બીજી સવારે ગુરુ જગમાલે સંદેશવાહકોને બોલાવ્યા અને પંચના દરેક સભ્યને બોલાવવા મોકલ્યા. એ દીવાલ આ તરફ સભા બોલાવવાની સામાન્ય વિધિ હતી. જ્યારે સભા ભેગી થતી હતી ત્યારે બધા સંદેશવાહકો દરેક ઝૂંપડીએ સંદેશો પહોચાડતા અને દરેક ઝૂંપડીમાંથી એક વ્યક્તિ સભામાં આવતી. દીવાલ આ તરફની સભામાં પાંચ વૃદ્ધો પંચ તરીકે બેસતા અને કોઈપણ વિવાદ પર બંને તરફની દલીલો સાંભળીને ફેસલો સંભળાવતા. દીવાલ આ તરફના લોકો જાણતા નહોતા કે તેઓ હજારો વર્ષો પછી પણ આઝાદી પહેલાના પંચાયતી રાજ મુજબ નિર્ણયો લેતા હતા.
તેઓ દક્ષાને ગઈ રાતે ગુરુ જગમાલના ઘરે લઈ ગયા હતા. સુબોધ તેની માતા અને કૃપાને ગુરુની ઝૂંપડીએ લઈ આવ્યો હતો. દક્ષાને ખાસ્સું એવું વાગ્યું હતું કેમકે નિર્ભય સિપાહીઓની તાલીમને લીધે તે લડવામાં કુશળ બની હતી અને સહેલાઈથી ભદ્રા અને તેના માણસોને તાબે થઈ નહોતી. તેની બહેને તેના ઘા પર સુતરાઉ કાપડના પાટા બાંધ્યા હતા. ઘા સાફ કરવા માટે દીવાલની આ તરફ રસાયણોને બદલે વનસ્પતિ અને વેલાનો ઉપયોગ કરવામાં આવતો.
સુરજ બરાબર માથા પર હતો ત્યારે વિરાટ સભાના મેદાનમાં હજારો શૂન્યોની મેદની વચ્ચે બેઠો હતો. સભા મેદાન ગંગાની કેનાલ પાસેના વિશાળ અર્ધ-રણ વિસ્તારમાં હતું. એ સ્થળ કેનાલની નજીક પસંદ કરવામાં આવ્યું હતું જેથી તેમને સભા દરમિયાન પાણી દુરથી લઈ આવવાની જરૂર ન પડતી. ક્યારેક કલાકો સુધી સભા ચાલતી અને એ ગરમીમાં લોકોને પુષ્કળ પાણીની જરૂર પડતી. એ સમયે કેનાલ એક વરદાન બની રહેતી.
વિરાટની ડાબી બાજુએ બધા તાલીમાર્થીઓ હતા, તેના ગુરુ, વજ્ર, તારા અને તેના પિતા વર્તુળમાં બેઠા હતા. તેઓ ચિંતિત હતા. આજે પહેલીવાર નિર્ભય સિપાહીઓ શૂન્યોની સભાનો નિર્ણય જાણવા આતુર હતા.
“આ સભા અહી શરૂ થાય છે," પિતામહ તરીકે ઓળખાતા એક વૃદ્ધે કહ્યું. જાણે કે તે ત્યાં ઊભેલા દરેકને એક જ નજરે જોવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેમ તેની આંખો ફેરવીને તેણે ઉમેર્યું, "જેમ તમે બધા જાણો છો, છેલ્લા કેટલાક દિવસો અચરજ ભર્યા રહ્યા છે અને આ અચરજ જગમાલ, તેના કેટલાક શિષ્યો અને દીવાલની પેલી તરફથી આવેલા બે નિર્ભય સિપાહીઓની આસપાસ કેન્દ્રિત લાગે છે."
વિરાટે વજ્ર અને તારાને સામે જોયું. તેમની આંખોમાં માત્ર કુતૂહલ હતું પણ શૂન્ય લોકો જેમ તેમના ચહેરા પર સભાનો કોઈ ડર નહોતો.
"દીવાલની આ તરફ બધા તેમના વિશે ગપસપ કરે છે અને લોકો ભયભીત છે." વૃદ્ધે આગળ કહ્યું, “આજે આપણા એક માણસ ભદ્રાએ આ મેળાવડો બોલાવ્યો છે. જગમાલ પર આરોપ લગાવનાર તમામ વ્યક્તિઓ તેમની ઈચ્છાથી અહીં આવ્યા છે જે દર્શાવે છે કે આપણી પરંપરા હજુ પણ છે અને કોઈ એ તોડવા માંગતું નથી.”
આ શબ્દોથી સભામાં ગણગણાટ શરૂ થયો.
“નિયમો તોડવામાં આવ્યા છે,” ભદ્રા ઊભો થયો, “જગમાલ અને તેના જ્ઞાની શિષ્યોએ નિયમો તોડ્યા છે. તેઓ હવે નિયમ તોડનારા બળવાખોર છે.”
તેમના પર બળવાખોરનો આરોપ લાગ્યો એથી વિરાટ ગભરાયો હોત પણ તેને રાહત હતી કે ગુરુ જગમાલ ત્યાં હતા. તે એક વિદ્વાન માણસ હતા અને ભદ્રા તેમને દલીલોમાં જીતી નહીં શકે એની વિરાટને ખાતરી હતી.
“ભદ્રા,” વૃદ્ધે કહ્યું, તેનો અવાજ ધીમો પણ મજબૂત હતો, “તું હજી મેળાવડાના નિયમો નથી શીખ્યો?” તેણે થોડી વાર થોભીને તેની આંખોમાં તાકીને કહ્યું, "જો તને કહેવામાં આવે એ પહેલાં તું તારું મોઢું ખોલીશ તો તને તારી ઝૂંપડીએ મોકલી દેવામાં આવશે કારણ કે આજે મેળાવડો ખુશાલ મૂડમાં નથી."
ભદ્રાએ એક પણ શબ્દ બોલ્યા વિના માથું હલાવ્યું. ઓછામાં ઓછું તેણે કેટલાક નિયમો શીખ્યા હતા. તેણે છેલ્લી વખત મેળાવડામાં વૃદ્ધ માણસ સામે બૂમો પાડી હતી એ રીતે આ વખતે બુમ બરડા પાડ્યા નહીં.
એ પછી વૃદ્ધે જગમાલ તરફ જોયું, “જગમાલ, તને ખબર છે લોકો ચિંતિત છે. અમને એવું કંઈ જોઈતું નથી જે આવકાર્ય ન હોય.” તેણે આગળ કહ્યું, "અમે અહીં છીએ તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દીવાલની આ તરફનો લગભગ દરેક શૂન્ય મારી પાસે આવ્યો છે અને આવનાર કાં તો જગમાલ વિશે ફરિયાદ કરે છે અથવા પૂછે છે કે બે નિર્ભય સિપાહીઓ દીવાલની આ તરફ શું કરી રહ્યા છે." વૃદ્ધે તેની સામે હાથ ફેલાવ્યો, "શું તું અમને કહી શકીશ કે તેઓ તારા ઘરમાં શું કરે છે?"
જગમાલે ઊભા થઈને વૃદ્ધ સામે માથું નમાવ્યું, "પિતામહ, મને એ સાંભળીને દુ:ખ થયું કે મારા કોઈ કાર્યથી મારા લોકોને પરેશાની થઈ છે અને હું મારા લોકોની ચિંતાનું કારણ બન્યો છું પણ હું તમને ખાતરી આપું છું કે ચિંતા કરવા જેવું કઈ નથી." તેમણે આસપાસના શૂન્યો તરફ જોયું, "મારા ઘરમાં રહેતા બે નિર્ભય સિપાહીઓ મારા મિત્ર છે અને તેઓ માત્ર દીવાલની આ તરફ ફરવા આવ્યા છે."
વિરાટે ગુરુ જગમાલને જીવનમાં પહેલીવાર જૂઠું બોલતા સાંભળ્યા, "તેઓ આપણા માટે જોખમી કે મુશ્કેલીરૂપ નથી."
“હવે તું બોલી શકે છે ભદ્રા,” વૃદ્ધે કહ્યું, “તું મને કંઈપણ પૂછી શકે છે. હવે તું જગમાલને પ્રશ્ન કરી શકો છો પરંતુ પ્રશ્નો મને સંબોધીને પૂછવાના રહેશે. સીધા પ્રશ્નો ન પૂછવા એ સભાનો સિદ્ધાંત છે.” વૃદ્ધ માણસે વજ્ર અને તારા તરફ જોયું, "તમે બંને અમારા માટે અજાણ્યા છો તેથી તમે અમારી પરંપરા મુજબ અમારા મેળાવડામાં ભાગ લઈ શકતા નથી. અમે તમને કહીએ ત્યાં સુધી તમને કંઈપણ કહેવાની મંજૂરી નથી."
"તેઓ કેટલાક બાળકોને તાલીમ આપી રહ્યા છે અને જેનું નામ આપણે બોલતા નથી તેની સામે બળવો કરવાની યોજના બનાવી રહ્યા છે." ભદ્રાએ શરૂ કર્યું, "તેના વિશે પૂછો?"
"શું આ સાચું છે?" વૃદ્ધ માણસે ગુરુ તરફ જોયું, "જગમાલ, આપણા લોકોને સત્ય જાણવાનો હક્ક છે."
“સારું,” ગુરુએ શરુઆત કરી, તેમની આંખો ચારે તરફ ફરતી હતી જાણે કે એ તપાસી રહી હતી કે તેમણે સત્ય કહેવું જોઈએ કે નહીં, “હું આ સ્વીકારું છું. બે નિર્ભય સિપાહીઓ કેટલાક બાળકોને તાલીમ આપી રહ્યા છીએ અને અમે આપણે જેનું નામ નથી બોલતા તેની સામે બળવો કરવાની યોજના બનાવી રહ્યા છીએ પરંતુ મને હવે તેનું નામ બોલવામાં ડર નથી લાગતો.”
"શું તું નથી જાણતો કે દીવાલની આ તરફ બળવો ન કરવો એ નક્કી થયેલું છે?" વૃદ્ધ માણસે પૂછ્યું, "આપણે શાંતિ પ્રેમી લોકો છીએ અને તારે લોકોને શાંતિથી જીવવા દેવા જોઈએ."
“મને એ કહેવા માટે માફ કરશો પણ પિતામહ તમે ખોટા છો. આપણે શાંતિથી નથી જીવી રહ્યા.”
ટોળામાં ફરી ગણગણાટ શરૂ થયો.
વૃદ્ધે બધાને શાંત કર્યા અને જગમાલ સામે જોઈ કહ્યું, "તું શું કહેવા માંગો છો?"
"દરેક વખતે જ્યારે આપણા લોકો દીવાલની પેલી તરફ જાય છે ત્યારે જેટલા જાય છે તેના કરતા ઓછી સંખ્યામાં પાછા આવે છે." ગુરુએ આગળ કહ્યું, "દરેક વખતે જ્યારે આગગાડી આવે છે ત્યારે તે સંખ્યાબંધ મૃતદેહો પોતાની સાથે લાવે છે અને જ્યારે મૃતકના પરિવારજનોને તેનો જવાબ જોઈએ છે - ત્યારે એ જવાબ માત્ર ત્રણ શબ્દોનો હોય છે - અકસ્માત થાય છે." તેમણે ભીડ તરફ વેધક નજરે જોયું, "આ પરિવારો તેમના પ્રિયજનના મૃત્યુનો જવાબ મેળવવા માટે સભા કેમ નથી બોલાવી શકતા?" તે સહેજ હસ્યા અને ઉમેર્યું “અને તમે કહો છો કે આપણે શાંતિથી જીવીએ છીએ? દર દસ ઝૂંપડીમાંથી પાંચ ઝૂંપડીમાં લોકો ભૂખે મરતા હોય છે. આપણા લોકો પાસે ખાવા માટે અનાજ નથી. આપણને દીવાલ પેલી તરફ જઈને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે. અને તમે કહો છો કે આપણે શાંતિથી જીવીએ છીએ? પિતામહ, આપણે અત્યારે અહીં આનંદથી બેઠા છીએ અને સભામાં ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ અત્યારે આપણા ૨૩૦ લોકો દીવાલની પેલી તરફ સખત મજૂરી કરી રહ્યા છે. આ સમયે તેમના જીવનની કોઈ સલામતી નથી. શું તમે કહી શકો કે એમાંથી કેટલા જીવતા પાછા આવશે?"
"ના." પિતામહે કહ્યું, "કોઈ કહી શકતું નથી."
"તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે આપણે શાંતિથી જીવીએ છીએ?" ગુરુએ ભીડ તરફ જોયું, "તમારા પરિવારના કેટલા સભ્યો દીવાલની પેલી તરફ છે?"
લગભગ બસો કરતાં વધુ લોકોએ તેમના હાથ ઉંચા કર્યા. ગુરુએ આગળ કહ્યું, "હું તમને એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું, મને પ્રમાણિકપણે કહો કે તમારામાંથી કોઈને શાંતિ છે?"
“ના,” બધાએ સમૂહમાં કહ્યું.
"જ્યાં સુધી તમારાં પરિવારનો સભ્ય જીવતો પાછો ન આવે ત્યાં સુધી તમે તમારા હૃદયમાં શાંતિ અનુભવી શકો છો?"
"ના," લોકોએ એક સાથે જવાબ આપ્યો. આ વખતે સમગ્ર ટોળાએ બૂમો પાડી. માત્ર એવા લોકો જ નહીં જેમના પરિવારના સભ્ય દીવાલની પેલી તરફ હતા. આ અવાજ દરેક શૂન્યના ગળામાંથી નીકળ્યો હતો અને કેનાલની દીવાલોને અથડાઈ તેના પડઘા આખા જંગલમાં ફરી વળ્યા.
“હવે મને કહો, દાદા,” ગુરુએ વૃદ્ધ માણસ તરફ જોયું, “શું દીવાલની આ તરફ શાંતિ છે?”
"ના." એણે કહ્યું, “જ્યાં સુધી આપણે દીવાલની પેલી તરફ જવું પડે ત્યાં સુધી નહીં. જ્યાં સુધી આપણને ત્યાં લઈ જવા માટે આગગાડી આવે છે ત્યાં સુધી નહીં.”
“હું પણ એ જ કહું છું,” ગુરુએ આગળ કહ્યું, “આ વખતે બળવો મજબૂત હશે. નિર્ભયની અડધી સેના આપણી સાથે છે અને કેટલાક દેવતાઓ કારુના શાસનને ઉથલાવી નાખવા માંગે છે એ પણ આપણી સાથે છે.
કારુ - ગુરુએ પ્રતિબંધિત શબ્દ બોલ્યો હતો. દીવાલની આ તરફ કોઈ એ નામ જાહેરમાં બોલવાની હિંમત ન કરી શકાતું. સભામાં કોઈને એ નામ બોલવાની છૂટ નહોતી.
“તારું મો બંધ કર, જગમાલ” વૃદ્ધે બૂમ પાડી, “ભગવાનની ખાતર તારું મોં બંધ રાખ.”
"ના, તેને બોલવા દો." લોકો બૂમો પાડવા લાગ્યા, "તે અમારા માટે બોલે છે."
સભાનો નિયમ કહતો કે જો ભીડ કોઈની વાત સાંભળવા માંગતી હોય તો તેને કોઈ રોકી શકે નહીં.
પિતામહે બૂમો પાડવાનું બંધ કર્યું.
"બસ કરો." ગુરુ કંઈ બોલે એ પહેલાં ભદ્રાએ બૂમ પાડી, “તમે મૂર્ખ લોકો. તેઓ તમને મારી નાખશે. કારુ તને મારી નાખશે - જો તે ઇચ્છે તો આપણે બધા એક જ દિવસમાં મરી જઈશુ."
“તો પછી આપણે મરવા તૈયાર રહેવું જોઈએ,” ગુરુએ પણ બૂમ પાડી, વિરાટે તેમને પહેલી વાર બૂમો પાડતા સાંભળ્યા. એ દયાળુ અને શાંત માણસ હતા. “એ ભલે આપણને બધાને એક સાથે મારી નાંખે. એક એક કરીને આપણા લોકોને મરતા જોવા કરતા એક સાથે મરી જવું સારૂ છે.”
“એક સાથે મરી જવું સારૂ છે.” ટોળાએ બૂમ પાડી, "આ સાચું છે."
"જો કારુ બળવાખોર વિશે જાણશે તો આપણે બધા મરી જઈશું," ભદ્રાએ બૂમ પાડી, "શૂન્યોને બચાવવા માટે આપણે બળવાખોરોને સજા કરવી જોઈએ."
“બસ, ભદ્રા,” ગુરુએ ચાલુ રાખ્યું, “તું શું કહે છે – મૃત્યુ. આપણે જીવિત છીએ જ ક્યાં કે આપણે મરીશું?” જગમાલનો અવાજ ઊંચો થયો, “આપણે બધા મરી ગયા છીએ. જ્યારથી આપણે આપણા બાળકોને દીવાલની પેલી તરફ જોખમી કામ કરવા મોકલીએ છીએ ત્યારેથી આપણે મરી ગયા છીએ. તેઓ આપણી દીકરીઓ પર બળાત્કાર કરે અને આપણે ચુપચાપ ઉભા રહીએ છીએ ત્યાંરથી આપણે મરી ગયા છીએ. જ્યારે કામ દરમિયાન કોઈ શૂન્ય મૃત્યુ પામે છે અને તેના પરિવારને મૃતદેહ સિવાય કંઈ મળતું નથી ત્યારથી આપણે મરી ગયા છીએ.
“તું પાગલ થઈ ગયો છે,” ભદ્રાએ બૂમ પાડી.
“હા,” જગમાલે કહ્યું, “હું પાગલ થઈ ગયો છું. તું જાણે છે હું કેમ પાગલ થઈ ગયો છું? હું પાગલ થયા વિના શૂન્ય થઈ શકતો નથી. હું મારા નાના બાળકોને પાગલ થયા વિના જોખમી બાંધકામમાં કામ કરતા જોઈ શકતો નથી. જે ક્રૂર અને નિર્દય છે તેને હું પાગલ થયા વિના પ્રણામ કરી શકતો નથી. શું તમે લોકો કરી શકો છો?"
“ના,” ટોળાએ બૂમ પાડી, “અમે બધા પાગલ છીએ. અમે નથી ઈચ્છતા કે અમારા બાળકો દીવાલની પેલી તરફ જઈને જીવના જોખમે કામ કરે.”
"હું એ જ કહું છું," ગુરુએ કહ્યું, "જ્ઞાની છોકરાઓને તાલીમ આપવામાં આવશે કે તરત જ અમે કારુ સામે યુદ્ધની ઘોષણા કરીશું."
"અને તમે જીતશો?" પિતામહે પ્રશ્ન કર્યો, “શું તને લાગે છે કે તું અને તારા ગણ્યાગાંઠ્યા જ્ઞાની બાળકો જીતી શકશે?
“હા,” ગુરુએ કહ્યું, “મારી સાથે માત્ર ગણ્યાગાંઠ્યા બાળકો જ નથી - અવતાર પણ છે.”
આ શબ્દથી ભીડમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું.
"તે શુ કહ્યુ?" વૃદ્ધ માણસે પૂછ્યું, “અવતાર. તું અવતારમાં માને છે?"
"મારે કેમ ન માનવું જોઈએ?" તેમણે કહ્યું, "વિરાટ, ઉભો થા."
વિરાટ ઉભા થયો અને ગુરુ જગમાલ પાસે ગયો. ગુરુએ તેનો હાથ પકડીને ઉંચો કર્યો, “આ છોકરો અવતાર છે. દીવાલ પેલી તરફના નિર્ભય સિપાહીઓ તેના પર વિશ્વાસ કરે છે. કેટલાક દેવતાઓ તેને કારુનો વધ કરનાર માને છે.” તેણે ભીડ તરફ જોયું, "જો દીવાલ પેલી પારના દેવતાઓ આપણા છોકરા પર વિશ્વાસ કરી શકે છે તો આપણે આપણા છોકરા પર કેમ વિશ્વાસ ન કરી શકીએ?"
"તેઓ ખોટા નથી તેની સાબિતી શું છે?" ભદ્રાએ કહ્યું, "આ છોકરો અવતાર ન હોય તો શું?"
"છેલ્લી વખતે તમારામાંથી કેટલા દીવાલની પેલી તરફ હતા?" ગુરુએ પૂછ્યું.
બસોથી વધુ લોકો ઉભા થયા, "અમે હતા." તેમણે સમૂહમાં કહ્યું.
"તો તમે આ છોકરાને કોઈ પણ હથિયાર વગર ત્રણ નિર્ભયને પછાડતો જોયો હશે?" જગમાલે સવાલ કર્યો, "શું તમે નથી જોયો?"
"હા, અમે જોયો છે." લોકો ઉત્સાહથી પાગલ થવા લાગ્યા હતા.
"જો શૂન્ય છોકરો અવતાર ન હોય તો તે ત્રણ સશસ્ત્ર નિર્ભયને કેવી રીતે જીતી શકે?"
કોઈએ જવાબ ન આપ્યો. બધા એકબીજા સામે જોઈ રહ્યા.
પિતામહ અને ભદ્રા પણ વિરાટ સામે જોઈ રહ્યા.
અને બીજી જ ક્ષણે વિરાટે તેની આસપાસના લોકોને ઘૂંટણિયે પડતા જોયા, તેઓ માથું નમાવી તેને પ્રણામ કરી રહ્યા હતા.
ગુરુએ વિરાટની સામે જોયું, "કંઈક કહે, અવતાર."
વિરાટે ભીડ તરફ જોયું, તેનું હૃદય ઝડપથી ધબકતું હતું, “મને ખબર નથી કે હું અવતાર છું કે નહીં, પણ મને ખાતરી છે કે હું કારુને મારીને મારા લોકોને તેની ગુલામીથી મુક્ત કરીશ. આપણે આપણા માટે લડીશું.” તેણે કહ્યું, "મને નમન ન કરો. હું તમારો દીકરો છું. હું એ છું જેને તમે પ્રેમ કરો છો. હું જાણું છું કે તમે દિવાલની અંદરના તમામ બાળકોને પ્રેમ કરો છો પરંતુ જ્યારે તમે તેમને દીવાલની પેલી તરફ મોકલો છો ત્યારે તમે લાચાર છો પરંતુ આટલું પૂરતું છે. હવે આપણે ગુલામ નહીં રહીએ. આપણે લડીશું.”
લોકો ઉભા થયા અને પ્રચંડ આવજે કહ્યું, "આપણે લડીશું."
તેમનો પડઘો ગંગાની કેનાલના છેડે આવેલા નાનકડા જંગલમાં ગુંજી ઉઠ્યો.
મેળાવડો પૂરો થયો. કોઈ નિર્ણય લેવાની જરૂર નહોતી. આજે પંચના વૃદ્ધ લોકોએ નિર્ણય નહોતો લીધો પરંતુ આજનો નિર્ણય બધા શૂન્યોનો હતો - તેઓ બળવો ઇચ્છતા હતા. તેઓ યુદ્ધ ઇચ્છતા હતા.
ભદ્રાએ બોલાવેલી સભા પછી તાલીમ ચાલુ રહી. પિતામહ પંચના વડા હતા. એ તાલીમની વિરુદ્ધ નહોતા માટે દીવાલની આ તરફના લોકો પાસે તાલીમનો વિરોધ કરવાનો હવે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. આમ પણ મોટા ભાગના શૂન્યો હવે બળવાની તરફેણમાં હતા. દક્ષા એટલી બહાદુર અને મજબુત હતી કે મેળાવડાના બીજા જ દિવસે જ તે તાલીમ માટે પહોચી ગઈ હતી. તેના ઘા ઠીક થતા એક અઠવાડિયું થયું હતું પણ એ એટલા દિવસ ઝુંપડીમાં બેસી રહેવા તૈયાર નહોતી.
એક મહિનાના અંતે, વિરાટ અને વજ્ર વચ્ચે દંગલ થયું. એ દંગલમાં તારાને વજ્રને મદદ કરવાની છૂટ હતી જયારે વિરાટે એકલા જ લડવાનું હતું.
એ રાત્રે વિરાટે એક સપનું જોયું હતું. તે વેલોની મદદથી દિવાલ પર લટકી રહ્યો હતો, તેની આંગળીઓ વેલો પકડવાથી પીડાઈ રહી હતી અને ઉપર અથવા નીચે જવું મુશ્કેલ હતું. એ દીવાલની અધવચ્ચે લટકી રહ્યો હતો.
વજ્ર, તારા અને બીજા મિત્રો પણ વિરાટની જેમ લટકી રહ્યા હતા, પરંતુ તેના કરતાં વધુ સ્થિર. વિરાટના હાથ લપસી રહ્યા હતા. તેણે લગભગ પકડ ગુમાવી દીધી હતી અને પછી વજ્રએ કુદીને તેની તરફ આવી તેનો હાથ પકડી લીધો અને તેને લટકી રહેવામાં મદદ કરી હતી.
વિરાટ સ્વનમાં પણ જાણતો હતો કે એ સ્વપ્ન ભવિષ્યનો ઈશારો છે અને ટૂંક સમયમાં તેઓ દીવાલ ઓળંગી પેલી તરફ લડવા જવાના છે. જોકે ટે એ લડાઈનું પરિણામ નહોતો જાણતો.
ક્રમશ: