પ્રેમનું રહસ્ય - 6 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 6

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૬

અખિલ બે ક્ષણ માટે મનમાં ગુંચવાઇ ગયો. એ એણે ચહેરા પરથી કળી ન શકાય એવો અભિનય કર્યો. મેનેજર પટેલને જવાબ આપતાં પહેલાં એણે પોતે નક્કી જ કરી લીધું કે સારિકાએ લિફ્ટ આપી હતી એ વાતનો અહીં ઉલ્લેખ કરવો નથી. તે જવાબ આપતાં પહેલાં તે વાતને લંબાવવા લાગ્યો:'સર, તમને શું લાગે છે? મને કોઇ વાહન મળ્યું હશે?'

મેનેજરે પટેલે કલ્પના કરી રાખી હોય એમ કહ્યું:'તારી પાસે તો બાઇક હતું ને?'

અખિલે કહ્યું:'સર, ગઇકાલે પંકચર પડ્યું હતું એટલે બાઇક લાવ્યો ન હતો.'

મેનેજર પટેલ અફસોસ કરતા બોલ્યા:'ઓહ! મને એ વાતની ખબર જ ન હતી. નહીંતર હું તને મદદરૂપ થઇ શક્યો હોત. તો પછી તું કેવી રીતે ઘરે ગયો હતો? કે રાત્રે અહીં જ રોકાઇ ગયો હતો!'

અખિલ રાહત અનુભવતાં બોલ્યો:'સર, રાત્રે એક જણની કારમાં લિફ્ટ મળી ગઇ હતી. સદનસીબે એ અમારી સોસાયટીના જ હતા...'

મેનેજર પટેલને એ જાણવામાં રસ ન હતો કે કોણે લિફ્ટ આપી હતી. એટલે લિફટ આપન એ વ્યક્તિ સ્ત્રી હતી કે પુરુષ એનો ખુલાસો કરવાનો વારો જ ના આવ્યો. અને અડધી રાત્રે કોઇ સ્ત્રી મળે એવી કલ્પના મેનેજર કરી શકે એમ ન હતા.

મેનેજર પટેલે ગઇકાલે રાત્રે અખિલે ઓફિસનું જે કામ કર્યું હતું એ વિશે જાણવામાં વધારે રસ બતાવ્યો. એમને કંપનીની પ્રગતિમાં રસ હતો.

મેનેજર પટેલ સાથે બેઠક કરીને અખિલ પોતાની કેબિનમાં આવીને ફરી સારિકાના વિચારે ચઢી ગયો. ન જાણે કેમ એ મળી ત્યારથી દિલ પર તો એટલી નહીં પણ દિમાગ પર કંઇક વધારે જ છવાઇ ગઇ હતી. એનું ભૂત જાણે મગજ પર ચઢી ગયું હોય એમ એને ઉતારવાના વિચાર કરવા લાગ્યો. ત્યાં આગને હવા આપતો હોય એમ કુંદન આવીને તરત જ પૂછવા લાગ્યો:'અખિલ મહાશય! રાત કેવી રહી?'

અખિલ ચોંકી ગયો. એ ખોટું હસીને આશ્ચર્યથી કુંદન તરફ જોવા લાગ્યો. જાણે રાતનો એ કોઇ ભેદ જાણતો હોય એમ પૂછી રહ્યો હતો. એણે કયા આશયથી પ્રશ્ન પૂછ્યો એનો અંદાજ લગાવતાં બોલ્યો:'કેવી રહેવાની? એવી જ અંધારાવાળીને?'

કુંદન એના સવાલથી ગુંચવાયો હોય એમ પણ ટીખળ કરતાં બોલ્યો:'હું પૂછું છું કે રાત્રે ઓફિસમાં કેટલા વાગ્યા હતા? અને ક્યાંક મજા કરવા તો ગયો ન હતો ને?'

અખિલે એને જવાબ આપી જ દીધો:'ભાઇ, તું કુંવારો છે. તને રાતની આઝાદી હોય શકે. અમારા જેવા પરિણીત પુરુષોને સાંજે ઘરે પહોંચતા મોડું થાય તો પણ પત્નીઓ ચાર સવાલ પૂછતી હોય છે. કેમ મોડું થયું? ક્યાં ગયા હતા? કેમ ગયા હતા? અને આપણે કારણ આપીએ તો એના બે-ચાર પેટા સવાલ પૂછી નાખે છે. અભ્યાસ કરતી વખતે આવી સવાલ અને પેટા સવાલની તાલીમ ના મળી હોય તો ખબર જ ના પડે... સાલા, આવા સવાલ પૂછતા તને શરમ ના આવી? તું બદમાશ થઇ ગયો છે! લગન કરીશ એટલે ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે.'

પોતાના સહ કર્મચારી કુંદન સાથે અખિલને સારી મિત્રતા હતી. ગઇકાલે રાત્રે એણે સાથે રોકાવાનું સૌજન્ય બતાવ્યું હતું. અખિલે જરૂર ન હોવાથી એને હેરાન ન થવા કહી દીધું હતું.

'તેં તો એક પતિ તરીકેની તારી સ્થિતિ વર્ણવી દીધી. તું મને લગ્ન કરવા બાબતે ગભરાવે છે, પણ હું સારી અને સુંદર છોકરી મળે તો લગ્ન કરી લેવાનો છું...' કુંદન હસીને કહેવા લાગ્યો.

'ભાઇ, એક દિવસે લગ્ન કરવાના જ હોય છે અને જવાબદારીઓ સ્વીકારવાની જ હોય છે. હું તને ગભરાવતો નથી. પુરુષ તરીકેની વાસ્તવિક્તા જણાવું છું. મારા માટે સારી વાત એ છે કે સંગીતાનો સ્વભાવ સારો છે. મારી સાથે એક મિત્રની જેમ જ વર્તન કરે છે. સાચું કહું તો એનો પ્રેમ પામીને ધન્ય થઇ ગયો છું...' અખિલ ભાવુક થઇ ગયો.

'અને એટલે જ પરાઇ નાર પર નજર નાખતો નથી... બરાબર ને?' કુંદન એને જે રીતે ઓળખતો હતો એને ધ્યાનમાં રાખીને જ બોલ્યો હતો. પરંતુ ગઇકાલ રાતની ઘટનાએ અખિલને પોતાને ચમકાવી દીધો હતો. સારિકાના રૂપમાં કોઇ જાદૂ હતો કે શું? એ મને એના તરફ આકર્ષી રહી હતી કે શું? એની સાથેની એક નાનકડી મુલાકાત મનમાં કેમ આટલું તોફાન મચાવી રહી છે?

'હા... પત્ની સિવાય કોઇ સ્ત્રીનો વિચાર કરવાનો પ્રશ્ન જ ઊઠતો નથી...' અખિલ સહેજવાર પછી બોલ્યો તો ખરો પણ એના મનમાં એક ખટકો થયો કે ખરેખર પોતે સાચું બોલ્યો છે?

ક્રમશ: