ફોન કરવાની હતી ! મને શિવાનીએ કહ્યું કે તમે સુરત છોડીને હવે જામનગર સેટ થઈ રહ્યા છો !! " જાનકી બોલી.

" એકદમ સાચા સમાચાર છે. મેં પણ એ જણાવવા જ ફોન કર્યો છે. પણ એમાં નવાઈ પામવા જેવું કંઈ છે જ નહીં. જામનગર કમસે કમ ગુજરાતમાં તો છે ! દિલ્હી કલકત્તા તો નથી જતો ને ? " કેતન થોડા મજાકના મૂડમાં હતો.

" અરે પણ ડાયમંડમાં ધંધામાં રસ ના હોય તો મુંબઈ સેટ થવાય ને ? અહીં મુંબઈમાં કેટલી બધી તકો છે ? " જાનકી બોલી.

" ઘર જમાઈ બનવાની મારી કોઈ જ તૈયારી નથી હોં !! " કેતન બોલ્યો.

" હે ભગવાન બોલવામાં તમને ક્યારેય નહીં પહોંચાય ! મેં તમને ક્યાં કહ્યું કે માટુંગામાં આવીને બિઝનેસ કરો ? " જાનકી થોડી અકળાઇ.

" એટલેસ્તો જામનગર પસંદ કર્યું ! આમ તો દ્વારકા જવાનો જ વિચાર કરેલો. પરંતુ દ્વારકામાં રહીને ગિરધર ગોપાલની ભક્તિમાં મન રંગાઈ જાય તો તારું શું થાય ? લગ્ન કરવાનાં હજુ બાકી છે એટલે દ્વારકાથી જરા દૂર રહ્યો ! તારો વિચાર પણ મારે કરવો પડે ને ? " કેતન બોલ્યો.

" મને લાગે છે કે મારે હવે કાલે ફરી ફોન કરવો પડશે. આજે મુહુરત સારું નથી. " જાનકી મીઠો છણકો કરીને બોલી.

" આજે મારો સામેથી ફોન આવ્યો એટલે મુહૂરત તો સારું જ ગણાય ને ?" કેતને કહ્યું.

" કેતન તમને હાથ જોડુ. પ્લીઝ બી સિરિયસ. " જાનકી બોલી.

" ઓકે બાબા. જામનગરની પસંદગી મારી પોતાની છે. જામનગર પસંદ કરવા પાછળ મારાં પોતાનાં અંગત કારણો છે. કદાચ ચાર પાંચ દિવસમાં જ હું જામનગર જઈ રહ્યો છું. મકાન પણ લઈ લીધું છે. અને અત્યારે શિવાની મારી સાથે આવે છે. " કેતન બોલી ગયો.

" ઠીક છે સાહેબ. હવે હું કોઇ દલીલ નહીં કરું. મેં ફોન બીજા પણ એક કારણથી કર્યો હતો કે પપ્પા ત્રણ-ચાર દિવસથી મને પૂછતા હતા કે કેતન અમેરિકાથી આવી ગયા છે તો એમની સાથે વાત તો કરી લે. એમને મારું ખૂબ જ ટેન્શન છે. " જાનકી ગંભીર થઈને બોલી.

" એમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લગ્ન કરવાનો નિર્ણય ભલે મેં ના લીધો હોય પરંતુ અત્યારે મારા મનમાં બીજું કોઈ પાત્ર પણ નથી. અને હું કોઈ છોકરીઓ જોતો પણ નથી. પહેલાં મારે જામનગરમાં સેટ થવું છે. ચાર છ મહિનામાં નિર્ણય લઈ લઈશ. હા તને જામનગરનું સાસરિયું પસંદ ના હોય તો તું વિચાર કરી શકે છે. " કેતન બોલ્યો.

" શું તમે પણ કેતન આવી મજાક કરો છો ? મારી પસંદગી તમે છો ! મારે સ્થળ સાથે કોઈ લેવાદેવા નથી સાહેબ. ભલેને પછી એ નાનકડું ગામડું હોય ! " જાનકી બોલી.

" ઓકે ઓકે. ચાલો હવે મૂકું. ટેક કેર " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

જાનકીને કેતનના જવાબથી ખૂબ સંતોષ થયો. કેતને આજે એની સાથે ખુબ જ મજાકિયા મૂડમાં વાત કરી હતી. કેતનની વાતોથી એવું લાગતું હતું કે એ આજકાલ સારા મૂડમાં છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)