દશાવતાર - પ્રકરણ 63 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 63

          "મેં કહ્યું ને કે મને એ અજાણ્યે જ મળી ગયું હતું. હું બીજું કંઈ જાણતો નથી." રતનગુરુએ કહ્યું.

          વિરાટને આશ્ચર્ય થયું કે રતનગુરુ કેવી રીતે શાંત રહી શકે છે? એ જાણતો હતો કે એ ગુરુ છે અને એ પુસ્તક દીવાલ પેલી તરફથી મોકલવામાં આવેલું છે પણ વિચિત્ર વાત એ હતી કે એના પરિવારનું મૃત્યુ પણ એને તોડી ન શક્યું. એ તસ્કરી વિશે ખુલાસો કરવા તૈયાર નહોતા.

          "તું આ માટે તૈયાર છો..." નિર્ભય બોલ્યો અને એની છરી એટલી ઝડપથી આગળ વધી કે એણે શું કર્યું એ કોઈને સમજાયું નહીં. ચીસ પાડીને સૂરજ જમીન પર ઢળી પડ્યો ત્યારે બધાને સમજાયું કે નિર્ભય સિપાહીએ વીજળી વેગે છરીથી એની ગરદન કાપી નાખી હતી.

          "છેલ્લો સભ્ય અને છેલ્લો પ્રશ્ન..." નિર્ભય બોલ્યો પણ એ પહેલા સૂરજનો ભાઈ મનન એની તરફ કુદ્યો. જ્યારે એક નિર્ભય એના પિતા સાથે વાત કરતો હતો અને બીજો નિર્ભય સૂરજ પાસે હતો ત્યારે મનને એના હાથની દોરીની ગાંઠ ઢીલી કરી દીધી હતી. એ કૂદ્યો ત્યારે એના હાથ ખુલ્લા હતા. એણે નિર્ભયનું ગળું દબાવ્યું. વિરાટે એની આંખોમાં ગુસ્સો જોયો પણ એ નિર્ભય યોદ્ધા સામે પૂરતો નહોતો.

          નિર્ભય સિપાહીએ એને એક પળમાં જ જમીન પર પછાડી દીધો. એ મનનને લાત મારવા લાગ્યો. મનન દર્દથી ચીસો પાડતો રહ્યો પણ નિર્ભય સિપાહીઓ પર એની કોઈ અસર ન થઈ કેમકે એ નિર્ભયની સાથે નિર્દય પણ હતા.

          "કૃપા કરીને આ બંધ કરો..." રતન કરગરવા લાગ્યા, "એ હજુ બાળક છે."

          "તારા પરિવાર માટે આ આફત તેં તારી જાતે જ નોતરી છે, શૂન્ય." નિર્ભય ગુસ્સામાં બરાડ્યો, "તેં વિશ્વાસઘાત કર્યો અને હવે પરિણામ તારી આંખો સામે છે."

          વિરાટ એની ઝૂંપડીમાં હતો. એ એક નાનકડા છિદ્રમાંથી બધું જોઈ રહ્યો હતો. એ એમને મદદ કરવા માંગતો હતો પણ એ જાણતો હતો કે પોતે એમને બચાવી નહીં શકે. એનું મન કહેતું હતું કે એમની મદદ કર પરંતુ એના મનનો બીજો ભાગ કહેતો હતો કે કોઈ ભૂલ ન કરીશ નહીંતર તારા પરિવારની પણ એ જ હાલત થશે. મનનો એ બીજો બીજો અવાજ વધુ શક્તિશાળી હતો અને વિરાટ પાસે એને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

          "તું સાચું બોલવા તૈયાર છે કે કેમ?" નિર્ભય સિપાહીએ મનનને એના એક ઘૂંટણથી જમીન પર દબાવી રાખીને રતન તરફ જોઈ પૂછ્યું.

          "મેં સાચું કહ્યું છે." રતનના મોંમાંથી શબ્દ નીકળ્યા એ સાથે જ વિરાટે નિર્ભય સિપાહીના હાથમાં કઈંક ચમકતું જોયું અને બીજી પળે મનનના ગળા પર એક પાતળી લાલ રેખા દેખાઈ જે ઘડીના છઠ્ઠા ભાગમાં પહોળી થઈ અને ત્યાંથી લોહી વહીને રેત પર ટપકવા લાગ્યું. મનન મૃત્યુ પામ્યો. એને મરણ ચીસ પાડવાનો પણ સમય મળ્યો નહોતો કેમકે એની ઘોરી નસ કપાઈ ગઈ હતી.

          “એને બાંધીને પૂછપરછ માટે પાટનગર લઈ ચાલો.” નિર્ભય સિપાહીએ જમીન પરથી ઊભા થતા કહ્યું. એણે એનું પહેરણ સાફ કર્યું અને પાટલુન પરથી ધૂળ ખંખેરી.  બીજા નિર્ભય સિપાહીએ રતન ગુરુના પગે દોરડું બાંધીને એનો બીજો છેડો મોટરસાઇકલ સાથે બાંધ્યો. નિર્ભય સિપાહીઓ એમને મોટરસાઇકલ પાછળ ઘસડીને સ્ટેશન તરફ લઈ જતા હતા ત્યારે જાણે કારુના આતંકને આસમાન સુધી પહોચાડવા માંગતા હોય એમ અનેક ઘુવડ હવામાં ઉડતા હતા અને ભારે શોર કરતા હતા. એમની પાંખોના ફફડાટ જેવો જ ફફડાટ દીવાલ આ તરફના દરેક ઝૂંપડામાં છુપાયેલા લોકોના હ્રદયમાં હતો.

          રતનની ચીસો આજે પણ વિરાટને સંભળાતી હતી. ક્યારેક એક ખરાબ સપના જેમ તો ક્યારેક પોતાની કાયરતાના પુરાવા જેમ એ દૃશ્યો વિરાટની આંખ સામે તરવરવા લાગતા. એ જાણતો હતો કે એના છેલ્લા શ્વાસ સુધી એ ચીસો એના કાનમાં ગુંજતી રહેશે અને દૃશ્યો એને યાદ આવતા રહેશે. રતન વિરાટના પહેલા ગુરુ હતા. એમના મૃત્યુ પછી જગમાલ ગુરુ બન્યા હતા.

          "અમારી ઝૂંપડી પર કોઈ આક્રમણ નથી થયું." કૃપાએ કહ્યું. એના અવાજે વિરાટને વિચાર બહાર લાવ્યો.

          "ભગવાનનો આભાર!" વિરાટ બબડ્યો.

          "તને શું થયું છે?” કૃપાએ પૂછ્યું, "હું તારો હાથ ખેચતી હતી પણ તું જાણે કોઈ બીજી દુનિયામાં ચાલ્યો ગયો હોય એમ જવાબ જ નહોતો આપતો."

          “કંઈ નહીં.” એણે હળવાશથી શ્વાસ લેતા કહ્યું, “જો કોઈ આક્રમણ નથી થયુ તો તારી ઝૂંપડી સલામત કેમ નથી? શું થયું છે?"

          "ભદ્રા અને બીજા સફાઈ કામદારોએ મારી ઝૂંપડી પર હુમલો કર્યો અને દક્ષાને ઉપાડી ગયા છે." બોલતી વખતે કૃપા ધ્રૂજતી હતી.

          "શું?" ભદ્રા એનું અપહરણ કેમ કરે એ વિરાટને સમજાયું નહીં. ભદ્રા એક શૂન્ય હતો.

          "એણે એનું અપહરણ કેમ કર્યું?" એણે પૂછ્યું.

          "મને ખબર નથી પણ એ કહેતા હતા કે દક્ષા બળવાખોર છે એટલે એને સજા મળશે." એના અવાજમાં હજુ ધ્રુજારી અકબંધ હતી, "એ બધા બળવાખોરોને સજા કરશે જે દીવાલની અંદર નિર્ભય સિપાહીઓ પાસે તાલીમ લઈ રહ્યા છે."

          “હે ભગવાન! મારા મૂર્ખ લોકો.” વિરાટે પોતાની જાતને કહ્યું.

          "વિરાટ..." કૃપા બોલી, "મહેરબાની કરીને મારી બહેનને બચાવ."

          “એને કશું નહીં થાય. તું ઝૂંપડીએ જા અને તારી માને કહેજે કે એને કંઈ થશે નહીં. હું એને પાછી લાવીશ.”

          "એ ક્યાં હશે?" 

          "હું જાણું છું કે ભદ્રા એને ક્યાં લઈ ગયો હશે." વિરાટે કહ્યું, "હું મારા મિત્રો સાથે ત્યાં જઈશ અને એને બચાવીશું. તું ચિંતા ન કર. ઘરે જા, તારી મા એકલી છે.”

          કૃપા ગઈ એ સાથે જ વિરાટના માતા-પિતા એમના વિભાગમાંથી બહાર આવ્યા.

          "અમે બધું સાંભળ્યું છે..." એના પિતાએ કહ્યું, "હું તારી સાથે આવું છું. જો ભ્રદ્રાએ એનું અપહરણ કર્યું હોય તો તારે વધુ માણસોની જરૂર પડશે.”

          વિરાટે એમને જવાબ ન આપ્યો પણ એની આંખોએ જવાબ આપી દીધો. એણે ખભા પર ધનુષ અને ભાથો ભરાવ્યા અને હાથમાં વાંકી તલવાર લીધી. નીરદે એમનું ધનુષ લીધું અને બંને ગુરુ જગમાલની ઝૂંપડી તરફ દોડ્યા. દક્ષાને છોડાવવા વજ્ર અને તારાની જરૂર પડે એમ હતી. દક્ષાને પાછી લાવવા માટે એમને નિર્ભયની જરૂર હતી કેમકે ભદ્રા પાસે એની મદિરાના વશમાં હોય એવા બદમાશોની એક ટોળકી હતી.

          વિરાટે એની ઝૂંપડી છોડતા પહેલા પાછળ જોયું ત્યારે અનુજા ઉંબરે ઉભી હતી અને એની આંખો ચિંતાથી પહોળી થયેલી હતી.

          એ બંને ઠંડી રાતમાં અડધો કલાક દોડીને ગુરુ જગમાલની ઝૂંપડીએ પહોંચ્યા. વિરાટે ત્રીજીવાર દરવાજો ખખડાવ્યો ત્યારે ગુરુએ દરવાજો ખોલ્યો. ઝૂંપડીનો દરવાજો ખુલતાં જ વિરાટની સામે બે તીર તકાયેલા હતા. ઝૂંપડીમાં બાગી નિર્ભયને રાખવામાં આવ્યા હતા માટે એ સાવચેતી રાખવી જરૂરી હતી.

          “માફ કરજે.” વજ્રએ ધનુષ નીચું કર્યું, “અમે સમજ્યા કે આક્રમણ થયું છે.”

          વિરાટે નિ:શ્વાસ નાખ્યો. સદભાગ્યે વજ્ર અને તારાએ એમને અંધકારમાં જ વીંધી નાંખ્યા નહોતા. ગુરુએ દરવાજો ખોલ્યો ત્યારે એમના હાથમાં ફાનસ હતું અને એનો ઝાંખો પ્રકાશ એમના ચહેરા જોવા માટે પૂરતો હતો.

          "મોડી રાત્રે તમે અહીં શું કરો છો?" તારાએ તીર પાછું ભાથામાં મૂક્યું, "અંદર આવો."

          "આપણે જવું પડશે," વિરાટે કહ્યું, "મારા લોકોએ દક્ષાનું અપહરણ કર્યું છે કારણ કે એ લોકો એને બળવાખોર માને છે."

          "પણ દક્ષા કેમ?" વજ્રએ પૂછ્યું.

          “એમણે તમામ તાલીમાર્થીઓનું અપહરણ કરવાની યોજના બનાવી છે અને શરૂઆત દક્ષાથી કરી છે. ”

          "આ ગંભીર મામલો છે." ગુરુએ કહ્યું. એમણે ફાનસને થાંભલા પર લટકાવી.

          "તમે વિચારી શકો તેનાથી પણ વધુ ખરાબ." વિરાટના પિતાએ કહ્યું, "ભદ્રા અને બીજા કામદારોએ એનું અપહરણ કર્યું છે."

          “એ શરાબી...” ગુરુને આઘાત લાગ્યો, “આપણે ઉતાવળ કરવી પડશે.”

          તારા, વજ્ર અને ગુરુએ શસ્ત્રો લીધા. પવન અને સુબોધ પણ ત્યાં હતા. સાતેય જણા મધરાતે ઝૂંપડી છોડીને શેરીઓમાં દોડવા લાગ્યા. કેટલીક ઝૂંપડીઓમાં ફાનસ સળગતા હતા પણ મોટાભાગની ઝૂંપડી અંધકારમાં ગરકાવ હતી.

           એક કલાકમાં એ બધા ઝૂંપડીઓના વિસ્તારમાંથી બહાર નીકળી અર્ધ-વેરાન વિસ્તારમાં દાખલ થયા. એ સ્ટેશન તરફ ગયા. વિરાટના પિતા અને વિરાટ જાણતા હતા કે એ લોકો દક્ષાને સ્ટેશન બિલ્ડિંગની નજીક ક્યાંક લઈ ગયા હશે કારણ કે ભદ્રાનો અડ્ડો સ્ટેશનની ઇમારત નજીક હતો.

           જ્યારે આકાશમાંથી તારાઓ અદૃશ્ય થવા લાગ્યા ત્યારે એ બધા ભદ્રાના ખેતરમાં પહોંચ્યા. ભદ્રા પાસે રહેવા માટે ઝૂંપડીને બદલે લાકડાનું મોટું મકાન હતું અને આસપાસ વિશાળ ખુલ્લો વિસ્તાર હતો. ઝૂંપડીને બદલે લાકડાનું મકાન ધરાવનાર ભદ્રા દીવાલ આ તરફનો એકમાત્ર ભાગ્યશાળી માણસ હતો જે વચેટીયો ન હોવા છતાં સુખી જીવન વિતાવતો હતો.

          ખેતરની ફરતે વાડ નબળી હતી. એ બધા એક છીંડામાંથી અંદર પ્રવેશ્યા. લપાતા છુપાતા લાકડાના મકાનની પાછળ પહોચ્યા. ત્યાંથી એમણે દક્ષાને લાકડાના એક થાંભલા સાથે બાંધેલી જોઈ. એની આસપાસ વીસથી વધુ માણસો ઊભા હતા. એ બધાની વચ્ચે ભદ્રા એમના નેતા જેમ ઊભો હતો.

          ભદ્રા અને એના માણસોએ એમને મકાન પાછળથી બહાર આવતા જોયા ત્યારે બહુ મોડું થઈ ચુક્યું હતું. એ તાલીમ પામેલા સિપાહીઓ જેમ મક્કમ ડગલે એમની તરફ આગળ વધતા હતા. એમના હાથમાં ધનુષ અને તીર હતા જે દીવાલ આ તરફ સૌથી ઘાતકી હથિયાર ગણાતા. એમના કમરબંધ પર લટકતી વક્ર તલવારો ભયાવહ દેખાતી હતી.

          વિરાટની આંખો દક્ષા સાથે મળી, એનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો અને એના વાળ અસ્તવ્યસ્ત હતા. એના વાળ કપાળ પર લોહીથી પલળીને ચોંટી ગયા હતા. ઘવાયેલ હોવા છતાં એમની આંખો મળી ત્યારે વિરાટને દક્ષાની આંખમાં આશાનું કિરણ ચમકતું દેખાયું.

          ભદ્રાએ એમને જોયા પછી તરત જ એના માણસોની નજર પણ એમના પર પડી અને ટૂંક સમયમાં બધાની નજર દક્ષાને બદલે આગંતુકો તરફ ફેરવાઈ ગઈ જે એમની તરફ કૂચ કરી રહ્યા હતા. ભદ્રા એક ડગલું આગળ વધ્યો. વિરાટ સમજી શક્યો નહીં કે એ શું કરવા માંગે છે પણ તેને ખાતરી હતી કે એના મગજમાં કંઈક તો છે.

          "જો તમે એક પણ ડગલું આગળ આવશો તો મારા માણસો દક્ષાને મારી નાખશે." ભદ્રાએ કહ્યું અને બીજી જ ક્ષણે વિરાટે દક્ષાની બંને બાજુએ ભદ્રાના એક એક માણસને પ્રગટ થતાં જોયા. એમાંથી એકના હાથમાં ખેતીની છરી હતી. એણે એ દક્ષાના ગળા પર મૂકી અને પછી એમણે જોયું કે એ બધા પાસે હથિયારો હતા - લાકડીઓ, કોદાળી, કુહાડી અને અન્ય ખેતીના ઓજારો.

          એમણે હથિયારો ઉચા કર્યા પરંતુ વિરાટે એમની આંખોમાં ભય જોયો. એમની આંખોમાં પાટનગરમાં બનેલા એ ધનુષ અને તીરનો ભય સ્પષ્ટ દેખાતો હતો. વિરાટની સાથે બે નિર્ભય સિપહીઓ હતા એનો ભય ધનુષ અને તીરના ભય કરતા પણ વધારે હતો. શૂન્ય લોકો હંમેશા ડરતા અને જીવનમાં પ્રથમ વખત એ વિરાટ માટે ફાયદાકારક હતું.

          "ભદ્રા..." જગમાલ ગુરુએ વાતચીત શરૂ કરી. વાસ્તવમાં એ લડવાના ઈરાદે નહોતા આવ્યા. એ પોતાના લોકોને મારવા માંગતા નહોતા. એ હંમેશાની જેમ વાતચીતથી મામલો ઉકેલવા માંગતા હતા. જો દીવાલની આ તરફ શૂન્યો વચ્ચે કોઈ તકરાર થાય તો એ એક સભા બોલાવતા જેમાં ચર્ચા કરીને વિવાદને ઉકેલવામાં આવતો.

          પોતાનું નામ બોલાતાં જ ભદ્રાએ જગમાલ સામે જોયું. વિરાટે એને જોયો. એની આંખો ગાંડપણથી છલકાતી હતી. એના કપડાં ગંદા હતા. એની છાતી ઊંડા શ્વાસથી ધબકતી હતી. એ જંગલના વરુ જેવો દેખાતો હતો.  

          "શું છે?"

          જગમાલ ગુરુએ કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો પણ એણે એમને વચ્ચે જ રોકી દીધા.

          “ચૂપ રહે.” ભદ્રાએ મોટા અવાજે કહ્યું. એના મોંમાંથી થૂંક ઉડતું હતું, "ચૂપ રહે મૂર્ખ વિદ્વાન."

          વિરાટ અવાક બનીને એને જોઈ રહ્યો.

          "તેં એ નાની છોકરીનું અપહરણ કેમ કર્યું?" જગમલ એનાથી ડરતા નહોતા.

          ભદ્રાએ એના હાથમાં પકડેલી લાકડી જમીન પર પછાડી અને રાડ પાડી, “એ નાની છોકરી નથી. એ બળવાખોર છે. તમે બધા બળવાખોર છો. તેં જ બધાને આ શીખવ્યું છે.”

          "અમે એ આપણા બધા માટે કરી રહ્યા છીએ." જગમલે એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.

          "મેં કહ્યું ચૂપ મર સાલા મૂર્ખ વિદ્વાન." એ બરાડ્યો, “એ તને મારી નાખશે.  દેવતાઓ તમને બધાને મારી નાખશે અને તમારી સાથે દીવાલની આ તરફના બધાએ પીડા સહન કરવી પડશે."

          "અમે લડીશું." જગમલે કહ્યું, "મારા પર વિશ્વાસ કર ભદ્રા, ગુલામીમાંથી આપણા લોકોને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે."

          ભદ્રા થોડીવાર કશું ન બોલ્યો. મૌન છવાઈ ગયું. જાણે વિશ્વ સ્થિર થઈ ગયું. ત્યાં ઊભેલા બધા ભદ્રા અને જગમાલ તરફ જોતા હતા. વિરાટ પણ ફરી વાતચીત શરૂ થવાની રાહ જોતો હતો.

          આખરે ભદ્રાએ ફરી એકવાર પોતાની લાકડી જમીન પર પછાડી, "તું મૂર્ખ છે."  એનો ચહેરો ગુસ્સાથી તપતો હતો, "અમે સુખી જીવન જીવીએ છીએ તો પછી તું આ બધું કેમ કરી રહ્યો છે?"

          "શું?" જગમલે પૂછ્યું.

          “દીવાલની આ તરફ બે નિર્ભય સિપાહીઓ.” એણે કહ્યું, “હું જાણું છું કે એ સ્વર્ગમાંથી મોટરસાઇકલ અને કેટલાક હથિયારો લઈને અહીં આવ્યા છે અને આ બાળકોને તાલીમ આપે છે. લોકોને લાગતું હતું કે તું બાળકોને નૈતિકતાના પાઠ ભણાવે છે પણ તું એમને વાંચતા લખતા શીખવી રહ્યો છે."

          "અને આમાં ખોટું શું છે?" જગમાલે પૂછ્યું.

          "ખોટુ શું છે?" ભદ્રાનો અવાજ ભારે થયો, “તું મને પૂછે છે કે શું ખોટું છે?  પુસ્તકો ચોરવા અને બાળકોને ભણાવવા બદલ એમણે રતન અને એના પરિવાર સાથે શું કર્યું એ તું ભૂલી ગયો?

          "હું કેવી રીતે ભૂલી શકું?" જગમાલે જવાબ આપ્યો, "રતન અને એના પરિવારે આપણા લોકોનું ભાગ્ય બદલવા માટે એમના જીવનનું બલિદાન આપ્યું."

          ભદ્રાએ રાડ નાખી, “કોઈ આપણું ભાગ્ય ન બદલી શકે કેમકે આપણે ગુલામ તરીકે 500 વર્ષથી જીવીએ છીએ અને અમે એ ગુલામીથી ખુશ છીએ. આપણને આઝાદીની જરૂર નથી. જો આપણને પ્રિય છે એ બધું ગુમાવ્યા પછી આઝાદી મળે તો એ શું કામની?"

          "એવું કશું નહીં થાય." જગમાલે કહ્યું, "હું તને ખાતરી આપું છું."

          "જગમાલ, તું કઈ રીતે ખાતરી આપી શકે?" એણે કહ્યું, “તેં સાંભળ્યું નથી કે પ્રલય પછી લોકોએ કારુ સામે બળવો કર્યો હતો? એ આપણા પૂર્વજો હતા અને તેથી જ આજ સુધી આપણે એની સજા ભોગવી રહ્યા છીએ.”

          "આ વખતે એવું નહીં થાય." જગમાલે કહ્યું, "આ વખતે નિર્ભય સિપાહીઓ અને કેટલાક દેવતાઓ આપણી સાથે છે."

          "જો એ અંત સુધી આપણો સાથ ન આપે તો?"

          "એ આપશે." જગમાલે કહ્યું, "હવે દક્ષાને જવા દે."

          "હું દક્ષાને છોડી શકું એમ નથી." એણે કહ્યું, "મારે જ્ઞાનીઓને રોકવા પડશે. હું એમને દીવાલની આ તરફના દરેકનું જીવન બરબાદ કરવાની મંજૂરી ન આપી શકું.”

          "તો તારે સભા બોલાવવી જોઈએ." જગમાલે કહ્યું, "અપહરણ કરવું એ કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવાનો કે નિર્ણય લેવાનો રસ્તો નથી."

          "હું જાણું છું." એણે કહ્યું, "પણ લોકો એક શરાબીના કહેવા પર સભા બોલાવવા તૈયાર નથી."

          "હું કાલે એક સભા બોલાવીશ." જગમાલે કહ્યું, "જો તું એક સભા બોલાવવા ઇચ્છતો હશે તો જરૂર એક સભા બોલવવામાં આવશે."

          ભદ્રાએ જવાબ ન આપ્યો.

          "હવે એને જવા દે." ગુરુએ કહ્યું, "હું વચન આપું છું કે આવતીકાલે સભા બોલાવવામાં આવશે."

          "મને એમાં બોલવાનો અધિકાર મળવો જોઈએ." ભદ્રાએ શરત મૂકી.

          "હા, જો તું પીધા વગર આવે અને તારી જીભ પર નિયંત્રણ રાખે તો તને બોલવાનો અધિકાર મળશે."

          થોડીવાર તંગ સ્થિતિ સર્જાઈ. વિરાટને લાગ્યું કે હવા કાચ બની ગઈ છે જે ગમે ત્યારે તૂટી શકે છે. ભદ્રા અને ગુરુ જગમાલ બંને એકબીજાની સામે તાકી રહ્યા હતા. પણ છેવટે એમણે એ ત્રાટક તોડ્યું. આંખનો સંપર્ક તોડનાર પ્રથમ વ્યક્તિ ભદ્રા હતી. એણે કહ્યું, "હું પીધા વગર આવીશ પણ જો કોઈ મને ગુસ્સે કરે તો હું જીભને નિયંત્રણમાં રાખવાની ખાતરી નથી આપતો."

          "કોઈ એવું કશું નહીં કરે." ગુરુએ કહ્યું, "જો તું નશામાં ન હોય તો કોઈ તારી આદત વિશે બોલશે નહીં અને કોઈ સમસ્યા ઊભી નહીં થાય."

          "તમે એને લઈ જઈ શકો છો." ભદ્રાએ કહ્યું, "એનું અપહરણ કરતી વખતે મજબુરીમાં જે કરવું પડ્યું એ સિવાય મેં એને કોઈ નુકશાન કર્યું નથી પણ યાદ રાખો કે આવતીકાલે જો સભા નહીં બોલાવવામાં આવી તો બીજીવાર હું આટલો દયાળુ નહીં જોવા મળું."

          "તારે લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ." ગુરુએ કહ્યું, "કોઈ વિદ્વાન ક્યારેય વચન તોડતો નથી."

          "હું પણ એ જ આશા રાખું છું." એણે કહ્યું અને લાકડાના મકાન તરફ ચાલવા લાગ્યો. એની ટુકડી એને અનુસરતી આગળ વધી.

          ગુરુ જગમાલે દોરડા છોડીને દક્ષાને મુકત કરી. દક્ષાને ચાલવા માટે એમણે ટેકો આપવો પડ્યો. એ બધા ભદ્રાના ખેતરમાંથી બહાર નીકળે એ પહેલાં વિરાટે એક નજર પાછળ કરી. એણે એને લાકડાના મકાનની અંદર જોયો. એની આંખો વિરાટ તરફ જ તકાયેલી હતી.

 

ક્રમશ: