પ્રારંભ - 6 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 6

પ્રારંભ પ્રકરણ 6

રાજકોટથી ટ્રેનમાં બેઠા પછી કેતને જોયું કે મનાલી નામની એક ગભરુ યુવતી પણ એની બાજુની સીટ ઉપર બેઠી હતી. એ જામનગર થી આવતી હતી અને સુરત જઈ રહી હતી. ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતી.

કેતને એના સ્વભાવ પ્રમાણે મનાલીને એની ચિંતાનું કારણ પૂછેલું. મનાલીના કહેવા મુજબ મુંબઈથી કોઈ નિશા શર્મા નામની એની જૂની કોલેજ ફ્રેન્ડ એને બ્લેકમેલ કરી રહી હતી. નિશાએ એને ફોન કરીને કહ્યું હતું કે એની પાસે મનાલીની અંગત પળોની વિડિયો ક્લિપ છે. અને જો એ એક લાખ રૂપિયા નહીં આપે તો વીડીયો ક્લીપ વાયરલ કરશે.

મનાલી સાથે સંપૂર્ણ વાતચીત કર્યાં પછી કેતન સમજી ગયો કે આવી કોઇ જ વિડિયો ક્લિપ નિશા શર્મા પાસે નથી અને એ મનાલીને ડરાવીને પૈસા પડાવવા માગે છે.

કેતને એને પૂછ્યું કે મુંબઇ જવાના બદલે એ સુરત શા માટે જવા માગે છે તો મનાલીએ જે જવાબ આપ્યો એ સાંભળીને કેતન ધ્રુજી ગયો !

"હું જામનગર રહું છું. મારા પપ્પા રીટાયર્ડ બેંક મેનેજર છે. નિશાએ મને સુરતનો એક કોન્ટેક નંબર આપ્યો છે. ત્યાં મારે કોઈ મોટવાણી અંકલને મળવાનું છે. એ મને એક મહિના માટે વગર વ્યાજે એક લાખ રૂપિયા આપશે. જે મારે કાલે ને કાલે નિશાને મોકલવાના છે પણ....." કહેતાં કહેતાં મનાલી રડવા જેવી થઈ ગઈ.

પર્સમાંથી રૂમાલ કાઢીને એણે આંખો લૂછી અને થોડું પાણી પીધું.

" ટ્રેનમાં નિશાના જ ફોન અને મેસેજ આવે છે " મનાલી બોલી.

અને મનાલીએ આગળ વાત કરવાના બદલે નિશાના વોટ્સએપ મેસેજ ખોલી એનો મોબાઇલ જ કેતનના હાથમાં આપી દીધો.

" લો તમે જાતે જ આ બધા મેસેજ વાંચી લો " મનાલી બોલી.

# જો મનાલી કાલે કોઈ પણ હિસાબે કામ થવું જોઈએ. તને છેલ્લો ચાન્સ આપું છું.
# તને એક અઠવાડિયાનો ટાઇમ આપ્યો તેમ છતાં એક લાખ રૂપિયા તને કોઈએ ના આપ્યા એટલે મારે ના છૂટકે તને સુરત મોકલવી પડે છે.
# તને વગર વ્યાજે એક લાખ મળી જશે. થોડા પ્રેકટિકલ થઈ જવાનું. જમાનો બહુ જ ખરાબ છે. અત્યારે કોઈ દશ હજાર પણ નથી આપતું. જ્યારે આ તો એક લાખની વાત છે. થોડું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને ?
# અને તારે ક્યાં રોજ રોજ સુરત એમને મળવા જવાનું છે ? એક લાખ તારા હાથમાં આવી ગયા એટલે તું ટેન્શન ફ્રી. સુરત પહોંચી તું એમને ફોન કરી દેજે અને જ્યાં બોલાવે ત્યાં પહોંચી જજે.
# તને એક સરસ ઓળખાણ કરાવું છું. બાકી બધું તારા હાથમાં છે. મને તો માત્ર એક લાખથી મતલબ છે. મોટવાણી અંકલ રાજા માણસ છે. સાંજે તો તને ફ્રી કરી દેશે.
# આંગડિયા ૬ વાગ્યા સુધી ચાલુ હોય છે. તું કાલે ને કાલે મને એક લાખનો હવાલો કરી દેજે. મને પૈસા મલે કે તરત તારી તમામ ક્લિપ્સ ડિલીટ થઈ જશે. આંગડિયાનું એડ્રેસ પણ તને મેસેજ કરું છું.

નિશાના બધા જ મેસેજ કેતને વાંચી લીધા. એણે આ ભોળી છોકરીને ફસાવવાનો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. એની કોઈ વીડીયો ક્લિપ્સ નિશા પાસે નહોતી પણ આ ખૂબસૂરત છોકરીની નવી વિડિયો ક્લિપ્સ આજે ચોક્કસ બનવાની હતી !!

મોટવાણી એને ક્યાંક હોટલમાં લઈ જશે !! વાહ નિશા વાહ !!

" મનાલી ઈશ્વર કૃપાથી તું ખરેખર આજે બચી ગઇ છે. ઈશ્વરે જ મને તારી મદદે મોકલ્યો છે. મારું નામ કેતન સાવલિયા છે અને હું સુરતમાં જ રહું છું. કાલે મોટવાણીનો ખેલ પડી જશે. કુદરતે જ આપણી મુલાકાત કરાવી દીધી છે." કેતને હવે એને એક વચનથી સંબોધી.

" તારી કોઈ વીડિયો ક્લિપ્સ એની પાસે નથી. હું શું કરું છું એ તું જોયા કર. તને પણ મજા આવશે. કાલ પછી તારા ઉપર નિશાનો એક પણ ફોન કે મેસેજ આવશે નહીં એની ગેરેંટી. અત્યારે તું ફોન સ્વીચ ઓફ કરીને શાંતિથી ઊંઘી જા." કહીને કેતને મનાલીને એનો મોબાઈલ પાછો આપ્યો અને પોતે ઉપરની બર્થ ઉપર જઈને સુઈ ગયો.

સવારે એની આદત મુજબ કેતન પાંચ વાગ્યે ઊઠી ગયો. ધ્યાન કરવાનો સમય ન હતો એટલે સ્ટેશન આવે ત્યાં સુધી એણે ગાયત્રી મંત્રની પાંચ માળા કરી.

૫:૩૦ વાગે સુરત આવ્યું એટલે કેતન અને મનાલી નીચે ઉતર્યાં.

" સુરતમાં તું ક્યાં ઉતરવાની છે ? તો હું ટેક્સીમાં તને ઉતારી દઉં." કેતન બોલ્યો. એણે હજુ ઘરે જાણ કરી ન હતી એટલે એની કાર આવી ન હતી.

" હું તો સુરતમાં પહેલીવાર આવું છું. મેં સુરત જોયું નથી. હું સ્ટેશન ઉપર જ બેસી રહેવાની હતી અને નવ વાગ્યા પછી અંકલને ફોન કરવાની હતી. " મનાલી બોલી.

" એક કામ કરીએ. સામે યુવરાજ હોટલ છે. હું તને એક રૂમ અપાવી દઉં છું. થોડોક સમય તું ત્યાં આરામ કર. હું ઘરે જઈને નવ દસ વાગ્યા સુધીમાં આવી જાઉં છું અને તારો પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દઉં છું. પૈસાની કોઈ ચિંતા કરીશ નહીં. રૂમમાં ચા મંગાવીને પી લેજે. " કેતન બોલ્યો અને બંને જણાં યુવરાજ હોટેલ પર પહોંચી ગયાં.

રિસેપ્શન ટેબલ ઉપર રજીસ્ટરમાં નામ લખાવી કેતને રૂમ નંબર ૩૦૩ની ચાવી લીધી અને મનાલીને લઇ લીફ્ટમાં ઉપર ગયો. હજુ તો છ વાગ્યા હતા. કેતને એને આરામ કરવાનું કહ્યું અને પોતે નીકળી ગયો. બહારથી ટેક્સી કરીને એ કતારગામ પોતાના બંગલે પહોંચી ગયો.

" આવી ગયો તું ? આજકાલ તો તું બહારગામથી આવે છે તો ઘરે ફોન પણ નથી કરતો ! ઘરની ગાડી છે અને તારે રીક્ષા કે ટેક્સી કરવી પડે છે !! " જયાબેન બોલ્યાં.

" ટ્રેન વહેલી સવારે સાડા પાંચ વાગે આવે છે એટલે કોઈને ડિસ્ટર્બ કરવા માગતો નથી. બીજું કોઈ જ કારણ નથી મમ્મી. " કહીને કેતન પોતાના બેડરૂમમાં ગયો.

બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું. કપડાં બદલીને નીચે ચા-પાણી પીવા આવ્યો. ચા નાસ્તો કરીને એ પાછો પોતાના રૂમમાં ગયો અને પોતાના ખાસ મિત્ર અનિરુદ્ધ જાડેજાને ફોન કર્યો.

અનિરુદ્ધ જાડેજા કતારગામ પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેકટર હતો અને કેતન સાથે એના ખાસ સંબંધો હતા. આશિષ અંકલે જ એની ઓળખાણ કરાવી હતી.

" જાડેજા તમારે મારું એક કામ કરવાનું છે. ઇન્ટરેસ્ટિંગ કેસ છે અને ઓફ ધ રેકોર્ડ સોલ્વ કરવાનો છે. " કેતન બોલ્યો.

" કેતનભાઇ હુકમ કરો. જિંદગીમાં પહેલી વાર તમે મને કોઈ કામ સોંપી રહ્યા છો." જાડેજા બોલ્યો.

કેતને એને ફોન ઉપર મનાલીની આખી સ્ટોરી કહી દીધી.

" ચિંતા ના કરો. મને પણ આ કેસ સોલ્વ કરવામાં મજા આવશે. હવે હું જેમ કહું એમ તમે કરો. " કહીને જાડેજાએ કેતનને કેટલીક સૂચનાઓ આપી.

" ઠીક છે. હું મનાલીને બધું સમજાવી દઉં છું. " કહીને કેતને ફોન કટ કર્યો.

એ પછી કેતન સવારે ૧૦ વાગ્યે યુવરાજ હોટલ પહોંચી ગયો.

" આરામ કરી લીધો બરાબર ?" કેતને રૂમમાં દાખલ થતાં પૂછ્યું.

" હા સર... નાહી ધોઈને તૈયાર પણ થઈ ગઈ. " મનાલી બોલી. એ ધાર્યા કરતાં પણ ઘણી ખૂબસૂરત હતી. કેતન મુગ્ધ થઈને એને જોઈ જ રહ્યો.

" હવે મારી વાત સાંભળ. તું અત્યારે એક ફોન પેલા મોટવાણીને મારી હાજરીમાં કરી દે અને તને ક્યાં બોલાવે છે એ તું સમજી લે. થોડો ડ્રામા આપણે કરવો પડશે." કેતન બોલ્યો.

આ અજાણ્યો યુવાન કોણ છે અને પોતાની સાથે શું થઇ રહ્યું છે એ હજુ મનાલી સમજી શકતી ન હતી. એણે કેતનની સામે જ મોટવાણીને ફોન જોડ્યો.

" હેલ્લો અંકલ હું મનાલી.... સુરત પહોંચી ગઈ છું.... નિશાએ મને આપનો કોન્ટેક નંબર આપ્યો છે.... મારે આપને ક્યાં મળવાનું છે ? મને એડ્રેસ આપો તો હું રિક્ષા લઈને અત્યારે જ આવી જાઉં." કેતનની સૂચના પ્રમાણે મનાલીએ ખુબ જ સરસ રીતે વાત કરી.

મોટવાણીએ એને એક હોટલનું નામ આપ્યું અને એના રીસેપ્શન હોલમાં બેસીને રાહ જોવાનું કહ્યું.

મનાલીએ કેતનને હોટેલનું નામ આપ્યું અને શું વાત થઇ તે પણ જણાવ્યું.

કેતને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા સાથે વાત કરી અને જાડેજાએ જે સમજાવ્યું તે સમજી લીધું.

" જો મનાલી તારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું તને હોટલ આગળ ઉતારી દઉં છું. તું બિન્દાસ એની સાથે રૂમ માં જજે. દશ મિનિટમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા એના બે કોન્સ્ટેબલ સાથે રૂમમાં પહોંચી જશે." કેતને મનાલીને કહ્યું.

કેતન ઘરેથી હોન્ડા સિટી ગાડી લઈને જ આવ્યો હતો. એ મનાલીને લઈને હોટલના ગેટ સુધી પહોંચી ગયો અને મનાલીને ઉતારી દીધી. કેતને હોટેલથી થોડે દુર પોતાની ગાડી ઉભી રાખી.

એ પછી પાંચેક મિનિટમાં જ જાડેજા પણ પોલીસની ગાડી લઈને આવી ગયો. સાથે એના બે કોન્સ્ટેબલ પણ હતા. એણે પણ ગાડી હોટલથી થોડે દૂર જ ઊભી રાખી જેથી મોટવાણીને કોઈ શંકા ના પડે.

થોડીવારમાં સફેદ પેન્ટ શર્ટ માં પોતાની મર્સિડીઝ ગાડી લઈને મોટવાણી આવી ગયો. એ હોટેલમાં પ્રવેશ્યો એ પછી ૧૦ મિનિટ બાદ જાડેજાએ પોતાના બે કોન્સ્ટેબલો સાથે હોટલમાં પ્રવેશ કર્યો. એણે કેતનને પણ ફોન કરીને બોલાવી લીધો.

" પોલીસ ..." જાડેજાએ હોટલના રિસેપ્શન ટેબલ ઉપર પોતાની ઓળખાણ આપી. જો કે સાથે બે કોન્સ્ટેબલને જોઈને રિસેપ્શનિસ્ટ સમજી જ ગયો હતો.

" મોટવાણી કયા રૂમમાં ગયો ? એ રૂમમાં સીસીટીવી કેમેરા છે ? જલ્દી જવાબ આપ નહીં તો તું ફસાઈ જઈશ " જાડેજાએ ગુસ્સે થઇને પૂછ્યું.

" હા સાહેબ મોટવાણી સાહેબ ૩૦૪ નંબરના રૂમમાં છે અને એ એક જ રૂમમાં સીસીટીવી કેમેરા છે. અને આ વ્યવસ્થા મોટવાણી સાહેબે પોતે જ કરાવી છે. એમના ફોરેનના ઘણા ગેસ્ટ અહીંયા ઉતરે છે એટલે એમના ઉપર જરૂર પડે વોચ રાખી શકાય એટલા માટે એ રૂમ માં એમણે કેમેરા ફીટ કરાવ્યા છે. અમે આ રૂમ બીજા કોઈને પણ આપતા નથી " રિસેપ્શનિસ્ટ બોલ્યો.

" વેરી ગુડ. તો તમે બધા જ એમના આ ગોરખધંધામાં સામેલ છો એમ ને ?" જાડેજા બોલ્યો.

" ના સાહેબ. આ એમની પર્સનલ એરેન્જમેન્ટ છે. અમે અહીં બેઠા બેઠા જોઈ શકતા નથી. એમના રૂમમાં જ મોનિટર છે. " રિસેપ્શનિસ્ટે કહ્યું.

મનાલીને બચાવવી હતી એટલે રિસેપ્શનિસ્ટ સાથે વધારે માથાકૂટ કર્યા વગર બન્ને કોન્સ્ટેબલને લઈને અનિરુદ્ધ રૂમ પર ગયો અને દરવાજો ખખડાવ્યો. કેતન પણ એમની સાથે જ હતો.

" કોણ છે અત્યારે ? " અંદરથી અવાજ આવ્યો.

" મોટવાણી દરવાજો ખોલો જલ્દી... પોલીસ " અનિરુદ્ધ બોલ્યો.

મોટવાણીએ દરવાજો ખોલ્યો. જાડેજા એના સ્ટાફ સાથે અંદર ગયો. કેતન પણ એ લોકોની સાથે ગયો.

સૌથી પહેલાં જાડેજાએ સીસીટીવી કેમેરા જાતે જ બંધ કરી દીધો.

" પોલીસની રેડ છે મોટવાણી. આ મેડમે પોલીસ કમ્પ્લેન નોંધાવી છે. તમે નિર્દોષ છોકરીઓને ફસાવીને બ્લેકમેલ કરો છો. નિશા સાથે પણ અમારે વાતચીત થઈ ગઈ છે. તમારાં તમામ કરતૂત ખુલ્લાં પડી ગયાં છે. કાલે પેપરમાં પણ આવી જશે." જાડેજાએ ચલાવ્યું .

" ના ના સાહેબ તમારી ભૂલ થાય છે. આ બેનને પૈસાની જરૂર હતી અને મારે આજે અહીંયા મારા ક્લાયન્ટો સાથે મીટીંગ હતી એટલે મેં એમને અહી હોટલે બોલાવી લીધાં છે." મોટવાણી બોલ્યો.

અને જાડેજા નો પિત્તો ગયો. એણે હાથકડી કાઢીને મોટવાણીના બન્ને હાથ પકડ્યા.

" હવે જે કહેવું હોય તે પોલીસ સ્ટેશને અને કોર્ટ માં કહેજો. એરેસ્ટ વોરંટ લઈને જ આવ્યો છું. તમારું આખું રેકેટ ખુલ્લું પડી ગયું છે. નિશાએ તમારા તમામ ધંધા ખુલ્લા પાડ્યા છે અને મેં બધું મોબાઈલમાં રેકોર્ડ કર્યું છે. મીડિયાને પણ હું ફોન કરી દઉં છું." જાડેજા ગુસ્સે થઈને બોલ્યો.

હવે મોટવાણી ખૂબ જ ઢીલો થઇ ગયો હતો. બે હાથ જોડી માફી માગવા લાગ્યો.

" મને બચાવી લો સાહેબ તમે કહો તે પતાવટ કરવા તૈયાર છું." મોટવાણી હવે કરગરતો હતો.

" કેટલા પૈસાની તૈયારી છે તમારી ?" જાડેજા બોલ્યો.

" તમે કહો તે સાહેબ. મારી ઈજ્જત બચાવી લો." હજુ પણ મોટવાણી કરગરતો હતો.

અનિરુદ્ધને પણ બહુ લાંબુ ખેંચવાની ઈચ્છા નહોતી. કોઈ અધિકારીની પરમિશન વગર જ ઓફ ધ રેકોર્ડ આ સાહસ કર્યું હતું.

" તમારી પેલી મુંબઈની રખાત સાથે વાત કરી લેજો કે એ મનાલીનો રસ્તો છોડી દે અને આજ પછી એને એક પણ ફોન ના કરે. નહીં તો તમને બંનેને હું જેલ ભેગા કરી દઈશ. મારા અને મનાલીના મોબાઇલમાં તમામ પ્રૂફ છે. અત્યારે તમારી પાસે કેટલા પૈસા છે ? " જાડેજાએ પૂછ્યું.

" જી સાહેબ. અત્યારે મારી બેગમાં પાંચેક લાખ જેટલા હશે." મોટવાણી બોલ્યો.

" ઠીક છે પાંચ લાખ આપી દો. અને હવે કાલ સુધીમાં તમામ કૅમેરા દૂર કરી દેજો. દર મહિને પોલીસ આવીને ચેકિંગ કરી જશે. છોકરીઓને ફસાવવાના કાળા ધંધા બંધ કરી દો નહીં તો કુદરત તમને નહીં છોડે. આ છોકરી છેક જામનગર થી ટ્રેનમાં રડતી રડતી આવી છે. જરાક તો કુદરતથી ડરો !! " જાડેજા બોલ્યો.

" જી સાહેબ" મોટવાણીએ કહ્યું.

" અને મેડમ આજ પછી તમારી ઉપર નિશાનો કોઈ પણ ફોન કે મેસેજ આવે કે તરત જ મને જાણ કરી દેજો. કેતનભાઇ પાસે મારો નંબર છે." અનિરુદ્ધે મનાલીને કહ્યું.

મોટવાણી પાસેથી પાંચ લાખનું પેકેટ લઇને મનાલી સાથે એ લોકો બહાર નીકળી ગયા. પોલીસની ગાડી પાસે આવીને અનિરુદ્ધે પાંચ લાખનું પેકેટ કેતનના હાથમાં આપ્યું.

" અરે અનિરુદ્ધ આ રૂપિયા ઉપર માત્ર તમારો હક છે. મને પૈસામાં કોઈ રસ નથી. છતાં એક કામ કરો. ત્રણ લાખ તમે લોકો રાખો અને બે લાખ મનાલીને હું આપી દઉં છું." કેતન બોલ્યો અને અનિરુદ્ધે પેકેટ તોડીને બે લાખ મનાલીના હાથમાં આપ્યા.

એ પછી કેતનનો આભાર માનીને અનિરુદ્ધ પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયો.

" ચાલ.. હવે હું તને હોટલ ઉપર મૂકી જાઉં " કેતન બોલ્યો અને બંને જણાં ચાલતાં ચાલતાં કેતનની ગાડી પાસે આવ્યાં.

" સર આ પૈસા તમે જ રાખો. તમે આજે મારા માટે ઘણું કર્યું છે." ગાડીમાં બેસીને મનાલીએ કેતનનો હાથ પકડી એના હાથમાં પેકેટ મૂકી દીધું.

" એ પૈસા તું જ રાખ મનાલી. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. તેં ઘણું ટોર્ચર સહન કર્યું છે. અને મારે પૈસાની કોઇ જ જરૂર નથી. " કહીને કેતને એ પેકેટ ફરીથી બાજુમાં બેઠેલી મનાલીના ખોળામાં મૂક્યું.

" સુરત નું જમણ બહુ જ વખણાય છે . તમે મને ભૂખી જ મોકલશો ? સવારથી ખાલી ચા ઉપર છું. " ગાડી સ્ટાર્ટ થઈ એટલે મનાલી હસીને બોલી.

" અરે સોરી સોરી. ભૂખ તો મને પણ લાગી છે પણ આ ધમાલમાં બધું ભુલાઈ ગયું. ચાલો કોઈ સરસ ડાઇનિંગ હોલમાં જઈએ. " કેતન બોલ્યો. અને એણે ગાડી પોતાના એક જાણીતા ડાઇનિંગ હોલ તરફ લીધી.

" તમારો કયા શબ્દોમાં આભાર માનું એ જ સમજાતું નથી. તમે આજે દેવદૂત બનીને મારા જીવનમાં આવ્યા છો. તમે જો મને મળ્યા ના હોત તો મારું શું થાત આજે ? " મનાલી બોલી.

" આભાર ઈશ્વરનો માનવાનો. હું તો માત્ર નિમિત્ત છું અને મેં માત્ર મારી ફરજ બજાવી છે. " કેતન બોલ્યો.

" આજે તમે જે રીતે મારી સુરક્ષા કરી અને મને બચાવી લીધી આઈ એમ ઈમ્પ્રેસડ ! શું આ સંબંધ આગળ વધી શકે ? " ડાઇનિંગ હોલમાં જમતાં જમતાં અચાનક મનાલી બોલી ઉઠી.

"મનાલી હું એટલો સ્વાર્થી નથી. તું બહુ જ આકર્ષક અને ખૂબસૂરત છે એ વાત સાચી પરંતુ તારા માટે મારા મનમાં એવો કોઈ ખરાબ ભાવ નથી. તને કાલે આટલી બધી દુઃખી જોઈ એટલે મેં તારામાં આટલો બધો રસ લીધો. માત્ર માનવતાની દ્રષ્ટિએ જ મેં તને મદદ કરી છે. " કેતન બોલ્યો.

" હું જાણું છું અને એટલે જ કહું છું કે તમે આજે મને જીતી લીધી છે. તમે તો મારા હીરો બની ગયા છો." મનાલી કેતનના હાથ ઉપર હાથ રાખીને બોલી.

અચાનક કેતનને યાદ આવ્યું કે આ શબ્દો મેં ક્યાંક સાંભળેલા છે. આ જ પ્રકારની વાતો કોઈએ મારી સાથે કરેલી છે અને અચાનક એને નીતા મિસ્ત્રી યાદ આવી ગઈ. હા, નીતા જ મારા પ્રેમમાં પડી ગઈ હતી અને આવી જ વાતો કરતી હતી. માત્ર આવી જ વાતો નહીં આ જ વાક્યો કહ્યાં હતાં !!

" એક વાત પૂછું ? " કેતન અચાનક બોલ્યો.

" હા હા પુછો ને ? તમારે રજા લેવાની થોડી હોય ? " મનાલી બોલી.

" તમે જામનગરમાં ક્યાં રહો છો ? " કેતને પૂછ્યું.

" પટેલ કોલોની શેરી નંબર ૪ . "

" ત્યાં અઢી વર્ષ પહેલાં જયેશ ઝવેરી રહેતા હતા એને તમે ઓળખો ?" કેતને પૂછ્યું.

" બહુ સારી રીતે ઓળખું. જયેશભાઈ મકાન વેચીને જતા રહ્યા અને અત્યારે ત્યાં જયરામકાકા રહે છે. બસ એમના મકાનથી ત્રીજો બંગલો મારો ! " મનાલી બોલી.

ઓત્તારી...આ તો નીતાવાળું જ મકાન !!! - કેતન આજે ફરી ચક્કર ખાઈ ગયો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)