પ્રેમનું રહસ્ય
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૭
'અખિલ, તમે મારી સાથે દોસ્તી કરી રહ્યા નથી. મને પ્રેમ કરી રહ્યા છો. તમે મારી પાછળ આમ અમસ્તા આંટા મારી રહ્યા નથી. હું તમને મારી સાથે, મારી પાસે આવવાની છૂટ આપી રહી છું એનો મતલબ કે તમને ચાહું છું. તમે મારા જન્મોજનમના સાથી છો. મારો પ્રેમ માત્ર તમારા અને તમારા માટે જ છે. મને બહુ તડપાવશો નહીં...' સારિકા હવે પ્રેમાવેશમાં બોલી રહી હતી.
અખિલ ગભરાઇ ચૂક્યો હતો. નક્કી આ કોઇ ભૂત- પ્રેત છે. એનાથી છૂટકારો મેળવવો પડશે. કહેવાય છે કે એમની પાસે બહુ શક્તિ હોય છે. એનાથી ડરવું પડશે. સમજાવી-પટાવીને છટકવું પડશે. સારિકાનો પ્રેમ મોટું રહસ્ય સર્જી રહ્યો હતો. એણે ખુલાસો કરવાનું શરૂ કરી દીધું:'સારિકા, તારી કોઇ ગેરસમજ થાય છે. હું તારા પ્રેમમાં નથી એ ખરું કે તારી આગળ- પાછળ ફર્યા કરું છું. પણ હું જે કારણથી તનેમે મળી રહ્યો છું એ કહી જ દઉં કે મારે ઓફિસમાં કામ કરતા મારા સાથી કર્મચારી કુંદન માટે તું મને યોગ્ય લાગી છે. હું તારા વિશે એને વાત કરતા પહેલાં માહિતી મેળવવા તને મળી રહ્યો છું. હું તારી સાથે પ્રેમ કરી શકું એમ નથી. ભલે ગયા જન્મમાં આપણે પ્રેમી હોઇશું. મારા માટે આ જન્મ હકીકતમાં છે. મેં સંગીતા સાથે સાત ફેરા ફર્યા છે. તારી સાથે સાત જન્મનો સંબંધ હોય તો પણ કાનૂની રીતે હું સંગીતા સાથે જ પ્રેમ કરી શકું અને એની સાથે જ રહી શકું. એક કામ કર. તું હમણાં જ મારી સાથે મારા ઘરે આવ. તારી મુલાકાત હું સંગીતા સાથે કરાવું છું. તને વિશ્વાસ આવી જશે કે હું તારા પૂર્વ જન્મના પ્રેમને કેમ સ્વીકારી શકું એમ નથી...'
'મને લાગે છે કે સંગીતાને મળવાથી મને નહીં તમને જ નુકસાન થશે...' સારિકા મંદ મંદ હસીને બોલી ત્યારે અખિલના કાળજે મોટો ધ્રાસ્કો પડ્યો.
'શું? હું એનો પતિ છું. એને મળવાથી મને શું નુકસાન થવાનું હતું?' અખિલ એક ડર સાથે જાત પર કાબૂ મેળવતાં બોલ્યો.
'તમને તમારી પત્ની પર બહુ વિશ્વાસ છે ને તો ચાલો અજમાવી લઇએ!' સારિકા બેફિકરાઇથી ઊભી થઇને કમરને એવા લટકા-ઝટકા આપી બે ડગલાં ચાલીને એને પોતાનો હાથ આપીને ઊભી રહી કે અખિલ એની લચકથી આંચકો પામ્યો. એણે પોતાનો હાથ આપવાનું ટાળ્યું અને સારિકાને આગળ વધવા કહ્યું. સારિકા મંદ મંદ મુસ્કાતી પોતાના ભરાવદાર અંગોને હલાવતી એવી રીતે ચાલી કે જાણે અખિલમાંના પુરુષમાં રહેલી હવસને જગાવવા માગતી હોય. અખિલને થયું કે એની પાછળ ચાલવાને બદલે પોતે આગળ નીકળી ગયો હોત તો શરીરમાં ઉત્તેજનાની લહેર ના ફેલાઇ શકી હોત.
સારિકાની કારમાં સ્થાન લીધા પછી એણે એક ક્ષણ માટે આંખને બંધ કરી તન-મનથી સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.
સારિકાએ પોતાની ડ્રાઇવરની સીટ પર બેસીને એનામાં કામને જગાવતી હોય એમ એક અંગડાઇ લઇ કાર સ્ટાર્ટ કરી. અખિલને થયું કે પોતે કુંદન માટે સારું વિચારીને પોતાનું જીવન ખરાબ કરવાની ભૂલ કરી છે. આ સ્ત્રીમાં કોઇ જાદૂ છે જે એને નજીક ખેંચી રહ્યો હતો. નહીંતર કોઇ પરાઇ સ્ત્રી તરફ એ જોવાનું પણ ટાળતો રહ્યો છે. પોતે કોઇ મોટી મુશ્કેલીમાં મુકાવાના એંધાણ આવી રહ્યા છે. સંગીતા મને સારિકા સાથે જોઇને શું વિચારશે? સારું છે કે એની સાથે થોડી ચર્ચા થઇ છે. હવે કુંદન માટે સારિકા વિશે તપાસ કરી રહ્યો હોવાની હકીકત સંગીતાને કહી દઇશ. એ સમજુ છે. મારી વાત જરૂર માનશે. પણ આ સારિકા કોઇ ગરબડ કરશે અને સત્ય પર જૂઠનો પડદો પાડી દેશે તો શું કરીશ? ગમે તે રીતે આજે સારિકાથી પીછો છોડાવવો પડશે.
'અખિલ બહુ વિચારો કરવાની જરૂર નથી. જીવનમાં ઘણી વખત એવું બને છે કે એની સપનામાં કલ્પના કરી હોતી નથી...' બોલીને સારિકા એવી રીતે હસી કે જાણે અખિલને કંઇક અકલ્પ્યું બનવાનો ઇશારો કરી રહી હોય. ક્રમશ: