પ્રારંભ - 10 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 10

પ્રારંભ પ્રકરણ- 10

છેવટે એકાદશીનો દિવસ આવી ગયો. આજે સવારથી જ જામનગર જવાની બધી તૈયારીઓ થઇ રહી હતી. કેતનની સાથે શિવાની પણ જવાની હતી એટલે એની બેગ પણ તૈયાર કરવાની હતી. ટ્રેન તો રાત્રે સાડા બાર વાગ્યાની હતી એટલે સમય પૂરતો હતો. છતાં તૈયારી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. બધા કરતાં શિવાની વધારે ખુશ હતી. પહેલી વાર આટલા લાંબા સમય માટે એ ક્યાંય બહાર જઈ રહી હતી.

" શિવાની તારે આટલા બધા ડ્રેસ લેવાની જરૂર નથી. જરૂર પૂરતા તું રાખ અને જામનગર કંઈ ગામડું નથી. ત્યાં બધું જ મળે છે. સામાન જેટલો ઓછો હોય એટલું વધારે સારું." કેતન બોલ્યો.

મહારાજે ત્રણચાર જાતનાં નાસ્તા બનાવી રાખ્યા હતા. થેપલાં પુરી સુખડી મોહનથાળ અને સવારે ભૂખ લાગે તો થેપલાં કે પૂરીની સાથે ખાવા માટે બટેટાની સુકીભાજી પણ એક સ્ટીલના ડબ્બામાં રાત્રે પેક કરી હતી. એક નાનકડી બરણીમાં અથાણું તો ખરું જ.

આજે તો કેતન અને શિવાનીને વિદાય આપવા માટે આખું ઘર સ્ટેશન ઉપર આવી ગયું હતું. કેતન કાયમ માટે સુરત છોડીને જામનગર જઈ રહ્યો હતો એટલે ફેમિલી માટે એ ઘટના ઘણી મોટી હતી !

" જો ત્યાં રસોઇ કરવાવાળી બાઈ ના મળે તો મહારાજનો ભાઈ તૈયાર જ છે. મહારાજે વાત પણ કરી લીધી છે. થોડા દિવસ તો શિવાની બે ટાઈમ રસોઈ કરી લેશે. આમ તો એને બધી જ રસોઈ ફાવી ગઈ છે. ખાલી રોટલી વણવામાં એને વાર લાગે છે. " જયાબેન બોલ્યાં.

" શું મમ્મી તું પણ ! આટલી તો ફાસ્ટ રોટલી બનાવું છું !! " શિવાની મોં ચડાવીને બોલી.

" હા મમ્મી. તમે એમ શિવાનીબેન ને ઉતારી ના પાડો. એમની ઝડપ હવે ઘણી આવી ગઈ છે. " રેવતી બોલી. સિદ્ધાર્થની વહુનું નામ રેવતી હતું.

" ચાલો કંઈ નહીં. ખાલી બે જણનું જ કરવાનું છે ને ? " જયાબેન બોલ્યાં.

વાતોમાં ને વાતોમાં ૧૨:૩૦ વાગી ગયા અને ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહી.

કુલીએ ૩ બેગો અને એક બોક્સ ફર્સ્ટ ક્લાસના કોચમાં કેતનની બર્થ નીચે ગોઠવી દીધાં. વ્હિસલ વાગી એટલે શિવાની કોચમાં ચડી ગઈ અને એની પાછળ કેતન પણ ચડી ગયો. ટ્રેઇને ધીમે ધીમે ગતિ પકડી. કેતન અને શિવાની પોતાનો પરિવાર દેખાયો ત્યાં સુધી દરવાજા પાસે જ ઊભાં રહ્યાં.

" ચાલ હવે આવી જા શિવાની. તું નીચેના બર્થ ઉપર સુઈ જા. ઓઢવા પાથરવાની બધી વ્યવસ્થા છે. એ.સી. ફૂલ છે એટલે ધાબળો ઓઢી લે. હજુ ૧૨ કલાક પસાર કરવાના છે." કેતન બોલ્યો અને ઉપરના બર્થ ઉપર સૂઈ ગયો.

કેતન ગમે એટલો મોડો સુઈ જાય તો પણ સવારે પાંચ વાગ્યે તો એની આંખ ખૂલી જ જતી. એનામાં આ એક યોગીનું લક્ષણ હતું.

પાંચ વાગે ઉઠીને બ્રશ દાઢી વગેરે પતાવી એ ફ્રેશ થઈ ગયો અને ધ્યાનમાં પણ બેસી ગયો. છ વાગ્યા સુધી ધ્યાન કર્યું પછી અડધો કલાક ગાયત્રીની પાંચ માળા કરી. આઠ વાગ્યે સુરેન્દ્રનગર આવતું હતું એટલે એણે ૭:૩૦ વાગ્યે શિવાનીને જગાડી.

સુરેન્દ્રનગર જંક્શને એ શિવાની સાથે નીચે ઊતર્યો અને સ્ટોલ ઉપર જઈને આદુ ઈલાયચી વાળી સ્પેશિયલ ચા બનાવરાવી. ચા પીને બંને જણાં કોચમાં પોતાની સીટ ઉપર આવી ગયાં.

" ભાઈ મને તો પહેલેથી જ ટ્રેનની મુસાફરી બહુ ગમે. " શિવાની બોલી.

" ટ્રેનની મુસાફરી બધાંને ગમે. પરંતુ રિઝર્વેશન હોવું જોઈએ. બાકી જનરલ ડબ્બામાં તું બાથરૂમ સુધી પણ ના જઈ શકે. આપણા ગુજરાતમાં તો એટલું સારું છે. બાકી યુપી બિહારની ટ્રેનોમાં તો તું બીજીવાર જવાનું નામ જ ના લે." કેતન બોલ્યો.

" હવે તારે નાસ્તો કરવાની ઈચ્છા હોય તો અત્યારે કરી લે. તારા માટે મમ્મીએ સ્પેશિયલ બટેટાની સુકીભાજી પણ બનાવી છે. જામનગર પહોંચ્યા પછી એ કામમાં નહીં આવે કારણ કે આપણે બહાર જમવાનું છે. " કેતન બોલ્યો.

" તમે પણ નાસ્તો કરશો ને ?" શિવાની બોલી.

" મને માત્ર એક થેપલું અને ત્રણ પૂરી આપ. સાથે થોડી સુકી ભાજી. અત્યારે અથાણું ના કાઢતી. " કેતન બોલ્યો.

બંને ભાઈ-બહેને નાસ્તો કરી લીધો. સુરત પોતાના બંગલાના મહારાજ રસોઈ ખૂબ જ સરસ બનાવતા હતા. બટેટાની સુકીભાજી ચાખીને કેતનને મહારાજનો વિચાર આવ્યો. મહારાજનો ભાઈ પણ આટલી સરસ રસોઇ બનાવતો જ હશે. જો જામનગરમાં કોઈ બહેન ના મળે તો નાના ભાઈને જામનગરમાં મહારાજ તરીકે બોલાવી લેવો પડશે.

સવારે સવા દસ વાગ્યે રાજકોટ આવ્યું અને બાર વાગે સૌરાષ્ટ્ર મેલ જામનગર સ્ટેશને પહોંચી ગયો. આ સ્ટેશન સાથે ઘણી બધી યાદો જોડાયેલી હતી. પ્લેટફોર્મ ઉપર પગ મૂકતાં જ કેતનનું દિલ ભારે થઈ ગયું.

કેતને ગઈકાલે સુરતથી નીકળતી વખતે જયેશ ઝવેરીને ફોન કરી દીધો હતો કે તારી ગાડી મનસુખ માલવિયાને સવારે આપી દેજે જેથી એ બપોરે બાર વાગે મને સ્ટેશને લેવા માટે આવે.

જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા હવે કેતન માટે ચિઠ્ઠીના ચાકર જેવા હતા. એ બંનેની જિંદગી કેતને બનાવી હતી. એટલે કેતનનો પડ્યો બોલ ઝીલતા હતા.

કેતનની ગણતરી પ્રમાણે મનસુખ માલવિયા એક કુલીને લઈને છેક કોચ સુધી આવી ગયો હતો.

" વેલકમ ટુ જામનગર કેતનભાઈ. કાલે રાત્રે જ જયેશભાઈએ મને ફોન કર્યો હતો કે તમે અત્યારે આવવાના છો. સવારે એમણે ગાડીની સાથે મને તમારા નવા ઘરની ચાવી પણ આપી દીધી છે." મનસુખ બોલ્યો.

" હા મેં ફોન કર્યો હતો. હવે જલ્દી સામાન બહાર કાઢી લઈએ. કુલી ની સાથે હું અંદર જાઉં છું. એને સામાન બતાવી દઉં." કહીને કેતન કુલી ની સાથે કોચમાં પાછો ગયો.

સામાન ઉતાર્યા પછી માલવિયા અને કુલી સ્ટેશનની બહાર ઉભી રાખેલી નવી વેગનઆર તરફ ગયા. સામાન પાછળની ડિકી માં મુક્યો. કેતને કુલીને ૫૦૦ ની નોટ આપી અને શિવાની સાથે એ પાછલી સીટ ઉપર બેસી ગયો.

" આ મારી નાની બેન શિવાની છે. " કેતને માલવિયાને શિવાનીનો પરિચય કરાવ્યો જેથી કોઇ ગેરસમજ ના થાય.
કેતને સૂક્ષ્મ શરીરે પોતાની માયાવી અવસ્થામાં આખું જામનગર જોયું હતું. તમામ રસ્તા એને યાદ હતા. દોઢ વર્ષનો ગાળો ઘણો મોટો ગાળો હતો.

ગાડી પટેલ કોલોની શેરી નંબર ૪ માં પ્રવેશી ત્યારે કેતનના હદયમાં ખુશીની એક લહેરખી આવીને ચાલી ગઈ. જે બંગલામાં એ રહ્યો હતો એજ બંગલા ના દરવાજે આવીને ગાડી ઊભી રહી ત્યારે એક મોટું સ્વપ્ન સિદ્ધ થયું હોય એવી અનુભૂતિ એને થઈ.

પરંતુ એ વખતે કેતનને ખબર નહોતી કે મહાન ગુરુની છત્રછાયામાં સૂક્ષ્મ શરીરમાં આટલો સમય રહ્યા પછી એને ' સંકલ્પ સિદ્ધિ ' સિદ્ધ થઈ ગઈ હતી. મતલબ કે એ કોઈ પણ સંકલ્પ કરે તો એ ફળીભૂત થઇ જતો હતો. એટલા માટે તો એણે જે જે કામના કરી તે બધી જ પુરી થતી ગઈ.

મકાનના દરવાજે આવીને ગાડી ઊભી રહી પછી મનસુખ માલવિયા બંધ મકાનનો ગેટ ખોલીને વરંડામાં ગયો અને મકાનનો દરવાજો ખોલ્યો. કેતન અને શિવાની પણ નીચે ઉતર્યાં. કેતન મકાનની રોનક જોઇને ખુશ થઇ ગયો. એકદમ નવો જ બંગલો બનાવ્યો હોય એટલો સરસ એ લાગતો હતો.

સૌ પ્રથમ કેતને ઘૂંટણિયે પડીને મકાન ના દરવાજે માથું ટેકવ્યું. મનોમન બે ક્ષણ પ્રાર્થના કરી. એ પછી એ ઊભો થઈને અંદર ગયો. શિવાનીને ભાઈના આ વર્તનથી ખૂબ જ નવાઈ લાગી. એ કંઈ બોલી નહીં.

" મનસુખભાઈ આજે હું કેટલો ખુશ છું એ હું તમને કહી શકતો નથી. લો આ ૧૦૦૦૦ તમે રાખો. આ મારા તરફથી બક્ષિસ છે. તમારી નોકરી આજથી ચાલુ થઈ ગઈ. તમે ઘરે આંટો મારી આવો. એકાદ કલાક પછી આવી જજો. ત્યાં સુધીમાં નાહી ધોઈને અમે ફ્રેશ થઈ જઈએ. પછી આપણે જમવા માટે નીકળીએ " કેતન બોલ્યો.

૧૦૦૦૦ જેટલી બક્ષિસ જોઈને મનસુખ માલવિયા એકદમ ખુશ થઈ ગયો. એના માટે તો આ ઘણી મોટી રકમ હતી.

" ભલે સાહેબ એકાદ કલાકમાં આવું છું. " મનસુખથી કેતનભાઇના બદલે સાહેબ બોલાઈ ગયું. લક્ષ્મીનો આ જ પ્રભાવ હતો !!

કેતન શિવાનીને લઈને લગભગ દોઢ વાગે જમવા માટે નીકળ્યો. મનસુખને ગાડી ગ્રાન્ડ ચેતના લઈ લેવાનું કહ્યું.

શિવાની રસ્તામાં સતત આજુબાજુ જોઈ રહી હતી. જામનગર સરસ મજાનું શહેર હતું. સુરત જેવું ભરચક ન હતું . કેટલાક એરીયા તો એકદમ રજવાડી હતા.

શિવાનીને ડાઇનિંગ હોલમાં જમવાની મજા આવી. સુરત કરતાં અહીંનું કલ્ચર થોડુંક જુદું પડતું હતું. સુરત કરતાં ભાષા પણ થોડી અલગ હતી !

જમીને ઘરે પહોંચ્યા ત્યારે અઢી વાગી ગયા હતા. કેતને હાલ પૂરતી મનસુખને રજા આપી અને સાંજે પાંચ વાગે જયેશને લઈને આવવાની સૂચના પણ આપી.

હવે કેતને આખું ઘર ચારે બાજુ ફરીને શાંતિથી જોયું. ફર્નિચરની બાબતમાં જયેશની પસંદગી ખરેખર સરસ હતી.

એ.સી. ચાલુ કરીને કેતને થોડો આરામ કરવાનું પસંદ કર્યું. શિવાની ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવીના પ્રોગ્રામો જોવા લાગી. જયેશે નવું વિશાળ ટીવી પણ ફીટ કરાવી દીધું હતું અને ચેનલ પણ લઈ લીધી હતી.

સાંજે પાંચ વાગ્યે માલવિયા જયેશને લઈને કેતનના ઘરે આવી ગયો.

" આજે તારા પોતાના જ ઘરમાં તારુ સ્વાગત કરું છું જયેશ." જયેશને જોઈને કેતન હસીને બોલ્યો.

" હવે આ તમારું ઘર છે કેતનભાઇ. મેં તો અઢી વર્ષ પહેલાં જ વેચી નાખેલું. આજે ફરી જામનગરમાં છું તો એ પણ તમારા જ પ્રતાપે. તમે તો મારી જિંદગી બદલી નાખી છે. " જયેશ ભાવુક થઈને બોલ્યો.

" જયેશભાઈની વાત એકદમ સાચી છે કેતનભાઈ. મને પણ તમે ક્યાંથી ક્યાં લાવીને મૂકી દીધો ? છેક હોસ્પિટલ આવીને મારું કિસ્મત બદલી નાખ્યું." મનસુખ માલવિયાએ પણ સાથ પુરાવ્યો.

" આ મારી નાની બહેન શિવાની છે. વેકેશન ચાલે છે એટલે મારી સાથે આવી છે જેથી રસોઈમાં કોઈ તકલીફ ના પડે. " કેતને જયેશને પણ શિવાનીની ઓળખાણ કરાવી.

" હા મને રસ્તામાં મનસુખભાઈએ કહ્યું કે એમની બહેન પણ આવ્યાં છે. " જયેશ બોલ્યો અને એણે શિવાનીને નમસ્કાર કર્યા.

શિવાની પણ વિચારમાં પડી ગઈ હતી કે જામનગર જેવા અજાણ્યા શહેરમાં આ બંને જણા ભાઈને કેવી રીતે ઓળખતા હશે ? અને બંને જણા પાછા ભાઈની પ્રશંસા પણ કરતા હતા !! કેતનભાઇ ખરેખર રહસ્યમય હતા.

" જયેશ તું તો હવે મારો મેનેજર છે. મારે નવી સિયાઝ ગાડી છોડાવવી છે. કાલે તું મારુતિના શો રૂમમાં જઈ આવ. સ્ટોકમાં ના હોય તો તાત્કાલિક એ લોકો મંગાવે. પૈસાની કોઈ ચિંતા નથી." કેતન બોલ્યો.

" હા હું કાલે સવારે જઈ આવીશ અને ત્યાં સુધી આ ગાડી તમે જ વાપરો. મારે ગાડીની હાલ ને હાલ એવી કોઈ જરૂર નથી કેતનભાઇ " જયેશ બોલ્યો.

" ઠીક છે. મનસુખભાઈ પાસે જ ગાડી રહેવાની છે. " કેતને હસીને કહ્યું.

" બીજો કોઈ હુકમ ? " જયેશ બોલ્યો.

" કોઈ કામવાળી બાઈની તાત્કાલિક જરૂર પડશે. કચરા-પોતાં વાસણ માટે કોઈ બેનની તપાસ કર. અને તું તો આ મકાનમાં જ રહેલો છે એટલે કોઈ પડોશીને પણ પૂછી શકે છે. " કેતન બોલ્યો.

" હા એ હું ચોક્કસ કાલ સુધીમાં નક્કી કરી દઉં છું. હું મારા જૂના બે-ત્રણ પડોશીને પૂછી લઉં છું. દરેકના ઘરે કામવાળી તો આવે જ છે. " જયેશ બોલ્યો.

" અને બીજું એક કામ કરો. તમે લોકો અત્યારે ઘર માટે થોડું કરિયાણું લઇ આવો. કારણ કે ઘરમાં ચા ખાંડ કે દૂધ પણ નથી. અને રસોડા માટે નાનાં-મોટાં વાસણો પણ જોઇશે. એક કામ કર જયેશ. તું ઘરેથી ભાભીને પણ સાથે લેતો જા. " કેતન બોલ્યો.

" ઠીક છે તો પછી હવે અમે અત્યારે જ નીકળી જઈએ " જયેશ બોલ્યો.

" હા પણ કરીયાણાનું લીસ્ટ તો તૈયાર કર. જેટલું યાદ આવે એટલું હું તને લખાવી દઉં છું. ભાભીને પણ બતાવી દેજે. " કેતન બોલ્યો અને એણે કાગળ અને પેન જયેશને આપ્યા.

# "તુવરની દાળ, મગ અને મગની દાળ, બાસમતી ચોખા, ગોળ અને ખાંડ. આ બધું બે કિલો. ચણાનું બેસન એક કિલો.
# ઘંટીમાંથી સારી ક્વોલિટીનો તૈયાર ઘઉંનો લોટ પાંચ કિલો.
# ચા ૫૦૦ ગ્રામ. સાથે ચા ના મસાલાનું પેકેટ.
# મીઠું, મરચું , હળદર, ધાણાજીરુ વગેરે તમામ મસાલાના એક એક કિલોના તૈયાર પેકેટ.
# હિંગની ડબી અને સાથે રાઈ મેથી જીરું અજમો પણ ૫૦૦ ગ્રામ.
# એક લીટર સીંગતેલ અને એક કિલો ઘી.
# આ બધી વસ્તુઓ ભરવા માટે 500 ગ્રામ થી 5 કિલો સાઈઝ ની એક ડઝન જેટલી પ્લાસ્ટીકની બરણીઓ.
# દૂધની બે કોથળી. સાથે આદુ લીંબુ મરચાં અને ફુદીનો.
# વોશિંગ મશીન માટે સર્ફ વોશિંગ પાવડર એક કિલો.
# નહાવા માટે અડધો ડઝન લક્ષ અથવા ડવ સાબુ. " કેતને લખાવ્યું.

" ભાઈ તમને તો ઘરવખરીનો બધો જ સામાન યાદ છે !! કમાલ છો તમે પણ ! માનના પડેગા. આટલું બધું તો મને પણ યાદ નથી! " શિવાની આશ્ચર્યથી બોલી.

કેતનને કહેવાનું મન તો થયું કે માયાવી અવસ્થામાં આખો સંસાર માંડ્યો હતો !! કેમ યાદ ના હોય ? પરંતુ એના દિલની વાત એ જ જાણતો હતો.

" ભાઈ એક વાત પૂછું ? " શિવાની બોલી.

" હા પૂછને ? રજા લેવાની થોડી હોય ? " કેતન બોલ્યો.

" બે વર્ષ તો તમે અમેરિકા હતા. બે મહિનાથી તો હજુ આવ્યા છો ! તમે હમણાં ઋષિકેશ જઈ આવ્યા. વળતી વખતે માત્ર એક દિવસ જામનગર આવ્યા હતા. તો પછી આ મકાનમાં પ્રવેશીને તમે આટલા બધા ખુશ કેમ થઈ ગયા કે મનસુખભાઈને 10,000 પણ આપ્યા. તમે આ લોકોને આટલા બધા કેવી રીતે ઓળખો છો ? એ બેઉ પણ તમારી આટલી બધી પ્રશંસા કેવી રીતે કરે છે ? " શિવાનીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

" જો શિવાની આ મકાન મેં ખરીદી લીધું છે અને રીનોવેશન પણ મેં જ કરાવ્યું છે. અમેરિકા હતો ત્યારે આ મકાન અનેક વાર મારા સપનામાં આવતું હતું. સપનામાં જ મને એડ્રેસ પણ મળી ગયું હતું એટલે પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ આ મકાન સાથે હશે." કેતને વાર્તા શરૂ કરી.

" એટલે તો મેં જામનગર આવવાનું પસંદ કર્યું . તે દિવસે એક દિવસ માટે જામનગર આવ્યો ત્યારે સપનાનું એડ્રેસ સાચું છે કે નહીં એ જોવા માટે જ આવેલો. વારંવાર જે મકાન દેખાતું હતું તે આ જ હતું. એટલે ૩૫ લાખમાં મેં એ જ વખતે આ મકાનનો સોદો કરી દીધો. " કેતન બોલી રહ્યો હતો.

" જયેશ સુરતની કોલેજમાં મારી સાથે જ ભણતો હતો. એ જામનગરનો હતો એ મને ખબર હતી. મેં એનો નંબર શોધીને એને ફોન કર્યો. મેં એને આ મકાન વિશે વાત કરી તો એણે કહ્યું કે અરે આ મકાન તો મેં જ જયરામભાઈ ને વેચ્યું હતું. એટલે મને આશ્ચર્ય થયું અને જયેશને પણ અહીં પાછા આવી જવાની વાત કરી. જેથી મારી એની સાથે કંપની રહે. " કેતન બોલ્યો.

" અહીં ગાડી ખરીદીને અહીં જ રહેવાનું હતું એટલે કોઈ સારો ડ્રાઇવર મારે જોઈતો હતો. મનસુખ માલવિયા સુરતની કોલેજમાં પ્યુન હતો અને એણે મને ઇલેક્શનમાં ખૂબ જ મદદ કરેલી. એ ડ્રાઇવિંગ જાણતો હતો એ પણ મને ખબર હતી એટલે એને પણ અહીં લઈ આવવાનો મને વિચાર આવ્યો. સારામાં સારા પગારની ઓફર કરી એટલે એ પણ આવવા તૈયાર થયો. " કેતન બોલ્યો.

" બંનેને સારો પગાર ઓફર કર્યો અને બંનેને જામનગર લઈ આવ્યો. એટલા માટે તો એ બંને મારું આટલું રિસ્પેક્ટ કરે છે. હવે અહીંયા જે પણ હું બિઝનેસ કરીશ એમાં જયેશ મારી સાથે જ હશે ! બસ આ જ એનું રહસ્ય છે ! " કેતને શિવાનીના મગજમાં બેસે એ રીતે વાર્તા કરી દીધી.

શિવાનીને ભાઈની વાતોથી સંતોષ તો થયો પરંતુ હજુ કંઈક ખૂટતું હતું. ભાઈએ ગ્રાન્ડ ચેતનામાં જમવાનો સીધો ઓર્ડર કર્યો. જાણે એમને જામનગરની હોટલોની બધી ખબર હોય !! - જે હોય તે આ બધું મારે જાણીને શું કામ છે ? કદાચ સપનામાં જ ભાઈએ આ બધું પણ જોયું હોય !!! શિવાનીએ મન વાળી લીધું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)