ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’. ‘નજદિક હોવા છતાં દૂર’ ચિત્તની દશા. ‘છે, છે ને નથી, નથી’ નો અવિરામ અટૂટ ખ્યાલ.આપણા સહુના જીવનમાં ડર તેમ જ દ્વિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો તેમાં શંકાને આરોપણ થાય તો હર્યાભર્યા સંસારને વિરાન થતા સમય લાગતો નથી. શકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે તે પહેલાં તેનો નાશ થાય તે હિતાવહ છે. શંકાનું બીજારોપણ કરનાર જ્યારે નિઃસ્વાર્થ પ્રેમનો દાવો કરે ત્યારે તે ખૂબ અજુગતું લાગે તેમાં નવાઈ ન પામો. ‘રોમા’ જે ખાલીપણાથી વિપરીત દિશામાં યાત્રા શરૂ કરે છે. જીવન મધ્યાહનને આંબી ચૂક્યું છે. કુટુંબમાં આવેલી અનેક બાધાને કારણે પરણવાનું ભૂલી ગઈ હતી. કોઈ અફસોસ ન હતો. સુંદર નોકરી હતી.
નાની બહેન અને ભાઈ પરણીને તેમના પરિવારમાં પરોવાયા હતા. રોમા એકલી પડે ત્યારે થતું, ‘ગાડી ચૂકી ગઈ’. સંતોષ એ વાતનો હતો કે માતા અને પિતાનું મૃત્યુ સુધાર્યું. અત્યારે સુખ અને સંતોષને પારણે ઝુલે છે.
કુટુંબમાં મોટી હોવાને કારણે પ્રેમ પૂર્વક પોતાની જીંદગીનો રાહ પસંદ કર્યો હતો..
વારંવાર કોલેજ કાળના મિત્ર શિશિરની મુલાકાત પાર્ટીમાં થતી હતી. કોલેજકાળ દરમિયાન મિત્રતા હતી તે તાજી થઈ. હાલમાં તેનો સુખી સંસાર જોઈ ખુશ રહે છે. શિશિર અને સ્નેહનો કિલકિલાટ કરતો સંસાર કોઈને પણ ઈર્ષા પમાડે તેવો હતો.
શિશિર, પાનખરમાં પણ વસંત લાવે તેવો હોવા છતાં, સંજોગોનો માર્યો અટવાય છે. નિરાશાને તેની નજીક ઢુકવા દેતો નથી. હસી મજાકિયો જીંદગીની ગાડી સરળતાથી પાટા પર ચલાવી ખુશ છે.
શિશિર અને સ્નેહ બંને ખુશ મિજાજમાં હતા. આજની પાર્ટીમાં ખાવા પીવાથી માંડી બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. સ્નેહે એક પેગ ચડાવ્યો હતો તેથી શિશિરને બડબડાટ કરી હેરાન કરી રહી હતી.
શિશિર સ્વસ્થતાથી ગાડી. ઘર તરફ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો. શિશિર અને સ્નેહ આજે ખૂબ આનંદમાં ઝુમી રહ્યા હતા. માણ્યો. બંને જણા ઘરે આવ્યા ત્યારે ઘડિયાળમાં બે વાગ્યા હતા. બીજે દિવસે રવિવાર હતો.
આરામથી ઉઠવાની સવારે બે કપ ચા પીવાની મોજ માણવાની. ઘરે પાર્ટીમાંથી આવી ત્યારે સ્નેહ ખુશ મિજાજમાં હતી. સોમવારે સવારે સોના સાથે બી.સી.એ.માં લંચ લેવા મળ્યા.
‘શું સ્નેહ તું તો કમાલ છે’?
‘કેમ શું થયું. મેં શું કર્યું’?
‘ અરે તેં નહી તારા મિસ્ટર શિશિરે ? ’પાર્ટીમાં શિશિર પેલી રોમા સાથે કેટલીક છૂટ લઇ રહ્યો હતો. તે જોયું નહી’?
‘અરે સોના, શિશિર અને રોમા તો કોલેજના સમયના મિત્ર છે’.
‘ હે, પાગલ ભૂલી ન જતી રોમા પરણેલી નથી?’
‘હું ઓળખું ને મારા શિશિરને’!
‘અરે, મારી ભોળી સ્નેહ, તું શું ઓળખવાની આજના ભ્રમર જેવા પુરુષો?’
સોના બે વર્ષ થયા સમીર સાથે છૂટાછેડા લઈ એકલી રહેતી હતી. એના સંસારનો રથ શંકા કુશંકાના પૈડાં પર સુરક્ષિત ન ચાલી શક્યો. છતાં
સમીરે સહન કરી પાંચ વર્ષ ખેંચ્યા. અંતે બંને જણાએ છૂટાછેડા લીધા.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીને મોટા પે ચેક આવતા હોય છે,
તેથી ખુમારીમાં રાચે. સમીર પાસેથી સોનાને સારો દલ્લો પણ મળ્યો..
સ્નેહ અને સોના વચ્ચે શાળાના સમયથી ગાઢ મૈત્રી હતી. લંચ ખાઈને બંને છૂટા પડ્યા.સ્નેહ વિચાર કરતી થઈ ગઈ.આમ તો તે જલ્દી કોઈની વાત કાને ન ધરતી.
સોના, તેની બાળપણની સખીએ આવું કહ્યું એ તેને ગમ્યું તો નહી પણ શંકાનું બીજ રોપાઈ ગયું હતું. મિત્ર મંડળમાં હંમેશા સાથે હોવાથી સોના દર વખતે કાંઈકને કાંઈક વાત સ્નેહને કરતી. શિશિરનો હસમુખ અને મળતાવડો સ્વભાવ મિત્રોમાં જાણીતો હતો. તેની વાત અને રમૂજી ટુચકાં રજૂ કરવાની આગવી શૈલી માટે પ્રખ્યાત હતો. સ્નેહને તે ગમતું પણ ખરું.
બે સુંદર બાળકોની માતા બનેલી સ્નેહ કોઈકવાર પાર્ટીમાં જવાનું ઓછું પસંદ કરતી. મિત્રો આગ્રહ કરીને શિશિરને એકાદ કલાક માટે ઘસડી જતાં.
સોના શિશિરના વર્તનમાં દર વખતે નવી ખોટ સ્નેહને બતાવતી. સ્નેહ માનવાનો ઈનકાર કરતી પણ શંકાનો કીડો કોઈકવાર સળવળી ઉઠ્યો!
ત્યાં સોનાનો ફોન રણક્યો. ‘હલો, સ્નેહ કાલની પાર્ટીમાં શિશિરે હદવાળી.
'કેમ શું થયું' ?
રોમા અને શિશિર ડાન્સ કરતાં હતાં. રીના અને લીના બંનેને ઉશ્કેરી રહ્યા હતા. તું બાળકો સાથે ઘરે અને શિશિર, કહી સોના એ વાક્ય અધૂરું છોડ્યું; ફોન મૂકી દીધો.
સ્નેહ જાણતી હતી. શિશિરે ઘરે આવી બધી વાત કરતો હતી. શિશિર બોલ્યો પણ ખરો,
‘ સ્નેહ તારા વગર પાર્ટીમાં જવું મને નથી ગમતું.’
સ્નેહ દ્વિધામાં હતી. કોણ સાચું? સોના કે શિશિર? ખબર નહીં કેમ તેને શિશિરની વાતોમાં શંકાની બદબુ આવવા લાગી.સોનાની વાતમાં તથ્ય જણાયું. શંકાનો સળવળાટ ને વહેમનો વલવલાટ કોઈ પણ વ્યક્તિનું ચેન લુંટવા શક્તિમાન છે. શિશિરને ખૂબ પ્યાર કરતી, સોના તેની સખી ખોટું કહે તેવું તે માનવા તૈયાર ન હતી.
સોના, પોતે છૂટાછેડા લીધા હતા તેથી દરેક પુરુષને ખોટા અર્થમાં જોતી થઈ ગઈ હતી. સ્નેહને તેના પર આંધળો વિશ્વાસ હતો. ઘણી વખત શિશિર ઉપર વગર કારણે નારાજ થતી.પાર્ટીમાંથી ઘરે આવી,પાર્ટીની
તેની વર્તણૂક ને શંકાસ્પદ બનાવી વાક યુદ્ધ કરતી. શિશિરે પહેલાં તો હસી કાઢતો પણ વારંવાર થતું હોવાથી કોઈ વાર ગુસ્સે થતો.
શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બાળકોના માનસ પર કેવી વિપરીત અસર થાય. બાળકોમાં ગુલતાન સ્નેહ ઝાઝું વિચારતી નહી અને પાણીમાંથી પોરા કાઢે. શિશિર સાથે સદા આખડી પડતી.
શિશિર ધીરે ધીરે સ્નેહથી દૂર થવા લાગ્યો. ઘરનું કલુષિત વાતાવરણ તેનેતંગ કરી દેતું.જેમ સ્નેહને સમજાવી સફાઈ પેશ કરે તેમ સ્નેહ એનો ઉંધો અર્થ કાઢી ઘરમાં યુદ્ધનું મેદાન ખડું કરી દે.એકાદ વખત શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોઉં, તારા મતે બદચલન હોઉં તો મને ખુશીથી છૂટો કરી દે.પણ આવા રોજના ઝઘડા મને પસંદ નથી.’
‘સ્નેહે વળતો ઘા જોરદાર કર્યો, ’તું મારાથી ઉકાઈ ગયો છે. બે બાળકો થયા પછી તને મારામાં કોઈ રસ રહ્યો નથી.’
‘સ્નેહ, આ શબ્દો તમારા મુખમાંથી નીકળે છે. મને મારા કાન પર વિશ્વાસ નથી આવતો.’
‘સારુ છે તને મારામાં તો વિશ્વાસ છે?’
‘કોણે કહ્યું ?’
ખલાસ આ બે શબ્દો તીરની જેમ સ્નેહને વાગ્યા. આજે આગનો ભડકો જોરદાર હતો. કોને ભરખી જશે એ ચોક્કસ હતું. ક્રોધ પર કાબૂ પામવો એ અશક્ય વાત છે. તેનું પરિણામ વિનાશકારી હોય એમાં શંકા નથી.
આજે સ્નેહ અને શિશિર બંને જણા પોતાની જાતને સંભાળી ન શક્યા.એક જણ શાંત રહ્યું હોત તો આવું પરિણામ ન આવે. સ્નેહ, સોનાની ચડામણીમાં સાચા ખોટાનો ભેદ પારખી ન શકે. શિશિર, સ્નેહના વારંવાર થતા આક્ષેપો સાંખી શકતા નહી.
અંત આવ્યો જે સુખદ ન હતો. સ્નેહ અને શિશિર છૂટાં પડ્યા. બાળકો આમ તો માને મળવા જોઈએ પણ સ્નેહનું વર્તન યોગ્ય ન હતું. બાળકોને પણ લાગ્યું. દીર્ઘ અને દૃષ્ટિએ પિતા સાથે રહેવાનું સ્વિકાર્યું.
બંને જણા મોટા હતા. ૧૦ વર્ષનો દીર્ઘ અને ૧૨ વર્ષની દૃષ્ટિ. સ્નેહને રહેવા ઘર અને પૈસા મળ્યા જેથી તે શાંતિથી જીવી શકે. નોકરી પણ મળી ગઈ. તેને થયું બાળકો પણ નહીં, કોઈ જાતની જવાબદારી કે
બંધન નહીં. આઝાદી ખૂબ ગમી. શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો. રોમાને જાણ થઈ તે અવારનવાર શિશિરના બાળકોનું ધ્યાન રાખતી.
શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે મૂકી જતો થઈ ગયો. સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી.
શરૂ શરૂમાં સ્નેહને સ્વતંત્રતા ખૂબ વહાલી લાગી. છેલ્લે છેલ્લી શિશિર સાથે પ્રેમ કરતાં ઝઘડો વિશેષ થતાં હતાં એટલે તે બહુ યાદ ન આવતો પણ બાળકોની યાદ સતાવતી.
સોના સાથે તો હવે ૨૪ માંથી ૨૦ કલાક ગાળવા મળતાં. એકબીજાને ત્યાં રાત ગાળતાં. શિશિરને રોમા ધીરે ધીરે નજીક સર્યા. રોમા પોતાના કુટુંબની પરિસ્થિતિ ને કારણે પરણી શકી ન હતી. પિતાની આવક થોડી અને બીમાર માતા કઈ રીતે તેમને છોડી પોતાના ઘર સંસાર માંડે. તેથી ૪૦ વર્ષે પણ તે એકલી હતી. ત્યાં શિશિર, જેની સાથે કોલેજકાળ દરમિયાન મૈત્રી હતી તેણે જીવનમાં પ્રવેશ કર્યો.
બંને બાળકો કોલેજમાં આવ્યા, દીર્ઘ ડૉક્ટર થયો અને દૃષ્ટિએ એમ.બી.એ.કર્યું. શિશિર અને રોમા ખૂબ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા. શિશિર આજે પણ એવો મસ્તરામ છે. રોમાને તેનો હસમુખો સ્વભાવ ખૂબ ગમતો.
આજે અચાનક ‘કૉપર ચિમની’માં બધા ડિનર લઈ રહ્યા હતા. ત્યાં સ્નેહ અને સોના બે પુરુષો સાથે આવ્યા. તેની સાથે નોકરી કરતા હતા. સ્નેહ, શિશિરને બાળકો તથા રોમા સાથે જોઈ ખચકાઈ. આંખ આડા કાન કર્યા. બાળકો ઉભા થઈને મમ્મીને પ્યારથી મળી પાછા આવ્યા.
શિશિર તો હવે રોમાના પ્યારમાં ગળાડૂબ રહેતો. સ્નેહને આજે ખાલીપણાનો ભરપૂર અહેસાસ થયો. તેના અંતરના ગોખલે દીર્ઘ અને દૃષ્ટિ જેવા બે દીવા પ્રગટ્યા હતા. સહેલીની વાતોમાં આવી પોતે જ
પોતાનું ખાલીપણું આવકાર્યું હતું ! રહી રહીને તેને આજે વિચાર આવ્યો શું આ સ્થિતિ તેણે જાતે નોતરી હતી ?
વહાલસોયા પતિ પ્રત્યે શંકા કરી હર્યોભર્યો સંસાર અવગણી ખાલીપણાને આમંત્રણ આપ્યું.
પ્રવિણા કડકિઆ