પ્રેમનું રહસ્ય - 2 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 2

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨

કારનો કાચ ઉતરવાનો અવાજ પણ શાંત વાતાવરણમાં થથરાવી દે એવો હતો.

અખિલ આંખો ફાડીને જોઇ જ રહ્યો હતો. કારમાં રૂપરૂપના અંબાર સમી એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય ફરકી ગયું. સામે હાસ્ય ફરકાવવાને બદલે અખિલ એના સૌંદર્યથી એટલો અંજાઇ ગયો હતો કે બાઘાની જેમ જોતો જ ઊભો રહી ગયો હતો. એનો ચહેરો કોઇ રૂપપરીથી ઓછો ન હતો. એના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે બસ જોયા જ કરવાનું મન થાય. એની આંખોમાં જાણે જામ ભર્યા હોય એમ આંખનું મટકું મારવાનું મન થાય એમ ન હતું. અખિલને થયું કે એણે યોગ્ય નથી કર્યું. અડધી રાતે એક અજાણી અને એકલી સ્ત્રીને ટીકીટીકીને જોવું એ સભ્યતા ન હતી. એણે પોતાની જાતને સભાન કરી અને કહ્યું:'માફ કરશો! હું વિચારમાં ડૂબી ગયો હતો...'

'વિચાર સારા હોય તો મને કોઇ વાંધો નથી...' એ સ્ત્રી મુસ્કુરાઇને બોલી ત્યારે એનો અર્થ પકડવાનો અખિલે વ્યર્થ પ્રયત્ન કર્યો. એણે આગળ કહ્યું:'ક્યાં જવું છે?'

'તમે કઇ તરફ જઇ રહ્યા છો?' અખિલે સામો સવાલ કરતાં પૂછ્યું.

'તમારે જવું છે એ તરફ જ...' એ સ્ત્રીએ હસીને કહ્યું ત્યારે અખિલ નવાઇ પામી ગયો. આ સ્ત્રીને કેવી રીતે ખબર પડી કે મારે ક્યાં જવું છે. એણે પૂછી જ લીધું:'મારે કઇ તરફ જવું છે એની તમને કેવી રીતે ખબર પડી?'

'તમે આ દિશામાં ઊભા રહીને મદદ માગી છે એટલે સ્વાભાવિક છે કે આગળ કોઇ જગ્યાએ જવાનું છે...જે દિશામાં હું જઇ રહી છું.' સ્ત્રીએ બિંદાસ કહ્યું.

'હા પણ મેં સ્થળનું નામ આપ્યું નથી અને તમે તમારું નામ આપ્યું નથી.' અખિલ અવાક થઇને બોલ્યો.

'હા, પહેલાં કહી દઉં કે મારું નામ સારિકા છે. અને હું વાસ્તુપાર્ક ખાતે જ જઇ રહી છું...' સ્ત્રીએ પોતાનો પરિચય આપતાં કહ્યું.

'તમે કેવી રીતે જાણી ગયા કે હું વાસ્તુપાર્ક જવાનો છું?' અખિલ એક પછી એક આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. તેને આ સ્ત્રી રહસ્યમય લાગી રહી હતી.

'હું વાસ્તુપાર્કમાં જ રહું છું....' સ્ત્રીએ ખુલાસો એવી રીતે કર્યો જાણે તે અખિલને ઓળખતી હોય.

'અચ્છા, તમે વાસ્તુપાર્કમાં જ રહો છો. એટલે તમને મારા વિશે જાણ છે...' અખિલને હવે હકીકત સમજાઇ. એ સાથે રાહત થઇ કે અડધી રાત્રે કોઇ જાણીતું જ મળી ગયું છે. હવે ડરનો કોઇ પ્રશ્ન નથી.

'હા, હવે બેસી જાવ તો હું કાર આગળ ચલાવું. આ અંધારી જગ્યા ડર લાગે એવી છે. અને હું એક એકલી સ્ત્રી છું...' સ્ત્રીએ ઉતાવળ કરતાં કહ્યું.

'હા-હા.' કહેતો અખિલ આગળની તરફ બેસવા દોડ્યો. તે દરવાજો ખોલી ઝડપથી સારિકાની બાજુમાં બેસી ગયો. એણે કાર ઉપાડી અને બોલી:'તમે જે ઇમારતમાં રહો છો એમાં જ મારો ફ્લેટ છે...' સારિકાએ અખિલને ઓળખવાનું કારણ આપ્યું..

'ચાલો સારું થયું તમે મળી ગયા. નહીંતર આ રોડ પર તો રાત્રે ચકલુંય ફરકતું નથી. આખી રાત મારે અહીં જ ઊભા રહેવું પડ્યું હોત... બાય ધ વે, તમે આટલી રાત્રે આ તરફ કેવી રીતે?' અખિલે રાહત અનુભવવા સાથે સારિકાના આગમન વિશે પૂછી જ નાખ્યું.

'કેમ અમે સ્ત્રીઓ રાત્રે ફરી ના શકીએ?!' કહી સારિકાએ મોટેથી હસીને સવાલ કર્યો.

'ના-ના, મારો કહેવાનો અર્થ એવો હતો કે એક સ્ત્રી તરીકે તમને રાત્રે એકલા ડર ન લાગ્યો? કારમાં મુસાફરી કરવાનું સલામત ખરું. પણ મારા જેવા અજાણ્યાને તમે લિફ્ટ આપીને હિંમત કરી કહેવાય...' અખિલે સ્પષ્ટતા કરતાં કહ્યું. એ સાથે સારિકા બહુ સરસ રીતે ડ્રાઇવિંગ કરી રહી હતી એની નોંધ લઇ રહ્યો હતો.

'હું તમને અંધારામાં પણ દૂરથી જ ઓળખી ગઇ હતી. આજે તમને સવારે ચાલતા જતા જોયા હતા. મારે પડોશી ધર્મ બજાવવો જ રહ્યો...' સારિકાએ આગળ રોડ પર જ નજર નાખીને કહ્યું.

'આભાર! કોઇ અગત્યનું કામ હશે એટલે આટલી રાત્રે નીકળવું પડ્યું હશે નહીં?' અખિલે એકલી સારિકાને જોઇ મનમાં રમતો પ્રશ્ન ફરીથી નવી રીતે પૂછ્યો.

'હું તો રાત્રે જ ફરું છું. મારું કામ જ રાત્રે હોય છે...' બોલીને સારિકાએ એક મીઠી નજર અખિલ પર નાખી. અખિલ સહેજ થથરી ગયો. તેના મનમાં રાત્રિનું કામ એક સ્ત્રીને શું હોય શકે એની ક્યાંક સાંભળેલી વાત યાદ આવી ગઇ. તેનો ઓફિસનો મિત્ર જ કહેતો હતો કે આજકાલ કેટલીક સ્ત્રીઓ રાત્રે ધંધો કરે છે. કુંવારી જ નહીં પરિણીત સ્ત્રીઓ પણ આ ધંધામાં જોડાઇ રહી છે.

અખિલથી પોતાના મનમાં ઉદભવેલો પ્રશ્ન પૂછી શકાય એમ ન હતો. એટલે જુદી રીતે પૂછ્યું:'તમારા હસબન્ડ શું કરે છે?'

'નથી... મતલબ કે હું હજુ અપરિણીત છું... એ કારણે તમને મારી કારમાં બેસવાનો કોઇ વાંધો નથી ને?' સારિકાએ પ્રશ્ન પરથી એના મનના સાચા વિચારો સમજી લીધા હોય એમ પૂછ્યું.

'ના-ના, પણ સ્ત્રીઓએ રાત્રે ના નીકળવું જોઇએ. તમારે કામ માટે ક્યાં જવાનું હોય છે?' અખિલે સલાહ આપવા સાથે પૂછી જ લીધું.

'જનતા ઇમારત છે ને? એંશી ફીટ રોડ પર? બસ ત્યાં જ...' સારિકાએ કહ્યું.

'કોઇ કંપનીની ઓફિસ છે?' અખિલે આગળ પૂછ્યું.

'હા, તમને કદાચ ખ્યાલ હશે...? બીજા માળે 'ગુડ સ્પા' છે ને...?' સારિકાએ સામો સવાલ કર્યો અને અચાનક બ્રેક મારી. કાર સહેજ ફરીને ઊભી રહી ગઇ. પણ એ આંચકામાં અખિલ તનમંથી હલી ગયો હતો. તેનો હાથ સારિકાના હાથને સહેજ સ્પર્શી ગયો. તનમનમાં ઝણઝણાટી થઇ આવી. એનું રૂપ ખરેખર કાતિલ હતું. એની આખી દેહયષ્ટિ કોઇપણ પુરુષને રોમાંચ જગાવે એવી હતી. અખિલે પોતાનામાં રહેલા પુરુષ પર સંયમ રાખીને કહ્યું:'સોરી, શું થયું? અચાનક બ્રેક મારવી પડી?'

'આગળ કૂતરાનું બચ્ચુ આવતું લાગ્યું...' સારિકાએ જવાબ આપીને કાર પાછી ઉપાડી.

'ગુડ સ્પા' નું નામ સાંભળીને અખિલ ચમકી ગયો હતો. એણે થોડા મહિના પહેલાં અખબારમાં વાંચ્યું હતું કે એમાં સ્પાના નામ પર છોકરીઓ ધંધો કરતી હતી. અગાઉ પણ બે વખત 'ગુડ સ્પા' પર દરોડા પાડવામાં આવ્યા હતા. થોડા દિવસ બંધ રહીને કોઇની મહેરબાનીથી એ સ્પા ફરી ધમધમતું થઇ જાય છે. મતલબ કે આ સારિકા ધંધાદારી સ્ત્રી છે. એ એના રૂપથી જ આ ધંધામાં આવી હશે. એને સારિકાની કારમાં લિફ્ટ લેવાનો હવે અફસોસ થઇ રહ્યો હતો.

'બાજુમાં એક સુંદર સ્ત્રી બેઠી છે અને તમે રોમાંચ અનુભવવાને બદલે ગંભીર કેમ થઇ જાવ છો?' સારિકાએ હસીને ટીખળી સ્વરમાં પૂછ્યું.

'જી... બસ એમ જ.' અખિલને થયું કે એ ફસાઇ ગયો છે. સારિકા વાતોમાં પોતાપણું બતાવી રહી છે. જો આ ધંધાદારી સ્ત્રી કોઇ તાયફો કરશે તો અડધી રાતે મારી ઇજ્જત જશે. ઘણી સ્ત્રીઓ પુરુષોને આ રીતે ફસાવીને પૈસા પડાવતી હોય છે. તેને થયું કે સારું છે કે દિવસે એની લિફ્ટ લેવાની નોબત આવી નહીં. હવે એનાથી કેવી રીતે છૂટકારો મેળવવો એના વિચાર કરવા લાગ્યો. અડધેથી ઉતરી જવાય એમ ન હતું. વળી એ મારી જ ઇમારતમાં રહેતી હોવાથી છેક સુધી એની સાથે જવું પડે એમ હતું.

અખિલ વિચારમાં અટવાયો હતો ત્યારે સારિકાએ ટેપ ચાલુ કરી અને એમાં ગીત શરૂ થયું:'રાત કે હમસફર થક કે ઘર કો ચલે, ઝૂમતી આ રહી હૈ સુબહ પ્યાર કી, દેખકર સામને રૂપ કી રૌશની, ફિર લૂટી જા રહી હૈ સુબહ પ્યાર કી...'

સારિકાએ બીજી પંક્તિ વખતે એક પ્રેમભરી નજર અખિલ તરફ નાખી ત્યારે એ પાણી પાણી થઇ ગયો. તેના મનમાં પ્રશ્ન થયો. સારિકાએ આ ગીત જાણી જોઇને મૂક્યું હશે કે એમ જ આવી ગયું હશે? ખરેખર એના રૂપની રોશનીમાં કોઇપણ અંજાઇ જાય એમ હતું.

'સરસ ગીત છે નહીં?' સારિકાએ પૂછ્યું એટલે તે વધારે ચમકી ગયો. ગીતના શબ્દોથી કોઇ ઇશારો કરતી હશે?

'હં...હા... તમે શું કામ કરો છો?' અખિલે વાત બદલીને બેધડક પૂછી જ લીધું.

'હું...કોલ...' બોલીને તે અટકી ગઇ. તેણે ફરી બ્રેક મારવી પડી હતી. આગળ રોડ પર એક ખાડો આવી ગયો હતો. એ ખાડો એટલો મોટો ન હતો કે કારને અચાનક રોકવી પડે.

સારિકા 'કોલ' શબ્દ બોલીને અટકી ગઇ ત્યારે અખિલના મનમાં 'કોલગર્લ' શબ્દ પડઘાયો હતો. કોઇપણા પુરુષના તનમનમાં હલચલ મચાવી દે એવું એનું કાતિલ રૂપ હતું. સાથે એની અદા, મોડી રાતનો સમય અને એના નખરાળા ઇશારા એમ માનવા પ્રેરિત કરતા હતા કે તે કોણ હોય શકે. એ વધારે સાવધ થયો. એણે કારની સીટ પર જ શરીર સહેજ સંકોચી લીધું. હવે સારિકા શું કરશે એની કલ્પના કરીને તે ધ્રુજી ગયો. ક્રમશ: