પ્રારંભ - 5 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 5

પ્રારંભ પ્રકરણ 5

પેપરમાં રાકેશ વાઘેલાના ખૂનના સમાચાર વાંચીને કેતનને રાકેશનું આખું પ્રકરણ યાદ આવી ગયું. આ બધી ઘટનાઓ એ જ્યારે ગુરુજીએ રચેલા માયા જગતમાં હતો ત્યારે બનેલી.

કેતનની પડોશમાં રહેતી નીતા મિસ્ત્રીને રાકેશ વાઘેલા હેરાન કરતો હતો. પોલીસ સુપ્રીનટેન્ડેન્ટ આશિષ અંકલને કહીને કેતને એને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એ પછી એણે બદલો લેવાનું નક્કી કર્યું હતું અને કેતનની સોપારી રાજકોટ રહેતા અસલમ શેખના શાર્પ શૂટર ફઝલુને આપી હતી. અસલમ રાજકોટમાં ' ભાઈ ' હતો.

અસલમ શેખ કેતનનો તો ખાસ મિત્ર હતો એટલે એને જ્યારે સોપારીની ખબર પડી ત્યારે એણે રાકેશ વાઘેલાનું જ મર્ડર કરી નાખવાનું ફઝલુને કહી દીધું. અને ફઝલુએ માલિકની આજ્ઞાથી રાકેશનું ખૂન એની જ ગાડીમાં કરી દીધું. આ બધી જ ઘટના કેતનની માયાવી અવસ્થામાં એટલે કે સૂક્ષ્મ શરીરની દોઢ વર્ષની યાત્રામાં બની હતી !

જ્યારે અત્યારે વાસ્તવિક દુનિયામાં પણ રાકેશ વાઘેલા બુટલેગર જ હતો અને એનું ખૂન પણ એની જ ગાડીમાં થયું અને એ પણ રાત્રે ૧૨ વાગ્યા આસપાસ જ થયું હતું એ વાતનું એને આશ્ચર્ય ખૂબ હતું ! માયાજગતમાં બનેલી ઘટના અત્યારે વાસ્તવિક જગતમાં પણ કેવી રીતે બની શકે ? ખૂનીનો પત્તો લાગ્યો નથી એવા સમાચાર પણ વાંચ્યા.

કેતનને કંઈ સમજાતું ન હતું કે આ બધું કેવી રીતે શક્ય બને ? હવે એ તપાસ પણ કરવી પડશે કે વાસ્તવિક દુનિયામાં રાકેશનું ખૂન રાત્રે ૧૨ વાગે કોણે કર્યું ? કેતનને આ સમાચારમાં ખૂબ જ રસ પડ્યો. એણે પેપરને વાળીને હાલ પૂરતું પોતાની બેગમાં મૂકી દીધું.

આજે જયરામભાઈ મકાન વિશે ફાઈનલ જવાબ આપવાના હતા એટલે એમનો જવાબ ન આવે ત્યાં સુધી હોટલમાં રોકાવાનું જ હતું. સમય પસાર કરવો કઈ રીતે ?

જો કે એ લોકોને લાંબો ઇન્તેજાર કરવો ના પડ્યો. સાડા દસ વાગે જયેશ ઉપર જયરામભાઈનો ફોન પણ આવી ગયો. ૩૫ લાખની એમણે ડિમાન્ડ કરી.

"કોઈ પ્રોબ્લેમ નથી. મારે એ મકાન જોઈએ જ છે. આજે બાનાખત માં ૧૦ લાખનો ચેક આપી દઉં છું. હું જ્યારે જામનગર શિફ્ટ થાઉં ત્યારે બાકીના ૨૫ આપીને દસ્તાવેજ કરાવી દઈશું. ચાલો આપણે નીકળી જઈએ હવે. " કેતન બોલ્યો.

એ પછી હોટલ ચેક આઉટ કરીને કેતન અને જયેશ નીકળી ગયા અને પટેલ કોલોનીમાં ગયા. રસ્તામાંથી જયેશે પોતાના એક ઓળખીતા વકીલ અને નોટરીને સ્ટેમ્પ પેપર લઈને પટેલ કોલોનીમાં આવી જવાનું કહી દીધું. વકીલે જયેશનું ઘર જોયેલું હતું.

કેતન અને જયેશ પટેલ કોલોનીમાં જયરામભાઈના ઘરે પહોંચી ગયા. આ ઘર સાથે કેતનની ઘણી સ્મૃતિઓ સંકળાયેલી હતી. કેતને દસ લાખનો ચેક જયરામભાઈના નામનો આપી દીધો.

" જયરામભાઈ ૩૫ લાખ મારા આ નવા શેઠ કેતનભાઇ સાવલિયા આપી રહ્યા છે. એટલે દસ્તાવેજ એમના નામનો જ બનશે. હું એમને પૈસા આપીને મકાન મારા નામે પાછળથી કરાવી લઈશ. " જયેશે ખુલાસો કર્યો. જયરામભાઈને તો પૈસાથી જ મતલબ હતો !

થોડીવારમાં વકીલ આવી ગયો. એણે સ્ટેમ્પ પેપર ઉપર મકાન વેચાણના ૩૫ લાખના સોદા પેટે ૧૦ લાખ મળી ગયા છે એ પ્રકારનું બાનાખતનું લખાણ જયરામભાઈ પાસે કરાવી લીધું.

" તમે હવે બીજું મકાન શોધવાનું ચાલુ કરી દો. બાકીના ૨૫ લાખ પણ એક મહિનામાં તમને મળી જશે. " જયેશ બોલ્યો.

બહાર નીકળીને કેતને વકીલને ૩૦૦૦ આપી દીધા. એ પછી ગાડી સીધી રાજકોટ તરફ લીધી. રાજકોટ પહોંચ્યા ત્યારે એક વાગ્યો હતો અને જમવાનો સમય થઈ ગયો હતો એટલે એ લોકોએ ગાડી ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલ તરફ લેવાનું ડ્રાઇવરને કહ્યું.

" જયેશ તેં ખૂબ જ બુદ્ધિપૂર્વક તારા મકાનનો સોદો પતાવી દીધો. એ મકાન મેળવીને હું આજે ખૂબ જ ખુશ છું. " જમતાં જમતાં કેતન બોલ્યો.

" કેતનભાઇ એક વાત પૂછું ? " જયેશ બોલ્યો.

" તું શું પૂછવાનો છે એ મને ખબર છે. તારું મકાન લેવા પાછળ મારાં ચોક્કસ અંગત કારણો છે. ૫૦ લાખ સુધીની મારી તૈયારી હતી. સોદો સસ્તામાં પત્યો. તું હવે એક નવી વેગનઆર ગાડી છોડાવી દે. હું તને હોટલમાં જઈને બ્લેન્ક ચેક આપી દઉં છું. " કેતન બોલ્યો.

" ઠીક છે કેતનભાઇ. હવે એ બાબતમાં હું તમને કોઈ સવાલ નહીં કરું. તમે મને જે તક આપી રહ્યા છો એ જ મારા માટે મહત્વનું છે. " જયેશ બોલ્યો.

એણે હવે કેતનને કોઈપણ પ્રશ્નો નહીં પૂછવાનું મનોમન નક્કી કર્યું. જે માણસ મારા ભવિષ્ય માટે આટલું બધું વિચારતો હોય એની અદબ મારે જાળવવી જ જોઈએ.

જમીને એ લોકો મવડી સર્કલ ઉપર ફોર્ચ્યુન પાર્ક હોટલે પહોંચી ગયા અને કેતને ટેક્સીનું તમામ ભાડું ચૂકવી દીધું. ઉપરથી ડ્રાઇવરને ૨૦૦૦ બક્ષિસ પણ આપી.

રૂમ ઉપર જઈને કેતને જયેશને પોતાની સહી કરેલો એક બ્લેન્ક ચેક અને બીજો એક લાખનો ચેક આપ્યો.

" નવી વેગનઆર છોડાવી લે. ટોટલ જે પણ કિંમત થાય એ રકમ આ ચેકમાં ભરી દેજે. આ બીજો એક લાખનો ચેક એ તારી સેલેરી છે. આજથી તારી જોબ ચાલુ થઈ જાય છે. તારે હવે બીજે ક્યાંય પણ નોકરી કરવાની જરૂર નથી. વહેલામાં વહેલી તકે તું જામનગર શિફ્ટ થઈ જા. " કેતન બોલ્યો.

જયેશ કેતનને જોઈ જ રહ્યો. આ માણસ ખરેખર કોઈ ફરિશ્તા જેવો હતો. પોતાનું તકદીર હવે બદલાઈ રહ્યું હતું.

" તારે જામનગર જઈને એક સરસ મજાની ઓફિસ શોધી કાઢવાની છે. મારે જામનગર આવવાની એવી ઉતાવળ નથી. ૧૫ દિવસ પણ થાય અને મહિનો પણ થાય. પરંતુ ત્યાં સુધીમાં તારે આ જ કામ કરવાનું છે. ૩૦૦૦ ચોરસ ફુટની ઓફિસ તું કોઈ નવા કોમ્પ્લેક્સ માં ખરીદી લે. ફર્નિચર ફટાફટ આપણે બનાવી દઈશું." કેતન બોલ્યો.

" તારા ધ્યાનમાં કોઈ ફર્નિચર વાળો છે ? તું તો આટલાં બધાં વર્ષ જામનગરમાં જ રહેલો છે." કેતન બોલ્યો.

" અમારા જામનગરમાં માવજીભાઈ મિસ્ત્રીનું કામ ફર્નિચરમાં વખણાય છે. એમનો શો રૂમ પણ છે. " જયેશ બોલ્યો.

" માવજીભાઈ મિસ્ત્રી !! " કેતન નામ સાંભળીને ચમકી ગયો. આ બધું શું થઈ રહ્યું છે મારી આસપાસ ? એનાં એ જ નામો કેમ મારી સામે આવી રહ્યાં છે !! માવજીભાઈ મિસ્ત્રીએ જ માયાવી દુનિયામાં મારી ઓફિસનું ફર્નિચર બનાવેલું.

" હા. તમે ઓળખો છો ? " કેતનનો સવાલ સાંભળીને જયેશ બોલ્યો.

" ના ના. અમારા સુરતમાં પણ એક માવજીભાઈ મિસ્ત્રી છે એટલે બોલાઈ ગયું. " કેતને વાતને વાળી લીધી.

સુરત જવા માટે કેતને ગૂગલમાં સર્ચ કર્યું. રાત્રે ઉપડતી તમામ ટ્રેનોમાં એણે રિઝર્વેશન ચેક કર્યું. ટ્રેન રાત્રે ૯ કે ૧૦ વાગે ઉપડતી હોય તો આરામથી સુઈ જવાય. દિવસની ટ્રેનમાં કંટાળો આવતો હતો. રાતની ત્રણ-ચાર ટ્રેનો હતી પરંતુ વેકેશન હોવાથી તમામ રિઝર્વેશન ફૂલ હતું. જામનગરથી બાંદ્રા જતી હમસફર એક્સપ્રેસમાં ટુ ટાયર એ.સી.ની એક સીટ ખાલી હતી. એણે તત્કાલમાં એ લઈ લીધી. રાત્રે ૯:૧૫ ની ટ્રેન હતી.

જયેશ કેતનને કંપની આપવા હોટલમાં જ રોકાઈ ગયો હતો. કેતનને એકલા મૂકીને ઘરે જતા રહેવાનો કોઈ મતલબ ન હતો. સાંજના ચાર વાગે કેતને ચા મંગાવી.

પાંચેક વાગ્યે કેતન જયેશને લઈને બહાર નીકળ્યો અને રીક્ષા કરીને યાજ્ઞિક રોડ ઉપર આવેલા રામકૃષ્ણ આશ્રમમાં પહોંચી ગયો. નાનપણથી જ સ્વામી વિવેકાનંદ એના માટે આદર્શ મહાપુરુષ હતા. એ શિકાગો હતો ત્યારે પણ ત્યાં સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાં ધ્યાન કરવા અને પ્રવચન સાંભળવા દર રવિવારે જતો હતો.

રામકૃષ્ણ આશ્રમમાં જઈને એણે આ મહાન ગુરુદેવને સાચા હૃદયથી પ્રાર્થના કરી અને અડધો કલાક ત્યાં ધ્યાનમાં બેસી ગયો. એ પછી પ્રદક્ષિણા કરીને એ લોકો બહાર નીકળી ગયા અને હોટલ પાછા આવ્યા.

સાંજનું ડીનર હોટલમાં જ લઈ લીધું અને રાત્રે ૮ વાગે કેતન હોટેલ ચેક આઉટ કરીને બહાર નીકળી ગયો.

" તારે સ્ટેશન સુધી મૂકવા આવવાની કોઈ જરૂર નથી જયેશ. હું રિક્ષામાં જતો રહીશ. તારું ઘર અહીં નજીક છે એટલે તું ઘરે જ જતો રહે. કાલે ઓફિસમાં તું રાજીનામુ આપી દેજે. મેં કહ્યું એ પ્રમાણે જામનગર જઈને સારો ફ્લેટ ભાડે લઈ લે. ગાડી ખરીદી લે. અને આપણા માટે ઓફિસ શોધી કાઢ. ઓફિસ ફાઈનલ થઈ જાય એટલે મને જાણ કરજે. હું તારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઈશ. કિંમતની તું ચિંતા ના કરતો." કેતન બોલ્યો.

" ઓફિસ અને ફ્લેટ હું વહેલી તકે શોધી કાઢીશ. જામનગરમાં મેં થોડો ટાઈમ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે પણ કામ કરેલું છે એટલે મારા સંપર્કો ઘણા છે. ઘણા બિલ્ડરોને પણ હું ઓળખું છું." જયેશ બોલ્યો.

જયેશની આ વાતથી પણ કેતન થોડો ચમકી ગયો. આ જયેશ પણ રિયલ એસ્ટેટ જોડે સંકળાયેલો છે !!!

" ઠીક છે ચાલો હું જાઉં. તારા સંપર્કમાં રહીશ. " કહીને રીક્ષા આવી એટલે કેતન એમાં બેસી ગયો.

ભક્તિનગરથી સ્ટેશન દૂર હતું અને રાત્રે ટ્રાફિક પણ ઘણો હતો. અડધા કલાક જેટલો સમય લાગ્યો.

ટ્રેન જામનગરથી આવતી હતી. અહીં દસેક મિનિટ ઉભી રહેતી હતી. કેતન પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયો અને ટુ ટાયર એ.સી કોચ જ્યાં આવતો હતો ત્યાં સામે બાંકડા ઉપર બેસી ગયો.

બરાબર નવ અને પાંચ મિનિટે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી. કેતન કોચમાં ચડીને પોતાની સીટ ઉપર બેસી ગયો. સેકન્ડ એ.સી હોવાથી કોચમાં ચાર સીટો હતી. સામેની બે સીટ ઉપર એક વૃદ્ધ કપલ બેઠેલું હતું જે દ્વારકા દર્શન કરીને મુંબઈ જઈ રહ્યું હતું.

ટ્રેન ઉપડવાની થઈ એટલે બાજુની સીટ ઉપર ૨૩ ૨૪ વર્ષની એક યુવતી આવીને બેઠી. યુવતી જામનગરથી જ આવી રહી હતી અને રાજકોટ સ્ટેશન ઉપર પાણીની બોટલ લેવા માટે ઉતરી હતી.

સ્ટેશન ઉપરથી ખરીદેલી પાણીની બોટલનું સીલ તોડી થોડું પાણી એણે પીધું. ટ્રેન ઉપડી ચૂકી હતી.

દેખાવે એકદમ ખૂબસૂરત આ યુવતી જાણે કોઈ મોડેલ હોય એવી એની ડ્રેસ સેન્સ અને હેર સ્ટાઈલ હતી. એના પર્ફ્યુમ ની માદક સુગંધ આખા કમ્પાર્ટમેન્ટમાં મહેકી રહી હતી.

જો કે ચહેરા ઉપરથી થોડી નાદાન અને ભોળી દેખાતી હતી. યુવતી કોઈ ભયંકર ટેન્શનમાં હોય એમ સતત બેચેની અનુભવતી હતી. દર પંદર વીસ મિનિટે એના મોબાઈલ ઉપર મેસેજ ઉતરતા હતા અને દરેક મેસેજ વાંચી એ બેચેન બની જતી હતી. એની બોડી લેંગ્વેજમાં ગભરાટ હતો.

અડધા કલાકમાં એના ઉપર ત્રણ ફોન આવી ગયા દરેક વખતે એણે ફોન કાપી નાખ્યા.

કેતન કોઈનું દુઃખ જોઈ શકતો ન હતો. યુવતી ખૂબ જ પરેશાન દેખાતી હતી.

૧૦ વાગી ગયા એટલે સામેની નીચેની બર્થ ઉપર આન્ટી સુઈ ગયાં અને અંકલ ઉપરની બર્થ ઉપર સુઈ ગયા. એ.સી. ની ઠંડક ઘણી હતી એટલે બંને જણાએ ધાબળો ઓઢી લીધો.

હવે કેતન અને પેલી યુવતી બંને જણાં જાગતાં હતાં. યુવતીના મોબાઇલ ઉપર થોડી થોડી વારે મેસેજ આવતા હતા.

" તમે ઉપરની બર્થ ઉપર સુઈ જશો ? મને હમણાં ઊંઘ નહીં આવે. " યુવતી બોલી કારણકે નીચેની બર્થ કેતનની હતી.

" તમે તમારે બેસો. મને ઊંઘ આવશે એટલે ઉપર જતો રહીશ. " કેતન બોલ્યો.

" થેન્કસ... તમે મુંબઈ જઈ રહ્યા છો ?" પેલી યુવતી બોલી.

" ના મેડમ... હું સુરત જઈ રહ્યો છું. " કેતન બોલ્યો.

" ઓહ તમે પણ સુરત જ જઈ રહ્યા છો ? હું પણ સુરત જઈ રહી છું. સુરત કેટલા વાગે આવે છે ? " યુવતી બોલી.

" ગૂગલના ટાઇમ પ્રમાણે સવારે સાડા પાંચ વાગે. " કેતને હસીને કહ્યું.

યુવતી કંઈ ના બોલી.

એટલામાં ફરી પાછો એના ઉપર ફોન આવ્યો અને એણે કાપી નાખ્યો. તરત એના ઉપર બીજો મેસેજ આવ્યો. એ વાંચીને ફરી ડિસ્ટર્બ થઈ ગઈ.

" મેડમ હું કઈ મદદ કરી શકું ? છેક રાજકોટથી હું તમને સતત ટેન્શન માં જોઈ રહ્યો છું. તમારી આટલી બધી ચિંતાનું કારણ હું જાણી શકું ? ઇફ યુ ડોન્ટ માઈન્ડ !!" કેતનનો પરદુખભંજન સ્વભાવ ફરી જાગૃત થયો.

" નો નો ઇટ્સ ઓકે. નથીંગ સિરિયસ." યુવતી બોલી.

" મેડમ વાત છૂપાવવાથી તમને કોઈ ફાયદો નથી. હું તો હમણાં સુઈ જઈશ. તમે વાત જણાવશો તો એનું સોલ્યુશન પણ આવશે. વાત ગંભીર છે એ હું સમજી ગયો છું. યુ કેન ટ્રસ્ટ મી ." કેતન બોલ્યો.

થોડીવાર એ યુવતી કંઈ બોલી નહીં પણ પછી એણે કેતનમાં વિશ્વાસ મૂકવાનું નક્કી કર્યું.

" મારું નામ મનાલી. મનાલી ભાયાણી. જામનગર રહું છું. વાત થોડી પર્સનલ છે. " મનાલી સહેજ સંકોચાઈને બોલી.

" હું કેતન સાવલિયા. સુરત મારું વતન છે. જામનગર એક કામથી આવેલો. તમે મારી ઉપર વિશ્વાસ મૂકી શકો છો. વાત ભલે ગમે એટલી અંગત હોય." કેતને આશ્વાસન આપ્યું.

મનાલી થોડી વાર કંઈ બોલી નહીં. વાત કરવી કે ના કરવી એની અસમંજસમાં હતી એવું લાગ્યું. પછી એણે વાત કરી.

" મને મારી મુંબઈની એક ફ્રેન્ડ છેલ્લા કેટલાક દિવસોથી બ્લેકમેલ કરે છે. મારી કેટલીક અંગત વિડિયો ક્લિપ્સ એની પાસે છે અને એ ક્લિપ્સ સોશિયલ મીડિયામાં ફરતી કરી દેશે એવી એણે ધમકી આપી છે. એક લાખ રૂપિયા માંગે છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે " મનાલી બોલી.

" ઓકે...તમને એણે એ વીડિયો ક્લિપ્સ બતાવી છે ? આઈ મીન તમારા મોબાઇલમાં ફોરવર્ડ કરી છે ? તમારી વચ્ચે કઈ બાબતે દુશ્મનાવટ છે ?" કેતને એક સાથે ઘણા પ્રશ્નો પૂછી લીધા.

" નિશા શર્મા એનું નામ છે. મુંબઈમાં મીરા રોડ રહે છે. મારે તો એ વીડિયો ક્લિપ્સ જોવી પણ નથી. મને તો ગભરાટ થાય છે. નિશાની ચાલચલગત સારી નથી એટલે મેં ફ્રેન્ડશીપ તોડી નાખેલી. મારો એક કૉલેજ ફ્રેન્ડ એના ચક્કરમાં હતો તો મેં એને ચેતવી દીધેલો ત્યારથી એ મારી દુશ્મન બની ગઈ છે " મનાલી બોલી.

" તમે જોયા વગર કઈ રીતે માની લીધું કે તમારી જ અંગત વીડિયો ક્લિપ્સ નિશા પાસે છે ? " કેતને પૂછ્યું.

" અમારી કોમન ફ્રેન્ડ અનિતાનો મારા ઉપર ફોન આવેલો. એણે મને કહ્યું કે મારી કેટલીક ગંદી વિડિયો ક્લિપ્સ નિશા પાસે છે. અનિતાએ તો મને સામેથી ફોન કરેલો કે જે હોય તે પતાવી દે નહીં તો બદનામ થઈ જઈશ." મનાલી બોલી.

" હું સારા ઘરની સંસ્કારી છોકરી છું. મને એ સમજાતું નથી કે મારી વીડિયો ક્લિપ્સ કઈ રીતે બની હોય ? ત્રણ વર્ષ પહેલાં હું મારા બોરીવલીમાં રહેતા બોયફ્રેન્ડ જૈનિક સાથે રિલેશનશિપ માં હતી અને અમે માત્ર એકજ વાર થોડા કલાકો માટે બપોરના સમયે હોટલમાં ગયેલાં. નિશાને એ ખબર હતી. એણે કહ્યું કે હોટલના રૂમમાં કૅમેરા હતો ! " મનાલી બોલી.

"એ સમયે હું મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી કૉલેજમાં ભણતી. નિશા મારી સાથે કોલેજમાં હતી અને મારી બધી વાતો હું એને કરતી. " મનાલી વાત કરતાં કરતાં પણ ગભરાયેલી હાલતમાં હતી.

" હમ્... તમે તમારા બોયફ્રેન્ડને વાત કરી ?" કેતને પૂછ્યું.

" અમારું તો અઢી વર્ષ પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું. અને બે વર્ષથી જૈનિક અમેરિકામાં છે. એનો કોઈ કોન્ટેક્ટ નંબર પણ મારી પાસે નથી." મનાલીએ કહ્યું.

કેતન સમજી ગયો હતો કે આ નિર્દોષ ગભરુ છોકરીને નિશા ફસાવી રહી છે. અનિતાને પણ થોડા પૈસાની લાલચ આપી એની પાસે પણ ફોન કરાવ્યો હશે !

" ઓકે. તો પછી મુંબઈ જવાના બદલે તમે સુરત કેમ જઈ રહ્યાં છો ?" કેતને પૂછ્યું.

પરંતુ મનાલીએ જે જવાબ આપ્યો એ સાંભળીને કેતન ધ્રુજી ઉઠ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)